કથા-સપ્તાહ - હિલ-સ્ટેશન (માણસ હોવાની મને બીક -૧)

આ...હ!

katha

અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ


હળવા ચિત્કાર સાથે તેણે પોતાના પર છવાયેલા પુરુષની ઉઘાડી પીઠમાં નખ ખૂંપાડી દીધા. એથી તો પુરુષનું આક્રમણ વધુ બેરહેમ બન્યું. સ્ત્રીને તરબોળ કરવાની આવકારની સ્કિલ લાજવાબ, કબૂલ; પણ એનો થોડોઘણો યશ મારી સંગેમરમર જેવી કાયાને પણ મળવો ઘટે!

અનન્યામાં ગુરૂર છવાયું.

‘યુ લુક બ્યુટીફુલ.’

નાનપણમાં સૌ અનન્યાને પરી જેવી, ઢીંગલી જેવી રૂપાળી કહેતા તો ટીનેજમાં અંગે યૌવન બેઠા પછી હરકોઈ તેની સુંદરતાને પોંખતું. ખાસ કરીને જુવાનિયાઓ તેના રૂપથી અંજાતા. તેમનો મૂક પ્રશસ્તિભાવ અનન્યાને ઓર ખીલવી જતો. એવુંય થતું કે મને અમીરીનું સુખ હોત તો ડિઝાઇનર વસ્ત્રો અને ઇમ્પોર્ટેડ કૉસ્મેટિક્સથી મારા સૌંદર્યને મેં કેવું નિખાર્યું હોત!

પણ પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતા સામાન્ય સ્થિતિના પિતા એકની એક દીકરીને બહુ-બહુ તો મલાડના વન બેડરૂમ-હૉલ-કિચનના ફ્લૅટથી ચર્ની રોડની કૉલેજ જવા ટ્રેનનો ફસ્ર્ટ ક્લાસનો પાસ કઢાવવા જેટલી સહૂલિયત કે પછી મહિને-દોઢ મહિને એકાદ મૂવી-હોટેલમાં જવાની લક્ઝરી પ્રોવાઇડ કરી શકે. એથી વિશેષ તેમનું ગજુ નહીં!

ના, માબાપના વહાલમાં અનન્યાને શંકા નહોતી. તેનાં ખ્વાબ જુદાં હતાં, જરૂરત અલગ હતી એટલું જ.

ખાસ કરીને કૉલેજમાં યૌવન મહોરતું ગયું એમ તેનો દૃષ્ટિકોણ સ્પષ્ટ બનતો ગયો : આઇ વૉન્ટ લક્ઝુરિયસ લાઇફ. મારે મારા આ રૂપને માની જેમ ગૃહમજૂરીની ઘંટીમાં નથી પીસવું...

અને આ એક રીતે સંભવ લાગ્યું અનન્યાને - હું કોઈ શ્રીમંત પુરુષને પરણું તો!

મિડલ ક્લાસ સ્ટુડન્ટ્સ માટેની ગવર્નમેન્ટ કૉલેજમાં કોઈ ગાડી-બંગલાવાળો હોત તો પોતાના રૂપથી આંજીને અનન્યાએ આંકાક્ષાપૂર્તિનો રસ્તો કંડારી લીધો હોત - ત્યાં સુધીની તેની તૈયારી. જોકે એવું કોઈ પાત્ર નજરે ચડ્યું નહીં, બીજામાં તેને રસ નહોતો. પોતે બહેકી શકે એમ જ ક્યાં હતી આર્થિક રીતે સાધારણ સ્થિતિના જુવાનોથી?

આનો અર્થ એ પણ નહીં કે અનન્યા એથી અતડી રહેતી યા બીજાને તુચ્છકારથી જોતી. ઊલટું પોતાને મળતું એટેન્શન તે એન્જૉય કરતી. વિચારી રાખેલું કે ગ્રૅજ્યુએટ થયા પછી મા લગ્ન માટે મુરતિયા ગોતશે ત્યારે સધ્ધર પાત્રનો જ આગ્રહ રાખવો...

જોકે જિંદગીમાં બધું વિચારી રાખેલું જ ક્યાં થતું હોય છે?

કૉલેજમાં અંતિમ સેમેસ્ટર પહેલાંના દિવાળી વેકેશનમાં અણધાર્યો‍ વળાંક સર્જાયો.

લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ ગ્રુપે ચાર દિવસની ગોવાની ટૂર પ્લાન કરી હતી. રીઝનેબલ રેટને કારણે અનન્યા પણ જોડાઈ.

પણજીના દરિયાકિનારે આવેલા ગેસ્ટહાઉસમાં ૨૭ સ્ટુડન્ટ્સ માટે બે હૉલ બુક્ડ હતા. એક છોકરાઓનો, બીજો છોકરીઓનો. બધા જોડે ધમાલમસ્તી કરતી અનન્યા ક્યારેક જુદા જ વિચારમાં સરી જતી : પરણ્યા પછી આવું બજેટેડ વેકેશન નહીં હોય, ગેસ્ટહાઉસની કૉમન રૂમને બદલે સેવનસ્ટારનો એક્સક્લુઝિવ સ્વીટ હશે...

‘તું વારે-વારે ક્યાં ખોવાઈ જાય છે?’ આવકાર પૂછતો.

કૉલેજનો મોસ્ટ હૅન્ડસમ બૉય. તે અમીર પણ હોત તો-તો પોતે ક્યારનો તેને પોતાનો કરી લીધો હોત! કૉલેજની મોટા ભાગની છોકરીઓને જેના માટે ક્રશ હતો તે મારી મહેરબાની માટે તરસતો હોવાનો અનન્યાને અણસાર હતો, પણ પોતે ક્યાં આગળ વધવું હતું? માબાપના દેહાંત પછી સંસારમાં એકલો પડેલો આવકાર કૉલેજ નજીકની ચાલમાં રહે છે અને પરચૂરણ કામ કરીને ગુજરબસર કરે છે. તે ભણીને બહુ-બહુ તો ચાર-છ લાખનું વાર્ષિક પૅકેજ રળશે એથી શું દળદળ ફીટે?

ગોવામાં પણ તે નિકટતા ઘૂંટવા માગતો હોય તો ચોખવટ કરી લેવી ઘટે... અને અનન્યા કહેતી, ‘હું ક્યાંય ખોવાતી નથી આવકાર, ઇરાદો ઘૂંટતી હોઉં છું... ફરી અહીં આવું ત્યારે ગોવાની સૌથી એક્સ્પેન્સિવ હોટેલમાં ઊતરીશ...’

‘ઓહો, લૉટરી લાગવાની છે?’ આવકાર હસ્યો.

‘શ્રીમંત પતિ કન્યા માટે લૉટરી ગણાતો હોય તો હા.’

અનન્યાના રણકારે આવકારનું રમતિયાળ સ્મિત ઓસર્યું.

‘મતલબ તને પામવા અમીર બનવું પડે અને હું માનતો હતો કે તું જેને મળે એના જેવું ધનવાન કોઈ નહીં!’

તેનો ભાવ અનન્યાને સ્પશ્ર્યો, પરંતુ શું થઈ શકે?

‘વેલ, ઑલ ધ બેસ્ટ.’

શેકહૅન્ડ કરીને છૂટા પડતા આવકારની નિરાશા દેખીતી હતી. તેને રોકવા ઇચ્છતા હૈયાને અનન્યાએ બાંધી રાખ્યું - જે રસ્તે જવું નથી એના મુસાફરને સાદ દેવાનો શું અર્થ?

માણસ જોકે ગમે એટલી તકેદારી રાખે, થવાકાળ થઈને રહેતું હોય છે.

અનન્યાની મનસા જાણીને આવકારે મન વાળી લીધું હોત, અનન્યાએ આવકારનું સ્મરણ રાખ્યું ન હોત; પણ ગોવાની બીજી સાંજે વૉટરરાઇડની મસ્તીમાં જાણે શું થયું કે અનન્યા દરિયામાં ખાબકી, તરતાં આવડતું હોવા છતાં અણધાર્યા બનાવને કારણે ગભરાટની મારી ડૂબવા લાગી ત્યારે તેની પાછળ કૂદીને બચાવનાર હતો આવકાર! તેના ચુસ્ત બદનને અનન્યા એવી ચીપકી કે અવશપણે આવકાર તેના હોઠ ચૂમી રહ્યો. સમુદ્રની અંદર થયેલી એ કેવી ડીપ, પૅશનેટ કિસ હતી!

સપાટી પર આવતાં સુધીમાં અનન્યા પાણી-પાણી થઈ ચૂકી હતી. પૈસા ઉપરાંત પુરુષ પાસે જે કંઈ જોઈએ એ આવકારમાં ઠાંસી-ઠાંસીને ભર્યું હતું. ગ્રુપના બીજા ટોળે વળી ઈશ્વરનો પાડ માનતા હતા, આવકારની હામને બિરદાવતા હતા ત્યારે આવકાર જાણે નજરોથી પૂછતો હતો : બોલ મારી અમીરી તને ગમી?

અનન્યામાં ઇનકારની ગુંજાશ નહોતી.

‘થૅન્ક્સ...’ મોડો-મોડો તેને આભાર માનવાનું સૂઝ્યું.

‘જરૂર નથી...’ આવકારે સ્મિત ફરકાવેલું, ‘કેવળ એટલું યાદ રાખજે કે તું જોખમમાં હોય ત્યારે કોઈ એક છે જે પોતાના જીવની પરવા કર્યા વિના તને ઉગારવા દોડી આવશે...’

આમ બોલનારને લગ્નના વરસ પછી પોતે સાંભરવો પડ્યો...

આવકારના આક્રમણથી કચડાતી અનન્યાએ વાગોળ્યું:

ગોવામાં ઝરેલો તણખો આવકાર માટે પ્રેમના અગ્નિમાં પ્રજ્વલિત થયો, જ્યારે અનન્યા તણખાને વધુ હવા ન મળે એ માટે સચેત રહેતી - આજે હું કદાચ આવકારની મહોબતને વશ થઈ જાઉં, પણ કાલે મને દૌલતનો અભાવ કનડવાનો હોય તો બેઉનું જીવન ખરાબે ચડે કે બીજું કંઈ!

‘તારી વૈચારિક સ્પષ્ટતાનો ગુણ પણ મને ગમે છે અનન્યા. પ્રિય વ્યક્તિનું તો દરેક પાસું ગમતું હોય.’

ફાઇનલ સેમેસ્ટરના રિઝલ્ટના દહાડે કૉલેજમાં થોડું એકાંત મેળવી લઈને આવકારે કહેલું. તેની મહોબત અનન્યાથી છૂપી નહોતી, અનન્યાનો ઇરાદો આવકારથી અજાણ્યો નહોતો.

બે રાહી એક રાહ પર ચાલી શકે એમ નહોતા.

‘આપણા માર્ગ ફંટાય છે અનન્યા. મારી રાહ જોજે એવું તો નહીં કહું, કેમ કે તારી અપેક્ષા મુજબનો અમીર બનવામાં સહેજે ૮થી ૧૦ વરસ લાગવાનાં. અલબત્ત, સીધા રસ્તે.’

પૈસાને ખાતર હું ગુંડા-મવાલીને નહીં પરણું એની ખાતરી આમાં ટપકતી હતી.

‘આઇ ઍમ સૉરી...’ અનન્યાની દિલગીરીમાં બનાવટ નહોતી.

‘વાય સૉરી? તને ચાહીને હું ખુશ છું અનન્યા. એટલું જ માગું છું કે તને તારી અપેક્ષા મુજબનો જીવનસાથી મળે ને મને યાદ કરવાની જરૂર ન વર્તાય...’

આવકારની એ ઇચ્છા કહો કે પ્રાર્થના અડધી સાચી પડી હતી. મને મારા ધાર્યા મુજબનો પતિ તો મળ્યો, પણ લગ્નના વરસ દહાડામાં આવકારને સાંભરવાની જરૂર પણ વર્તાઈ!

ના, કૉલેજમાં છૂટા પડતી વેળા પોતે આવકારને તને મારાથીયે વધુ લાયક જીવનસાથી મળે એવી શુભેચ્છા પાઠવી શકી નહોતી... આવકાર માત્ર ને માત્ર મને જ ઝંખતો રહે એ અપેક્ષા મારા ગુરૂરને પોષતી હતી, જવાનીના મીઠા સંભારણારૂપ હતી. એ તો શાશ્વત રહેવી જોઈએ!

છતાં કૉલેજ છૂટ્યા પછી બેઉ વચ્ચે ખાસ સંપર્ક પણ ન રહ્યો. આવકાર કમાવા ગલ્ફ કન્ટ્રીમાં ઊપડ્યો. બીજી બાજુ અનન્યાને તેનાં ધારાધોરણો મુજબનો પતિ પણ સાંપડ્યો - આનંદ!

કોલાબાના દરિયાકાંઠે ડ્રીમ હાઉસ જેવો બંગલો ધરાવતો આનંદ ગર્ભશ્રીમંત પરિવારનો નબીરો હતો. પ્લેનક્રૅશમાં માબાપને ગુમાવનાર આનંદ સંસારમાં એકલપંડો. હજારેક કરોડનું ટર્નઓવર ધરાવતો પૈતૃક બિઝનેસ આનંદે સફળતાપૂર્વક સંભાળી જાણ્યો હતો.

અઠ્ઠાવીસનો આનંદ વયમાં છએક વર્ષ મોટો ગણાય, પણ એવા ક્ષુલ્લક કારણથી વરસોના સમણાને સાકાર

થતું રોકે એવી નાદાન થોડી હતી અનન્યા! એ પણ જ્યારે પ્રસ્તાવ સામેથી આવ્યો હોય!

યસ, મા દીકરી માટે મુરતિયો તરાશે, તેને પોતાની અપેક્ષા જતાવવાની થાય એ પહેલાં બધું બની ગયું એને કુદરતનું જ કરવું ગણાય!

અત્યંત સોહામણો આનંદ ઊર્મિશીલ હતો. માબાપની વિદાયથી સૂના પડેલા જીવનને સથવારાના સુખથી છલકાવી દે એવી ગુણવંતી કન્યાનો તેને ખપ હતો. એકાદ સોશ્યલ ઇવેન્ટમાં તેણે અનન્યાને નિહાળી. તેની સાદગીભરી સજાવટ હૈયે ઘર કરી ગઈ અને ત્રીજે દહાડે એકાદ સંબંધી મારફત તેણે માગું મોકલાવ્યું. માબાપ જ નહીં, અનન્યા પણ ખુશીના આ આંચકા માટે તૈયાર નહોતી...

બેઉ એક-બે વાર મYયાં. અમીર હોવા છતાં આનંદમાં અભિમાન યા દંભનો અભાવ જણાયો. સંસ્કાર, પરંપરામાં માનનારા આનંદે પોતાની સાદગીનો ઉલ્લેખ કરતાં અનન્યા બોલી પડેલી, ‘મારી સાદગી મજબૂરીની હતી આનંદ. પૈસાની છૂટ હોત તો રૂપસજ્જા કઈ સ્ત્રીને ન ગમે?’

આનંદે આને નિખાલસતા ગણી. મન બેઠું. આનંદની હા થઈ. અનન્યાને તો ઇનકાર જ ક્યાં હતો?

લગ્ન અનન્યાના પેરન્ટ્સની હેસિયત મુજબ સાદાઈથી થયાં, પણ રિસેપ્શન આનંદના ખાનદાનને છાજે એવું ભવ્યાતિભવ્ય હતું. ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ અનન્યાની ખુશકિસ્મતી પર મોંમાં આંગળાં નાખી ગયેલાં.

એક શુભેચ્છાકાર્ડ ગલ્ફમાંથી પણ આવ્યું. થોડી પળ એને રમાડીને અનન્યાએ ડસ્ટબિનમાં ફંગોળી દીધેલું : ગુડબાય આવકાર. હવે પછીની જિંદગીમાં તને સાંભરવાની મને કોઈ જરૂર નહીં પડે!

સુહાગરાતે કલ્પનાતીત સુખ વરસાવીને આનંદે આવકારની કોઈ કસર, કોઈ અસર રહેવા ન દીધી. મિસિસ અનન્યા આનંદ મહેતા તરીકે અનન્યા કોલાબાના બંગલામાં, સોસાયટીમાં ગોઠવાઈ ગઈ. લગ્નના પહેલા છ મહિના ફેરીટેલ જેવા રહ્યા. અનન્યા સુખના હિંડોળે ઝૂલતી હતી. ફૉરેન-ટ્રિપ, ડિઝાઇનર વસ્ત્રો, ફૅશનેબલ જ્વેલરી... કોઈ શોખ અધૂરો નહોતો. આનંદ તેને સાચા દિલથી ચાહતો એમ પોતાની અપેક્ષાને સંતુષ્ટ, સંતૃપ્ત કરનાર પતિની અનન્યા દરકાર રાખતી એ ગુણને આનંદ પ્યા૨ તરીકે નિહાળતો.

પણ પછી...

ત્વ્ સેક્ટરમાં હરણફાળ ભરવા આનંદે ત્રણેક વરસથી માંડેલો પ્રોજેક્ટ ફેલ થતાં મૂડીરોકાણ ધોવાઈ ગયું. બૅન્કે લોનની ઉઘરાણી શરૂ કરતાં આનંદે બીજા બિઝનેસ વેચવા પડ્યા. લગ્નના વરસે સરવાળે સ્થિતિ એ આવી કે કોલાબાના ઘ૨ અને ર્ફોટની ઑફિસ ઉપરાંત નિર્વાહલાયક થોડીઘણી મૂડી સિવાય આનંદ પાસે કંઈ બચ્યું નહીં!

પતિની નિષ્ફળતા ચુભવા લાગી, રાજાની રાણી બન્યાનું સુખ નાશ પામ્યું. અનન્યા છટપટતી - અમીર આદમીને હું પરણી ખરી, પણ છેવટે તો અમીરી પણ હાથના મેલ જેવી છે એ સત્ય હું કેમ વિસરી!

સમાજમાં-સર્કલમાં આનંદની વ્યાપારી નિષ્ફળતાના દાખલા દેવાતા, પણ સાથે એટલું અચૂક કહેવાતું કે માલ્યા કે નીરવની જેમ ભાગવાને બદલે તેણે કોઈનો પૈસો બાકી ન રાખ્યો એ તેની ખાનદાની! ખુદ અનન્યાના પેરન્ટ્્સ આનો સંતોષ જતાવતા. ત્યારે આનંદ કહેતો : મારી ખરી તાકાત તમારી દીકરી છે. આટલું થયા છતાં તેણે કદી હરફ નથી ઉચ્ચાર્યો. સદા મારા પડખે રહી છે...

- કેમ કે હજી તું મારા પિયરથી ફાર બેટર સ્થિતિમાં છે! અનન્યાના હોઠે આવી જતું. બાકી બિઝનેસમાં બધું ગુમાવનાર પતિ પ્રત્યે માન-પ્રેમ રહ્યાં નહોતાં.

પણ પડે ત્યારે સઘળું પડે એમ આનંદે છેવટે ઘર-ઑફિસ વેચીને નવેસરથી ધંધો જમાવવાનો નિર્ણય કરતાં અનન્યાને જોખમ લાગ્યું ને આવકાર સાંભરી ગયો. ના, તે પોતે કંઈ એવો અમીર નથી બન્યો, પણ સંપત્તિનું સુખ પણ હવે આવકાર જ આણી શકે એમ હતો - આનંદનો વીમો પકવવામાં તે જ કામ લાગવાનો!

- અને વધુ એક ચિત્કારે સુખવર્ષા માણતી અનન્યા આબુના હિલ-સ્ટેશનમાં આકાર પામી શકનારો બદઇરાદો ઘૂંટતી હતી ત્યારે કેરળમાં નિપાહ વાઇરસનો પ્રવેશ ઢૂંકડો હતો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK