કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 1)

આભમાં વાદળાં ઘેરાયાં છે

jugar

અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ

આભમાં વાદળાં ઘેરાયાં છે. રાતનો અંધકાર એથી વધુ ગહેરો બન્યો છે. એમાં આ બિહામણો વનવિસ્તાર! અડાબીડ ઊગેલાં વૃક્ષોનાં ખરી પડેલાં પર્ણો‍ પગ નીચે કચડાતાં ઊપસતો ધ્વનિ નર્જિન વાતાવરણમાં વધુ ભેંકાર ભાસે છે.

- પણ ક્યાં સુધી મારે આમ દિશાહીન ભટકવું છે? એકધારું દોડીને, ચાલીને થાક્યો હોય એમ અતુલ્ય ઘૂંટણે હાથ ટેકવીને હાંફતો ઊભો રહ્યો. તેના સોહામણા મુખ પર નિ૨ાશા ત૨વ૨ી. બ્રૅન્ડેડ શૂઝ જંગલની માટીથી ખરડાઈ ચૂક્યાં હતાં, ક્રીમ કલરનું પૅન્ટ મેલું થઈ ગયું હતું. ચોળાઈ ચૂકેલા વાદળી રંગના શર્ટની લાંબી સ્લીવ પર લોહીના ડાઘ જોકે સુકાઈ ગયા હતા.

ખૂન.

વિસ્ફારિત નેત્રે શર્ટની બાંય પર થીજેલા લોહીને જોતાં અતુલ્યની છાતીમાં વળી હાંફ ભરાવા માંડી.

આ જ હાથે કોઈની હત્યા કર્યાને હજી પૂરા ચોવીસ કલાક પણ નહીં થયા હોય, મરવાના ઇરાદે ભાગેલો પોતે કેમ હજી જીવી રહ્યો છે? મેં ખૂન કર્યાનું ભલે છૂપું ન રહ્યું હોય, મારે ખૂની તરીકે ઝડપાવું નથી. મારા અંતમાં જ મારી મુક્તિ છે! સૂકાં પાંદડાં પર બેસી પડતો તે આંખો મીંચી ગયો.

‘મને મારા અતુલ્ય પર ગવર્‍ છે.’ સાવિત્રીમાના શબ્દો પડઘાયા, ‘નાની વયે તેણે પિતાનું છત્ર ગુમાવ્યું. બોરીવલીના અમારા ઘરમાં આર્થિક નચિંતતા ભલે હતી; તેણે પોતાનો ધંધો જમાવ્યો ખુદની સૂઝે, મહેનતે. દેખાવમાં રૂડો, સમજમાં ઊંડો. અતુલ્ય ભલે મારો એકનો એક, પણ એકે હજારા જેવો છે. અતુલ્ય મારા માતૃત્વની સાર્થકતા છે.’

- આવું કહેનારી માએ મારા ખૂની હોવાનું જાણ્યું હશે તો તેના પર શું નહીં વીતી હોય?

‘જાણો છો અતુલ્ય, તમને પામીને હું શું પામી?’

પત્નીનું નમણું મુખ તરવર્યુ.

‘મારા અસ્તિત્વની સંપૂર્ણતા!’

અતુલ્યની પાંપણે ભીનાશ છવાઈ. મારા હાથે હત્યા થયાનું જાણીને ઝરણા ચૂરચૂર થઈ ચૂકી હશે! ઓહ, મારા પોતાનાને દુ:ખી કરવાનો યોગ વિધાતાએ મારી કરમકુંડળીમાં ક્યાં લખ્યો!

કાશ, જુગારની એક બદીથી હું અલિપ્ત રહી શક્યો હોત...

ના, કુલક્ષણો સાથે અતુલ્યનો દૂર-દૂર સુધી નાતો નહોતો. સાવિત્રીબહેન દીકરાની તારીફ કરતાં એમાં અતિશયોક્તિ નહોતી. પિતા સુધીરભાઈ નાની વયે પાછા થયા ત્યારે દસમામાં ભણતો અતુલ્ય રાતોરાત જાણે પીઢ બની ગયેલો. માને જાળવતો, અભ્યાસમાં અગ્રેસર રહેતો. બૅન્ક-બજારનાં કામ શનિવારની અડધી વેળામાં જાતે નિપટાવતો. એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગનું ભણતાં ધંધાની લાઇન પણ શોધી કાઢી.

પ્રદૂષણ નિયંત્રણના કાયદા કડક થવા માંડ્યા એમ ઉદ્યોગો પોતાને ત્યાં ઉત્સર્જિત થતો રાસાયણિક કચરો કૉમન ફૅસિલિટીમાં બાળવા મોકલી આપે એ સહૂલિયત એકંદરે લાગતા-વળગતા સૌને માફકરૂપ હતી. આ લાઇનમાં

બે-એક વર્ષનો અનુભવ લઈને ગોરેગામ પ્ત્Dઘ્માં કૉમન ઇન્સિનરેટર (ભઠ્ઠી)નો પ્લાન્ટ શરૂ કર્યો‍. એ ધંધો એવો ચાલ્યો કે બે વર્ષમાં તો નફો રળતો થઈ ગયો. અદ્યતન ટેક્નૉલૉજી ધરાવતો પ્લાન્ટ ફુલ્લી ઑટોમૅટિક હતો. દસ જણનો સ્ટાફ કેળવાયેલો હતો. નૉમ્સર્‍ ચુસ્તપણે પાડવાનો અતુલ્યનો આગ્રહ રહેતો.

‘હવે થોડી ફુરસદ કાઢ તો તારાં લગ્ન લઉં...’

દીકરો ૨૮નો થતાં માએ દબાણ દેવા માંડ્યું. ‘ભલે મા...’ સહેજ શરમાતાં અતુલ્યએ હકાર ભણ્યો. યૌવનસહજ અરમાન તેને ક્યાં નહોતાં! સાવિત્રીબહેને કહેણ તરાસવા માંડ્યાં એમાં અંધેરીની ઝરણા મા-દીકરાને એક નજરમાં ગમી ગઈ.

ભરતનાટ્યમમાં વિશારદ કરીને ઘરમેળે ડાન્સ-ક્લાસ ચલાવતી ઝરણા બે ભાઈ-બહેનોમાં નાની. કાન્તિભાઈ-સુધાબહેને સંતાનોના ઉછેરમાં ભેદ રાખ્યો નહોતો. ઝરણાનો મોટો ભાઈ નેવીમાં હતો. સૌંદર્યમઢી ઝરણા આત્મવિશ્વાસુ એવી જ ઊર્મિશીલ લાગી. લતાનાં ગીતોથી પૉલિટિક્સના વિષય સુધીમાં તેમની પસંદ-નાપસંદ કેટલી મેળ ખાતી હતી. સ્વાભાવિકપણે બેઉ પક્ષનો હકાર થયો. વેવિશાળથી લગ્ન સુધીમાં ઝરણાએ માનું મન જીતી લીધું. પરણીને તેણે સંસારમાં સુખ જ સુખ છલકાવી દીધું.

‘ઝરણા, તને પામીને હું ધન્ય થયો.’

હજી વરસ અગાઉની અમારી પ્રથમ લગ્નજયંતીએ મેં કહેલું ત્યારે ઝરણા મને વેલની જેમ વીંટળાઈ હતી : ધન્ય તો હું થઈ અતુલ્ય. તમને પામીને મેં શું મેળવ્યું એ શબ્દોમાં વર્ણવી શકું એમ નથી... તમે અમારો આધાર છો અતુલ્ય, મારા શ્વાસ-પ્રાણ છો. બસ, આવા જ રહેજો.

- આ શબ્દોનો ધક્કો લાગ્યો હોય એમ અત્યારે અતુલ્યની આંખો ઊઘડી ગઈ, ચહેરો લાચારીથી ઝૂકી પડ્યો:

હું એવો રહી ન શક્યો ઝરણા, આઇ ઍમ સૉરી!

ઘૂંટણ વાળી માથું ટેકવીને હૈયાફાટ ૨ડવું હતું તેણે. જાતને ફિટકારવી હતી. શા માટે હું મારામાં આવેલો બદલાવ પારખી ન શક્યો?

પરંતુ બૂરી લત પણ કૅન્સરના વિષાણુ જેવી હોય છે. ખબર ન પડે એમ પ્રવેશે અને જાણ થાય ત્યારે સર્વનાશ સિવાય આરો નહીં હોય!

‘તમે તો યાર હજીયે શાળામાં ભણતા છોકરા જેવા છો... નિશાળેથી પાંસરા ઘર!’ તિવારી કહેતો. નામ તેનું સુરેન્દ્ર, પણ બિઝનેસ-સર્કલમાં સૌ તેને તિવારી તરીકે ઓળખે. પાંત્રીસેક વર્ષનો આદમી મૂળ લખનઉનો, પણ ૧૮-૧૯ની વયથી મુંબઈમાં સ્થાયી થયેલો ને રસાયણ ઉદ્યોગોના જોખમી કચરાની લે-વેચના ધંધામાં ઘડાઈ ગયેલો. જોગેશ્વરીમાં આલીશાન મકાન ધરાવતો તિવારી પરણ્યો નહોતો.

‘આપણે આઝાદ પંખી છીએ. ફાવે ત્યાં ચણી લેવાનું.’ આવું કહેનારા-માનનારા આદમી સાથે અતુલ્યની ઘનિષ્ઠતા બંધાય એ શક્ય ન લાગે, પણ બન્યું. એને તિવારીની કુનેહ જ ગણવી પડે.

રસાયણ ઉદ્યોગોમાં ઘણો કચરો બે નંબરમાં નીકળતો હોય છે. એના નિકાલમાં વચેટિયાની ભૂમિકા ભજવીને તિવારી ઘણું કમાયો છે. પૉલ્યુશન ર્બોડમાં તેની સાઠગાંઠ. જોકે વેસ્ટની ગેરકાયદે ટ્રાન્ઝિટ અતુલ્ય સ્વીકારતો નહીં. એ દ્રષ્ટિએ ત્રણેક વર્ષથી, અતુલ્યનાં લગ્નનીયે અગાઉથી - તેની પાછળ પડેલા તિવારીને શરૂ-શરૂમાં તો બહુ દાદ ન આપી. તિવારી જોકે ધીટ માણસ હતો. જવાબનો મીઠો. અતુલ્યના વલણને બિરદાવતો; ઉદ્યોગકારોની નીતિને, સરકારી તંત્રના ભ્રષ્ટાચારને ભાંડતો; પછી નિ:શ્વાસ નાખતો : આપણે તો આમાં જ જીવવાનું, શું થાય! કાશ, બધા તમારા જેવા સિદ્ધાંતવાદી હોય!

અતુલ્ય એમ ભોળવાય એવો નહોતો. તિવારીયે પછી તેને કામ બાબત પૂછતો નહીં, પણ સંપર્કમાં રહેતો. લગ્નમાં નિમંત્રણ નહોતું તોય ઑફિસે મોંઘો કૅમેરા ગિફ્ટ કરી ગયેલો : મારું આટલું માન તો રાખો!

પછી ઑફિસમાં અતુલ્યએ ડેસ્ક પર મૂકેલી તસવીર પર નજર ફેંકીને કહ્યું પણ - તમારી જોડી જામે છે. ભાભીસાહેબા સાચે જ રૂપાળાં છે.... તમારી જોડે શોભે એવાં! ફરીથી અભિનંદન.

ગજબ છે આ માણસ.

‘ગજબ તો તમે છો.’ ઘરે ઝરણાને કૅમેરા દેખાડતાં તે બોલી ઊઠી, ‘બિચારો સામેથી ભેટ આપી ગયો તો તમારે તેને ઘરે જમવા તો તેડાવવો જોઈએ.’

‘તે કંઈ ઘરે લાવવા જેવો માણસ નથી.’ અતુલ્યથી બોલાઈ ગયેલું.

‘તો ક્યાંક બહાર જમાડી દો.’

આ સજેશન જચ્યું. અતુલ્યએ તેને શનિવારની રાત્રે પાર્ટી માટે ઇન્વાઇટ કર્યો‍. ફાઇવસ્ટાર હોટેલની ડિનર-ડેટ હતી, પણ તિવારીને ફિક્કી વર્તાયેલી.

‘યાર, તમારી પાર્ટી પણ સાવ વેજિટેરિયન! સાચે જ હેરત થાય છે અતુલ્ય. તમે જિંદગીને માણો પણ છો? શાળાના છોકરા જેવા. ના, ના...

આજે તો હું તમને મારી ભેળા લઈ જ જવાનો...’

તેણે સશક્તપણે પોતાને ખેંચ્યો - અને બસ, પછી પોતે ખેંચાતો જ ગયો...

જોગેશ્વરીની અન્ડરગ્રાઉન્ડ મેન્સ ક્લબમાં લઈ ગયેલા તિવારીએ દારૂ પીવડાવ્યો... પોતે ડ્રિન્ક સાવ જ નહોતો લેતો એવું નહોતું, પણ ક્લબની ચકાચૌંધમાં મગજ તર થઈ જાય એમ હતું.

‘મોટા-મોટા ઘરના આદમીઓ અહીં આવે છે... શરાબ-શબાબ-ડ્રગ્સ બધું અહીં મળી રહે - ધીસ ઇઝ લાઇફ!’

તિવારીની વાતોનો નશો ઘૂંટાતો રહ્યો. આછાં કપડાંમાં લલનાઓ મદહોશ કરતી રહી.

‘ઘર-ફૅમિલી-ધંધો એની જગ્યાએ બરાબર, પુરુષને ક્યારેક કેવળ પુરુષ બનીને રહેવાની છૂટ પણ હોવી જોઈએને.’

યા, કરેક્ટ!

‘જો, પેલા ટેબલ પર પત્તાંની બાજી રમાય છે... ચાલ, જુગારમાં નસીબ અજમાવીએ.’

જુગાર. પળ પૂરતો અતુલ્ય સહેમી ગયેલો. જુગાર રમનારને ત્યાં મહાભારત થયા વિના રહેતું નથી એવું મા કહેતી એ સાંભ૨ી ગયું. ‘માની શિખામણ બાળપણ પૂરતી હોય, પછી તો આપણી બુદ્ધિથી કામ લેવાનું. માના આંચલમાંથી, પત્નીના પાલવમાંથી બહાર નીકળ અતુલ્ય, બી ઍડલ્ટ. જુગાર રમનારો તું કંઈ પહેલો પુરુષ નથી. ન જચે તો ફરી ન રમતો.

ટ્રાય તો કર!’

પણ જુગારમાં ટ્રાય જેવું કંઈ જ હોતું નથી... એ રાત્રે પોતે પહેલી વારની બાજીમાં ચાર હજારનો દાવ જીત્યો એની ખુશી લત લગાડવા પૂરતી હતી!

- અને બસ, ખુદને ખબર પડે એ પહેલાં પોતે બદલાતો ગયો. શનિવારની સવાર ઊગે કે જુગારની ચળ ઊપડવા માંડે. વીક-એન્ડ પૂરતી ચાલતી ક્લબની ઊંચી મેમ્બરશિપ મેળવી લીધી. જુગારના દાવમાં લાખોની ઊથલપાથલથી જ નશો ચડે એવી હાલત છ મહિનામાં થઈ ગઈ.

દર શનિવારે ક્લબમાં જ જવાનું એવું પણ નહીં. ક્યારેક તિવારીના બૅચલર હાઉસમાં અડ્ડો જામે. ધંધાના ચાર-છ જણ બીજા પણ હોય. ઉમદા ખાણી-પીણીના જલસા સાથે જુગારની સંગત મોજ આપી જતી. તિવારીની ઇચ્છા તો સ્ટિÿપરને તેડાવવાનીયે હોય, પણ અતુલ્ય અડી જતો : છોકરીનું શું કામ છે, જુગારમાંથી ધ્યાન ફંટાઈ જશે.

‘જુગારનું તો બહાનું. તમને પરસ્ત્રીમાં રસ પણ શું હોય, જ્યારે તમારી સ્ત્રી આખેઆખી રસભરી છે!’

તિવારી આંખ મીંચકારતો.

બીજા ગંદું હસી પડતા. અતુલ્ય સહેજ ધગી જતો - ઝરણા વિશે એક શબ્દ નહીં તિવારી.

‘અરે યાર, તમે તો બહુ સિરિયસ થઈ જાઓ છો... દારૂમિત્રોમાં કોઈ પડદો હોતો નથી.’

‘તો મને તમારો દારૂમિત્ર ન ગણવા મહેરબાની.’ અતુલ્ય ઊકળી ઊઠતો. નૅચરલી, ઝરણા બાબત કોઈ શાનું બોલી જાય? તિવારી કદી જેને રૂબરૂ મળ્યો નથી તે રસભરી હોવાનું અનુમાન ઉચ્ચારવામાં તેની ગોબરી મનસા છતી થાય છે કે બીજું કંઈ!

‘કાન પકડ્યા...’ તિવારીએ વાત વાળી લીધેલી. ‘હવે ભાભીસાહેબા વિરુદ્ધ બોલે એ બે બાપનો.’

અતુલ્ય ત્યારે ટાઢો પડ્યો, પણ એથી જોકે તિવારીની કંપની છૂટી નહીં. ઊલટું તેના પૂરતા નિયમો નેવે મૂકીને તે ગેરકાયદે ઇન્ડસ્ટિÿયલ વેસ્ટ સ્વીકારતો થયો એ હકીકત હતી.

‘દર શનિવારે તારે શાની મીટિંગ હોય છે અતુલ્ય?’

ઘરે મા-પત્નીને બદલાવની ગંધ આવવા માંડેલી. આખું અઠવાડિયું બરાબર રહેતો અતુલ્ય શનિની સાંજે કેમ કાયમ બહાર હોય છે? પાછો દારૂ પીને આવે છે એવું વહુ ભલે ન કહે, માથી છૂપું નહોતું. અતુલ્યનાં ડગમગતાં કદમ જ કહી દે છે કે દીકરો ક્યાંક ચૂકી રહ્યો છે!

ઝરણાએ એક-બે વાર પૃચ્છા કરતાં અતુલ્યએ સંભળાવી દીધેલું : બિઝનેસમાં રિલેશન જાળવવા ક્લબમાં જવું પડે અને આ કેવળ મનોરંજન માટે નથી હોતું, ત્યાં વ્યાપારી હિતો પણ ચર્ચાતાં હોય છે!

વહુને ન ગાંઠનારા દીકરાનો કાન માએ આમળતાં છણકો થઈ ગયેલો : મારે તમને બધા ખુલાસા કરવાના હોય તો કાલથી ધંધો પણ તમે જ સંભાળી લોને... જાણે વેશ્યાવાડે જતો હોઉં એવી અહીં તો ઊલટતપાસ થાય છે!

‘આ તું નહીં, તારા આત્માનો ડંખ બોલે છે અતુલ્ય.’ દીકરાને નખશિખ જાણતી માએ કહ્યું હતું, ‘તું કંઈક ખોટું કરે છે એનો આ પુરાવો છે. અમે મા-વહુ બીજું તો શું કહીએ; પણ તું અમારી દુનિયા છે અતુલ્ય, એને લૂંટાવવાનો તને ખુદને હક નથી એટલું યાદ રાખજે.’

- હજી માંડ ત્રણ મહિના અગાઉના માના આ શબ્દો અતુલ્યને થથરાવી ગયા.

તમારી દુનિયા ઊજડી ચૂકી મા, મારી પાસે મરવા સિવાય કોઈ આરો રહ્યો નથી!

- અને ધ્રુસકું નાખવા જતો અતુલ્ય ચમક્યો. દૂર ક્યાંક કશી હિલચાલ સંભળાઈ. નૅશનલ પાર્કના જંગલ વિસ્તારમાં રાની પશુની રંજાડ બહુ છે. એનો કોળિયો થવા તો પોતે જંગલમાં ભાગી આવ્યો છે. એ જ હોય તો-તો સારું. દીપડાનો એક જ હુમલો ને આ આયખાનો અંત!

એક ખૂન કરીને મરવા માટે જંગલમાં આવેલો અતુલ્ય મૃત્યુના ઇન્તેજારમાં આંખો મીંચી ગયો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK