કથા-સપ્તાહ - જીવાદોરી (માન-સ્વમાન : ૧)

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું.


hema

અન્ય ભાગ વાંચો

1  |  2  |

- સમીત (પૂર્વેશ) શ્રોફ

ગામમાં સૌ જાણે છે કે યશોદા ગોરાણીને ત્યાં સવાર આમ જ ઊગે. કૂકડો બાંગ બોલે એ પહેલાંના ઊઠી જનારા મનોહર ગોર પહેલા માળની અગાસીએ અંગકસરત કરતા હોય, નીચે ભજનાવલિ ચાલુ કરીને યશોદાબહેન આંગણું વાળતાં દેખાય. સાથિયો પણ રોજ પૂરવાનો.

‘સૂર્યનારાયણ પધારે ત્યારે આપણું ઘર ચોખ્ખું દેખાવું જોઈએ...’ યશોદાબહેન કહેતા, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા.’

યશોદાબહેનને ચોખ્ખાઈની ચૂંધી હતી એવું નહીં, પણ તેમને એ ગમતું.

ઘર-ગામ જ નહીં, માનવીનાં હૈયાં પણ ચોખ્ખાં હોવાં જોઈએ એવું તેઓ માનતાં. શુદ્ધ આચારવિચારને કારણે જ વનમાં પહોંચ્યા હોવા છતાં તેમને કે ગોરને નખમાંય રોગ નહોતો.

‘એ તો જાત ચાલે છે એટલે કરે છે.’ આવું કહીને તેમની મભમ ટીકા કરનારા પણ કમ નહોતા વલસાડ નજીકના ફલધરા ગામમાં. તેઓ ગણાય પાછાં નજીકનાં સગાં, ‘અને ગોરાણીએ કરવાનું પણ કેટલાનું? વર-બૈરી બે જ. કલૈયા કુંવર જેવો દીકરો તો ભણીને મુંબઈ સેટ થયો, પરણ્યો પણ મુંબઈવાળી જોડે. યશોદાને છે સંસારની જંજાળ! જમવામાં બે વસ્તુ ઓછી કરતી હશે, પણ ભોળા ગોર કંઈ બોલે એવા નથી.’

મનોહરભાઈને પોતાનાં ભાઈબહેન ન મળે, પણ પિતરાઈઓ ગામમાં જ રહે. બધા વસ્તારી અને પાછા સધ્ધર. ગામ કે સમાજમાં યશોદાનાં વખાણ થાય એ પિતરાઈ દેરાણી-જેઠાણીઓથી ખાસ ખમ્યું ન જાય. એમાંય સૌથી મોટી હવેલી ધરાવતા અને કુટુંબમાં સૌથી મોટાં એવાં નંદકુંવર ગોરાણી તો ફિરાકમાં જ હોય કે ક્યારે લાગ મળે ને યશોદાને વેતરી કાઢું! અલબત્ત, બહુ મીઠાશથી તેઓ છૂરી હલાવી શકતાં.

‘મનોહરનાં માબાપ તો નાનપણમાં ગુજરી ગયેલાં, અમારા ઘરના રોટલા ખાઈને તો તે મોટો થયો.’ જાણે પોતે જ રોટલા ટીપીને ખવડાવ્યા હોય એવા ભાવથી નંદકુંવર બોલી જાણતાં, ‘આજે પોતાના પૂરતું રળી લે છે એટલું ભયો-ભયો. અમારાં યશોદાવહુ પાછાં ટેકીલાં બહુ. એકનાં એક લૂંગડાં પર્હેયા કરશે, પણ સારા પ્રસંગે અમે બે જોડી દેવાના થઈએ તો લેશે નહીં.’

ખરેખર તો એક વાર તેમની ઊતરેલી સાડી લેવાની યશોદાબહેને નમþતાથી ના પાડી હતી એની દાઝમાં આમ બોલાતું. નાનો માણસ પોતાનું ગમતું ન કરે એ મોટા માણસને ગમતું નથી એ ભાવાર્થ જેને સમજાય તેને તો સમજાય જ!

હા, એ સાચું કે માતા-પિતાના અકાળ અવસાન પછી મનોહરને કાકા-કાકીઓની જ ઓથ હતી. સાથે એ પણ સાચું કે બે ટંક રોટલા સામે મનોહરે નોકરોની જેમ ઘરનાં કામ પણ કર્યાં છે, હસતાં-હસતાં, પોતાની ફરજ સમજીને. ૧૮નો થયા પછી મોટા કાકા - નંદકુંવરના સસરાએ - કાચુંપાકું ઘર, જમીનનો ટુકડો ભાગના નામે આપ્યો એ નતમસ્તક થઈને સ્વીકારી લીધો. પૂછ્યું પણ નથી કે તમારા સૌની સરખામણીએ મને આવું, આટલું જ કેમ?

‘જે મળ્યું એને સંતોષથી માણીએ એ જ સાચું સુખ.’

કાકીઓએ નોધારા ભત્રીજાનું એવી જ નોધારી યશોદા સાથે સગપણ ઠેરવ્યું હતું. માબાપ વિનાની યશોદાને જોકે મોસળમાં હેતની કમી નહોતી. મામાનું આર્થિક પોત ભલે પાતળું હોય, તેમણે તો મનોહરના ગુણ જોઈએ જ ભાણીને વળાવી હતી.

લગ્નની પહેલી રાત્રે પતિના સ્વભાવ, ગુણ યશોદાને પણ સ્પશ્ર્યા.

‘નચિંત રહેજો મનોહર, જેણે તમને ઉર્છેયા તેમની સામે હું ક્યારેય ફરિયાદ નહીં કરું. તેમના માનમાં ક્યાંય ચૂકીશ નહીં. જે છે, જેટલું છે એમાં સ્વમાનભેર જીવી જાણીશું એટલું પણ ચોક્કસ માનજો.’

અને ખરેખર બે છેડા ભેગા કેમ થાય છે એની ગંધ યશોદાએ પતિને આવવા દીધી નહીં! ‘તારા કાકાજીઓએ ઘણો અન્યાય કર્યો’ એવું કોઈ બોલી જાય તો યશોદા સિફતથી વાત બદલી કાઢે. કૂથલીમાં તેને રસ જ નહીં. હાઇવે નજીક આવેલી જમીનનો નાનકડો ટુકડો તેમની જીવાદોરી હતો. મનોહરભાઈ એને પ્રેમથી સીંચતા. આવકમાંથી બે પૈસા બચાવીને બે વરસમાં તો યશોદાબહેને ઘર પાકું કરાવી દીધું. દીકરાના આગમને સુખ જાણે સંપૂર્ણ થયું.

નાનકડો અક્ષત તેમનું વિશ્વ બની ગયો. સંસ્કારસિંચનમાં ઊણાં ઊતરે તો તે મનોહર-યશોદા શાનાં? અક્ષત મોટો થતો ગયો એમ તેમની કેળવણી ઊઘડવા માંડી. ભણવામાં અવ્વલ, રમતગમતમાં પણ એટલો જ પ્રવીણ. તેનાં નિર્દોષ તોફાનમસ્તી મોહિની જગાડતાં. નંદકુંવર જેવા એમાં પણ ટલ્લા ફોડતા, ‘બાળકનાં તોફાન કોઈ દિવસ માબાપને ભારે ન પડે તો કહેજો!’

આવું જોકે બન્યું નહીં. અક્ષત સડસડાટ બારમું ધોરણ પાસ થઈ ગયો. રાજ્યની શ્રેષ્ઠ ગણાતી અમદાવાદની એન્જિનિયરિંગ કૉલેજમાં તેને મેરિટ પર ઍડ્મિશન પણ મળી ગયું.

‘અમે તો બહુ રાજી થયા.’

નંદકુંવર પોતાની દેરાણીઓ ઉપરાંત ગામનાં બે-ચાર બૈરાંને જોડે લઈ હરખ જતાવવા આવ્યાં એની પાછળનો આશય જોકે જુદો હતો, ‘છોકરાના ભણવામાં કોઈ કસર રાખશો નહીં. અમે બેઠા છીએ. જુઓને, મનોહરને મારા સસરાએ જ પાળ્યો-પોષ્યોને! અમારે એવો અક્ષત.’

સાંભળીને ગામવાળા અહોભાવ અનુભવે : કહેવું પડે નંદુ ગોરાણીનું, જીવના બહુ ઉદાર!

પોતાનો સિક્કો જમાવવા તો નંદકુંવરે ભીડ જમાવી હોય. જાણતા કે વટના કાકા જેવી યશોદા કંઈ ઝોળી ફેલાવે એવી નથી, પછી શીદ મોટાઈ ન દાખવવી! ભૂલેચૂકે યશોદા માગી પાડે તો-તો ઉત્તમ, સદા માટે અમારી ઓશિંગણ તો રહે.

પણ ના. યશોદાએ ન માગણી કરી, ન ઇનકાર કર્યો‍. જુદું જ બોલ્યાં : ‘કાકાજીઓએ અમારા માટે જે કર્યું એ અમે ભૂલી શકીએ નહીં.’

આમ જુઓ તો આમાં કોથળામાં પાંચ શેરી હતી. જેઠાણી-દેરાણીઓને બરાબર વાગી. કાકાઓએ ભાગમાં અમને છેતર્યા એ કેમ ભુલાય? એવું સ્પષ્ટ યશોદા બોલ્યાં નહીં, વડીલોને બોલવામાં માનતાં પણ નહીં; પરંતુ ભોજાઈઓમાંથી જ્યારે કોઈ ઉપકાર યાદ અપાવે ત્યારે પલડું સમાન કરવાનું પણ ચૂકતાં નહીં. તેમની આ ખાસિયતને કારણે પણ નંદકુંવર જેવાને યશોદાબહેન ચચરતાં. બે પૈસાની મદદ કરવા આવ્યા તોય કેવું સંભળાવે છે!

પોતાનો મતલબ વિસારીને સામાનો વાંક નિહાળવાની વૃત્તિને શું કહેવું?

‘સદ્ભાગ્યે અમારે પૈસાની જરૂર નથી.’ બળતા જીવે નંદકુંવર વગેરેએ સાંભળવું પડ્યું, ‘આપણા અક્ષતને સ્કૉલરશિપ મળી છે. પોતાની મહેનતથી મારો દીકરો ભણવાનો.’

હવે ગામવાળાનો અહોભાવ યશોદા તરફ ફંટાય : કહેવું પડે તમારા દીકરાનું!

‘તોય જરા સંભાળજો.’ ફેરો સાવ ફોગટ કેમ જવા દેવાય. એટલે નંદકુંવરના ઇશારે યશોદાથી નાની વિભાવરી બોલતી, ‘અમદાવાદ જેવા મોટા શહેરમાં જઈને દીકરો બગડી ન જાય. આમેય તમારો અક્ષત જરા તોફાની.’

હાશ. આવું કંઈક બોલ્યાથી કેવો સંતોષ લાગતો.

કશું બોલવા જતાં યશોદા અટકી ગયાં. ના, વાત વધારવાનો શું અર્થ? બાકી પોતે કહી શક્યાં હોત કે અહીં રહીને તમારા દીકરાઓએ શું ઉકાળ્યું એ આખું ગામ જાણે છે. માંડ-માંડ સ્કૂલ-કૉલેજમાં પાસ થાય છે. બાપના પૈસે બધા મોજ કરે છે, તેમને જરા સુધારો!

પરંતુ આમ કહી ક્લેશનાં બીજ શું રોપવાં? તેમના કહેવાથી કંઈ ઓછો મારો અક્ષુ બગડી જવાનો!

ભારે હૈયે દીકરાને અમદાવાદ મૂકી આવ્યા પછી તો ઘરમાં ગોઠે નહીં. ગોર રડે, ગોરાણી રડે.

‘માલિક...’ એક બપોરે ખેતમજૂર દોડતો આવ્યો, ‘ચાર દિવસી તમને કહું છું કે ખેતરમાં વાડ કરવાની છે. આજે પણ ઢોર ઘૂસી આવ્યાં. જાણે જમીન નધણિયાતી હોય.’

જમીન.

યશોદાએ અશ્રુ લૂછ્યાં. જમીન તો અમારી જીવાદોરી. સ્વભાનભેર જીવવા એનો તો સહારો છે. હજી તો દીકરાનાં લગ્ન લેવાનાં છે, તેનું ઘર માંડવાનું છે. અમારી જમીન નધણિયાતી શાની બને!

‘ઊઠો ગોર. ખેતરે તમે જશો કે હું જાઉં?’

યશોદાના રણકાએ મનોહરભાઈને બેઠા કર્યા. જીવન વળી ધબકતું થયું.

દરમ્યાન નંદકુંવરે મોટા દીકરાનાં લગ્ન લીધાં. હવે તો વિનયભાઈ-નંદકુંવર જ કુટુંબના મોભીસ્થાને હતાં. બહુ ધામધૂમથી તેમણે મોટાને પરણાવ્યો. મનોહર-યશોદા પોતીકા ઉમંગથી દરેક કામમાં અગ્રેસર.

‘તેં ઘણું કર્યું...’ જાન નીકળવાની આગલી રાત્રે યશોદાને ઘરે તેડાવીને નંદકુંવરે પોતાની સાડી ધરી, ‘આ તું જ રાખ. દર પ્રસંગે એકનાં એક લૂંગડાં પર્હેયા કરે છે એ મને તો ગમતું નથી!’

યશોદા સમજુ હતાં. નંદુભાભીને એટલું જ દાઝતું હોત તો લગ્નપ્રસંગ નિમિત્તે નવી સાડી ખરીદીને મને મારું માન જળવાય એ રીતે ખાનગીમાં ભેટ ધરી હોત, આમ ચાર જણની વચ્ચે મને ઊતરેલી સાડી દઈને અહેસાન થોપવા માગે છે એ શું મારાથી અજાણ્યું હોય! યશોદાને પોતાનું સ્વમાન સાચવતાં આવડતું હતું, ‘તમને ન ગમે ભાભી, પણ તમારા દિયરને એ જ સાડીઓ ગમતી હોય છે!’ આછું મલકીને તેણે એટલી જ મીઠાશથી કહેલું, ‘અને તમારી સાડીઓ પર પહેલો હક તમારી વહુનો. શું કહું છું, આવી રૂડી સાડીઓ તમારી એવી જ રૂડીરૂપાળી વહુને જ આપો.’

જૂની સાડીને રૂડી કહી એને પાછી વહુ સાથે સાંકળીને યશોદા મને વેતરી ગઈ! આની ચોટ એવી હતી કે નંદકુંવર આજેય એને મોઘમ મહેણારૂપે દોહરાવતાં હોય છે.

યશોદા આવું કંઈ જ મનમાં રાખે નહીં. કુટુંબીઓની મનસા સમજવા છતાં કોઈ પ્રકારનો દ્વેષ નહીં. એમને નીચા પાડવાની વૃત્તિ નહીં. પતિને તો આવુંબધું કહેવાનું પણ નહીં!

અને એવો પરવાર પણ ક્યાં છે! યશોદા ઘર-આંગણું ચોખ્ખાં રાખે, વાડાના કૂવેથી જાતે પાણી સીંચે. તાજાં શાકભાજી ઉગાડે. બપોરે પતિ ભેગા કાયમના બે ખેતમજૂરો માટે પણ ભાથું મોકલે. રસોઈ તો એવી સ્વાદિષ્ટ કે આંગળાં ચાટતા રહી જાઓ... મીઠાઈ-ફરસાણ બધું ઘરે બનાવે.

‘આના કરતાં એક કામવાળી રાખી લે તો!’ મંદિરે મંગળાનાં દર્શન કરીને યશોદા ઘરે પહોંચવાની જલદી દાખવે એમાં નંદકુંવરને ટકોરવાની તક મળી જાય, ‘બહુ કર્યું તે. હવે તો શાંતિથી રહો. આમ જાત ઘસવાથી તારે કંઈ હવેલી નથી બંધાઈ જવાની.’

મતલબ, તું કંઈ અમારા લેવલે નથી આવી શકવાની! આવો ભાવાર્થ યશોદા જતો કરે, ‘મારા માટે તો મારું ઘર ઠાકોરજીની હવેલી જેવું જ છે નંદુભાભી. એમાં પારકાની સેવા ઓછી કામ લાગે?’

ઓહોહો બાઈને તો જાણે મા સરસ્વતીનું વરદાન હોય એમ બોલી જાય છે! વર-બૈરીએ કોઈ દહાડે માંદા-સાજા પણ થવાનું નહીં! દીકરો પણ આંતરડી ઠારે એવો. નંદકુંવરની ચચરાટી વધતી ને એમાંથી જ આશકિરણ જડતું...

દીકરો પરણે ત્યાં સુધી માબાપનો. એક વાર વહુ આવવા દો, એટલે યશોદાને ખબર પાડીએ!

અક્ષત ઇજનેર થયો ત્યારથી તેને પરણાવવાની વિશેષ ચળ નંદકુંવરને હતી, પણ હાય રે. બે વરસ અગાઉ બહુ ઊંચા પગારની સરકારી નોકરી મેળવી મુંબઈ સેટ થયેલા અક્ષતે કન્યા પણ મુંબઈની જ પસંદ કરતાં મનની મનમાં રહી ગઈ. વૈદેહીવહુ સાસુ યશોદા સાથે રહેવાની જ નહીં. પછી લગ્નનો લુત્ફ શું?

‘કહેવું પડે હો. અક્ષતની પસંદગી તેના જેવી જ છે; સર્વગુણસંપન્ન... બેઉ જોડે ઊભાં હોય તો રામસીતાની જોડી જ લાગે.’ ગામવાળાની તારીફ પોરસાવી જતી. મનોહરભાઈ-યશોદાબહેને લગ્ન ગામમાં લીધાં હતાં. બહુ ઠાઠથી પ્રસંગ ઊજવ્યો હતો. વહુને પંદર તોલાનો દાગીનો ચડાવ્યો હતો યશોદાબહેને.

‘દીકરો કમાય છે પણ સારુંને...’ નંદકુંવર જવાને એનીયે ચુભન હતી, ‘પછી મા ઠાઠ-વહેવારમાં શું કામ ચૂકે!’

માયરામાં વહુને તેઓ જતાવવા માગતાં હતાં કે તારા વરનું જ લઈને તારી સાસુ તને આપે છે! ભલેને એ સાચું ન હોય.

‘મારાં મા એવાં નથી...’ યશોદાબહેન કશું બોલે એ પહેલાં વૈદેહી ટહુકી હતી, ‘એવું હોત તો માએ પહેલાં પોતાને ઘરેણાંથી લાદ્યાં હોત... જુઓ, તેમણે તો એ જ તેમના લગ્નનો સેટ પહેર્યો છે! આ તો મારાં સાસુએ જહેમતથી મારા માટે જોડેલો કરિયાવર છે, અમૂલ્ય છે!’

વહુનાં લક્ષણ બારણામાંથી...

નંદકુંવર-વિભાવરી વગેરેએ જલન અનુભવી. યશોદાને તો વહુ પણ ગુણવંતી મળી. દીકરા-વહુ રહેવાના મુંબઈ એટલે અહીં વર-બૈરી સ્વતંત્રના સ્વતંત્ર! તેમને કોઈ દુ:ખ, કોઈ તકલીફ આવશે જ નહીં?

ના, ના. એકસરખા દિવસ કોઈના જતા નથી... તો શું યશોદાનો દહાડો નહીં બદલાય?

એ બદલાવાનો યોગ જરા જુદી રીતે ઘડાયો. ના, આમ તો વરસએકથી સંભળાતું હતું, પણ હવે સુરત-મુંબઈ એક્સપ્રેસ હાઇવેનું કામ પુરજોશમાં ચાલુ છે. રસ્તાની માપણીમાં જેની પણ જમીન આવે તેણે સરકારે ઠેરવેલા ભાવમાં ફરજિયાતપણે દઈ દેવાની છે. આ પટ્ટામાં મનોહરભાઈનો આખો ટુકડો જાય એમ છે. એ જાણ્યું ત્યારથી યશોદાબહેનનું હૈયું ફફડે છે. કોર્ટમાં કેસ નાખ્યો છે. આજે એનો અંતિમ ચુકાદો છે.

આંગણું વાળી, ઘરમંદિરિયે દીવો કરીને તેમણે એટલી જ પ્રાર્થના કરી : અમારી જીવાદોરી કાપશો નહીં ભગવાન!

મંદિરના દેવ મંદ-મંદ મુસ્કુરાતા જ રહ્યા.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK