કથા-સપ્તાહ - જાને-અંજાને (થોડી સી બેવફાઈ - 3)

આરવે પરાકાષ્ઠા વાગોળી.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


ચૉકલેટ ચગળ્યાની ચોથી મિનિટે આંખો ઘેરાવા લાગી હતી. હોશ ગુમાવતી વેળા એટલો જ ખ્યાલ રહ્યો કે લૈલા કુશળતાથી કાર સાઇડ પર લેવડાવી રહી છે. બસ, પછી બે કલાકે આરવ જાગ્યો ત્યારે હજી કારમાં જ હતો. ૫ણ લૈલા ક્યાં?

બીજી પળે ફોન રણક્યો. સ્વર લૈલાનો જ નીકળ્યો, ‘યુ વર અ મૅન! તમારા ફોનમાં ડોકિયું કરી લો આરવ, પછી નિરાંતે વાત કરીએ.’

લૈલાના બદલાયેલા તેવર ચમકાવી ગયા. એથી વધુ ચમક તેણે વૉટ્સઍપ કરેલી તસવીરો નિહાળી અનુભવાઈ. એમાં પોતે લૈલાના અધરોને ચૂમતો હતો, લૈલા મારા બદનને... ફોટોમાં ક્યાંય મારી બેહોશી કળાતી નથી બલકે સાયુજ્યમાં રસપ્રચુર થઈને હું આંખો મીંચી ગયો છું એવો જ ભાવ જાગે. આ બને જ કેમ, મને કશું યાદ કેમ નથી આવતું!

‘કેમ કે ચૉકલેટમાં ઘેન હતું...’ ત્રીજી મિનિટે વળી ફોન રણકાવીને લૈલા ખડખડાટ હસી.

આરવ સમસમી ગયો. સમજાઈ ગયું. મને બેહોશ બનાવીને લૈલા જોઈતા પોઝમાં તસવીરો પાડી ગઈ અને હવે.

‘તમે પરણેલા છોને! તમારી વાઇફને જો જાણ થાય કે... ’

કાળજે કરવત જેવી ખૂંપી. ભલે જે બન્યું મારી જાણ બહાર, બેહોશીમાં બન્યું. ફોટોના પુરાવા પરથી અવનિ એને મારી થોડી સી બેવફાઈ માનવા પ્રેરાય એ પત્નીસહજ છે અને તે મારા બયાનમાં વિશ્વાસ મૂકે તોય બહાર ફરતા પતિ સાથે ફરી આવું બને ન બનેનો ઉચાટ તો રહેવાનો જ! નહીં, અવનિને તો કોઈ કાળે જાણ થવી ન જોઈએ...

અને બસ, પોતે બ્લૅકમેઇલિંગના તાબે થઈ ગયો. દર પહેલી તારીખે તેનો ફોન આવી જાય ને હપ્તો આરવે ખાતામાં ટ્રાન્સફર કરી દેવાનો રહે. લૈલા પૈસા લઈને ચૂપકી પાળતી હતી એ રાહતરૂપ હતું. અવનિથી સત્ય છાવરવામાં એથી સરળતા રહેતી.

લૈલા વૉઝ સ્માર્ટ ઇનફ. દરેક શિકાર મારા જેટલો માલદાર ન જ હોય, પણ મારી શ્રીમંતાઈને કારણે બ્લૅકમેઇલિંગની લાંબી ઇનિંગ્સ ખેલવા આટલા મહિનામાં મારા વિશે ઘણી જાણકારી મેળવી લીધેલી તેણે. ત્યાં સુધી કે ઘરનો લૅન્ડલાઇન નંબર પણ!

‘નો કૉલ ઍટ હોમ લૈલા.’ ચારેક માસ અગાઉ લૈલાએ ઘરનો લૅન્ડલાઇન રણકાવતાં આરવે કડક સ્વરમાં કહી દીધેલું. લૈલા ઘરે પેધી પડે એ કેમ ચલાવી લેવાય? એના કરતાં એક જ બેઠકમાં શા માટે ડીલ ક્લોઝ ન કરી દેવી?

‘મને આમ હપ્તો ચૂકવવામાં રસ નથી, ફાઇનલ કિંમત બોલ ને પીછો છોડ.’

ત્યારે તે મુંબઈ આવી. તેણે માગેલી દસ લાખની કૅશ ધરીને મેં હંમેશ માટે તેનાથી પીછો છોડાવ્યો...

આરવે વર્તમાનનું સંધાણ કર્યું. લૈલા સાથેની તસવીરો મેં મિટાવી દીધી છે. પાછલા ચાર મહિનામાં લૈલા વાયદા મુજબ ક્યાંય નથી ડોકાઈ, પણ મારા ચિત્તમાં ક્યારેક સળવળી જાય છે એનું શું! પત્નીથી પોતે કંઈક ગોપનીય રાખવું પડ્યું એનો ડંખ ચૂભે છે, પણ કેટલાક ભેદ ઢંકાયેલા રહે એમાં જ સંસારનું સુખ છે.

આરવે વધુ એક વાર જાતને સમજાવી દીધી.

€ € €

આ બાજુ બહુ વિચારતાં અવનિને ઉકેલ મળી ગયો હતો : ઇમિટેશન જ્વેલરી!

માના ખાનદાની હારની હૂબહૂ નકલ કરાવી ઘરેણું જેમ હતું એમ સેફમાં ગોઠવી દીધું હોય તો! આરવ કંઈ ઝવેરી નથી કે તેમને સાચા-ખોટાની ખબર થાય. વળી નેકલેસ કંઈ રોજ-રોજ ઓછો પહેરવાનો છે? અને આ છેતરપિંડી નથી, મારા પતિથી મારો ગુનો છાવરવાની ચેષ્ટા પણ નથી. કેવળ આરવની ભાવનાને ઠેસ ન પહોંચે એ માટેની મથામણ છે બસ!

અવનિને દ્વિધા ન રહી. હોંશ વિના લગ્નમાં હાજરી પુરાવી મુંબઈ પાછાં ફરેલાં શ્રાવણી-અશ્મિતને તેણે જુદી રીતે વિશ્વાસમાં લઈ લીધેલાં : વલસાડ સ્ટેશને થયેલી ચોરીની ઘટના લોકલ અખબારમાં છપાઈ હશે, મુંબઈમાં પેપર-આઉટ નથી થઈ એ પહેલો લાભ. હવે આપણે પણ આ ઘટનાને ભૂલી જઈએ. શ્રાવણીએ હાર માગ્યો નથી, મેં આપ્યો નથી. આરવને કેમ, શું કહેવું એ મારા પર છાડી દો...

- અને આરવના પરત થવાના દહાડે નકલી હાર તિજોરીમાં મુકાઈ પણ ગયો.

€ € €

‘હેય.’ ઍરપોર્ટની લાઉન્જમાં પતિ-પત્ની એકમેકને વળગી પડ્યાં. અઠવાડિયાના અંતરાલે મળવાના રોમાંચમાં આરવે એ યાદ ન રાખ્યું કે પોતે પત્નીથી કશું છપાવ્યું છે ને અવનિએ પણ સ્મરણ ઊપસવા ન દીધું કે પોતે પણ આરવને હાર બાબત અંધારામાં રાખી રહી છે!

€ € €

સમયને સરકતાં વાર નથી લાગતી. નેકલેસવાળી ઘટનાને આજે આઠ મહિના વીતી ગયા. દરમ્યાન સોશ્યલ ઇવેન્ટમાં અવનિએ સામેથી માવાળો હાર પહેરી જોયેલો. આરવને બનાવટ ગંધાઈ નહીં. અવનિએ એનો હાશકારો ચોક્કસપણે અનુભવ્યો હતો.

‘એક ખુશખબર છે!’ હજી ગયા મહિને ખાસ આરવને મળાય એ રીતે ઘરે આવેલાં શ્રાવણી-અશ્મિત થનગનતાં હતાં, ‘સ્ટેરૉઇડ્સ બનાવતી કંપની વિશેષ ફાર્માસ્યુટિકલ પોતાનો બિઝનેસ ગુડવિલ સાથે વેચી રહી છે. અશ્મિત એને પાર્ટનરશિપમાં ખરીદી રહ્યો છે.’

‘બે પાર્ટનર છે એટલે ઇન્વેસ્ટમેન્ટ પણ વહેંચાઈ જશે.’ અશ્મિત, ‘અત્યારે તો અમારું ઘર કાઢી મેં મારો શૅર આપવાનું વિચાર્યું છે.’

બીજા અઠવાડિયામાં તેમના ઘરનો સોદો થઈ ગયો. પતિ-પત્ની નજીકની ચાલીની રૂમમાં ભાડે રહેવા ગયાં. નોકરી છોડીને અશ્મિત ફુલટાઇમ ધંધામાં જોતરાઈ ગયો. શ્રાવણી ખુશ છે, એથી વિશેષ શું જોઈએ?

સુખ અકબંધ રહ્યાની રાહત પસવારતી અવનિને શ્રાવણીના સંસારની અસલિયત ક્યાં માલૂમ હતી?

€ € €

‘નહીં અશ્મિત...’ કામક્રીડાનો ઇનકાર ફરમાવતી શ્રાવણી પડખું ફરી ગઈ. અશ્મિત સમસમીને રહી ગયો.

‘ક્યાં સુધી તારે દૂરીનું વþત પાળવું છે શ્રાવણી! હાર ગયો ત્યારથી આપણે સાયુજ્ય માણ્યું નથી. જે બન્યું ખોટું થયું, એનો મનેય એટલો જ અફસોસ છે; પરંતુ છેવટે તો આપણે એ ગમમાંથી જાતને ઉભારવી રહી, બીજું કંઈ નહીં તો

અવનિ-આરવના દાખલા પરથી...’

તોય શ્રાવણી પડખાભેર જ રહી.

‘અવનિએ આપણને નચિંત રહેવા જણાવ્યું. તેણે આરવને શું કહીને મનાવ્યો હશે આપણે જાણતા નથી, પણ કદીયે તેમની વચ્ચે અણખટ ભાળી છે?’ પૂછ્યાં પછી અશ્મિતે ચૂપ થઈ જવું પડ્યું. એમ તો અમારી આ દૂરી પણ ક્યાં કોઈને અમે પરખાવા દીધી છે?

ના, અવનિના વહેવારને કારણે હાર ચોરાયાનું ગિલ્ટ તો શ્રાવણી વિસારી શકી છે, પરંતુ ફિઝિકલ થવા જાઉં કે તે થથરી ઊઠે : કાશ, ઘરેણામઢ્યાં અંગ દેખાડીને તને પ્રચુરપણે ખીલવવાનો કામ સૂઝ્યો ન હોત તો કોઈની અણમોલ યાદગીરી આપણા હાથે લૂંટાઈ ન હોત!  

અને બસ, તેને નિરાવૃત થવામાં રસ ન રહેતો, તનક્રીડાની સૂગ જાગતી. આજે પણ એમાં બદલાવ નથી એ વળાંક કોને કહેવો!

અશ્મિતે નિ:શ્વાસ નાખ્યો. પોતે ઘણું મથતો, લલચાવતો; પણ શ્રાવણી તો અક્કડ જ રહેતી. ક્યારેક પોતાને વળગીને રડી લેતી : મારી વિષયલાલસાના દોષે સર્જેલી હોનારત મારામાં કદાચ ક્યારેય કામ સળવળવા નહીં દે! તારાથી ન ખમાતું હોય તો આપણે છૂ...ટા...

એવો જ અશ્મિત તેના હોઠે આંગળી મૂકી તેની પેશાની ચૂમતો, ‘મારા પ્યારમાં શ્રદ્ધા રાખ શ્રાવણી. હું બીજું કંઈ પણ કરું, કોઈ કારણે તને છોડવાનું તો વિચારી પણ ન શકું. તારી મરજી, તારી ખુશી આગળ ચપટીક સુખનું શું મૂલ્ય!’

સાંભળીને ભાવવિભોર બનતી શ્રાવણી અશ્મિતને વળગી પડતી. પ્રેમભર્યા પાશથી વધુ આગળ વાત કદી વધી નથી.

પોતે તો આવું કોઈને કહેવાનું ન હોય. શ્રાવણીએ અવનિને પણ ભનક આવવા નથી દીધી. આના મૂળમાં હારની ચોરી હોવાનું જાણીને તે દુ:ખી થાય એ તો ખરું જ, પણ એથીયે વિશેષ પતિ-પત્નીનું અંગત કોઈ ત્રીજી વ્યક્તિ માટે નથી હોતું એ આજે મને સમજાય છે...

એક ઘટનાએ શ્રાવણીને કેવી પીઢ બનાવી દીધી! નવા બિઝનેસના મામલે તે મારા પડખે ઊભી રહી, નાનકડી રૂમમાંય તેણે મુસ્કાન મૂરઝાવા નથી દીધી એ સુખ ઓછું છે! એ જ સાચો પત્નીધર્મ. નહીં, પતિધર્મ નિભાવવામાં તો હુંય ઊણો નહીં ઊતરું.

‘શ્રાવણી, બિઝનેસમાં મારો પહેલો ટાર્ગેટ ખબર છે તને? ત્રણ કરોડ ભેગા કરીને અવનિને એક નેકલેસ ગિફ્ટ કરવો છે મારે.’

‘ખરેખર!’ શ્રાવણી ઊલટી ફરીને પતિને વળગી પડી. અવનિ ભલેને ન કહે, ન માગે; તેની જણસનું ખરું મોલ તો ચૂકવાય પણ નહીં. જોકે કંઈક આપવાની ફરજમાંથી અમે કેમ ચૂકીએ? પતિના ઇરાદાને વધાવતી શ્રાવણી અશ્મિતની બાંહોમાં સુખનીંદરે પોઢી.

તેના વાળમાં હાથ ફેરવતા અશ્મિતની પાંપણે બે બુંદ જામી, મનમાં પડઘો ઊઠ્યો : આઇ ઍમ સૉરી શ્રાવણી, વેરી સૉરી!

મારી મૂક માફીનું કારણ શ્રાવણી જાણતી હોત તો મારી થોડી સી બેવફાઈ બક્ષી શકત?

નહીં, શ્રાવણીને ક્યારેય ગંધાવું ન જોઈએ કે એ રાત્રે ગુજરાત મેલમાંથી તેનું પર્સ ચોરનાર કોઈ લગેજ-લિફ્ટર નહીં, મેં પ્લેસ કરેલો ભાડૂતી આદમી હતો!

€ € €

ત્રણ વરસ!

કફ પરેડના મારવાડી શેઠને મળવા તેમના ઘરે આવેલા અશ્મિતે દીવાનખંડમાં લટકતા કૅલેન્ડરનાં તારીખ-વાર જોઈને તાળો ગૂંથ્યો : સમય જાણે મુઠ્ઠીમાંથી રેતની જેમ સરકી ગયો... સાથે અમારા સંઘર્ષને પણ લેતો ગયો! પાર્ટનર્સ શોધીને સ્ટેરૉઇડ્સનો બિઝનેસ ગુડવિલ સાથે ખરીદેલો એટલે જમાવવાની ચિંતા નહોતી... નાઓ ઇટ્સ ટાઇમ ટુ પે બૅક. પોણાચાર વરસ અગાઉ જે નેકલેસની તફડંચીથી પોતે વ્યાપાર જમાવવાનો રાજમાર્ગ કંડાર્યો એ હવે મૂળ માલિકને પહોંચી જવો જોઈએ! ત્યાર પછી જ ઘરનું વિચારાય...

અશ્મિતે વાગોળ્યું...

અશ્મિતમાં આગળ વધવાની મહત્વાકાંક્ષા હતી અને એ અરસામાં સ્ટેરૉઇડ્સના વેપારને વેચાતો લેવાની તક પણ હતી.. એ સમય જ એવો હતો કે પૈસાની સગવડ ઊભી કરવા કંઈક તુક્કા લડાવેલા. એવામાં લગ્ન માટે ગામ જવાનો યોગ ઘડાયો. ગુજરાત મેલની રાતની જર્ની બાબત શ્રાવણીની અવનિ સાથે ટેલિટૉક કાને પડતાં સળવળાટ સર્જાïયો...

લાંબા અંતરની ટ્રેનમાં રાત્રિ દરમ્યાન નાની-મોટી ચોરીના બનાવ બનતા રહે છે... એવું કંઈક અમારી સાથે બને, ધારો કે મૅરેજ માટે શ્રાવણી ઘરેણાં લઈને નીકળી હોય ને એ જ જો મુસાફરીમાં ચોરાઈ જાય તો? વેલ, શ્રાવણી પાસે પ્રસંગમાં પહે૨વા પોતાનો સાત તોલાનો દાગીનો ખરો, પણ એને ખાતર મારે ચોરી ઓછી કરવાની હોય! જ્વેલરી અવનિની હોય તો જ વાત બને... પણ એવું સીધેસીધું પત્નીને ઓછું કહેવાય! પાછળથી એ ચોરાતાં ક્યાંક તેને મારી રમત ગંધાય એવું તો થવા જ કેમ દેવાય? આમાં થોડો સમય ગયો. છેવટે નીકળવાની આગલી રાત્રે સંવનનમાં શ્રાવણીને ડોકમાં હીરેમઢ્યા હારથી ૫ગની પાયલ સુધીનાં ઘરેણાંનો એવો ડોઝ આપ્યો કે બીજી સવારે તે ખરેખર અવનિ પાસેથી દાગીનો લઈ આવી, પૂરા ત્રણ કરોડનો નેકલેસ! હવે તો આ હાર ટ્રેનયાત્રામાં ચોરાવો જ રહ્યો!

બસ અશ્મિત બસ! હૈયું ત્યારે પોકારી ઊઠેલું : આ નેકલેસ નિર્મળાઆન્ટીની અંતિમ ભેટ છે અવનિને, આરવના ઘરનું ખાનદાની ઘરેણું છે... એની ચોરી મતલબ અવનિ-આરવના કાળજે ઘા! તારું ડ્રીમ અચીવ કરવા તું તેમની સાથે આટલો નિષ્ઠુર કેમ થઈ શકે? શ્રાવણી જાણશે તો...

અશ્મિત ધ્રૂજી ઊઠ્યો. ત્યાં મન ટપક્યું : તું અત્યારે કેવળ તકને જો... અને કમાતો થયા પછી અવનિ-આરવને એવું ઘરેણું પરત કરી દેજે!

આ આશ્વાસન જચી ગયું ને તેણે ચોરીના કાવતરા પર મહોર મારી દીધી! માર્કેટિંગના જૉબમાં ઠેર-ઠેર ફરવાનું થતું, ભાતભાતના લોકો સાથે પનારો પડતો. પૈસા માટે આડુંતેડું કરવામાં પાવધરા આદમીને તેણે દાણો ચાંપી રાખેલો. શ્રાવણીએ સાંજે ઘરેણું દેખાડ્યું એની બીજી મિનિટે પોતે કૉલ કરીને ડીલ પાકી ઠેરવી દીધેલી : ગુજરાત મેલમાં અડધી રાત્રે શ્રાવણીનું પર્સ ચોરવાની ડીલ!

ઍન્ડ ઇટ વક્ર્ડ... વલસાડ નજીક આવતાં તેણે ત્રાટકવાનું હતું. પોતે જાગી ચૂકેલો. જેવી તેણે તરાપ મારીને પર્સ ઝડપ્યું એવી શ્રાવણીની અણધારી ચીસ ફૂટી ને તેના ધક્કે હું ‘ચોર’ની પાછળ પડ્યો. રૉન્ગ સાઇડ ઊતરીને યાર્ડ તરફ ભાગેલો ‘ચોર’ ખરેખર તો દૂરના અંધકારમાં લપાઈ મારી રાહ જોતો હતો. તેને નિયત રકમ ધરી પોતે જરૂરી ચીજ કાઢી પર્સ ફરી તેને સોંપ્યું : તું દૂર ક્યાંક નદીમાં એનો નિકાલ કરી દેજે...

હારેલા સિપાઈની જેમ પાછો ફરેલો હું. હાર ત્યારે મારા અન્ડરપૉકેટમાં હોવાની કલ્પના તો શ્રાવણીને આજેય નહીં હોય!

હા, તેને અને અવનિને હાર બાબત પરેશાન જોઈને જીવ કપાતો. અમને દોષ ન દેનારી અવનિની ખાનદાની ગરવાઈભરી લાગી, પણ એથી પીછેહઠ કરવાની નહોતી... તોય મેં થોડા મહિના જવા દીધા. એક બાજુ નેકલેસ ચોરાય ને બીજી તરફ હું ડીલ કરું એથી કોઈને વહેમ આવે એવું શું કામ કરવું? ઑફિસના મારા લૉકરમાં રાખેલો નેકલેસ આઠ માસ પછી વેચીને પાતે બિઝનેસની ડ્યુ ડીલ પાર પાડી. આજે ત્રીજા વરસે પહેલો જોગ હારનો પાડવાનો છે... ત્રણ વરસ અગાઉ હાર જેને વેચ્યો એ મારવાડી શેઠ બાર-પંદર ટકા જેટલી વધુ રકમમાં જરૂર એ નેકલેસ મને આપી દેવાનો. મૂડીનું આટલું વળતર પ્રૌઢ વયનો મારવાડી જતું નહીં કરે!

બસ, મારવાડી શેઠ ભીતરથી પધારે એટલી વાર.

‘નમસ્કાર સરદાર બિશનસિંહજી!’

મારવાડી શેઠના સાદે અશ્મિત ઝબક્યો. વૈભવી દીવાનખંડની દીવાલે જડેલા શીશામાં પોતાનું પ્રતિબિંબ જોઈને સાંભરી ગયું કે પાતે બનાવટી દાઢી-મૂઢ સાથે પાઘડીધારી સરદારના વેશમાં છે. નૅચરલી, ‘ચોરાયેલો’ હાર અશ્મિત તરીકે વેચવાનો ન હોય એટલે પોતે સરદારજીનો વેશ ધરેલો. આજે હારનાં નાણાં લેવા પણ એ જ વેશમાં આવવાનું હોયને! શેઠ પાતાને સરદારજી તરીકે ઓળખી ગયા એ ધરપતરૂપ લાગ્યું.

‘બોલો, આજે કોઈ નવું ઘરેણું લાવ્યા છો?’ વેપારીભાવે ખબરઅંતરની આપ-લે કરીને શેઠે પૂછ્યું.

‘અહં, આજે તો ઘરેણું લેવા આવ્યો છું શેઠ.’

આટલું સાંભળતાં શેઠના કપાળે કરચલી ઊપસી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK