કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 5)

અતુલ્યને વળગીને ઝરણા સુખનીંદરમાં પોઢી ગઈ.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


કેટલા વખતે અમારું સુખ સંધાયું! આમ જુઓ તો આમાં નિમિત્ત બની હતી શ્રાવણીની ‘હત્યા’!

તિવારીની હત્યાની બીજી રાત્રે જંગલમાં પોતે મૃત્યુની વાટ જોતો હતો ત્યાં શ્રાવણીની લાશ દફનાવવા અભિ-રોશની આવી ચડ્યાં...

તેમના કૃત્યનું રેકૉર્ડિંગ પોતે કરી રાખ્યું હતું. એ પુરાવા સાથે શ્રાવણીની લાશ વસ્તી આગળ મૂકી આવવાના ઇરાદે પોતે ફરી ખાડો ઉખેળીને શ્રાવણીને ઉઠાવી. ના, ધબકારો તો ત્યારેય અનુભવાયો નહોતો. શરીર હજી ગરમ હતું. તેને ખભે નાખીને પોતે વસ્તીની દિશા તરફ વધ્યો કે વરસાદ ત્રાટક્યો. વિરામ લેવા પોતે ઘટાદાર વૃક્ષની ઓથ લીધી. શ્રાવણીને ખભેથી ઉતારી કે તેનો ઊંહકાર સાંભળ્યો!

વરસાદની રાત્રે ઘનઘોર જંગલમાં છળી મરાય એવી એ ઘટના હતી. રોશનીને આશંકા હતી એમ શ્રાવણી ખરેખર જીવતી જ નીકળી કે પછી ભૂત થઈ!

તેના ઊંહકારા તીવþ બન્યા. ના, ભૂત-પિશાચ આમ કણસતા ન હોય. અતુલ્યએ તેની નાડી ચકાસી. ધબકારાનો વેગ અત્યંત ધીમો પણ વર્તાયો.

કુદરત ક્યારેક કેવો ચમત્કાર કરતી હોય છે! રોશનીના કહેવા છતાં અભિ શ્રાવણી મર્યાના ભુલાવામાં રહ્યો : બેશક તેના ધબકારા બંધ થયેલા, પણ તે મરી નહોતી. બહુ રૅર ગણાય એવી મેડિકલ કન્ડિશનમાં તેને ઉગારવા જ જાણે પોતાને જંગલમાં હાજર રાખવાનો યોગ ઘડાયો હતો.

શ્રાવણીમાં જીવનનો ધબકારો પુરાયો, પરંતુ એ પૂરતું નહોતું. તે હજી બેહોશ છે. શી નીડ્સ ઇમિજિયેટ ફરધર મેડિકલ હેલ્પ.

- અને બસ જાણે કઈ હામે પોતે જંગલમાંથી નીકળ્યો, વસ્તી આવતાં પબ્લિક બૂથમાંથી ઘરે ફોન જોડ્યો : ઝરણા, હું નૅશનલ પાર્ક આગળ છું, તારી કાર લઈને જલદી આવી જા... 

મા-ઝરણા કેવાં પરેશાન હતાં. તિવારીની હત્યા કરીને અતુલ્ય ભાગ્યાનું જાણીને બેઉનો વિલાપ થંભતો નહોતો. અતુલ્યનો ફોન લાગે નહીં, પછી તો કાર સ્ટેશન આગળ ટ્રેસ થતાં તે છટકી ગયાના પોલીસના અનુમાન સાથે સાસુ-વહુ સંમત નહોતાં : અતુલ્ય એમ ભાગે નહીં. તિવારીને મારવા પાછળ પણ કંઈ કારણ હશે... જાતને આશ્વસ્ત કરતાં મા-ઝરણાને ખરેખર તો અતુલ્ય પોતાને કંઈ કરી ન દે એની ચિંતા વધુ હતી, પણ છેવટે અતુલ્યના ફોને વાદળ હટાવી દીધાં...

સાસુને લઈને મારતી કારે નૅશનલ પાર્ક પહોંચેલી ઝ૨ણા જોકે શ્રાવણીને જોઈને ડઘાઈ હતી. સાવિત્રીબહેન પણ હેતબાયાં. અતુલ્યનો વૃત્તાંત્ત સાંભળીને અવાક થઈ જવાયું.

‘તમે તેને આપણા ફૅમિલી-ડૉક્ટર દેસાઈસાહેબના નર્સિંગહોમ પહોંચાડો, હું...’

‘તારે ક્યાંય જવાનું નથી...’ મા આકરા બન્યાં. ‘બૂરી સોબતમાં ફસાઈને તેં વિનિપાત નોતર્યો‍ દીકરા, પણ તિવારીને મારવાનું કારણ જાણ્યા પછી કહું છું કે તેં તો રાવણને હણ્યો. મારી વહુ વિશે એલફેલ બોલનારની ગરદન વાઢીને ક્ષત્રિયધર્મ નિભાવ્યો... કાયદાની દૃષ્ટિએ એ અપરાધ હોય તો નતમસ્તક થઈને એની સજા સ્વીકારી લે, એ જ સંસ્કાર.’

‘મા સાચું કહે છે અતુલ્ય, હવે વધુ ન વિચારો.’

અતુલ્ય સમજતો હતો કે પોતે ભાંગી ન પડે, ફરી આપઘાતના રસ્તે ન જાય એ માટે બે સ્ત્રીઓ હૈયે પથ્થર મૂકીને મને વાળવા મથી રહી છે... તેમને ઇનકા૨ કરનારો હું કોણ?

‘શ્રાવણીની ચિંતા ન કરીશ અતુલ્ય. તેના નિમિત્તે તને જીવનદાન મળ્યું. તે અમારી વિશેષ લાડલી રહેવાની!’

ખરેખર એક બાજુ પોતે સરેન્ડર થયો, બીજી તરફ શ્રાવણી સંપૂર્ણ સાજી થઈ ગઈ. મા-ઝરણા સાથે તે ઘરની દીકરીની જેમ એકરૂપ થતી ગઈ... અલબત્ત, પ્રગટ થવાનું તેણે ટાળ્યું, બલ્કે સાજી થતાં અમારાથીયે અજાણવાટે જાણે ક્યાં નીકળી ગઈ. ત્યાર પછી તેને અમે ભાળી નથી. જતાં પહેલાં મોબાઇલમાં રહેલો પુરાવો લઈ જવાનું નહોતું ચૂકી. એ ઘટના વિશે જોકે અતુલ્યે જુબાનીમાં ફોડ નહોતો પાડ્યો. ગુનમાન બની રહેવાના શ્રાવણીના નિર્ણયમાં બાધારૂપ શું કામ બનવું? તેની સાથે થયેલું છળ તે ભૂલી શકતી હોય, બક્ષી શકતી હોય યા તો પોતાની રીતે એને ટૅકલ કરવા માગતી હોય તો તેનો હક માન્ય રાખવો ઘટે.

મારી ગેરહાજરીમાં રહ્યોસહ્યો વ્યાપાર સંભાળનારી ઝરણામાં કુશળતા કેળવાઈ છે.

બિઝનેસ-સર્કલમાંથી ઝરણાએ જાણ્યું કે અભિ-રોશની પરણી રહ્યાં છે...

આમાં આગળ જે થાય એ... મેં ઝરણાને કહ્યું એમ કેટલાક અંજામને એની નિયતિ પર છોડવા જોઈએ. બીજું શું?

€ € €

આજે અભિ-રોશનીનું સંગીત... ત્યાં રેલાતા શરણાઈના સૂર કાલે માતમની રાગિણીમાં બદલાઈ

જવાના છે!

શ્રાવણીએ દમ ઘૂંટ્યો.

અભિ, એક તો તમે તમારી સેક્રેટરી સાથે છિનાળું કર્યું, મને મારવા ચાહી - મરેલી સમજી, પણ હું મરી નહોતી... ના, ખાડામાં દફનાવ્યા બાદ તો મરી જ જાત જો અતુલ્ય એ સમયે ત્યાં મોજૂદ ન હોત! રામ રાખે એને કોણ ચાખે?

મને ઉગારનાર અતુલ્ય ખૂની નીકળ્યો, પણ ખરેખર તેનામાં ખોટ હોત તો મને ઉગારવા પોતાનો પ્લાન બદલત નહીં.... એ જ સાચા સંસ્કાર, એ જ ખરી ખાનદાની. 

અતુલ્યના પ્રતાપે નવી જિંદગી મળ્યા બાદ મારે પોલીસમાં હાજર થઈને કેફિયત દઈ દેવાની હોય, પણ એટલી સૂઝ-હામ ક્યાં હતાં? ગળચી દબાવતા અભિનું રૌદ્ર રૂપ ઝબકતું ને હું ઠંડીગાર થઈ જતી. હું જાહેર થાઉં ને અભિ વળી મારા પર હુમલો કરે તો? થથરી જવાતું.

અતુલ્યએ મને ઉગારી, તેના કાયદાગમન છતાં મા-ઝરણાએ મને પ્રેમથી જાળવી, મારા વિશે કોઈને કશું ન કહેવાની વિનંતી પણ અતુલ્યની ફૅમિલીએ પાળી; પણ મારે હવે પ્રગટ રહેવું નહોતું. અભિની પહોંચથી દૂર જવું હતું એટલે તેમનેય જાણ કર્યા વિના નર્સિંગ હોમમાંથી બારોબાર સરકી ગયેલી...તત્કાળ પોતે ટ્રાઇબલ એરિયામાં ઊતરીને તેમનાં કામોમાં જોતરાઈ ગયેલી. જોકે એથી

અભિ-રોશનીનો ગુનો વીસરાતો નહીં. એની અભિ-રોશનીને સજા નહીં થાય?

સજા. અહં, મારા ગુનેગારને મારે જ સજા દેવી રહી. એ મારો હક છે!

પણ શું સજા હોઈ શકે અભિ-રોશનીની? હું પ્રગટ થઈને પર્દાફાશ કરી દઉં તો મારા જીવિત બચવાને કારણે તેમને હળવી જ સજા થાય. એ મને રુચતું નથી. સજામાં પણ ચોટ હોવી જોઈએ.

કિનારે આવેલું વહાણ ડૂબે એવી.

- તો પછી એ એક જ રીતે સંભવ છે. મારી લાશ મળવાની નથી એટલે કાયદો મને સાત વરસ સુધી મૃત નહીં માને. ત્યાં સુધી અભિ-રોશની પરણી નહીં શકે... આ વિચારે મને ગુમનામ રહેવા પ્રેરી. ખરેખર તો આ પણ એક જુગાર જ હતો. મારી હાજરીની ગંધ પણ વર્તાઈ હોત તો પાસા ગમે ત્યારે પલટાઈ શકત... ગુમનામીમાં મારી બાજ નજર અભિની ગતિવિધિ પર તો રહેતી.

ખે૨, વિધિવત એક બનવાનો તેમણે કેટલો ઇન્તેજાર કર્યો‍ હશે. સાત વરસ પછી પરણવાનો ઉમંગ ચરમસીમાએ હશે : બસ, એ છેલ્લી ઘડીએ તેમને અપરાધી તરીકે ઉજાગર કરીને મારે તેમના પગ તળેથી જમીન સેરવી લેવી છે! આનાથી ઓછું મને કંઈ જ નહીં ખપે.

સાત વરસની પળેપળ મેં પણ એક ઇન્તેજાર કર્યો‍ છે. આ લગ્નનો - એ નહીં થવા દેવા માટે!

દરમ્યાન અતુલ્ય હવે તો છૂટી પણ ગયો હશે અને હવે કાલે - શ્રાવણીએ ઊંડો fવાસ લીધો.

€ € €

- અને એ ઘડી આવી પહોંચી.

શણગારેલા લગ્ન-હૉલમાં મહેમાનો ગોઠવાયા છે, ડ્રિન્ક્સ અને ડ્રાયફ્રૂટ્સની ટ્રે ફરી રહી છે. શેરવાનીમાં શોભતો દુલ્હો મંડપમાં બેઠો છે, મલ૫તી ચાલે દુલ્હન પ્રવેશી રહી છે. ઇવેન્ટ હૅન્ડલ કરતી ટીમની ઍન્કર તેના ઘાઘરાનાં વખાણ કરીને સૂચવે છે : પ્લીઝ, હૉલની ટીવી-સ્ક્રીન્સ પર હસ્તમેળાપની લાઇવ વિધિ આવે એ પહેલાં કપલે શૂટ કરાવેલાં સૉન્ગ્સની મજા માણો...

તેના ઇશારે ડેસ્ક સંભાળતા છોકરાએ પેન ડ્રાઇવ ઇન કરી અને...

મૉરિશ્યસના દરિયાકિનારે શૂટ કરેલા ગીતને બદલે ઘનઘોર જંગલ ઉજાગર થયું.

કારમાંથી અભિ ઊતર્યો‍. થોડી વારે રોશની દેખાઈ. પછી બેઉ પાછળની સીટ પરથી શ્રાવણીને લઈને આવતાં દેખાતાં હૉલમાં ખળભળાટ મચી ગયો. મીઠા ખ્યાલોમાં ખોવાયેલાં

અભિ-રોશનીનું તો ત્યારે ધ્યાન ગયું. અભિની આંખો ફાટી ગઈ, રોશની ધબ દઈને બેસી પડી. શ્રાવણીની લાશ દફનાવતો વિડિયો થોડા વખતમાં તો આમંત્રિતોના મોબાઇલમાં ફરવા માંડ્યો.

‘મેં તેને મારી છે... જો, તેની પલ્સ નથી ચાલતી. શી ઇઝ ડેડ.’

અમારા સંવાદો પણ કેટલા સ્પષ્ટ સંભળાય છે! અભિ કંપ્યો. રોશનીએ ધ્રુસકું નાખ્યું. ઇટ્સ ઑલ ઓવર! સા...ત વરસ. અરમાનોના સાકાર થવાની ઘડીએ આ કહેર કોણે વરસાવ્યો?

€ € €

આનો જવાબ ફાંસીના ચુકાદા સુધી અભિ-રોશનીને સાંપડ્યો નહીં. મીડિયામાં બહુ ગાજેલા કિસ્સાનું આ રહસ્ય વણઊકલ્યું જ રહ્યું. ક્લિપના આધારે પોલીસે લગ્નમંડપમાંથી જ અભિ-રોશનીની ધરપકડ કરેલી. સગાંસ્નેહીઓએ ફિટકાર વરસાવવામાં બાકી નહોતું રાખ્યું. સ્વિટ્ઝરલૅન્ડના હનીમૂનને બદલે જેલ જવાના વળાંકે અભિ-રોશની ભાંગી પડેલાં... અનેક આજીજી છતાં ફાંસી ટાળી શકાઈ નહીં. સાત-સાત વરસ સુધી સમાજની આંખોમાં ધૂળ ઝોકનારાઓ પ્રત્યે કોઈને સહાનુભૂતિ નહોતી.

આ શ્રાવણીનું કારસ્તાન હશે? રોશનીને લાગતું’તું એમ તે જીવતી રહી હશે? એ સિવાય અમારો વિડિયો ઉતારનાર આવા મોકાની રાહ શું કામ જુએ?

અભિ-રોશની પાસે પ્રશ્નો ધારણાઓ જ હતી, સત્ય નહીં. સાત વરસમાં ઘણું બદલાયું હતું. શ્રાવણીને દાટેલી ત્યાં ફૉરેસ્ટની ચોકી ઊભી થઈ ગયેલી. અને ખૂની પોતે જ ખૂન કર્યાનું, પત્ની લાશ બન્યાનું કબૂલતો હોય પછી શક ક્યાં રહ્યો! પુરાવાની જરૂર ક્યાં રહી?

€ € €

ફાંસી!

કોર્ટના ચુકાદાએ અતુલ્ય-ઝરણા-સાવિત્રીબહેન સ્તબ્ધ બનેલાં. જેની ‘હત્યા’ માટે સજા થઈ તે સ્ત્રી જીવિત હોવાનું અમે તો જાણીએ છીએ... અતુલ્યએ ઉતારેલો વિડિયો વાઇરલ કરનાર શ્રાવણી જ હોય. એના વિશે હવે પોલીસને જાણ કરીને અભિ-રોશનીને ફાંસીમાંથી ઉગારવા જોઈએ?

નહીં. વિચારમંથનના અંતે નિષ્કર્ષ મળ્યો : અભિ-રોશનીએ તો શ્રાવણીને પતાવી જ દીધેલી. તેને ઉગારી કુદરતે, તેના નસીબે. હવે વારનો વારો શ્રાવણીનો છે. તેણે પણ અભિ-રોશનીને મૃત્યુના દ્વારે આણી દીધાં છે. તેમને ઉગારવાનો હવાલો કુદરતને જ સોંપીએ એ બહેતર!

€ € €

છેવટે અભિ-રોશનીને ફાંસીની સજા થઈ. દૂર ક્યાંક એકાંતમાં શ્રાવણી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. શું કામ એ તો તેનેય ન સમજાયું!

લગ્ન માટે સ્પેશ્યલ વિડિયોઝનું સ્ક્રીનિંગ નવી વાત નથી. ઇવેન્ટ મૅનેજમેન્ટની ટીમ પેન ડ્રાઇવમાં ડેટા સ્ટોર કરતી હોય છે. વેશપલટો કરીને હું ઇવેન્ટ ગ્રુપની જ મેમ્બર બની ગયેલી. પેન ડ્રાઇવ બદલવી મુશ્કેલ નહોતી. ઍન્ડ ઇટ વર્ક્ડ!

ધાર્યું હોત તો હિયરિંગ દરમ્યાન હું પ્રગટ થઈ શકી હોત - પણ પછી તેઓ હત્યાને બદલે હત્યાના પ્રયાસની મામૂલી સજા ભોગવીને છટક્યાં હોત, પરણ્યાં હોત. મને એ મંજૂર નહોતું. મારે હજી પણ શ્રાવણી તરીકે જાહેર નથી થવું. ગુમનામીમાં હું જે ટ્રાઇબલમાં કાર્યો કરી રહી છું એ જ મારું જીવન-સાફલ્ય...

બીજી સવારે...

દૂધ-છાપું લેવા દરવાજો ખોલવા જતી ઝરણા ચમકી. ઝટ અતુલ્ય-માને સાદ પાડીને તેડાવ્યાં : જુઓ, દરવાજા નીચેથી આ કવર કોઈ સરકાવી ગયું.

અતુલ્યએ લંબચોરસ કવર ઉઠાવ્યું, ખોલ્યું. અંદરના કોરા કાર્ડ પર એટલું લખ્યું હતું - થૅન્ક યુ સો મચ! મોકલનારનું નામ નહોતું, પણ ત્રણેને એકસરખો ઝબકારો થયો...

શ્રાવણી!

ઝડપથી અતુલ્યએ દરવાજો ખોલ્યો. દૂર ઊગતા ઉજાશમાં વિલીન થતી આકૃતિને ત્રણે અહોભાવથી નિહાળી રહ્યાં.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK