કથા-સપ્તાહ - લકી ગર્લ (કિસ્મતનો ખેલ - 2)

આંચલનો જ ગાલ ચૂમી લેવો હતોને.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |

નવ્યાના છણકાએ અધિકારને દોષ પકડાયો. કહેવું હતું કે આંચલને તું સમજે એવી એંટવાળી નથી, આજે નવી જ આંચલ ઊઘડતાં મને ૫૨ખાયું... પણ બગડેલા મૂડમાં આવું કહી નવ્યાને શા માટે ખળભળાવવી!

‘નવ્યા માટે અમને તારા જેવો જ જમાઈ જોઈતો’તો... ’ સવિતાકાકી ભાવથી કહેતાં.

બીજા મિત્રો કરતાં વિશેષ પ્રમાણમાં નવ્યાની નિકટ રહેતો અધિકાર નવ્યાને ગમતો હોવાનું કાકા-કાકીથી છૂપું નહોતું, ભલેને નવ્યા ખુલાસીને ન કહે.

ઘરે પણ નવ્યા વટથી રહેતી. વાલકેશ્વરની વિલામાં ઉપલા માળે સૌથી મોટો રૂમ તેનો હતો. તેની દરેક જીદ, રઢ સ્વીકારતાં કાકા-કાકી અધિકારને બહુ પ્રેમાળ લાગેલાં. મુંબઈ બહાર ભણતો ઉમંગ વેકેશનમાં જોવા મળે, પણ નવ્યા તો તેનાથીય ઊખડી જ રહે.

‘કૉલેજમાં તારો ઍટિટ્યુડ સમજાય નવ્યા, પણ ઘરમાંય...’

એકાદ વાર અધિકારે જાણવા-સમજવાની-સમજાવવાની કોશિશ છેડતાં નવ્યાએ તરત તો છણકો કરેલો - મારે મારા ઘરમાં કેમ રહેવું એ તારે મને સમજાવવાની જરૂર નથી.

પછી પોતે વધુપડતું બોલી નાખ્યું હોય એમ ગિલ્ટ દાખવી કોટે વળગેલી - તું કાકાકાકીનો પ્રેમ જુએ છે, ઉમંગની લાગણી તને દેખાય છે; પણ બધું પૈસાના સ્વાર્થે છે એ કેમ પરખાતું નથી? આજે મારા ડૅડીના પૈસાથી તેમની લાઇફ સેટ થઈ છે, મારા પ્રત્યે લાગણી રાખી તેઓ કંઈ ઉપકાર નથી કરતાં. અને હું તેમને ઑબ્લિગેશનમાં રાખી કંઈ ખોટું નથી કરતી!

આવું પાછી તે કાકા-કાકી ઉમંગને સંભળાય એમ બોલી જાય. કાકા-કાકી તો જતું કરે, પણ ઉમંગનું જુવાન લોહી ખળભળી નહીં જતું હોય?

‘અમારી હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી છે...’

પોતાને જમાઈ તરીકે આવકારનારાં સવિતાકાકી સમક્ષ અધિકારે દાણો ચાંપતાં તે અંતરદ્વાર ખોલી દેતાં,‘નવ્યા શરૂથી અમારી લાડલી. જેઠ-જેઠાણી હતાં ત્યારે એ આવી નહોતી. ધાર્યું કરતી, પણ તેની જીદ મીઠી લાગતી. કાર-અકસ્માતમાં જેઠ-જેઠાણીના નિધને નવ્યા એકલી પડી. માંડ દસ વરસની ઉંમર. કેવી હેબતાઈ ગયેલી છોકરી ત્યારે!’

અધિકારને જાણ હતી. કોલાબા ખાતે સોશ્યલ ફંક્શનમાં ગયેલાં શ્રેયસભાઈ-નિર્મળાબહેનની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. નસીબજોગે ત્યારે નવ્યા એમની સાથે નહોતી. JCBની ટક્કરને કારણે કચડાઈ ગયેલી કારમાં પિસાઈને મૃત્યુ પામેલાં માબાપનું દૃશ્ય નવ્યાએ જોયું નહોતું, પણ સાંભળ્યા પછીય બાળકી ઊંઘમાંથી ઝબકી જતી. લાડ-પ્યારભરી જિંદગીમાં ભૂકંપ આવ્યો હતો. નવ્યા માટે એ જિંદગીનો સૌથી વસમો આઘાત હતો. અત્યંત લાડ-પ્યારથી ઉછેરનાર માબાપ ન રહ્યાં, ઘર ખાવા ધાતું. હૈયાને હૂંફની જરૂર હતી એ ત્યારે સવિતાકાકીમાં વરતાયેલી.

‘ક્રિયાપાણી સુધી હું ભત્રીજીની સંભાળમાં રહી, પછી તો તેણે જ અમને તેડાવ્યાં. જેઠજીનો વેપાર સંભાળી લેવા કહ્યું.’

આંખમાં તગતગતાં અશ્રુ સાથે દસ વરસની બાળકી કહે ત્યારે કોઈ પથ્થરદિલ જ હોય જે ઇનકાર કરી શકે. સુરેન્દ્રએ ધીરે-ધીરે પોતાનો ધંધો સમેટી શ્રેયસભાઈના વેપારને આગળ ધપાવ્યો. ઉમંગને પણ નવા મોટા ઘરમાં મજા આવી. સાવિત્રીએ ઘર સંભાળી લીધું. નવ્યાને કોઈ વાતનું ઓછું ન આવવા દેતી. સમાજમાં ઘણાએ આમાં સુરેન્દ્રનો સ્વાર્થ જોયો. બધું કબજે કરી નાનકડી નવ્યાને રસ્તે રઝળતી ન કરી દેને એવી ભીતિ દર્શાવાનું પણ ન ચૂક્યો સમાજનો એક વર્ગ.

વખત વીતતાં એ ફડક બોદી પુરવાર થઈ બલકે સુરેન્દ્ર-સવિતાની ચાકરીનો દાખલો દેવાવા લાગ્યો.

(નવ્યા ત્યારે ૧૩-૧૪ની હશે. માતાપિતાના મૃત્યુનો આઘાત પચાવી જિંદગીમાં આગળ વધેલી તે કિશોરાવસ્થામાં પ્રવેશી ચૂકેલી. કાકા-કાકીનાં વખાણ થાય એનો વાંધો નહોતો, પણ એમાં પોતાને અનાથ, બિચારી બનાવી દયા ખવાય એ નવ્યાને સહેજે કબૂલ નહોતું. આત્મગૌરવની સભાનતા, ધાર્યું કરવાની દૃઢતા પહેલેથી. એમાં વાર થતાં પ્રતિક્રિયારૂપે તેણે જ કહેવા માંડ્યું - કાકા-કાકીને મેં તેડાવ્યાં, કાકાને વેપાર સંભાળવા મેં આપ્યો તો તેઓ આવો વૈભવ-જાહોજલાલી માણવા પામ્યાં!

પહેલી વાર સાંભળી સુરેન્દ્ર-સવિતા ડઘાયાં. શરૂ-શરૂમાં માન્યું બચ્ચી છે, મૅચ્યોરિટી આવશે એમ સત્ય સમજશે. એવું જોકે બન્યું નહીં અને નવ્યા સમજાવટની હદથી દૂર નીકળી ગઈ. તેની પોતાની માન્યતાઓ, આગ્રહો-દુરાગ્રહોના મજબૂત ચણતરમાં આ જ કેવળ સત્ય બની ગયું તેના માટે. કાકી અશ્રુ સારે તો તેને નાટક લાગે. કાકા ઠપકો દઈ ન શકે. કોઈનું પણ સાંભળી લેવાનું નવ્યાના સ્વભાવમાં ક્યાં રહ્યું છે? રક્ષાબંધને

ઉમંગ ગિફટ આપે તો વસમાં વેણ

ફટકારે - મારી જ દૌલતમાંથી તું મને ભેટ આપે છે!

‘નવ્યાના ન સમજાતા બદલાવથી ઉમંગ બહુ ડિસ્ટર્બ થઈ જતો...’ અધિકારને વિસ્તારથી કહી સવિતાકાકી ઉમેરતાં, ‘મુંબઈ બહાર ભણવામાં ખરેખર તો તેને નવ્યાથી દૂર જવાનું સુખ છે. વેકેશનમાં મળે ત્યારે પણ જુઓને...’ કહી ડોક ધુણાવેલી, ‘હું નવ્યાની ફરિયાદ નથી કરતી, તમે મન ૫૨ ન લેશ્ાો. તે જે કંઈ હશે સીધું મોં પર કહેશે. તેનામાં બનાવટ નથી...’

‘સાચું કહું તો નવ્યા એકવીસની થાય કે અમારી જવાબદારી પૂરી. તેનું તેને સોંપી અમે અમારા જૂના ઘરે જતાં રહેવાનાં.’ સુરેન્દ્રકાકાએ કહેલું, ‘ઉમંગને પણ સેટ કરવાનોને... ધીરે-ધીરે એ બધું હાથ પર લઈએ. ઉમંગને પણ સમજાવી દીધું છે. એ તો રાહ જ જુએ છે ક્યારે નવ્યા એકવીસની થાય ને ક્યારે અમે અહીંથી પ્રસ્થાન કરીએ!’

‘તમે ગ્ામે તે કહો, નવ્યાને સાસરે વળાવ્યા-પરણાવ્યા વિના આપણાથી ક્યાંય ન જવાય.’ સવિતાકાકી ત૨ત કહેતાં, ‘જવાન છોકરીને એકલી હું તો નહીં છેાડું.’

અધિકાર નતમસ્તક થયેલો. હિન્દી મૂવીઝમાં એવું જોયું છે કે અનાથ ભત્રીજીની મિલકત પર અડિંગ્ાો જમાવી કાકા-મામા કાવતરાં રચતા હોય, અહીં તો ત્યાગની વાત છે.

બાદમાં અધિકારે નવ્યાને આ વિશે કહેતાં તેણે હોઠ વંકાવેલા -

‘અધિકાર, તું બહુ સીધો છે. દાદીમાની જ અસર.’ હસી લઈ નવ્યા ગંભીર બનેલી, ‘સાંભળ્યું તો મેં પણ છે. કાકાએ જ મને કહેલું. મેં પણ કહી દીધું, તમારે જવું હોય તો મરજી તમારી! પણ કહેવામાં અને કરોડપતિની મિલકત ખરેખર છોડવામાં ઘણું અંતર છે. કોઈ ક્યાંય જવાનું નથી જોજેને!’

એ જોવા માટે હવે વધુ રાહ પણ ક્યાં જોવાની છે? બીજા મહિને નવ્યાનો એકવીસમો બર્થ-ડે આવે છે...

બર્થ-ડે યાદ કરી અધિકારે મન વાળી લીધું. નવ્યાને મનાવી લીધી.

એથી જોકે નવ્યાનો ઇરાદો નહોતો બદલાયો!

€ € €

રિયલી અ મેમરેબલ ઈવ!

સાંજે સાત વાગ્યે આવ્યા હતા એમ જ બસમાં ગોઠવાતી વેળા કૉલેજ ગ્રુપના દરેક સભ્યનો એક જ સૂર હતો - બહુ મજા આવી!

‘તમે બધા થાક્યા હશો એટલે ફૂડ-પૅકેટ સાથે મેં એનર્જી‍ ડ્રિન્કનો પણ પ્રબંધ રાખ્યો છે...’

નવ્યાની અનાઉન્સમેન્ટને વધાવી લેવાઈ.

‘એનર્જીની તો મને બહુ જરૂર છે!’ બારીએ બેઠેલી આંચલે મળેલી ડ્રિન્ક બૉટલ મોંઢે માંડી. આખા દિવસની દોડાદોડી હવે જવાબ માગતી હતી.

ત્યાં ડ્રાઇવર રામસિંહે બેઠક લીધી. AC ચાલુ થતાં ટાઢક પ્રસરી. બારીના કાચ પર માથું ટેકવતી આંચલે જોયું તો બસનાં આગળપાછળનાં પૈડાંના ગૅપ વચ્ચેથી રેડ હૅટ સરકી આવી. પવનના ઝોકાને કારણે હશે? અરે, પણ બસ નીચે ટોપી આવે જ ક્યાંથી? કદાચ બીજી બાજુથી ફંગોળાતી આવી હશે... એ સાથે જ હળવા ધક્કાભેર બસ ઊપડી ને થાકેલી આંચલની આંખો ઘેરાવા માંડી.

‘શીશ....’

બસે હાઇવે પકડ્યો એટલે આંચલની નીંદરની ખાતરી કરી નવ્યાએ ઊભા થઈ બાકીનાની ઉત્કંઠા વધારી દીધી,

‘આજે આપણા સૌમાં સૌથી વધુ મજા આંચલે માણી. હવે આપણે

તેની થોડી મજા લઈએ તો ખોટું ન ગણાય...’

‘મતલબ?’ દૃષ્ટિએ પૂછતાં આંચલ થોડી સળવળી એટલે નવ્યાએ બેસી જવું પડ્યુ. બોલીને સમજાવવું શક્ય ન લાગ્યું એટલે પછી નાનકડી કાપલી પાસ ઑન કરી : વી આર મેકિંગ હર પોન. રિટર્નમાં આપણે આંચલને તેના ઘરની ગલીના નાકે ઉતારવાના છીએ... તે ગલીમાં વળે કે આપણે સૌએ તેની પાછળ ભૂતનો માસ્ક પહેરી જવાનું છે, પછી જુઓ તે કેવી ભડકીને ભાગે છે! માસ્ક મારી પાસેથી કલેક્ટ કરવાનું ભૂલશો નહીં અને ખબરદાર, આંચલને આની ગંધ ન આવે!

અધિકારને થયું, આવી નિર્દોષ ટીખળનું ખોટું લગાડવાનું ન હોય. બીજાનીય સંમતિ જણાઈ એથી નવ્યાને બૂસ્ટ મળ્યું : છેવટે તો પ્રવાસમાં આંચલ, તું ગભરાટની મારી કેવી ચીસાચીસ કરે છે એ જ યાદ રહેવાનું! એ આઇડિયા મારો એટલે યશ પણ મને!

એસ્સેલવર્લ્ડમાં ફરતાં મુખવટાના સ્ટોર પર નજર જતાં આ આઇડિયા સૂઝ્યો હતો. હવે જુઓ મજા!

€ € €

‘બાય!’

ગલીના નાકે બસ ઊભી રહી. બધાનો આભાર માની ગુડનાઇટ કહી આંચલ બસમાંથી ઊતરી.

રસ્તો થોડો સૂમસામ હતો. અડધી ગલી વટાવી હશે કે ધડામના અવાજે વાતાવરણ કંપાવી દીધું. ધરતીકંપ

થયો હોય એમ કેટલાક મકાનના કાચ હાલી ઊઠ્યા.

‘વૉટ વૉઝ ધૅટ!’

કાને પડતા શબ્દોએ આંચલને ચમકાવી - આ તો નવ્યાનો અવાજ! પાછળ વળી જોયું તો પોતાને બીવડાવવા ભૂતનો માસ્ક લઈને આવનારા પોતે જ ડઘાયેલા લાગ્યા.

‘બસમાં આગ લાગી.’

આજુબાજુથી નીકળી ગલીના નાકા તરફ જતા ટોળામાંથી આવેલા અવાજે દરેકના ચિત્તમાં એક જ ઝબકારો થયો. બધા બહારની દિશામાં દોડ્યા. એમાં અધિકાર-નવ્યા-આંચલ અગ્રીમ હતા.

અને ધાર્યું દૃશ્ય જોવા મળ્યું - હા, તેમની જ AC બસ ભડ-ભડ સળગી રહી હતી.

‘નસીબજોગે બસમાં કોઈ નહોતું...’ થોડે દૂર ડ્રાઇવર રામસિંહ પબ્લિકને કહેતો સંભળાયો, ‘અહીં એક છોકરી ઊતરી તેની પાછળ બીજા સ્ટુડન્ટ્સ નીકળતાં ખ્ઘ્ની ઠંડક રહે એ માટે બસનું એન્જિન ચાલુ જ રાખી હું અને શેરુ (ક્લીનર) પણ પગ છૂટો કરવા આ પાનના ગલ્લે આવ્યા ને બીજી જ પળે...’ તે ધþૂજી રહ્યો.

નજર સામે બળતી બસમાં જીવતાં ભૂંજાઈ શકવાનો ખૌફ ડ્રાઇવર-ક્લીનર જેટલો જ દરેકેદરેક સ્ટુડન્ટની આંખોમાં છવાયો હતો.

‘આ રહી એ છોકરી!’

આંચલ તરફ આંગળ ચીંધતાં ત્રીસેક વરસનો રામસિંહ દોડ્યો.

‘તેની સાથે રમત કરવા બીજા ન ઊતર્યા હોત તો...’ કહેતો તે શબ્દશ: આંચલનાં ચરણોમાં ઢળ્યો,

‘તેં અમને ઉગાર્યા. મેરી બીવી પેટ સે હૈ. તને અમારા ન જન્મેલા બચ્ચાની દુઆ મળશે...’

‘લકી ગર્લ!’

લોકોએ આંચલને આપેલી નવી ઓળખ એકમાત્ર નવ્યાને નસ્તરની જેમ ચૂભી - ખરેખર તો આંચલને ડરાવવાના મારા આઇડિયાને કારણે સૌ નીચે ઊતર્યા એ હિસાબે બધાએ મારો જશ ગાવો જોઈએ - એને બદલે આંચલ નસીબવાળી ગણાય એ કેમ ચાલે?

€ € €

લકી ગર્લ!

મહિના અગાઉના બસ

ફાયર-ઍક્સિડન્ટમાં કૉલેજના સ્ટુડન્ટ્સ ઉપરાંત બસના ડ્રાઇવર-ક્લીનર એક છોકરીને કારણે ઊગર્યાના સમાચાર નૅશનલ ન્યુઝ બની ગયેલા. દરેકમાં આંચલ માટે એક જ ટાઇટલ વપરાતું - લકી ગર્લ! 

‘અમે કાગડોળે તારી રાહ જોતા હતા. એમાં ધડાકો સંભળાયો. પછી બાજુવાળા નીલેશભાઈએ ગલીના નાકે બસ સળગ્યાનું કહેતાં એવી તો ફાળ પડી... સદ્ભાગ્યે તારો મોબાઇલ લાગ્યો ને તું-તમે સૌ સલામત છો જાણી જીવમાં જીવ આવ્યો...’

મારાં પપ્પા-મમ્મીની જેમ નજીક રહેતા બીજા પેરન્ટ્સ પણ દોડી આવેલા. બસની અવદશા જોઈ બધા સ્ટુડન્ટ્સ બચ્યાની ખુશીમાં રડી પડેલા. એકમેકને વળગી આશ્વસ્ત કરતી વેળા અમીરી-ગરીબીનો ભેદ ભુલાઈ ગયેલો. પછી તો પોલીસ આવી, મીડિયા હાજર થયું...

‘ખરાબ ક્વૉલિટીને કારણે વાહનોમાં આગ લાગવાના અકસ્માત વધી ગયા છે. અહીં પણ ધડાકાભેર એન્જિન ફાટ્યું ને જોતજોતામાં આગ પકડાઈ ગઈ..’

ટોળામાં ચર્ચાતું આ અનુમાન સચોટ હતું છતાં પોલીસે તેમની રીતે પૂછપરછ કરી હતી. પોલીસમાં બયાન નોંધાવીને છૂટા પડતાં સહેજે બાર વાગી ગયેલા. આંચલને સૌ લકી ગર્લ કહેતા હતા એટલે મધરાતે ઘરે આવીને પહેલું કામ નિર્મળાબહેને દીકરીની નજર ઉતારવાનું કર્યું હતું.

‘બીજાના જીવ બચાવવામાં કુદરતે તને નિમિત્ત બનાવી એનું અભિમાન પોષવાને બદલે કુદરતને નતમસ્તક થજે. એટલું જ ઘટનાનું તાત્પર્ય.’ પિતાએ સમજાવેલું, ‘બાકી તારી પાસે લકનો સુપર પાવર છે એવો ભ્રમ સેવવાથી દૂર રહેજે.’

આંચલે પોતે એનું ભારણ રાખ્યું નહોતું, પણ બીજી સવારનાં અખબારોમાં, મીડિયામાં આગલી રાત્રે ઘટનાસ્થળે લેવાયેલા ફોટોઝ-ઇન્ટરવ્યુઝ રજૂ થતાં સગાંસ્નેહી તરફથી વધાઈ મળવા માંડી - આંચલ આમેય ઠાવકી ને ડાહી. અમને તો હતું જ કે તેનામાં કોઈ ચમત્કારિક ગુણ છે...

‘પોતાના નસીબને કારણે માણસ અકસ્માતથી ઊગરે, પણ તે બીજાને ઉગારવામાં નિમિત્ત બને ત્યારે સુપર લકી પુરવાર થતો હોય છે.’

ઘટનાના ત્રીજા દહાડે ઊગરી ગયેલા તમામ સાથે ઈશ્વરનો આભાર માનવા કૉલેજના ઑડિટોરિયમમાં નાનકડી સભા યોજાઈ હતી, જેમાં ખાસ હાજર રહેલા ટ્રસ્ટીસાહેબે આંચલને વખાણી હતી - બચેલા તમામની જિંદગીનો યશ તને જાય છે, છોકરી.

તાળીઓના ગડગડાટથી પોતાને વધાવી લેવાઈ એથી સંકોચ અનુભવ્યો હતો આંચલે. સમાચાર તો બીજા લોકો આજે વાંચી કાલે ભૂલી જશે, પણ મારી આસપાસના પરિસરમાં જોવા મળતો બદલાવ જલદી નહીં બદલાય! આંચલને એની થોડી પરેશાની રહેતી.

આ લકી ગર્લનો થપ્પો મારવાનું લોકો ભૂલે તો સારું!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK