કથા-સપ્તાહ - જીવનગાથા (જય હિન્દ - 5)

‘તસવી૨ના રખેવાળ તરીકે એક જ નામ ભરોસાપાત્ર જણાય છે - ઓમકારનાથ મહેતા!’ કસ્તૂરીબા.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


ઓમકારનાથે કૃતાર્થતા અનુભવી. નિરાલી દંગ બની. આયુષ્યના નવમા દસકાને આરે ઊભેલી બે વ્યક્તિ દાયકાઓથી મળી નથી, સંપર્કમાં નથી; છતાં જેવો ભરોસો દાખવી શકે છે એ આજની અમારી પેઢીમાં સંભવ છે ખરો?

‘તારી અમાનત મારી પાસે સુરક્ષિત રહેશે.’ તસવીરને કોટના ગજવામાં મૂકતાં ઓમકારનાથ બોલ્યા,

‘પોલીસ-કમિશનરને મળીને કાયદાને એનું કામ સોંપી દઉં છું, અયન બાબત હવે તું નચિંત રહેજે. મારે જેવી નિરાલી એવો અયન.’ ’

‘તમારી નિરાલી તો ગુણડાહી છે ઓમ. છોકરીએ મારું દિલ જીતી લીધું.’ નિરાલીના માથે હાથ ફેરવીને કસ્તૂરીબાએ હરખ ઉચ્ચાર્યો.

‘તેં મને રાહ પર આણ્યો કસ્તૂરી, એની આ ફળશ્રુતિ.’

‘તમે મને ખોટો જશ આપો છો ઓમ. મારામાં એટલું સત હોત તો મારો અયન આમ ભટકત?’ કસ્તૂરીબા સહેજ ખચકાયાં, ‘ઓમ, અયનને વિના કારણની આર્થિક મદદ ન કરશો.’

‘નહીં કરું.’ ઓમકારનાથે ખાતરી ઉચ્ચારીને ઉમેર્યું, ‘પણ તું જ કહે, આ એ ભારત છે જેવું તમે ઝંખ્યું હતું? આ આઝાદી માટે ઝઝૂમ્યા હતા? ભ્રષ્ટાચાર, ભૂખમરો, ગરીબી, બેકારી... સૌથી કફોડી દશા મધ્યમ વર્ગની છે. માઇનૉરિટી, રિઝર્વેશન એવી વોટ-બૅન્ક બની બેઠા છે જેને છંછેડવાની કોઈની હિંમત નથી, વૃત્તિ પણ નથી. આમાં તકના અભાવે લાયક યુવાધન વિદેશગમન કરી લે છે અથવા

અયનની જેમ નાસીપાસ થઈને આયખું બગાડે છે.’

‘દેશની દુદર્શા  સમજું છું, સ્વીકારું છું. લગભગ સૌને આજે બાપુ અપ્રસ્તુત લાગે છે, માનું છું; પણ તો પછી દેશના ઉત્થાનની જવાબદારી કોની? સિસ્ટમને કોસવાથી પરિસ્થિતિ નહીં બદલાય. એને માટે કોઈકે તો ગાંધી, સરદાર, ભગત સિંહ બનવું પડશે... અને એ હું કે તમે નહીં, નવજુવાનોએ કરવું પડશે. હું અયનને સમજાવીને થાકી, પણ પહેલનો સંઘર્ષ અહીં કોણે કરવો છે? વિશ્વનું સૌથી વધુ યુવાધન આજે ભારત પાસે છે, છતાં દેશની દશા નહીં બદલાય તો એ દુ:ખ કોને રડવું?’

નિરાલીને શબ્દો ચાબખા જેવા લાગ્યા.

‘બા, એક ચિનગારી હું પ્રગટાવીશ.’

પૌત્રીના સંકલ્પમાં દાદાજીએ ઉમેરો કર્યો, ‘એમાં તમારો અયન જોડાશે. મારું વચન છે.’

કસ્તૂરીબાની પાંપણ ભીની થઈ. આ દિવસ જોયા પછી ભલે મને મોત આવતું!

કુદરતે શું ધાર્યું છે એની ત્યારે ક્યાં ખબર હતી?

€ € €

‘મારી જીવનગાથા!’

કસ્તૂરીબાને ત્યાંથી નીકળતી વખતે નિરાલીએ પુસ્તકની પ્રત જોવા માગતાં તેમણે હસ્તપ્રત થમાવી હતી : અયને તો કદી રસ દાખવ્યો નહીં, પણ તું વાંચીને કહેજે મેં કેવું લખ્યું છે!

હોટેલમાં પરત થઈને નિરાલી એક બેઠકે હસ્તપ્રત વાંચી ગઈ.

આત્મકથાનું ર્શીષક પણ કેવું સાદું છે. છતાં સત્વશીલ! પોતાનું પુસ્તક પ્રેરણાદાયી બની રહેશે એવી કોઈ અપેક્ષા વિના કસ્તૂરીબાએ તો સરળપણે અને સત્યપણે જીવનખંડ આલેખ્યો છે. ક્યાંય મહાન ઠરવાની વૃત્તિ નહીં, બીજાને નીચા દેખાડવાની દાનત નહીં. દાદાજીનો કિસ્સો લખ્યો છે એમાં સંભારણાનો સ્વાદ છે. પત્ની, મા, સાસુ તરીકે સફળ નીવડેલા પોતે દાદી તરીકે નિષ્ફળ રહ્યાંની કબૂલાત કરતાં લખે પણ છે કે આમાં ક્યાંક હું પણ ચૂકી હોઈશ... પણ ગુમરાહ થનારો અયન એકલો નથી અને છતાં તેમનાથી ક્રાન્તિની મશાલ કેમ નથી પ્રગટતી? બીજા ગાંધી ભલે ન બનો, પણ દેશના તારણહાર તો થાઓ!

આટલી એક અપેક્ષા વધુપડતી છે?

આત્મકથાના આ અંતિમ પ્રશ્નની ચોટ નિરાલીએ અનુભવી.

દરમ્યાન ઓમકારનાથે તસ્કરી વિશેનાં ચક્રો ગતિમાન કરાવી દીધાં હતાં અને ૧૪ ઑગસ્ટનો સૂરજ આથમે એ પહેલાં માઇકલ અને તેના સાગરીતો પોલીસના હાથોમાં ઝડપાઈ ચૂક્યા હતા! અયનના મોબાઇલ-ડેટા પરથી એજન્ટ સુધી અને તેના દ્વારા માઇકલ સુધી પહોંચીને ખરેખર તો પોલીસે માઇકલની મૂર્તિવાળી ડીલમાં પણ પંક્ચર પાડ્યું હતું એ સ્વાતંત્ર્યપવર્નીો બક્ષિસ જ કહેવાયને!

€ € €

‘મૂર્તિચોરોની ધરપકડ!’

સ્વાતંત્ર્યદિનની સવારથી અયન ફીલ ગુડના મૂડમાં હતો. ત્રણ કરોડની લૉટરી જો લાગવાની હતી! આમ તો દાદીની સંદૂકમાંથી તસવીર ગમે ત્યારે ચોરી શકાય, પણ એક તરફ તેમનું સન્માન થતું હોય, વાહ-વાહ થતી હોય ત્યારે ધાડ પાડું તો એ વસમા ફટકા જેવું લાગે!

- પણ આ શું?

ઉમંગભેર પોતે કટિંગવાળી ચા પીવા આવ્યો તો થડા પર પડેલા અખબારમાં આ ન્યુઝ કેવા! ઇન્સેટ તસવીરોમાં પોતાને દારૂના પીઠામાં મળેલો આદમી પણ હતો. આનો અર્થ એ કે મને ત્રણ કરોડ દેનારી પાર્ટી જ પકડાઈ ગઈ!

મારા તકદીરમાં બસ ધોકો જ છે?

દરેક ખ્વાબ તૂટ્યું. એની કરચો ભોંકાતાં મન ધમધમી ઊઠ્યું : નહીં, માઇકલ નહીં તો તેનો ભાઈ બીજો! મને ફોટોગ્રાફની કિંમત તો માલૂમ થઈ, એના ખરીદનાર તો ઘણા મળી રહેશે. તસવીર મારી પાસે છે ત્યાં સુધી મારું સમણું અકબંધ છે!

- ના, તસવીર મારી પાસે નહીં, દાદી પાસે છે! નસીબ વળી આડું થાય એ પહેલાં એનો કબજો લઈ લેવો ઘટે!

અને ખજાનો હસ્તગત કરવો હોય એવા જુસ્સામાં તેણે ઘર તરફ દોટ મૂકી.

€ € €

‘અરે... અરે...’

કસ્તૂરીબા ચોંક્યાં. કલાકમાં ધ્વજવંદન માટે નીકળવાનું છે, પછી ગાંધી હૉલમાં પુસ્તકના લોકાર્પણનો કાર્યક્રમ છે. થોડી વારમાં અમને લેવા ઓમકારનાથ-નિરાલી આવી પહોંચવાનાં. અયનને બધું કહેવું છે, પણ છોકરો ઘરમાં ટકતો હોય તોને! આવે ત્યારે દારૂની વાસ સાથે.. અત્યારે પણ આવીને જુઓ તો, મારા રૂમમાં સામાનની ઊથલપાથલ કરવા લાગ્યો!

‘સંદૂકની ચાવી ક્યાં છે?’ અયને ત્રાડ નાખી.

હેં. કસ્તૂરીબાને હવે ગડ બેઠી. ઓમકારના પ્રયત્નોએ પેલા ચોરટા પકડાયાની જાણ અયનને થઈ હોવી જોઈએ, એનો આ ઉછાળ છે!

‘તને જોઈતી ચીજ સંદૂકમાં નથી.’

અયનના દિમાગમાં સન્નાટો છવાયો. દાદી મારી યોજના જાણી ગઈ અને તસવીર સમવન ઓમકારનાથને સોંપી દીધી?

‘તેં મારી છેલ્લી ઉમ્મીદ છીનવી લીધી ડોશી... તું જીવવાને લાયક નથી!’

આપો ગુમાવીને અયને કસ્તુરીબાની ગળચી દબાવી. એવો જોરથી ધક્કો માર્યો‍ કે ધડામ કરતું માથું દીવાલમાં અફળાયું. કસ્તૂરીબા ફસડાઈ પડ્યાં, દીવાલે લોહીનો લિસોટો રેલાયો.

તેમનો શ્વાસ તૂટતો હતો. શું મોત આવી ગયું?

‘અ...ય...ન...’ તરડાયેલા સાદે તેમણે બૂમ નાખતાં દરવાજે પહોંચેલો અયન ઊલટો ફર્યો‍, ખીજાણો, ‘તને બચાવવા હું કંઈ નથી કરવાનો દાદી, મરવું હોય તો મર!’

ધિક્કારની આનાથી વધુ પરાકાષ્ઠા શું હોય?

પણ ના, પોતે આમ મરી ન શકે... બહાર જતા પૌત્રનાં પગલાંને નિ:શબ્દપણે તાકતાં કસ્તુરીબાનું માતૃહૃદય ફાટફાટ થયું, તૂટતા શ્વાસે અંતિમ કાર્ય પૂરું કરીને તેમણે દમ તોડ્યો ત્યારે હોઠે આવેલા આખરી શબ્દો હતા - હે રામ! 

€ € €

‘બાયોપિક!’ નિરાલી દાદાજીને તાકી રહી. જેમ-જેમ વિચારતી ગઈ એમ દાદાજીનો આઇડિયા કુનેહભર્યો લાગવા માંડ્યો.

બૉલીવુડમાં આજકાલ બાયોપિકની બોલબાલા છે. કસ્તૂરીબાની જીવનગાથા યોગ્ય રીતે રજૂ થાય તો ચોક્કસ પ્રેરણાદાયી નીવડે. જોકે ફિલ્મ ઉતારવા માટે બુકના રાઇટ્સ લેવા પડે અને પોતાની જીવનગાથાના કૉપીરાઇટ કસ્તૂરીબાએ અયનના નામે કર્યા છે... આ એક સોદો અયનની આર્થિક મજબૂરી મિટાવી દે અને બા એમાં નિમિત્ત બન્યાં હોવાનો ગણ પણ રહે. આમાં મદદની ભાવના છે, પણ ઉપકાર નથી. નિરાલી પાસેથી પુસ્તકની પ્રશસ્તિ સાંભળીને ખરે જ કસ્તૂરીની લાઇફ પરથી ફિલ્મ ઊતરવી જોઈએ એવું ઓમકારનાથ માનતા થયા. એનો નફો યુવાવર્ગના ઉત્થાનકાર્યમાં વાપરવા સુધીની આઉટલાઇન મનોમન ઘડી રાખી તેમણે. 

‘સાથે એવી શરત પણ રાખીશું કે સ્ટોરીનું ડિસ્કશન, શૂટિંગ સાચકલા લોકેશન પર જ થાય અને એમાં અયને ફરજિયાતપણે હાજર રહેવાનું. આમ આશ્રમ, હરિજનવાસમાં નિયમિત જવાનું થતાં તેના સંસ્કાર ઊઘડવાના... ’

જોઈએ, હવે આ યોજનાનો કસ્તૂરીબા શું પ્રતિભાવ આપે છે?

€ € €

‘બાની બાયોપિક!’

અયન ડઘાયો. બાના ઓળખીતા ઓમકારનાથ તેમની આત્મકથા પરથી ફિલ્મ બનાવવાના ત્રણ કરોડ દેવા માગે છે! તેમની પૌત્રી આ વિષયમાં બાનો નિર્ણય જાણવા પણ કેવી આતુર છે અને ઓમકારનાથ એટલે એ જ શખ્સ હોવો જોઈએ જેમની પાસે ફોટો છે...

ફોટો... તેણે નિ:શ્વાસ નાખ્યો. અંદરની રૂમ તરફ દૃષ્ટિ દોડાવી.

‘શું થયું અયન?’ નિરાલીને ઘરના સૂનકારામાં કશુંક અજુગતું લાગ્યું. વંઠેલની છાપ ધરાવતો અયન ગુમસૂમ કેમ છે. તેની આંખોની રતાશ કેવી ભયાનક છે. જરૂર કંઈક બન્યું છે.

‘થવામાં એટલું જ કે તમારે બાયોપિકનો અંત બદલવો પડશે.’ તેનાં અશ્રુ તગતગ્યાં, ‘બા નથી રહ્યાં.’

હેં. ઓમકારનાથ બેસી પડ્યા. અયને નિરાલીને કાગળ થમાવ્યો. જેમાં લખ્યું હતું : હું મારી મરજીથી જીવનનો અંત આણું છું, એ માટે કોઈને દોષ દેશો નહીં! લિ. કસ્તૂરી.

બાની હસ્તપ્રત મેં વાંચી છે એટલે અક્ષર તો તેમના હોવામાં શંકા નથી, પણ બા જેવી વ્યક્તિ આપઘાત કરે એ વાત જ કેવી અમાન્ય હતી!

‘બાને મેં મારી છે...’ ફર્શ પર બેસેલા અયને ઘૂંટણ વાળ્યા, ‘પણ જાણો છે, એનાથી વધુ પાપ કયું થયું?’ તેનો ઊભરો ડૂમા વાટે બહાર નીકળ્યો, ‘જીવનભર સત્યની મશાલ લઈને ચાલનારી મારી બા અંત સમયે જિંદગીનું સૌથી મોટું જૂઠ લખી ગઈ...જૂઠ લખ્યા પછી જ ગઈ. મારે ખાતર તેણે પોતાની ટેક તોડી! હું તેના સિદ્ધાંતને સ્વીકારી ન શક્યો, પણ તેના પ્રેમને કેમ પારખી ન શક્યો! બા, બા, તું પાછી આવ!’

તેની જીદમાં રુદન હતું, રુદનમાં જીદ.

એ જ વખતે પોલીસ સાયરન સંભળાઈ.

‘પણ હું બાની ટેક તૂટવા નહીં દઉં.’ અશ્રુ લૂછીને તેણે દમ ભીડ્યો, ‘હું મારું પાપ કબૂલી લેવાનો.’

તેણે કસ્તૂરીબાની ચિઠ્ઠી ફાડી અને ઓમકારનાથે તેને બાથમાં લઈ લીધો, ‘આજથી તું સત્યપંથી બને છે દીકરા. નિરાલી, કસ્તૂરી જતાં-જતાં કેવો ઇન્તેજામ કરી ગઈ, સમજાયું!’

નિરાલી સ્તબ્ધ હતી. જૂઠ લખીને પૌત્રનો આતામ જાગ્રત કરવાની આ કેવી ચાલ! બા મરીને પૌત્રને તારી ગયાં. તેમના જૂઠમાં મમતા ભેગી સામાના આત્માને જાગ્રત કરતી જડીબુટ્ટી આપતાં ગયાં.

ભારે હૈયે ત્રણે અંદરની રૂમમાં ગયાં. મૃત્યુ કરુણ હોવા છતાં કસ્તૂરીબાના મુખ પર પીડા નહોતી. ગાંધીજી ગોળીએ દેવાયા, કસ્તૂરીબા... મહામાનવોનો અંત કરુણ કેમ હોતો હશે!

ખરેખર તો અયને ભાગી છૂટવું હતું. બૅગ પણ તૈયાર કરી, પરંતુ દાદીનો કરુણ સાદ ન સંભળાતાં ડોકિયું કર્યું તો સ્થિર ગયેલી દાદીના હાથમાંની ચિઠ્ઠી ફરફરતી હતી... એમાંનું લખાણ વાંચ્યા પછી જવાય એવું ક્યાં રહ્યું?

‘અંત પર કોઈનો બસ નથી. મહામાનવોની જીવનગાથા પ્રેરક હોય છે એવું યાદ રાખીએ.’

ઓમકારનાથના શબ્દો સાથે દૂર ક્યાંક લતાના કંઠમાં ગાંધીજીનું પ્રિય ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ગુંજ્યું ને એવી જ એક જીવનગાથાને ત્રણે નતમસ્તક થઈ રહ્યાં.

- કથાના ઉપસંહારમાં એટલું જ કે આત્મકથાના લોકાર્પણના દહાડે જ પૌત્ર દ્વારા કસ્તૂરીબાની હત્યા થયાની ઘટના લોકજીભે ગાજી, પણ અયનનો પસ્તાવો જોતાં કોર્ટે આઠ વરસની સજા ફટકારી. તે બહાર આવ્યો ત્યારે ઓમકારનાથ હયાત નહોતા, પણ કસ્તૂરીબાની બાયોપિક લૅન્ડમાર્કસમી બની ચૂકેલી. એની આવકમાંથી નિરાલીએ તેમના નામ પર માંડેલા સેવાયજ્ઞમાં અયન જોડાયો. જેલવાસ દરમ્યાન પણ સંપર્કમાં રહેલાં બે હૈયાં ધીરે-ધીરે એક થયાં, ભારતની તસવીર બદલવાના પાકા નિર્ધાર સાથે.

ચાલો, આપણે સૌ તેમના અભિયાનમાં જોડાઈ દેશને ખરા

અર્થમાં મેરા ભારત મહાન બનાવીએ. જય હિન્દ.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy