કથા-સપ્તાહ - જોડી (જો મૈં ઐસા જાનતી... - 3)

ત્રિલોકાદેવીએ ઊંડો શ્વાસ લીધો.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4 


અભિમન્યુ! અજાણી સ્ત્રીના ફોને ત્રિલોકાદેવીની નીંદર છીનવી લીધી છે. નજર સમક્ષ ગતખંડની ભૂતાવળ તરવરે છે:

આ રહ્યું ચર્ની રોડનું કૉલેજ કૅમ્પસ... એમાં સાથે ભણતાં-ભણતાં સહજીવનનાં સમણાં ગૂંથતાં બે જુવાન હૈયાં - ત્રિલોકા અને અભિમન્યુ!

એક જ વિસ્તારમાં રહેતાં અભિ-ત્રિલોકાની આર્થિક સ્થિતિ પણ લગભગ સરખી. સ્કૂલટાઇમથી સાથે ભણનારાં અભિ-ત્રિલોકાની જોડી કૉલેજમાં જામવી સ્વાભાવિક હતી, પણ એમાં દ્રષ્ટિભેદ પ્રવેશી ચૂકેલો.

‘મારે અભાવોમાં નથી જીવવું. પિયરની જેમ એ જ બે રૂમના ફ્લૅટમાં જિંદગી વિતાવવાનું મને ન ફાવે.’

ત્રિલોકા કહેતી ને અભિ વાયદો ઘૂંટતો - હું પથ્થરમાંથી પાણી કાઢી બતાવીશ!

એની જોકે જરૂર ન રહી. બીજા વર્ષે મલ્હારનાથે પ્રવેશ લીધો ને અભિમન્યુ ક્યાં-ક્યારે નેપથ્યમાં જતો રહ્યો - કે પોતે ધકેલી દીધો - એની ગતે ન રહી!

હવે મલ્હાર-ત્રિલોકાની જોડી હતી. મલ્હાર સોહામણો ઉપરાંત અમીર પણ હતો. તેના પ્રત્યે કોઈને પણ આકર્ષણ જાગે. મહkવનું એ કે તે મારા પ્રત્યે આકર્ષાયો... આ તારણ તારવવામાં ત્રિલોકા ચૂકી નહોતી. મલ્હારને પ્રોત્સાહન દેતી વખતે પોતે અભિને ધોકો દઈ રહ્યાની ગિલ્ટને કચડી નાખતાં ફાવી ગયું હતું - છેવટે દરેક વ્યક્તિએ પોતાના ભવિષ્યનો વિચાર કરવાનો હોય. અભિ મારો વિકલ્પ શોધી ન શક્યો એ તેની મર્યાદા. આજે મારી પાસે ચૉઇસ છે ત્યારે મારે બેસ્ટ ઑપ્શન જ સિલેક્ટ કરવાનો હોયને!

નૅચરલી, અભિથી આ બદલાવ છૂપો નહોતો. તેણે મહોબતના વાયદા યાદ અપાવ્યા ત્યારે ત્રિલોકાએ સપાટ સ્વરે કહી દીધું : સમણાંઘેલી પ્રીતની માયામાં મારે વાસ્તવમાં મળતું સુખ ગુમાવવું નથી. મારો રાજમાર્ગ મેં મેળવી લીધો છે, તું તારા રસ્તે પડ!

અભિ માટે આ ચોટ અસહ્ય હતી. પોતે જેને સાચા દિલથી ચાહી તેને બદનામ કરવા જેવું હલકું કામ તો તેનાથી ન થયું, પણ તે પોતે ડિપ્રેસ્ડ રહેવા લાગ્યો. હોશિયાર છોકરો કૉલેજની પરીક્ષામાં પણ ફેલ થયો ને ત્રિલોકા મલ્હાર સાથે આગળ વધી ગઈ. કૉલેજ પતતાં બેઉ પરણી પણ ગયાં! સામાન્ય ઘરની કન્યાને વહુ બનાવવામાં મલ્હારના પેરન્ટ્્સને સોસાયટીની દંભી એટિકેટ નહોતી નડી અને ત્રિલોકાએ પણ બહુ ઝડપથી પોતાની આભા પ્રસરાવી દીધી. સુખ જ સુખ હતું જીવનમાં.

- બસ, આટલું જ?

પ્રશ્નનું શૂળ ચૂભતાં ત્રિલોકાદેવીની આંખો ખૂલી ગઈ. જે વળાંક પોતે વિસારી ચૂકેલાં, જેની પતિ-પુત્રને કદી ગંધ આવવા નથી દીધી એ જ મોં ફાડતો સામે આવી ઊભો, એને ફરી વળોટuા વિના આગળ વધવું અશક્ય હતું જાણે.

‘ત્રિલોકા, તને અભિમન્યુ યાદ છે?’

લગ્નના બીજા વરસે મલ્હારે પૂછતાં ત્રિલોકાનું હૈયું ધબકારો ચૂકી ગયેલું. આદર્શવાદ અને લાગણીશીલતાનું મિશ્રણ ધરાવતો અભિ પરણેલી પ્રિયતમાને નહીં કનડે એની ખાતરી કડડડભૂસ થતી લાગી. અભિ પાસે મારા પ્રેમપત્રો છે... મને એ કેમ યાદ ન રહ્યું! મોડે-મોડે અભિને એનો સોદો કરવાનું સૂઝ્યું હશે?

‘આમાં આટલું કેમ વિચારે છે ત્રિલોકા? અભિએ કહ્યું, તમે સાથે ભણેલાં...’

અભિએ કહ્યું - મતલબ, અભિ મલ્હારને મળ્યો? જાણે બીજું શું-શું કહ્યું હશે? ત્રિલોકાને પોતાનું સુખસિંહાસન ડોલતું લાગ્યું.

‘આપણે ત્યાં તે જૉબમાં સિલેક્ટ થયો. આજે મારી સાથે તેનું ઇન્ટ્રોડક્શન હતું.’

ઓ...હ! વાત ધારવા કરતાં જુદી નીકળી. અભિએ વિશેષ કંઈ કહ્યું નહોતું એ જાણીનેય ત્રિલોકાએ હાશકારો અનુભવ્યો નહોતો.

‘મલ્હાર, અભિ મારો સ્કૂલમિત્ર ખરો, પણ સાંભળ્યું છે કે તેની માનસિક હાલત સ્વસ્થ નહોતી...’ ત્રિલોકાએ તેને દૂર કરવાની દલીલો શોધવા માંડી, પણ...

‘યા, હજીયે પોતે સાઇકિયાટ્રિસ્ટની સારવાર લેતો હોવાનું અભિએ છુપાવ્યું નથી.... પણ એટલે તો આપણે તેને ટકી રહેવાનો આધાર આપવો જોઈએ. તારા પરિચિત માટે એટલું તો કરી જ શકું.’

અભિને ઑબ્લાઇજ કરીને મલ્હાર ખરેખર તો મને રીઝવવા માગતા હોવાની ગણતરી ત્રિલોકાને સહેજ પજવી ગઈ. મલ્હાર મારા પાસ્ટથી અજાણ છે અને અભિ દ્વારા તેને ભનક પણ મળી તો ખલાસ! મલ્હાર કંઈ અભિ નથી કે દુખિયારો થઈ દયાપાત્ર બને. તે તો ડિવૉર્સનાં કાગળિયાં થમાવી દે એ સાવ સંભવ છે!

આખરે આનો ઉકેલ શું? ક્યાં સુધી અધ્ધરશ્વાસે જીવવું? આમ તો માનસિક બીમાર અભિ મને પાગલ જેવી કરી મૂકશે!

પાગલ. ચિત્તમાં ઝબકારો થયો. મનોચિકિત્સકની ટ્રીટમેન્ટ લેતા માણસને ઇલેક્ટ્રિક શૉકની મદદથી હંમેશ માટે ગાંડો કરી દીધો હોય તો?

વાંસની જેમ ફૂટેલો વિચાર શેખચલ્લીના તર્કને બદલે ખતરનાક ઇરાદામાં ઘૂંટાતો ગયો. વ્યક્તિનું માનસિક સંતુલન જ ખોરવાઈ જાય તો પોતાની સૂધ ન રહે, તે પ્રિયતમાને શું સાંભરવાનો! યસ, અભિના ચિત્તભ્રમથી મારો ભેદ જળવાઈ શકે એમ છે!

હૈયું પળ પૂરતું કાપ્યું. અભિ તેનાં માબાપનો એકનો એક સહારો છે. અમારું લવ-અફેર ત્રીજા કોઈને કહ્યું નહોતું, ઘરનાને જાણ નહોતી; પણ અમારી ફ્રેન્ડશિપને કારણે તેની અને મારી મમ્મી વચ્ચેય બહેનપણાં છે. એ કારણે મારી મા પણ અભિની હાલત પર અફસોસ જતાવતી હોય છે. તેને સાવ ગાંડો ક૨ીને હું તેના માવતરની ગુનેગાર નહીં બનું?

- ડોન્ટ બી સેન્ટી. પોતાના સુખની રક્ષા માટે કોણ સ્વાર્થી નથી બનતું? હું અભિને જીવતો રહેવા દઉં છું એ કમ છે! ત્રિલોકાના દિમાગે દિલનો કબજો લઈ લીધો અને પછી કુદરત પણ ત્રિલોકાના ખોળે બેઠી હોય એમ કાવતરાની સાંકળ આપોઆપ રચાતી ગઈ.

અભિ જેની સારવાર લઈ રહ્યો હતો એ ડૉ. નાડકર્ણી લાલચુ નીકળ્યો એ કેવળ જોગાનુજોગ કેમ હોઈ શકે? અભિનું નસીબ જ વાંકું, એવી જ તેની નિયતિ. ટ્રીટમેન્ટના બહાને અભિને બિનજરૂરી ઇલેક્ટિÿક શૉક દઈને નાડકર્ણીએ કેસ બગાડી મૂક્યો. ડૉક્ટરે આવું જાણીને કયુ꬀઼્ હોય એવી તો ગણતરી પણ કોઈને કેમ સ્ફુરે? કઈ હામે પોતે ડૉક્ટર નાડકર્ણીને પારખીને દાણો ચાંપી શક્યાં, આ બધું પાર પડ્યું એ આજે ગળે ઊતરવુંય મુશ્કેલ લાગે છે, પણ થયું. અભિનું માનસિક સ્વાસ્થ્ય એ હદે કથળ્યું કે છેવટે તેના પેરન્ટ્સે તેને મેન્ટલ હૉસ્પિટલમાં ભરતી કરવો પડ્યો. મા૨ા સંસારસુખ પર ઘેરાયેલું વાદળ હંમેશ માટે વિખરાઈ ગયું...

જે બન્યું એમાં નાડકર્ણી મારા જેટલો જ ગુનેગાર હતો એટલે તેના તરફથી કશો ભય નહોતો. અભિનાં માબાપ ગુજર્યા પછી એ દિશાના ખબર પણ કોણે રાખ્યા! પછી તો સંસારમાં આસ્તિકનો પ્રવેશ થયો ને પોતે સુખને માણવામાં મશગૂલ બનતાં ગયાં. આજે હવે જ્યારે મલ્હાર હયાત નથી ત્યારે મારો ભૂતકાળ તાજો કરાવનારી કોણ હશે?

- જે હોય તેને મારા પ્રત્યે જ નહીં, આસ્તિક માટેય ભારોભાર નફરત હોવી જોઈએ... ત્રિલોકાદેવી અજાણી ઔરતના શબ્દો સાંભરી રહ્યાં...

‘તમે અભિમન્યુને ઓળખો છો?’ પૂછીને તેણે જ ઉમેર્યું હતું, ‘અફર્કોસ, પહેલા પ્રેમને કોણ ભૂલી શકે? એ તો અભિમન્યુની કિસ્મત ખોટી કે તમે તેને પ્રેમિકા તરીકે મળ્યાં જે બીજાની (મલ્હારની) થઈને પણ પ્રેમીને પાગલ બનાવવાનું તરકટ રચી શકે - આની જાણ આસ્તિકને થઈ તો?’

ધ્રૂજી જવાયેલું. દીકરો માનું પ્રેમપ્રકરણ જાણે, ડૉક્ટરને ખરીદીને પ્રેમીને પાગલ બનાવ્યાનું જાણીને મારા ઊર્મિશીલ દીકરાનું લાગણીતંત્ર થીજી જાય કે બીજું કંઈ! નહીં, આસ્તિકના હૈયેથી ખરવું મને નહીં પરવડે.

‘તો તમારી પાસે એક જ ઉપાય છ...’ ફોન કરનારી અજાણી બાઈએ છેવટે ‘માગણી’ ઉચ્ચારી હતી, ‘જે તમે પ્રેમી સાથે કર્યું એ જ હવે દીકરા સાથે કરો. ઇલેક્ટિÿક શૉક આપીને આસ્તિકને પાગલ કરી દો.’

સાંભળીને પોતે ખળભળી ઊઠેલાં, ‘ઇમ્પૉસિબલ. દુનિયાની કોઈ મા આવું તો ન કરે.’

‘તમે અપવાદ સર્જી શકશો ત્રિલોકાદેવી, તમારી પાસે બીજો વિકલ્પ પણ ક્યાં છે? ત્રણ દિવસની મહોલત આપું છું, એ મારી ભાળ કાઢવામાં ન વેડફતાં. બાકી મારી વાત ન માની તો ચોથે દહાડે તમારી કરણી મીડિયામાં વાઇરલ થઈ જવાની અને આસ્તિક...’

અધ્યાહારે ફોન મૂકવાની તેની ચેક્ટા કાળ જેવી લાગી હતી. મારું વેર કોઈ આસ્તિક સાથે વસૂલવા માગે એ કેવું?

કેવો ડાહ્યો મારો દીકરો. ગુણોમાં ઉત્તમ, દિલનો સાફ. અમીરીનો ઍટિટ્યુડ તેનામાં ક્યારેય આવ્યો જ નહીં. બીજા કોઈ દુર્ગુણ નહીં. વ્યાપારમાં તે ઘડાતો ગયો એમ હાઈ સોસાયટીમાં એની ચર્ચા, વખાણ થતાં ને અમને શેર લોહી ચડતું. જોકે મલ્હારના ગયા પછી તેણે વૈદેહીને પ્રેમ કરતો હોવાનું કહ્યું ત્યારે ભીતર તો ખળભળાટ મચી ગયો હતો. આની અસરમાં આવેશમાં પોતે વૈદેહીને પડકારી બેઠાં. ખરેખર તો વૈદેહીને પણ અભિની જેમ પાગલ કરી દેવાનું સળવળવા માંડેલું, પણ મારે કંઈ જ કરવાની જરૂર ન રહી...

વર્ષમાં બે વાર અમારું રેગ્યુલર મેડિકલ ચેકઅપ થાય એમાં આસ્તિકે પોતાનો સ્પર્મ-કાઉન્ટ કઢાવવા આપ્યો એની જાણ તો રિપોર્ટ આવ્યા પછી થઈ...

ધરતીકંપ જેવી ક્ષણોનું સ્મરણ ત્રિલોકાદેવીને કંપાવી ગયું. પૂર્ણ પુરુષ હોવા છતાં પોતે ક્યારેય પિતા નહીં બની શકે એ મતલબના અંતિમ નિદાને આસ્તિક ડઘાઈ ગયેલો. માના ખોળામાં માથું મૂકીને રડી લીધું.

‘અસંભવ. તું શું બોલે છે એનું તને ભાન છે?’ ત્રિલોકાદેવી સત્ય જાણીને સમસમી ગયેલાં, ‘આવું બધું ચેક કરવાની તારે જરૂર શી પડી!’

ત્યારે જાણ્યું કે તે વૈદેહી જોડે શારીરિક મર્યાદા ઓળંગી ચૂકેલો, એથી વૈદેહીને ગર્ભ ન રહેતાં પોતાનું ફુલ ચેકઅપ કરાવી લેવાનો વિચાર ત્યારનો રમતો હતો એનું પરિણામ સામે હતું. હવે?

‘વૈદેહી મારી કોઈ ઊણપને લક્ષમાં ન લે મા, પણ હું તેના માતૃત્વનો ભોગ લઈ ન શકું...’

એ માટે મારો દીકરો બૂરો બન્યો.

પાર્ટી-ઍનિમલ, પ્લેબૉયનો સ્વાંગ રચીને તેણે વૈદેહીને દêર કરી દીધી એની પાછળનું સત્ય તો વૈદેહી આજે પણ નહીં જાણતી હોય! આસ્તિકે મને સોગંદથી બાંધી ન હોત તો મેં ચોક્કસ વૈદેહીને સચ્ચાઈનો ઇશારો આપી દીધો હોત.... ના, એ તેની ભલાઈ માટે નહીં, મારા દીકરાને ખાતર! આસ્તિકની જન્મજાત ખોડ નાઇલાજ છે એ જાણ્યા પછી કઈ છોકરી તેને પરણવા તૈયાર થાય? એના કરતાં વૈદેહી શું ખોટી! અમારા વંશનો વારસ ભલે ન જન્મે, મારા દીકરાને જીવનસંગિનીની હૂંફ તો રહે... પણ આસ્તિકે એવું બનવા ન દીધું. નોકરીમાંથી છૂટી થઈને વૈદેહી જાણે ક્યાં જતી રહી. આસ્તિક એ દદર્‍ પણ જીરવી ગયો. જાણે નીલકંઠ! ઠીક છે, અત્યારે તો હું છું અને મને જોઈને આસ્તિક ધબકતો રહે છે; પણ પછી?

‘તું એકલો રહી ન શકે આસ્તિક, તારે પરણવું તો રહ્યું.’ પોતે મંડી પડ્યાં, સ્વભાવથી વિરુદ્ધ જઈને અશ્રુ વહાવ્યાં ત્યારે તે તૈયાર થયો, પણ એક શરતે - હું મારી એબ છુપાવીશ નહીં. કોડભરી કન્યાને અંધારામાં કેમ રખાય?

દીકરાનો આદર્શવાદ ખટક્યો. એબ જાણ્યા પછી કોણ લગ્ન માટે હકાર ભણે? ઊલટું પછી તો એનું ગામગજવણું થઈ જાય. સિંઘાનિયાના પુત્રની પિતા બનવાની અસમર્થતા જાહેર થઈ તો-તો બિઝનેસ પર વિપરીત અસર પડે૦, સમાજમાં અમે સૌના દયાપાત્ર ઠરી જઈએ - એવું પણ કેમ થવા દેવાય?

છેવટે આનો ઉકેલ સારિકામાં મળ્યો! જાણીતા ગુજરાતી બિઝનેસમૅનની એકની એક દીકરી અલ્ટ્રામૉડર્ન હતી. મારી જેમ ભારોભાર ઍટિટ્યુડવાળી. બોલ્ડ એવી કે ‘નો કિડ્ઝ’ની થિયરીમાં માનનારી.‘આઇ ડોન્ટ લાઇક બેબીઝ. મારી લાઇફના નવ મહિના હું તેને જન્મ દેવા માટે બરબાદ કેમ કરું? બેબીની નૅપી બદલવામાં, તેની આગળ-પાછળ ઘૂમતા રહેવામાં મને રસ જ નથી. હું મારી લાઇફ એન્જૉય ન કરું?’

આમાં દંભ નહોતો. પોતાની મોજમાં બાધા ન બને એ માટે સંતાન પેદા ન કરવાનું ચલણ મુંબઈ જેવા શહેરમાં પ્રસરતું જાય છે એ હકીકત છે. જોકે આટલી શૉકિંગ ટ્રીટમેન્ટ પછી પણ કોઈ મુરતિયો ઊભો ન રહે, પણ ત્રિલોકાદેવીને આ ‘ગુણ’ જચી ગયો : જેણે મા થવું જ નથી એ કન્યા મારા દીકરા જોડે ચાલે જ ચાલે!

આ વખતે તેમણે દીકરાને સોગંદથી બાંધીને માંડવે બેસાડી દીધો. વહુને, તેના ઘરવાળાને જુદી રીતે સમજાવ્યું : મારા આસુનેય બેબીઝની સૂગ છે. જાણે આ નવી પેઢીને થયું છે શું? હશે. બે સરખી માન્યતાવાળાનો મેળ જામી જાય, તે બેઉ ખુશ રહે તો ભયો-ભયો.

આ સમજ પર સડસડાટ છ વર્ષ નીકળી ગયાં... દિલનું દર્દ દબાવીને આસ્તિકે પૂરી નિષ્ઠાથી પોતાની ભૂમિકા નિભાવી હોવાની હું સાક્ષી છું. સારિકાને તન-મન-ધનથી સુખી કરવામાં તેણે કસર નથી છોડી, પણ સારિકાએ આ શું કર્યું? જેનો પતિ પિતા બની શકે એમ નથી તે પ્રેગ્નન્ટ થઈ એનો અર્થ જ એ કે અમારા દ્વારા અપાયેલી આઝાદીનો તેણે ગેરલાભ ઉઠાવ્યો. પરણ્યા પછીયે કોઈ પારકાનું પડખું સેવીને તેનું પાપ આસ્તિકના માથે ચડાવવા માગે છે? જાણ્યું ત્યારથી અમે મા-દીકરો રાતના સરખું ઊંઘી પણ નથી શક્યાં. સારિકાને આની ભનક નથી. બીજ ખરેખર આસ્તિકનું નહીં હોય એવી તેનેય કદાચ ખાતરી નહીં હોય... તેને કોઈ જોડે લફરું હશે? કે પછી એસ્ર્કોટને માણતી હશે? રામ-રામ.

‘આઇ ઍમ ગોઇંગ ટુ અબૉર્ટ ઇટ.’ સારિકા કંઈ પ્રેગ્નન્સીના ખબરથી ખુશ નહોતી. તેની માનસિકતા બદલાઈ નહોતી. જોકે જેને કોઈ ન પહોંચે તેને મા પહોંચે એવું પણ બને એમ વેવાણે સામેથી આ ખબર મીડિયામાં લીક કરી દીધા એટલે સારિકા તાત્પૂરતી તો બંધાઈ ગઈ છે. મીડિયાનું, સોસાયટીનું પ્રેશર જેવુંતેવું નથી હોતું. તેની બોલ્ડ વિચારધારા સર્કલમાં છૂ૫ી નહોતી, પણ ન જન્મેલા બચ્ચાને પાડવું તો કોઈ પણ સમાજમાં ક્રૂરતા જ ગણાય. સારિકા અવઢવમાં છે, અમે મૂંઝવણમાં. આ ઝંઝાવાત ઓછો હોય એમ અજાણી સ્ત્રીનું બ્લૅકમેઇલિંગ.

કોણ હશે તે સ્ત્રી? મારા ભેદ સામે તે રૂપિયા-પૈસા માગતી નથી. આસ્તિકને પાગલ કરવામાં તેને શું રસ હશે? સિંઘાનિયાને ત્યાં વારસ આવવાનો એ ખબર કોઈથી છૂપા નહીં હોય. આવનારા બાળકનુંય ન વિચારીને આસ્તિકને પાગલ બનાવવા જેટલું વેર-ઝનૂન તો તેને જ હોય... વૈદેહી!

વિચારતાં ગયાં એમ બ્લૅકમેઇલર વૈદેહી જ હોવાની ખાતરી થતી ગઈ. પ્રણયમાં ‘ધોકો’ ખાનારી વૈદેહી મારા ભૂતકાળનો આશરો લઈને તબાહી નોતરે એ પહેલાં મારે મારી ચાલ રમી લેવી ઘટે... પણ શું? મારે શું કરવું જોઈએ?

ત્રિલોકાદેવીએ ઊંડો શ્વાસ લીધો.

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK