કથા-સપ્તાહ - હિલ-સ્ટેશન (માણસ હોવાની મને બીક - 3)

કેરળમાં નિપાહ વાઇરસનો આતંક : એક જ પરિવારના ત્રણ સભ્યોને ભરખી ગયો!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


આનંદે અરેરાટી અનુભવી. છાશવારે નવો જ કોઈ વાઇરસ માથું ઊંચકીને મોતનો હાહાકાર ફેલાવે એમાં ક્યારેક તો દવા બનાવનારી મોટી-મોટી મલ્ટિનૅશનલ્સની સંડોવણી હોવાની પણ શંકા થાય છે. લેટેસ્ટમાં આ નિપાહ વાઇરસ. કહે છે કે ચામાચીડિયાના કરડવાથી ફેલાતા વાઇરસનો ચેપ ઝડપથી ફેલાય છે ને પાછું એનું કોઈ મારણ નથી... જુઓને, કેરળમાં આખો પરિવાર સ્વાહા થઈ ગયો!

છાપાનું પાનું પલટીને આનંદે બીજા સમાચારમાં ચિત્ત પરોવ્યું, પણ સવારના ચા-નાસ્તા માટે તેની સાથે ડાઇનિંગ ટેબલ પર બેઠેલી અનન્યાના દિમાગમાં તો નિપાહ વાઇરસ જ ઘૂમરાતો હતો!

તેના માટે અખબા૨ના ખબ૨ નવા નહોતા, ગઈ કાલે સાંજે આવકારનો ફોન આવી ગયેલો એમાં આનાથી વસમી વાત હતી...

‘મને હાઈ ફીવર છે અનન્યા.’

હેં. આવકારના ધડાકાએ અનન્યાના વદનમાં કરન્ટ દોડી ગયેલો.

‘મારી બ્લડ-ટેસ્ટ ચાલે છે, પરમ દિવસે એનું રિઝલ્ટ મળશે. ત્યાં સુધી હૉસ્પિટલનો વૉર્ડ છોડવાની પણ મને રજા નથી.’

‘અરેરેરે.’

‘અનન્યા...’ આવકારના સ્વરમાં હાંફ વર્તાણી. અનન્યા કંપી. તેના ઉચ્છ્વાસ દ્વારા નિપાહ વાઇરસ મારા કાનમાં નહીં પ્રવેશેને!

મૃત્યુના ભયે માણસ કેટલો ફફડી ઊઠે એ આનું નામ.

‘આઇ વિશ કે મને કંઈ ન નીકળે, પણ ધારો કે... ધારો કે વાઇરસ વળગ્યો હોય ને મારી અંત ઘડી નજીક હોય તો...’ આવકારને શ્રમ પડ્યો,

‘જતાં પહેલાં એક વાર તને દૂરથી જોવી છે.’

‘હેં. એટલે તમે તમારો ચેપ મને આપવા માગો છો?’ અનન્યાથી છણકો થઈ ગયેલો.

‘આમ કેમ કહે છે અનન્યા? હું તને મરવા દઉં?’

તેને દુભાતો જાણીને અનન્યાએ વાત વાળવી પડી. આખરે હજી આવકારને વાઇરસ વળગ્યાનું કન્ફર્મ નથી. મામૂલી તાવમાં હું કાગનો વાઘ કરીને મામલો બિચકાવી ન શકું. આવકાર પર તો બધો આધાર છે! જાળવી લે અનન્યા.

‘આઇ નો આવકાર, તું મને કંઈ ન થવા દે... અને તને કશું નીકળવાનું નથી, મરવાનું તો આનંદે છે. તું એનું જ વિચાર.’

‘એ બધું થઈ રહેશે અનન્યા, પણ ધારો કે મને...’

આવકારની પિન તો એક જગ્યાએ અટકી ગઈ!

‘ઇટ્સ સેફ અનન્યા. ફુલ પ્રોટેક્શન સાથે તારે કેવળ મારી કાચની કૅબિનના દ્વારે ઊભા રહેવાનું છે. તને જોઈને આંખો મીંચું એટલી જ આરઝૂ છે. આઇ નો યુ લવ મી.’

લવ. અનન્યાને જાતને ઢંઢોળવાની ઇચ્છા થઈ. આનંદ મળતાં મેં આવકારને ડસ્ટબિનમાં ફેંક્યો, આનંદનું પત્તું સાફ કરવા હું તેને જ લાવી એમાં ચાહત ક્યાં આવી? હું કોઈને ચાહું છું પણ ખરી? ચાહી શકું ખરી? આવકારની બીમારીમાં મને મારું કામ ન બગડે એની ચિંતા છે, આવકારની હાલતની ચિંતા ક્યાં છે?

અને આવકારને જુઓ. જે છોકરી નથી જ મળવાની, જે બીજાને પરણી ચૂકી છે તેને નિતાંત ચાહતો રહ્યો, તેના માટે તેના વ૨ને હણવાનું ક્રાઇમ કરવા પણ તૈયાર થયો એમાં ક્યાંય દૌલતનો મોહ તો નહોતો જ, ચોક્કસ. મિત્રની વિપદામાં પણ પડખે રહેવાના તેના ગુણ, સંસ્કારને હું લાયક પણ ગણાઉં ખરી!

- વેલ, વેલ; અત્યારે તો આવકારને જાળવવા દે. તેના પર બધો દારોમદાર છે.

અને આવકારને સારું લગાડવા અનન્યાએ રણકાભેર કહી દીધું : તારી અંત ઘડી હું સાચવીશ. તારા એક કૉલે કેરળ આવી પહોંચીશ... પણ જોજેને, મારે કંઈ જ કરવાની પણ જરૂર નહીં પડે. તમે ઝટ સાજા થઈ મુંબઈ આવી જવાના.’

અત્યારે પણ એ શબ્દો પડઘાતાં અનન્યાએ ફિંગર ક્રૉસ કરી.

€ € €

મોડું ન કર અનન્યા, કમ સૂન!

ચાર દિવસ પછીની બપોરે આવકારનાં નેત્રો કાચની દીવાલે ટક્યાં છે. શ્વાસોની મૂડી ખૂટવા આવી છે. મરતા પહેલાં પ્રિયતમાનો ચહેરો જોવાની લાલસા કદાચ દેહમાં પ્રાણ ટકાવી રહી છે.

પોતે કયા કારણે કેરળ આવ્યો ને અહીં આ શું થઈ ગયું! મારું મૃત્યુ કેરળમાં હશે એટલે અહીંની ધરતી પોકારતી હશે?

સ્વામીનાથનના પપ્પાને નિપાહ વાઇરસ હોવાની જાણ થઈ ત્યાં સુધીમાં મધર અને સ્વામી એના ભરડામાં આવી ચૂકેલાં... પણ મને તો રિપોર્ટ આવ્યા ત્યાં સુધી આશા હતી કે સ્વામીને તો નિપાહ વાઇરસનું ઇન્ફેકશન ન જ નીકળે. એમ કંઈ મારો મિત્ર જતો હશે આ ઉંમરમાં!

પણ ગયો ને પાછળ પોતે પણ...

આવકાર હાંફી રહ્યો.

‘રિપોર્ટ પૉઝિટિવ...’ પરમ દહાડે જાણ થતાં પોતે અનન્યાને ફોન જોડ્યો. ફોનની એટલી સવલત મળે છે એ ઘણું.

સાંભળીને મૂંગીમંતર બની ગઈ હતી અનન્યા. ચોધાર અશ્રુએ રડતી હોય તો નવાઈ નહીં!

‘ડૉક્ટર કહે છે કે હવે બે-ચાર દહાડાથી વધુ નહીં ખેંચું. મારી અંત ઘડી સુધારવા તું આવી જા. અનન્યા, મારું કોઈ તો પોતાનું મારા પડખે હોય. તારા સિવાય એ કોણ હોય?

‘હલો-હલો આવકાર. હલો, તમારો અવાજ નથી આવતો.’

વળતી પળે ફોન કટ થયેલો કે અનન્યાએ અમારી વચ્ચેનું કનેક્શન કાપી નાખ્યું? પછી બે-ચાર વાર ટ્રાય કરી, પણ તેનો ફોન સ્વિચ્ડ-ઑફ કે નૉટ રીચેબલ જ આવતો હતો. અરે, ફોન બગડ્યો તો અનન્યા બીજા ફોન પરથી મને વળતો કૉલ કરી શકે... પરંતુ તે નથી કરતી - શું કામ?

તેને મારી પરવા નહીં હોય! તો શું તે મને ચાહતી નહીં હોય?

માનવું મુશ્કેલ લાગ્યું. કબૂલ, હું ગરીબ હતો એટલે તે મારી થઈ ન શકી, પણ પતિના જોખમે તેને મારી યાદ આવી એ પ્યાર નથી? આનંદને હટાવ્યા બાદ તે મારી સાથે પરણવાની ખ્વાહિશ જતાવે એ પ્યાર નથી તો બીજું શું?

ગરજ!

ભીતરથી ઊઠતા જવાબે આવકારને અંતરાશ આવી ગઈ.

અનન્યા કેવળ અમીરીને ઝંખે છે. પૈસો આનંદ પાસે છે તો તેને પરણી. પૈસો આનંદના હાથમાંથી સરક્યો તો તેને પતાવી વીમો પકવો - એમાં આવકાર મદદરૂપ થાય છે તો તેને લગ્નનો વાયદો આપો... આ જ અનન્યા સાચી!

છટપટી જવાયું. અનન્યાને હું પારખી ન શક્યો. પૈસા વિનાના આવકારને તે પોતાની અમીરીની મનસા કહે એમાં નિખાલસતા નહીં, તેનું ફોકસ હતું એ હવે સમજાય છે... તેને જરૂર પડી તો મારી યાદ આવી. બેશક, આનંદને હટાવવામાં સફળતા મળત તો તે મને પરણત પણ ખરી, પરંતુ એ તો રાઝદારને જાળવવા, પ્રણય ખાતર તો નહીં જ! અનન્યા કોઈને ચાહી ન શકે...

આવકાર... આવકાર, મરવાને ટાણે પ્રેયસી બાબત શંકા કરે છે? હૃદયે બળવો પોકાર્યો‍ : બની શકે કે અનન્યાની કોઈ મજબૂરી હોય, કદાચ આનંદને અમારું રિલેશન ગંધાયું હોય... એક કામ કર, ફરી એક વાર મોબાઇલ ટ્રાય કર, ન લાગે તો લૅન્ડલાઇન નંબર પર ફોન લગાવ...

ઊંડો શ્વાસ લઈને આવકારે મોબાઇલ જોડ્યો. રિંગ ગઈ. સામા છેડે અનન્યા જ હતી, ‘આઇ ઍમ સૉરી આવકાર.’

તેની દિલગીરી મલમપટ્ટીનું કામ કરી ગઈ.

‘મેં કેરળની હૉસ્પિટલમાં તપાસ કરાવી. તમે સાચે જ થોડા સમયના મહેમાન છો.’

આવકારના કપાળે કરચલી ઊપસી. અનન્યાએ હૉસ્પિટલના ઍડ્મિનમાં ફોન શું કામ જોડવો પડે?

‘તે દહાડે ફોન કટ થયો પછી મને બહુ ચિંતા થઈ. એવોય વિચાર આવ્યો કે તમે મારી મહોબતની કસોટી તો નથી કરતાને! બીમાર ન હો ને અમસ્તો જ હાઉ ફેલાવીને મારા પ્રણયને અજમાવતા હો...’

‘વાહ. એટલે હું જો નિપાહ વિશે જૂઠું બોલવાનું તું જાણત તો ભાળ કાઢ્યાનું છુપાવીને મને દર્શન દેવા આવત કે જુઓ, તમારી અંતિમ ઇચ્છાથી કશું જ સર્વોપરી નથી મારા માટે!’ અનન્યાનો આત્મા નિરાવૃત જોઈ શકતો હોય એટલી ખાતરીથી આવકાર બોલી ગયો, ‘પણ હું તને અજમાવતો નહોતો. ખરેખર મરણપથારીએ છું જાણીને તારી હિંમત ફસકી ગઈ કે પછી ગરજ ઓસરી ગઈ?’

તેનાં વેણ અનન્યાને કાળજે વાગ્યાં, કેમ કે એમાં સચ્ચાઈ હતી. હૉસ્પિટલમાંથી કન્ફર્મ ન થયું હોત તો આવકારની ‘કસોટી’ પોતે હોંશે-હોંશે પાસ કરી હોત, પણ હવે તે એક-બે દહાડાનો મહેમાન છે ત્યારે હું મારા જીવનું જોખમ કેમ લઉં? એમાં આવકાર મને મહેણાં શાનો મારે?

‘મારું ઍનૅલિસિસ કરવાને બદલે આવકાર, પ્રભુસ્મરણ કર. છેવટે તો એ જ સાથે આવવાનું છે.’

કહીને તેણે ફોન કાપ્યો. જાણે આ જન્મનો સંબંધ કાપતી હોય!

તું મારી અંત ઘડી સુધારવા ન આવી, પણ મરતાં પહેલાં તારી પરખ તો મને કરાવી ગઈ! રે ઈfવર! આવકારની પાંપણ ભીની થઈ : આ સ્ત્રીના મોહમાં હું એક નિર્દો‍ષ પુરુષની હત્યાનો પ્લાન કરવાનો હતો? કદાચ એની જ આ સજા મળી. આનંદનું પુણ્ય પોકારતું હશે

એટલે કુદરતે તેને બદલે મારો જ ઘાટ ઘડી કાઢ્યો.

આવકારને હાંફ ચડી. આંખે અંધારાં આવતાં હતાં. ના, મૃત્યુ તું આમ આવી ન શકે. મને થોડી તો મુદત આપ... હજી એક અતિ અગત્યનું કામ પતાવવાનું છે મારે!

€ € €

‘ડૉક્ટર...’ નર્સ દોડતી પહોંચી, ‘પેશન્ટ ઇઝ નો મોર.’

નિપાહ વાઇરસનો વધુ એક શિકાર! ત્રિવેન્દ્રમની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર નિસાસો જ નાખી શક્યા!

€ € €

આવકાર ગયો! અનન્યાના દિલદિમાગમાં શૂન્યતા છવાઈ છે. મને સાચા દિલથી ચાહનારો ગયો એ તો સાચુંને. મારા ખાતર તે મુંબઈ આવ્યો, આનંદને મારવાની યોજના સુધ્ધાં પાર પાડવાનો હતો - તેને કેમ મૃત્યુ લઈ ગયું!

અનન્યાની આંખ ભીની બનતી, પણ એ આવકારની ચિરવિદાયને કારણે કે પછી પોતાની મંઝિલ છેટી રહી ગઈ એના દુ:ખે એ ન સમજાતું.

આવકારે નિપાહ વાઇરસનો ઘટસ્ફોટ કરીને અંતિમ દર્શનની ઇચ્છા જતાવી ત્યારે પોતે ‘હલો-હલો, નથી સંભળાતું’નું નાટક કરીને કૉલ કાપ્યો. પછી થયું કે આવકાર ક્યાંક મારા પ્યાર-વિશ્વાસની કસોટી ન કરતો હોય. એમાં ઊણા ઊતરવું ન પાલવે.

પણ ના, હૉસ્પિટલથી કન્ફર્મેશન મળ્યું પછી એનો ગઈ કાલનો આખરી કૉલ ટાળી ન શકાયો. એમાં કદાચ પોતે ઍડ્મિનથી કન્ફર્મ કર્યાનું કહેવાની જરૂર નહોતી. આવકાર કેવો મને પામી ગયો! છેલ્લી ઘડી સુધી તેનું દિમાગ તો શાર્પ જ રહ્યું.

‘ઇઝ ઇટ મિસિસ મહેતા?’ ગઈ કાલે મોડી રાત્રે મોબાઇલ પર કેરળની હૉસ્પિટલથી નર્સનો ફોન આવ્યો હતો, ‘માય સેલ્ફ ભાનુમતી. એક બૂરા ખબર છે મૅડમ. મિસ્ટર આવકાર શાહ ઇઝ નો મોર.’

‘અરેરેરે.’

‘થોડા કલાક પહેલાં તેમનો દેહ છૂટuો. નિપાહનો રિપોર્ટ આવ્યો ત્યારનું મને કહી રાખ્યું હતું કે મને કંઈ થઈ જાય તો ફલાણા નંબર પર મિસિસ મહેતાને ખબર આપજો.’

‘ઓહ. થૅન્ક્સ મિસ ભાનુમતી. આઇ ઍમ શ્યૉર, તમારી સેવાથી સદ્ગતનો આત્મા સંતુષ્ટ થયો જ હશે... લેટસ પ્રે ફૉર હિમ.’

સવારે છાપામાં ન્યુઝ વાંચ્યા. નિપાહ વાઇરસે વધુ એકનો ભોગ લીધાના અહેવાલમાં જોકે મૃતકનું નામ આવકારને બદલે અવતાર છપાયું ધેટ મસ્ટ બી પ્રિન્ટિંગ મિસ્ટેક.

‘કેમ, આજે વળી નિપાહના સમાચાર વાંચીને તું ઉદાસ લાગે છે!’

બ્રેકફાસ્ટ માટે સાથે બેઠેલા આનંદે માર્મિક ટકોર કરી હતી. ‘લો, હું પણ ઇન્સાન છું. માણસો આમ ટપોટપ મરતા હોય એનો આઘાત ન લાગે?’

‘અફર્કોસ. અરેરાટી જ જન્માવે છે આ બધું.’ પછી રણકો બદલ્યો હતો, ‘હેય, ત્રણ દિવસ પછી આપણે આબુ જઈએ છીએને!’

ઓહ, હિલ-સ્ટેશનના એ પ્રવાસ માટે હું કેટલી ઉત્સાહી હતી. ત્યાંથી આનંદથી હંમેશ માટે પીછો છૂટવાનો હતો... પણ એવું આયોજન કરનારો જ ઊકલી ગયો! ખરેખર, ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે! આનંદને પૅરાગ્લાઇડિંગમાં ગરકાવવાનું સમણું જોનારને નિપાહ વાઇરસે પતાવી પાડ્યો. ઓહ, આ બધું અમારું કામ પાર પડ્યા બાદ થયું હોત તો! હવે હિલ-સ્ટેશન પર એકલી હું શું કરીશ?

- પણ જવું તો પડશે જ! અને ત્યાં કોઈ લાગ મળે તો આનંદને ટપકાવી પણ દઈશ. વન હૅઝ ટુ ટેક કૅલ્ક્યુલેટિવ રિસ્ક. બાકી આનંદનું આયખું લાંબું હશે એટલે કુદરતે આવકારને ઉકેલ્યો એવી સેન્ટિમેન્ટલ થિયરી મને ન પરવડે!

‘યસ ડાર્લિંગ, વી આર ગોઇંગ ટુ આબુ...’ બાકીનું મનમાં બોલી - જે કામ બે મળીને કરવાનાં હતાં એ હવે હું એકલી કરીશ. કરી શકીશ?

જોઈએ હવે!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK