કથા-સપ્તાહ - જાળ (નામ બદનામ - 4)

‘જૂઠની જાળમાં ફસાયેલા સત્યને મારે તારવવાનું છે!’ નીરજાએ કહ્યું.

jaal

અન્ય ભાગ વાંચો

4  |  5 

સમીત (પૂર્વેશ) શ્રોફ

‘નીરજા?’ અર્ણવસિંહ સહેજ ડઘાયો, ‘તું તારા પિતામાં અવિશ્વાસ કેમ રાખી શકે? તને મળવા તારા પિતા કેટલું તડપ્યા છે એનો હું સાક્ષી છું. આટલી વ્યાકુળતા છતાં તારા પિતાએ ધીરજ ધરી, હું કહીશ કે ધીરજની બાજીમાં તેમણે માનવને હરાવ્યો. અરે, અમે વરસથી સાથે કામ કરીએ છીએ છતાં તેમની અસલિયતની જાણ હજી ત્રણ મહિના અગાઉ કરી. મને ભરોસો બેઠો, જ્યારે તું...’

અર્ણવે કરેલો તુંકાર સાહજિક હતો. નીરજા અર્ણવસિંહને તાકી રહી. તેના સોહામણા મુખ પર અકળામણનો ભાવ હતો. કદાચ પપ્પાના બયાનને તેણે સાચું સ્વીકારી લીધું હતું અને નીરજાના હોઠ ઊઘડ્યા, ‘એ જ પિતાની કરણીને કારણે મેં મારી મા ગુમાવાનું સંભવ હોય ત્યારે મને ભરોસો કેમ બેસે?’

‘ઓહ!’ અર્ણવસિંહે નિરાશા જતાવી. પછી એકદમ બોલ્યો, ‘મારા ખ્યાલથી હવે સત્ય દુનિયા સામે લાવી દેવું જોઈએ. સત્યની તારવણી સુધી નિષ્પક્ષ રહી શકે નીરજા, તો મારો પ્લાન કહું?’

‘સત્ય તારવવાની તાલાવેલી ન હોત તો તમારા આગમન વિશે, પપ્પા શિમલામાં હોવા વિશે માનવઅંકલને જાણ કરી ચૂકી હોત... પણ પ્લાન સુધી પહોંચવાની ઉતાવળ શું છે?’

નીરજા ગાફેલ નહોતી રહેવા માગતી, ‘હજી તમે બ્લુપ્રિન્ટ બાબત તો ફોડ પાડતા જ નથી.’

અર્ણવસિંહ સહેજ અચકાયો. ચર્ચામાં આ મુદ્દો આવવાનો જ હતો, પણ નીરજાને હજી પિતા પર વિશ્વાસ ક્યાં છે? એ વિના તેને કહેવામાં જોખમ છે, એમ એ પણ સત્ય છે કે તેને વિશ્વાસમાં લેવા માટે પણ કશું છુપાવવાનું ન હોય. આનંદસરની એકમાત્ર તમન્ના દીકરીને મળવાની છે, મારે તો માત્ર એની ધરી તૈયાર કરવાની છે, પણ એનો રસ્તો આ જ એક માર્ગે જતો હોય તો બીજો આરો નથી. આનંદસર, જો મને બ્લુપ્રિન્ટ બાબતે કહી શકે તો હું નીરજાને કેમ ન કહી શકું?

‘પાકિસ્તાનના ન્યુક્લિયર પ્લાનની રૂપરેખા એક માઇક્રોચિપમાં કેદ છે અને એ માઇક્રોચિપ-’ અર્ણવસિંહે ધડાકો કર્યો, ‘તમારા બૅડ્મિન્ટન રૅકેટના પોલાણમાં છે!’

હેં. નીરજા ડઘાઈ. બહુ જૂની એકાદ ફિલ્મમાં હીરાના સ્મગલિંગ માટે ટેનિસ-રૅકેટનો ઉપયોગ થાય એવું જોયેલું ખરું...

‘સરના દુશ્મનોને એની પણ તલાશ હોવાની.’

નીરજા ટટ્ટાર થઈ. માનવઅંકલના શબ્દો પડઘાયા- આનંદ તેની કોઈ નિશાની છોડી ગયો છે? ટિકિટ કે એવું કંઈ- જવાબમાં અમે આખું ઘર ફેંદ્યું હતું એ ખરેખર તો માઇક્રોચિપ માટેનાં ખાંખાંખોળા હતાં?

‘નીરજા, આ જણસ દેશની અમાનત છે, પણ માત્ર એ કારણે સર તને મળવા માગે છે એમ માની તેમના વાત્સલ્યનું અવમૂલ્યન ન કરતી.’ 

નીરજાને ગમ્યું અને કશુંક ખટક્યું પણ. પપ્પા મને-મમ્મીને ભાગ્યે જ જરાતરા જેટલું કશું કહેતા, અર્ણવને ચિપનો ભેદ પણ કહી દીધો? આ જ પપ્પાના બદલાવનો પુરાવો નથી?

‘હવે મારી યોજના સાંભળ.’ અર્ણવસિંહ કહેતો રહ્યો. નીરજા એકમગ્ન થઈ સાંભળી રહી.

‘નીરજા, આટલું કહ્યા ૫છી તારી પાસે વિચારવાની એક રાત બહુ થઈ. હું તને કાલે સવારે બે રિન્ગવાળા ત્રણ ફોન કરીશ... વિચાર બદલાયો હોય તો રિન્ગ પૂરી થાય એ પહેલાં કૉલ ઊંચકી લેજે.’

મુલાકાત નીપટાવી અર્ણવસિંહ નીકળ્યો. સ્કૂલ છૂટતાં નીરજા પણ તેની કારમાં વિલા જવા નીકળી.

દરવાજો ખોલતી રોઝીને જોતાં જ સવાલ ફૂટ્યો- આ ખરેખર

માનવ-અરમાનની પગારદાર છે? હોય પણ ખરી અને ન પણ હોય. અત્યારે એની અગત્ય નથી. મહત્વની છે પેલી ચિપ!

‘રોઝી.’ ફ્રેશ થઈ તેણે સ્વાભાવિક સ્વરે કહ્યું, ‘શોકેસમાંથી રૅકેટ, શટલકૉકનું બૉક્સ કાઢી કારમાં મૂક, પાણીનો જગ ભરી દે. સ્કૂલના સ્ટાફ સાથે પિકનિકનો પ્રોગ્રામ બનાવ્યો છે. સૌનો આગ્રહ હતો ને મેં પણ વિચાર્યું કે ક્યાં સુધી એકલતાના કોશેટામાં પુરાઈ રહીશ?’ 

‘યા.’ તેણ્ો કહેલો લગેજ કારમાં ગોઠવતી રોઝી બીજું કહે પણ શું? હા, નીરજાની કાર દેખાતી બંધ થઈ કે તેણે મોબાઇલ કાઢ્યો.

€ € €

‘ડૅડી.’ ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગના પહેલા માળની પોતાની કૅબિનમાં માનવ કશા કામમાં ડૂબ્યો હતો ત્યાં અરમાને દેખા દીધી. આમ તો તે હજી ટ્રેઇની હતો અને ડિસિપ્લિનમાં રહી કાર્યસ્થળે પિતાને પણ સર કહી બોલાવતો, પણ અત્યારે સંજોગ જુદા હતા. હાંફતા શ્વાસે તેણે ઉમેર્યું, ‘રોઝીનો ફોન હતો ડૅડી. નીરજા ઘરનાં બધાં ફૂલરૅકેટ લઈને પિકનિક ગઈ છે.’

ફૂલ-રૅ...કે...ટ. માનવના કપાળે કરચલી ઊપસી.

‘ધૅટ્્સ ધ ક્લુ ડૅડી. આનંદે પાકિસ્તાનના પ્લાનની બ્લુપ્રિન્ટ ચિપમાં સંઘરી હોવાનું આપણે માનીએ છીએ, એ આ રૅકેટમાં જ હોવી જોઈએ.’

આનંદે ઘરમાં માઇક્રોચિપ છુપાવી હોઈ શકે, એટલે તો પોતે આખું ઘર ફેંદ્યું, પણ ફૂલ-રૅકેટ?

‘સમય ઓછો છે ડૅડી.’ અરમાને પોતાની બાહોશીનો પુરાવો આપ્યો, ‘તત્કાળ તો મેં ઇન્સ્પેક્ટર શૌર્યને નીરજા પાછળ લગાવી દીધો છે.’

શાબાશ. શિમલાના જુવાન ઇન્સ્પેક્ટરને અરમાને તેના વસવાટ દરમ્યાન તાણી લીધેલો. ઉચ્ચ અધિકારીઓની ગુડબુકમાં રહેવામાં માનતા શૌર્યને પ્રમોશનમાં ઑબ્લાઇજ કરી સિંહાસાહેબે વિશ્વાસુ બનાવી લીધો. તો જ તો અરમાનથી શિમલા છૂટ્યું.

સિંહાસાહેબ.

‘તું શૌર્યના સંપર્કમાં રહે, હું સિંહાસાહેબને કહી ચૉપરની વ્યવસ્થા કરાવું છું. નીરજા ચિપ લઈ તેના પિતાને જ મળવા જતી હોય તો દુશ્મનને ઝડપવા હવે હવામાં ઊડ્યા સિવાય છૂટકો નથી.’

દુશ્મન. પિતાના શબ્દ સામે પુત્ર કહી ન શક્યો કે આનંદઅંકલ દુશ્મન ખરા, પરંતુ સૌ માને છે એમ દેશના નહીં, આપણા!

€ € €

ક્લબ હાઉસ સુધી પહોંચતાં નીરજાએ માંડ ધીરજ ધરી. પાર્કિંગમાં કાર મૂકી, પાછલી સીટ પર ગોઠવાઈ. ડિકીમાંથી રૅકેટ આગળ લીધાં. ધડકતા હૈયે હૅન્ડલવાળો ભાગ ઘુમાવી વારાફરતી ચારેચાર રૅકેટ ખોલ્યાં, પણ આ શું?

અંદર કશું નહોતું. ના, ચિપ ખૂણેખાંચરે ભરાઈ હોય એવું પણ નહોતું. રૅકેટનું ખાલીપણું પોતાના પર અટ્ટહાસ્ય કરતું હોય એવું વસમું લાગ્યું નીરજાને! મતલબ ચિપ અંદર હતી જ નહીં. અર્ણવસિંહ જૂઠ બોલ્યો, મને ભોળવી!

નીરજાનાં નાખોરાં ફૂલી ગયાં. કેટલો સાફદિલ, સચ્ચાઈપ્રિય લાગ્યો’તો અર્ણવ. બે મુલાકાતોમાં તો આત્મીયતાનો સેતુ રચી દીધો તેણે. પપ્પા માટે આટલી કન્સર્ન, તેમના પર લાગેલું દેશદ્રોહનું કલંક હટાવવા મક્કમ એવો અર્ણવ મને જૂઠ કહી ગયો?

શું કામ? અર્ણવ તો મને તેના પ્લાનમાં સામેલ કરવા માગતો હતો.

‘તું શિમલાને મારા કરતાં વધુ જાણે છે, નીરજા. અહીંથી વીસેક કિલોમીટરના અંતરે હવે ખંડેર બની ગયેલો એક સમયનો હવામહેલ છે. કાલે બપોરે તું સિંહા-અરમાન-માનવની ત્રિપુટીને તેડી ત્યાં પહોંચ. એમ કહેજે કે આનંદે મને ત્યાં બોલાવી છે. આટલા ખબરે ત્રણે આવી પહોંચવાના. હું આનંદસરને હાજર રાખીશ. ચિપનો ફોડ તેમની સમક્ષ પાડવાનો ન હોu. ત્યાં સુધી તું અને આનંદસર બેઉ સેફ. જે બનશે એનું લાઇવ ટેલિકાસ્ટ દિલ્હીની ન્યુઝ-ચૅનલ્સ પર થાય એવી ગોઠવણ હું કરી રાખીશ. એ જાણીને ત્રિપુટી ભડકવાની, આપણને ઠાર કરવાની અંતિમ હદે પણ જાય, પરંતુ એમ તો આપણી પણ ફુલ તૈયારી હશે એટલો વિશ્વાસ રાખજે.’

આટલી હદે મને વિશ્વાસમાં લેનારો અર્ણવ એવું જૂઠ તો ન જ બોલે કે જેથી પ્લાનના અમલની શરૂઆત જ ન મંડાય!

નીરજાની ભીતર કડાકો બોલ્યો. આનો અર્થ એ કે અર્ણવ જૂઠ નથી બોલતો, પપ્પાએ જ તેને સચ કહ્યું નથી!

હવે નીરજા ઝળહળી ઊઠી, ધૅટ્સ

માય ફાધર!

અમને પણ મિશન બાબત ભાગ્યે જ વિગતે કશું કહેનારા પપ્પાએ અર્ણવ પર ભરોસો આવતા બીજું ઘણું કહ્યું હોય, પણ દેશ માટે સૈનિકના જાનથી પણ કીમતી એવી ચિપ ક્યાં છે એનો ભેદ તો આનંદ શાહ પોતાની દીકરીને પણ ન કહે, યા!

મારા પપ્પાનો આ એક ગુણ સલામત હોય તો બીજા ગુણોમાં પણ અવિશ્વાસ કેમ મૂકવો?

જેમ-જેમ વિચારતી ગઈ એમ નીરજાની ભીતર કશું સંધાતું ગયું- પિતા પરનો વિશ્વાસ!

€ € €

‘અરે યાર, મેં નીરજાને ક્લબ હાઉસમાં ટ્રેસ કરી ત્યારે તે પાર્કિંગમાંથી ઊતરી, ક્લબમાં ગઈ. કલાકથી અહીં ખુશી-ખુશી ટાઇમપાસ કરી રહી છે. તેની કોઈ હરકત એવી નથી જે દેશદ્રોહી આનંદને સાંકળી શકે.’

શૌર્યના રિપોર્ટે અરમાન-માનવ-સિંહાની ત્રિુપટી ગૂંચવાઈ. પિકનિક જવા નીકળેલી નીરજા ક્લબમાં કેમ પહોંચી? રૅકેટનું શું થયું? તે એકદમ ખુશમિજાજમાં કેમ લાગી? નીરજાનો બદલાવ જ ચેતવણીસૂચક છે એ શૌર્યને કેમ કહેવું? તેને તો એમ જ માનવા દો કે દેશના દુશ્મનને ઝડપવામાં અમે જી-જાન લગાવી રહ્યા છીએ.

‘અમે અડધો કલાકમાં લૅન્ડિંગ કરીએ છીએ, શૌર્ય, લાગે છે દેશદ્રોહી આનંદને ગિરફ્તાર કરી બીજું પ્રમોશન તમે ખાટી જવાના.’ માનવ.

પ્રમોશન. શૌર્યનો કંટોળી ખરી ગયો.

‘પણ ખબરદાર. આની હોહા નહીં, તમારા સિવાય કોઈ જાણે નહીં અને નીરજા તમારી નજરમાંથી છટકે નહીં.’

‘બેફિકર રહો સર.’ શૌર્યના રણકા પછી એટલી ચિંતા તો ટળી.

€ € €

‘વૉટ!’ આનંદ ફિક્કા પડ્યા, ‘તેં નીરજાને એમ કહ્યું કે મેં રૅકેટમાં...’

તેમનો નિ:શ્વાસ સરી ગયો. અર્ણવને કાચું કપાયાની ગંધ આવી.

આનંદની તડપ, વેદનાનો પોતે સાક્ષી રહ્યો છે... અને તોય તેમનામાં કેટલી ધીરજ. નીરજાને પોતે કહ્યું એ ખોટું નહોતું. વરસ જેટલું અમે સાથે રહ્યા, પણ ધરાર જો આનંદે કદી પોતાની અસલિયત છતી થવા દીધી હોય. અર્ણવસિંહે વાગોળ્યું.

માતા-પિતાના દેહાંત બાદ સંસારમાં એકલા પડેલા અર્ણવસિંહને નર્વિાહની ચિંતા નહોતી. દિલ્હીના વૈભવી વિસ્તારમાં ઘ૨ હતું. પિતા ખાસ્સો વારસો મૂકીને ગયા એકના એક દીકરા માટે, પણ એથી ક્યાંય વધુ હતી અર્ણવસિંહમાં રોપાયેલા સંસ્કારોની, મૂલ્યોની મૂડી. પત્રકારત્વ તેને ગમતું ક્ષેત્ર અને જર્નાલિસ્ટ એટલે માત્ર અખબારમાં જગ્યા ભરવા કલમ ચલાવવી એવું નહીં... પત્રકારત્વના ઉચ્ચ આદર્શોને પોંખવા તેણે પોતાનું મૅગેઝિન શરૂ કર્યું હતું. એમાં નીડરતા, નિષ્પક્ષતાનો પડઘો પડતો. ખપ પૂરતો સ્ટાફ. એમાં વરસેક અગાઉ ‘દયાળકાકા’ તરીકે કામની તલાશમાં આનંદસર પ્રૂફરીડર તરીકે કંપનીમાં ગોઠવાઈ ગયા. આનંદને ઠેકાણાની શોધ હતી. એવી જગ્યા જે દિલ્હીથી સાવ દૂર ન હોય, દુશ્મનો મારી પહોંચમાં રહે! માનવ એવું તો ધારી પણ ન શકે કે આનંદ પત્રકારજગતમાં ભYયા હોય. ‘દયાળકાકા’ને પ્રેસનું કામ ફાવી ગયું, એટલી જ આત્મીયતા અર્ણય પ્રત્યે જાગી. એ ભાવ ગાઢ થયા પછી પણ અર્ણવને પોતે જે કહ્યું એ પૂર્ણ સત્ય ક્યાં હતું?

હળવો નિશ્વાસ નાખી આનંદે કહેવું પડ્યું, ‘મેં તને બીજું બધું સાચું કહ્યું, અર્ણવ, ચિપનું સત્ય કહી ન શક્યો. દેશની સુરક્ષા માટેની અમૂલ્ય માહિતી મિનિસ્ટ્રી સિવાય કોઈ સાથે હું શૅર કરી ન શકું.’

અર્ણવસિંહ આઘાત પામ્યો. આનંદની કીકીમાં ઊપસતી વેદનાએ અહેસાસ થયો કે આમાં સરનો મારા પ્રત્યેનો અવિશ્વાસ નહીં, જણસની જાળવણીની ચોકસાઈ હતી માત્ર. ફરજપરસ્તી, દેશહિત હતું ફક્ત. તેમના બયાને પોતે કેટલો અવાક બનેલો. આનંદ નામ, તેની કરતૂત પત્રકાર તરીકે છૂપી નહોતી. કેટલો આબાદ વેશપલટો કરી સરે ઓળખ છુપાવેલી, પણ તેમની આત્મીયતામાં બનાવટ નહોતી, બયાનમાં અવિશ્વાસ રાખવાનો તો સવાલ જ નહોતો. શિમલાના ખબરથી સર અપડેટ રહેતા. અરમાને શિમલા છોડ્યું, ચોકીદાર જેવા બે ચોકિયાતો પણ તેડાવી લીધા પછી તેમણે શિમલાનો પ્લાન બનાવ્યો... કૅમેરાની ચોકી ચકાસવા, નીરજાનો ભરોસો જીતવા તેમણે મને મોકલ્યો, પણ...

‘મેં લાજો-નીરજાને પણ કહ્યું ન હોત, અર્ણવ, તું એમનાથી જુદો નથી મારા માટે.’

અર્ણવ ગદ્ગદ થયો, ‘એ તો ઠીક સર, પણ મારી બાતમી જૂઠી ઠરતાં નીરજા મારો વિશ્વાસ નહીં કરે. કાલનો પ્લાન પણ...’

‘પ્લાન?’ આનંદ ચમક્યા. અર્ણવે એનો ખુલાસો કરી ઉમેર્યું, ‘જોકે હવે નથી લાગતું કે નીરજા આપણને સાથ આપે.’

થોડી વાર મૂંગા રહી આનંદે ડોક ધુણાવી, ‘નહીં અર્ણવ, તેં તો તેના પિતાની ખરાઈનું કામ કરી આપ્યું. તેં નીરજાનો ભરોસો જીત્યો હોય તો તારે જૂઠ બોલવાનું કારણ નથી એ સમજાતાં નીરજાને એ પણ સમજાવાનું કે મેં જ તને સત્ય કહ્યું ન હોય... પછી તેને દ્વિધા ન રહે.’

‘તો-તો અત્યાર સુધીમાં નીરજા તમારું સત્ય પામી ગઈ હશે. તેને મળવું છે?’

‘હં.’ આનંદ વિચારવશ સ્વરે બોલ્યા, ‘નીરજા રૅકેટ ચેક કર્યા વિના ન રહે, કૅમેરાની ચોકીને કારણે રૅકેટ ઘરમાં નહીં ખોલે અને એકસામટાં ચાર રૅકેટ લઈ બહાર નીકળવાથી જરૂર માનવ ઍન્ડ કંપની શંકિત થવાની- ગૉડ!’

આનંદ ચીખી ઊઠ્યા, ‘નીરજા જોખમમાં છે!’

તેમનાં વાક્યોનો ભાવાર્થ પકડાતો ગયો એમ અર્ણવસિંહના વદનમાં સળવળાટ પ્રવર્તતો ગયો, ‘હું જાઉં છું સર.’

આનંદ સ્થિર બન્યા, ‘નહીં, આપણે જઈએ છીએ.’

અર્ણવસિંહનું કાળજું ધડકી ગયું. આવતી કાલે પ્લાન કરેલી આમનાસામનાની ઇવેન્ટ આજે અણધારી આકાર લઈ રહી છે... ઈfવર સત્યની રક્ષા કરે!

€ € €

‘તમે!’ સમી સાંજે નીરજા ઘરના દરવાજે અરમાન-માનવ-સિંહાની ત્રિપુટીને ભાળી નવાઈ જતાવે છે.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK