કથા-સપ્તાહ – જાનકી (મૈં નારી હૂં – 4)

પરસાળના હીંચકે ગોઠવાયેલી અદિતિ ઝબકીjanki

અન્ય ભાગ

1 |  2  |  3  |  4  |  5નેહાલીએ રિયાને લીગલી અડૉપ્ટ કર્યાને આજે તો મહિનો માસ થઈ ગયો એટલે આ વિષયની ચર્ચા મીડિયામાં જોવા નથી મળતી, પણ અદિતિને એની કળ નથી વળી. અક્ષર ખુશ છે; પણ મારાથી નથી સહન થતું, નથી શું કરવું એ સૂઝતું. મારાં પિયરિયાં, બીજાં સગાંસ્નેહીઓ દત્તક દીકરીનાં વધામણાં દેવા સાથે બોલી જતાં હોય છે : છોકરીનું નસીબ તો જુઓ. અનાથ, અક્ષમ ને તોય હવે સેલિબ્રિટી કિડ! સાચું છે કે નસીબમાં લખેલું કોઈ છીનવી નથી શકતું.

સાંભળી પેટમાં તેલ રેડાતું : આમ જુઓ તો એ મારા કુમારના નસીબનું જ ખૂંચવી ગઈ ગણાયને! મને સંપત્તિનો મોહ નથી, દીનું ખુદનું સંતાન હોત તો બધું તેનું જ હોતને; પણ એવું નથી ત્યારે કુમારને તે રમકડાની જેમ વાપરી ફગાવી દે એ કેમ ચાલે?

‘રિયા કૅચ...’

પરસાળના હીંચકે ગોઠવાયેલી અદિતિ ઝબકી. સામે બાળકો આરિફ સાથે પ્લાસ્ટિકના મોટા બૉલથી રમી રહ્યાં હતાં. ડ્રાઇવર તેના કામમાં તો કુશળ છે ને અવકાશ મળે કે કુમાર-રિયાને રમાડે પણ ખરો.

‘ચલો બચ્ચેલોગ - ગરમાગરમ મૅગી તૈયાર છે!’ નેહાલીનો સાદ પડઘાતાં અદિતિએ હોઠ કરડ્યો.

રિયાને અડૉપ્ટ કર્યાના આ સમયગાળામાં દીદીએ નિવૃત્તિ લઈ લીધી છે. સિરિયલમાં આમેય રિપ્લેસમેન્ટથી શ્રોતાઓ ટેવાઈ ગયા છે. વળી તેમની પાલકપુત્રી માનસિક રીતે અક્ષમ હોવાનું જાહેર છે. મહાનતાના મોજામાં કાયદાકીય અડચણ પણ કોણ નાખે! દીદીનું સેવિંગ્સ અચ્છું છે એટલે આર્થિક રીતે આ લાઇફ-સ્ટાઇલ મેઇન્ટેઇન કરવામાં વાંધો આવે એમ નથી.

દીદીની દરેક ઘડી રિયાની આસપાસ વીંટળાઈ છે. તેના ડેવલપમેન્ટ માટે એક્સપર્ટ્સ સાથે સલાહ-મશવરા પણ કરતાં હોય છે. ટેરેસવાળી તેમની રૂમ કિડ્સ રૂમ બની ગઈ છે. એટલાં રમકડાં ભેગાં કર્યા છે જેટલાં કદી મારા કુમારને નહીં અપાવ્યાં હોય!

‘દીદી, તમે રિટાયર થયાં એ ગમ્યું.’ અક્ષરે ભાવુકપણે કહેલું, ‘આજ સુધી તમે ઘણું કર્યું. હવે સુખેથી માતૃત્વની અવસ્થાને માણો.’

‘સાચું કહ્યું તે અક્ષુ... હવે હું ખુદને સંપૂર્ણ લાગું છું, મને બીજા કોઈ આધારની જરૂર નથી - અભિનયની પણ નહીં!’

- આટલું હેત તો મારા કુમાર પણ નથી છલકાવ્યું! અદિતિની સરખામણી ચાલુ રહેતી. બે બાળકો સાથે જમવા બેસે ત્યારે કોની રોટલી પર ઘી વધારે રેડાય છે એનોય મનોમન હિસાબ રાખતી ને દીકરો તેને ખોટમાં જ લાગતો

દીદી કેવાં બદલાઈ ગયાં અક્ષર. અરે, મારા કુમારને કેમ એ બદલાવ કળાતો નથી! ખરી પટ્ટી પહેરી છે બેઉએ, પણ મારે એ હવે ઉતાારવી છે.

‘અદિતિ...’ નેહાલીના સાદે તે ઝબકી, ‘ક્યાં ખોવાઈ જાય છે તું? ચાલ તું પણ નાસ્તો કરવા... આરિફ તારો નાસ્તો કિચનમાં કાઢ્યો છે...’

તેના જતાં નેહાલીએ તારીફ કરી, ‘છોકરો ડાહ્યો છે. તેને લીધે કુમાર-રિયાનો સમય પસાર થઈ જાય છે!’

અદિતિએ તો અમસ્તું હં-હા કર્યું, પણ પોતાની તારીફે કિચન તરફ જતા આરિફના હોઠ મલકી પડ્યા.

રિયાને તેનાં સગાં ન લઈ ગયાં એથી નિરાશા છવાયેલી. મેન્ટલ અસાઇલમનું સાંભળતાં રઘવાટ છવાયો, પણ કંઈ ઊંધુંચત્તું કરી બેસું એ પહેલાં મૅડમ દ્વારા અડૉપ્શનની વાત આવતાં એટલી રાહત થઈ કે રિયા નજર સામે તો રહેવાની! બસ, હવે કશો જબરદસ્ત પ્લાન બનાવી તેને ભોગવવાનો અને ભોગવતા રહેવાનો મેળ પાડવાનો છે... ઑલ આઇ નીડ ઇઝ અ માસ્ટર પ્લાન!

€ € €

સાંજની વેળા છે. નેહાલી બાળકોને લઈને નજીકમાં મૉલમાં ગઈ છે. અક્ષર હજી ઓફિસથી આવ્યો નથી ત્યાં ઘરનો ફોન રણકતાં અદિતિએ રિસીવર ઊંચક્યું, ‘હલો...’

‘જી, હું મેરઠથી ઇસ્માઇલમિયાં બોલું છું. આ ટીવી-ઍકટ્રેસ નેહાલી મહેતાનું જ ઘર છેને?’

હિન્દીભાષી પુરુષના સ્વરમાં અધીરાઈ વર્તાઈ. મે બી, દીદીનો ફૅન હશે. આમ તો દીદી ઘરનો નંબર કોઈને આપતાં નથી, પણ સેલિબ્રિટીને મળવા ફૅન્સ ખાંખાંખોળા કરીને જોઈતું શોધી જ લેતા હોય છે.

‘જી, આ નેહાલીનું જ ઘર છે. હું તેમની ભાભી.’

‘આદાબ બેટી. થોડા દિવસ પહેલાંના છાપામાં નેહાલીએ દીકરી દત્તક લીધાના ખબર વાંચ્યા. એ ખબરનું કનેક્શન અમારે ત્યાં નીકળ્યું.’

અદિતિ ચમકી. રિયાના અડૉપ્શનને મેરઠમાં બેઠેલા શખ્સ સાથે શું લાગેવળગે!

‘અડૉપ્શન સાથે નહીં...’ ઇસ્માઇલમિયાંએ ફોડ પાડ્યો, ‘હેવાલ સાથે છપાયેલી તસવીરમાં અમારો દીકરો નજરે પડ્યો - આરિફ!’

બે વ૨સે દીકરાને ભાળીને ઇસ્માઇલમિયાંનું લોહી ઊકળી ઊઠ્યુંં હતું. ના, તે વહેશીને ફરી ઘરે તેડવાનો તો પ્રશ્ન જ નથી. બે વરસમાં અમે તેને મૃત સ્વીકારી લીધો છે. હવે તો ઘરમાં

પૌત્ર-પૌત્રીયે છે. વિકૃત દિમાગ સાથે ફરી નાતો સાંધવાની નાદાની મૂરખ જ ઠરે... ઇસ્માઇલમિયાં વિચારતા રહ્યા, નેહાલીને ચેતવવી જરૂરીી લાગી એટલે આ ફોન.

‘આરિફ? અમારો ડ્રાઇવર!’ અદિતિના કપાળે સળ ઊપસી. આ છ-આઠ મહિનામાં આરિફે કદી જતાવ્યું નથી કે તેની ફૅમિલી પણ છે. બલ્કે એવું કહ્યું છે કે પોતે અનાથ છે અને તકદીર અજમાવવા અલાહાબાદથી મુંબઈ આવ્યો છે.

‘જૂઠ!’ ઇસ્માઇલમિયાં તપી ગયા, ‘આરિફ સચ કહે પણ ક્યાંથી? મને તો કહેતાં પણ સંકોચ થાય છે...’

અદિતિનું હૈયું ધડકી ગયું.

€ € €

હે રામ! ફોન પતાવીને અદિતિ સોફા પર બેસી પડી. આરિફમાં બાળકો સાથે કુકર્મ કરવાની વિકૃતિ છે? મેરઠમાં પાડોશીની છ વરસની શમા પર બળાત્કાર કરવા જતાં ઝડપાયેલો આરિફ પિટાઈ-ગિરફતારીના ભયે ઘરથી ભાગીને મુંબઈ આવ્યો, અમારે ત્યાં ડ્રાઇવર તરીકે ગોઠવાઈ ગયો?

‘અમે તેની ભાળ કઢાવીયે નહોતી... તસવીરમાં દેખાયો ત્યારે ધોલધપાટભેર મેરઠ લાવી શમાનાં ચરણોમાં પાડવાનું વિચાર્યું, પણ છોકરી માંડ એ ઘટના વિસારીને નોૉર્મલ થઈ છે ત્યારે તેનું ચિત્ત શું કામ ડહોળવું? એટલે મારા દીકરાની એબથી તમને વાકેફ કરી રાખું છું. તમારે ત્યાં બે બાળકો છે, સંભાળજો!’

ઇસ્માઇલમિયાંની ચેતવણીના પડઘાએ અદિતિ હાંફી ગઈ. આરિફ કુમાર-રિયાને રમાડતો એ અમને કેટલું ગમતું. હાય-હાય. તેણે કદી મારા ફુલ જેવા દીકરા સાથે કુચેષ્ટા તો નહીં કરી હોયને! અને રિયા બિચારી તો માનસિક રીતે અક્ષમ - તેની સાથે આરિફે ન કરવાનું કર્યું તો...

તો શું? હાંફતી અદિતિને ભીતરથી ધક્કો લાગ્યો. પળવાર તો મન સૂન થઈ ગયું. ધીરે-ધીરે કળ વળતાં વિચાર પ્રવાહે પલટી મારી...

યા, રિયાનું વિચારીને તારે અપસેટ થવા જેવું શું છે? એ બહાનેય રિયાનું પત્તું કપાતું હોય તો...

હૈયું વારે, મન રોકે એ પહેલાં તો અદિતિના દિલદિમાગમાં કાવતરાની કડી ગૂંથાવા માંડી.

€ € €

‘ભાભી, આપ!’

બે દિવસ પછી રવિની બપોરે ઘરમાં સૌ જંપી ગયા પછી લટાર મારતાં પહોંચી હોય એમ આરિફની રૂમના દરવાજે અદિતિએ ટકોરા પાડ્યા.

ભીતર આરિફ કાયમની ટેવ પ્રમાણે મોબાઇલની ફિલ્મ સાથે કામનાના ઘોડા પર સવાર હતો. ટકોરાનો વિક્ષેપ ખટક્યો. એકાદ વાર વૉચમૅન બીડી માગવા આવેલો તેને ધમકાવ્યા પછી બિચારો આ બાજુ ફરકવાનું ભૂલી ગયો. તે તો નહીં જ હોય... જે હોય તેને મનમાં ગાળ દઈને આરિફે વસ્ત્રો ઠીક કર્યા. હાથ-મોં ધોઈ તાજગી આણી. દરવાજો ખોલતાં ચોંકી જવાયું. અદિતિભાભી અહીં!

‘કંઈ કામ હતું ભાભી? ફોન કરી દીધો હોત...’

‘કામ હતું જ એવું કે મારે આવવું પડ્યું...’ અદિતિએ ઇશારો કર્યા, ‘અંદર બેસીને વાતો કરીએ?’ પૂછી પોતે જ ઉંબરો ઓળંગ્યો. ‘તને શમાના ખબર દેવા હતા...’

સામા મિરરમાં તેણે પોતાની પાછળ ચાલતા આરિફને ગડથોલિયું ખાતા જોયો.

‘ધીરે આરિફ...’ હળવું હસીને અદિતિએ બીજો ધડાકો કર્યો, ‘મને તો તારા પિતા ઇસ્માઇલમિયાંએ કહ્યું.’

‘અબ્બુ...’ આરિફ ધ્રૂજી ગયો. ‘અહીં આવ્યા છે?’

‘મતલબ શમા પરના બળાત્કારમાં તું ફાવ્યો નહીં એ સાચું.’

આરિફની ગરદન ઝૂકી ગઈ.

‘અહીં નોકરી લેવા તું જૂઠ બોલ્યો. ધારું તો શમાવાળા કેસના આધારે તને જેલમાં પુરાવી શકું એમ છું...’

આરિફ સમસમી ગયો.

‘મારા નિર્ણયનો આધાર તારી વફાદારી પર છે.’

આરિફની કીકીમાં પ્રશ્નાર્થ ઝળક્યો.

‘આરિફ, શમાના કિસ્સાને બે વરસ થવાનાં. એ દરમ્યાન બાળકો માટેની તારી ભૂખ શમી પણ ગઈ?’ અદિતિએ વળ ચડાવ્યો, ‘ધારો કે એવી તક ફરી મળે તો... શમા તો નહીં પણ તને રિયા માણવા મળે ને લાખોનાં ઘરેણાં...’

‘હેં!’ અદિતિની મનસા અચરજ ૫માડી ગઈ, પણ તેની સાથે મારે શું?

‘મારે કરવાનું શું છે?’

‘ગુરુની બપોરે કાવતરું પાર પડવાનો પર્ફેક્ટ યોગ છે. આ સમયે અક્ષર ઑફિસમાં હોય, નેહાલીની જમી-પરવારીને ટીવી-પ્રોડ્યુસરની ઑફિસમાં હિસાબનું સેટલમેન્ટ કરવા જવાની અપૉઇન્ટમેન્ટ ફિક્સ છે. તેની સાથે તારે ડ્રાઇવર તરીકે જવાનું જ હોય, પણ છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતનું બહાનું કાઢીને છુટ્ટી લેવાની. નેહાલી સેલ્ફ-ડ્રાઇવ પ્રિફર નથી કરતી એટલે ભલે ટૅક્સીમાં જતી. સ્કૂલથી આવેલો આકાર અને રિયા મારી જ રૂમમાં પોઢતાં હશે... તારે બંગલાના વૉચમૅન અને કામવાળી બે બાઈઓને કોઈ બહાને આઘાંપાછાં કરી મારી રૂમ પર આવી મને બેહોશ કરવાની. કબાટની ચાવીનો ઝૂમખો મારી સાડીના છેડે હશે એ લઈ સેફમાંથી ઘરેણાં ચોરી તારે રિયાને પણ ક્લોરોફૉર્મથી બેભાન કરી ઊંચકીને લઈ જવાની...’ 

સેફમાં સહેજે ત્રીસ લાખના દાગીના હતા. રિયાનો કાંટો કાઢવાની એ ચુકવણી હતી. આરિફનો રસ ભલે રિયામાં હોય, દુનિયાને તો એમ જ લાગવું જોઈએ કે નોકર ધાડના બચાવમાં ઘરની છોકરીને જ બાન તરીકે લઈ ગયો! રિયા તો એનું બોનસ!

‘૫છી...’ અદિતિ ગોખાવતી ૨હી.

€ € €

- અને ગુરુની બપોરે દરવાજે ટકોરા મારીને આરિફ અદિતિની રૂમમાં પ્રવેશ્યો, ‘ડન. બાઈઓ કિચનમાં સૂતી છે. વૉચમૅનને મેં બીડી લેવા મોકલી આપ્યો. લાઇન ક્લિયર...’

ખરેખર તો જોકે નેહાલીના ગયા બાદ બાળકોને સુવાડીને અદિતિએ જાતે જ કબાટ વેરણછેરણ કરીને તિજોરીનાં ઘરેણાં બૅગમાં ભરી રાખ્યાં હતાં.

‘ગુડ, મેં પણ બધું રેડી રાખ્યું છે.’ અદિતિએ ગોખાવ્યું, ‘રિયાને તું અમારી મર્સિડીઝમાં લઈ જઈશ. કાર અંધેરી સ્ટેશનના પાર્કિંગમાં છોડીને તારે દાદરની ફાસ્ટ લોકલ પકડી લેવાની. ત્યાંથી ઔરંગાબાદની ટ્રેનમાં તમારી તત્કાલની ટિકિટ છે.’

‘યા, બટ ફાઇનલ ડેસ્ટિનેશનને બદલે અધવચાળ ક્યાંક ઊતરીને મારે તમારી સાથેનો, મુંબઈ સાથેનો સંબંધ કાપી અદૃશ્ય થઈ જવાનું છે.’

‘શાબાશ. ચાલ, હવે કાગળ-પેન લાવ્યો છેને? પહેલાં ચિઠ્ઠી લખી દે...’ પોતે કહેતી ગઈ એમ આરિફ હિન્દીમાં લખતો ગયો.

નેહાલી મૅડમ,

ઇન્સાન કો દો ભૂખ રહતી હૈ, પેટ કી ઔર જિસ્મ કી. દોનોં કો બુઝાને કે લિએ પૈસોં કી ઝરૂરત રહતી હૈ. ઇસલિએ થોડા સોના લે જા રહા હૂં ઔર મેરી તલાશ ન કરો, પુલિસ કમ્પ્લેઇન ન કરો ઇસકી ગૅરન્ટી કે બદલે રિયા કો ભી લે જા રહા હૂં. મને ઝડપાવવાની કોશિશ કરી તો પહેલાં રિયાને મારીને હું જ પોલીસમાં ઝડપાઈશ એટલું સમજી લેજો. જ્યાં સુધી હું મુક્ત છું રિયા સલામત છે. સમઝે?

- આરિફ

- બસ, પછી તેણે રિયાને બેહોશ કરીને અદિતિને રૂમાલ સૂંઘાડ્યો. અદિતિએ હોશ ગુમાવ્યા.

€ € €

...ભાન આવ્યું ત્યારે અદિતિ રૂમના પલંગ પર હતી. સામી બેઠકે ગોઠવાયેલાં નેહાલીદીદીના હાલ બેહાલ હતા. બાજુમાં બેઠેલા અક્ષરના હાથમાં આરિફે છોડેલી જાસાચિઠ્ઠી જ હોય... વાંચીને કેવા રડવા જેવા થઈ ગયા છે. મતલબ કારસો બરાબર પાર પડ્યો! હવે તારા અભિનયથી કહાનીમાં જીવ રેડી દે અદિતિ!

અને હિસ્ટીરિયાનો હુમલો થયો હોય એમ તે ધ્રૂજી, રડી, ચિત્કારી : અક્ષુ, આરિફ લૂંટના બહાને આવ્યો, મને બેહોશ કરી રિ...યાને લઈ ગયો!

અક્ષર સ્થિર નેત્રે પત્નીને તાકી રહ્યો. નેહાલીનું રુદન થંભી ગયું.

‘અક્ષર, આમ મને શું તાકો છો!’ અદિતિ થોથવાઈ. ઑલ વેન્ટ વેલ તો પછી અક્ષરમાં આ વેધકતા કેવી? હું ક્યાંક ચૂકી તો નથીને? અભિનયના આવેશમાં ન બોલવાનું તો નથી બોલી ગઈને?

‘મારે એ જ કહેવું છે અદિતિ કે તું બેહોશ હતી તો પછી આરિફ દાગીના ચોરીને રિયાને લઈ ગયાનું તેં કેમ જાણ્યું?’

હેં. અદિતિને ગફલત પકડાઈ. પણ ના, એને તો વાળી લેવાશે.

‘મને ખબર પડી - આઇ મીન - મેં અનુમાન બાંધ્યું...’ તેણે આત્મવિશ્વાસભેર કહ્યું, ‘મને રૂમાલ સૂંઘાડતી વેળા આરિફ બબડતો હતો - સોને કે સાથ ઇસ લડકી કો ભી લે જાનેવાલા હૂં.’

‘ઓ...હ...’ અક્ષર ઢીલો પડ્યો. છાનો હાશકારો અનુભવતી અદિતિએ કપાળ ઠોક્યું. ‘હાય-હાય... હું બિચારી રિયાને જાળવી ન શકી....’

‘કાશ એવું થયું હોત અદિતિ...’ રુદન ખાળતી નેહાલી તેની નજીક આવી, ખભે હાથ મૂક્યો, ‘કાશ, તને બચાવની તક મળી હોત તો કુમારને આપણે ગુમાવત નહીં.’

કુ...મા...રને! અદિતિના કાળજે ચીરો પડ્યો. છાતી હાંફવા માંડી.

‘આરિફ રિયાને નહીં, કુમારને ઉઠાવી ગયો છે...’હેં!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK