કથા-સપ્તાહ - જાસૂસ (રહસ્યરંગ - ૧)

‘અનિકેત.’


katha

અન્ય ભાગ વાંચો
1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

‘યસ તર્જની...’ લૅપટૉપમાંથી નજર ઊંચકીને કેતુએ અદબ ભીડી, ‘શું હુકમ છે?’

કેવો આજ્ઞાંકિત બને છે! બાકી કેતુનાં તોફાનો કોઈ મને પૂછે... તર્જની રતુંબડી થઈ.

મુંબઈનો સૌથી બાહોશ, જુવાન પ્રાઇવેટ ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી તે બન્ને ભલે જાહેરમાં એની અજાણવટ રાખીને બેઠાં હોય!

આડોશ-પાડોશમાં રહીને ઉછરનારાં કેતુ-તર્જની બચપણથી એકબીજાનાં હેવાયાં. કોઈથી નહીં માનતો કેતુ તર્જની આગળ કહ્યાગરો બની જાય, કોઈને નહીં ગાંઠતી તર્જની કેતુની ભલભલી જોહુકમી સાંખી લે. શેરીરમતમાં કેતુ કૅપ્ટન બને ને તર્જની તેની જ ટીમમાં હોય એ વણલખ્યો નિયમ થઈ ગયેલો. કેતુ ક્રિકેટના મેદાનમાં ઊતરવાનો હોય ત્યારે તર્જની વહેલી જઈને પહેલી પંગતમાં બેસી જાય. પછી કેતુને જે પાનો ચડે એ હરીફ ટીમના હાલ બેહાલ કરી મૂકે.

ઉંમરના ટોડલે યૌવન બેઠું એની પ્રથમ પળનો સાક્ષાત્કાર બેમાંથી કોઈ વીસર્યું નહીં હોય... નાનપણની આદતવશ તર્જનીની ચોટી ખેંચી અનિકેત ટેરેસ પર ભાગેલો. અગાસીની પાળે હાથ ટેકવીને કેતુ આછું હાંફી રહ્યો. તર્જનીની પાયલના રણકારે તે ઊલટો ફર્યો. તર્જની ચાર ડગલાં દૂર થંભી ગઈ. આભમાં સંધ્યાનો કેસરિયો રંગ પથરાઈ ચૂક્યો હતો. કેતુની ચોંટેલી નજરે તર્જનીને પૂતળા જેવી કરી મૂકી. ત્યાં કેતુ આગળ વધ્યો. તર્જનીની હાંફતી છાતીના ધબકારા તીવþ બન્યા. નજીક આવીને કેતુએ સરકી ગયેલો દુપટ્ટો યથાસ્થાને ગોઠવ્યો અને પછી પાછળ હટી અદબ ભીડીને આછું મલકી રહ્યો. આંખોથી કહેવાય એટલું કહીને તર્જની લજ્જાવશ નજર વાળીને દોડી ગઈ હતી...

મૈત્રીને પ્રણયનું નામ તેમણે આપ્યું હોય તોય ત્રીજા કોઈને કહ્યું નથી. જોકે વડીલોથી છૂપું ઓછું હોય! એ વિના લંડનમાં જાસૂસીની ટ્રેઇનિંગ લઈને પરત થયેલા કેતુએ ઓમ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીનો પાયો નાખ્યો એમાં તર્જનીને મદદનીશનું સ્થાન મળ્યું હોય? 

એજન્સી ખોલ્યાનાં આ બે વરસમાં કેતુ-તર્જનીનું નામ એવું જામ્યું છે કે ઇન્ટરપોલ સુધ્ધાંએ તેમની મદદ માગ્યાના કિસ્સા બન્યા છે. ઝીરો ફેલ્યરની જાસૂસ બેલડીની સિદ્ધિને ભારત રત્ન લતાજી જાહેરમાં બિરદાવી ચૂક્યાં છે. પોતાની સફળતાની સઘળી ક્રેડિટ કેતુ-તર્જની તેમના નવલોહિયા સ્ટાફને આપે. પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો છે તો તર્જની સાક્ષાત સૌંદર્યમૂર્તિ.

‘લાગે છે કે આજે હું એક્સ્ટ્રા હૅન્ડસમ દેખાઉં છું.’

કેતુના વાક્યે તર્જની ઝબકી. આવું કંઈક કહીને કેતુ તોફાની બની જતો ત્યારે સંયમ રાખવો કઠિન થઈ પડતો. એમ તો ક્યારેક તર્જની પણ કેતુને હંફાવી દેતી ખરી!

અત્યારે પણ કેતુ હરકતમાં આવે એ પહેલાં તર્જનીએ મૂળ ટ્રૅક પકડી લીધો, ‘કેતુ, રાજમાતાનો ફોન હતો.’

હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે અનિકેત ઝળહળી ઊઠ્યો. જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રૂપનગરનાં ઠકરાણાની ભલામણથી રાજમાતાએ કેતુ-તર્જનીને તપાસનું કામ સોંપ્યું ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. કેતુ-તર્જની રાજમાતાને નિજ સંતાન જેવાં વહાલાં છે તો જાસૂસજોડી માટે મીનળદેવી ઘરનાં વડીલતુલ્ય છે.

મીનળદેવી હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે. નાની વયે વૈધવ્ય, બે કુંવરોના ઉછેર ઉપરાંત સ્ટેટની જવાબદારી... રાજમાતા દરેક મોરચે યશસ્વી રહ્યાં. પ્રજાહિત સદૈવ તેમના હૈયે રહ્યું. સિદ્ધાંતપ્રિય માતાનો સંસ્કારવારસો બન્ને પુત્રો સમીરસિંહ અને અજુર્ન સિંહે સુપેરે જાળવ્યો. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. જાગીરનો વહીવટ, રાજપરિવારનાં સામાજિક સૂત્રો દીકરા-વહુઓને સોંપીને રાજમાતા

પૌત્ર-પૌત્રીને રમાડવાનો આનંદ માણે છે. લોકકલ્યાણનાં કાર્યોમાં વધુ વ્યસ્ત રહેતાં મીનળદેવી આજેય એવાં જ મૂર્તિમંત લાગે છે. કેતુ-તર્જનીને હિંમતગઢ આવવાનું તેમનું કાયમી આમંત્રણ હોય છે. ખરેખર તો રાજમહેલમાં હરકોઈ તેમનું હેવાયું છે.

‘રાજમાતા કહેતાં હતાં કે હિંમતગઢમાં ચોમાસું જામ્યું છે, વરસાદની મજા લેવા આવી જાઓ.’

અત્યંત રમણીય હિંમતગઢ વર્ષાઋતુમાં ઓર નીખરી ઊઠે છે. લીલીછમ ચાદર ઓઢતી ગાઢ વનરાજિ, પર્વત પરથી વહેતાં ઝરણાં, બે કાંઠે વહેતી બારમાસી નદી, છલકાઈ ઊઠતું સુખસાગર સરોવર... પર્યાવરણપ્રેમીઓને તો જાણે જલસો થઈ જાય એવો માહોલ હોય છે. એમાંય ઊંચી ટેકરી પર આવેલા હવામહેલના ઝરૂખે બેસીને ભીના વાતાવરણમાં કૉફીની લિજ્જત માણવાની મજા જ કંઈ ઓર છે...

‘મન લલચાઈ ગયું તર્જની, પ્રોગ્રામ ગોઠવી કાઢ.’

રજાનો અવકાશ ચકાસીને તર્જનીએ હિંમતગઢનો જવાનો પ્રોગ્રામ તો ઘડ્યો, પણ ત્યાં શું થવાનું છે એની ક્યાં ખબર હતી?

€ € €

‘રાજમાતા, વીરનગરથી મહારાજ ઉદયસિંહજીનો ફોન છે.’

તર્જનીને નિમંત્રણ પાઠવીને રાજમાતા રોજિંદી ઘટમાળમાં પરોવાયાં ત્યાં દાસી કૉર્ડલેસ લઈને આવી.

‘ઓહ, નમસ્કાર ઉદયસિંહજી!’ રાજમાતાએ ફોન લેતાં દાસી અદબભેર બહાર નીકળી. રાજમાતા ખુરસીને અઢેલ્યાં, ‘ઘણા વખતે આપનો અવાજ સાંભળીને સાચે જ આનંદ થયો.’

વીરનગરના રાજપરિવાર સાથે હિંમતગઢનો મૈત્રીપૂર્ણ સંબંધ રહ્યો છે. ઉદયસિંહ હિંમતગઢનરેશ સદ્ગત અમરસિંહ (મીનળદેવીના પતિ)ના આત્મીય સ્વજન જેવા. સારા-માઠા પ્રસંગે એકબીજાને ત્યાં તેમની હાજરી હોય જ. હવે જોકે પહેલાં જેવું મળાતું નથી. છતાં વારતહેવારે ખબરઅંતરના ટેલિફોનિક વહેવારે જૂના દિવસોની સ્મૃતિ તાજી થયાનો આનંદ અનુભવાય ખરો.

વીરનગરની રિયાસત હિંમતગઢ જેવી તો નહીં, છતાં ખમતીધર. ઉદયસિંહ આમ પાછા ર્દીઘદ્રષ્ટા એટલે જાગીર-મિલકતમાં બેના ચાર કરી શકેલા. તેઓ હસતા પણ : રૂપિયાના રોકાણની બાબતમાં હું રાજપૂત ઓછો, વાણિયા જેવો વધુ છું!

બાકી મિજાજના તે પૂરા રાજપૂતી. મહારાણી સુચિત્રાદેવી સાથે તેમનું દામ્પત્યજીવન સુરેખ, મધુરું રહ્યું. બસ, એકના એક કુંવર જયસિંહના ઉછેરમાં તેઓ થોડા લાપરવા રહ્યા એમાં મામલો બીચકતો ગયો. અમર તો તેમને કહેતા પણ : છોકરાને લાડ લડાવો, પણ તે છકી જાય એટલાં નહીં... તમારે જય પર લગામ તાણવાની જરૂર છે...

ત્યારે જય હશે માંડ ત્રણ વરસનો. સમીરથી નાનો, અજુર્નથી મોટો. તોય તેનાં લક્ષણ અમરને પરખાઈ ગયેલાં અથવા એમ કહેવું જોઈએ કે ઉદયસિંહ-સુચિત્રાના ઉછેરની કચાશ વર્તાઈ ગયેલી.

પોતાનું ધાર્યું ન થતાં ત્રણ વરસનો કુંવર ધડાધડ જે હાથમાં આવ્યું એ ફેંકે, નોકરોને બચકાં ભરે, માનેય ગમે એમ બોલી જાય. તોય રાજા-રાણીના પેટનું પાણી ન હાલે એ નજરે જોયા પછી અમરે શબ્દો ચોર્યા વિના ઉદયસિંહ-સુચિત્રાને કહેલું, પરંતુ મહારાજે હસી નાખેલું : જય હજી બચ્ચું છે અને રાજાનો દીકરો ધાર્યું ન કરાવે તો શું ખવાસણનો દીકરો કરશે!

પછી જોકે પંદર વર્ષની નાદાન વયે જય રેવ પાર્ટીની રેઇડમાં ઝડપાયો ત્યારે મહારાજશ્રી તથા સુચિત્રાદેવી રાજમાતા સમક્ષ અશ્રુ સારી ગયેલાં : મારો દીકરો માના પાલવ ને પિતાની પહોંચમાંથી સરકી રહ્યો છે!

‘સોનાને શુદ્ધ કરવું હોય તો અગ્નિમાં તપાવવું પડે. રેવ પાર્ટીમાં ઝડપાયેલા કુંવરને તમારે એની સજા ભોગવવા દેવી હતી. એને બદલે વગ વાપરીને છોડાવી લીધો, છાપાંવાળાને પૈસા ખવડાવીને મામલો દબાવી દીધો એથી તેને એવી જ શીખ મળવાની કે મને દરેક ગુનો આચરવાની છૂટ છે, મારા વગદાર પેરન્ટ્સ મને કંઈ નહીં થવા દે... મોટા ઘરના છોકરાઓ આ જ એક કારણથી વધુ બગડતા હોય છે.’

મીનળદેવીની આગાહી સચોટ નીવડેલી. કૉલેજ ભણવા વિદેશ ગયેલા જયને ફસાવીને અંગ્રેજ છોકરીએ બ્લૅકમેઇલિંગ આદર્યું. પ્રિન્સના આપત્તિજનક વિડિયોનો સોદો બહુ મોંઘો પડ્યો હતો

મહારાજ ઉદયસિંહજીને.

એ વખતે પહેલી વાર તેમનો હાથ ઊઠ્યો તો જયસિંહે ગાલ પંપાળતાં કહી દીધું : આ એક તમાચો ખમી લીધો, ફરી એવી ઝુર્રત કરી છે તો સામી બે ઠોકીશ!

જયસિંહના ગુસ્સાએ રાજપૂતી મિજાજના ઉદયસિંહને ખળભળાવી મૂકેલા. દીવાલે લટકતું હન્ટર ખેંચીને ધડાધડ ફટકારવું હતું જયને, પણ પછી તેની આંખોમાં ભભૂકતા અંગારા જોઈને સહેમી ઊઠ્યા હતા ઉદયસિંહ.

‘મને પહેલી વાર મારા દીકરાની બીક લાગી રાજમાતા... કાશ, અમરનું કહ્યું ત્યારે માન્યું હોત!’ સ્વયં મહારાજે કિસ્સો ટાંકતાં કહેલું.

પછીનાં આ વરસોમાં કુંવર સુધયોર્ હોવાના જોકે કોઈ ખબર નથી. એવું પણ સંભળાયું છે કે ગયા વરસે વીરનગરના મુખ્ય પૅલેસથી નજીક એવા શીશમહેલમાં રાજકુમારે માનીતી રૂપજીવિનીને ઉતારો આપ્યો છે અને પોતે પણ ત્યાં પડ્યોપાથર્યો રહે છે...

‘દીકરો દેવનો દીધેલ હોય રાજમાતા, પણ તેને દેવ જેવો બનાવવા તો માબાપે જ મથવાનું હોય. અમે એમાં ચૂક્યાં.’

આઠેક માસ અગાઉ એકાદ સોશ્યલ ફંક્શનમાં ભેળાં થઈ ગયેલાં સુચિત્રાદેવીની આંખોમાં પાણી છલકાઈ આવેલાં, ‘મહારાજ કહેવા જાય તો સામો થાય છે, જાણે હમણાં તલવારો ખેંચી કાઢશે. હું લાડથી વીનવું તો ધુતકારી કાઢે.’ કહી ઊનો નિ:શ્વાસ નાખેલો : એમાં પેલી નાચનારી રંભાને શીશમહેલમાં રાખી છે, એ તો હજીયે ચલાવી લઉં; પણ હવે કુંવરનાં પગલાં પણ એ જ મહેલમાં થાય છે,

૨૬-૨૭ના થયેલા પ્રિન્સને કેમ વારવો?’

જયની આંખે અંધાપો રંભાએ ૫રોવેલો હોય તો એ ઠોકર વિના નહીં ખૂલે... જુગાર-દારૂ - બધાં લક્ષણે પૂરો જય બૂરી સોબત, દેવામાં ડૂબી હાઇનેસે મહેનત-બુદ્ધિથી જમાવેલી પ્રૉપર્ટી લૂંટાવી રહ્યો છે. ગયા મહિને ઉદયસિંહના લાડલાએ ગુલાબબાગ વેચી કાઢ્યાની વાત છે.

આ બધું ઉદયસિંહજીને કેટલું અકળાવતું-ઉશ્કેરતું, સુચિત્રાદેવીને કેટલું પજવતું હશે. રાજપૂતાનામાં આવી વાતો છૂપી રહેતી નથી. પહેલાં ચાલી જતું, હવેની કુંવરીઓ ચારિhયની એબવાળો પતિ પસંદ નથી કરતી. એમાં કુંવર તો નાચનારીને મહેલમાં આશરો દેનાર!

‘કુંવરનાં લગ્નની તો અમેય ટ્રાય નથી કરતાં... ક્યારેક થાય કે કોઈક વાર સંતાનને કેવળ તેના નસીબ પર છોડી દેવું જોઈએ...’

આવું કહેનારા ઉદયસિંહજીએ આજે સવાર-સવારમાં મને યાદ કરી!

રાજમાતાએ એનો આનંદ જતાવતાં સામેથી ધીરગંભર સ્વરે સંભળાયું, ‘આનંદની તલાશ માટે જ અમે જઈ રહ્યાં છીએ.’ કહીને ઉદયસિંહે પૂછ્યું, ‘રાજમાતા, તમારી આસપાસ કોઈ નથીને?’

‘ના...’ રાજમાતા ટટ્ટાર થયાં.

‘તો સાંભળો. હું અને સુચિત્રા હંમેશ માટે દેશ છોડી જઈ રહ્યાં છીએ.’

હેં!

‘થાકી ગયાં છીએ અમે દીકરાનાં કુલક્ષણોને ઢાંકતાં, વારતાં... ગયા મહિને અમારા લાડલાએ ગુલાબબાગ વેચી કાઢ્યો. જયસિંહ અમારા કહ્યામાં નથી. દેવું કરે છે અને નિતનવા ઉધામા કરીને અમને શરમમાં મૂકે છે. હવે એ બધાથી અલિપ્ત થઈને અમે લંડન જઈને વસીએ છીએ. ઘડપણમાં અમનેય શાંતિ જોઈએને. દેખવુંય નહીં ને દાઝવુંય નહીં. થોડુંઘણું પ્રિન્સના નામે મૂકી બધું વેચી-સાટી અમે લંડન જઈ રહ્યાં છીએ.’

રાજમાતાના કપાળે કરચલી ઊપસી. રાજકુટુંબની પ્રૉપર્ટી વેચાય એ આમ તો રાજપૂતાનામાં છાનું રહે નહીં. લાગે છે કે ઉદયસિંહજીએ અહીં જરૂર વાણિયાગીરીથી કામ લીધું છે. વીરનગરના રાજવી પાસે હીરામાણેકનો ખજાનો હોવાની કિંવદંતી છે. હાઇનેસે એનોય સોદો કરી નાખ્યો હશે? આવું પૂછવામાં અવિવેક લાગ્યો.

‘પહેલાં હું નીકળીશ, પછી સુચિત્રા આવશે. એક તમને કહ્યું, બીજા અમારા દીવાનને હવે કહીશ...’

ત્યારે તો બત્રીસેક વરસના દીવાન આરવનાથ તેમના વડીલો જેવા જ રાજને વફાદાર હોવા જોઈએ.

‘તમારા બે સિવાય ત્રીજા કોઈને આની ગંધ દેવી નથી. સુચિત્રાનાં પિયરિયાંને પણ નહીં. લંડન પહોંચીને અમારી કૉન્ટૅક્ટ ડીટેલ્સ તને મોકલીશ, મીનળ.’ રાજપૂતાનામાં રાજમાતાનો પ્રભાવ અનેરો હતો. વયસ્ક રાજવીઓ પણ તેમને માનાર્થે બોલાવતા. અત્યારે આત્મીયતાવશ ઉદયસિંહ પોતાનાથી વયમાં નાનાં મિત્રપત્નીને તુંકારો કરી બેઠા, ‘એ કેવળ તારા પૂરતું જ રાખજે એ કહેવાનું ન હોય.’

‘તમારું દર્દ મને ખબર છે ઉદયસિંહજી. વિદેશ વસવાની શુભેચ્છા પાઠવું છું.’

રાજમાતાએ કહ્યું તો ખરું, પણ દીકરાથી દૂર જવામાં સમસ્યાનું નિરાકારણ છે એવું તેઓ માનતાં નહોતાં. ઊલટું માબાપ પોતાને અંધારામાં રાખી છટકી ગયાં જાણીને જયસિંહ વધુ ભડકવાનો. એથી મામલો વકરે નહીં તો સારું!

€ € €

‘મીનળ સાથે વાત થઈ ગઈ...’ આ બાજુ વીરનગરના પૅલેસ કૉમ્પ્લેક્સમાં મહારાજ ઉદયસિંહ પત્નીને કહે છે, ‘પેલા હીરા ક્યાં છે?’

પત્નીએ ચોરખાનામાંથી ધરેલા હીરાનો ઝળહળાટ રાજવીના મુખ પર અંકાઈ ગયો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK