કથા-સપ્તાહ - હમ લોગ (મુખવટાની દુનિયા - 5)

‘વ્યર્થ છે તમારી મહેનત ડૉ. લજ્જા. જેણે જીવવું જ નથી એને તમે કઈ રીતે જિવાડશો?’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


ઇન્જેક્શન તૈયાર કરતી લજ્જા પળ પૂરતી બ્રીચકૅન્ડીની સેલિબ્રિટી ગણાતી પેશન્ટને નિહાળી રહી.

માલવિકા બ્રહ્મભટ્ટ-ખાન. ચાલીસીમાં પ્રવેશેલી સ્ત્રી હજીયે એવી જ સિમેટ્રિક, મારકણી દેખાય છે. એમ તો તે સ્વભાવથી પણ ક્યાં બદલાઈ છે? આઠ-નવ વરસ અગાઉ પોતે તેને પહેલી વાર મળી ત્યારેય આવો જ રણકો તેના અવાજમાં ભર્યો હતો.

અર્જુન-કામ્યાના ઍક્સિડન્ટ સમયે પોતાને કૅમેરા મળ્યો, જેમાં અકસ્માતના થોડા સમય પહેલાં કામ્યાએ ઝડપેલાં અર્જુન-માલવિકાના શરીરસંબંધની તસવીરો-વિડિયો હતાં. ધારત તો એના સાટામાં ધારી એ કિંમત વસૂલી શકત હું! ત્યારે દેવું ચૂકતે કરવા મને જરૂર પણ હતી, પરંતુ મારા સંસ્કારોએ મને રોકી અને એ સદ્કર્મનું ફળ મળતું હોય એમ ગામથી પપ્પાના પરિચિત ધીરુભાઈ મુલાકાતે આવ્યા.

‘ખાસ તો આવવાનું કારણ એ કે કમાતા થયા પછી અને લગ્ન પહેલાં દિવાકરે મને પાકું ઘર કરવામાં બહુ મદદ કરેલી. પૈસા આપીને તે તો ભૂલીયે ગયો, પણ મને યાદ હતું. વીત્યાં વરસોમાં રૂપિયા પરત કરવાનો જોગ સર્જાયો નહીં. છેલ્લાં થોડાં વરસથી ખેતીની ફસલ સારી થતાં પૈસા બાજુ પર મૂકવા માંડેલા. વિચારેલું કે લજ્જાનાં લગ્ન પર મોટી રકમ આલીશું, પણ...’

તેમણે નિ:શ્વાસ નાખીને ઉમેરેલું, ‘દિવાકરને જવાની ઉતાવળ હતી. ખેર, આ સમયે તમને એની જરૂર પણ હશે. લો, મારા ઘરમાં બીજા ભાગ જેટલું રોકાણ દિવાકરનું હતું. એ હિસાબે અત્યારની ઘ૨ની કિંમતના અડધા રોકડા લઈને આવ્યો છું.’

બાર લાખ જેટલી રકમ નિહાળીને લજ્જા સ્તબ્ધ બનેલી. દેવું ચૂકતે કરવા ઈfવરે દેવદૂતને મોકલ્યા! ના, એમાં કેવળ ઈfવરનો આભાર નહીં, મારા પપ્પાનું કર્મબીજ એવું કે આજે છાંયડો બનીને ઊભું!

અને એટલે જ કૅમેરાની કિંમત વસૂલવાની જરૂર પણ ન રહી. માલવિકાને ફોન જોડીને રૂબરૂ મળવાનું ગોઠવ્યું. કેવી હતી એ મુલાકાત?

‘તું પત્રકાર તો નથીને? કૅમેરા આપવાના બહાને આવેલી તેં ક્યાંક કૅમેરા તો નથી છુપાવ્યોને? આ સ્ટિંગ-ઑપરેશન તો નથીને!’

શુક્રની એ સાંજે આબાદ ખાનની ગેરહાજરીમાં તેમના કોલાબાના બંગલે એકાંત બેઠકમાં ગોઠવાયેલી મુલાકાતની પ્રથમ દસ મિનિટ તો માલવિકાએ ઊલટતપાસમાં જ કાઢેલી. હું મેડિકલ સ્ટુડન્ટ છું અને અકસ્માતના સ્થળે હાજર હોવાના નસીબે મને કૅમેરા મળ્યો એ સત્ય પચતાં વાર લાગેલી. પોતે કોઈ પણ રિવૉર્ડની આશા-અપેક્ષા વિના કૅમેરા પરત કરી રહી છે જાણીને ડઘાયેલી : અનબિલીવેબલ! ઑનેસ્ટીનો આટલો દંભ તો અમે ફિલ્મોવાળા નથી કરી શકતા!

‘આ દંભ નથી...’ લજ્જા તીવþપણે છતાં સંયમથી બોલેલી, ‘આ પુરાવાની કિંમત ન સમજુ એટલી નાસમજ પણ હું નથી. તમારી-અર્જુનની ફિલ્મ ઉતારનારી કામ્યા હયાત હોત તો તમને બેઉને કઠપૂતળી બનાવ્યાં હોત. આબાદને જાણ થઈ તો...’

‘બસ છોકરી, બસ!’ માલવિકા સમસમી ગયેલી.

‘નહીં, મને કહેવા દો કે મારે પૈસાની કેટલી જરૂર હોવા છતાં સદ્ભાગ્યે હું બ્લૅકમેઇલિંગના માર્ગે ન વળી, બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતાં મને ન આવડ્યું...’

માલવિકા હેરતભેર લજ્જાને સાંભળી રહેલી. લગભગ લજ્જાની જ વયે મેંય પિતાને ગુમાવેલા, પણ કદી જો તેમને પ્રેમથી સાંભર્યા હોય! ઊલટી ગાળો જ દીધી... માના ધાવણની એ અસર હશે! કૅમેરા લજ્જાને મળ્યો એ મારું ૫ણ નસીબ!

‘આમ તો હુંય કૅમેરાનો નાશ કરી દેત. પછી થયું કે કૅમેરા વિશે વિચારીને તમને ઊંઘ નહીં આવતી હોય, એટલા પૂરતા તમને નચિંત કરવા રહ્યાં. કૅમેરા આપવા મારે રૂબરૂ થવાની આવશ્યકતા નહોતી... છતાં એક કુતૂહલ મને ખેંચી લાવ્યું...’ માલવિકાની ઉત્કંઠા તીવþ થવા દઈને લજ્જાએ ઉમેર્યું, ‘મારે જોવું હતું કે જેનું પડખું સેવ્યું હોય એ પુરુષને દુનિયા સમક્ષ ભાઈ સમાન કહેનારી સ્ત્રી વાસ્તવમાં કેવી છે.’

લજ્જાના નમણા મુખ પર છલકતી અરુચિએ માલવિકાના હોઠ વંકાયા.

‘તું હજી નાદાન છે લજ્જા. દિન કો ભૈયા, રાત કો સૈયાના બેશરમ ખેલ તેં હજી જોયા-જાણ્યા નથી અને અમારી સેલિબ્રિટીઝની દુનિયા તો આવા કંઈક દંભથી છલોછલ છે. તું શું માને છે, કામ્યા સતી સાવિત્રી હતી? સફળ મૉડલ થવા તેણે કંઈકની પથારી ગરમ કરેલી...’

અવશપણે માલવિકા કહેતી રહેલી. અર્જુનનાં સ્ખલન, વળતર જોઈને એને નજરઅંદાજ કરતી કામ્યા, મર્દાનગીમાં નબળો અને સટ્ટામાં ડૂબેલો આબાદ... અને આવા તો કંઈક જણના કિસ્સા માલવિકાને જુબાની હતા એમાં ભારોભાર સચ્ચાઈ હતી. એક તબક્કે લજ્જા ઊભી થઈ ગઈ, ‘સ્ટૉપ. મને તમારી આ દુનિયાની બીક લાગે છે... લેટ મી ગો આઉટ ઑફ ધીસ પ્લેસ!’

માલવિકાના બંગલેથી નીકળ્યા બાદ લજ્જાને હવામાં ઑક્સિજન છે એવું મહેસૂસ થયું હતું. બાકી અંદર તો કેવળ ગૂંગળામણ હતી! કેવી રીતે જીવતા હશે એમાં જીવનારા? આપણે જેને મોટા ગણીએ, સેલિબ્રિટી માનીએ તેમનાં જીવન આવાં જ હોતાં હશે? બહારથી રૂપાળાં, અંદરથી ખોખલાં? પરંતુ ગ્લૅમરવર્લ્ડની ચમકદમકમાં આ સત્ય કોને દેખાય, પરખાય છે? બેશક, અપવાદ આમાં પણ હોવાના જ; પણ કદાચ સાગર સામે બુંદ જેટલા.

થોડા દિવસ તો એવુંય બન્યું કે લજ્જા ટીવી પર સેલિબ્રિટીને જોઈને ચૅનલ બદલી કાઢતી!

‘મુંબઈ પોલીસનો સપાટો! ICCની સિરીઝ દરમ્યાન બુકીઓ પર ત્રાટકી, સટ્ટાબાજોમાં જાણીતા પ્રોડ્યુસર આબાદ ખાનની પણ ધરપકડ!’

કૅમેરા અપાયાના છએક મહિને મીડિયામાં ગાજેલા સમાચારે લજ્જાને વળી માલવિકા સાંભરી ગયેલી. આબાદ સાચે જ સટ્ટાખોર નીકળ્યો. ટૉક ઑફ ધ ટાઉન બનેલો કિસ્સો કૉલેજના ગ્રુપમાં ચર્ચાતો એમાં માલવિકાનાં મોંફાટ વખાણ થતાં હોય : શું તેનો સ્પિરિટ! પતિએ ખોટું કર્યું છે તોય તેના બચાવમાં વાઘણ જેવી થઈ છે - મારા ખાવિંદ દેવું કરીને સટ્ટો નથી રમ્યા, પોતાના પરસેવાની કમાણી પોતાના શોખમાં વાપરવાની તો છૂટ હોવી જોઈએને... સટ્ટો કાયદેસર કરવાથી સુપ્રીમ કોર્ટ સુધી જવાના માલવિકાના લલકારમાં બધાને પતિપ્રેમ દેખાતો, એકાદ છાપાવાળાએ તો તેને કળિયુગની સાવિત્રી પણ કહી!

લજ્જાને ત્યારે કહેવાનું મન થતું કે હકીકતમાં તો પતિવþતા નારીનો આભાસ સર્જતી માલવિકા પતિથી છાનું રાખીને પરપુરુષને ભોગવવાનો ગુણ પણ ધરાવે છે! પરંતુ કોઈના ચારિત્ર્યની વગોવણી શું કરવી?

ખેર, પોલીસ પાસે પુરાવા એટલા પાકા હશે કે આબાદે પોતે જ સટ્ટાની કબૂલાત પણ કરી દીધેલી. એના અનુસંધાનમાં કોર્ટે‍ આઠ વરસની સજા ફટકારી...

પછી લજ્જાને માલવિકાનું કોઈ અપડેટ નહોતું. રાધર, ફિલ્મી ખબરમાં રસ લેવા જેટલો અવકાશ પણ નહોતો. ઇન્ટર્નશિપ પછી MD થઈને વરસેકથી બ્રીચકૅન્ડીમાં જોડાયેલી દીકરીના હાથ પીળા કરવા મા આતુર છે : તેં તારી બધી ફરજ પૂરી કરી મારી લાડો. તારો નાનો ભાઈ પણ એન્જિનિયર થઈને કમાતો થયો... હવે તારાં લગ્ન માટે મુરતિયો જોવા માંડું છું...

લજ્જા મીઠું શરમાતી. ભણવા સાથે ટ્યુશન્સ કરીને પોતે સંઘર્ષનાં વરસો પાર પાડ્યાં એનો ઢંઢેરો પીટવાથી દૂર રહેલી લજ્જાને ખુદ આની આત્મસંતુષ્ટિ અવશ્ય હતી. દેવા સહિતની બાબત વિશે મા બધું જાણતી.

આવામાં અઠવાડિયા અગાઉની એ બપોરે અચાનક હૉસ્પિટલમાં માલવિકા નજરે ચડી હતી!

ન કહેવાય, ન સહેવાય એવા ગુપ્ત રોગથી પીડાતી માલવિકા નાઇલાજ દર્દથી નાસીપાસ થઈને મરવા માગે છે. ડૉક્ટર તરીકે લજ્જા પણ સમજે છે કે મૃત્યુમાં તેની મુક્તિ છે, બાકી જીવી તો બહુ રિબાવાની.

‘મને રિબામણીની ખાસ પરવા નથી ડૉક્ટર...’

માલવિકાના સાદે લજ્જા ઝબકી, વર્તમાનમાં આવી.

ગયા અઠવાડિયે દાખલ કરેલી માલવિકા ઇન્ચાર્જ ડૉક્ટર તરીકે લજ્જાને ભાળીને હળવું ચમકી ગયેલી. આઠ-દસ વર્ષ અગાઉ મળવા આવેલી છોકરી કેવી ઠાવકી ડૉક્ટર બની ગઈ! અને હું?

નિસાસો સરી ગયેલો. પિતાના ગયા બાદ લાઇફ-સ્ટાઇલના મોહમાં આઇટમ-ગર્લ બનવાને બદલે મેં પણ લજ્જાની જેમ કેવળ અમેરિકા જઈને ભણવાના ધ્યેય પર ફોકસ રાખ્યું હોત તો કદાચ આંતરિકપણે વધુ સમૃદ્ધ હોત...

‘બટ નો રિગ્રેટ્્સ...’ તે ખભા ઉલાળતી. સવાર-સાંજ તેને ચકાસવા આવતી લજ્જા જોડે આત્મીયતાની ગાંઠ બંધાતી હોય એમ તે અંતરનાં દ્વાર ખોલી દેતી. કદાચ સામા મૃત્યુએ માણસ નિખાલસ બની જતો હશે... ખાસ તો લજ્જા તેને ધીરજથી સાંભળતી, સમજવા મથતી, સમજાવતી એ ગુણ માલવિકાને સ્પર્શી ગયેલો. અત્યારે પણ ઇન્જેક્શન મૂકીને નીકળવા માગતી લજ્જાને રોકીને તેણે નજીક બેસાડી. સ્પેશ્યલ રૂમમાં ત્રીજું કોઈ હાજર નથી.

‘રિબામણી, ટ્રીટમેન્ટ હું સહીં લઉં; પણ મારો ગુપ્ત રોગ જાહેર થઈ ગયો તો હું ક્યાંયની નહીં રહું! અઠવાડિયાથી હૉસ્પિટલમાં છું એની કાનાફૂસી તો શરૂ થઈ જ ગઈ છે.’

આનો ઇનકાર કેમ થાય? સોશ્યલ મીડિયાના જમાનામાં કંઈ પણ છાનું રાખવું લગભગ અશક્ય છે.

‘યુ નો લજ્જા, ગ્લૅમરવર્લ્ડમાં તમારા પર કોઈની ચોકી હોય તો તમે ઇચ્છા છતાં ગમે ત્યાં લપસી ન શકો...’ પોતાનું મોઘમ લજ્જાને સમજાયું નથી જાણીને ઊંડો શ્વાસ લઈને માલવિકાએ ધડાકો કર્યો, ‘આબાદ મુક્ત હતા ત્યાં સુધી મને તેમની ધાક હતી, તેમને સટ્ટામાં ફિક્સ કરીને રહું નિર્બંધ બની; જેણે આજે મને મૃત્યુનાં દ્વારે આણી દીધી...’

મતલબ... લજ્જા ટટ્ટાર થઈ.

‘યસ લજ્જા...’ માલવિકા સપાટ સ્વરે બોલી ગઈ, ‘આબાદ તેના સટ્ટાની વિગતો બ્લૅક ડાયરીમાં રાખતા એની કૉપી ગુમનામ રહીને મેં જ મુંબઈના સિદ્ધાંતનિષ્ઠ પોલીસ ઉપરીને પહોંચાડેલી. તે બંદો કોઈ પણ જાતના પ્રેશરને ગણકાર્યા વગર તમામ દોષીઓ પર ત્રાટક્યો.’

આબાદ અને તેના જેવા વગદારોએ ઘણા ધમપછાડા કર્યા, પણ છેવટે તો કાનૂનથી ઉપર કોઈ નથી એ પુરવાર થયું. આ બધું બન્યું કેમ એ તો આબાદને આટલાં વરસેય સમજાયું નથી!

લજ્જા દ્વારા કૅમેરા મળ્યા પછી માલવિકા નિશ્ચિંત હતી એમ આબાદની નબળી કડી - બ્લૅક ડાયરીની નકલ કરાવીને તેને જેલમાં સબડતો કરવાની મનસા વળ ખાવા લાગી હતી. શારીરિક તૃપ્તિ માટે મારે પરપુરુષ પર આધાર રાખ્યા વિના છૂટકો નથી. આ વખતે લફરું આબાદની આંખે ચડે એ કરતાં તેને દૂર કરી, સંપત્તિનો મુખત્યાર મારા હાથોમાં લઈને શા માટે પૂર્ણ સ્વતંત્રતા ન માણવી! અને બસ, ICL પતતાં તેણે ડાયરી કમિશનરને પાર્સલ કરી દીધી. રેસ્ટ ઇઝ હિસ્ટરી.

ના, લજ્જાને ખાસ આઘાત ન લાગ્યો. એ અરસામાં પતિના બચાવ માટે ઝઝૂમવાની ઇમેજ સર્જનારી સ્ત્રી પતિથી છાનો સંબંધ ધરાવતી હોવાનું પોતે જાણતી હતી. તે કંઈ પણ કરી શકે! મે બી, આબાદે પત્નીનાં સ્ખલન જાણ્યાં હોત તો તેણેય આવી જ કોઈ મૂવ રમી જાહેરમાં તો પત્નીની કાળજી જ દાખવી હોત... 

‘મને હવે આબાદની ફડક નથી... વીત્યાં વરસોમાં સંપત્તિનું હસ્તાંતરણ કરીને મેં તેનાં કાંડાં કાપી નાખ્યાં છે. હવે તેને મારી ગરજ છે...’ માલવિકાને સહેજ હાંફ ચડી, ‘જોકે મારી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં તબદીલ થતી ગઈ... ક્યારેક સવર્સ ત્તાધીશ હોવાનો ખુમાર પણ શારીરિક વૃત્તિઓ બેફામ બનાવતો હોય છે. ફરી અર્જુનની જેમ સ્ટડી રિલેશન ન રહ્યું. બેમર્યાદપણે હું પુરુષોને માણતી. ગ્લૅમરવર્લ્ડમાં અંદરખાને મને હંગ્રી લેડીનું ઉપનામ મળ્યું છે. બટ ધેટ કૉસ્ટ અ લૉટ. અમારી દુનિયામાં જવલ્લે જ સાંપડે એવો સાચી દોસ્તીનો સંબંધ મેં ગુમાવ્યો...’

લજ્જાને પહેલી વાર માલવિકામાં સાચું દર્દ અનુભવાયું.

એ સંબંધ એટલે બિનીતા સાથેની મૈત્રી! એકમેકની રહસ્યમંત્રી જેવી સખીઓ વચ્ચે કોઈ પડદો નહોતો. ત્યાં સુધી કે માલવિકાએ જ આબાદને ફસાવ્યાનું પણ બિનીતા જાણતી. એમ તેનાં સ્ખલન માલવિકાથી છૂપાં નહોતાં. પરણવા ન માગતી બિનીતા છેવટે જાણીતા મૉડલ નાહર નાડકર્ણી સાથે સ્ટડી રિલેશનમાં હતી.

‘પણ શું કહેવું મારી વાસનાને... અત્યંત ખૂબસૂરત દેખાતા નાહર જોડે ઇન્ટિમસી માણવાની લાલચ હું રોકી ન શકી.’

બે-ચાર વારના મેળ પછી બિનીતાથી છાનું ન રહ્યું. સ્વાભાવિકપણે તે આઘાત પામી : નાહર તો ઠીક પુરુષ છે, પણ માલવિકા તને આપણા વરસોના સંબંધનો મલાજોય ન નડ્યો? મારા સુખમાં તેં ધાડ પાડી!

કામ્યાની જેમ બ્લૅકમેઇલ કરવાને બદલે તેણે નાહરથી છેડો ફાડ્યો એ તો ઠીક, પોતાની સાથેની દોસ્તી જ તોડી નાખી એ વધુ વસમું રહ્યું. અલબત્ત, તેમનું બ્રેકઅપ કાનફૂસીનો વિષય ન બને એટલો દંભ જાહેરમાં જાળવ્યો. બાકી સખીપણાં તૂટ્યાં એ તૂટ્યાં!

‘વરસેક અગાઉની આ વાત. કોઈ વિનવણીએ તે ન માની. એમાં હું વધુ બેફામ બનતી ગઈ... આજે યા કાલે તમે મને અહીંથી રજા આપશો, પણ હું વધુ જીવવાની નથી એ કહી દઉં... અને જોજો, મારા આપઘાતે મને એવા શબ્દોમાં શ્રદ્ધાંજલિ અપાશે જાણે હું સદીની સર્વોત્તમ ડાન્સર હોઉં, હું જાણુંને; ઐસે હી હૈં હમ લોગ!’ માલવિકાએ લજ્જાનો હાથ હાથમાં લીધો, ‘મારા બદચારિત્ર્યની ગંધ આબાદ સુધી પહોંચી જ હશે યા પહોંચશે. ન જાણે તોય મારા મૃત્યુનો તેને ગમ નહીં રહે, બલ્કે સંપત્તિની સત્તા ફરી પોતાને મળ્યાની ખુશી જ અનુભવશે. બિનીતા તો પથ્થરની થઈ ગઈ છે. કોઈ એવું નથી લજ્જા જે મારા માટે સાચાં બે અશ્રુ વહાવે... તું એટલું કરીશ તો મારા આત્માને સંતૃપ્તિ મળશે.’

માલવિકાને તો લજ્જાએ તમને કંઈ જ થવાનું નથી કહીને આfવસ્ત કરી, પરંતુ છેવટે તો તેણે પોતાનું ધાર્યું જ કર્યું. તેને આત્મહત્યા કરતી રોકવાના ડૉક્ટર તરીકે લજ્જાના તમામ પ્રયાસ છતાં મહિના પછી પોતાના ઘરે તેણે ઊંઘની દવાનો ઓવરડોઝ લઈને મૃત્યુ વહાલું કર્યું...

તેણે કહેલું એમ સોશ્યલ મીડિયામાં સેલિબ્રિટીઝ શ્રદ્ધાંજલિ અર્પવા ઊમટી પડી. બિનીતા-આબાદ રડતાં દેખાયાં એમાં લજ્જાને તો દંભ જ લાગ્યો. અંતિમ નોંધમાં માલવિકાએ મૃત્યુનું કારણ લખ્યું નહોતું, પણ ક્યાંકથી તેના ગુપ્ત રોગની વાત ઊડી. હૉસ્પિટલની તેની ફાઇલ પરોલ પર છૂટેલા આબાદ યા બિનીતાને જ મળી હોય. મતલબ, તેમણે જ વાત ફેલાવી હોય... એ જ તેમનું વેર કહો કે બદલો!

- અને દુનિયા ભલે એની રીતે માલવિકાને મૂલવતી રહે, લજ્જાએ સાચા દિલથી તેના મોક્ષની પ્રાર્થના કરી.

૫છી પાંપણે બાઝેલી બે બૂંદ લૂછીને તે દંભી દુનિયાથી અળગી થઈ ગઈ.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK