કથા-સપ્તાહ - જાસૂસ (રહસ્યરંગ - 4)

‘હાઇનેસની નાદાની તેમને ભારે પડી. માઇગ્રેશનવાળો પાસપોર્ટ વળી ઘરે ભુલાતો હશે ને પાછો પારકા જોડે મગાવાતો હશે!’અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |  4  |  5 


રાજમાતાની ઉદયસિંહ સાથેની વાત પત્યા પછી ડાઇનિંગ હૉલમાં એની જ ચર્ચા ચાલી. અર્જુનના મંતવ્ય સાથે રાજમાતા સંમત નહોતાં,

‘સામાન્ય સ્થિતિમાં ફૉરેન જનારો ઘરેથી પાસપોર્ટ લેવાનું ન જ ચૂકે, પણ હાઇનેસ કેવી અસામાન્ય સ્થિતિમાં હતા એ તો વિચારો. બધો પથારો સમેટી, દીકરાની જાણબહાર તેનાથી સાવ અજાણપણે દેશ છોડીને બીજે વસવામાં પણ કાળજું જોઈએ અર્જુન. પાસપોર્ટ ભૂલવો તેમની નાદાની નહોતી, અવસ્થાવશ થયું... અને આરવ-બહાદુર પારકા ખરા, પણ વિશ્વાસુ.’

અનિકેત-તર્જનીની નજરો મળી, છૂટી પડી. જાસૂસ તરીકેનો તેમનો અનુભવ કહેતો હતો કે જેના પર આંધળો વિશ્વાસ મૂકો એ જ પીઠમાં ઘા કરતો હોય, ક્યારેક!

‘જોવાની વાત એ છે કે બન્ને વ્યક્તિ એકસરખું બયાન આપે

છે - આરવ અને બહાદુરની જુબાની શબ્દેશબ્દ સરખી છે...’ કેતુએ મળેલી માહિતીનું પૃથક્કરણ કર્યું, ‘ડિનર પછી વીસેક મિનિટના અંતરે સૂમસામ સડક પર બ્લૅક રેઇનકોટ પહેરેલી વ્યક્તિ વચ્ચોવચ આવીને લિફ્ટ માટે વાહન રોકે છે.’

કેતુના શબ્દો સાથે દૃશ્ય જાણે જીવંત થતું હતું.

‘વરસાદ થંભી ગયો છે, પણ પવનનું જોશ વધ્યું છે. એન્જિન ચાલુ રાખીને વિન્ડોનો ગ્લાસ સરકાવતાં ડ્રાઇવર બહાદુરને એ વ્યક્તિ દયામણા સ્વરે કહે છે કે મારી મધર નજીકના ગામમાં એકલી રહે છે, તે પડી જતાં તત્કાલ હૉસ્પિટલ લઈ જવાની છે, મને ગામ સુધી પહોંચાડો, દસ જ મિનિટમાં પહોંચી જવાશે.’

હાઇવે પર આવા જ કોઈક બહાને લિફ્ટ લઈને લૂંટી લેતા હોવાના કિસ્સા બનતા રહે છે. અજાણી વ્યક્તિને લિફ્ટ આપતાં પહેલાં સો વાર વિચારવું.

‘બહાદુર-આરવ હા-ના કરે એ પહેલાં તો બીજી બાજુથી આવીને એ પુરુષ આગલી સીટનો દરવાજો ખોલીને બેસી ગયો - થૅન્ક્સ! અને તેનો આભાર પચે એ પહેલાં તો રેઇનકોટના ગજવામાંથી સ્પþે કાઢીના ઝૂઉઉમ કરતું બહાદુર અને આરવના ચહેરા પર ફેરવતો જાય છે કે બેઉ બેહોશ! અડધા કલાકે બેઉને સાથે જ હોશ આવ્યું. પાછળથી પસાર થતાં વાહનો ગાળ દઈને આગળ વધતાં હતાં અને આરવે ચકાસ્યું તો બ્લેઝરના અન્ડર-પૉકેટમાંથી પાસપોર્ટનું પાઉચ ગાયબ હતું!’

‘આરવનું કીમતી ઘડિયાળ, વૉલેટ, ક્રેડિટ કાર્ડ બધું એમનું એમ રહે છે; રેઇનકોટધારી કેવળ પાસપોર્ટ ચોરી જાય છે.’ તર્જની બોલી, ‘મતલબ આ ખેલ કેવળ ખજાનાના નકશાવાળી ચિપ ચોરવાનો હતો.’

‘પાસપોર્ટમાં ચિપ હોવાની જાણ કેવળ રાજા-રાણી અને આરવને

હતી - મહારાણીએ આરવને જાણ કરી એ સમયે બહાદુર આવી પહોંચ્યો હોય તોય એવું તે જતાવતો નથી. અત્યારે પણ તે તો એમ જ કહે છે કે પોતે ચિપ બાબત કશું જાણતો નહોતો...’ અનિકેત.

‘હાઇનેસ કહે છે એમ આરવ-બહાદુર સરખા ડઘાયા છે. મુંબઈ પહોંચીને આરવ તો તેમના પગ પકડીને ધ્રુસકાભેર રડી પડ્યો. બહાદુર પણ એટલો જ નર્વસ હતો.’

‘એ લોકો વીરનગર જવા નીકળી ચૂક્યા છે.’ રાજમાતા.

‘આપણે પણ નીકળીએ રાજમાતા.’ કેતુએ તેમના કહેવાની પણ રાહ ન જોઈ. હિંમતગઢના હિતેચ્છુને વિના નિમંત્રણે મદદે પહોંચી જવાનું હોય.

‘મારી પાસે એક પ્લાન છે.’ તર્જની બોલી. બીજા અહોભાવથી તેને તાકી રહ્યા.

€ € €

સોમની સવારે હિંમતગઢનું રાજચિહ્ન ધરાવતી રોલ્સ રૉયસ વીરનગરના પૅલેસ-પરિસરમાં દમામભેર પ્રવેશી.

એમાંથી ઊતરતાં સન્નારીના તેજે શીશમહેલના ઝરૂખે ઊભેલી રંભા ભીતર જઈને જયસિંહને દોરી લાવી : જુઓ તો, આ કયા મહેમાન આવ્યાં?

‘રાજમાતા મીનળદેવી!’ જયસિંહનો અડધો નશો ઊતરી ગયો : બાપરે, મને ફ્રેશ થઈને પૅલેસ પર જવા દે. તેમને માન આપવામાં ચૂકે તે રાજપૂત નહીં!

તેના શબ્દો પર રંભાનું ધ્યાન નહોતું.

તો આ છે રાજમાતા મીનળદેવી! અને તેમની સાથે આવેલો જુવાન - આહ. રંભાની છાતી ધડકી ગઈ. કોઈ પુરુષ આવો સોહામણો હોઈ શકે! પછી કપાળે કરચલી ઊપસી. જયસિંહના નીકળ્યા પછી sms કર્યો : રાજામાતા એક જુવાન સાથે પધાર્યાં છે...

મેસેજ સેન્ડ કર્યા પછી પણ તે વિચારતી રહી : રાજમાતાનું આગમન અણધાર્યો વળાંક તો

નહીં સર્જેને!

€ € €

બંધબારણે રાજમાતા સાથે આવેલા અનિકેતે ઉદયસિંહ-સુચિત્રાદેવી સાથે ર્દીઘ ચર્ચાવિચારણા કરી લીધી.

‘રેઇનકોટધારી વ્યક્તિનો ચહેરો હૅટથી ઢંકાયો હોવાથી તેનું ચિત્રણ આરવ-બહાદુર બેઉ આપી નથી શકતા. તમે જોજો, પ્લાન કરનારે એટલી ચીવટ રાખી છે કે પોતે ક્યાંય એકલો ન પડે.’

‘પણ તે હોય કોણ?’

‘અત્યારે આપણી પાસે બે સસ્પેક્ટ છે : આરવ અને બહાદુર. આરવ માઇક્રોચિપ વિશે જાણતો હતો, બહાદુરે જાણ્યું હોવાની સંભાવના છે. આરવ સ્માર્ટ, એજ્યુકેટેડ છે તો બહાદુર પણ અભણ, ગમાર નથી એટલું તો તમારી વાત, તેમના તમારા તરફથી મળેલા બયાન પરથી સમજાય છે. ચોરે એવો ખેલ રચ્યો કે જેમાં તે એકલો ન પડી જાય અથવા તો પછી આરવ-બહાદુર એક થઈ ગયા હોય યા આખો પ્લાન જ સહિયારો હોય..’ અનિકેતે ઉમેર્યું, ‘યા બેઉ નિર્દોષ ૫ણ હોય. મહેલની દીવાલોને કાન હોય તો કોઈક ત્રીજી વ્યક્તિએ પોતાનો પેઇડ માણસ પાસપોર્ટ ચોરવા મોકલ્યો હોવાનું પણ સંભવ ખરું... જોકે એ શક્યતા મને નહીંવત્ લાગે છે. મહેલમાં રહેલી વ્યક્તિ પોતાના કૉન્ટૅક્ટને ચોક્કસ ટાઇમે, ચોક્કસ જગ્યાએ કાર ટ્રેસ કરાવી શકે એ બહુ લૉજિકલ નથી, સિવાય કે એ કારમાંની વ્યક્તિ સાથે ભળેલી હોય. અહં, આરવ અને બહાદુર બન્ને અથવા કોઈ એક તો દોષી જ.’

કેતુની ગણતરી તર્કબદ્ધ હતી.

‘બહાદુર પર મને કેટલો વિશ્વાસ અને આરવ - તેને જોઈને મને થતું કે કાશ, મારો જય આવો હોત! મીનળ, અમારા નસીબમાં છળ જ કેમ?’

રાજમાતાએ પીઠ પસવારીને રાણીબાનો હૈયાભાર હળવો થવા દીધો.

‘ખજાનાના નકશાની મેં બીજી કોઈ કૉપી રાખી નથી. હવામહેલની કોઈક જગ્યાએથી સુરંગ નીકળે છે એની ભુલભુલામણી નકશા વિના પાર કરવી તો મારા માટેય શક્ય નથી.’

‘ઓહ.’ કેતુએ મુશ્કેલી બેવડાતી અનુભવી. રાજાજીને ખજાનાનો માર્ગ માલૂમ હોત તો એની ચોકી દ્વારા ત્યાં ગમે ત્યારે આવનાર ગુનેગારને ઝડપી શકાત.

‘બીજી મૂર્ખામી એ થઈ કેતુ કે મુંબઈ આવેલા બહાદુર-આરવ સમક્ષ કપાળ ઠોકીને મારાથી બોલી જવાયું કે નકશા વિના તો ખજાના સુધી મારેય પહોંચવું કેમ?’

મતલબ માઇક્રોચિપ ચોરનારાને ખજાનો ઉસરડવાની ઉતાવળ પણ નહીં હોય. ટાઢા કલેજે બેસી રહેશે. આખરે ખજાનો તેના કબજામાંથી ક્યાં જવાનો?

‘ચિંતા ન કરો રાજાસાહેબ.’ રાજમાતાએ આશ્વાસન પાઠવ્યું, ‘ક૫રી ઘડીમાં અમે તમારી સાથે છીએ. કેતુ-તર્જની હોય ત્યાં અપરાધી ફાવતો નથી.’

હવે તો જાસૂસ જોડીની જ આશા છે! ઉદયસિંહે હળવો નિ:શ્વાસ નાખ્યો. વિદેશ વસવાની યોજના પાસપોર્ટ વિના પાર નહીં પડે, પૂર્વજોના ખજાનાની કડી ચોરાયાનું જાણીને પહેલી યાદ રાજમાતાની આવી હતી. સાચાં હિતેચ્છુની જેમ તેઓ આવી ઊભાં છે ત્યારે તેમની જાસૂસ જોડી કામિયાબ રહે એ જ પ્રાર્થના કરીએ!

એ સાથે જ દરવાજે ટકોરો પડ્યો ને જયસિંહે દેખા દીધી, ‘પ્રણામ રાજમાતા.’

દીકરાએ રાજમાતાનું માન રાખ્યું એ ગમ્યું. મીનળદેવી પણ થોડાં સરપ્રાઇઝ થયાં, ‘નમસ્કાર કુંવર.’

બેઠક લેતાં જયસિંહને વાતાવરણ ગંભીર લાગ્યું, ‘સમથિંગ રૉન્ગ. આઇ મીન, મેં કોઈ ઉત્પાત કર્યો નથી.’

સામે કોઈ હસી ન શક્યું. હા, રાજમાતા બોલી પડ્યાં, ‘તમે ઉત્પાત ન કરીને તમારાં માવતર પર મહેરબાની કરી જયસિંહ, પણ એથી તેમની તકલીફ દૂર કરવા જેટલા સક્ષમ ઓછા બન્યા?’

‘તકલીફ!’

‘તેમની બીજી તકલીફ ચર્ચવાનો અવકાશ નથી, પણ પરિવારના સભ્ય તરીકે તમે એટલું જાણી લો કે...’ રાજમાતા પાસપોર્ટની ચોરી વિશે કહેતાં ગયાં. તારાં માબાપ દેશ છોડવાનાં છે એમ કહેવું મીનળદેવીએ આ તબક્કે ટાળ્યું.

‘શરમ કરો!’ જયસિંહ પિતા પર તાડૂકી ઊઠ્યો, ‘ખજાનાનો નકશો જ તમે ગુમાવી બેઠા. આરવ તો મારી આગળ શાણો બનતો, મને સુધરવાની સલાહ આપતો - ને બહાદુર માનો વિશ્વાસુ; પણ મને કહેવા દો કે તમને માણસ પારખતાં ન આવડ્યું!’

તેનાં વેણ મહારાજ અને રાણીબાએ તો સાંખી લીધાં, પણ મીનળદેવી તાડૂકી ઊઠ્યાં, ‘બસ કુંવર, પંડનો દીકરો જ્યારે શરાબ-શબાબમાં ડૂબ્યો રહેતો હોયને ત્યારે પારકી આશે માબાપ આમ જ નિરાશ થતાં હોય છે. તમને તો એ આશાને મૂલવવાનો હક નથી.’

રાજમાતાના રૌદ્રરૂપે જયસિંહ કૂણો પડ્યો.

‘એક રિક્વેસ્ટ છે પ્રિન્સ.’ કેતુ બોલ્યો, ‘માઇક્રોચિપની ચોરીની

જાણ બહાર કોઈને - રંભાને પણ ન કરશો.’

‘એમ!’ જયસિંહે ધ્યાનથી તેને નિહાળ્યો, ‘આમ કહેનારો તું છે કોણ?’

‘મારા અર્જુનનો મિત્ર છે,’ રાજમાતા બોલ્યાં, ‘જાસૂસ છે.’

જા...સૂ...સ. જયસિંહની કમર ઢીલી પડી ગઈ, છતાં રુઆબ ટાળવાનું ન ચૂક્યો : ઠીક છે, પણ મારી રંભાને ફિક્સ કરવાની કોશિસ કરી છે તો જોઈ લેજો, મારાથી ભૂંડું કોઈ નહીં હોય!

રાજમાતાને નમન કરીને જયસિંહ નીકળ્યો એટલે કેતુએ કહ્યું, ‘મહારાજ, હવે આરવ-બહાદુરને તેડાવો.’

€ € €

પૅલેસથી પરત થતો જયસિંહ થોડો મૂડલેસ લાગ્યો. છતાં રંભાએ તો જાણવું જ હતું એટલે પૂછ્યું : રાજમાતા સાથે આવેલો જુવાન કોણ છે?

ઊખડેલા મૂડમાં રંભા એકની એક પૃચ્છા લઈને મંડી પડી એટલે જયસિંહનો પિત્તો ગયો : કેમ તારે રાખડી બાંધવી છે?

આ હવે સીધું નહીં ફાટે!

રંભા છટપટી. મહેબૂબને મારે મેસેજ શું કરવો?

€ € €

આરવ અને બહાદુર.

- બે કલાક પછી, બેઉને મળ્યા પછી કેતુએ મનોમન ગણતરી માંડી : પહેલાં આરવની મુલાકાત થઈ. ખંડમાં અમે બે જ હતા. મારી જાસૂસ તરીકેની ઓળખે તે થોડો ચોંક્યો અને નર્વસ થયો એ રીઍક્શન સ્વાભાવિક છે. બહાદુરને પસીનો ફૂટી નીકળેલો : પોલીસના નામે નિર્દોષ પણ ફફડી ઊઠે એવું.

અપાર્ટ ફ્રૉમ ધૅટ, બેઉનાં બયાન પણ લગભગ સરખાં હતાં.

વારી-વારીને, ફેરવી-ફેરવીને પૂછવા છતાં ભાગ્યે જ કોઈ તફાવત જાણવા મળ્યો...

આરવ ખડતલ, આકર્ષક છે તો બહાદુર પણ કદાવર છે. બેઉને એકમેક પર શક છે એવુંય નથી. તેમનું ફોકસ તો ધૅટ રેઇનકોટવાળી વ્યક્તિ પર જ અટકે છે - એ જ ચોર. તેણે ક્યાં-કેમ જાણ્યું એની અમને શી ખબર!

ઇટ્સ હાર્ડ ટુ ડિરાઇવ ઍની ક્લુ અને આવા કેસિસમાં તર્જની કહે છે એમ ગુનેગારને ગૂંચવી કાઢો... સો ઓવર ટુ તર્જની.

€ € €

ગઈ કાલે રાજમાતા સાથે આવેલો જાસૂસ કંઈ તારવી શક્યો? આજે સવારથી તે નોકરોની પણ પૂછપરછ કરે છે, રંભાને પણ મળશે એવું કોઈને તે કહેતો હતો...

તેણે હોઠ કરડ્યો : જાસૂસ અમારા સુધી પહોંચી શકે એવી કઈ ક્લુ છે?

એ જ વખતે ફોન રણક્યો. સામો નંબર અજાણ્યો હતો.

‘હાય સેક્સી...’ સામેથી માદક સ્વરે સંભળાયું, ‘બહુ સિફતથી તેં માઇક્રોચિપ સરકાવી; પણ તારા રાઝની હું હમરાઝ છું, ખજાનામાં અડધો ભાગ મને જોઈએ.’

તેનો શબ્દેશબ્દ કાળજું ચીરતો હતો.

‘કોણ છે તુ?’

જવાબમાં માદક હાસ્ય. તેની આંખ ઝીણી થઈ, ‘રંભા?’

સામે ચુપકી.

‘રંભા, આ શું મજાક છે.

તું - હલો-હલો.’ તે ચિલ્લાતો રહ્યો, પણ સામેથી ફોન કટ થઈ ચૂકેલો.

સામા છેડે તર્જની સહેજ હાંફી ગઈ. આ વળી નવો ફણગો ફૂટ્યો!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK