કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 2)

અતુલ્યની ધીરજ ખૂટી. મરવા માગતા માણસને મોત ઇન્તેજાર કરાવે એ કેવી નિયતિ!


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3


કેટલી વાર!

અતુલ્યની ધીરજ ખૂટી. મરવા માગતા માણસને મોત ઇન્તેજાર કરાવે એ કેવી નિયતિ!

જિંદગીમાં એક જ ભૂલ મારાથી થઈ - કુપાત્રની દોસ્તી!

મીઠી જીભ ધરાવતો તિવારી મને દારૂ-જુગારના કળણમાં ડુબાડતો ગયો. મા-પત્નીનું ખેંચાણ-શરમ નડતાં ન હોત તો ધંધોધાપો ભૂલીને હું ફુલટાઇમ જુગારી બની ગયો હોત એવી એ લત છે. જુગારના દાવમાં લાખોની ઊથલપાથલથી જ નશો ચડે એવી હાલત છ મહિનામાં થઈ ગઈ હતી. તિવારી પૂરતા નિયમો નેવે મૂકીને હું ગેરકાયદે ઇન્ડસ્ટિÿયલ વેસ્ટ સ્વીકારતો થયો એ હકીકત હતી...

- પણ છેવટે તો દરેક મહોરું ઊઘડતું જ હોય છે.

‘વર્ષો‍થી આ ધંધામાં છું. આદર્શની વાતો કરનારાને મેં પોતાની કિંમત મૂકતાં જોયા છે. અતુલ્ય પણ બહુ સિદ્ધાંતવાદી બનતો હતો - હું પણ નફ્ફટની જેમ તેની પાછળ લાગી રહ્યો. વાર લાગી, પણ છેવટે તો તેય મારા શીશામાં ઊતર્યો‍ને! તેને ત્યાં મારો જે ધંધો થાય છે એમાં મારું ઇન્વેસ્ટમેન્ટ વસૂલ છે. આટલા વખતમાં જુગારમાં તેણે લાખો રૂપિયા ગુમાવ્યા હશે, પણ તોય છૂટે છે લત?’

હજી ગઈ કાલની વાત.... અતુલ્યએ ગતખંડની પરાકાષ્ઠા વાગોળી...

હમણાં શ્રાવણ મહિનો ચાલે છે. શોખીનો માટે એ જુગારની સીઝન! તિવારી જેવા માટે તો આમેય બારેય દહાડા શ્રાવણ, પણ આ વખતે તો અતુલ્ય પણ આડે દહાડે પત્તાંની બેઠકમાં પહોંચી જતો. બૅલૅન્સ-શીટ ખોટ દર્શાવતી થઈ ચૂકી હતી, પણ જુગારમાં હારેલો માલ જુગારથી જ જીતવાની લાલસા માણસને કાયમ માટે જુગારી બનાવી દેતી હશે. અતુલ્ય બે દાવ જીતીને ચાર હારતો, પણ સાચો જુગારી ક્યારેય હારથી નાસીપાસ થતો નથી.

શનિવારની ગઈ સાંજે તિવારીના ઘરે જામેલી બેઠકમાં પણ બાજી ગુમાવતા જવાનો અતુલ્યને રંજ નહોતો. દારૂના ચાર-છ પેગ પછી મગજ તર હતું. ખેલના વિરામ દરમ્યાન તે વૉશરૂમ જવા ઊઠ્યો ત્યારે બાલ્કનીમાં જાતભાઈ સાથે ઊભા તિવારીનાં વાક્યોએ તેને ધરતી પર પટકી દીધો. બહારની તરફ મોં કરીને સિગારેટ ફૂંકતા તિવારીને પીઠ પાછળની અતુલ્યની હાજરીનો અંદાજ નહોતો, પણ પોતે છેતરાયો એ સત્ય અતુલ્ય સમક્ષ ખૂલી ચૂક્યું.

નશો ઊતરી ગયો. કેટલી સિફતથી પોતાના સ્વાર્થે‍ તિવારીએ મને પલોટ્યો! હું ન માને ગાંઠ્યો,  ઝરણાને ન ગણકારી. અરેરેરે.

‘આ તો કંઈ નથી. અતુલ્યને રૂપાળી પત્નીનો ફાંકો છે. આ મામલે મને તેણે કાન પકડાવ્યા એ હું ભૂલ્યો નથી. એ જ અતુલ્ય સામેથી તેની બૈરીને મારા બિસ્તરમાં મોકલે એવું કંઈક દેખાડીશ, જોજો!’

ઝાળ લાગી ગઈ. આ આદમીને હું મારો દોસ્ત કહેતો રહ્યો?

મૂડ ઊખડી ગયો. વિરામ પછીની બાજીમાં મન ન લાગ્યું. પડખે બેઠેલો તિવારી પોતાને રાજ્જા કહીને પંપાળતો એમાં બનાવટ લાગતી. આ માણસની નજર મારી ઝરણા પર છે. તેને જોતો ને એટલું જ સ્ફુરતું. મનમાં ઉશ્કેરાટ વ્યાપતો, શરીર તંગ થઈ જતું. જુગારમાં હારતો રહ્યો. કૅશ ખૂટી પડી, ક્રેડિટની લિમિટ પણ વટાવાઈ ચૂકી.

‘આજનો ખેલ પૂરો?’

અતુલ્ય ઊભો થતાં સામે બેઠેલા મહેરાએ પૂછ્યુ

દીવાનખંડની ભારતીય બેઠક પર પાંચેય ગોળ કૂંડાળામાં ગોઠવાયા હતા. દરેક પાસે શરાબની બૉટલ, મગ, મન્ચિંગની સામગ્રી હતી. મહેરાની બાજુમાં બેઠેલા શર્માએ શરાબની સિપ લઈને આંખ મીંચકારી, ‘માલ ખતમ?’

‘તું માલનું ક્યાં પૂછે છે...’ શરાબ પર સિગારેટના સેવન પછી તિવારી ફૉર્મમાં હતો, ‘અસલી માલ તો તેણે દાવમાં કદી મૂક્યો જ નથી...’

તેનો ભદ્દો ઇશારો હવે સમજાય એમ હતો. અતુલ્યનાં જડબાં તંગ થયા, હાથની મુઠ્ઠી વળી.

‘અતુલ્ય યુધિષ્ઠિર હોત તો જુગારમાં તેની બૈરીને દાવમાં મુકાવી હોત! તે દ્રૌપદીથી ક્યાં...’

ખલાસ. તિવારી પોતાનું વાક્ય પૂરું કરવા ન પામ્યો.

‘કમજાત...’ રોષથી ફાટ-ફાટ થતા અતુલ્યે તિવારીને ધક્કો મારીને પછાડ્યો, તેની છાતી પર ચડી બાજુમાં પડેલી દારૂની બૉટલ તોડી કાચ સીધો તેની ગરદનમાં ઘોંચી દીધો. ‘મારી ઝરણા પર નજર બગાડે છે! લે લેતો જા...’

ઘચાઘચ ઘા કરતાં ગરદનના સ્નાયુઓ વીંટળાઈને બહાર ખેંચાઈ આવ્યા. બીજા ઘાની જોકે જરૂર પણ નહોતી, પહેલા જ વારમાં તિવારીનું પ્રાણપંખેરું ઊડી ગયેલું. શું થઈ રહ્યું છે એ સમજાય, પ્રતિકારની સૂઝ જાગે એ પહેલાં તો મૃત્યુ જીવ લઈ ગયું. આવા અંજામની કલ્પના પણ નહીં સેવી હોય તિવારીએ.

‘ખૂ...ન....’

જે બન્યું એથી હેબત ખાઈ ગયેલા બાકીનામાંથી એકની ચીસ ફૂટી ત્યારે અતુલ્યને હોશ આવ્યા. પોતે જેના પર ચડી બેઠો તે નિષ્પ્રાણ થઈ ચૂક્યો છે એનું ભાન થતાં આવેશ ઓસર્યો‍. હજીયે હાથમાં રહેલું મર્ડર વેપન - કાચની તૂટેલી બૉટલ - સ્તબ્ધતાવશ ઘુમાવતાં બાકીના સંકોચાઈ ગયા.

અને શું બન્યુ એ હવે બરાબર સમજાતું હોય એમ અતુલ્યએ બૉટલનું અડધિયું ફગાવીને દોટ મૂકી. કમ્પાઉન્ડમાં મૂકેલી કારમાં બેસીને તે ભાગ્યો ત્યાં સુધી ઉપર રહેલા કોઈની હાલવાની હિંમત નહોતી થઈ!

મેં આ શું કર્યું? પૂરપાટ દોડતી કારથી વધુ ઝડપભેર મગજમાં ઊથલપાથલ થતી હતી...

મારા હાથ ખૂનથી રંગાયા. વાદળી શર્ટ પર હજી એના ડાઘ છે. મહેરા વગેરેએ પોલીસને જાણ કરી દીધી હશે, મારી ધરપકડનું વૉરન્ટ નીકળવાનું, પછી ગિરફતારી અને પછી ફાંસી?

ના, મને ફાંસીનો ડર નથી, તિવારીને મારવાનો પસ્તાવો નથી. ઝરણા પ્રત્યે બદનીયત સેવનારનો પતિ તરીકે મારે ઘડોલાડવો જ કરવાનો હોય; પણ મારાં કરતૂત મારી મા, મારી પત્નીને પીંખી નાખશે એનો જ ડર પજવે છે. માના સંસ્કારને વગોવ્યા, ઝરણાનો ભરોસો તોડ્યો એની કરચો તેમને આજીવન જખમી કરતી રહેવાની! ર્કોટનો ચુકાદો આવતાં વર્ષો‍ લાગવાનાં. છેવટે ફાંસી જ મળવાની હોય તો ત્યાં સુધી જીવીને તેમની રિબામણીનું દુ:ખ શીદ જોવું! એના કરતાં આત્મહત્યા કરીને છૂટી જવામાં સુખ છે. મા-પત્નીનો સામનો કરવાની મારામાં શક્તિ નથી, સ્વમૃત્યુમાં મારી મુક્તિ છે!

ઇરાદો ઘૂંટાયો. ઘર તરફ જતી કારને તેણે રેલવે-સ્ટેશન તરફ વાળી. ગાડી નીચે પડતું મૂક્યું કે એક ઘા ને બે કટકા! મારા અંજામથી મા-ઝરણા ભાંગી પડશે, પણ દુ:ખનું ઓસડ દહાડા એમ એકબીજાની ઓથમાં ટકી પણ જશે...

બટ વેઇટ.

નિભાવ માટે પૈસા જોઈશે એનું શું? વ્યાપારમાં દેવું છે, ફૅક્ટરી વેચ્યા પછી એવું ખાસ કંઈ બચશે નહીં. બટ યસ - મારી ઇન્શ્યૉરન્સ પૉલિસી!

ન કરે નારાયણ ને મને કંઈ થઈ જાય તો મમ્મી-ઝરણાને આર્થિક અગવડ ન પડે એની તકેદારીરૂપે પોતે હૅન્ડસમ અમાઉન્ટની વીમાપૉલિસી લઈ રાખી છે. આત્મહત્યાના કેસમાં જોકે વીમા-કંપની પૉલિસીના પૈસા નથી ચૂકવતી.

તો શું મરવાનો ઇરાદો માંડવાળ કરવો?

- ના! બલ્કે એવી રીતે મરવું કે મૃત્યુ આત્મહત્યા લાગે નહીં!

ગાડી બોરીવલી સ્ટેશનના પાર્કિંગમાં પાર્ક કરીને તેણે રિક્ષા પકડી : નૅશનલ પાર્ક લે લો!

હજી બે દહાડા પહેલાં જ નૅશનલ પાર્કમાં થતી ગુંડાગીરી વિશે વાંચ્યું હતું. આસપાસના વિસ્તારમાં રાની પશુઓની રંજાડ બાબતના સમાચાર છપાતા જ રહે છે... હું જંગલમાં જાઉં ને દીપડો મને ફાડી ખાય તો એ આત્મહત્યા ન જ ગણાય.

શર્ટની સ્લીવ વાળી રાખેલી જેથી લોહીના ડાઘ રિક્ષાવાળાને વરતાય નહીં. કાર રેલવે-પાર્કિંગમાં મૂકીને પોતે ડહાપણનું કામ કર્યું. પોલીસ એવું માનવા પ્રેરાશે કે હું ટ્રેન-રસ્તે મુંબઈ છોડી ગયો... પછી નૅશનલ પાર્કમાંથી લાશ મળશે ત્યારે હું અહીં આપઘાત કરવા આવ્યો હોઈશ એવું પુરવાર નહીં થઈ શકે. બલ્કે પોલીસને ભુલાવામાં નાખીને અહીં હું છુપાવાના ઇરાદે આવ્યો હોઉં ને રાની પશુનો શિકાર થઈ ગયાની થિયરી જ માન્ય ઠરે.

થોડાઘણા દિવસ અનિશ્ચિતતામાં જશે, પણ લાશ મYયા પછી તમામ અટકળોનો અંત આવી જવાનો. આઘાતની કળ વળ્યો મા ઝરણાને ફરી પરણાવશે પણ ખરી. ઝરણા પણ માને એકલી નહીં પડવા દે. મારા જવામાં જ તેમનું સુખ છે. મને બીજું શું જોઈએ?

- અને બસ, ગઈ રાતનો જંગલમાં ઘૂસેલો હું દિશાહીનપણે અંદર ને અંદર જઈ રહ્યો છું. દિવસના સમયે રડ્યુંખડ્યું કોઈ જંગલની વસ્તી વાળું મળી જાય એટલે સફર ઝાઝી ન થાય, પણ આજે બીજી રાત્રે પણ દીપડો મારું મારણ કરવા નહીં આવે?

અતુલ્યએ ઘેરો નિસાસો નાખ્યો. ગજવામાંથી સેલફોન કાઢીને સમય નિહાYયો - રાતના સવા દસ.

ના, મોબાઇલનું સિમ કાર્ડ તો બોરીવલી સ્ટેશનથી નીકળતી વખતે જ ડિસ્ટ્રૉય કરી દીધેલું... હું લાપતા બનવા માગું છું એ પોલીસને બરાબર ગળે ઊતરવું જોઈએ...

અતુલ્યએ આભમાં નજર ફેંકી. ઘેરાયેલાં વાદળાં વરસ્યા વિના જ વિખરાઈ રહ્યાં હતાં. ઊજળી નોમનો ચંદ્ર ખૂલીને અજવાશ ફેલાવતો હતો. મારું મૃત્યુ આવા સન્નાટામાં, વિરાનમાં લખાયું હશે? ગઈ રાતનું કંઈ ખાધુંપીધું નથી. મને અશક્તિ અનુભવાય છે કે જિંદગીનો થાક?

બસ, હવે બહુ થયું. એટલી જ કૃપા કરજો દીનાનાથ કે સવારનો સૂરજ જોવા ન પામું!

€ € €

‘ક્વિક!’

રાતના સૂનકારમાં અભિજિતનો સાદ રોશનીને ડરાવી ગયો.

નૅશનલ પાર્કને અડીને આવેલા ફાર્મહાઉસમાં થોડી મિનિટો પહેલાં બન્યું જ એવું કે...

‘જલદી કર રોશની, મોડું થાય એ પહેલાં લાશને સગેવગે કરી દેવાની છે.’

લાશ.

ફાટી આંખે તે ફર્શ પર પડેલી માનુનીની લાશને નિહાળી રહી.

શ્રાવણી. મિસિસ શ્રાવણી અભિજિત શાહ.

અભિજિતની યુવાન, સુંદર પત્ની તેના જ ફાર્મહાઉસની રૂમમાં લાશ થઈને પડી છે. અભિજિતે જ તેની ગળચી દબાવીને તેને મારી નાખી છે. હવે તેની લાશને ઠેકાણે પાડવાની છે.

અને રોશની થથરી. મૃતપ્રાય પડેલી શ્રાવણીની પાંપણ સહેજ ફરકી હોય એવું મને કેમ લાગ્યું!

‘અભિ...’ તે દોડીને પોતાના પ્રેમી અને શ્રાવણીના પતિ નિકટ ગઈ, ‘તેની પાંપણ ફરકી અભિ, તે જીવે છે!’

‘શીશ...’ સ્ટોરરૂમમાંથી કોદાળી-પાવડો કાઢતા અભિજિતે ચીડ ઠાલવી, ‘એ તારો વહેમ છે. મેં એની પલ્સ ચેક કરી છે, ઇટ્સ ઝીરો. શ્રાવણી મરી ચૂકી છે.’

રોશનીના હોઠ સુધી આવી ગયું કે તું કંઈ ડૉક્ટર ઓછો છે કે આટલું ખાતરીપૂર્વક કહી શકે! આપણા આજના ગુપ્ત મિલનમાં શ્રાવણી અણધારી આવી ચડતાં તેને ચૂપ કરવાનો બીજો કોઈ માર્ગ ન રહ્યો, સાચું; પણ તે ખરે જ મરી હોવાની ખાતરી કરી લેવી ઘટે. ક્યારેક ઊંડે-ઊંડે જીવ રહી જતો હોય છે.

‘કમ ઑન, જીવતી હશે તોય ખાડામાં નાખીશું એટલે ગૂંગળાઈને મરી જશે.’

‘મતલબ, અહીં જ ક્યાંક ખાડો કરવાનો?’

‘ના, કાલ-પરમ દિવસે શ્રાવણી ગુમ થયાની ફરિયાદ તો મારે કરવી પડશે. ત્યારે ફાર્મહાઉસમાં માટી ખોદાયાનાં નિશાન સાંપડતાં પોલીસને સીધો જ પુરાવો મળી જાય એવું થવા ન દેવાય.’

કહેવું પડે, કટોકટીમાંય અભિનું દિમાગ કેવું દોડે છે!

‘ચલ, હાથ આપ. શ્રાવણીને કારમાં નાખીને બાજુના જંગલમાં દાટી આવીએ.’

€ € €

- અને છેવટે એ દેખાયું!

અતુલ્યની છાતી ધડકી ગઈ. પોતાનાથી માંડ ૪૦ ડગ છેટે ઊભા રાનીપશુની તગતગતી આંખ શિકારને કેવી તરાશી રહી છે! બસ, એની એક જ તરાપ અને...

પણ એ તરાપ પહેલાં કશુંક અણધાર્યું બની ગયું. મોટરના હૉર્ન સાથે એની હેડલાઇટનો પ્રકાશપુંજ દીપડા પર પડતાં એ વંજો માપી ગયો એમ અતુલ્યએ પણ ઝાડની આડશ લઈ લીધી. મરતાં પહેલાં પોતે જીવતા ઝડપાવું નહોતું!

અત્યારે મધરાતના સુમારે કોણ આવ્યું હશે?

 (ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK