કથા-સપ્તાહ - જાને-અંજાને (થોડી સી બેવફાઈ - ૧)

રુક જા રાત...

katha

અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

દૂર ક્યાંક ગૂંજતા લતાના ગીતે અવનિના હૃદયના તાર છેડી દીધા. લગ્નની પ્રથમ ઍનિવર્સરીની મધુર રાત્રિએ મારાં અરમાન પણ એ જ હોયને કે બીતે ના મિલન કી રૈના... મારી માંગ પૂરનારો આરવ જેવો સાથી હોય ત્યારે તો મને હક બને છે આવાં અરમાન પોંખવાનો!

‘મને મારા આરવની ચિંતા હતી... ’ સદ્ગત સાસુના શબ્દો પડઘાયા. અવનિ વાગોળી રહી.

એકના એક દીકરાનું સગપણ લેવાયું ત્યારે માતા નિર્મળાદેવી જીવનની અંતિમ અવસ્થામાં હતા. બ્લડ-કૅન્સર થર્ડ સ્ટેજમાં હતું ને મૃત્યુ પહેલાં આરવનાં લગ્ન લેવાની એકમાત્ર હોંશ હતી.

મલબાર હિલ ખાતે મહેલ જેવું નિવાસસ્થાન ધરાવતો મહેતાપરિવાર ગર્ભશ્રીમંત હતો, એના વારસના સંસ્કાર-ઉછેરમાં કહેવાપણું ન હોય. અત્યંત સોહામણો દેખાતો આરવ પિતાના દેહાંત બાદ વ્યાપારમાં ઘડાઈ ગયેલો. એને માટે મોટાં-મોટાં બિઝનેસ હાઉસથી કહેણ આવતા, પણ નિર્મળાદેવીને પસંદ પડી ખારના બૅન્ક-ર્મનેજર પિતાની એકની એક દીકરી અવનિ!

રૂપમઢી અવનિ ઉર્મિïશીલ હતી, એવી જ આત્મવિશ્વાસુ. રસોઈપાણીનો શોખ. ગ્રૅજ્યુએટ થઈ તેણે કુકિંગ ક્લાસ પણ શરૂ કરેલા. દીકરીની કમાણી માબાપ રાખે નહીં એટલે ક્લાસનો નફો અવનિ નજીકના અનાથાલયમાં ડોનેટ કરી દેતી. પાછો એનો ઢંઢેરો પીટવાનો નહીં.

એ તો પતિની મૃત્યુતિથિ નિમિત્તે નિર્મળાદેવી ખુદ દસ લાખનો ચેક અર્પણ કરવા ગયાં ત્યારે અવનિનો ભેટો થયો. તેજસ્વી કન્યા ગુણવંતી લાગતાં તેના ગયા બાદ અમસ્તી જ સંચાલકને પૂછપરછ કરતાં તેના ગુપ્તદાન વિશે જાણ્યું. એકવીસની થયેલી છોકરીમાં આવી પીઢતા! દીકરાના આદર્શોનો મેળ જાણે અવનિમાં પડઘાયો. ઘટતી તપાસ કરાવી તેમણે નિ:સંકોચ મહાદેવભાઈને દીકરીનું માગું મૂક્યું. 

ખુદ અવનિ માટે એ આંચકારૂપ હતું. આશ્રમની મુલાકાતમાં જાજરમાન જણાયેલાં નિર્મળાદેવી મને તેમની વહુ બનાવવા માગે છે!

‘આ તો આપણાં ભાગ્ય ઊઘડવાની વાત છે, દીકરી.’ મા નયનાબહેને સમજાવેલું. પિતાની એમાં સાહેદી હતી, ‘મહેતાકુટુંબનાં પૈસા-પ્રતિષ્ઠાથી ક્યાંય ઉપર મુરતિયાની લાયકાત છે. અઠ્ઠાવીસ વરસના આરવમાં વ્યાપારી કુશળતા છે, મૂૂલ્યોના જતનની સૂઝ છે. હાઈ-સોસાયટીની પાર્ટીમાં તે જતો નથી. પેજ-થ્રી કલ્ચરમાં માનતો નથી...’

અને ખરેખર, પોતપોતાના માવતરે કરેલાં એકબીજાનાં વખાણમાં આરવ-અવનિને અતિશયોક્તિ ન લાગી. રૂબરૂ મેળના અંતે બેઉનો હકાર થયો ને અઠવાડિયામાં તો નિર્મળાદેવીએ સગપણનો પ્રસંગ પણ ઉકેલી નાખ્યો. તેમની ઉતાવળના મૂળમાં જીવલેણ બીમારી હોવાનું તો સગાઈની સાંજના એકાંતમાં આરવે ભીના સાદે ફોડ પાડ્યો ત્યારે જાણ્યું...

‘માની લે મારાં લગ્ન લેવા પૂરતી તે દેહમાં પ્રાણ ટકાવી બેઠી છે...’ દર્દ વહેંચી આરવ હળવો થયો, પણ પછી અવનિએ લીધેલું પગલું અણધાર્યું હતું.

કોર્ટ મૅરેજ! ઊઘડતી કોર્ટે તે પોતાના પેરન્ટ્સને લઈ પહોંચી. આરવને તેનાં મધર સાથે તેડાવી લીધા. સાક્ષી તરીકે અવનિની ખાસ સખી શ્રાવણી અને તેનો મંગેતર અશ્મિત હાજર હતાં.

અવનિની ઉતાવળ પાછળનાં કાર્યકારણ હવે કોઈથી છૂપાં નહોતાં. આરવ અવનિના નિર્ણયથી જિતાઈ ગયો, જ્યારે નિર્મળાદેવી અવનિને જરા આઘેરી લઈ ગયાં. ‘આ શું ગજબ કરે છે છોકરી, લગ્ન માટે દરેક કન્યાનાં કેટલાં અરમાન હોય છે... પોતે પાનેતર ઓઢે, વાજતેગાજતે દુલ્હો બારાત લઈને આવે... મારે ખાતર તું તારાં અરમાનોને ટૂંપો દે એ મારાથી કેમ ખમાય! આરવે મારી બીમારી જાહેર કરી, પણ મારી પાસે હજી બેચાર માસની મૂડી છે, આપણે રંગેચંગે લગ્ન લીધાં હોત...’

‘પણ પછી મને વહુ તરીકે તમારી સાથે એટલું ઓછું રહેવા મળતને, મા!’ અવનિએ માનો હાથ હાથમાં લીધો, ‘હૈયે ખટકો ન રાખશો. વધુ તો શું કહું, તમે જાઓ એ પહેલાં અરવને તમારી જેમ કેમ સંભાળવા એ શીખી લેવું છે મારે...’

‘હું ધન્ય થઈ વહુ.’ મા અવનિને વળગી પડેલાં, ‘તને સંસારમાં સુખ ક્યારેય નહીં ખૂટે વહુ, એવા મારા આર્શીવાદ છે!’

અવનિ માટે એ અમીછાંટણાં અમૃતમય હતાં.

‘તારા નિર્ણયનો અમને ગર્વ છે, દીકરી.’ શુભમુરતમાં કોર્ટવિધિ પૂરી થઈ. નયનાબહેને દીકરી-જમાઈને પોંખ્યાં. દીકરીનો હાથ જમાઈને સોંપતાં મહાદેવભાઈ ગદ્ગદ બન્યા, ‘અવનિની ભલામણ તમને કરવાની ન હોય, આરવકુમાર. સુખી રહેજો.’

‘નો રોનાધોના.’ બટકબોલી શ્રાવણીએ વાતાવરણ ભારેખમ થવા દીધું નહીં. ‘અંકલ, એમ ન માનશો કે લગ્નના ખર્ચામાંથી બચી ગયા. પાછળ મારાં લગ્ન ઊભાં જ છે, હોં!’

પહેલા ધોરણથી સાથે ભણનારી શ્રાવણી સાથે અવનિનાં પાકાં બહેનપણાં હતાં. શિક્ષકપિતાની દીકરી સ્વભાવે નટખટ, પણ દિલની સાફ. તેમના સખીપણાને કારણે આજુબાજુની ગલીમાં રહેતા બે પરિવારો વચ્ચેય આત્મીયતા સ્થપાઈ ગયેલી. અલબત્ત, બેઉ સહેલીમાં સ્વભાવભેદ પણ ખરો. અવનિ ઠરેલ, સૂઝવાળી; જ્યારે શ્રાવણી અલ્લડ, નાદાન. ભણ્યા પછી અવનિએ ઘરમેળે શરૂ કરેલા કુકિંગ કલાસમાં શ્રાવણીની હાજરી હોય જ. ઠાવકા મોંએ કહે પણ ખરી, ‘અહીં આટલુંબધું રંધાય એ ખાવા પણ કોઈ જોઈએને!’

અવનિ માટે આરવનું કહેણ આવ્યું એના મહિના અગાઉ જ શ્રાવણીનું સગપણ અશ્મિત સાથે નિર્ધાર્યું હતું.

નખશિખ રૂપાળો દેખાતો અશ્મિત મેડિકલ રેપ્રિઝેન્ટેટિવ હતો. આવક સારી, રિટાયર થયેલા તેના પેરન્ટ્સ ગામ રહેતા થયા પછી અંધેરીનો વન બેડરૂમ-હૉલનો ફ્લૅટ પતિ-પત્ની માટે પૂરતો ગણાય. અને અશ્મિતમાં તો પાતાની ફૅક્ટરી નાખી દવાનું ઉત્પાદન કરવાની મહkવાકાંક્ષા છે. જમા પાસાં ચકાસ્યા પછી અવનિને શ્રાવણીના હકારમાં શ્રદ્ધા બેઠી હતી.

કોર્ટની લગ્નવિધિ દરમ્યાન શ્રાવણીએ જ વાતાવરણ હળવું રાખ્યું. ખુશીના માહોલ વચ્ચે મહેતા મેન્શનમાં અવનિનો ગૃહપ્રવેશ થયો.

‘જીજુ,’ વડીલો આઘાપાછા થયા કે શ્રાવણીએ આરવને ભીડ્યો, ‘હજી ઘડિયાળમાં બપોરના સાડાબાર થયા છે... તમારે સુહાગ દિન ઊજવવો છે કે પછી રાતનું જ મુરત રાખીએ?’

આરવ મીઠું મૂંઝાયો. પત્નીની પ્રિય સખીની સંસા૨માં રહેનારી હાજરી આ એક જ સવાલમાં વર્તાઈ ગઈ. અલબત્ત, એનો આનંદ જ હોય. મારે કોઈ અંગત મિત્ર છે નહીં, અશ્મિત મળતાવડો લાગ્યો. એ હિસાબે અમારી ચોકડી જામી જાય એમ છે!

‘અવનિ-જીજુ,’ હસી લઈ શ્રાવણી ગંભીર બની, ‘નચિંત મને નવી શરૂઆત માંડજો. તમારું સુખ માને ટાઢક જ આપશે એ યાદ રાખજો...’

અને ખરેખર, કુળદેવીને પગે લાગ્યા પછી લગ્નજીવનની પ્રથમ રાત્રિ આહ્લાદક રહી. બે તનમનમાં કોઈ આવરણ રહ્યું નહીં.

મોડી સવારે ઊઠ્યાં ત્યારે બીજી સરપ્રાઇઝ મોજૂદ હતી.

નિર્મળામાએ રાતોરાત ભવ્યાતિભવ્ય રિસેપ્શનનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો હતો. એમાં પણ શ્રાવણી-અશ્મિત અગ્રેસર રહ્યાં.

સાંજ ઢળતાં મહેતા મેન્શન રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું. પગના નખથી કપાળના ટીકા સુધી દુલ્હનને શણગારવામાં મુંબઈની સર્વશ્રેષ્ઠ બ્યુટિશ્યને કોઈ કસર નહોતી છોડી. એમાં શિરમોરસમો હતો સાસુમાએ ગૃહપ્રવેશ ટાણે આપેલો ૩ કરોડનો

હીરા-પન્નાજડિત રજવાડી હાર. આ આપણું ખાનદાની ઘરેણું છે, વહુ. સાસુએ તેમની વહુને આપવાનો હોય છે, આજથી એ તારી અમાનત!

એ નેકલેસથી ઝગમગ થતી અવનિ અલૌકિક ભાસતી હતી તો રજવાડી ધોતી-કુરતામાં આરવ ઇરરેઝિસ્ટેબલ લાગતો હતો. શૉર્ટ નોટિસમાં પધારેલા હજાર જેટલા મહેમાનોની હાજરીમાં પ્રસંગ રંગેચંગે પાર પડ્યો ત્યારે પતિ-પત્ની માને વળગી પડેલાં, તમે તો યાદગાર ઉજવણી કરી!

‘એ તો મારાં હક અને હોંશ હતાં.’

‘ખરી મીંઢી.’ એકલાં પડતાં શ્રાવણીએ અવનિને ચૂંટી ખણેલી, ‘રાત કેવી ગઈ એ વિશે ધરાર જો બોલતી હોય!’

‘દામ્પત્યનો સોનેરી નિયમ અત્યારથી ગોખી રાખ, શ્રાવણી. બંધ રૂમમાં જ નહીં, પતિ-પત્ની વચ્ચે ક્યારે શું થાય છે એની જાણ કદી ત્રીજી વ્યક્તિને થવી ન જોઈએ, સમજી!’

‘વાહ, મતલબ એક રાતમાં તું અમારી મટી આરવની થઈ ગઈ...’ શ્રાવણીને એનો હરખ જ હતો.

જોકે પછી હનીમૂન પર જવાને બદલે બીજી સવારથી અવનિએ નવી વહુનો વેશ ઉતારી ઘરનાં કામ સંભાળી લીધા. મહત્તમ સમય તે મા સાથે પસાર કરતી. રામાયણ-ગીતાના પાઠ વાંચતી, આરવ સાથે તેમને હરિદ્વાર-હૃષીકેશની જાત્રાએ પણ લઈ ગઈ.

‘બીમારી ત્રાટકી ત્યારથી મને મારા આરવની ચિંતા હતી...’ છેલ્લા દિવસોમાં મા કહેતાં, ‘પણ તારા પગલે હું નચિંત થઈને જાઉં છું. ’

દીકરા-વહુના હાથે ગંગાજળ લઈ હરિભજન સાંભળતાં માએ પ્રાણ ત્યજ્યા હતા... ભાંગી પડેલા આરવને અવનિએ સાચવી જાણ્યો હતો. શ્રાવણીનાં લગ્ન નિમિત્તે ધીરે-ધીરે બેઉ પૂર્વવત્ બનતાં ગયાં.

વીત્યા આ વરસમાં આરવે મને હથેળીમાં ને હથેળીમાં રાખી છે... મારી સવાર તેમનું મુખડું ચૂમવાથી થાય છે, રાતે તેમના ચુંબનથી મારી પાંપણ ભીડાય છે! કુકિંગ ક્લાસની ફુરસદ કોને છે! દિવસભર આરવ ફોર્ટની ઑફિસે વેપારનાં કામોમાં વ્યસ્ત હોય, બિઝનેસ ડેવલપમેન્ટ માટે બહારગામ જવાનુંય થાય; પણ નવરાશમાં આરવ બરાબર ખીલે. દરેક પળને રોમૅન્ટિક બનાવી જાણે. આરવના ધ્યાનમાં પણ હતું - અવનિ, અશ્મિતમાં વ્યાપાર જમાવવાનું પોટેન્શ્યલ છે. આપણે તેને ફાઇનૅન્શિયલ હેલ્પ કરી શકીએ...

આરવ શ્રાવણીનુ આટલું ધ્યાન રાખે એ ગમે જ... જોકે અવનિએ શ્રાવણીને આ વિશે પૂછતાં તેણે ત્વરિત ઇનકાર ફરમાવેલો, તમે આટલું વિચાર્યું અવનિ એ ગમ્યું, પણ અંગત સંબંધમાં પૈસાની લેવડદેવડ ન હોય એટલી સૂઝસમજ પરણ્યાના છ મહિનામાં ઘડાઈ છે... બાકી મારે કોઈ ખોટ નથી અને અશ્મિતના પુરુષાર્થમાં મને શ્રદ્ધા છે.

ત્યારે સખીની સમજશક્તિ પર અવનિ ઓવારી ગઈ હતી...

સુખમય સફરમાં નાનકડો સ્પીડબ્રેકર ચાર મહિના અગાઉ આવ્યો હતો. પણ પોતે સૂઝથી એને સંભાળી જાણ્યો એની આરવને ભનક સુધ્ધાં નથી - જરૂરે શી જાણ કરવાની? હું તો કેવળ સુખને જાણું, જે અકબંધ રહ્યું!

અને આરવના પગરવે અવનિએ વિચારમેળો સમેટી લીધો. વધુ એક ઉત્કટ પ્રણયરાત્રિ માટે તે સજ્જ થઈ.

€ € €

લવ યુ અવનિ! સુખનિદ્રામાં પોઢેલી અવનિનું મુખ નિહાળતાં આરવનાં નેત્રોમાં પ્રણય ઘૂંટાય છે.

‘તમે પરણેલાં છોને! તમારી વાઇફને જો જાણ થાય કે... ’

ભૂતકાળમાંથી વાંસની જેમ ફૂટી નીકળેલા પડઘાએ આરવને ખળભળાવી મૂક્યો. નજર વાળી લેવી પડી.

સાત મહિના અગાઉ બૅન્ગલોરની એ સડક પર બન્યું જ એવું કે... કાશ, હું લૈલાના ઝાંસામાં ન ફસાયો હોત તો અમારા સોનેરી સંસારમાં લોઢાની મેખનું ટીંપણ થયું ન હોત! અવનિને આજેય એની જાણ નથી. અમારા જીવનમાં આજે તો સુખ છે, કાલની કોને ખબર છે?

€ € €

‘લગ્નની પ્રથમ તિથિની ઉજવણી કેવી રહી અવનિ? રાત્રે સૂતાં તો હતાંને!’ શ્રાવણીની મીઠી મશ્કરી ગલીપચી કરાવી ગઈ.

‘એ બધું તને કહેવાનું ન હોય... તું તારું ખાતું ખોલ. ગામમાં સાસુ-સસરા કેમ છે?’

‘મજામાં. જોકે મુંબઈ રહેના૨ને ગામડે કેમ ફાવતું હશે ડોન્ટ નો, પણ મોટું ઘર લઈએ પછી તેમને અહીં જ તેડાવી લેવાની છું.’

મોટું ઘર! હૉલમાં બેસી સખી સાથે ગપાટતી પત્નીના શબ્દો અંદર રૂમમાં તૈયાર થતા અશ્મિતને સહેજ પજવી ગયા. મુંબઈમાં જગ્યા લેવી કોઈ રમત વાત છે? ઘર કરવું હોય તો તો નોકરીથી વાત નહીં બને, કોઈ ધંધો જ માંડવો પડે!

ના, માબાપે તેને કોઈ અભાવમાં ઉછેર્યોï નહોતો, પણ તેમની સંતોષની ભાવના બહારની દુનિયામાં ડગ માંડ્યા પછી અશ્મિતને જચી નહોતી. આત્મસંતોષ તમારો ગ્રોથ રૂંધી રાખે છે, પુરુષમાં તો ભડભડતી મહત્વકાંક્ષા જોઈએ! અશ્મિત પાસે દિમાગ હતું, જાણકારી હતી, કૉન્ટૅક્્ટસ હતા, વેપારમાં ઝંપલાવાની સાહસવૃત્તિ હતી; નહોતો પૈસો.

શ્રાવણીની ખાસ સખી અવનિ માલેતુજારને પરણી ત્યારે પાતળી આશા બંધાઈ હતી - આરવ જો ડ્રગ (દવા) મૅન્યુફૅક્ચરિંગના પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરે તો જોરમાં ધંધો ચાલે એમ છે. ફાર્મા સેક્ટર ગમેતેવી મંદીમાં પણ માંદું નથી પડતું!

પોતે એની ધરી બાંધે યા શ્રાવણીને સૂચવે એ પહેલાં આરવે જ ઇનિશ્યેટિવ લીધું, પરંતુ અવનિ દ્વારા આવેલા પ્રસ્તાવને શ્રાવણીએ ઠુકરાવ્યાનું એ રાત્રે ખુદ શ્રાવણીએ કહેતાં અશ્મિત પહેલી વાર પત્ની પર બગડ્યો હતો, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી ત્યારે તું મોં ફેરવવાની કેમ થઈ?

સ્વભાવે એકદમ લાઇવ શ્રાવણી આડોશપડોશમાં ભળી ગયેલી, મા-પિતાની કાળજી દાખવતી શ્રાવણી જોડે અશ્મિતનું ટuુનિંગ જામી ગયેલું. અશ્મિતનાં મોટાં-મોટાં શમણાંને શ્રાવણી પાનો ચડાવતી. તેણે જ વધાવવા જેવો પ્રસ્તાવ ઠુકરાવ્યો?

‘તમે ભલે ખિજાઓ અશ્મિત, પણ અંગત સંબંધોમાં મને પૈસાની લેવડદેવડ પસંદ નથી. તમારે જિજુની શેહ રાખવી પડે એ મને નહીં ગમે. ભલેને જિજુ એવા નથી.’ શ્રાવણીએ ટંકાર કરેલો, ‘બાકી તમારાં શમણાં માટે આ ઘર વેચી ઝૂંપડે પણ લઈ જશો તો હું રાજીખુશીથી રહીશ.’

શ્રાવણીના આમ કહ્યા પછી એ ચર્ચા ફરી ક્યારેય ઊખળી નથી...

બટ યસ, એક તક મને પોંખવા તૈયાર છે... ટાઇ બાંધતાં અશ્મિતે ઝડપભેર વાગોળ્યું : સ્ટેરૉઇડ બનાવતી વિશેષ ફાર્માસ્યુટિકલનો ગોરેગામનો પ્લાન્ટ પ્રદૂષણના ઇશ્યુઝને કારણે બંધ થનાર છે... એ યુનિટ જો ગુડવિલ સાથે ખરીદી લીધું હોય તો બેઅઢી વર્ષમાં રોકાણ છૂટી જાય એવી રોકડિયા પ્રોડક્ટ છે કંપનીની! પૉલ્યુશન-બોલ્યુશન માર્યા ફરે. કાશ, મારી પાસે ૪-૬ કરોડનો જોગ હોત તો ડીલ મારા નામે કરી લીધી હોત! આટલી મોટી રકમ કંઈ આ ફ્લૅટ થકી તો ન જ નીકળે... ઓહ, કેવળ પૈસાના અભાવે ક્યાં સુધી હું બે પાંદડે થવાના અવસર ગુમાવતો રહીશ?

‘અરે, હા.’ પત્નીના ઊંચા થતા સ્વરે અશ્મિત વિચારવમળમાંથી ઝબક્યો.

‘આજથી દસમા દિવસે બરોડા નજીકના અમારા ગામમાં અશ્મિતના કઝિનનાં મૅરેજ છે એ તો મેં તને કહેલુંને... યા, બહુ મોટા ઘરની કન્યા ખાળી છે અમારા ભાર્ગવભાઈએ... ભાભી તરીકે લગ્નની બધી વિધિ મારે કરવાની છે એટલે અમે તો મંગળવારે નીકળીશું. ગુજરાત મેલમાં બુકિંગ કરાવ્યું છે. રાતે બેઠા કે સવારે બરોડા! અઠવાડિયાનો પ્રોગ્રામ છે. શું? જિજુ એ અરસામાં નૈરોબી જવાના છે? તો-તો તું પણ ચાલ. બસ, બસ સમજી ગઈ. જિજુ ના હોય ત્યારે પણ તું તેમનો બિસ્તર છોડે એમ નથી! ભકતાણી.’

શ્રાવણીનાં વાક્યો હવે અશ્મિતના કાને પડતાં નથી. તેના ચિત્તમાં ગુજરાત મેલ ઘૂમરાતો હતો!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK