કથા-સપ્તાહ - જ્વાળા (ઘટનાચક્ર - ૧)

‘ૐ...’


jwala

અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ

નાભિમાંથી ઊઠતા ઓમકારના નાદે ઘરમાં જાણે ચેતના પ્રસરાવી દીધી. અજાતશત્રુનો કંઠ પણ કેવો પાણીદાર છે. પૌરુષથી સભર!

રસોઈઘરમાં ચા-નાસ્તો તૈયાર કરતી સ્વામિનીના હોઠ મલકી ગયા.

પતિ સવારની પૂજામાંથી પરવારે ત્યાં સુધીમાં અજાતને બહુ ભાવતી સ્વામીની સ્પેશ્યલ ચા સાથે નાસ્તાની બે-ત્રણ વરાઇટી તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર સજાવી દેવાનું તેને ગમતું. આ સમયે નિરાંતે વાતો થઈ શકતી. આમ તો કટલરીનો બિઝનેસ ધરાવતા અજાતને દિવસભર ઑફિસ, ફૅક્ટરી અને માર્કેટમાં ભાગાદાડી રહેતી હોય; પણ ઘરે હોય ત્યારે તેમને આપણા માટે જાણે ફુરસદ જ ફુરસદ હોય.

‘મારા ઘરનો સમય મારી ફૅમિલીનો...’ અજાત્રશત્રુ રણકાભેર કહે પણ ખરા.

માતા-પિતાના દેહાંત બાદ ફૅમિલીમાં તો અમે બે જ રહ્યા... વરલીનું આ વૈભવી પેન્ટહાઉસ, ધીકતો બિઝનેસ બધું અજાતે જાતમહેનતથી ળભું કર્યું છે. સ્વામિની વાગોળી રહી:

‘તારા સસરાની તબિયત નાજુક રહ્યા કરે એટલે સમજને કે પંદર-સોળનો થતાં અજાત આપકમાઈની ચક્કીમાં જોતરાઈ ગયેલો. સમાંતરે અભ્યાસ પણ ચાલુ. ભણવામાં હોશિયાર અને ઉદ્યમી. નસીબજોગે લાઇન પણ એવી મળી ગઈ કે તે સડસડાટ આગળ વધતો ગયો. પાંચ-સાત વરસમાં તો ઘર-ફૅક્ટરી કરી દીધાં.’ નંદિનીમા ગર્વભેર કહીને ઉમેરતાં, ‘અમને એથી વધુ સંતોષ એ વાતનો છે કે દીકરો અમારા માટે ચાંદ જેવી વહુ લાવ્યો. રૂપાળી એવી જ ગુણવંતી.’

‘સદ્ભાગ્ય તો મારું મા કે હું આવાં વર-ઘર પામી.’

આ કેવળ બોલવા ખાતર બોલાયેલા શબ્દો નહોતા. સ્વામિનીને આની અનુભૂતિ હતી.

બેઉનાં અરેન્જ્ડ મૅરેજ હતાં. સ્વામિની માટે અજાતશત્રુનું કહેણ આવ્યું ત્યારે અજાત સેટલ થઈ ચૂકેલો. આર્થિક દૃષ્ટિએ કશું જોવાનું નહોતું, કુટુંબની ખાનદાનીમાં કહેવાપણું નહોતું. છતાં ખુદ સ્વામિનીના ઘરના ખાસ ઉત્સાહિત નહોતા.

‘એક તો તે ઉંમરમાં તારાથી મોટો. તું હજી બાવીસની થઈ ને તે ૩૦નો.’ સ્વાતિમાએ ખચકાઈને ઉમેરેલું, ‘વળી દેખાવમાં પણ કંઈ ખાસ ન મળે. તારા સૌંદર્ય આગળ તો તે ઑર ફિક્કો લાગે.’

માની તારવણી ખોટી નહોતી. ફોટો પરથી તો સ્વામિની પણ ઢચુપચુ હતી, પરંતુ પહેલી મીટિંગ પછી તેને સહેજે દ્વિધા પણ ન રહી : આ જ હોય મારો ભરથાર!

ચહેરાથી અજાતશત્રુ કોઈને કદાચ આકર્ષક ન લાગે. બાકી તેમના સુગઠિત શરીરમાં ચપળતા છે, આત્મવિશ્વાસથી છલોછલ જુવાનમાં ગજબની મોહિની છે. લતાનાં ગીતોનો શોખીન. સેલ્ફ-મેડ પર્સન હોવાનો ઘમંડ તો સહેજે નહીં. સ્વામિનીના પિયરની સરખામણીએ અજાતનું ખોરડું ક્યાંય વધુ ખમતીધર ગણાય, પરંતુ પેન્ટહાઉસમાં રહેનારો સહજપણે વન બેડરૂમના ફ્લૅટમાં સમાઈ જાય એવો. સ્વામિની સૌંદર્યમઢી કૉલેજની બ્યુટી-ક્વીન, પરંતુ તેની હાજરીથી પોતે ઝાંખો લાગે એવી લઘુતાગ્રંથિનો અજાતમાં સદંતર અભાવ.

સામાન્યપણે આવા મેળાપમાં છોકરા-છોકરી દસ-પંદર મિનિટની એકાંત મુલાકાત કરતાં હોય, અજાત-સ્વામિનીને કલાક ક્યાં નીકળી ગયો એની ગત ન રહેલી.

‘મારી હા છે...’ સ્વામિનીએ છૂટા પડતાં પહેલાં અજાતને જ કહી દીધેલું. એમાં તેની નિર્ણયશક્તિની સાથે પરખસૂઝ પણ છતી થતી હતી. ‘ઇનકાર મને પણ નથી સ્વામિની.’ મૃદુતાથી કહીને તેણે નિખાલસપણે ઉમેરેલું, ‘પણ તમે શાંતચિત્તે વિચારી જોજો. આપણને જોઈને લોકો એમ જ કહેવાના કે કાગડો દહીંથરું લઈ ગયો.’

‘તો મારા માટે દહીંથરું તમે હશો.’ સ્વામિનીના રણકા પછી અજાતે કહેવા-પૂછવાનું ન રહ્યું. ચાર નેત્રો એક થયાં. વાયદો ઘૂંટાયો.

દીકરીની પસંદમાં પછી તો માબાપનો પણ રાજીપો ભળ્યો. અલબત્ત, વિવાહ ટાણે સગાંવહાલાં-સખીઓએ અજાતને જોયા પછી લગભગ સરખું રીઍક્શન આપેલું : અજાતની લાયકાતમાં સંદેહ નહીં હોય, પણ જોડી દેખાવમાં પણ જામવી તો જોઈએને! અજાતનું શરીરસૌષ્ઠવ સારું છે, ટોલ છે, ડાર્ક છે; બટ નૉટ સો હૅન્ડસમ!

સ્વામિની ન ગણ્યું કરતી : હું બ્યુટીફુલ છુંને એટલે પલડું સમતોલ થઈ ગયું માની લો!

‘માનવું જ હોય તો ઘણુંબધું મનાય સ્વામિની.’

લગ્નના ત્રણેક માસ પછી પિયરના એકાદ સોશ્યલ ગૅધરિંગમાં કઝિન આકાંક્ષાએ ચાર જણની વચ્ચે સંભળાવેલું...

‘મોટા ભાગના એવું માનતા હશે કે અજાતકુમાર તારા જેવી રૂપાળી પત્ની મેળવીને ફાવી ગયા, પણ હું કહીશ કે તેના જેવો અમીર આદમી પામીને તું ફાવી ગઈ. અજાતે તારું રૂપ જોયું, તેં અજાતનો પૈસો. ’

સાંભળીને સમસમી જવાયેલું.

સ્વામિનીની મામાની દીકરીબહેન આકાંક્ષા આમેય થોડી ઍટિટ્યુડવાળી. નયનમામાની સ્થિતિ સધ્ધર. મામીમાં એનો રુઆબ ભારે.

અને આકાંક્ષા તેની માને પણ ટપી જાય એવી. નયનભાઈનું ઘર સાંતાક્રુઝમાં. ત્યાંથી સ્વાતિફોઈના બોરીવલીના ઘરે આવવાનું થાય ત્યારે તો જાણે સ્વર્ગમાંથી નર્કમાં આવી ગયાં હોય એવો ભાવ મા-દીકરી દાખવે. એક વાર સ્વાતિબહેને કહી દીધેલું : તમને ન ફાવતું હોય તો ન આવશો. ઠેઠ ત્યારે તેમની બોલતી બંધ થયેલી.

સ્વમાન, સંબંધની સાચવણીનું ગણિત માતા-પિતાના વહેવાર થકી સ્વામિનીમાં ઝિલાતું ગયું. સ્વભાવભેદને કા૨ણે બે કઝિન્સને ખાસ ભળતું નહીં. બેઉ પાછી એકની એક દીકરી. મોટા થયા પછી અંતર વધતું ગયું. પોતે ઊટીની મોસ્ટ એક્સ્પેન્સિવ કૉલેજમાં ભણી હોવાનો ફાંકો દાખવવાનું આકાંક્ષા ચૂકતી નહીં. ત્યાં જ તેને તેના સપનાનો રાજકુમાર મળી ગયો. તેનાથી વરસ સિનિયર, જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ જોબનપુત્રાનો દીકરો અનુરાગ.

‘મુંબઈના ગુજરાતી સમાજમાં જોબનપુત્રાને કોણ નથી જાણતું!’ વંદનામામી પોરસ કરવામાં ઝાલ્યાં ઝલાતાં નહીં. નણંદની દીકરી કરતાં પોતાની લાડલીનું વેવિશાળ પહેલાં નક્કી થવાની ઘટના જેવીતેવી નહોતી તેમના માટે, ‘પેડર રોડ ખાતે આલીશાન બંગલો છે. સંતાનમાં અનુરાગકુમાર એકના એક. દેખાવમાંય રૂડા રાજકુમાર જેવા. એક નજરે તેમને આકાંક્ષા સાથે મહોબત થઈ હતી.’

‘હાસ્તો. આકાંક્ષા પણ બધું તોલીતાલીને જ પ્રેમમાં પડી હશેને.’ સ્વામિનીએ ઠાકવાઈથી કહેલું. એમાં સંભળાવવાની દાનત નહોતી. આકાંક્ષાનો સ્વભાવ એવો થઈ ગયેલો કે એને બંધબેસતું લાગે.

કદાચ મા૨ા એ શબ્દો યાદ રાખીને આકાંક્ષાએ મને મહેણું માર્યું? સ્વામિનીથી છએક માસ અગાઉ આકાંક્ષાનાં લગ્ન લેવાયેલાં. મોભાદાર સાસરું, ફૉરેનમાં હનીમૂન. વંદનામામી મલાવા કરતાં રહેતાં, પણ પછી સ્વામિનીનો ભરથાર પણ એવો જ ધરખમ હોવાનું જાણીને મામી-આકાંક્ષા બહુ રાજી ન જ થયાં હોય. એમાં અજાતશત્રુના દેખાવને હાથો બનાવીને તેઓ રહી-રહીને મહેણાં મારવાના હોય તો બ્રેક મારવી રહી, મૂંગા રહ્યે નહીં ચાલે.

‘અમે એકમેકમાં શું જોયું એ ત્રીજા કોઈને કેમ પરખાય?’

આમ તો ચર્ચાનો અહીં અંત આવ્યો ગણાય, પણ ના. આકાંક્ષા જેનું નામ. જ્ઞાતિના મેળાવડા કે સામાજિક ફંક્શનમાં વિષય ઉખેળી કહી દે - અમારી સ્વામિનીએ તો પૈસો જોયો!

સ્વામિનીના જાણમાં આવતું, તે થથરી જતી.

‘ટેક ઇટ ઇઝી...’ અજાત સમજાવતો, ‘મારા પેરન્ટ્સની તેં કેટલી સેવા કરી, તેમની આંતરડી ઠારી. એ નિતાંત સ્નેહ વિના શક્ય ન બને એટલીયે જેને સમજ ન હોય તેમની ટીકા-ટિપ્પણીના શા મોલ!’

બધું સાચું, છતાં સ્વામિનીને આ એક અણખટ રહી ગઈ છે. એક રૂપવતી નારી ઓછા દેખાવડા પુરુષને પરણે એમાં સ્વાર્થ જ શા માટે હોવો જોઈએ? આમ તો સૌ સુફિયાણાપણે કહેતા હોય કે શરીરનું સૌંદર્ય જ સઘળું નથી, માણસનો અંતરાત્મા સુંદર હોવો જોઈએ. શા માટે એ નિયમ અહીં લાગુ નથી કરાતો? જસ્ટ બિકૉઝ અજાતશત્રુ અમીર છે એટલે? હું ગરીબ રહી એટલે? આમાં અજાતનું જ નહીં, મારું જ નહીં; મારાં માબાપનું પણ અપમાન છે. ભલે તેમને કે અજાતને કોઈ ફરક ન પડે, મારું તો શેર લોહી બળી જાય છે.

હજી ગયા અઠવાડિયે જ અમે ઉતરાણ નિમિત્તે મમ્મીને ત્યાં ભેગાં થયાં ત્યારે મામી બોલી ગયેલાં : દીકરીએ જમાઈ સધ્ધર શોધ્યો, પછી સ્વાતિબહેનને ઘડપણની શું ચિંતા!

લોકો કેટલું દિમાગ દોડાવતા હોય છે! એમાં એ દહાડે તો આકાંક્ષા-અનુરાગ પણ કલાક માટે આવેલાં. માએ કેટલા હોંશથી સૌ માટે અંગૂરરબડી બનાવેલી. તો આકાંક્ષા કેવું બોલી : ફોઈ, હવે આવી કડાકૂટ નહીં કરવાની, સ્વામિનીને કહીને તૈયાર મગાવી લેવાનું. શ્રીમંત પુરુષને પરણ્યા પછી તેને ક્યાં ખોટ છે, એનો ફાયદો તમને પણ થવો જોઈએને!’

‘શી ઇઝ રાઇટ...’ અનુરાગે તરત ટાપસી પૂરેલી.

બેશક, અનુરાગ એક્સ્ટ્રીમ્લી હૅન્ડસમ હતો, આકાંક્ષા સાથે તેની જોડી જામતી અને સ્વભાવના પણ સરખા હોવાની પ્રતીતિ આવી પળોમાં થતી. શરૂ-શરૂમાં અનુરાગ અજાતશત્રુને વીક-એન્ડ પાર્ટીઓમાં ઇન્વાઇટ કરતો. એક-બે વાર અમે ગયાં પણ ખરાં, પરંતુ ત્યાંનું વાતાવરણ ખાસ રુચ્યું નહીં. બૈરાંઓ ટિપિકલ ગૉસિપ કરે અને મરદો એ જ વ્યાપારની વાતોમાં ડૂબ્યા હોય. એમાં એન્જૉયમેન્ટ ક્યાં?

‘એન્જૉય કરવું પણ કોને છે યાર!’ અજાતની નાદાની પર હસતો હોય એમ અનુરાગે કહેલું, ‘આ તો બિઝનેસ વધારવાની મેથેડોલૉજી છે. હરીફ ક્યાં રમે છે, તેને કેમ પછાડવો, આપણો ગ્રોથ કેમ કરવો - એના પાસા આવી પાર્ટીઓમાં જ ફેંકીને દાવ જીતાતો હોય છે દોસ્ત.’

અજાતશત્રુને એ ફાવે એમ ક્યાં હતું? પર્સનલ લાઇફમાં નો બિઝનેસ મૅટરનો સ્ટ્રિક્ટ રૂલ તેઓ પાળતા. અલબત્ત, ધંધાની રૂપરેખાથી, કરન્ટ અફેર્સથી મને અપડેટ રાખતા જ હોય, પણ પછી એને જ લઈને ફરવાનું એવું નહીં. અનુરાગ ટાઇ૫ પાર્ટી કરતાં અમને તો નરીમાન પૉઇન્ટની પાળે બેસીને નારિયેળપાણી પીવામાં વધુ મજા આવે. એટલે પછી અનુરાગના ઇન્વાઇટ છતાં અમે જવાનું ટાળતા. માઠું ન લાગે એ માટે પછી અજાતે કહી દેવું પડ્યું : મને પાર્ટીઓ બહુ ફાવતી નથી.

એથી અનુરાગને ઝાઝો ફેર નહોતો પડ્યો, પણ આકાંક્ષાનો તોબરો ચડી ગયેલો : તારા વરમાં રૂપ ઓછું છે એટલી જ એંટ વધારે છે!

તકલીફ એ કે આની સામે અનુરાગ માટે ઘસાતું બોલતાં મને મારા સંસ્કાર રોકતા. હા, અજાતની હાજરીમાં આ પ્રકારનો લવારો આદરવાની કોઈની હિંમત ન થાય ને ગફલતથી કહી બેઠા તો અજાત છોડે નહીં. એ દહાડે અનુરાગે ટાપસી પૂરતાં જ તે ટહુક્યા હતા, ‘તમે બિલકુલ સાચું કહ્યું અનુરાગ; પણ શું છે કે મારાં સાસુ-સસરા સંબંધમાં ફાયદો નહીં સ્નેહ જોવાનું, સીંચવાનું જ શીખ્યાં છે. મામી, તમે પણ તમારાં નણંદને ભણાવી ન શક્યાં!’

જો થઈ છે. આકાંક્ષા-અનુરાગને રબડી ખાટી લાગી હશે ને મામી તો એવાં ગાલાવેલા થઈ ગયેલાં; પણ શું કહે, કયા મોઢે કહે!

- અત્યારે પણ એ યાદ કરીને સ્વામિનીના હોઠ મલકી પડ્યા. છતાં નીકળતી વખતે આકાંક્ષા એકાંતનો લાભ લઈને મને કહેવાનું નહોતું ચૂકી, ‘કહેવું પડે, વરજીને બરાબર પકડમાં લઈ લીધા છે તેં. હાસ્તો. બિચારા આમેય તારી આગળ પાણી ભરે. બધું વિચારીને જ તેં તેમને પસંદ કર્યા હોયને!’  

હે રામ. પાંચ દિવસ પછી ૨૪ જાન્યુઆરીએ અમારાં લગ્નને બે વર્ષ પૂરાં થવાનાં તોય આવા લોકોથી સ્વીકારાતું નથી કે મારી પસંદમાં સ્વાર્થ નહોતો, ગણતરી નહોતી...

કાશ, એવું કોઈક મૅજિક થઈ જાય કે આકાંક્ષા જેવાની બોલતી બંધ કરી દે!

€ € €

‘સેવ-ખમણી, ભાવનગરી ગાંઠિયા, જલેબી...’

પૂજામાંથી પરવારીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતો અજાતશત્રુ બ્રેકફાસ્ટનું મેનુ જોઈને ખીલી ઊઠ્યો. તેનું સ્મિત સ્વામિનીની અસલી ખુશી.

‘મૅડમ, ૨૪ જાન્યુઆરીએ આપણી સેકન્ડ મૅરેજ-ઍનિવર્સરી છે. એનું પ્લાનિંગ કરી લઈએ?’ ચા સર્વ કરીને સ્વામિની પણ પડખે ગોઠવાઈ એટલે અજાતશત્રુએ વાત માંડી, ‘૨૪મીએ સિદ્ધિવિનાયકનાં દર્શન કરીને આપણે ગોવા જવા નીકળી જઈશું.’

ગોવા સ્વામિનીનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. એક્ઝૉટિક લોકેશનમાં અજાતશત્રુનો રોમૅન્ટિક મૂડ નીખરી આવે છે. ચાર દિવસના પ્રવાસની ઉત્તેજના અત્યારથી જ સ્વામિનીએ અનુભવી.

‘બિફોર ધૅટ, આવતી કાલની શનિવારની રાત્રે આપણે મુંબઈમાં નાનકડી પાર્ટી થ્રો કરી દઈએ. પપ્પા-મમ્મી,

મામા-મામી, આકાંક્ષા-અનુરાગ અને બીજાં કોઈ સગાંને તારે તેડવાં હોય તો તે. સ્ટાફને રવિવારે પાર્ટી આપીશું.’

સ્ટાફ માટે બહુ કન્સર્ન, કૅરિંગ બૉસ છે અજાત.

‘વેન્યુ છે નેહરુ પ્લૅનેટેરિયમ નજીકની ટેરેસ રેસ્ટોરાં - વીનસ.’

ખરેખર તો સોળ માળના કમર્શિયલ બિલ્ડિંગના મથાળે બંધાયેલી રેસ્ટોરાં વેજિસ માટે મોકાની છે. ઇન્ટીરિયર અફલાતૂન, ફૂડની ક્વૉલિટી સુપર્બ. થોડાક મહિના અગાઉ શરૂ થયેલી રેસ્ટોરાંએ ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે.

એક્સલન્ટ! રાજીપો જતાવતી સ્વામિનીને શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

€ € €

ડાયમન્ડ્સ આર ફૉર એવર!

ઉત્ક્રાંત ઝવેરી ઝળહળ હીરા નિહાળી રહ્યો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK