કથા-સપ્તાહ - જાળ (નામ બદનામ - 5)

અને હેલિકૉપ્ટરે સલામત ઉતરાણ કરતાં સિંહાનો શ્વાસ હેઠો બેઠો.

અન્ય ભાગ વાંચો

4  |  5 

અરમાને જીપનો બંદોબસ્ત કરી રાખેલો એટલે ફટાફટ ગોઠવાઈ જવું પડ્યું. માનવ વિચારમાં ગુલતાન હતા. ત્રણેક વર્ષ અગાઉથી શરૂ થયેલી કહાણીનો અંત આવી રહ્યો હતો... ખરેખર?

ના આનંદ, ન્યુક્લિયર સાયન્ટિસ્ટ તરીકે સમેટ નિમિત્તે પાકિસ્તાન પહોંચ્યો, ત્યાં અસંતુષ્ટ ભારતીય વિજ્ઞાનીની છબિ જતાવી, ત્યાં સુધી તો અમે તેના હિતેચ્છુ જ રહ્યા, પણ પછી તેને સાંપડેલી અભૂતપૂર્વ સફળતાએ ખુશીને બદલે ઈર્ષાનો તણખો જન્માવ્યો. જોતજોતાંમાં આગ એવી પ્રસરી કે એમાં આનંદનું સુખ સળગ્યા વિના છૂટકો ન રહ્યો.

માનવની ગણતરી કહેતી હતી કે આનંદની સિદ્ધિનું સિંહાને પણ એટલું જ ચચરતું હશે. મિશનની કામયાબીની જાણ આનંદે સિંહાને કરી ત્યારે પોતે તેમની સાથે જ હતો. સાહેબ કેવા ઝંખવાઈ ગયેલા. આખરે આ જેવીતેવી સિદ્ધિ નહોતી. જાસૂસીની મિલિટરીની સ્પેશ્યલ વિન્ગનો દોરીસંચાર પણ છેવટે તો મિનિસ્ટ્રીમાંથી થતો હોય છે, જ્યાં હવે એવી સ્ટ્રૅટેજી ઘડનારા બેઠા છે જેમનો જોટો નથી. મિનિસ્ટ્રી લેવલથી દબાણ ન હોત તો સિંહાએ આ ઑપરેશન લીધું જ ન હોત, અગાઉ કેટલાય જાસૂસ આમાં કુરબાન થયા, એનો એક વધુ અપજશ લઈ કારર્કિદીનો રેકૉર્ડ ખરાબ નહોતો કરવો તેમણે, પણ છેવટે તો ઑર્ડર આગળ તેઓ પણ લાચાર. એમાં આનંદને મોકલવાનીય બહુ મરજી નહીં, મિનિસ્ટ્રીની જીદ ખાતર આટલા ટ્રેઇન્ડ જાસૂસને મરવા ઓછો મોકલાય. પણ આનંદે સામેથી પડકાર ઝીલતાં ધારેલું તો એવું કે પોતે આનંદના મૃત્યુના ખબર તેની વાઇફ-ડૉટરને સંભળાવવા પડશે; પણ ના, આનંદે તો ઇતિહાસ રચી દીધો. એક તો પોતાની મરજી નહોતી એ મિશન પાર પાડ્યું એથી મિનિસ્ટ્રીમાંથી પણ મેણાનાં બાણ ચાલવાનાં, આનંદને સૌ છાપરે બેસાડવાના.

‘આ બળતરા ઠારવાનો એક જ ઉપાય છે.’ માનવે હિંમત કરી દાણો ચાંપી જોયો, ‘આનંદને વિલન ચીતરી આપણે હીરો બની જઈએ તો?’

જવાબમાં સિંહા વીફરે તો મજાકમાં વાત વાળવાની તૈયારી હતી, પણ નિરાશ ન થવું પડ્યું. સિંહા ધીમા અવાજે એટલું જ બોલ્યા, ‘હાઉ?’

બસ, પછી શું?

‘આનંદની સફળતાના ખબર હજી આપણા બે પૂરતા સીમિત છે. એનો પ્રસાર કરવાને બદલે આપણે એવો પ્રચાર કરીએ કે આનંદ ડબલ એજન્ટ બની બેઠો છે તો?’

ડબલ એજન્ટ. સિંહાની કીકી ચમકી. મોટા ઉપાડે પાકિસ્તાનનો ન્યુક્લિયર પ્લાન જાણવા ગયેલો જાસૂસ આપણો પ્લાન ત્યાંના આકાઓને તાસકમાં ધરી દે એ મુદ્દો મિનિસ્ટ્રીનાં મોટાં માથાંઓને પણ તમાચારૂપ રહે કે નહીં? ધડાધડ પ્લાન ઘડાઈ ગયો. ઑપરેશન અમજદમાં અમને સત્તારનો ભેટો થયેલો, એ તસવીર ઉચ્ચ સર્કલમાં વહેતી કરતાં પહેલાં એ વિશેના રેકૉર્ડ મિટાવ્યા, સિંહા માટે એ રમતવાત હતી. આનંદ ઑપરેશનની વિગતો ઘરે પણ કહેવાનું ટાળતો એટલે ધાર્યા મુજબ તેને ગદ્દાર ચીતરવામાં મુશ્કેલી ન પડી. પાકિસ્તાનથી પરત થવાના ઑર્ડર્સ તેને અપાયા. ધારેલું કે તે સીધો ડિપાર્ટમેન્ટમાં પ્રગટશે કે મિનિસ્ટ્રીમાં ધામા નાખશે. પછી તેને ગિરફ્તાર કરી સજાની કાયદાકીય કાર્યવાહી જ પતાવવાની રહે. તેની પાસે પુરાવા જ નહીં હોય આરોપખંડનના, પણ ના, તે ક્યાંય દેખાયો નહીં, પણ આજે નહીં તો કાલે, તે ઝડપાવાનો.

‘તેનો તમને શું ફાયદો?’

અહીં અરમાનની એન્ટ્રી થઈ હતી. અરમાનમાં પિતાના ગુણ હતા. જાસૂસ બનવાની લગન હતી, એમ પોતાનાથી કોઈને આગળ ન નીકળવા દેવાની વૃત્તિ પણ એટલી જ સતેજ. નીરજા સાથે તેને ભળતું, પણ કૂણી લાગણીની કૂંપળ હજી ફૂટી નહોતી, આનંદનો ‘દગો’ જાણ્યા પછી ફૂટવાની પણ નહીં... આ જ હામે માનવે પુત્ર સમક્ષ રહસ્ય ઉજાગર કર્યું હતું, હા, આખા ખેલથી પત્નીને જોકે અજાણ જ રાખી છે આ વખતે. દીકરાએ ધારવાથી એક કદમ આગળનો પ્રત્યાઘાત આપ્યો, ‘માત્ર આનંદને વિલન પુવાર કરવાની ટૂંકી દૃષ્ટિ રાખવાને બદલે તેણે મેળવેલી બ્લુપ્રિન્ટ કબજે કરી તેને મુક્તિ આપી હોય તો?’

અહા. આનંદનો દેશદ્રોહ જાહેર છે, પણ તેનું ન્યુક્લિયર મિશન આજેય એટલું જ ગોપનીય છે. ફરી તે મિશન કન્ટિન્યુ કરી પ્લાન અમે મેળવ્યાનું યશોગાન ગાઈ શકીએ અમે, અરમાન સાચું કહે છે : બ્લુપ્રિન્ટ મળ્યા પછી જ આનંદનો નિકાલ અણાય.

કેટલી ચોકસાઈથી આનંદના આગમનની શક્યતાઓવાળાં લોકેશન્સ પર ચોકીપહેરો ગોઠવી દેવામાં આવ્યો. સિંહા ફુલ ફૉર્મમાં હતા. દરેક જોઈતી ઍડ તેમને ઉપલબ્ધ હતી - અત્યારે આર્મીનું હેલિકૉપ્ટર પણ મળ્યુંને!- સૌથી વિશેષ, લાજવંતી-નીરજાને કન્વીન્સ કરી દીધેલાં કે તેમના પતિ-પિતાએ શું ખોટું કર્યું છે. પોતે આનંદની ફેવરમાં જ રહેશે એવી ધરપત પણ આપી અને એ જ ફળી.

નસીબજોગ એ મેઘલી રાતે પોતે શિમલા આવી ૫હોંચેલા. મધરાતે આનંદે દસ્તક દેતાં લાજોભાભીએ પહેલું કામ મને મિસકૉલ દેવાનું કર્યું હતું. ત્યારે બિચારીને જાણ નહીં હોય કે પોતે પોતાનું મોત બોલાવી રહી છે. ના, લાજોને મારવાનો ઇરાદો ક્યાં હતો? મારે તો તેને તાબામાં લઈને આનંદને મજબૂર કરવો હતો... પણ તેણે મારો ગનવાળો હાથ ઝડપી આનંદને નાસવાની તક આપી, પછી તે ઝડપાયો નહીં. પતિની સચ્ચાઈ જાણી ગયેલી બાઈને રોકવાનો એક જ ઇલાજ હતો - એ જ કરવો પડ્યો. ફટકો મારીને તેને બેહોશ કર્યા પછી વધુ ભેજું દોડાવવું ન પડ્યું. તે કહેતી જ રહેલી કે આનંદ દેશદ્રોહી પુરવાર થાય તો હું આત્મહત્યા કરીશ. તેના લૉકરમાંથી ગન કાઢીને આત્મહત્યાનું દૃશ્ય ઊભું કરવું મુશ્કેલ નહોતું. નીરજાએ પણ માની હત્યાને આપઘાત તરીકે સ્વીકારી લીધી. માનેલું કે પત્નીના અપમૃત્યુએ ઘાયલ સિંહની જેમ આનંદ મેદાને પડશે, પણ ધરાર જો બંદો સ્મશાનમાં પણ ફરક્યો હોય.

લાજોભાભી પછી નીરજા જ રહી જેની માયા તેને ખેંચી લાવે. તેના પર ચોકી બિછાવી. અરમાન એક વર્ષ રહ્યો. સ્કૂલમાં ભણાવવા જતી નીરજાની ગેરહાજરીમાં કૅમેરા લગાવડાવ્યા, આયા રોઝીની વફાદારી પણ અરમાને ખરીદી લીધેલી. ધીરે-ધીરે એનોય વીંટો વાળવા માંડ્યો. રોઝી, કૅમેરાની ચોકી અને શૌર્ય પૂરતાં હતાં નીરજા માટે. ઠેઠ આજે ઇન્તજારનો અંત આવતો જણાય છે. માનવે ઊંડો શ્વાસ લીધો.

€ € €

‘તમે!’ નીરજા ઘરના દરવાજે ત્રિપુટીને ભાળી નવાઈ જતાવે છે. પોતાની વર્તણૂક તેમને આવું કંઈક કરવા પ્રેરશે એનો અંદાજ તો હતો. જોકે તેઓ આટલી ઝડપે આવી પહોંચશે એવી ધારણા નહોતી. પોતે પણ હજી હમણાં જ ક્લબથી આવી. રોઝી નીકળી ચૂકેલી. એકાએક બધું સારું લાગતું હતું, જાણે પહેલાંની નીરજા સજીવન થઈ હતી જેના પપ્પા હીરો હતા તે નીરજા અને જેની માતાએ શહીદી વહોરી લીધી તે નીરજા.

સમી સાંજની નીરવતામાં સામે ઊભા ત્રણેય પુરુષ દુશ્મન હોવાનું હવે માનતી-જાણતી હોવા છતાં તેનું રૂંવાડુંય ફરકતું નથી.

‘અંદર આવોને.’ તેના મીઠા આવકારે ત્રણેયની નજર ટકરાઈ, છૂટી પડી.

અરમાન પહેલાં પ્રવેશ્યો, ‘સૉરી, વિધાઉટ નોટિસ આવી ગયા, નીરજા, પણ બીજું બધું પછી, પહેલાં પેટપૂજા. બહુ ભૂખ લાગી છે.’

અરમાનના સ્મિત પાછળની બનાવટ ઊબકાવે છે. ખરેખર તો ડિનર તૈયાર કરવાના બહાને અરમાન મને કિચનમાં રોકી રાખવા માગે છે જેથી બહાર માનવ-સિંહાની જોડી મેં વળી શોકેસમાં મૂકેલાં ફૂલ-રૅકેટ ચકાસી શકે, બિચારા. નીરજા આજે બરાબર લુત્ફ માણવાના મૂડમાં હતી.

€ € €

‘ડિનર ઇઝ રેડી!’ નીરજા ટહુકી. મલકાતી નજરે સિંહા-માનવની નિરાશા માપી લીધી. મતલબ તેમણે રૅકેટ ચકાસી લીધાં!

‘આજે તું બહુ જૉલી મૂડમાં લાગે છે, નીરજા-’ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતાં માનવ બોલ્યો.

‘રાઝ જાણી તમે પણ જૉલી મૂડમાં આવી જશો સર,’ આસપાસ જોઈ અરમાનની બાજુમાં ગોઠવાતી નીરજાએ ધડાકો કર્યો‍, ‘આજે મને આનંદ તરફથી સંદેશ આવ્યો. કાલે બપોરે તેમણે મને મળવા બોલાવી છે.’

‘કાલે!’ સામે બેઠેલા સિંહા-માનવ માટે હવે કન્ટ્રોલ રાખવો દુષ્કર હતો, ‘કે પછી આજે તેં મળી લીધું - ક્લબમાં?’

નીરજાએ ચમકવાનો દેખાવ કર્યો‍, ‘તમે કેમ જાણ્યું કે હું આજે ક્લબ ગયેલી?’

‘રોઝીને પિકનિકનું કહીને તું ક્લબ પર પહોંચી એની પણ મને ખબર છે.’ સિંહા ખંધું મલક્યો. માનવે ગજવામાંથી ગન કાઢી ટેબલ પર મૂકી. અરમાને નીરજાની પાછળ જઈ ખભે હાથ દબાવ્યો. નીરજા આંખો મીંચી ગઈ - ધિસ ઇઝ ધ મોમેન્ટ.

‘તમે આ શું કરો છો? અરમાન, તું પણ?’ તેની લાચારી ટપકી. ‘દેશના દુશ્મન મારા પપ્પા છે, હું નહીં.’

‘તારો બાપ તો અમારો દુશ્મન છે.’ હવે પડદો રાખવાનો અર્થ નહોતો. નીરજા પર પોતાનો ધાક વર્તાય એ માટે પણ કથા કહેવી જરૂરી લાગી. આનંદની ખોટી ફસામણી, લાજોની હત્યા, નીરજા પર ચોકી - કશું જ છુપાવ્યું નહીં માનવે. 

‘સો ડોન્ટ ટ્રાય ટુ બી-’ ઓવરસ્માર્ટ શબ્દ તેઓ ઉમેરવા જાય છે કે...

એકાએક નીરજા લ૫કી. વાણીમાં ગુલતાન માનવને કંઈ સમજાય, તેની બાજુમાં બેઠેલા સિંહાને પરખાય, અરે નીરજા પાછળ ઊભા અરમાનને ખ્યાલ આવે એ પહેલાં તેના જ જમણા ગજવામાં હાથ નાખીને ચીલઝડપે નીરજાએ ગન ખૂંચવી અરમાનની જ કમરે દબોચી, ‘હૅન્ડ્સ અપ!’

સન્નાટો છવાઈ ગયો. નીરજાનું ધ્યાન કથામાં હતું જ નહીં. તે તો લાગ ગોતતી બેઠી હતી!

એક યુવતી આમ મજબૂ૨ કરી જાય એ બહુ વસમું લાગ્યું ત્રણ-ત્રણ જાસૂસોને.

€ € €

ત્યારે બહાર...

‘આ જીપ અમારી નથી.’ આનંદ ગણગણ્યો, ‘મતલબ વિલામાં કોઈ તો આવ્યું છે.’

‘હૉપ નીરજા સુખરૂપ હોય.’ અર્ણવ.

‘ઘરમાં પ્રવેશવાના બે રસ્તા છે, આગળનો-પાછળનો દરવાજો-’ તે મૂછમાં હસ્યા, ‘વેલ, ત્રીજો રસ્તો પણ છે!’ તેમની નજર ઊંચકાઈ, ‘ટેરેસ!’

સ્ફૂર્તિથી પાઇપ વાટે અગાશીમાં ચડ્યા પછી ટેરેસના દરવાજાનું લૉક ખોલતાં કેટલી વાર!

€ € €

‘તમે કદાચ ભૂલી ગયા કે હું દેશભક્ત જાસૂસની દીકરી છું, સેલ્ફ ડિફેન્સની ટ્રેઇનિંગ મેં લીધી છે.’ નીરજાએ હળવેકથી ઊભી થઈ, અરમાનના કપાળે ગન ટેકવી, ‘મારી માને આમ જ ગોળી મારી’તીને તમે...’

ટ્રિગર પર દબાતી તેની આંગળીએ માનવની ચીસ સરી ગઈ ‘નો!’

ના, નીરજાનો ઇરાદો તો ગનના પ્રેશ૨થી ત્રણેયને કાબૂમાં રાખવાનો જ હતો; ત્યાં-

‘આ...નં....દ!’ સીડીના પગથિયેથી ડોકિયું કરતાં આનંદને ભાળી માનવ ચીખી ઊઠ્યો. નીરજાએ ગોળી છોડી. અરમાન લથડિયું ખાઈ પડ્યો.

પગથિયા તરફ નીરજાની પીઠ હતી. તેણે માન્યું કે પોતાને આડે રસ્તે દોરવા માનવ કોઈ ચાલ રમી રહ્યો છે - બહુ સ્પૉન્ટેન્યસ્લી ટ્રિગર દબાયું.

‘અ...ર...મા...ન’ માનવે ચીસ નાખી.

એક તરફ ટેરેસના રસ્તેથી આનંદનું અજાણ્યા જુવાન સાથે આગમન, બીજી બાજુ અરમાનની હત્યાએ શોકમગ્ન બનેલો માનવ, એટલી જ હતપ્રભ બનેલી નીરજા... સમગ્ર પરિસ્થિતિ પર બાજનજર દોડાવતા સિંહાને થયું પોતે ક્યાં ભાગવું જોઈએ, ક્યાં...

તેની કીકી ચમકી. ગજવામાં રહેલી પોતાની ગન કાઢવા કરતાં ટેબલ પર પડેલી માનવની રિવૉલ્વર કબજે કરવા તેનો હાથ લપક્યો જ કે ‘સૉરી સર!’ અર્ણવસિંહે લંબાયેલા હાથ પર મુઠ્ઠી વીંઝી ચીસ પડાવી દીધી. અર્ણવે તેમની ગન પણ કબજે કરતાં ખુરશી પર ઢળી ગયા જાસૂસઉપરી જયદેવ સિંહા!

‘યાદ છે, માનવ, મારી લાજોને તેં આમ જ હૉલમાં ગોળી મારી હતી.’ આનંદે માનવના ખભે હાથ મૂક્યો, ‘આજે હિસાબ ચૂકતે થયો.’

દીકરાની લાશ આગળ ફસડાઈ પડેલો માનવ શું બોલે?

પ...પ્પા. નીરજાની કીકીમાં સળવળાટ અંજાયો, ગોળીબારના ધડાકાથી સ્તબ્ધ થયેલી પાંપણ ફરકી. ખરેખર પિતા-અર્ણવને ભાળી પૂતળામાં જાણે પ્રાણ આવ્યા, ‘પ...પ્પા.’ તે આનંદને વળગી, કોઈ પણ શંકા-આશંકા વિના.

‘તેં અમારો ઉછેર સાર્થક કર્યો, નીરજા.’ આનંદે કહ્યું, માથે હાથ મૂક્યો ને નીરજાનો હૃદયબંધ તૂટ્યો. આનંદની આંખો પણ કોરી ન રહી. એમાં લાજોની વિદાયનું દુ:ખ પણ હતું ને પાર ઊતરવાનો આનંદ પણ! છેવટે બાપ-દીકરી સ્વસ્થ થયાં. નીરજાએ અર્ણવ તરફ સ્મિત ફરકાવ્યું, ‘ત્રિપુટીનું લાઇવ ટેલિકાસ્ટ ભલે ન થયું, અહીંના કૅમેરામાં તેમની તમામ કબૂલાત ઝિલાઈ ગઈ છે. એને વાઇરલ થવા દેજો.’

‘તમે રચેલી જાળમાં આજે તમે જ ફસાઈ ચૂક્યા.’ અર્ણવસિંહને સાંભળી સિંહાએ હૃદયમાં તિરાડ અનુભવી. માનવે છાતી કૂટી, પણ કહેવાય છેને, ગુનો કોઈને છોડતો નથી. આનંદ ફોન તરફ વળ્યા, પોલીસ તેડાવી.

€ € €

અને અરમાનના લૅપટૉપમાંથી કૅમેરાનું રેકોર્ડિંગ મળી આવ્યું. એમાં મિશનનો ઉલ્લેખ મ્યુટ કરી અર્ણવે નેટ પર ફરતું મૂકી દીધું. પછી કોઈને માનવ-સિંહા માટે સહાનુભૂતિ ન રહી. અરમાનના અંજામની અરેરાટી ન થઈ. આ બધું જોઈ જાણી દામિનીબહેનને હાર્ટ-અટૅક આવી ગયો, સિંહાના પરિવારવાળા શહેર છોડીને જતા રહ્યા.. દેશદ્રોહી અણિશુદ્ધ દેશભક્ત પુરવાર થયો, આનંદ હીરો તરીકે ઊભર્યો‍. નીરજાને દેશની બહાદુર બાળાનો ખિતાબ મળ્યો. લાજોની શહીદીને સહુ વંદી રહ્યા. ન્યુક્લિયર સાયન્ટિસ્ટ તરીકે પાકિસ્તાન જતાં અગાઉ આનંદે એક દાઢ પડાવી ચોકઠું કરાવેલું, એના પોલાણમાં સંતાડેલી પાકિસ્તાનના ન્યુક્લિયર પ્લાનવાળી ચિપ આનંદે મિનિસ્ટ્રીના મોવડીઓને સુપરત કરી છે અને તો આજે પાકિસ્તાન આપણા વશમાં છે! સત્તારને, પાકિસ્તાનને આની કળ વળે તો અને ત્યારે.

રોઝી-શૌર્ય જેવાં માફી માગી ગયાં. અમે હકીકતથી તો બેખબર જ હતા... પણ ફરી ભૂલથી પણ આવું નહીં કરીએ.

આ પ્રેરણા જ મહત્વની. ખેર, સત્યને વિજય આપવાની લડતમાં નીરજા- અર્ણવના હૈયાના તાર પણ સંધાતા ગયા. આનંદને એનો વિશેષ આનંદ. હવે નીરજા ખુદ મિલિટરીની જાસૂસ છે; અર્ણવ તેનેા ભરથાર.

આવા નરબંકાઓ છે, નારીરત્નો છે ત્યાં સુધી દેશના લહેરાતા તિરંગાને ઊની આંચ આવવાની નથી. જય હિન્દ.

 (સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK