કથા-સપ્તાહ - જિસ્મ (જાગી બદન મેં જ્વાલા -૧)

જહાં મૈં જાતી હૂં...

jism

અન્ય ભાગ વાંચો

1  |  2  |

- સમિત (પૂર્વેશ) શ્રોફ

લતાનું ગીત ગણગણતી ઉર્વશીની નજર કિચનમાં પ્રવેશતા પતિ પર પડી. તેના હોઠો પર રમતિયાળ સ્મિત પ્રસરી ગયું. આમ તો રવિની રજાના દહાડે અતુલ્ય જમીને વામકુક્ષિ માણવા જતા રહે, પણ હમણાંના...

‘અતુલ્ય...’ ઉર્વશી મલકી, ‘જૂનું ગીત હું તો અમસ્તી ગણગણતી હતી. તમે કેમ મારી પાછળ રસોડામાં આવ્યા!’

‘બિકૉઝ યુ લુક સ્ટર્લિંગ!’ અતુલ્યએ પાછળથી બાથ ભીડી, ‘તને છોડવાનું મન નથી થતું.’

પતિના શબ્દોમાં ઉર્વશીને પાછલા છ મહિનાની મહેનત ફળતી લાગી. ઝીરો સાઇઝ ફિગર માટે પોતે સ્ટ્રિક્ટ ડાયટ, એક્સ્ટ્રીમ એક્સરસાઇઝ કરી; બટ

ઇટ્સ વર્થ!

‘ખાવામાં જરા કન્ટ્રોલ રાખ... વજન વધશે તો સારો છોકરો નહીં મળે!’ હજી ત્રણ વરસ અગાઉ ઉર્વશી ગ્રૅજ્યુએટ થતાં માબાપે મુરતિયા તરાસવા માંડ્યા ત્યારે સખી-કઝિન્સ પાસેથી તેને મહત્તમ સલાહ વજન માટે મળતી.

ના, પંચાવનથી ૬૦ કિલો વજનવાળી ઉર્વશી જાડી કહી શકાય એવી તો સહેજે નહોતી. એમ તેને પાતળી પરમાર પણ કહી ન શકો... સ્વભાવે ફૂડી, રાંધવાની પણ શોખીન. આર્થિક સ્થિતિ સંપન્ન, એકની એક દીકરી લાડલીયે એવી એટલે માબાપ તો ટકોરતાં નહીં. હમઉમ્ર સહેલીઓ-પિતરાઈઓની ટોળકીનાં બંધન ઉર્વશીને બહુ ફાવતા નહીં : ખાવાનું કંઈ તોલી-તોલીને ઓછું ખવાતું હશે! માત્ર મુરતિયાને ગમે એ પૂરતું સ્લિમ-ટ્રિમ થવાનું આપણને ન ફાવે. એના કરતાં હું જેવી છું એવી સ્વીકારનારો જુવાન જ મને ગમશે...

આ સ્પિરિટ જ ઉર્વશીને નિરાળી બનાવતો. નાકનકશો કામણગારા હતાં, સાજશણગારની સૂઝ સ્ત્રીસહજ હતી. પરિણામે તે ખૂબસૂરત દેખાતી. સ્વભાવની હસમુખી.

‘ખાવા અને રાંધવા સિવાય મને જૂનાં ગીતોનો શોખ છે. આઇ ઍમ અ ગુડ સ્વિમર. સખીઓ મને કહે છે કે હું માછલી જેવું તરું છું અને હું કહું છું, હા, વ્હેલ માછલી જેવું!’

સાંભળીને અતુલ્ય હસી પડેલો.

એન્જિનિયર થઈને મુંબઈની મલ્ટિનૅશનલમાં નોકરીએ જોડાયેલા એકના એક દીકરા અતુલ્ય માટે વલસાડ રહેતાં તેનાં શિક્ષક માતા-પિતા લાયક કન્યાની ખોજમાં હતાં. એકાદ સગા થ્રૂ વાત આવી. મુલાકાત ગોઠવાઈ.

અત્યંત સોહામણો અતુલ્ય વાત-વહેવારમાં વિવેકી લાગ્યો. સૌને એક નજરમાં ગમી ગયો. ઉર્વશીએ પણ સૌનાં મન મોહી લીધાં. એકાંત મેળાપમાં તે નિખાલસ, સ્માર્ટ એટલી જ સ્પષ્ટવક્તા લાગી.

‘દેહની સુંદરતાથી હું અલિપ્ત છું એવો દંભ નહીં કરું, પરંતુ પતિ-પત્નીનું ઐક્ય રૂપથી વધુ ગુણ પર નભતું હોય છે એ તો હકીકત છે.’

સાંભળીને ઉર્વશી પ્રભાવિત થઈ... બેઉનો હકા૨ ભળ્યો. સગપણથી લગ્ન સુધીમાં હૈયાના તાર સંધાતા ગયા. વલસાડના સાસરે ઉર્વશી ભળી ગઈ. મુંબઈમાં અતુલ્ય એકલો રહેતો. કંપની તરફથી મળેલો ફ્લૅટ વિશાળ, સુઘડ હતો.

સ્વિટ્ઝરલૅન્ડના હનીમૂનમાં કપલ મદહોશ બન્યું. મુંબઈ પરત થયા પછી નશો બરકરાર રહ્યો, એમ રોજિંદી ઘટમાળમાં બેઉ પરોવાતાં ગયાં. અતુલ્યએ જૉબ રિઝ્યુમ કરી, ઉર્વશીએ ઘર સંભાળ્યું. બૅચરલ હાઉસમાં હવે ગૃહિણીનો સ્પર્શ વર્તાવા માંડ્યો. આડોશી-પાડોશીઓ સાથે આવરોજાવરો વધ્યો. વાટકી-વહેવાર શરૂ થયો. વેકેશનમાં દીકરાને ત્યાં આવેલાં ધનસુખભાઈ-મિતાલીબહેન પ્રસન્ન થઈ ઊઠ્યાં : તારા હાથમાં અમારો દીકરો અને આ ઘર સલામત છે વહુ!

ઉર્વશી માટે આ એક વાક્ય અંતરના આશિષથી કમ નહોતું. અતુલ્યને એનો આનંદ.

સંસારના સુખભોજનમાં મામૂલી કાંકરી છ મહિના અગાઉ આવી... અતુલ્યને પ્રણયકીડામાં પરોવતી ઉર્વશી વાગોળી રહી...

અમારાં લગ્નને ત્યારે પૂરા આઠ મહિના થયેલા. અમારી પહેલી દિવાળીના તહેવારના દહાડા વલસાડના ઘરે સૌએ ભેગા મળીને રંગેચંગે માણ્યા. પછીના રવિવારે સોસાયટીમાંથી પિકનિક ગોઠવાઈ હતી.

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી થોડે દૂર આવેલી ગાર્ડનવૅલી સોસાયટી ખરેખર તો દસ-દસ માળની છ વિંગ્સનો સમૂહ છે. મોટા ભાગના રહેવાસીઓ ગુજરાતી. વિશાળ કમ્પાઉન્ડ, ફરતે જૉગિંગ ટ્રૅક ધરાવતી સોસાયટીમાં હોળી-ધુળેટી, ગણેશોત્સવ કે નવરાત્રિ જેવા તહેવારો રંગંચંગે ઊજવાતા. દિવાળી બાદ વન-ડે પિકનિક ફિક્સ. સુંદર આયોજનને કારણે બધાને ભેળા જવાની મજા આવતી.

સ્વાભાવિકપણે ઉર્વશી પણ વિરાર નજીકના દિલખુશ રિસૉર્ટની પિકનિક માટે ઉત્સુક હતી. ત્યાં નાનકડો વૉટરપાર્ક ૫ણ છે. સામેવાળાં નયનાબહેન કે નીચેવાળાં સુમિત્રાભાભી સાથે તેને ઘરવટ જેવી એટલે બસમાં આપણું ગ્રુપ સાથે રહે ત્યાં સુધીની ચીવટ તેણે રાખેલી. બેશક, રિસૉર્ટની કંઈ નવાઈ ન હોય, પણ સાથે જવાનો તેનો ઉમંગ અતુલ્યને મલકાવી જતો. પછી વાત આવી કૉસ્ચ્યુમની.

‘અતુલ્ય, મારી પાસે સ્વિમિંગ કૉસ્ચ્યુમ તો છે નહીં. મમ્મીને ત્યાંથી મગાવી લઉં? કે પછી નવું લઈ લઈએ? સુમિત્રાભાભી તો કહેતાં હતાં કે સિલ્કનો ડ્રેસ પણ ચાલશે...’ પિકનિકની તૈયારીમાં જોતરાયેલી ઉર્વશી અતુલ્યને પણ કન્ફ્યુઝ કરી મૂકે. એક તો તે લૅપટૉપ પર તેના કામમાં વ્યસ્ત હોય, ‘ડૂ ઍઝ યુ વિશ.’

‘મારાથી નક્કી થતું હોત તો હું તમને શું કામ પૂછું!’ ઉર્વશીએ લૅપટૉપ બંધ કર્યું.

‘અરે યાર...’ અતુલ્યથી ગુસ્સે તો ન થવાયું, પણ બોલી જરૂર જવાયું, ‘શું કામ આટલું ખેંચે છે. કૉસ્ચ્યુમ પહેરવાથી તું કંઈ નિયતિ જેવી તો દેખાવાની નથી.’

નિયતિ.

બાજુની વિંગમાં છઠ્ઠા માળે રહેતી બત્રીસેક વરસની નિયતિ આમ જુઓ તો અતુલ્યથીયે ઉંમરમાં મોટી છે. એકલી રહે છે. ક્યાંક ઉત્તર પ્રદેશ બાજુની છે. ચારેક વરસથી સોસાયટીમાં ૨હેવા આવેલી યુવતી એકાદ કંપનીમાં જૉબ કરતી હોવાનું સાંભળ્યું છે. કમાતી હશે સારું, કેમ કે ઠાઠથી રહે છે. તેના ફ્લૅટનું ઇન્ટીરિયર ચકિત કરી દેનારું છે, મોંઘી કાર વાપરે છે... પણ સૌથી વધુ નોંધપાત્ર હોય તો એ તેની બ્યુટી!

ફિલ્મની હિરોઇનોય પાણી ભરે એવું તેનું રૂપ છે. લચીલા જિસ્મમાં ઉંમર ક્યાંય વર્તાય નહીં. અત્યંત આત્મવિfવાસુ, બેહદ સ્માર્ટ છોકરી ફૅશનેબલ પણ એવી કે તેને જોતા રહી જાઓ. નવરાત્રિમાં તે સજીધજીને ગરબા ગાવા ઊતરે ત્યારે સોસાયટીના કુંવારા જુવાનિયા જરૂર તેની આસપાસ ઘૂમતા થઈ જાય! બધા જોડે મીઠું હસતી-બોલતી છોકરી ઉવર્શીને સૌનું મન મોહી લે એવી લાગતી.

‘અતુલ્ય ઇઝ લકી...’ વચમાં તે કમ્પાઉન્ડમાં ભટકાઈ ગઈ ત્યારે તેણે ઉર્વશીને કહેલું, ‘તમારી જોડી મેડ ફૉર ઇચઅધર જેવી છે.’

‘થૅન્ક્સ...’ તેની સાથે થોડુંઘણું ગપાટીને ઉર્વશી લિફ્ટ તરફ આગળ વધી ગઈ કે...

‘અરે ઉર્વશી...’ બાંકડે બેસીને તુવેર ફોલતાં મયૂરીઆન્ટીએ સાદ પાડ્યો. બીજું કોઈ ત્યારે ત્યાં હતું નહીં. ઉર્વશીને નજીક બેસાડીને સમજાવ્યું, ‘આ બલાથી આઘેરી રહેજે. જાણે કેવા ધંધા કરે છે. હમણાંનો એક પુરુષ પણ તેને ત્યાં આવ-જા કરતો જોવા મળે છે. અમારે તો એક જ ફ્લોર પર રહેવાનું. મેં તો પૂછી લીધું કે આ ભાઈ કોણ છે? તો કહે કે મારા મંગેતર છે - અંકુશકુમાર.’ તેમણે ટલ્લા ફોડ્યા, ‘લો બોલો, બાઈની સગાઈ ક્યારે થઈ? તેના ગામથી કોઈ આવ્યું પણ નહીં? અને સગપણ થયું હોય તો શું, લગ્ન ઓછાં લેવાયાં કે અંકુશ આખી રાત વાગ્દત્તાના ઘરે રહે! રામ-રામ. માટે શું કહું છું, આપણે તો આવાથી દૂર જ રહેવું બેન!’

ના, મયૂરીઆન્ટી જેવાં ઠરેલ-ડાહ્યાં વડીલ વિના કારણ કોઈના વિશે આવી વાત ઉડાવે પણ નહીં... હશે. નિયતિનું તે જાણે.

તેજીને ટકોરની જેમ ઉર્વશીએ મળે ત્યારે મુખ મલકાવવાથી વિશેષ સંંબંધ રાખ્યો નહોતો.

-એ નિયતિ અણધારી ટપકી હતી, એ પણ વરજીના મોંએ! અતુલ્યએ કોઈ હિરોઇનનું નામ લીધું હોય તો વાંધો નહોતો, અને નિયતિને સાંભરી તો સાંભરી, હું નિયતિ જેવી દેખાવાની નથી એનો શું મતલબ?

‘સીધું કહી દોને કે મારો મોટાપો તમને ખટકે છે.’

‘ઓ કમઑન, મેં તને જાડી નથી કીધી...’

‘મતલબ હું જાડી છું, પણ તમે કહેતા નથી.’ ઉર્વશી રીસમાં બેડરૂમમાં જતી રહી. ધડામથી દરવાજો બંધ કર્યો‍. કઝિન્સ-સખીઓ વેઇટની કમેન્ટ્્સ ક૨તાં. બાકી અતુલ્યએ કદી એની કન્સર્ન નથી રાખી. પછી આજે કેમ આમ બોલ્યા? તેમના મનમાં હશે તો જને! બીજું કોઈ પણ બોલે, અવગણાય; વરનું મહેણું તો હૈયે ઘા જ કરેને! ઉર્વશી શોષવાતી રહેલી. લગ્ન પછીની એ પહેલી રાત તેમની કોરી ગઈ!

સવારે ઊઠી ત્યારે સામા મિરર પર અતુલ્યએ લિપસ્ટિકથી લખ્યું હતું - સૉરી!

પતિએ પોતાને સૉરી કહેવું પડે એ સ્થિતિ પણ ઉર્વશી માટે અસહ્ય હતી. માંડ સૂતેલા અતુલ્યને તેણે વહાલ વરસાવીને ગૂુગળાવી મૂક્યો. સુખસંસારનો કંકર થૂંકાઈ ગયો. મામલો ત્યાં પતી જવો જોઈતો હતો, પણ ના...

અતુલ્યના ઑફિસ ગયા બાદ ઉર્વશી મિરર સામે ઊભી રહી : અતુલ્ય વૉઝ રાઇટ. કૉસ્ચ્યુમ પહેરવા જેવું મારું ફિઝિક નથી... ના, વજનની મને પરવા નથી, પણ બોડી શેપમાં તો હોવું જોઈએને!

ઍન્ડ ઑન સેકન્ડ થૉટ, હું નિયતિ જેવી નહીં લાગું એમ કહેવામાં હું નિયતિ જેવી દેખાઉં એવી પતિદેવની અપેક્ષા છૂપી નથી?

બીજા કોઈ પણ નૉર્મલ પુરુષની જેમ અતુલ્ય કૅલેન્ડર ગર્લ્સને નિહાળી લે, તેમના મિત્રોના વૉટ્સઍપ ગ્રુપમાં આવી કન્ટેન્ટ ફરતા રહે; અરે, તે નિયતિને પણ તાકી લે એમાં ઉર્વશીને ક્યારેય વાંધાજનક નહોતું લાગ્યું. આજે સમજાય છે કે જાણે-અજાણે તેમને મારું જિસ્મ પણ આવું હોય એવી ઝંખના રહેતી હોઈ શકે ખરી!

ઇફ ધેટ ઇઝ સો, મારે એમાં પાર ઊતરવું જોઈએ!

રિસૉર્ટની પિકનિક તો ખેર ડ્રેસમાં જ માણી, પણ ત્યાંના વૉટરપાર્કમાં ઘૂંટણ સુધીના સ્વિમિંગ કૉસ્ચ્યુમમાં છબ-છબ કરતી બાધિંગ બ્યુટી જેવી દેખાતી નિયતિની પહેલી વાર ઈર્ષા થયેલી. હવે તો મારેય આવા બનવું છે!

અને બસ, પોતે મિશન ઝિરો ફિગર આદરી દીધું. અલબત્ત, અતુલ્યને એ નહોતું ગમ્યું, પણ ઉર્વશી મક્કમ હતી : એક વાર મને હું કેવી લાગું છું એ જોવા તો દો!

વધારાની ચરબી ઓગળતી ગઈ, બોડી શેપમાં આવતું ગયું એમ અંગ-ઉપાંગ નિખરતાં ગયાં. સુમિત્રાભાભી જેવાં પાડોશી, કઝિન્સ તારીફ જતાવતાં : તું તો કેવી બદલાઈ ગઈ!

સારું લાગતું. આજ સુધી પોતે ભલે વજન બાબત કૅરલેસ રહી, હવે એ ભૂલ સુધારી લેવી છે. માણસનો આત્મા સુંદર હોવો જોઈએ, જિસ્મથી તેના મોલ ન અંકાય એ ફિલસૂફી સાચી, પતિ-પત્નીનું ઐક્ય રૂપથી વધુ ગુણ પર નભતું હોવાનો દૃષ્ટિકોણ આજેય માન્ય; પણ એના આધારે શરીરની સુંદરતાને તરાસવાથી હું દૂર રહી એ કદાચ ખોટું. આપણે મનને સ્વચ્છ રાખવા રોજ પ્રાર્થના કરીએ છીએ, તનને સુંદર રાખવા મથીએ એમાં વાંધો શું કામ!

મા ઠપકારતી, ‘બહુ થયો ફિગર બનાવવાનો ખેલ. તારું મન થયું તે ચાર-છ મહિના ચલાવ્યું, કંઈ આખી જિંદગી ફ્રૂટ-ડિશ પર નીકળવાની છે?’

એક સાંજે પતિ-પત્ની ઉર્વશીના પિયર આવ્યાં હતાં. એમાં ઉર્વશીએ ફ્રૂટ-ડિશનું કહેતાં વાત તેના ઝીરો ફિગર પર ફંટાઈ હતી.

‘વાંક મારો છે મમ્મી.’ આજ સુધી ગોપનીય રહેલું સત્ય આખરે અતુલ્યએ જાહેર કરી દીધું, ‘વચમાં મારાથી ઉર્વશીની સરખામણી બીજી યુવતી જોડે થઈ ગઈ એ કદાચ તેણે મન પર લઈ લીધું.’

સુબોધભાઈ-માયાબહેન થોડા ડઘાયાં. જમાઈ આમ તો ઠરેલ-ઠાવકા છે, ઉર્વશીને હથેળીમાં રાખે છે, તેના વજનનો વાંધો હોત તો-તો વહેવારમાં જણાયા વિના ન રહેત. ક્યારેક કંઈ બોલીયે જવાય તો એનો અવળો અર્થ ઓછો કાઢવાનો?

‘ઉર્વશીબેટા, તું આવી પ્રતિક્રિયા આપશે તો અતુલ્યકુમાર સહજ નહીં રહી શકે, મનની વાત કહેતાં પહેલાં સો વાર વિચાર કરશે. દામ્પત્યમાં એ તને ચાલશે? શોભશે?’

ઉર્વશી થોડી અકળાઈ. કબૂલ, અતુલ્યની ટકોરે મને પ્રેરી, તેને ગમતું ફિગર પામવા મેં યત્ન આદર્યા; પણ પછી મારું આ રૂપ મને જેન્યુઇનલી વધુ ગમવા લાગ્યું છે એ કેમ સમજાવવું!

‘હું તો આમાં પણ મારો જ વાંક જોઉં છું ઉર્વી... આટલી સ્ટ્રિક્ટ ડાયટ, એક્સ્ટ્રીમ એક્સરસાઇઝ લૉન્ગ ટર્મ માટે કેટલું યોગ્ય ગણાય?’ ડિનર વખતે તો ઉર્વશીએ અકળાઈને વાત વાળી લીધેલી, પણ ઘરેથી નીકળતાં અતુલ્યએ એનું અનુસંધાન કર્યું, ‘તારું આ જિસ્મ મને મદહોશ કરે છે, મારી ઘેલછા તારામાં ખુમાર જન્માવતી હશે; પણ મારું મન તો આજેય એ ઉર્વશીને ઝંખે છે જે જરૂર પૂરતા યોગ કરીને પણ બિન્દાસ ખાતી, ખવડાવતી.’

હાઉ સ્વીટ. આ જ મારા અતુલ્ય!

‘હું ધન્ય થઈ અતુલ્ય.’ તેનો પહોંચો પકડીને ઉર્વશીએ ભાવથી કહ્યું, ‘પણ આ વિષયમાં તમે ગિલ્ટ અનુભવવાનું બંધ કરો, પપ્પા-મમ્મીને પણ કહેવાની શી જરૂર હતી? તમે તો મને સમજો. આજ સુધી જે ઉર્વશીને મેં આયનામાં જોઈ હતી એનાથી હમણાંની ઉર્વશી કેટલી ભિન્ન છે, કેવી રૂપાળી છે. મને એ વધુ ગમે છે અતુલ્ય, બસ એટલું જ કારણ છે.’

સાંભળીને અતુલ્યએ બોજ ઉતરતો અનુભવ્યો. ઝીરો ફિગરથી હું પોતાને વધુ ગમવા માંડી...

ઉર્વશીએ પોતાના પર છવાયેલા પતિને ભીંસ્યો અને મારા પ્રિયને પણ! અતુલ્યની પીઠમાં નખ ખૂંપાડતી ઉર્વશી સ્પર્શસુખની પરાકાષ્ઠા અનુભવી રહી. શ્વાસો નિયંત્રણમાં આવતાં પૂછવાનું સૂઝ્યું, ‘પછી મે વેકેશનમાં ક્યાં જવું છે, વિચાર્યું?’

કંપનીમાં ઍન્યુઅલ શટડાઉન પત્યા પછી મેમાં રિલૅક્સ રહેવાતું. એ દરમ્યાન પાંચેક દિવસની છુટ્ટી મૂકીને ફ૨વા જવાનો પ્લાન પાઇપલાઇનમાં હતો.

‘ગોવા કેવું રહેશે? વી હેડ નેવર બીન ધેર...’

વાઉ. યંગ કપલ માટે ગોવા જેવું એક્ઝૉટિક પ્લેસ કોઈ નહીં!

ઉર્વશીએ હરખ જતાવ્યો, પણ ગોવાની એ છુટ્ટીઓમાં શું થવાનું છે એની કોને ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK