કથા સપ્તાહ – જંગ (મેરી આવાઝ સુનો – 4)

થાકીને હૉલના સોફે ગોઠવાયાં કે ભીતરથી ટકોર થઈ

jang

અન્ય ભાગ

1  |  2  |  3  |  4

સાલ મુબારક!

નૂતન વર્ષનાં વધામણાં. વિક્રમ સંવતનું નવું વર્ષ આપણા સૌ માટે મંગળકારી નીવડે એવી પ્રભુપ્રાર્થના. બેસતા વર્ષની વહેલી સવારથી ફોન રણકતો થઈ ગયો છે. સંધ્યાને ઘડીની ફુરસદ નથી. પાંચમ સુધી અતુલ્યે હૉસ્પિટલમાં રજા મૂકી છે. પાછલા બે દિવસથી ચાલતી લેટનાઇટ પાર્ટીઓમાંથી આવતાં મોડું થાય એટલે અતુલ્ય તો બપોર સુધી ઊંઘ ખેંચે, પણ ગૃહિણીએ ઊઠ્યા વિના છૂટકો છે!

એમાં આજે નવું વર્ષ. બંગલાને આ વખતે ફૂલોના શણગારથી સજાવ્યો છે, રંગોળી પુરાવી છે. થોડી વારમાં મહેમાનોની અવરજવર શરૂ થઈ જશે. તેમના શરબત-નાસ્તાની વ્યવસ્થા, બોણીનાં કવર... કરે બધું મેઇડ, પણ તેમના પર મારી ચોંપ તો જોઈએ જને! હમણાં તારિકા-સારિકા તૈયાર થવા બુમરાણ મચાવશે. મારી બે દીકરીઓ ૧૬-૧૮ની થઈ, પણ મા વિના પત્તું ન હાલે!

બસ સંધ્યા, બસ!

થાકીને હૉલના સોફે ગોઠવાયાં કે ભીતરથી ટકોર થઈ : આમ બધાં કામ ગણાવવાને બદલે સાચું કેમ નથી કહેતી કે ચિત્તને પરોવેલું રાખવાની આ ચેષ્ટા છે! ખરેખર તો આજે ઉષા આવવાની એની અણખટ છે.

બે દિવસ અગાઉ ફોન રણકાવીને ઉષાએ સામેથી કહ્યું હતું : તમે દિવાળીમાં અહીં જ છો તો બેસતા વર્ષની સવારે આપણે મળીએ, તારું ખાસ કામ છે.

વષોર્થી થીજેલા સંબંધને ઉષ્મા આપવાની ચેષ્ટા ઉષાએ કેમ કરી? ઉષાને મારું શું કામ પડ્યું હોય?

તે અવિનાશથી છૂટી થઈ પછી પગભર થવા મારી મદદની ટહેલ નાખેલી. એ કામ ન થયું એનું માઠું લગાડીને તે દૂર-દૂર જતી રહી. ક્યાંક મળીએ તો પણ અજાણ્યા રહેવાનું અંતર પડી ગયેલું. એકાએક ઉષાએ એ કેમ ઓળંગવું પડ્યું?

ભીતર ક્યાંક જવાબનો ધ્રાસકો હતો.

અહં, ખુમારીપૂર્વક જીવનારી ઉષા મદદની અપેક્ષાએ આવે એવું ધારવામાં મૂર્ખામી છે. ઉષા સ્ત્રીસંસ્થા સાથે જોડાયેલી છે, એને લગતું કોઈ કામ હોય...

સ્ત્રીસંસ્થાના પ્રમુખ તરીકે તેને કયા સંદર્ભમાં કામ હોઈ શકે એની કલ્પના થથરાવતી હતી. ના-ના, હું ધારું છું એવું તો ન જ હોય! અને મારે ઉષાને મળવાની પણ શું જરૂર છે? નોકર સાથે કહેવડાવી દઈશ કે હું ઘરે નથી! પત્યું!

ના, એમ નહીં પતે. હું ઉષાને જાણુંને. પછી આજની ઘડીને કાલ પર શું કામ ટાળવી?

સંધ્યાબહેન હજી તો મન મનાવે છે ત્યાં ડોરબેલ રણકી. ઉષાબહેન આવી પહોંચ્યાં હતાં!

€ € €

‘નૂતન વર્ષાભિનંદન...’

વર્ષો પછી બે બહેનપણીઓ એકમેકના ગળે મળી. સંધ્યાબહેનની તાણ થોડી ઓછી થઈ હતી, કેમ કે ઉષાબહેન એકલાં નહોતાં આવ્યાં. તેમની સાથે તેમની કોઈ રેલિટિવ પણ હતી. જુવાન છોકરી મારી તારિકા જેવડી હશે. સારું. તેની હાજરીમાં ઉષા અણગમતી કોઈ વાત નહીં છેડે! છતાં તેમની સાથે બેસવું ટાળવું હોય એમ નાસ્તા-મીઠાઈ લાવવા જાતે રસોડામાં ગયાં. મેઇડ હોવા છતાં બધું કરવામાં થોડો સમય પણ લીધો.

બહાર રાજવીની નજર ચકળવકળ ફરતી હતી. રખેને ઘરના કોઈ ખૂણેથી અતુલ્ય ફૂટી નીકળે તો!

‘તારે અતુલ્યનો ડર નથી રાખવાનો રાજવી, તેને તારાથી ડરતો કરવાનો છે.’ ઉષાબહેને ઘૂંટાવ્યું.

પપ્પા-મમ્મીએ અતુલ્યને એક્સપોઝ કરવાનું નક્કી ઠેરવ્યાનું જાણીને રાજવી ફફડેલી : તે મારી ક્લિપ ફરતી કરી દેશે પપ્પા, હું ક્યાંયની નહીં રહું?

‘એવું કંઈ જ નહીં થાય રાજવી, ટ્રસ્ટ મી. ઉષાઆન્ટીએ તેમની રીતે પોલીસના ત્વ્ સેલમાં વાત કરી દીધી છે. અતુલ્યનો મોબાઇલ તેમના ટ્રેસિંગમાં છે...’

પપ્પાને ડિવૉર્સ દેનારાં ઉષાઆન્ટી મારા કેસમાં પપ્પાને મદદ કરશે?

‘ટ્રસ્ટ હર...’ માલ્વિકાબહેને બે જ શબ્દોમાં દીકરીની દ્વિધા મિટાવી. ગઈ કાલે ઘરે આવેલાં ઉષાબહેન સમક્ષ ખૂલવામાં પછી સંકોચ ન રહ્યો.

‘તું હિંમતવાન છે રાજવી, ખુદને ગુનેગાર માનવાને બદલે ખરા અપરાધીને દંડ દેવાની માનસિકતા કેળવ.’

તેમના એ શબ્દો યાદ કરીને રાજવીએ અત્યારે પણ મનોબળ કેળવી લીધું. ઉષાઆન્ટીએ વિચારેલો ઉપાય નવી રાહ કંડારી શકે એમ છે... તેણે ટ્રે સાથે પ્રવેશતાં સંધ્યાબહેનને નિહાળ્યાં - જો ડૉક્ટરના પત્ની સહમત થાય તો!

‘જાણું છું તને ઘણાં કામ હોવાનાં સંધ્યા, પણ હવે પંદર મિનિટ સુધી તારે અહીંથી ઊઠવાનું નથી.’ ઉષાબહેનની આદેશઢબે સંધ્યાબહેન હૈયેથી ધþૂજી ગયાં. પરાણે સ્મિત ફરકાવ્યું, ‘આવી જબરદસ્તી!’

‘જબરદસ્તી જ કરવા આવી છું એમ સમજી લે.’ ઉષાબહેને ઠાવકાઈથી શરૂઆત માંડી, ‘પ્રથમ તો તારો આભાર માની લઉં. વરસો અગાઉ મેં તારા પતિને ત્યાં કામ અપાવવા તને રિક્વેસ્ટ કરેલી, પણ તેં મને કોઠું ન આપ્યું. એવું કહીને કે ક્યાંક હું તારા વર પર નજર બગાડું તો! હકીકત તો એ હતી સંધ્યા કે ક્યાંક તારો વર મારા પર નજર બગાડે તો તારા દામ્પત્યનો લૂણો છતો થઈ જવાની તને ધાસ્તી હતી.’

બિલકુલ સાચું! ડઘાતાં સંધ્યાબહેન સાવધ થયાં. સમજવું જ ન હોય એમ તાડૂક્યાં, ‘શું બોલે છે ઉષા? એ પણ તારી આ ભત્રીજી કે ભાણી જે હોય તેની હાજરીમાં.’

‘તે નથી મારી ભત્રીજી, નથી ભાણી. રાજવી અવિનાશની દીકરી છે.’ કહીને તેમણે હળવેથી ઉમેર્યું, ‘મુંબઈની ગ્રાન્ટ કૉલેજમાં ત્રીજા વર્ષમાં ભણે છે.’

ગ્રાન્ટ કૉલેજની મેડિકલ સ્ટુડન્ટ. સંધ્યાબહેનના કાળજે કરવત જેવી ફરી. પ્રત્યાઘાતમાં તે વધુ અક્કડ બન્યાં, ‘અચ્છા, એક્સ-હસબન્ડની દીકરીની ભલામણ કરવા આવી છે.’

‘કોઈએ જુવાન છોકરીને કસાઈવાડે મોકલવી હોય તો તારા વરને ભલામણ કરે.’

‘ઉષા...’

‘ડોન્ટ શો-ઑફ કે તું તારા વરનું ચારિhય નથી જાણતી. મને તેં જૉબની ના પાડી ત્યારનું જાણે છે.’ સંધ્યાબહેને હોઠ કરડ્યો.

લગ્નના બીજા વરસે, હૉલની પૅરૅલલ ફોનલાઇન પરથી પોતે બીજા છેડે નર્સ રેશમા સાથે ઉપલા માળના બેઠકરૂમમાંથી વાતો કરતા અતુલ્યને કાનોકાન સાંભળ્યો હતો. ચૂપચાપ તારું બદન મારા હવાલે કરતી રહેજે, નહીં તો મોંઘા કૅમેરામાં ઉતારેલા તારા ફોટો ફરતા કરી દઈશ.

પગ હેઠળથી જમીન સરકી ગઈ હતી. આ અતુલ્ય બોલ્યા! આવો હોનહાર ડૉક્ટર ચારિhયનો લૂલો? અરે, હું તમને કયું સુખ નથી આપતી અતુલ્ય કે તમારે આમ...

રૂમમાં જઈને બહુ મોટો ઝઘડો માંડ્યો હતો મેં. પહેલાં તો અતુલ્યએ ગલ્લાંતલ્લાં કયાર઼્, પણ પછી નફ્ફટપણે કબૂલી લીધું : હા, મને જુવાન, કમસિન ઔરતોને ભોગવવાનું ગમે છે. બોલ, શું કરી લેવાની? ગામમાં ધજાગરો પીટવો છે? પીટ. ડિવૉર્સ જોઈએ છે? આપ્યા. મને, મારા રુતબાને એથી કોઈ જ ફરક નહીં પડે. તું જશે તો કલાકમાં બીજી બૈરી લાવીને મૂકી દઈશ. લોકો બે દહાડા વાતો કરીને ભૂલી જશે, પણ તારું શું થશે? આ સુખ-સાહ્યબી, આ રજવાડી ઠાઠ તને તારા બાપને ત્યાં મળવાનો છે? તમને મારી જાહોજલાલીની આદત થઈ ચૂૂકી છે મૅડમ. નોકરોની ફોજ, વૈભવી લાઇફ-સ્ટાઇલ તમારી રગરગમાં પ્રસરી ચૂૂકી છે. એના વિના જીવી શકશો?’

અને ખરેખર મારું જોમ નિચાવાઈ ગયું હતું! અમીરીને હાથવગી રાખી પતિની પાપલીલા સામે આંખમીંચામણાં કરવાનું ફાવી ગયું હતું. સામે અતુલ્ય સોસાયટીમાં મારું માન-રુતબો જાળવે છે એ બહુ થયું. ઉષાનાં મહેણાંથી ઉશ્કેરાઈને મારે મારું સુખ નથી રઝળવા દેવું!

મન મક્કમ કરીને સંધ્યાબહેન ઊભાં થયાં, ‘તું મારા વર વિરુદ્ધ ઝેર ઓકવાની હોય ઉષા તો દરવાજો પેલો રહ્યો. અવિનાશમાં ખોટ નીકળી એટલે તને બધાના પતિઓમાં કચાશ કાઢવાનો ફોબિયા થઈ ગયો લાગે છે.’

‘તારા આમ આકળવિકળ થવામાં તારા સંસારનું સત્ય ઊઘડી રહ્યું છે સંધ્યા અને એનો પુરાવો તો મારી બાજુમાં બેઠો છે.’ ઉષાબહેને રાજવીના ખભે હાથ મૂક્યો. ‘આ અવિનાશની છોકરી હોવાનું જાણવા છતાં અતુલ્યએ તેની આબરૂ પર હાથ નાખ્યો છે. તારા કહેવાતા મહાન પતિના મોબાઇલમાં એની ક્લિપિંગ્સ હજીયે હોવી જોઈએ.’

સંધ્યાબહેન આંખો મીંચી ગયાં. અતુલ્ય... અતુલ્ય... તમારે જરા તો રહેમ રાખવી હતી! એ શું ઓળખીતાની દીકરી પર જ... કેસ ઉષા પાસે પહોંચ્યો પછી તો ભગવાન જ તમને બચાવે!

‘રાજવી ચૂપ નહીં રહે સંધ્યા... પણ એમ તો આજ સુધી ઘણી વિક્ટિમોએ આબરૂ લૂંટાવાના દાવા કર્યા છે. કોની પત્નીએ આગળ આવી એમ કહ્યું કે હા, મારા પતિની એબ હું જાણું છું, હું વિક્ટિમના પડખે છું!’

ઉષાબહેન હાંફી ગયાં, ‘અહં, એને પતિવþતાધર્મ સાથે કંઈ લાગતુંવળગતું નથી. દીકરા-દીકરી ખાતર યા સંસાર સંભાળવાની દાનતમાં ખરેખર તો પતિની ધીકતી ક્માણીના વૈભવનો મોહ છૂટતો નથી એટલે તેઓ મૂંગી રહે છે.’

ઉષાબહેને કાન ખેંચ્યો હોય એવું લાગ્યું સંધ્યાબહેનને.

‘સંધ્યા, સાહ્યબીમાં એટલું સુખ છે કે એ તમારા આત્માના અવાજને દબાવી કાઢે, પતિની એબ વેઠી ખાય, સ્ત્રી પરના અત્યાચારને તમે સ્ત્રી થઈ મૂંગા મોંએ નિહાળ્યા કરો? રાજવી જેવાં તો ઘણાં પાત્રો હવે આગળ આવે છે; પણ હવે પુરુષની પત્ની, મા, બહેન, દીકરી આગળ આવીને એમાં સાદ નહીં પુરાવે ત્યાં સુધી આ જંગ અધૂરો છે... ન્યાયનો ચકરાવો એ વિના પૂરો નહીં થાય, તો જ સ્ત્રીનું સન્માન કરતાં શીખશે અતુલ્ય જેવા પુરુષો.’

ઉષાબહેને સહેલીનો હાથ હાથમાં લીધો.

‘હું ઇચ્છું છું કે આની શુભ શરૂઆત તારાથી થાય. હું તારા લગ્નજીવનમાં ભંગાણ પાડવા નથી આવી મારી સખી, તને વરસોની ગૂંગળામણમાંથી મુક્ત કરવા આવી છું. જાણું છું કે અતુલ્ય જ્યારે પરસ્ત્રી સાથે સૂતો હશે એના ચીરા તેં તારા હૈયે અનુભવ્યા હશે. નક્કી કરી લે, એનો હિસાબ તારે હવે ચૂકતે કરી દેવાનો છે કે પછી તારી તારિકા-સારિકા અતુલ્ય જેવા જ કોઈ પુરુષની હવસનો શિકાર બને ત્યાં સુધી રાહ જોવી છે?’

તારિકા-સારિકા. દીકરીઓને રૂમમાંથી આવેલી જોઈને ફફડી જવાયું. તેમની આંખોમાં ડબડબ થતાં અશ્રુએ ધબ દઈને બેસી પડ્યાં સંધ્યાબહેન.

‘તારિકા-સારિકા, તમે જે થોડુંઘણું સાંભળ્યું એના પરથી ઘટનાનો અંદાજ મેળવી લીધો હશે. જાણું છું કે પિતાનું સત્ય પચાવવું આસાન નહીં હોય તમારા માટે, પણ અતુલ્યને એની પરવા હોત તો તેણે પાપ કર્યા હોત? વિચા૨જો.’

ઉષાબહેન ઊભાં થયાં, સંધ્યાબહેનના ખભે હાથ મૂક્યો, ‘તારામાં રહેલી સ્ત્રીને તો તેં કચડી રાખી સંધ્યા, માને મરવા ન દઈશ. દીકરીઓ સમક્ષ ખોટો દાખલો ન બેસાડીશ.’ કહીને ગળું ખંખેર્યું. ‘બેડીને તોડી શકે તો આજ સાંજ સુધીનું શુભ મુરત છે. કાર્ડ મૂÊકું છું. મારી ઑફિસે આવી જજે.’

€ € €

‘સંધ્યા આવશે?’ અવિનાશે પૂછ્યું. સૂરજ ડૂબવાની ઘડીઓ ગણાઈ રહી હતી. માલ્વિકા-રાજવીની ધીરજ પણ જવાબ દેતી હતી. વરસોનાં જાળાં આમ એક વારના ઉપદેશમાં શું છૂટતાં હતાં!

- પણ ઉષાબહેન મક્કમ હતાં : આજે સંધ્યા નહીં રોકાય. તેનામાં રહેલી સ્ત્રી, મા તેને નહીં રોકાવા દે.

- અને એ શબ્દો સાથે ટૅક્સી સંસ્થાના આંગણમાં ઊભી રહી. ત્રીજી મિનિટે પોતાની બન્ને દીકરીઓનો હાથ પકડીને અંદર આવતાં સંધ્યાબહેન એટલું જ બોલ્યાં, હું આવી ગઈ ઉષા!

આકાશમાં ત્યારે સૂરજ ડૂબી ચૂક્યો, પણ એ શબ્દોમાં નવું પ્રભાત નિહાળ્યું ઉષાબહેને. એમાં શાખ પુરાવતી દૂર ક્યાંક લતાના કંઠમાં ગણેશધૂન ગૂંજી ઊઠી.

€ € €

કથાના ઉપસંહારમાં એટલું જ કે#metooની જેમ શોષણકર્તા પતિઓની પોલ ખોલવા માગતી પત્નીઓ માટે ઉષાબહેનની સંસ્થાએ ‘મેરી આવાઝ સુનો’ નામનું પોર્ટલ શરૂ કર્યું છે. સંધ્યાબહેને અતુલ્યની એબ ઉઘાડી પાડીને છેડેલા આંદોલને સ્ત્રીસમાજમાં નવી લહેર ફેલાવી છે. અનેક સ્ત્રીઓને પ્રેરણા મળી. આવા કંઈક કિસ્સા બહાર આવવા પર છે.

પત્નીના પગલે ભડકેલા અતુલ્યે ઘણી લાલચ-ધમકી આપી જોઈ, ઉષાબહેનને પણ ભાંડ્યાં; પણ છેવટે તો કાયદાના હવાલે જવું પડ્યું. ડૉ. અતુલ્ય સામે તો પછી ઘણી યુવતીઓએ આરોપ મૂક્યા. પુરવાર પણ થતાં તેની ડિગ્રી છીનવાઈ. હાલમાં તો તે જેલમાં છે. રાજવીનો આત્મવિશ્વાસ એથી સંધાયો. તારિકા-સારિકાને માના પગલાનો ગર્વ છે.

‘તમે નવી પેઢીની પ્રતિનિધિ છો. ખ્યાલ રાખજો કે દરેક પુરુષ લંપટ નથી હોતો. પોતાનો સ્વાર્થ સાધવા કોઈ બિચારા નિદોર્ષ પુરુષને બલિનો બકરો ન બનાવે એ જોજો. આપણું કામ ન્યાય મેળવવાનું છે, કોઈને અન્યાય કરવાનું નહીં.’

ઉષાબહેનની શીખ કોઈ પણ મિશન માટે દીવાબત્તી સમાન છે, ખરુંને?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK