કથા-સપ્તાહ - જીવાદોરી (માન-સ્વમાન : 5)

‘અક્ષત, મનોહર... કોઈ તમીજ શીખવશો વૈદેહીવહુને?’

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5

પત્ની પર ચીખતી વૈદેહીના તેવરે વિનયભાઈ ખિજાયા.

નંદકુંવર પરિસ્થિતિનો ક્યાસ કાઢવા મથ્યાં : મને તો હતું કે યશોદાને ચડાવીશ તો ઘરે જઈને સાસુ-વહુ બાઝવાનાં... ખરાઈ માટે પરિવાર અમારે ત્યાં આવે ત્યારે હું તમાશો માંડી દઈશ... એને બદલે વૈદહીએ જ આગ સળગાવી છે તો કરો સાસુ-વહુને સ્વાહા!

‘તને ન બોલો ર્દીઘમના પપ્પા...’ આંખ ભીની કરી, પતિને વારી નંદકુંવરે મોણ નાખ્યું. ‘ભલે આજે મારી અગ્નિપરીક્ષા થઈ જતી.’

સાસુ બોલતાં હતાં ને તેજુવહુને ચૂંથારો થતો હતો. આજે પહેલી વાર સાસુને પૂછ્યા વિના કંઈ કર્યું હતું ને...

‘અગ્નિપરીક્ષા નહીં, તમારો ધજાગરો થવાનો કાકી!’

વૈદેહી એટલા આત્મવિfવાસભેર બોલી કે પળપૂરતાં નંદકુંવર પણ ડઘાયાં. પછી થયું કે સચનો અવાજ ભલે નરવો હોય, જૂઠ સચનો લિબાસ પહેરે ત્યારે વધુ જોરાવર પુરવાર થાય એ મારે દેખાડી દેવું રહ્યું...

‘સાંભળો સૌ.’ વૈદેહીએ દમામથી કહેવા માંડ્યું. ઘર છોડતી વેળા ભૂલી જવાયેલાં ઘરેણાંના ડબ્બાથી શરૂઆત કરી ઘડી પહેલાંના તબક્કે અટકી, ‘મને બે વાર પાછી કાઢનારાં કાકી મારાં મમ્મીને એમ ભંભેરે છે કે પોતે વિભુકાકીની હાજરીમાં ઘરેણાં મને આપી દીધાં છે.

‘મેં તો આપ્યાં જ હતાં...’ નંદકુંવર તાડૂક્યાં. ‘પૂછી જો વિભુને.’

પોતાના દીકરાના ચાલ્લામાં આવીને ભવાઈ થાય એ વિભાવરીને ન જ રુચ્યું, પણ જેઠાણીના ચાર હાથ રહ્યા છે અને તેમની યોજનામાં હામી પણ ભરલી એટલે દમામ દાખવીને કહેવું પડ્યું, ‘ભાભી સાચાં છે...’ કહી વૈદેહીને ખંખેરી, ‘લઈને તું ફરી જાય તો કોઈ શું કરે?’

‘લો...’ વિનયભાઈ મનોહર તરફ ફર્યા, ‘ભાઈ, ઘરની બબ્બે મોટી વહુઓ કહે છે પછી પણ તને...’

‘પપ્પાને નહીં, મમ્મીને પૂછો કાકા...’ ઊંચા અવાજે કહીને વૈદેહી સાસુ તરફ ફરી, ‘બોલો, મા, તમને કોણ સાચું લાગે છે?’

અક્ષતનું હૈયું ધડકી ગયું. મનોહરભાઈએ તાણ અનુભવી. વૈદેહીના ઉપાયમાં આમાંનું કશું નહોતું. બેશક, પહેલી વાર ઘરેથી નીકળતી વેળા નંદુભાભીએ યશોદાની કાનભંભેરણી કર્યાની ખાતરી હતી, પણ ઘરેણાંવાળો ફણગો તો અણધાર્યો છે...

નંદકુંવર મનોમન ખુશ થયાં. બસ, આ ઘડીએ યશોદા વહુને ખોટી ગણાવે તો ફરી કદી પુરાય નહીં એવી તિરાડ પડવાની સાસુ-વહુમાં!

યશોદાબહેનની છાતીમાં ઝંઝાવાત ફૂંકાતો હતો. શાણપણ કહેતું હતું કે ઘરનો ઝઘડો ગામ વચ્ચે ન હોય, બુદ્ધિ કહેતી હતી કે વૈદેહી જૂઠ બોલે જ નહીં; પણ હૈયું...

‘તે બિચારી શું બોલે.’ યશોદાબહેનને વાર થઈ એટલે ધક્કો મારવા નંદકુંવરે જેવું કર્યું, ‘જમીન જતાં તે બિચારી દીકરા-વહુની ઓશિયાળી.’

વૈદેહીએ તાળી પાડી, ‘બસ, તમારી આ ચોરી પણ પકડાઈ ગઈ કાકીસાહેબા. તમે જ મારાં મમ્મીને ભડકાવ્યાં છે. એટલાં કે ઘણી વાર તો પોતે શું-કેમ કરે છે એ તેમને પણ સમજાતું નથી.’

પછી કોઈને કંઈ સમજાય એ પહેલાં પછવાડે ઊભેલી તેજુવહુને હાથ ખેંચીને આગળ દોરી લાવી, ‘મમ્મી આ જુઓ, નંદુકાકીની મોટી વહુ. તેના ગળાની તુલસીના માળા તમારી જ છેને?’

હેં.

યશોદાબહેને આંચકો અનુભવ્યો. તેજુ ફફડતી હતી. વિભાવરી ઝંખવાયાં. નંદુકુંવરને ધરતી મારગ આપે તો સમાઈ જવા જેવું લાગ્યું.

જે ઘરેણાં દેવાઈ ચૂકવાનું હું ગાણું ગાઉં છું એ મારી જ વહુ પહેરીને મહાલે છે!

‘સૉરી સાસુમા...’ તેજુ થોથવાઈ, ‘આ બોરમાળા મને બહુ ગમતી. આજે ફંક્શનમાં પહેરવા તમારા લૉકરમાંથી...’

ખલાસ! સત્યાનાશ.

‘ચૂપ મર દોઢડાહી. યશોદાની એંટ ઉતારવા ખેલ કર્યો ને...’ તેમણે જીભ કચરી.

‘ભાભી, તમારા રોટલાનો હિસાબ પૂરો.’ મનોહરભાઈ આટલું જ બોલ્યા ને નંદુકુંવરના મોં પર કાળાશ છવાઈ ગઈ.

‘ડૂબી તમે મરો ગોરાણી...’ તાયફાના અંજામથી ગિન્નાયેલા વિનયભાઈએ દાઝ કાઢી, ‘ઢાંકણીમાં પાણી લઈ!’

આજ સુધી મનોહરને કરેલો અન્યાય જાણે વસૂલાઈ ગયો. નંદકુંવર-વિભાવરીએ અશ્રુ સારીને માફી માગી. ઠપકા-ટીકાનાં વેણ સહ્યાં. આ અનુભવ ફરી ક્યારેય તેમને ખોટું કરવાની હામ નહીં આપે. યશોદાબહેન જેવાનું બ્રેઇનવૉશિંગ નહીં થાય એટલું જ આ ઘટનાનું તાત્પર્ય. બાકી તેમની કરણી ઇતિહાસમાં ગવાતી રહેવાની!

વૈદેહીને ખુદને સંતોષ હતો. પિતરાઈઓ કદી પોતાના નહોતા, મનોહરભાઈને એની પીડા નહોતી. અક્ષતને વૈદેહીની સૂઝ-શક્તિનો આનંદ હતો. હવે વૈદેહી જે કરવા માગે છે એ પણ પાર પડવું જોઈએ!

€ € €

આ શું થઈ ગયું આજે! આખા રસ્તે, ઘરે પહોંચીને પણ યશોદાબહેનકંઈ ન બોલ્યાં. પોતાની જાતને રૂમમાં પૂરી દીધી.

ધ્રુસકાભેર રડવું છે, પણ અશ્રુ ફૂટતાં નથી. ક્ષુબ્ધ મન આત્માને ઝંઝોડે છે જાણે : તને ચડાવનારા ઉઘાડા પડી ગયા, તારી વહુ વધુ શુદ્ધ થઈને અãગ્નપરીક્ષામાંથી પાર નીકળી... હજીયે તારે કઈ રઢ લઈને બેસવું છે? ઓશિયાળાપણાની?

તેમની પાસે અત્યારે પણ કદાચ આનો જવાબ નહોતો.

€ € €

સવારે જાગ્યા ત્યારે સૂરજ માથે ચડી ગયેલો.

હાય રામ. વહુએ મને ઉઠાડી પણ નહીં? પડખે મનોહર સૂતા છે. તે રાતે ક્યારે આવ્યા હશે?

ફટાફટ નહાવા-ધોવાનું પતાવીને તેમણે દીકરા-વહુના ઓરડે ટકોરા મારતાં બારણું ખૂલી ગયું. અક્ષત-વૈદેહી નહોતાં. બારીમાંથી જોયું તો આંગણે ગાડી પણ નહોતી. બેઉ જતાં રહ્યાં? ઘર છોડીને? આ રીતે? અમને ઊંઘતાં મૂકીને?

સમસમી જવાયું. ત્યાં ડ્રેસિંગ મિરર પર રહેલાં કાગળિયાં પર નજર ગઈ. દસ્તાવેજની ઉપર સફેદ કવર હતું જેના પર વૈદેહીએ તેના મરોડદાર અક્ષરમાં લખ્યું હતું - પ્રિય મમ્મીને.

યશોદાબહેનનું હૈયું ધડકી ગયું.

€ € €

પ્રિય મમ્મી,

હું તો તમને પ્રિય કહેવાની અને ફરી આમ વત્યાર઼્ તો લડવાની પણ. સાસુ સાથે લડવાનો વહુનો જન્મસિદ્ધ હક શું કામ છોડું?

લગ્ન અગાઉ હું આમ કહેતી તો મારી મા વઢતી, અક્ષત સાથેના એન્ગેજમેન્ટ પછી મને ડિંગો દેખાડતી - તારા સાસુ તને લડવાનો એક મોકો આપે એમ નથી!

મને તમારા એ રૂપનો ગર્વ આજે પણ છે મમ્મી.

તમે બદલાયાં જીવાદોરી સમાન આપણી જમીનનો ટુકડો જવાથી. આવકનો રસ્તો બંધ અને એમાં નંદુકાકી જેવાની કાનભંભેરણી કે હવે તમારે વહુના રાજમાં રહેવાનું, તમે ઓશિયાળાં થઈ ગયાં...

ના મા, તમે નંદુકાકી જેવાની ચડામણીમાં આવી જાઓ એવાં તો બિલકુલ નથી. છતાં સ્વમાનના નામે; નહીં ઝૂકવા, નહીં નમવાની જીદે તમે આકરાં થતાં ગયાં - શું કામ?

આનો એક જવાબ મને મળ્યો છે : તમારું, પપ્પાનું બાળપણ!

તમે બેઉ અનાથ તરીકે બીજાની ઓથમાં ઊછર્યાં, તમને તો મામાને ત્યાં હેત મળ્યુ, પપ્પાને તો એય નહીં. પરણીને તમે જાણ્યું કે પપ્પાના ઉછેરનો ઉપકાર જતાવાય છે! ભલે એના સામા પલડામાં જમીન ઝૂંટવાનું દુ:ખ હોય. અહીંથી તમારી ટેક બંધાઈ. ભૂતકાળમાં જે બન્યું એ, હવે અમે કોઈના ઓશિયાળા નહીં બનીએ. જે છે, જેટલું છે એમાં સ્વમાનભેર રહીશું... આ ટેક, આ સંકલ્પ તમારા વ્યક્તિત્વની આસપાસ પ્રોટેક્શન-વૉલ જેવો બની ગયો. નંદુકાકી જેવાનો વાણીવિલાસ તમને સ્પર્શતો નહીં. એ દીવાલની અંદર તમે પતિ, પુત્ર અને પછી વહુ સાથે ખુશ હતાં, સુખી હતાં.

પણ જીવાદોરીરૂ૫ જમીન જ જતાં એ દીવાલમાં તિરાડ પડી. તમારું રક્ષાકવચ ધ્વસ્ત બન્યું ને તમે રઘવાયા બન્યાં. કાનભંભેરણી માટે સહજ બન્યાં. તમે મુંબઈ આવ્યાં, પણ બીજાએ રોપેલા બીજનું વટવૃક્ષ લઈને.

પરિણામે દૂધવાળાને તપેલી દેવાની હોય કે અક્ષત માટે ઢોસા ઉતારવાના હોય, તમે દરેક ક્ષુલ્લક ઘટનાને તમારા સ્વમાન સાથે સાંકળતાં ગયાં અને એટલે જ એની રક્ષા માટે આકરાં બનતાં ગયાં. પછીથી તમારી જ પ્રતિક્રિયા તમને પજવતી હોય તો નવાઈ નહીં.

(યશોદાબહેનની પાંપણ ભીની થઈ. વહુનો શબ્દેશબ્દ સાચો હતો. પોતાનું માનસ આજે તેમને પરખાતું હતું.)

તમારી તડપ, તમારી અસલામતી, તમારો ભય અમારાથી નથી જોવાતો. તો પછી આનો ઉકેલ શો?

(યશોદાબહેન ટટ્ટાર થયાં. આના જવાબનો તો મને પણ ઇન્તેજાર છે!)

ઉકેલ એક જ.

તમને ફરી એક જીવાદોરી આપીને. તમારા સ્વમાનને પછી કોઈની સાડીબારી નહીં હોય. ફરીથી રક્ષાકવચ આકાર લે તો જ તમે fવસી શકશો, પૂર્વવત થઈ શકશો.

એ માટે અક્ષતે લોન લઈને પપ્પાના નામે આ જ ગામમાં જમીનનો એક ટુકડો લીધો છે. વચમાં હું અને પપ્પા ગામ આવેલા એ આ જ કામે. પપ્પાએ તેમના ઓળખીતા એજન્ટને કહી રાખેલું એટલે ફટાફટ ચારેક જગ્યા જોઈ એમાંથી એક લોકેશન ફાઇનલ કરી સોદો ઠેરવી દીધો.

આ પત્ર સાથે એનો દસ્તાવેજ પણ બીડ્યો છે. જમીનનો આ ટુકડો હવે તમારો. જાણું છું કે દીકરાના પૈસે જમીન લેવાનું પણ તમારા સ્વમાનને નહીં રુચે. એટલે એની આવકમાંથી લોનનો હપ્તો ભરી શકો એ સૂચન.

(યશોદાબહેને ઝણઝણાટી અનુભવી. ફરી જમીનનો ટુકડો મળે તો-તો અમારે બીજું કંઈ કરવાનું ન રહે, કોઈની સાડીબારી નહીં રહે... લોન તો થોડાં વરસોમાં ચ૫ટીમાં ભરાઈ જશે. એકાએક બધું સારું લાગવા માંડ્યું. બટ વેઇટ - પત્રનાં થોડાં વાક્યો હજી બાકી છે.)

મા, તમે સાચે જ આમ વિચાર્યું હોય તો મને એક જ પ્રશ્નનો જવાબ આપો : જમીનના ટુકડાને તમે જીવાદોરી કહો છો. જિગરના ટુકડાને શું કહેશો?

જવાબ મળે તો સમજી જશો કે મેં અહીં બે વિકલ્પ મૂક્યા છે મા.

પસંદગી તમારી.

લિ. તમારી વહુ વૈદેહી!

છેલ્લાં વાક્યોએ ધબ દઈને બેસી પડ્યાં યશોદાબહેન. આંખો રડી પડી. હૈયામાં ઘમસાણ મચ્યું. પછી અધીરાં બનીને પતિને ઢંઢોળ્યા. ‘ઊઠો મનોહર, દીકરા-વહુ મુંબઈ ગયાંને? મને મારા દીકરા-વહુ પાસે લઈ જાઓ.’

હેં. મનોહરભાઈ પત્નીના પલટાને તાકી રહ્યા.

€ € €

‘દીકરા-વહુ!’

બૂમ નાખતાં યશોદાબહેન ક્વૉર્ટરના પ્રાંગણમાં દાખલ થયાં અને તેમની જ રાહ પર મીટ માંડી બેઠેલાં અક્ષત-વૈદેહી દોડીને તેમના ડાબે-જમણે પડખે ભરાઈને ભેટી પડ્યાં. મુંબઈ આવી રહેવું એટલા માટે જરૂરી હતું કે માને અહીં આવવામાં સ્વમાન આડું ન આવવું જોઈએ. મનોહરભાઈએ ભીની આંખો લૂછી.

‘તેં મારી આંખો ખોલી નાખી વહુ. હું જમીન જવાના દુ:ખને રોતી રહી, પણ સમજી ન શકી કે માબાપની ખરી જીવાદોરી તો તેમની સંતતિ છે! જે હૈયાનો આધાર છે એ જીવતરનો આધાર બને એ તો સાહજિક છે. એમાં સ્વમાન ઘવાતું નથી, ઓશિયાળાપણું પ્રવર્તતું નથી.’ નવા જ યશોદાબહેન ઊઘડ્યા.

‘દીકરાના ઘર જેવું કંઈ હોતું નથી. જે છે એ જેટલું તેનું એટલું કોઈનું નથી. ગામની, ઘરની માયા ખરી; પણ દીકરાની માયા તો એથી ક્યાંય વધુ હોવાની. બહુ જીવ્યા એકલા. હવે ભેળા રહેવું છે. મારી વહુ સાથે મીઠા ઝઘડા કરવા છે. માબાપનું હેત બિનશરતી હોય તો દીકરા-વહુના હેતમાં શરત, સ્વમાન શોધવાની ચેષ્ટા શું કામ?’

અહીં ક્યાંય અસલામતી નહોતી. સ્વમાનની મિથ્યા રામાયણ નહોતી.

પછી તો મનોહરભાઈ-યશોદાબહેન હંમેશ માટે દીકરા-વહુ સાથે જ રહ્યાં. પિતરાઈઓ કદી નજર મેળવી ન શક્યા.

પૌત્ર-પૌત્રીના આગમને કિલકારી ભરી દીધી અને એ કિલ્લોલ મનોહરભાઈ-યશોદાબહેનના ઘરમાં આજીવન રહ્યો એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy