કથા-સપ્તાહ - હિલ-સ્ટેશન (માણસ હોવાની મને બીક - 2)

‘લવ યુ.’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


આનંદ કાનમાં ગણગણ્યો. અનન્યાએ કોઈ સ્પંદન ન અનુભવ્યું. બપોરે હોટેલની રૂમમાં છવાયેલા આવકાર કે અત્યારે રાત્રે બેડરૂમમાં મારી કાયાને ધમરોળતા આનંદની સ્ત્રીને સંતોષી શકવાની ક્ષમતામાં ચોક્કસ ટાઇ થાય. બાકી તો ક્યાં આવકારને ને ક્યાં આનંદ!

નિસાસો હોઠ વચ્ચે દબાવી રાખ્યો. અંતરમાં જે ઘૂમરાતુ રહ્યું છે એની ભનક આનંદને આજે પણ ક્યાં છે?

‘તમે કશા તનાવમાં લાગો છો આનંદ, શું વાત છે?’

આજથી સવા વર્ષ અગાઉ અને લગ્નના છ મહિના પછી આનંદમાં આવતો બદલાવ દેખીતો હતો. પહેલાંની જેમ હસતા નથી, સરપ્રાઇઝથી મને આંજી દેતા નથી. આખો દિવસ બસ કામ, ઑફિસ ને મીટિંગ્સ! અનન્યાને ચિંતા જાગવી સ્વાભાવિક હતી.

‘હવે તને કહેવું પડશે અનન્યા...’ છેવટે પત્નીની પૃચ્છાથી આનંદે બરબાદીનો ભેદ ખોલ્યો.

‘મતલબ, આપણે સાવ ગરીબ થઈ જઈશું?’ અનન્યાનો ધ્રસકો ઉજાગર થઈ ગયો. ફિલ્મોમાં કે વાર્તામાં બને એમ અમે રાતોરાત રસ્તે તો આવી ન જઈએને!

‘નૉટ એક્ઝૅક્ટ્લી...’ આનંદે કહેલું, ‘ઘર-ઑફિસ-જ્વેલરી રહેશે. થોડીઘણી ફિક્સ જેટલું બચશે.’

હા...શ. અનન્યાને થયું કે કમસે કમ બંગલો ને ઘરેણાં સેફ છે, ગુજારાની તો ચિંતા નથી! અને આનંદ ગુમાવેલું કાલે પાછો કમાઈ લેશે...

આ એક આશા પર અનન્યા ટકી ગઈ, રાધર આનંદની નજરોમાં પોતાની ઇમેજ ટકાવી શકી.

પણ પરિસ્થિતિ વણસતી જ રહી. લોકો દેવું ચૂકતે કરવાની આનંદની ખાનદાની વખાણતા એમાં અનન્યાને બેવકૂફી લાગતી. આનંદ સ્માર્ટ હોત તો માલ્યાની જેમ ભાગી છૂટતાં આવડ્યું હોત! આર્થિક પડતીમાં નિમિત્ત બનનાર પતિ માટે માન રહ્યું નહોતું.

એમાં વળી આનંદે બચેલી પ્રૉપર્ટી કાઢીને નવેસરથી બિઝનેસમાં શરૂઆત માંડવાનું નક્કી કરતાં અનન્યાને જોખમ ગંધાયું : આનંદ રહ્યુંસહ્યું પણ ગુમાવી બેસવાના. મારે વળી પાછું વન

બેડરૂમ-હૉલ-કિચનમાં નથી જવું!

નૅચરલી, આનંદ નવી શરૂઆતથી વળી નવાં શિખર સર કરે એવી હવે શ્રદ્ધા જ નહોતી રહી અનન્યાને.

નહીં, જે બચ્યું છે એને તો ન લૂંટાવા દઉં હું. આનંદ જોડે આ મામલે ઝઘડવામાં જીવનસાથી માટેનો તેનો ભ્રમ ભાંગી જવાનો... ખિજાઈને કે રીસમાં તે મને ડિવૉર્સની નોટિસ પકડાવી દે તોય હું ક્યાંયની ન રહું! આ જોખમને મારે ટાળવું કેમ?

જોખમ.

અને તેને વાક્ય પડઘાયું હતું : એટલું યાદ રાખજે કે તું જોખમમાં હશે ત્યારે કોઈ એક છે જે પોતાના જીવની પરવા કર્યા વિના તને ઉગારવા દોડી આવશે...

આવકાર! અનન્યા ઝળહળી ઊઠી. હી ઇઝ માય અલ્ટિમેટ હોપ. તે ગલ્ફમાં નીચી મૂંડી કરીને કમાવામાં પડ્યો છે એટલું તો હું જાણું છું... કૉલેજના ફ્રેન્ડ્સમાં આડકતરી પૂછપરછ કરીને તેની કૉન્ટૅક્ટ ડીટેલ્સ મેળવી. અનન્યાનો કૉલ જતાં આવકાર ઊછળેલો : હેય યૂ!

તેના ઉછાળમાં અનન્યાએ તેની મહોબત સાબૂત હોવાનું પારખી લીધું.

‘તારા મૅરેજ પર મેં કાર્ડ મોકલેલું...’ આવકારે છૂટેલા છેડાથી શરૂઆત કરી.

પોતે એ કાર્ડને ડસ્ટબિનમાં ફેંકી દીધેલું એ યાદ આવતાં અનન્યાએ હોઠ કરડ્યો. એની જાણ જોકે આવકારને શું કામ કરવી?

‘અફર્કોસ, બીજી તમામ ગિફ્ટ્સ કરતાં એ સ્પેશ્યલ હતું...’ પછી થોડી ઔપચારિક વાતોથી જાણી લીધું કે આવકારને નોકરીમાં પ્રમોશન મળ્યું છે અને હૈયાની પાટી પર કેવળ અનન્યા જ અનન્યા છે!

મારે એટલું પૂરતું છે. અનન્યાએ રાહતનો શ્વાસ લીધો.

‘તારે ત્યાં ઑલ વેલ?’

‘કંઈ જ બરાબર નથી આવકાર....’ અનન્યાએ આપવીતી વહાવી દીધી. આનંદની આલોચના કરવાનું ન ચૂકી, ઉમેર્યું પણ - લગ્ન પછી મારે ઝૂંપડે જ રહેવાનું હોત તો કૉલેજકાળમાં તને જ શું કામ ન પરણત!

‘હં... તો શું કરવું છે તારે?’

આવકારે સીધું પૂછતાં અનન્યા ખંચકાઈ : આવી વાતો રૂબરૂમાં ચર્ચવાની હોય આવકાર...

‘ઠીક છે, અહીં શુક્રવારે રજા હોય છે. ધેટ ઇઝ ડે આફટર ટુમોરો. હું મુંબઈ આવી જાઉં છું. તને કન્વીનિયન્ટ પડે એવી હોટેલમાં રૂમ બુક કરાવી રાખજે.’

આનું નામ પ્રેમ! આવકાર ગેસ્ટહાઉસને બદલે હોટેલની લાયકાત ધરાવતો થઈ ગયો એ પણ સૂચક છે!

...બે દિવસ પછી ઍરપોર્ટ નજીકની હોટેલ અરિહંતમાં ભેગાં થયાં ત્યારે આવકારના આકર્ષણમાં ઉમેરો જ દેખાયો. તેને વળગીને બે-ચાર અશ્રુ ઠાલવી દીધાહ અનન્યાએ એ સહજભાવે થયું કે આવકારને બાંધી રાખવા એ ખુદ અનન્યાને નહોતું સમજાયું!

‘મેં તને ગાડીમાં મહાલતી કલ્પી હતી....’

ચા-નાસ્તાને ન્યાય આપતાં મૂળ મુદ્દે ફંટાઈ. આનંદ દિવસ દરમ્યાન બહાર હોય એટલે અનન્યાને ફુરસદનો અભાવ નહોતો. ઉતાવળ આવકારને હતી, સાંજની ફ્લાઇટમાં તેણે રિટર્ન થવાનું હતું.

‘એ જાહોજલાલી તો રિસાઈ ગઈ... જાણે સુખને કોની નજર લાગી?’ સમસ્યા દહોરાવીને અનન્યાએ લેટેસ્ટ અપટેડ કહ્યું : આનંદને કોઈ પણ હિસાબે મારે બધું વેચતા રોકવા છે અને તું જ મારો આખરી સહારો છે!

‘હં...’ આવકારે વિચારી લીધું, ‘તારો ઇન્ટરેસ્ટ આનંદને બધું વેચતો રોકવામાં છે, છૂટા થવામાં નથી.’

‘મને રસ કેવળ મારો ઇન્ટરેસ્ટ જાળવવામાં છે આવકાર - રેસ્ટ ડઝન્ટ મૅટર...’ અનન્યાએ આખરી કડી આપી દીધી. ‘આજે આપણા યત્નોએ કંઈ ન વેચવા રાજી થઈ જનારો કાલે વળી માથું ન ઊંચકે એની ખાતરી ખરી? તારી જાણ ખાતર, આનંદનો પૂરા ચાર કરોડનો

વીમો છે.’

વી...મો. ધીમા અવાજે બોલાયેલું વાક્ય આવકારને ટટ્ટાર કરી ગયું. અનન્યાએ આખરી ધક્કો માર્યો‍,

‘ઘર-ઑફિસ રહે તો ચાર કરોડનું વ્યાજ તો બહુ થયું નિર્વાહ માટે. તું પણ સારુંએવું કમાઈ લઈશ.’

‘મતલબ...’ આવકાર ઊભો થઈ ગયો, ‘આનંદને હટાવી દઉં તો તું મને પરણવા માગે છે?’

આવકાર સાથે વાત થયા પછી, તેને મળતા સુધીમાં બહુ વિચારીને અનન્યા આવા કંઈક નિર્ણય પર પહોંચી હતી : આનંદ કંઈ વ્યાજે જિંદગી ન કાઢે, આજે વારું તો કાલે વળી બધું વેચીને વ્યાપાર શરૂ કરવાની ચળ ઊપડ્યા વિના ન રહે... અને મારામાં એટલી હામ નથી. આનંદના પાસા અવળા પડ્યા તો હું ક્યાંયની ન રહું. આદર્શ પત્નીની ઇમેજ મારાથી વધુ વેંઢારાય એમ નથી. જોખમ ટાળવવાનો એક જ માર્ગ મને સૂઝે છે - આનંદની એક્ઝિટ! ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી. અનન્યાને આમાં કશું ખોટું-ખરાબ લાગતું નથી. આનંદ જીવતા હાથી કરતાં મરેલા વધુ ફાયદેમંદ છે, પણ આ બધું હું એકલા હાથે કરી ન શકું; પણ હા, આનંદના મર્યા બાદ હું આવકારને ફરી પરણવાનું વચન આપું તો આવકાર હોંશે-હોંશે ખેલ પાર પાડવાનો!

હોટેલમાં તેના હકારે આવકારનો આવેશ કાબૂમાં ન રહ્યો. અનન્યાએ તેને વાર્યો‍ યા રોક્યો નહીં - આ પુરુષની તો મને જરૂર છે. લેટ હિમ બી હૅપી. ઑન સેકન્ડ થૉટ, મારી અમીરી રહેતી હોય તો ખરે જ આવકારને પરણવામાં વાંધો પણ શું?

ત્રણ માસ અગાઉની એ મુલાકાત પછી ચક્રો ઝડપથી ગતિમાન બન્યાં. આવકારે મુંબઈ ટ્રાન્સફર લઈ લીધી. અમે જુદી-જુદી હોટેલોમાં ગુપ્ત મિલન યોજીએ છીએ અને હવે તો આનંદની એક્ઝિટની બ્લુપ્રિન્ટ પણ રેડી છે.

આવતા પખવાડિયે આનંદની વર્ષગાંઠ આવે છે. એ નિમિત્તે ચાર-છ દિવસની વેકેશન માણવાની માતા-પિતાના વખતની પ્રથા આનંદ આજેય નિભાવે છે. ના, આનંદ ફૉરેન-ટૂરને બદલે આપણા જ કોઈ હિલ-સ્ટેશન પર છુટ્ટીઓ માણવાનું પ્રિફર કરે છે. ગયા વરસે અમે માથેરાન હતાં, આ વખતે માઉન્ટ આબુનું બુકિંગ છે. 

‘ધીસ કૂડ બી હિઝ લાસ્ટ ડેસ્ટિનેશન...’ પ્રોગ્રામ જાણીને આવકારે બુદ્ધિ કસી હતી, ‘હિલ-સ્ટેશનમાં ઍડ્વેન્ચર સ્ર્પોસ્પોર્ટ્સનો ધંધો જોરમાં ચાલે છે. આબુ પણ અપવાદ નથી... ધારો કે ત્યાં પૅરાગ્લાઇડિંગ કરવા જતાં અકસ્માત થાય, ઊડવાને બદલે આનંદ ખીણમાં ખાબકે તો...’

આવા અકસ્માત બનતા હોય છે. આવું કંઈક ખરે જ અરેન્જ થઈ શકે તો ખીણમાં પડનારો આનંદ જીવે નહીં અને તેના ઍક્સિડન્ટમાં કોઈને મર્ડર ગંધાય નહીં!

‘આનંદનો બર્થ-ડે ૧૪ જૂને ગુરુવારે છે અને તમે મંગળથી રવિ સુધી આબુની હોટેલ મહારાજામાં રોકાવાના

છો - ફાઇન. હું બે દિવસ વહેલો પહોંચીને મેળ ગોઠવું છું. તારે હું કહું એ સાઇટ પર આનંદને પૅરાગ્લાઇડિંગ માટે તાણી લાવવાનો...’

‘ત્યારે તો તેની વર્ષગાંઠનું જ મુરત રાખો. મારા તરફથી ગિફ્ટ પૅકેજ દઈશ તો આનંદથી સ્પોર્ટ્સ માણવાનો ઇનકાર નહીં થાય...’

‘પર્ફેક્ટ. ત્યારે તો તેનો જન્મદિન જ મૃત્યુદિન બની જવાનો!’

આવકારના શબ્દોએ અત્યારે અનન્યાને થથરાવી દીધી. આનંદે તો એને સ્પર્શસુખની ધ્રુજારી જ સમજી!

€ € €

‘એક નવું ડેવલપમેન્ટ છે અનન્યા.’

બીજી બપોરે આવકારે ફોન રણકાવીને ખબર આપ્યા, ‘મેં તને કહ્યું છે, ગલ્ફમાં મારો કેરેલિયન મિત્ર હતો - સ્વામીનાથન...’

ગલ્ફમાં મહત્તમ કેરેલિયન વર્કિંગ પરમિટ પર ગયેલા જોવા મળે.

‘યા, તમે રૂમપાર્ટનર્સ રહ્યા છો, પણ તેને તમે આપણા પ્લાન કે મૅરેજ બાબત કંઈ કહ્યું નથીને?’

‘હોતું હોય!’ ઇનકાર જતાવીને આવકાર મુદ્દે આવ્યો, ‘ઇન ફૅક્ટ, તેના ફાધર સિરિયસ છે, સો હી હૅઝ કમ ડાઉન ધેર. ધીસ ઇઝ ધ ટાઇમ કે આઇ શુડ બી વિથ હિમ... આજે બપોરની ફલાઇટમાં જાઉં છું, બે-ચાર દિવસમાં આવી જઈશ...’

વેલ, આબુ જવામાં તો હજી ૧૦-૧૫ દહાડા છે એટલે આ બે-ચાર દિવસનો વાંધો નહીં.

મંજૂરી આપતી અનન્યાને ક્યાં ખબર હતી કે આવકારનો કેરળ-પ્રવાસ તેમના આબુના પ્લાનમાં વિઘ્ન નાખી શકે એમ છે!

€ € €

‘આવકાર...’ ત્રિવેન્દ્રમની સિવિલ હૉસ્પિટલના કૉરિડોરમાં ચિંતાતુર ચહેરે બેઠેલો સ્વામીનાથન મિત્રને ભાળીને ભાવુક થયો.

બેઉ ગલ્ફમાં સાથે રહેલા એટલે દોસ્તીની ધરી રચાઈ ગયેલી. સરખી વયનો સ્વામીનાથન તેનાં માબાપનો એકમાત્ર આધાર હતો અને ગલ્ફમાં પરસેવો પાડીને તેમનું ઘડપણ સુધારવાની એક જ નેમ તેને રહેતી. આવકારથી જોકે ભાઈ સમાન મિત્રને અનન્યા બાબત કહેવાયેલું નહીં : હું કોઈની પરણેતરને ચાહતો હોવાનું જાણીને સ્વામીને ખબર નહીં કેવું લાગે!

પોતે મુંબઈ ટ્રાન્ફસર લીધી ત્યારે તેણે ખુશી જતાવેલી : તારા શહેરમાં જઈને પરણી જજે; પણ જોજે, મને ઇન્વાઇટ કરવાનું ન ભૂલતો! ‘તારા વગર મારી બારાતમાં નાચવાનું કોણ?’

પિતાજી અચાનક બીમાર પડતાં સ્વામી કેરળ દોડી આવ્યો. તેણે જાણ કરતાં આવકાર પણ પહોંચ્યો. ત્યારે કોઈને જાણ નહોતી કે સ્વામીના પિતાને ડૉક્ટરોને ન પરખાતો રોગ નિપાહ વાઇરસનું પરિણામ છે અને એનો ભોગ બનનારા તેઓ પ્રથમ ભારતીય છે!

€ € €

‘ગજબ થઈ ગયો અનન્યા...’ કેરળ પહોંચ્યાના ત્રીજા દહાડે ફોન રણકાવનાર આવકારના સ્વરમાં પ્રવર્તતા આઘાતે અનન્યાએ એવું માન્યું કે સ્વામીનાથનના બાપા ઊકલી ગયા, પણ...

‘ડૉક્ટરોની ટીમે શોધી કાઢ્યું અનન્યા કે અંકલને નવો જ નિપાહ વાઇરસ વળગ્યો છે. એ જીવલેણ છે, એનો કોઈ ઇલાજ નથી.’

‘અરેરેરે.’

‘વધુ દુ:ખની વાત એ છે કે વાઇરસજન્ય રોગ ચેપી છે અને હવે સ્વામીનાં મધરમાં પણ એ જ લક્ષણો

જોવા મળી રહ્યાં છે. સ્વામીને ખુદને કાલથી તાવ છે.’

‘તો તમે ત્યાં શું કરો છો આવકાર!’ અનન્યા તીણાશથી બોલી, ‘ચેપના વાતાવરણમાં ફસાવું છે તમારે? આપણી યોજના યાદ છેને?’

‘રિલૅક્સ હની. સ્વામીનાં મધરને અને ખુદ સ્વામીને પ્રિકૉશનરૂપે અલાયદા વૉર્ડમાં રખાયાં છે. કાચની કૅબિનમાંથી તેમને હું જોઈ શકું છું...’ આવકારે ઉતાવળે ઉમેર્યું, ‘બે દિવસમાં સ્વામીનો રિપોર્ટ આવે કે હું નીકળું છું. હોપફુલી મારા મિત્રને ચેપ લાગ્યો ન હોય!’

કેવો માણસ છે આ! અનન્યાને ચીડ થઈ : જીવનું જોખમ જાણીનેય દોસ્તના પડખે ઊભા રહેવાનો કેવો ધખારો! તેનું વેદિયાપણું અમારા પ્લાનમાં નડતરરૂપ ન બને તો સારું!

પણ તેની પ્રાર્થના જોકે ફળી નહીં.. ત્રીજી સાંજે આવકારનો ફોન આવ્યો : આઇ લૉસ્ટ માય ફ્રેન્ડ! સ્વામી, તેના ફાધર, મધર એક જ દહાડામાં...’

ફોન પર જ ધ્રુસકાભેર રડતા આદમીને હવે સંભાળી જાણવો જોઈએ. મિત્રના શોકમાં તે અમારા પ્લાનમાં મુદત નાખે એવું ન થવું જોઈએ.

‘તમે મુંબઈ આવી જાઓ આવકાર, તો હું તમને ઢંગથી આfવસ્ત તો કરી શકું.’

જવાબમાં ‘હું નીકળું છું’ એવું સાંભળવાની અપેક્ષા હતી, પણ...

‘મને હાઈ ફીવર છે અનન્યા.’

હે. આવકારના ધડાકાએ અનન્યાના બદનમાં કરન્ટ દોડી ગયો. નિ...પા...હ... વાઇરસ?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK