કથા-સપ્તાહ - જીવાદોરી (માન-સ્વમાન : 3)

‘હવે આપણું શું થશે?’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


ચુકાદાની રાત્રિએ પતિના ખભે માથું ઢાળીને યશોદા ગોરાણી આંસુ સારે છે. બપોરે નંદુભાભી એટલું તો સાચું કહી ગયાં કે જમીનના એક ટુકડા પર પોતે બહુ એંટથી જીવ્યાં... અમારી એ જીવાદોરીએ અમારા સ્વમાન, અમારી ટેકને સદૈવ જાળવ્યાં; કદી કોઈના ઓશિંગણ નથી થવું પડ્યું. હવે એ આધાર જ નથી રહ્યો ત્યારે કરોડરજ્જુ ભાંગી પડી હોય એવું લાગે છે. બદલામાં જે મળશે એમાંથી ફદિયું પણ વળે એમ નથી. બચત વાપર્યે તો બે-પાંચ વરસ નીકળે, પછી? આ ઉંમરે ગોરને કંઈ કામ કરવા ઓછા મોકલાય છે? જિંદગીભર જેણે નોકરી નથી કરી એ હવે કોઈને ત્યાં જીહજૂરિયું કરવા જાય? એના કરતાં હું રસોઈનાં કામ બાંધી દઉં તો!

‘બસ યશોદા, બસ...’ મનોહરભાઈએ પત્નીને પસવારી, ‘શાંતચિત્તે સૂઈ જા. જેને અક્ષત-વૈદેહી જેવાં દીકરા-વહુ હોય તેણે અશ્રુ સારવાનાં ન હોય.’

તેમના વાક્યે યશોદાબહેનની રુદનધારા થંભી, ‘સાચું કહ્યું તમે.

દીકરા-વહુના રહેતાય આપણે શું ચિંતા!’

સાંભળીને દરવાજે ઊભેલી વૈદેહીને શાતા છવાઈ.

સાંજે માએ નોધારાપણાનો નિસાસો નાખેલો એ દઝાડી ગયેલો : જમીન જતાં મા નોધારાં થઈ ગયાં? અમારી કોઈ કિંમત નહીં!

આ અજંપો સૂવા દે એમ નહોતો. મા સાથે ઝઘડી લેવું હતું, તેમને ઠપકારવા પણ હતાં. એ જ જોશમાં પોતે મધરાતે આવી ચડી, પણ ટકોરા મારતા અગાઉ અંદરથી આવતા અવાજોએ સ્થિર કરી મૂકી. છેલ્લા વાક્યે અશ્રુબુંદ જામી : ના, સાંજે મા આઘાતના માર્યા બેધ્યાનીમાં બોલી ગયાં, ઈfવર પ્રત્યેની નારાજગીમાં બોલી બેઠાં; બાકી દીકરા-વહુમાં તેમનો ભરોસો અકબંધ છે.

હવે અમારે એ ભરોસાને તૂટવા નથી દેવો, બસ!

€ € €

‘અરે વહુ, આ શું?’

બીજી સવારે રાબેતા મુજબ આંગણું વાળીને રોજિંદી ઘટમાળમાં પરોવાનો યત્ન આદરતાં યશોદાબહેન ઘરના ફર્નિચરને કપડાંથી ઢાંકતી વહુને ભાળીને અચંબો પામ્યાં.

‘જાળવણી મા. બંધ ઘરમાં ફર્નિચર ઢાંક્યું હોય તો ઓછું બગડે.’

‘બંધ ઘર!’ યશોદાબહેન ચમક્યાં. અગાસીએથી કસરત પતાવીને નીચે આવેલા પતિને નિહાYયા, ‘મતલબ...’

‘અક્ષત બપોરે આવે છે મમ્મી, સાંજે આપણે મુંબઈ જઈએ છીએ.’

હેં!

‘મું...બઈ!’ તેમણે ડોક ધુણાવી, ‘ઠીક છે બેટા, આવીશું; પણ બે-ચાર દિવસ માટે જવાનું હોય તો આ બધું...’

‘મા...’ વૈદેહીએ નજરો મેળવી, ‘આપણે કાયમ માટે જઈ રહ્યાં છીએ. ભલે વચ્ચે-વચ્ચે આવતાં રહીશું અહીં, પણ હવે મુકામ મુંબઈ.’

વહુની જબરદસ્તી ગમી પણ અને ન પણ ગમી. એકાએક આમ ઘર છોડવાનું... કાલે જમીન ગઈ, આજે ઘર!

પણ ઠીક છે, મનોહરની પણ મરજી હોય તો અક્ષતને ત્યાં જવાનો મને પણ ઇનકાર શું કામ હોય! જગ્યા બદલાશે તો જમીન જવાનું દુ:ખ ભુલાશે પણ ખરું.

‘ઠીક વહુ. અક્ષત આવે એ પહેલાં પૅકિંગ કરી લઈએ.’

વૈદેહી ઝળહળી ઊઠી. સવારે વહેલા ઊઠીને પપ્પાને કન્વિન્સ કર્યા, પણ મા તો જબરદસ્તી વિના ગાંઠે એમ નહોતાં. હવે તેમનોય રાજીપો ભળ્યો એટલે બસ!

€ € €

‘સમય બડા બલવાન યશોદા!’ નંદકુંવરે (બનાવટી) નિસાસો નાખ્યો.

સંધ્યાવેળાએ મનોહર-યશોદાબહેનને વિદાય આપવા આખું કુટુંબ ભેગું થયું છે. સામાન મોટી કારમાં ગોઠવાઈ ગયો, ઘરને તાળું વાસી ચાવી નંદકુંવરને દેતાં યશોદાબહેનથી ડૂસકું નખાઈ ગયું : મારું ઘર જોતાં રહેજો ભાભી!

જવાબમાં સમયની દુહાઈ દઈને નંદકુંવર ડગલું આગળ વધ્યાં. જોઈ લીધું કે અમારા બેની આસપાસ ત્રીજું કોઈ નથી. આ મોકો કેમ ચુકાય!

વરસોથી યશોદાને નમતી, ઝૂકતી, લાચાર થતી જોવી હતી જાણે. યશોદાએ ક્યારેય એ શક્ય થવા ન દીધું. ક્યારેક લાગતું કે પોતે હવેલીમાં છે એનાથી વધુ સુખી યશોદા મામૂલી ઘરમાં છે. એનો અસંતોષ પજવતો. વધતેઓછે અંશે બધી દેરાણી-જેઠાણીઓની એવી હાલત હતી. યશોદાની ગેરહાજરીમાં અમે તેની જ કૂથલી કરતા હોઈએ.

જમીન જવાની વાત આવી ત્યારે છેવટે એવું થયું જે યશોદાની કેડ ભાંગી નાખે. હવે તેને મહેણાં મારવાની મજા. ગઈ કાલે જ અક્ષત વિશે કેવું બોલી ગયાં પોતે ને કેવાં મૂંગાંમંતર થઈને સાંભળી પણ લીધું સાસુ-વહુએ! વહુની ઢાલ પણ ક્યાં સુધી? તેના જતાં એકલી પડનારી યશોદાને તો હું મહેણાંતીરથી વીંધી નાખીશ.

ત્યાં બપોરે ખબર આવ્યા કે મનોહર-યશોદા તો કાયમ માટે દીકરાને ત્યાં જાય છે! વળી જીવ બળ્યો - ખરી નસીબવાળી. પણ આવું તેને શું કામ જતાવવું? તેને તો એમ જ કહેવાનું કે...

‘કેટલી ટટ્ટાર ગરદને રહેનારી તું...’ ગોખી રાખેલું તે બોલી ગયાં, ‘ઘરડે ઘડપણ તારે વહુના આશરે રહેવાનું આવ્યું!’

વહુને આશરે. શબ્દો યશોદાબહેનના સ્વમાનને છંછેડી ગયા. નંદકુંવરને એટલું તો અનુમાન સહજ હોય.

‘ઠીક છે, દીકરો આપણો; પણ વહુ તો પારકી એ પારકી. ઘર તેનું, વર તેનો. તું ભોળી છે યશોદા એટલે કહું છું...’ કોઈ આવી ચડે એ પહેલાં તેમણે ઉતાવળે ઉમેર્યું, ‘ખોટા ભ્રમમાં ન રહેતી. વહુના મમ્મી-મમ્મીના મલાવાથી ભરમાઈશ નહીં. મુંબઈમાં કામવાળા સહેલાઈથી મળતા નથી એટલું યાદ રાખજે!’

યશોદાબહેનના દિમાગમાં કડાકો બોલ્યો. શું કહેવા માગે છે નંદુભાભી? મારી વહુ મને કામવાળીની અવેજીમાં લઈ જાય છે, એમ?

ત્યાં નંદકુંવરે સઢ ફેરવ્યો, ‘તમારે હવે બીજો આરો નથી એ વહુ પણ જાણે છે. હું તો કહીશ કે મન મોટું રાખીને ત્યાં સચવાઈ જજો. વહુ રાજી ન રહી તો ઘરડાઘરમાં ધકેલી દે એવુંય બને! અરેરેરે. બહુ દુ:ખદ.’

યશોદાબહેન સમસમી ગયાં.

‘મમ્મી...’ કાર આગળથી વૈદેહીએ બૂમ પાડી, ‘ચાલો.’

‘હં...’ નંદકુંવર કડવું હસ્યાં, ‘હવે તો વહુ કહે એમ જ ચાલવાનું તારે બાઈ! ટેક-બેક છોડીને નમતી થઈ જા યશોદા, તો વહુના આશરે પાછલા દિવસો સુખેદુખે વીતી જશે.’

ક્યાંય સુધી આ શબ્દો યશોદાબહેનના ચિત્તમાં રમ્યા કર્યા, તેમના સ્વાભિમાનને પજવતા રહ્યા.

આ વખતે નંદકુંવરે બરાબર મોકાની જગ્યાએ પલીતો ચાંપ્યો હતો. ભડકો થયા વિના નહીં રહે!

€ € €

‘આવો મમ્મી, આવો પપ્પા...’ અક્ષતે ક્વૉર્ટરનું તાળું ખોલ્યું, વૈદેહીએ તેમને અંદર લીધા.

બાજુમાંથી લીલા દોડી આવી. નવજુવાન છોકરી અહીં આસપાસનાં ક્વૉર્ટર્સમાં ઘરકામ કરતી. મીઠાબોલી કન્યા સાથે યશોદાબહેનને પણ ફાવી ગયેલું. પોતે આવે-જાય ત્યારે તેના હાથમાં સો-બસો રૂપિયા મૂકવાનું ન ચૂકે - તારી ખુશબક્ષિસના!

આજે તેને ભાળીને કમકમી જવાયું : થોડા વખતમાં આ ઘરમાં તેની જગ્યા મારે લેવાની થશે?

હે ભગવાન. હું પણ આ શું વિચારું છું. કોના માટે અને કોના કહેવાથી! યશોદાબહેને માથું ખંખેર્યું.

વૈદેહી જોઈ રહી કે મા પરેશાન છે. યાત્રા દરમ્યાન પણ ચૂપચાપ રહ્યાં. પહેલાં તો માન્યું કે ઘર-ગામ છોડવાનું દદર્‍ વાગોળતાં હશે. હવે થાય છે કે છેલ્લે નંદુકાકી જોડે હતાં, તેમણે તો કંઈ મમરો નથી મૂક્યોને!

‘ભાભી...’ લીલાએ પૂછ્યું, ‘મા-બાપાનો સામાન ગેસ્ટરૂમમાં મૂકી દઉંને?’

એક માળના ક્વૉર્ટરમાં ભોંયતળિયે બે રૂમ અને ઉપર એક રૂમ હતો. અક્ષત-વૈદેહી નીચેનો માસ્ટર બેડરૂમ વાપરતા. મનોહરભાઈ-યશોદાબહેન આવવાનું થાય ત્યારે નીચે જ રહેતાં. એ રૂમ પણ અટૅચ્ડ બાથરૂમવાળો હતો, ફાવી ગયેલો.

યશોદાબહેન લીલાને હા ભણવા જાય છે કે...

‘ના...’

વહુના જવાબે યશોદાબહેન ગમ ખાઈ ગયાં.

‘મા-બાપા હવે ઉપરના રૂમમાં રહેશે.’ કહીને કારણ પણ આપ્યું, ‘રૂમ સાથે મોટી અગાસી છે એટલે પપ્પાને સવારે કસરતની સગવડ રહેશે.’

મનોહરભાઈ પ્રસન્ન થઈ ઊઠ્યા, યશોદાબહેનનો જીવ ચચર્યો : વાહ, fવશુરને હાથમાં રાખીને સાસુને વેતરવાની તારી રમત મને પરખાય છે

હોં વહુ!

‘મમ્મી...’ વૈદેહીએ તેમને ઝબકાવ્યા, ‘તમને ફાવશેને?’

‘ફાવશે...’ તેમણે ટૂંકમાં પતાવ્યું. મનમાં પડઘો પડ્યો : ફવડાવ્યા વિના છૂટકો પણ ક્યાં છે? ઘર તારું, વર તારો, હુકમ પણ તારો!

યશોદાબહેને પરવશતા અનુભવી.

€ € €

રાત્રે સરખી ઊંઘ ન આવી. વહેલી સવારમાં યશોદાબહેન પગથિયાં ઊતરીને આવ્યાં અને જોયું તો વહુ આંગણું સાફ કરતી દેખાઈ. મલકી જવાયું. મારી પ્રથા વહુએ બરાબર નિભાવી જાણી છે!

‘ગુડ મૉર્નિંગ મમ્મી...’ વૈદેહી ટહુકી. ‘બેસો, દૂધવાળો આવે એટલે હું ચા મૂકી દઉં.’

યશોદાબહેન બગાસું ખાળતાં હૉલમાં બેઠાં. ઇચ્છા તો થઈ કે કિચનમાં જઈને દાળભાતનું કુકર ચડાવી દઉં... તેમને બધી ખબર હતી. અગાઉ આવતાં ત્યારે વૈદેહીને કેટલું કરવા લાગતાં. આજે ન ઉઠાયું : કરશે વહુ. હું કંઈ કામવાળી તરીકે નથી આવી!

‘મમ્મી...’ વહુના સાદે તેમને ઝબકાવ્યાં. જોયું તો દૂધવાળો ભૈયો હતો.

‘તેમને જરા તપેલી આપજોને મમ્મી - ત્યાં ડાઇનિંગ ટેબલ પર જ ઊંધી વાળીને મૂકી છે.’ સાથિયા પૂરતી વૈદેહીએ કહ્યું.

ઊઠવું પડ્યું. તપેલી ધરી.

વૈદેહીએ લીટર દૂધ વધારે માગીને કહ્યું પણ - અભી કલ સે રોજ ઇતના હી લાના... પપ્પા-મમ્મી હવે અહીં જ રહેવાનાં છે!

આમાં વૈદેહીનો તો હરખ જ બોલતો હતો. યશોદાબહેનને થયું - લો, સાસુસસરા સાથે રહેવાના એનો ઢંઢેરો પીટવો પણ વહુએ શરૂ કરી દીધો!

€ € €

‘અરે વહુ...’ નાહીધોઈને નીચે આવતાં યશોદાબહેને ગભરાટ જતાવ્યો, ‘મારી બૅગમાં ઘરેણાંનો ડબ્બો નથી. તેં મૂક્યો નહોતો?’

વૈદેહી ખચકાઈ. તમારો કબાટ તમે ખાલી કરેલો એવું કહેવાયું નહીં.

ગામના ઘરે ભીંતકબાટ હતા. એનું ચોરખાનું પણ અવ્વલ ઢબનું. યશોદાબહેન ઘરમાં રોજ પહેરવાના સોનાના દાગીના સિવાયનાં ઘરેણાં બૅન્કના લૉકરમાં મૂકે એમ પ્રસંગોપાત્ત ગામમાં કોઈને ત્યાં હાલતાં-ચાલતાં પહેરાય એવી તુલસીમાળા, બુટ્ટી, બંગડી જેવા પાંચેક તોલાના દાગીના કબાટના આ ચોરખાનામાં રાખી મૂકેલો. એ જ લેવાનો રહી ગયા! હવે?

‘ઘરની ચાવી નંદુભાભી પાસે છે...’ મનોહરભાઈએ તોડ કાઢ્યો, ‘તેમને કહીશું કે ઘરેણાંનો ડબ્બો તમારી પાસે રાખો, આવતાં-જતાં લઈ લઈશું.’

વાત તો સાચી. નંદકુંવર આમ તો ખબરદાર મહિલા છે, ઘરેણાં સાચવી જાણશે. પાંચ-છ તોલાના દાગીના તેમને તો રમતવાત!

યશોદાબહેને જ વાત કરી.

‘સોનું તો હું સાચવી લઈશ યશોદા, તારા સ્વમાનનું શું?’ પૂછીને તે હસ્યાં. ફોન મૂક્યો. યશોદાબહેન સમસમી ગયાં.

€ € €

આખો દિવસ યશોદાબહેન ધૂંધવાયેલાં રહ્યાં. પોતાને શું થાય છે એ સમજાતું નહોતું, પોતે શું કરવા માગે છે એ પરખાતું નહોતું. પતિએ પૂછ્યું તો સરખો જવાબ ન વાળ્યો. વહુ સૂવા ગઈ તો મોટા અવાજે ટીવી ચાલુ કરી દીધું. બપોરે બિચારીએ સરસ ચા બનાવી આપી તો થૂંકી નાખી - આવી ફિક્કી ચા મને ન ફાવે!

અને અત્યારે દીકરો ઑફિસથી આવ્યો છે તો એનોય હરખ નથી.

‘અક્ષત, આજે ઢોસાનું મેનુ છે. ચાલશેને?’

પતિને પ્યાલો ધરતાં વૈદેહીએ પૂછ્યું. ક્યારની તે રસોડામાં ગૂંથાઈ છે, પણ ધરાર જો યશોદાબહેન અંદર ડોકિયું પણ કરતાં હોય!

‘ઢોસા એક શરતે ચાલશે.’ અક્ષતે માને વળગીને વહાલ કર્યું, ‘જો એ મારી મૉમ ઉતારવાની હોય!’

યશોદાબહેનના ઢોસા વખણાતા. દીકરાને ભાવતું તો મા હોંશે-હોંશે

બનાવે, પણ...

‘વાહ રે દીકરા!’ અક્ષતનો હાથ તરછોડીને તે ઊભાં થયાં, બોલવામાં ધાર આવી ગઈ, ‘કાલો થઈ માને ભેળવે છે! ઢોસા ઉતારશે તારી બૈરી. હું કંઈ અહીં કામવાળી થઈને નથી આવી.’

સડસડાટ તેઓ સીડી ચડી ગયાં. ધડામ સાથે રૂમનો દરવાજો બંધ કર્યો. એની કંપારી ક્યાંય સુધી વાતાવરણમાં પ્રસરી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK