કથા-સપ્તાહ - જીવાદોરી (માન-સ્વમાન : 4)

માને શું થયું છે?અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


અક્ષતને સમજાતું નથી. ગામથી આવ્યાના આ ત્રણ મહિનામાં મા મને અજનબી જેવી કેમ લાગવા માંડી છે?

માને મારા માટે ઢોસો બનાવવાનું કામવાળીનું કામ લાગે છે? છટ્!

કેટલી અનપ્રિડિક્ટેબલ બની ગઈ છે મા. તેને ફરવા જવાનું કહીએ તો અડી બેસે - મારે ક્યાંય જવું નથી. એટલે અમે પણ પ્રોગ્રામ માંડવાળ કરીએ તો કહેશે - એટલે તમને મા પર વિશ્વાસ નથી? મારા

ભરોસે ઘર છોડશો તો હું કંઈ તમારું લૂંટી નથી લેવાની!

તેનાં વેણ કાળજે વાગે છે. દુ:ખ એ છે કે આ બધું મારી માને કેટલું પીંજતું હશે! આનો ઉપાય શું?

€ € €

યશોદા, તને થયું છે શું?

મનોહરભાઈ વારી-વારીને પૂછે છે. ક્યારેક અકળાઈને યશોદાબહેન કહી દે - થયું મને નથી, તમને સૌને છે. બધાને હું જ ભૂંડી દેખાઉં છું!

ના, આ મારી યશોદા નથી. તે તો કેવી સ્વમાની, સમર્પિત, સૌને સ્નેહભાવથી જકડી રાખનારી.

આની સાથે વાત કરતાં ડર લાગે છે. જાણે આપણે શું કહીએ ને તે શું એનો અર્થ કાઢે!

ફરિયાદ યશોદાનો સ્વભાવ બની ગઈ છે, પણ કેમ? એનો ઉપાય શું?

€ € €

મને શું થાય છે? યશોદાબહેન ખુદને પૂછે છે, ઢંઢોળે છે.

મનોહર, અક્ષત, વૈદેહી - મને ખુશ રાખવા મથે છે, મને સમજાય છે અને છતાં હું જ તેમને ધુતકારતી, તરછોડતી, તુચ્છકારતી રહું છું. શા માટે તેમના પ્રયત્નો, તેમની લાગણી મને નથી સ્પર્શતી? શા માટે હું આટલી આળી થતી જાઉં છું? શું જોઈએ છે મને? શું ઝંખું છું હું? આ ત્રણ મહિનાએ મને નિચોવી નાખી છે. નંદુભાભીનાં સલાહસૂચનોએ મને બદલી નાખી?

કદાચ હા. હું નૉર્મલ થવા જાઉં ને તેમનો પડઘો સંભળાય - વહુ તને કામવાળી બનાવી દેશે... નમેલી રહેજે તો ટકી શકશે... તારા સ્વમાનનું શું?

અને હું બદલાઈ જાઉં, આકરી થઈ જાઉં.

નંદુભાભીનો સ્વભાવ હું ક્યાં નથી જાણતી? આજ સુધી તેમને મેં ફાવવા નથી દીધાં. અમારી જમીન શું ગઈ હું એવી પરવશ થઈ કે તેમની વાતોમાં આવી જાઉં? જાતને વારું છું, સમજાવું છું, પણ ફરી એક ઘટના ને હું ત્યાંની ત્યાં! આનો ઉપાય શું?

€ € €

‘ઉપાય હું જાણું છું.’

વૈદેહીએ કહ્યું. અક્ષત-મનોહરભાઈ તેને તાકી રહ્યા.

મનોહરભાઈ રોજ સાંજે નજીકના બગીચામાં વૉક લેવા જતા. તેમને અહીં ગોઠી ગયું હતું. વૈદેહીએ સવારથી કહી રાખેલું - અક્ષત, તમે ઑેફિસથી ગાર્ડન પહોંચજો, આપણે ત્યાં ભેગા થવાનું છે... ઇટ્સ અર્જન્ટ.

જરૂર મા વિશે જ હોવાનું. ના, વૈદેહી ધીરજવાળી છે. આટલું થયું છતાં મા વિશે કે મા સમક્ષ હરફ નથી ઉચ્ચાર્યો... માની ગેરહાજરીમાં તે શું કહેવા માગતી હશે?

મનોહરભાઈના સમયે અક્ષત પણ આવી ગયો ને થોડી વારે શાકપાંદડું લેવા નીકળેલી વૈદેહી પણ પહોંચી. તેણે જ શરૂઆત કરી : માની વર્તણૂક આપણા ત્રણે માટે પઝલ બની ગઈ છે. મેં પણ ખૂબ મનોમંથન કર્યું છે આ વિષયમાં. મારા ખ્યાલથી હું સમસ્યા અને એનો ઉકેલ જાણું છું.’

વૈદેહી કહેતી રહી, બેઉ પુરુષો સ્તબ્ધપણે સાંભળી રહ્યા. છેવટે અક્ષત બોલ્યો, ‘માને તેં આટલી જાણી!’

‘બિલકુલ સાચી જાણી.’ મનોહરભાઈએ ડોક ધુણાવી.

‘તો એનો ઉપાય પણ મને સૂઝ્યો એ જ હોય...’ વિસ્તારે કહીને વૈદેહીએ ઉમેર્યું, ‘મારા ખ્યાલથી પપ્પા, આપણે ગામ જવું પડશે.’

€ € €

‘અક્ષત્...’ રાત્રે ડિનર-ટેબલ

પર વૈદેહીએ વાત છેડી, ‘ગામનું ઘર ત્રણ મહિનાથી બંધ છે. મારા ખ્યાલથી પપ્પા-મમ્મી બે દિવસ માટે ગામ જઈ આવે તો ઘરની દેખરેખ પણ થઈ જાય...’

‘કાલે જ નીકળીએ...’ મનોહરભાઈએ ત્વરિત સંમતિ આપી.

લો, વહુ બોલી નથી ને સસરા હાલ્યા નથી! યશોદાબહેન ધૂંધવાયાં. બીજા સંજોગોમાં ગામ જવાના ઉલ્લેખે તેઓ હરખપદૂડા બન્યાં હોત, પણ વહુ બોલી એટલે અડી બેઠો : એમ તેના કહેવા પ્રમાણે અમારે ચાલવાનું? ત્રણ મહિનાનું બંધ ઘર સાફ કરવાની મજૂરી મારે કરવાની? ન બને!

‘હું નથી જવાની...’ તેમણે રુઆબભેર કહ્યું. તેમને ક્યાં ખબર કે બાકીના ત્રણેને એ જ અપેક્ષિત હતું.

‘ઠીક...’ વૈદેહીએ પાકું ઠેરવ્યું, ‘તો હું પપ્પા જોડે જઈ આવું.’

€ € €

મનોહરભાઈએ બે-ત્રણ ઓળખીતાને વાત કરી રાખેલી એટલે વૈદેહીએ ધા૨ેલું અડધું કામ સાંજ સુધીમાં સુખરૂપ પતી શક્યું.

ઠેઠ ત્યાર પછી ઘરે ગયા. મુંબઈથી બે દિવસની ટૅક્સી જ કરેલી એટલે બીજી હાડમારી નહોતી.

‘તમે આંગણે બેસો પપ્પા, હું કાકીને ત્યાંથી ચાવી લઈ આવું.’ સાંકડા રસ્તા મોટી ગાડી માટે અનુકૂળ નહોતા.

‘ભલે...’ કહેતાં મનોહરભાઈને યાદ આવ્યું, ‘કાકી પાસેથી પેલાં ઘરેણાંનો ડબ્બો પણ લેતી આવજે.’

‘હા, પપ્પા...’

€ € €

‘વૈદેહીવહુ, તું!’

દીવાબત્તી ટાણે યશોદાની વહુને ભાળીને નંદકુંવર ચમકી ગયાં. સવારના આવેલાં એમ કહેનારી વહુ ઘરની ચાવી લેવા ઠેઠ અત્યારે કેમ આવી! આખો દિવસ ક્યાં હતાં સસરા-વહુ? પૂછ્યું તો કહે છે કે થોડું કાગળિયાંનું કામ હતું... બહુ શાણી છે યશોદાની વહુ. ધરાર જો મગનું નામ મરી પાડતી હોય.

તેમણે પણ પ્રયત્નો પડતા મૂક્યા. એના કરતાં જાણું તો ખરી કે યશોદાની શી હાલત છે! મારી ‘ચેતવણી’ રંગ લાવી કે નહીં?

‘તારી સાસુનું દિમાગ તો ઠેકાણે રહે છેને ત્યાં!’

નંદુકાકીની પૃચ્છાનો ઇરાદો ન કળાય એવી અબૂધ ક્યાં હતી વૈદેહી?

‘મારાં સાસુ તો લહેરમાં છે. એટલું ફાવી ગયું છે ત્યાં કે અહીં આવવા પણ તૈયાર ન થયાં.’ વૈદેહીએ તેમની બળતરામાં ઉમેરો કર્યો, ‘તમને ખાસ યાદ પાઠવી છે. નંદુભાભીને ખાસ કહેજે કે મારી ફિકર ન કરે... હું ગામ કરતાંય મોજમાં છું.’

હાય-હાય. નંદકુંવર તડતડી ગયાં.

‘અચ્છા કાકી, પેલો ઘરેણાંનો ડબ્બો મગાવી આપશો?’

‘હેં...’ ઝબક્યાં-ચમક્યાં હોય એમ નંદકુંવરે સાડલાનો છેડો સરખો કરીને હવામાં હાથ ઉલાYયો, ‘ઘરેણાંનો ડબ્બો તો મેં બૅન્કમાં મુકાવી દીધો. કાલે જતી વેળા આવજે, મગાવી રાખીશ.’

‘ભલે.’

€ € €

‘તારી વહુ તો ભારે મીંઢી, મનોહર.’ બીજી સવારે નોકરચાકર સાથે ભાણાનું ટિફિન લઈને આવેલાં નંદકુંવરે વૈદેહીની હાજરીમાં જ કહ્યું, ‘કયા કામે આવ્યા છો એનો ફોડ નથી પાડતી.’

વૈદેહી-મનોહર અચાનક આવ્યાના અચરજ સાથે યશોદા ખુશમાં હોવાના ખબરનો આંચકો પચવામાં વાર લાગી એટલે ગઈ કાલે તો નંદકુંવરને વહેવાર ન સૂઝ્યો, પણ આજે સવારે જ માણસ મોકલીને કહેવડાવી દીધેલું કે વૈદેહીવહુ રસોઈ ન બનાવે, હું ટિફિન લઈને આવીશ!

એટલે વૈદેહીને ઘર ઠીકઠાક કરવાનો અવકાશ પણ મળી રહ્યો. જમીને પાછું વલસાડ જવાનું હતું, ગઈ કાલનું અધૂરું કામ પતાવવા.

ખરેખર તો નંદકુંવરને એની જ ચળ ખેંચી લાવી એ સમજાય એમ હતું, પણ વહુએ પઢાવી રાખેલા મનોહરભાઈ પણ પાક્કા નીકYયા. હસીને કહી દીધું, ‘વહુનું કામ તે જાણે ભાભી, હું મારા ઘરે આવ્યો છું.’

નંદકુંવરે મોં બગાડ્યું. મનોહરને પણ શહેરની હવા લાગી ગઈ! આડીતેડી વાતો કરીને તે ઊઠ્યાં. વૈદેહીએ યાદ અપાવ્યું, ‘કાકી, ઘરેણાં મગાવી રાખજો. હું સાંજે લેતી જઈશ...’

€ € €

બધું કામ પતાવી, મોટર બહાર ઊભી રખાવીને નીકળતાં પહેલાં વૈદેહી વળી નંદકુંવરને મળવા ગઈ, પણ ઘરેણાં આવ્યાં નહોતાં.

‘ર્દીઘમ (દીકરો)ને કહેલું, પણ કામકાજમાં તેને સમય જ ન રહ્યો બહેન!’ લાચારભાવે કહીને તેમણે ઉમેર્યું, ‘ જો, વિભાવરીના દીકરાનું નક્કી થાય એમ છે. સગાઈ રાખશે તો તમારે બધાએ આવવાનું થશે જ, ત્યારે લઈ લેજે.’

‘ભલે.’ વૈદેહીએ વળી ઘરની ચાવી થમાવી.

€ € €

‘પણ તમે વૈદેહીને ના કેમ પાડી?’ વિભાવરીએ જેઠાણીને પૂછ્યું, ‘ઘરેણાંનો ડબ્બો તમારા કબાટના લૉકરમાં પડ્યો છેને. તુલસીની બોરમાળા તો તમે રોજ પહેરો છો.’

નંદકુંવરે ગરીબ દેરાણીનાં ઘરેણાં પચાવી પાડવા જેવું હલકું કામ કરવાની જરૂર જ ન હોય.

‘આ કંઈ મારી સુવર્ણલાલસા નથી વિભુ... આટલું વીત્યા પછી પણ યશોદા સુખમાં હોય તો એમાં જરા દુ:ખના છાંટા નાખવા દે. તેની એંટ હું ઉતારી ન શકી, હવે તેની વહુ ઉતારશે.’ તેમના ચહેરા પર ખંધાઈ ટપકી. વિભાવરી પણ એવું જ મલકી રહી.

€ € €

મારું ઘર! કારમાંથી ઊતરતાં જ યશોદાબહેન આંગણામાં દોટ મૂકીને ઓટલે બેસી પડ્યાં. અવશપણે અશ્રુ ધસી આવ્યાં.

કેટલું સુખ હતું અહીં, પણ અમારી જીવાદોરી જેવી જમીન ન રહી ને દીકરા-વહુનાં ઓશિયાળાં...

નિ:શ્વાસ નાખીને તેમણે અશ્રુ લૂછ્યાં. નહીં, વિભુભાભીના સુજલના વેવિશાળ નિમિત્તે શનિ-રાવિ બે દિવસ પૂરતા સૌ ગામ આવ્યા છીએ ત્યારે મન ભરીને અહીં રહેવું છે, મીઠી યાદો સમેટવી છે...

પાછળ પ્રવેશતી વૈદેહીના ચિત્તમાં પડઘો પડ્યો. હવે પછી તમારે તડપવું નહીં પડે મમ્મી, આ મુલાકાત તમારા માટે યાદગાર નીવડવાની!

તેણે પાછળ આવતા અક્ષતને કહ્યું. ‘અક્ષત, કાકીને ત્યાંથી ચાવી લઈ આવો તો.’

€ € €

શનિની સાંજે ગામની વાડીમાં દોઢસો મહેમાનોની હાજરીમાં રંગેચંગે વિવાહવિધિ પૂર્ણ થઈ.

‘કેમ છે યશોદા!’ જાણે હમણાં જ ધ્યાન ગયું હોય એમ નંદકુંવર યશોદાબહેનનો હાથ પકડીને ભીડથી સહેજ દૂર લઈ ગયાં, ‘અક્ષુ સવારે ચાવી લેવા આવ્યો ત્યારે હું ઘરે નહોતી. ગયા અઠવાડિયે તારી વહુ આવેલી તે કહેતી’તી કે સાસુમા તો શેઠાણીની જેમ રહે છે.’

(મતલબ વહુએ એમ કહીને મારી વગોવણી કરી કે હું કશા કામની નથી, બેઠા-બેઠા હુકમો જ છોડતી હોઉં છું!)

‘અરે હા, તને ઘરેણાં મળી ગયાંને? વૈદેહીને મેં આપી દીધાં’તાં, વિભુની સાક્ષીમાં.’

યશોદાબહેન ચમક્યાં. વૈદેહી તો કહેતી’તી કે ઘરેણાં લૉકરમાં છે માટે...

‘તારી વહુ જૂઠું બોલે છે યશોદા...’ નંદકુંવર ઊકળી ઊઠ્યાં, ‘પુછાવી જો વિભુને. મારા હાથે મેં તારાં ઘરેણાં વૈદેહીને દીધાં છે. તેણે તને ન

આપ્યાં? તારા સ્ત્રીધન પર વહુનો કબજો રહે છે યશોદા?’

યશોદાબહેન શું બોલે?

વૈદેહી ઘરેણાં પર હાથ મારે એવી તો નથી; હા, અમને ઓશિયાળાં બનાવવા કદાચ...

નંદકુંવર ઝીણી નજરે યશોદાબહેનને માપી રહ્યાં. ચરુ ઊકળી રહ્યો છે... એક વૉર અને પછી સાસુ-વહુ વચ્ચે કદી સુલેહ નહીં થાય. પછી આપોઆપ દીકરાની ઓથ ન રહે તો બાઈજીનું ગુજરાન કઈ રીતે ચાલશે? નાછૂટકે તેણે અમને જ નમતાં આવવું પડશે!

નંદકુંવર ખીલી ઊઠ્યાં, ‘જરા દાબીને પૂછ યશોદા...’

‘બસ કાકી...’ વૈદેહીની ત્રાડે સોપો સરજી દીધો. ‘ક્યારનાં મારાં મમ્મીને ચડાવો છો, દૂર ઊભી હું તમારો તાલ દેખ્યા કરું છું. હદ હોય જૂઠની.’

નંદકુંવર સમસમી ગયાં. વૈદેહી સીધો હુમલો પોતાના પર કરશે એવું ધાર્યું નહોતું. આસપાસ ટોળું થઈ ગયું. ગણગણાટ પ્રસરી ગયો.

મામલો યશોદાબહેનનાં ઘરેણાંનો છે એ જાણીને નંદકુંવરની તેજુવહુને તમ્મર આવવા જેવું થયું.

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK