કથા-સપ્તાહ - જાને-અંજાને (થોડી સી બેવફાઈ - 4)

‘આજે તો ઘરેણું લેવા આવ્યો છું શેઠ.’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


અશ્મિત, ‘મેં કહ્યું’તુંને કે આર્થિક મજબૂરીને કારણે મારે મારી માતાની નિશાની સમું જેવર તમને વેચવું પડેલું. વાહે ગુરુની કૃપાથી હવે સ્થિતિ બરાબર છે એટલે પહેલું કામ મારી માની યાદગીરી પાછી મેળવવાનું જ હોયને.’

ત્યારે દૌલતરામ શેઠ વિચારમાં પડ્યા. પોતે હીરા-સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં જાણીતા, ઝવેરાતની પરખ પણ ખરી એટલે સરદારે દેખાડેલો નેકલેસ

જોતાંવેંત ખરીદી લીધેલો. હવે હારના બજારભાવ કરતાંય વધુ રકમ દેવા તૈયાર સરદારજીને તેનું ઘરેણું આપવામાં ફાયદો જ છે, પણ...

‘ભાયા અભી થોડા રુક જાઓ.’ દૌલતરામે ફોડ પાડ્યો, ‘હમણાં સગાંમાં બે-ચાર ઠેકાણે લગ્ન છે તો મારી વાઇફ નંદુ શેઠાણી પોતાને બહુ ગમતો એ નેકલેસ પહેરીને મહાલવા માગે છે. એટલું ખમી લો, પછી હું સામેથી તમને તેડાવીશ. લાભનું કામ પહેલાં! ’

શેઠની મુદત પાળ્યા વિના બીજો આરો પણ ક્યાં હતો? જોકે એ રાહ જોવામાં શું થવાનું છે એની કોને ખબર હતી? 

€ € €

‘રૉયલ વેડિંગ!’

શનિની સાંજે પતિના બિઝનેસ સર્કલના પરિચિત મલ્હોત્રાજીની દીકરીનાં લગ્નમાં મહાલતી અવનિથી બોલી જવાયું. પાછલા ત્રણ દિવસથી ચાલતી સેરેમની ભવ્ય હતી તો આજનું તાજ વેન્યુનું રિસેપ્શન શિરોમોર સમું છે.

‘એ બહાને તું આવું સજેધજે એ આપણને ગમે.’

કાંજીવરમના સેલામા તે સાચે જ જાજરમાન જણાતી હતી. આંખોથી આરવે જાણે નશો ઘૂંટ્યો, ‘એમાં આ હાર...!’

હાર! અવનિએ થડકો ઊપસવા ન દીધો. વીત્યાં વરસોમાં બે-એક વાર માવાળો નેકલેસ પહેરીને પોતે ફડકમાંથી બહાર નીકળી આવેલી... અત્યારે પણ તેણે આરવની નજરોમાં ટપકતી તારીફને જ પોંખી.

‘હવે તમારે બચ્ચું પ્લાન કરવું જોઈએ.’ ગઈ કાલે શ્રાવણીએ ટેલિટૉકમાં પૂરેલો ટહુકો સાંભરી ગયો. પિયરથી મા ૫ણ હમણાંની બાળક માટે ટકોરતી હોય છેને!

‘એકલા અમારે નહીં... તમારે પણ! અશ્મિતનો બિઝનેસ જોરમાં ચાલે છે.’

‘એ તો ખરું અવનિ, પણ બાળક માટે પ્રથમ આવશ્યકતા છે...’ કશુંક કહી નાખવા જતી શ્રાવણી છેલ્લી ઘડીએ સચેત થતી હોય એમ થોડું અટકી, ખોટું હસીને વાત ફેરવી નાખવા જેવું કર્યું હતું, ‘૫હેલાં ઘ૨ તો કરીએ. અમારું બાળક ભાડાની ખોલીમાં શું કામ પા-પા પગલી પાડે?’

સાચે વાત આટલી જ હશે? અહં, આ લગ્નમાંથી પરવારું કે શ્રાવણીનું મન ખોતરવું રહ્યું...

- અને અવનિ ચમકી, આરવ સ્થિર બન્યો.

સ્ટેજ ૫૨ વર-વધૂને શુભેચ્છા આપવા જવા માટેની નિમંત્રિતોની કતારમાં તેમની આગળ ઊભા મારવાડી દંપતીના શેઠાણીના ગળામાં હૂબહૂ અવનિએ પહેર્યો એવો જ નેકલેસ હતો!

તે દૌલતરામનાં ધર્મપત્ની નંદુ શેઠાણી હતાં!

€ € €

હાઉ ઇટ ઇઝ પૉસિબલ? આરવ મૂંઝાય છે, ગૂંચવાય છે. અવનિનો જીવ ચૂંથાય છે.

‘આઇ વૉઝ શૉક્ડ...’ આરવના સ્વરમાં હજીયે આઘાત વર્તાતો હતો. અવનિએ સાડીના છેડાથી પ્રસ્વેદ લૂછ્યો. ફંક્શનમાં અવનિના ગળામાં સેમ નેકલેસ જોઈને ધૅટ નંદુ શેઠાણી પણ ચમકી હતી. તેના પારખું વરે જોકે મારા હારને તાકતાંની સાથમાં કહી દીધું કે આ તો નકલ છે!

સાંભળીને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું લાગેલું અવનિને. આરવ ખળભળી ઊઠેલો : મોં સંભાળો શેઠ, આ મારી માની નિશાની છે. ખાનદાની ઘરેણું છે, નકલી ઓછું હોય!

‘વિશ્વાસ ન આવતો હોય તો કોઈ જ્વેલર પાસે ચેક કરાવો... અસલી ઘરેણું મારી પત્નીની ડોકમાં છે...’ વટથી બોલતાં મારવાડી શેઠે ઉમેર્યું પણ હતું કે ત્રણ વરસ અગાઉ એક સરદારજી પાસેથી પોતે આ બહુમૂલ્ય નેકલેસ ખરીદ્યો હતો...

મતલબ, ગુજરાત મેલના પર્સચોરે મારો હાર કોઈ સરદારજીને વેચ્યો હશે ને એના દ્વારા દૌલતરામ પાસે આવ્યો એટલું અવનિને પરખાતું હતું, પણ આરવને એ બધું કેમ સૂઝે! માની નિશાની નકલી કહીને મારવાડી શેઠે પ્રસંગની મજા નિચોવી દીધી. વર-વધૂને મળવાનું પડતું મૂકીને આરવ ઉતાવળે નીકળ્યા હતા : ચાલ, ત્રિભુવન જ્વેલર્સ. શોરૂમ બંધ થાય એ પહેલાં ઘરેણાની સચ્ચાઈનું પારખું કરી લઈએ... મારી માના હારને નકલી ગણાવાય એ કેમ ખમાય?

અવનિ ઇનકાર કરવાની સ્થિતિમાં નહોતી અને પરિણામ ધારતી’તી એ જ આવ્યું. જ્વેલર્સે પણ કહી દીધું : હાર નકલી છે. માંડ બે-ત્રણ લાખનો હશે! સાંભળીને ડૉક્ટરે પેશન્ટની અંતિમ ઘડીનું નિદાન કર્યું હોય એવા હેબતાઈ ગયેલા આરવ... માર-માર કરતા ઘરે આવ્યા. હૉલમાં આંટા મારતા આરવના કાળજે શું વીતતું હશે એની કલ્પના અવનિને

પાણી-પાણી કરતી હતી. કોઈ જૂઠ ક્યારેય હંમેશ માટે ટકતું નથી એ સોનેરી સત્ય હું કેમ વિસરી!

‘હાઉ ઇટ ઇઝ પૉસિબલ!

અવનિ - અવનિ.’ આરવે પત્નીને ઝંઝોડી, ‘ક્યાંક તું એવું તો નથી માનતી ને કે માએ તને નકલી હાર આપ્યો હોય.’

‘બસ કરો આરવ...’ અવનિ સહેમી ઊઠી, ‘હું મા માટે આવું ધારું?’

‘આઇ નો, બટ... હું શું કરું!’ આરવની લાચારી ઊભરાઈ, ‘માને મેં હંમેશાં બહુ ગવર્થી  આ હાર પહેરતાં જોઈ છે... મારી માની તને ગૃહપ્રવેશની ભેટ! એમાં ખોટ નીકળી?’ આરવે ચમકારો અનુભવ્યો, ‘અરે, દર વર્ષે જ્વેલરીના વીમાનું મૂલ્યાંકન કરનારી એક્સપર્ટ્સની ટીમને આમાં નકલ ન ગંધાઈ?’

અવનિ કંપી. બસ, હવે આરવે એટલો જ અર્થ તારવવાનો હતો કે ગયા જુલાઈમાં વીમાનું પ્રીમિયમ ભર્યું ત્યાં સુધી હાર સાચકલો જ હોવો જોઈએ. મતલબ, વીમો ઉતાર્યા પછી જ કંઈ થયું! તેના આ તર્કનો મારે શું પ્રત્યુત્તર આપવો? મૂલ્યાંકનને મૅનેજ કર્યાનું કેમ કહેવું?

પણ આરવને એવું કંઈ સૂઝે એ પહેલાં...

‘હાય!’ કરતાં શ્રાવણી-અશ્મિત આવી ચડ્યાં, ‘ટાઉનમાં સેટરડે ઈવ એન્જૉય કરીને પાછાં વળતાં હતાં. થયું કે ડોકિયું કરતાં જઈએ, કદાચ તમે તાજની પાર્ટીમાંથી આવી ગયાં હો...’ બોલતી શ્રાવણી એકદમ ઊછળી, ‘હેય! નેકલેસ મળી ગયો! તું કહેતી પણ નથી!’

ખલાસ! અવનિએ કમકમાટી અનુભવી. ધ્યાન જ ન રહ્યું કે પોતે હજી ફંક્શનના લિબાસમાં છે, ઘરેણાની સજાવટ પણ જેમની તેમ છે; હારની નકલ કરી રાખ્યાનું પોતે શ્રાવણી-અશ્મિતને કહ્યું નહોતું. વીત્યાં વરસોમાં એ ચર્ચા

ઊખળી જ નહોતી એટલે મારી ડોકમાં નેકલેસ ભાળી શ્રાવણી આમ જ ઊછળે ને અશ્મિત...

‘સરપ્રાઇઝિંગ!’ અશ્મિત પણ આંચકો ખાઈ ગયો, ‘મારવાડી શેઠે હાર તમને વેચ્યો!’

સોપો સર્જા‍યો. શ્રાવણીના વાક્યે આરવ અવનિને તાકી રહ્યો તો અશ્મિતના વિધાને શ્રાવણીને પૂતળા જેવી કરી.

‘નેકલેસ મળી ગયો, મતલબ? ખોવાણો હતો? અને અશ્મિત, મારવાડી શેઠને તું ક્યાંથી જાણે?’

ગૂંચવાતા આરવના પ્રશ્નોનો જવાબ દેવાની કોઈની હામ નહોતી.

‘અવનિ!’ આરવે પત્નીને ઝંઝોડી, ‘વૉટ ધ હેલ ઇઝ ઑલ ધીસ?’

અવનિ આંખો મીંચી ગઈ, ખૂલી ત્યારે દ્વિધા નહોતી, ‘વાત આજથી લગભગ પોણા ચાર વરસ પહેલાંની છે આરવ...’

પો...ણા ચાર વરસ! ધક્કો લાગ્યો હોય એમ આરવ પત્નીથી દૂર થયો. આરવની નૈરોબી યાત્રા દરમ્યાન શ્રાવણીના સાસરે લગ્ન, તેનું હાર લઈને જવું, ટ્રેનમાં ચોરી, શ્રાવણીની રડમસ હાલત... ઘટનાક્રમ કહેતાં હાંફી જવાયું.

તે fવાસ ખાવા રોકાઈ કે આરવ તાળી પાડી ઊઠ્યો, ‘વાહ, હવે મને સમજાય છે... ટ્રેનમાં હાર ચોરાયાનું જાહેર ન થાય, તું વાંકમાં ન આવે, તારી સખીની બદનામી ન થાય એ માટે તેં જ નકલી હાર બનાવીને તિજોરીમાં મૂકી દીધો એમ જ કહેવું છેને તારે?’

આ કેવળ પ્રશ્ન નહોતો. એમાં તુચ્છકાર હતો, નિચોવી નાખતી વેદના હતી.

‘મેં નકલી હાર બનાવ્યો એ સાચું આરવ, પણ...’

આરવ ધબ દઈને સોફા પર બેસી પડ્યો. શ્રાવણી એથી ઝબકી, દોડી, ‘જીજુ, વાંક મારો છે. તમારું ઘરેણું હું જાળવી ન શકી. અવનિએ તો તમારે ખાતર...’

‘મારે ખાતર શું શ્રાવણી?’ આરવનો સ્વર ઊંચો ગયો, ‘આજે તારી બહેનપણી વાંકમાં આવી એટલે તું તેનો આ રીતે બચાવ કરે છે? આઇ ઍમ સૉરી અવનિ; પણ આ છેતરપિંડી છે મારી સાથે, મા સાથે, ખાનદાનની પરંપરા સાથે અને દામ્પત્યમાં છેતરામણીનું બીજું નામ બેવફાઈ છે! મેં તને આવી નહોતી ધારી!’

રિસાઈને આરવ રૂમમાં જતો રહ્યો, અવનિને કંઈ સૂઝે એમ નહોતું.

‘આ હારે તો આપણી દોસ્તીની કિંમત વસૂલી. જાણે કઈ મતિએ મને એ હાર લેવાનું સૂઝ્યું!’ કહેતી શ્રાવણીના ધ્યાનમાં હતું. ‘પણ અશ્મિત, તમે મારવાડી શેઠનું શું બોલ્યા? અવનિ-જીજુને તાજમાં ભટકાયેલા એ શેઠને તમે ક્યાંથી ઓળખો? હાર તેની પાસે હોવાનું તમે કેમ જાણ્યું?’

‘મને હમણાં બે-ચાર દહાડા પહેલાં જ જાણ થઈ શ્રાવણી - ફેસબુક, યુનો!’ અશ્મિતે અચકાતા-ખચકાતા ફોડ પાડ્યો, ‘તેમની વાઇફના ગળામાં આ જ નેકલેસ સાથેનો ફોટો ભાળીને મેં તપાસ કરાવી, નેકલેસ ખરીદવામાં અમને રસ છે એવું પણ આડકતરી રીતે કહી દીધું... પણ આપણે મોડા પડ્યા!’

‘અવનિ, જીજુને મનાવવામાં તું મોડી ન પડતી!’

€ € €

અઠવાડિયા અગાઉના ઍમ્બ્યુલન્સની સાયરન જેવા શ્રાવણીના એ શબ્દો અત્યારે પણ કાનોમાં ગુંજે છે, બે દિવસથી પિયર આવેલી અવનિને વિહ્વળ કરી જાય છે.

પોતે એ માટે શું નહીં મથી હોય! શ્રાવણી-અશ્મિતના નીકળ્યા બાદ રૂમમાં જઈને જોયું તો આરવ પોઢી ગયેલા લાગ્યા. ના, આંખો બંધ કરીને પડ્યા હશે. મને ઠપકાર્યા બાદ તેમને ઊંઘ શાની આવે!

‘આરવ, જે થયું એના કાર્યકારણની ચર્ચા જવા દઈએ. તમારી રીસ વાજબી છે, હું મારી ભૂલની ક્ષમા પ્રાથુર્‍ છું... મને માફ નહીં કરો?’ બોલતાં અવનિનો કંઠ રૂંધાયો. ના, આરવે તોય આંખો નહોતી ઉઘાડી...

એ રાત કેવી વેરણ રહી! સવારે ઊઠીને પોતે રોજિંદી ટેવ મુજબ તેમનું મુખ ચૂમવા ગઈ તો કેવું માથે ઓઢી લીધું! ઑફિસ નીકળતી વેળા શુષ્ક સ્વરે જાણકારી દીધી : ટિફિન લાવવા કે મોકલવાની જરૂર નથી, હું ફ્રૂટ-ડિશ મગાવી લઈશ!

‘તમે મને સરખું વઢી લો આરવ, આ રીસ મારાથી નથી સહન થતી કેમ કે એ તમને વધું પીંખે છે.’ અવનિએ આટલું કહેતાં આરવના હોઠ વંકાયા હતા, ‘મને છેતરતી વેળા તને આવો વિચાર નહોતો આવ્યો? ચાર વરસથી પતિને અંધારામાં રાખી શકે એ તારું કેવું રૂપ અવનિ?’

આરવની રીસમાં અભાવ ભળતો જતો હતો. શ્રાવણી-અશ્મિત બિચારાં ફોન પર કન્સર્ન દાખવતાં. અમારા દામ્પત્યનો એક ખૂણો તેમની સમક્ષ ઉજાગર થયો એનું પણ અવનિને દુ:ખ હતું : ત્રીજાની હાજરીમાં આરવે આપો ગુમાવવો જ ન જોઈએને!

‘આરવ, રીસને વેળાસર વાળો નહીં તો એ કાયમનો ખટરાગ બની જતી

હોય છે.... મારી ભૂલની માફી ન દઈ શકો તો સજા દઈ દો, પણ રિસામણાનો અંત આણો!’

અનેક સમજાવટ પછીયે આરવ પૂર્વવત ન બન્યો ત્યારે થયું કે કદાચ થોડી દૂરી તેમનામાં મારી લાગણીનો અહેસાસ પ્રેરે. એટલે ‘થોડા દિવસ મમ્મીને ત્યાં જઈ આવું?’ એમ પૂછતાં તેમણે ખભા ઉલાળીને કહી દીધું : તારી મરજી, કેમ જાણે તું બધું મને પૂછીને કરતી હોય!

ન મને રોકવાની ચેષ્ટા, ન હું અહીં છું તો એક વાર આંટોફેરો કરી જવાની લગની! માતા-પિતા સમક્ષ પણ મારે તમારી વ્યસ્તતાની બનાવટ દાખવીને ખુશ રહેવું પડે છે. મારી એક ખતાએ તમને આટલા નિષ્ઠુર બનાવી દીધા આરવ? મેં તમને છેતર્યા, મારી એ થોડી સી બેવફાઈએ તમે આટલા આકરા થતા હો આરવ તો એ શું હતું જે લૈલા સાથે થયું?

અવનિ હાંફી ગઈ. ન કરે નારાયણ ને પોતે જો કદી લૈલાનો ઉલ્લેખ કરી બેઠી તો આરવ કેવા બઘવાઈ જાય. હું લૈલા બાબત જાણું છું એની જાણ તમને થવા દીધી નથી એ છેતરામણીને શું કહેશો આરવ?

પણ ના, હું આમાંનું કંઈ જ નહીં પૂછું, કહું... દામ્પત્યમાં મને કેવળ સ્નેહનું સિંચન જોઈએ, બેવફાઈનું સેટલમેન્ટ નહીં!

આરવને ક્યારેક તો મારો પક્ષ સમજાશે... બસ, એ જલદી થવું જોઈએ! તમારા પાશ વિના, શ્વાસ વિના નથી ગમતું આરવ...

અને અવનિની આંખો વરસી પડી.

€ € €

અવનિ, તેં આવું કર્યું!

આ બાજુ બ્રેકફાસ્ટ-ટેબલ પર બેઠેલા આરવના ચિત્તને પણ જંપ નથી. અવનિ મને જૂઠ બોલે, એ પણ માની નિશાની બાબત, એ આઘાત કેમ જીરવાય! તે જૂઠ કેમ બોલી? હાર ચોરાયાના ખબર જાણીને હું તેને વઢીશ, શ્રાવણીને ટોકીશ એ બીકે જને! મને પીડા એ છે અવનિ કે મને તેં આટલો જ જાણ્યો? તેં કહ્યું હોતને અવનિ તો...

- અને આગંતુકોને નજીક આવતા ભાળીને આરવનાં નેત્રો પહોળાં થયાં, હૃદય ધડક-ધડક થઈ ગયું. આ તો... આ તો... લૈ...લા!

વીત્યાં વરસોમાં વીસરાઈ ચૂકેલું પાત્ર અચાનક નજર સામે ભાળીને અવાચક થઈ જવાયું. બીજી પળે ડાઇનિંગ હૉલમાં ટહુકો ગુંજ્યો, ‘મને ન ઓળખી આરવ? હું લૈલા! આ મારો હસબન્ડ નિનાદ.’

અશ્મિતે તે સશક્ત દેખાતા જુવાનને જોયો હોત તો બોલી ઊઠત કે અરે, આ તો ગુજરાત મેલમાં શ્રાવણીનું પર્સ તફડાવવા મેં હાયર કરેલો એ જ નિનાદ!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK