કથા-સપ્તાહ - જીવાદોરી (માન-સ્વમાન : 2)

‘તમને રજા નહીં મળે અક્ષત?’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


બ્રેકફાસ્ટમાં ગરમાગરમ પરાઠા પીરસતી વૈદેહીએ પૂછ્યું. જોકે જવાબ તે જાણતી હતી. ઇન્ડસ્ટ્રીઝ-પ્લાનિંગનો અક્ષતનો જૉબ જ એવો હતો કે છુટ્ટીનો અવકાશ બહુ રહેતો નહીં.

એન્જિનિયરિંગ સાથે રસની સરકારી નોકરી માટેની કૉમ્પિટિટિવ એક્ઝામ્સ પાસ કરનાર અક્ષતને બહુ જલદી તેને ગમતું કામ મળી ગયું. મુંબઈનું લોકેશન, ઊંચી ૫દવી અને કોલાબાની ગવર્નમેન્ટ કૉલોનીમાં રૉહાઉસ જેવું ક્વૉર્ટર. છોગામાં સરકારી ગાડી પણ ખરી.

સામે કામ અને જવાબદારી પણ એટલાં જ. અક્ષત જોકે એને એન્જૉય કરતો. કરપ્શનમાં માને નહીં; હોતા હૈ, ચલતા હૈ ટાઇપનો ઍટિટ્યુડ ચલાવી ન લે એટલે ડિપાર્ટમેન્ટમાં પણ શિસ્તબદ્ધતા આવી ગયેલી.

ફુરસદના સમયમાં તેને લતાનાં ગીતો સાંભળવાં ગમે યા તો પુસ્તકવાંચન તેની હૉબી. ગમતું ફિક્શન હોય તો રાતનો ઉજાગરો વેઠીનેય પૂરું કરે. નવા સ્ટૉક માટે ઑનલાઇન જવાને બદલે એને ફોર્ટના બુકસ્ટોર રેગ્યુલર જવાનું ગમતું.

ત્યાંના રીડિંગ સેક્શનમાં તેણે વૈદેહીને પ્રથમ વાર જોઈ અને જોતો જ રહી ગયો.

પોતાનાથી વરસેક નાની વૈદેહી એટલી રૂપાળી હતી એ તો સાચું જ, તેના હાથમાં પોતાને જોઈતી સિક્વલ હતી અને કાનમાં ભૂંગળાં નાખ્યાં હતાં.

‘એક્સક્યુઝ મી...’ તેનાથી ન રહેવાયું. વૈદેહી ઝબકી. મોબાઇલમાં ચાલતું સૉન્ગ બંધ કરીને જમણા કાનમાંથી ભૂંગળું કાઢ્યું, ‘યસ?’

‘સૉરી, પણ તમે સૉન્ગ્સ સાંભળતા હો તો બુક મને આપો અને બુક વાંચતા હો તો તમારા હેડફોન્સ મને આપો, હું મારાં ગીતો સાંભળું.’

વૈદેહી અજીબ આદમીને જોતી હોય એમ તેને તાકી રહી, ‘એક્સક્યુઝ મી. હું બે કામ સાથે કરી શકું એમ છું.’

‘ગલત...’ અક્ષતે ગંભીરપણે કહ્યું, ‘હસવું અને લોટ ફાકવો એકસાથે કરી બતાવો તો...’

વૈદેહીથી ન રહેવાયું. હસી પડી. અક્ષત એ સ્મિતમાં ખોવાણો.

આઉટસ્પોકન અક્ષત અજાણ્યા સાથે પણ હસી-મજાક કરી લેતો, પરંતુ કોઈના સ્મિતમાં આમ ખોવાવાનું અગાઉ કદી બન્યું નહોતું. તેની હૈયાપાટી કોરી હતી. નોકરીમાં લાગ્યા પછી મા લગ્નનું કહેતી હોય છે એ વૈદેહીને જોઈને જાણે સાંભરી ગયું, સહેજ શરમાયો.

‘શું થયું?’ વૈદેહીએ નોટિસ કર્યું.

‘નથિંગ...’ તે વધુ શરમાયો. વૈદેહીને તેની નિર્દોષતા ગમી ગઈ. ‘કહોને...’

‘અં...’ બહુ સંકોચભેર અક્ષતે ધીમા સ્વરે પૂછ્યું, ‘આર યુ સિંગલ?’

એ વાત જુદી કે અક્ષતના આ પ્રશ્નના બે મહિના પછી બેઉ સિંગલ નહોતાં રહ્યાં!

બેમાંથી કોઈએ ધાર્યું નહોતું કે પોતે લવમૅરેજ કરશે...

ગ્રૅજ્યુએટ થયેલી વૈદેહી માટે તો તેનાં મમ્મી વનલતાબહેને મુરતિયા પણ જોવા માંડેલા. મધ્યમવર્ગીય પરિવારની એકની એક દીકરી તરીકે વૈદેહી માવતરની લાડલી હતી. સંસ્કારથી ઓપતી, પરંપરાગત મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવતી વૈદેહીને જીવનસાથીમાં એવાં જ મૂલ્યોનો ખપ હતો.

અક્ષતમાં એનો સાક્ષાત્કાર અનુભવ્યો. બે હૈયાં એક થયાં એનો બેઉ ઘરનાને પણ આનંદ.

‘આવી દુલ્હન તો હું પણ શોધી ન શકી હોત.’ યશોદાબહેને વૈદેહીનાં ઓવારણાં લીધેલાં.

સગપણ લેવાયું. દીકરાને ગામમાં પરણાવાની મનોહરભાઈ-યશોદાબહેનની હોંશ માન્ય જ હોય. યશોદાબહેનનો ઇન્તેજામ પણ એવો ચોકસાઈભર્યો‍ કે કન્યાપક્ષને મામૂલી સેફ્ટી પિનની પણ અગવડ વર્તાઈ નહોતી.

‘કહેવું પડે તારાં સાસુ-સસરાનું...’ લગભગ દરેક જણ વૈદેહીને કહી ગયું.

જોકે વૈદેહીથી તેમના ગુણ અજાણ્યા ક્યાં હતા? અક્ષતનાં મૂલ્યોમાં તેમનો સંસ્કાર-વારસો પડઘાતો.

‘મારાં મમ્મી-પપ્પા મારા માટે જીવ્યાં છે વૈદેહી... મારી ખુશી તેમનું જીવનધ્યેય રહ્યું છે અને બધું બિનશરતી, વળતી કોઈ અપેક્ષા નહીં.’ પ્રિયાના ખોળામાં માથું મૂકીને તે ભાવુક થતો, ‘મારા પપ્પાએ સંજોગવશાત કાકાઓના આશરે રહેવું પડેલું એનો ઉપકાર આજેય મારાં નંદુકાકી-વિભાવરીકાકી જેવા જતાવે છે. બદલામાં કાકાઓએ પપ્પાને સર્વન્ટની જેમ ટ્રીટ કર્યા, ખૈરાત દેતા હોય એમ કાચાપાકા મકાન સાથે જમીનનો ટુકડો માત્ર આપી જાણ્યો એની પપ્પાએ કદી રાવ નથી કરી. સાધુપુરુષ છે મારા પપ્પા.’

વૈદેહી સાંભળી રહેતી.

‘મા એટલી જ ટેકીલી. ઘર પાકું કર્યું, મને ભણાવ્યો; પણ કદી કોઈ પાસે હાથ નથી લાંબો કર્યો. મારા કાકીઓનું માન રાખે, સ્નેહ રાખે; પણ સ્વમાનને આડું આવે ત્યાં તેમની જ ભાષામાં સંભળાવી પણ દે. પાછું મને કે પપ્પાને કશું કહે નહીં હોં. કાકીઓની ચર્ચામાંથી જ બધું કાને પડે. પપ્પા માને બિરદાવે કે હું કંઈક કહેવા જાઉં તો વારે - બૈરાની પંચાતમાં તમારે ન પડવું!’

કેટલી સૂઝ છે મામાં. વૈદેહી અભિભૂત થતી.

‘જમીનનો ટુકડો તેને મન જીવાદોરી. નોકરીએ લાગ્યા પછી ઘણી વાર મેં તેમને મુંબઈ આવી જવા કહ્યું, પણ ગામની માયા છૂટતી હશે! હું અહીં એકલો રહું છું એટલે ખરાબ સોબતમાં તો નથીને એની પૂછપરછ મા કરતી રહે, મારા ખર્ચ-બચતનો હિસાબ પણ અહીં આવી હોય તો જોઈ લે એટલી ખબરદાર; પણ હું કંઈક આપવા માગું કે મનીઑર્ડર કરું તો કહી દે - અમારી જાત ચાલે છે, જમીન થકી આવક પણ છે. તું અમારી ચિંતા ન કર, તારા ભવિષ્યનું વિચાર. જરૂર પડશે ત્યારે તને જ કહેવાનાને!’

અક્ષત ભાવથી ઉમેરતો, ‘તું મારાં પપ્પા-મમ્મીને સ્નેહસભર રાખીશ વૈદેહી, મને શંકા નથી; પણ અજાણતાંય માના સ્વમાનને ઠેસ ન પહોંચે એટલું ખાસ જોજે.’

પછી તો વૈદેહી આની ચીવટ રાખતી. મનોહરપપ્પા વાત્સલ્યમૂર્તિ લાગતા તો યશોદામા લાડની તક ચૂકતાં નથી. અક્ષતને ખૂબ ભાવે એવી વાનગીઓ પણ કેવા હોશથી શીખવી. અમે ગામ જઈએ કે તેઓ મુંબઈ આવે ત્યારે છૂટા પડતી વેળા અક્ષતને અચૂક કહે - મારી વહુને સાચવજે!

આ જ સ્નેહ, આ જ સુખ. વૈદેહીને સંદેહ નહોતો.

અને એટલે પણ લગ્ન દરમ્યાન પોતનાં સગાં યશોદામાની તારીફ કરે ત્યારે હરખ થતો.

આની જ અસરમાં માયરામાં માનું નીચાજોણું કરવા મથતાં કાકીસાસુને પોતે કેવું સંભળાવી દીધું’તું!

‘તારે બોલવાનું હતું વૈદેહી ત્યાં તું બોલી...’ લગ્ન પછી વહુને આવકારીને મેડીની રૂમમાં દોરતાં યશોદામાએ વહુને જ સંભળાય એમ કહ્યું હતું, ‘અને જે રીતે બોલી એ જોયા પછી અક્ષત માટે હું નિશ્ચિંત છું.’

વૈદેહીએ ધન્યતા અનુભવી.

અત્યંત ઉન્માદપૂર્વક સુહાગરાત્રિથી સંસારજીવનનો આરંભ થયો. બીજે દહાડે કુળદેવીની પૂજા કરીને નવદંપતી કશ્મીરના હનીમૂને નીકળ્યું. પછી પાછા ગામ અને ત્યાંથી મુંબઈ.

રૂટીનમાં આવ્યા પછી સવાર-સાંજ મા સાથે ફોન પર વાત કરવાનું પણ વૈદેહીએ રૂટીન બનાવી દીધું હતું.

પોતે બહુ આગ્રહ કર્યો‍ ત્યારે એકાદ શનિ-રવિ પૂરતાં પપ્પા-મમ્મી મુંબઈ આવેલાં. વૈદેહીને થતું કે તેમને ક્યાં લઈ જાઉં, ક્યાં નહીં; શું ખવડાવું, શું નહીં?

‘માબાપ ભાવના ભૂખ્યાં હોય વૈદેહી...’ જતી વેળા યશોદામાએ કહેલું, ‘અને તેં અમને ધરાવી દીધાં.’

‘પણ મને એક ફરિયાદ છે મા...’ વૈદેહીએ નારાજગી જતાવી દીધેલી. ‘હવે તમે કેમ અક્ષતના ખર્ચા, બચતનો હિસાબ નથી જોતાં?’

‘કેમ કે એ જોનારી જે આવી છે તેના પર મને શ્રદ્ધા છે.’

આ માત્ર શબ્દો યા વખાણ નહોતાં, માએ વહુને પાઠવેલો પુરસ્કાર હતો.

દિવાળીની છુટ્ટીઓમાં ચાર દિવસ માટે ગામ જઈએ એનીયે કેટલી મજા. મા તોરણ અને દીવડાઓથી ઘર શણગારે, કંઈકેટલી મીઠાઈ-ફરસાણ બનાવે. કાકાઓને ત્યાં પણ મોકલે - વહુ, તું અને અક્ષત જઈને આપી આવો, સારું લાગશે.

‘અમારી યશોદાનું આ જ દુ:ખ.’ મોટી હવેલીવાળાં નંદકુંવરકાકી તો જાણે તરાપ મારવાનો લાગ જોઈને જ બેઠાં હોય, ‘તેને બધું જાતે કરવા જોઈએ. તેની શરમમાં તારેય જોતરાવું પડતું હશે વહુ. એમ તો ક્યાંથી કે બે-ચાર દહાડા માટે આવતી વહુને થોડો આરામ આપીએ!’

કોઈ કાચી સમજનું હોય તો ભડકી જાય. આ તો વૈદેહી.

‘અરે, માનું ચાલે તો-તો તેઓ મને ખાટલામાંથી ઊભી ન થવા દે.’ મીઠું મલકીને તે નંદુકાકીની જ મોટી વહુને તાકે, ‘આજે કઈ સાસુ વહુનું આટલું કરે? શું કહો છો તેજુભાભી?’

બિચારી તેજુ શું બોલે! હવેલીમાં નંદકુંવરનો કડપ વર્તાતો. કશું બોલવા જઈએ તો વાઘણ જેવી તે ફાડી ન ખાય! તોય મળેલી તક કઈ વહુ જવા દે? ‘એ તમે જેમ સમજો એમ!’ મભમ કહી દે.

નંદકુંવર અંદરખાને એવાં તો છટપટે, પણ શું થાય! યશોદાની વહુ પણ તેના જેવી જ નીકળી.

શરૂમાં અકળાઈ ઊઠતો અક્ષત પછી આખા દૃશ્યની મજા લે. હવેલીથી નીકળ્યા બાદ બોલે કંઈ નહીં; બસ, વૈદેહીની હથેળી પકડીને જરા જોરથી દબાવે.

નવા વર્ષની સવારે મા ઘરમંદિરના ઠાકોરજીની મૂર્તિને નવા વાઘા પહેરાવે. અક્ષતને બોણીનું કવર આપે, વહુ માટે સોનાની બુટ્ટી અને સાડી.

‘આજથી નવો એક ધારો પડે છે યશોદા’ મનોહરભાઈએ કહેલું, ‘મારે પણ તને બોણી આપવાનીને.’

કહેતાં તેમણે ગિફ્ટ કરેલી સાડી જોતાં યશોદામાની પાંપણ ભીંજાયેલી.

‘આ તારું જ ડહાપણને?’ એકલાં પડતાં તેમણે વૈદેહીનો કાન આમળેલો. પછી ગંભીર બનેલાં, ‘સાચું કહું વૈદેહી,

બાપ-દીકરાએ મને કદી અધૂરી નથી રાખી; પણ તારા આવ્યાથી હું પૂર્ણ થઈ વહુ.’

વૈદેહીને એનો સંતોષ.

હા, ચિંતા કરાવે એવા ખબર ગયા વરસે આવ્યા, સુરતથી મુંબઈના એક્સપ્રેસ હાઇવેના પ્રોજેક્ટમાં બીજા અનેકની જેમ આપણી જમીનનો ટુકડો પણ જવાનો!

ફોન પર આ વિશે જાણ કરતાં જ મા દ્રવી ઊઠ્યાં. અમે તાબડતોબ ગામ ગયા, મુકદ્દમો ઠોક્યો. આજે એનો અંતિમ ચુકાદો છે. એ જોકે ગામવાળાની ફેવરમાં આવવાની શક્યતા નહીંવત છે.

ડેવલપમેન્ટ માટે એક્સપ્રેસ હાઇવે જરૂરી છે અને કપાતી જમીનના પૈસા તો સરકાર ચૂકવે જ છે... ભલે જમીનના વાસ્તવ બજારભાવ કરતાં એ રકમ ખાતાના ચોપડે ક્યાંય ઓછી હોય. કોર્ટ તો આ બધું જોઈને જ ચુકાદો આપશે...

અને એ પપ્પા-મમ્મી માટે હૃદયદ્રાવક રહેવાનો. મા જેને જીવાદોરી માને છે એ જમીન હાઇવેનો પ્રોજેક્ટ ખાઈ જશે. દુ:ખની એ ઘડીમાં અમારે મા પાસે હોવું જોઈએ.. અક્ષતને ફાવે એમ ન હોય તોય હું તો જઈશ જ!

‘યા...’ અક્ષુએ પણ હામી પુરાવી. ‘બેટર યૂ બી ધેર. સમય મળતાં હું પણ આવી જઈશ.’

€ € €

મુંબઈથી સવારે નીકળેલી વૈદેહી ગામ પહોંચી ત્યારે કપાતવાળા સૌ તેમના ઘરે જ ભેળા થયા હતા.

જેમની તસુય જમીન નહોતી જતી એવાં નંદકુંવર-વિભાવરીની ગૅન્ગ આવો અવસર ચૂકે? એ લોકો પણ ભારેખમ મોં બનાવીને આંગણાના ઢોલિયે બેઠાં હતાં. વહુ સાસુ-સસરાના પડખે ઊભી રહેવા આવી એ ખમ્યું ન ગયું.

‘અક્ષત કેમ ન આવ્યો?’ નંદકુંવરે હુમલો છેડી દીધો, ‘આ ઉંમરે મનોહરે દોડાદોડી કરવાની હોય કે તેણે? હાય-હાય. જમીનના આ ટુકડા પર તો તારી સાસુની એંટ છે. એ જ ન રહ્યો તો-તો ખલાસ! દીકરાએ પણ એટલે જ પૂંઠ ફેરવી દીધી લાગે છે.’

કશુંક બોલવા જતી વહુનો પહોંચો દબાવીને યશોદાબહેને ચૂપ રહેવા જણાવ્યું. અત્યારે આપણો વખત નથી. એક વાર કોર્ટનો ફેંસલો આવી જવા દે, પછી હું જ તેની બોલતી બંધ કરું છું!

€ € €

ફેંસલો જોકે વિરુદ્ધમાં પડ્યો. જમીનનો ટુકડો મામૂલી કિંમતમાં દઈ દીધા વિના છૂટકો ન રહ્યો.

અદાલતમાં ગયેલો પુરુષવર્ગ સાંજે પાછો ફર્યો‍, પછી વાતાવરણ કરુણ-ઉત્તેજનાસભર રહ્યું. સરકારની નિંદા થઈ. નંદકુંવર વગેરેએ દુ:ખી મોંએ મજા માણી. ધીરે-ધીરે સૌ વિખરાયા. વૈદેહીએ સંધ્યાટાણાનો દીવો કરતાં યશોદાબહેને મંદિર તરફ દૃષ્ટિપાત કરીને ધગધગતો નિસાસો નાખ્યો - તેં તો અમને નોંધારા બનાવી દીધા!

તેમનું વાક્ય માચીસ ઓલવતી વહુને દઝાડી ગયું.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK