કથા-સપ્તાહ - જાસૂસ (રહસ્યરંગ - 5)

- ગરબડ થઈ ગઈ.અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |  4  |  5 


- શું થયું?

- થોડી વાર પહેલાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. કોઈ છોકરી હતી.

- ઓહ.

- મને કહે કે તેં માઇક્રોચિપ તફડાવી, પણ હું એની રાઝદાર છું; મને ખજાનામાં અડધો ભાગ જોઈએ.

- વાહ રે. બાપનો માલ છે?

- પૂરું સાંભળ તો ખરી. મેં પૂછ્યું કે કોણ છે તું? જવાબમાં તે હસી. મને થયું કે તું મજાક કરે છે એટલે પૂછ્યું - રંભા, તું છે?

- ગૉડ. તારે મારું નામ દેવાની શું જરૂર હતી? આપણે sms જ કરવાનું નક્કી રાખ્યું છેને.

- એ જ તો ગરબડ થઈ ગઈ. એક તો પેલા રાજમાતાવાળા જાસૂસે દિમાગ ચકરાવે ચડાવ્યું હતું. એમાં તે છોકરીએ વાત જ એવી અણધારી કરી કે મગજ બહેર મારી ગયું... ફરી તેને ફોન જોડું છું તો લાગતો નથી.

- હવે?

- માઇક્રોચિપ મેં લીધી છે એવું મેં કબૂલ્યું નથી, પણ એ જે કોઈ હોય

તારું-મારું કનેક્શન પામી ગઈ. હવે કદાચ તે તારી તરફ સઢ ફેરવે. ચેતેલી રહેજે!

મહેબૂબના smsનું છેલ્લું વાક્ય રંભાના ચિત્તમાં ટ્યુબલાઇટની જેમ ઝબૂક-ઝબૂક થવા લાગ્યું. ચેતેલી રહેજે!

€ € €

બીજી બાજુ મંગળની સવારે નવ વાગ્યે આરવ-બહાદુર પૅલેસના પ્રાંગણમાં ભેગા થઈ ગયા. મલક્યા.

‘આમ તો આ સમયે આપણે ડ્યુટી પર આવી જ જતા હોઈએ, પરંતુ અત્યારે રાજમાતાવાળા જાસૂસના તેડાએ આવવું પડ્યું. હવે તે કેસનો કોઈ નિવેડો લાવે તો સારું.’

€ € €

એ જ વખતે મહેલની એક દાસી શીશમહેલ પહોંચી, ‘કુંવરને ઘણી ખમ્મા. રાણીબાએ સવારના નાસ્તા માટે આપને પધરામણી કરવા કહ્યું છે.’ પછી અછડતી નજર રંભા પર નાખીને ઉમેર્યું, ‘સજોડે!’

હેં! જયસિંહ આંચકો ખાઈ ગયો. બીજા સંજોગોમાં રંભા ઊછળી

હોત - છેવટે વેશ્યાને વહુનો દરજ્જો મળવાનો! પણ ગઈ કાલની પ્રિયતમની ચેતવણી પછી આજના નિમંત્રણે હૈયું ધડકી ગયું : આમાં કોઈની કંઈ ચાલ તો નથીને? મહેલમાં જઈને ફસાવા જેવું તો નહીં થાયને!

‘ગેટ રેડી રંભા. લાગે છે કે રાજમાતાએ જ મૉમ-ડૅડને એજ્યુકેટ કર્યાં હોવાં જોઈએ.’

મને તો તે રાજમાતા અને તેમનો જાસૂસ જ જોખમી લાગે છે! પણ તેડું આવ્યું છે એટલે જવું તો પડશે જ. શું રંધાય છે એ તો ખબર પડે!

€ € €

‘ક્ષમા...’

મંત્રણાખંડ તરફ જતા આરવ-બહાદુરની વચ્ચેથી જવા માગતી દાસી આરવ જોડે અથડાઈ પડી. માફી માગીને આગળ વધી ગયેલી દાસીની ઓળખ ન પડી. તેણે ઘૂમટોય કેવો કાઢ્યો’તો. નવી ભરતી હશે? તેની દિશામાં પાછળ

વળી-વળીને જોતા આરવને એકાએક ભાન થયું કે જતાં-જતાં તે દાસી મારા હાથમાં કશુંક થમાવી ગઈ છે!

મુઠ્ઠી ખોલીને જોયું તો કાગળની કાપલી હતી. એમાંનો સંદેશ વાંચતાં જ સ્તબ્ધ બની જવાયું.

€ € €

‘સૌ આવી ગયા.’

મંત્રણાખંડના લંબચોરસ ટેબલની સામી તરફ આરવ-બહાદુર ઉપરાંત જયસિંહ-રંભા પણ આવીને ગોઠવાઈ ગયાં એટલે સુચિત્રાદેવી બબડ્યાં.

જયસિંહે ફૅમિલી-મીટિંગમાં રંભાને હાજર રાખવાનો આભાર માનવો હતો, પણ મુદ્દે આવી જવાની ઉતાવળે હરખને અંકુશમાં રાખ્યો. રંભા માટે મહેલમાં પધરામણીનો પહેલો પ્રસંગ હતો, પણ રાજા-રાણીબા સાથે બિરાજેલાં રાજમાતા-અનિકેતને જોઈને જીભ ઝલાઈ ગઈ હતી.

‘એક વ્યક્તિ હજી બાકી છે.’

રાજમાતાના શબ્દો સાથે મંત્રણાખંડનો દરવાજો ઊઘડ્યો ને તે વાવંટોળની જેમ ધસી આવી, ‘બદમાશ!’

તેણે આરવને કૉલરથી ઝાલીને એવો હચમચાવ્યો કે ખુરસી પરથી નીચે ફસડાઈ પડ્યો બિચારો.

દાસીના પહેરવેશમાં આવેલી છોકરીની હિંમત તો જુઓ! અત્યારે તે ઘૂંઘટમાં નહોતી તોય ઓળખ ન પડી : બાઈ છે કોણ?

‘આ માણસની પરણેતર...’

આરવ તરફ ચીંધાયેલી તેની આંગળીએ ન જાણનારા ડઘાયા, રંભાએ હોઠ કરડ્યો. રાજમાતા-અનિકેતની નજર બધાને તોલતી હતી.

‘પૂછો તેને. રાજના કારભારે તે અમદાવાદ આવતો ત્યારે મને મળતો કે નહીં? લગ્નનો વાયદો આપીને હોટેલની રૂમમાં મારી લાજ...’

રંભાના હોઠે ટશિયો ફૂટી નીકળ્યો.

‘હવે મારા પેટમાં ગર્ભ રહ્યો છે ત્યારે...’

‘અરે જા!’ રંભા ટેબલ ઠોકતી ઊભી થઈ. ‘આ શું અનાપસનાપ બોલે છે.’

સૌથી વધુ જયસિંહ ડઘાયો : રંભાને એકાએક શું થયું?

‘હજી તો હું પૂરું બોલી નથી મૅડમ! ઈfવરની સાક્ષીએ આ માણસે મારી સાથે ફેરા ફર્યા છે, આ મંગળસૂત્ર પહેરાવ્યું છે.’

‘જૂઠ!’ સચથી દાઝતી હોય એમ રંભા દોડી ગઈ, લમણે હાથ દઈને બેઠેલા આરવને ઊભો કર્યો‍, ‘તમે બોલતા કેમ નથી આરવ.’

‘હા... હા, બોલો આરવ...’ અજાણી યુવતી તોરમાં બોલી, ‘તમારી એ બહેનનું માન રાખીને બોલો...’

આરવની બહેન હશે તું... બોલી જવા પર ભારે કાબૂ રાખવો પડ્યો રંભાએ.

‘કજરી સાચું કહે છે.’ આરવે નિ:fવાસ નાખ્યો, ‘તે મા બનવાની હોય તો ગર્ભનો પિતા હું છું! ’

‘નો...’ રંભા ચિલ્લાઈ, ધડાધડ તમાચા ઠોક્યા, ‘તું મને ચીટ કેમ કરી શકે આરવ? મહેલની રાણી તારે મને બનાવવાની હતી મારા મહેબૂબ. તારે મને પરણવાનું છે. હવે તો ખજાનાનો નકશો પણ...’

પોતાના બફાટનું ભાન થતું હોય એમ રંભા અટકી, પરંતુ એનો અર્થ ન રહ્યો. બીજા સમક્ષ ખુલ્લા પડવાનો પાઠ ભજવાયો એ ભજવાયો.

‘શું કહ્યું તેં?’ જયસિંહ ઊભો થયો. તેની આંખોમાં લાલ દોરા ફૂટતા હતા. રંભા થોથવાઈ - હે...લ્પ!

‘તું આરવને ચાહતી હતી... તો મને...’ જયસિંહની મુઠ્ઠી ભિડાઈ. ‘જવાબ દે.’

‘તમને કેવળ છેતરવાના હતા... બે-ત્રણ વરસમાં ઊધઈની જેમ ફોલી ખાવાના હતા...’ સવર્સ્વ  ગુમાવી દેવાની પીડામાં રંભા કહેતી ગઈ.

આટલું છળ!

‘પણ છેવટે તો હું છેતરાઈ.’ રંભાએ અફસોસથી આરવને નિહાળ્યો. ‘મહેલમાં સેટ થતી વેળા હું ભૂલી ગઈ કે વેશ્યા પાસે જવાની ટેવવાળો તેના દિવસો કોરા કેમ કાઢતો હશે! પ્રતિષ્ઠિત કુટુંબના પુરુષે મને કદી પત્ની બનાવવી જ નહીં હોય, આ કજરી સાથે પણ તેણે નાટક જ કર્યું હશે.’

જયસિંહને એની સાથે મતલબ નહોતો. તેણે રંભા સાથે નજર મેળવી, ‘તું મને ચાહતી નહોતી?’

‘તારા કયા ગુણે તને ચાહું પ્રિન્સ?’ રંભાનો ધરબાઈ રહેલો જુવાળ ધસી આવ્યો, ‘કાનના પડદા ખોલીને સાંભળી લો. શરાબના સેવનથી તમે તમારું પુરુષાતન ગુમાવી રહ્યા છો, jાીને સંતોષવાની તમારામાં શક્તિ નથી રહી અને એમાં તો હજીયે સમાધાન થાય, પણ જે પોતાનાં માબાપનો ન થયો એ મારો કે બીજા કોઈનો શું થવાનો!’

જયસિંહને લાગ્યું કે આખો એક હિમાલય પોતાના પર તૂટી પડ્યો છે. સમગ્ર લાગણીતંત્ર એમાં કચડાઈ રહ્યું છે. જેને હું વટથી મહેલમાં લાવ્યો, જેને ખાતર મારાં માબાપને ન બોલવાનું બોલ્યો તેણે આજે આયનો દેખાડ્યો ત્યારે મારી જ સૂરતથી છળી જવાય એવું છે!

ચીખવું હતું, રડવું હતું અને...

‘રડી લે મારા લાલ!’ સુચિત્રાદેવીએ દીકરાની પીઠ પર હાથ પસવાર્યો‍ ને એવો જ ‘મા!’ કહેતો તેમને વળગીને હૈયાફાટ રડી પડ્યો જયસિંહ. એમાં દરેક બૂરું લક્ષણ ધોવાતું ગયું, દૃષ્ટિ ચોખ્ખી થતી ગઈ. આ એક ઠોકર પછી નવો જ જયસિંહ ઊઘડવાનો જે ક્યારેય ડગમગવાનો નહીં!

‘રાજમાતા, મારી ફરિયાદનો નિકાલ હજી રહે છે.’

જયસિંહ વગેરે સ્વસ્થ થતાં કજરીએ ઠસ્સાભેર કહ્યું, ‘મને પરણનારા આરવ, રંભાને તમે રાખો. મને માઇક્રોચિપ આપો છો કે પછી... ’

તેનો અધ્યાહાર ધ્રુજાવતો હોય એમ આરવે ડોકમાં પહેરેલું તાવીજ ઉતાર્યું. એના ફાડિયામાં રહેલી ચિપ કજરીને ધરી દીધી.

‘આ તમે શું કર્યું આરવ?’ રંભાએ તેને હચમચાવ્યો. નિ:fવાસ નાખીને આરવે ગજવામાંની કાપલી તેને ધરી. રંભાએ વાંચ્યું...

હું કજરી. તમારી મા અમારા કબજામાં છે આરવ. મંત્રણાખંડમાં જે થાય એમાં હામી ભરતા રહેજો, નહીંતર માને જીવતી જોવા નહીં પામો!

રંભાની આંખો ફાટી ગઈ. દિમાગમાં ખળભળાટ મચ્યો. ટ્રૅપ!

‘હવે તું સમજી રંભા. આ કોઈ

કજરી નથી, તર્જની છે. અનિકેતની જોડીદાર જાસૂસ.’

હેં!

€ € €

‘કપાતર!’ સાવિત્રીમા દીકરાને

મારી-ફિટકારી થાકી ગયાં.

‘મા, તું પણ મને ગુનેગાર માને છે? તારો જીવ જોખમમાં હોવાનું જાણીને મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી મા અને તું જ... હા, મેં ગુનો કર્યો.

આપણા બાપદાદાઓએ વરસોથી વફાદારીનું પ્રમાણ આપ્યું, પણ એથી દીવાનમાંથી કદી રાજા ન બની શક્યા. મારે બનવું હતું મા, આ રાજાને ભિખારી બનાવીને મારે રાજા બનવું હતું...’

ત્યાં સુધી પરણવું નહોતું. શરીરભૂખ માટે વેશ્યા પાસે જતાં એમાં રંભાનો સંગ થયો, સાચી મહોબત જાગી પછી તેની જ મદદથી જયસિંહને પ્યાદું બનાવીને ખંખેરતા રહેવાનો પ્લાન અમલમાં મુકાયો... બધું વેચી-સાટીને લંડન જવાની વાતે ધક્કો લાગ્યો, પણ મહારાણી હજી ઇન્ડિયામાં હતાં એટલે પાસા પલટવાની આશા હતી... ત્યાં રાજાજી પાસપોર્ટ ભૂલ્યા એમાંથી ખજાનાની પહોંચ મળી, પણ...

‘બૂરાનો અંત બૂરો જ હોય દીકરા. રાજાનો દીકરો સુધર્યો‍ એમ તું ક્યારેક સુધરીને આવીશ એવી આશામાં મારે જીવન વિતાવવાનું, બીજું શું...’

ત્યારે ગરદન ઝુકાવીને આરવે પોલીસ સાથે નીકળી જવું પડ્યું. ક્યાંય સુધી ઘરમાં માજીનો નિસાસો પડઘાયા કર્યો.

€ € €

‘આરવ, આ શું થઈ ગયું?’

પોલીસની જીપમાં જેલમાં જતી વખતે આરવની સામે બેઠેલી રંભાથી રડી પડાયું. શા માટે મેં કજરીની વાત માની? શા માટે...

‘કેમ કે દોલત-મહેલ-ખજાનાથી ક્યાંય ઉપર તારા માટે હું હતો રંભા.

તર્જની-કેતુએ એ કોમળ લાગણી પર ઘા કર્યો‍. સજા કાપીને નવી શરૂઆત માટે એ જ પૂરતું નહીં હોય?’

‘હા મારા મહેબૂબ, હા!’ રંભાની આંખો વરસી પડી.

€ € €

‘બહાદુર યા આરવમાંથી કોણ ગુનેગાર હશે એ ધારવું મુશ્કેલ હતું. નક્કી કર્યા પ્રમાણે તર્જનીના પ્લાન મુજબ હું અને રાજમાતા અહીં આવ્યાં. તેણે નેપથ્યમાં રહીને અમારી ટીમને આરવ-બહાદુરની તપાસમાં જોતરી. અમારા ફીડબૅક પછી તર્જનીએ તેમને ભડકાવવા નનામા ફોનની ગૂગલી નાખી...’ અનિકેત.

‘મને થયું કે જાહેરાતના વણનોતર્યા smsની જેમ રાઝની હમરાઝવાળો ફોન ૫ણ કોઈ મજાક છે કે શું?’ બહાદુર હવે રિલૅક્સ્ડ હતો. એ દહાડે રેઇનકોટવાળો આદમી આરવે રંભા દ્વારા પ્લેસ કરેલો એ બધું હવે બરાબર સમજાણું હતું. આરવે એટલી ચીવટ રાખી કે તે પોતે ક્યાંય એકલો ન પડે... માઇક્રોચિપમાંની ફાઇલ પ્રોટેક્ટેડ હતી એટલે આરવથી કૉપી-પેસ્ટ ન થઈ. પરિણામે ચોરીનો ખેલ રચવા સિવાય આરો ન રહ્યો એવી કબૂલાત આરવે ઝડપાયા પછી કરી છે. રામભરોસે ઢાબાના વૉશરૂમમાં આરવે કૉપી-પેસ્ટની ટ્રાય કરવામાં વખત લગાડ્યો. તેનો

ફોન-સંપર્ક રાજા-રાણી સાથે જ નહીં, રેઇનકોટવાળા આદમી સાથે ૫ણ હતો... કોઈ ફૉલો કરતું હોવાની ભીતિમાં નવર્સંનેસ હતી. ચિપ તો આરવે ઢાબાના વૉશરૂમની બહાર નીકળતી વખતે જ તાવીજમાં છુપાવી દીધેલી. પાસપોર્ટ રેઇનકોટધારીએ નદીમાં વહાવી દીધેલો.

‘એ ગૂગલીમાં આરવ રંભાના નામની ક્લુ દઈ બેઠો. આરવ-રંભાનું કનેક્શન જાણ્યા પછી બહાદુર-આરવમાં આરવ દોષી હોવાની સંભાવના સાફ હતી. જે રંભાનું કનેક્શન છાનું રાખે એ બીજું કંઈ પણ કરી શકે! અધરવાઇઝ માની જિંદગીના સાટામાં રંભા-આરવનો સંબંધ ખુલ્લો કરીને જયસિંહની આંખ ખોલવાનું આયોજન હતું. એમાં ચિપનો ભેદ પણ ખૂલી ગયો... ‘કજરી’ની ચિઠ્ઠી મળતાં તેના સંદેશની ખાતરી માટે આરવ ઘરે ફોન જોડે જ, પણ આરવના નીકળ્યા પછી તેના ઘરે પહોંચેલી ચૈતાલીએ લૅન્ડલાઇન ફોનનો પ્લગ કાપ્યો ને માજીને વાતમાં નાખીને સિફતથી તેમનો સેલફોન સ્વિચ્ડ-ઑફ કરતાં આરવથી ઘરે કૉન્ટૅક્ટ થયો નહીં એટલે બિચારો બહાવરો બનીને ધમકી સાચી માનવા પ્રેરાયો. માના જીવનું રિસ્ક કોણ લે? સદ્ભાગ્યે રંભા-આરવના જઝબાત સાચા નીકળતાં આપણો દાવ બેવડો ફળ્યો. જયસિંહની સામે રંભા-આરવની અસલિયત ઉજાગર થવા ભેગી ચિપ પણ સાંપડી...’ તર્જની.

‘સૌ સારું જેનું છેવટ સારું.’ રાજમાતાએ સંતોષ જતાવ્યો.

‘એક કામ હજી કરો રાજમાતા...’ જયસિંહે તેમને પાસપોર્ટ થમાવ્યો, ‘પપ્પાનો પાસપોર્ટ નદીમાં વહ્યો, મારી મમ્મીનો પાસપોર્ટ તમે જ રાખો જેથી ફરી ક્યારેય તેઓ મને છોડીને જઈ ન શકે. મને બહુ મોડે-મોડે તેમની મમતાનું મૂલ્ય સમજાયું છે રાજમાતા, હવે...’ જયસિંહનો ડૂમો ભરાયો.

‘રડવાના દિવસો ગયા કુંવર...’ રાજમાતાએ તેનો ખભો થપથમાવ્યો. ‘હવે તમારી સંસ્કારછબિ એવી ઊજળી કરો કે વીત્યા તમામ ડાઘ ભૂંસાઈ જાય... અને બહુ જલદી અમે તમારાં લગ્ન માણીએ!’

જયસિંહ સહેજ શરમાયો.

‘આનો યશ તમને રાજમાતા અને તમારી આ જાસૂસ જોડીને!’

‘હવે તેમનાં લગ્નની પણ આપણે ઉઘરાણી કરવાની જ છે.’

રાજમાતાના ટહુકાએ કેતુ પ્રણયભીનાં નેત્રે તર્જનીને તાકી રહ્યો. લજ્જાવશ તર્જનીએ નજર ઝુકાવી ને વાતાવરણમાં સુખભરી મધુરતા પ્રસરી ગઈ.

 (સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK