કથા-સપ્તાહ - હત્યા (જાસૂસ જોડી - 5)

આનંદ હિંમતગઢ પહોંચ્યો ત્યારે મહાબળેશ્વરમાં હોટેલ ઍમ્બૅસૅડરના બૅન્ક્વેટમાં રીયુનિયનની પાર્ટી જામી રહી છે.


અન્ય ભાગ વાંચો

4  |  5 


પાર્ટીમાં ડ્રિન્ક-સ્નૅક્સ ફરી રહ્યાં છે. ભાવથી મળનારા એકમેકનો સેલ્ફી લે છે, સુખદુ:ખની વાતો માંડે છે. હૉલના ખૂણે બે સ્ત્રીઓ ખુરસી પર ગોઠવાઈ છે.

‘થર્ટી યર્સ ઇઝ અ પ્રિટી લૉન્ગ ટાઇમ!’ મમતાએ કહ્યું.

‘કરેક્ટ...’ બિંદિયાએ ટાપસી પૂરી, ‘નોકરી છોડ્યાને મને પાંચ વરસ થયાં. ઘરે વહુ આવી ગઈ. પોતરો છે સરસમજાનો. તારે?’

‘મારો દીકરો લંડનમાં ભણે છે... ખરેખર ઘણો સમય થયો. ઘણુંબધું

બદલાઈ ગયું.’

‘યા, હોટેલનું મૅનેજમેન્ટ પણ ચેન્જ થયું, પરંતુ એની શાખ હજીયે એવી જ છે હં. આ વરસે હોટેલને સાઠ વરસ પૂરાં થશે એ નિમિત્તે નવાજૂના સ્ટાફનું રીયુનિયન કરવાનો આઇડિયા મૅનેજમેન્ટનો જ છે. બધાને ભેગા કરવાની જવાબદારી મેં ઉપાડી. વૉટ્સઍપ, ફેસબુક પર મૂકી દીધું એટલે ખૂણેખાંખરે ખબર પહોંચ્યા.’ કહીને તેણે સઢ બદલ્યો, ‘ખેર, તું તારી વાત કર. અચાનક જૉબ છોડીને તું ગાયબ જેવી થઈ ગઈ. એટલું સંભળાયું કે લૉટરી લાગી હોય એમ કોઈ મૂડીપતિને પરણીને તું ફૉરેન સેટલ થઈ ગઈ... મૅરેજનું ઇન્વિટેશન પણ નહીં! રીયુનિયનમાં એકલી જ આવી છે કે...’

‘હસબન્ડ આવ્યા છેને...’ મમતાએ આમતેમ નજર દોડાવી, ‘આટલામાં જ ક્યાંક હશે...’

ત્યારે હિંમતગઢમાં...

€ € €

‘તમે કહો એના સોગંદ રાજમાતા...’ આનંદની આંખોમાં આંસુ ધસી આવ્યાં એ અભિનય નહોતો. પોતે રચેલી જૂઠની જાળમાં સપડાવાનો ભય તેને ધ્રુજાવતો હતો. ‘મેં અમિતા પર બળાત્કાર જરૂર કર્યો, પણ અન્ડરવર્લ્ડવાળી તો કહાણી માત્ર હતી તેને ભડકાવવા, પોલીસથી તે બળાત્કાર છાનો રાખે માત્ર એ માટે...’

‘તમારું કહ્યું હું માની પણ લઉં આનંદ...’ રાજમાતાએ અવઢવ જતાવી, ‘પણ એનો પુરાવો શું?’

પુરાવો. આનંદ ટટ્ટાર થયો.

પોતે વિના પૂછ્યે હિંમતગઢ આવી ગયો એમ રાજમાતા પણ તરત મળવા તૈયાર થયાં એ ઘટના ફેવરમાં લાગી હતી. ના, તેમણે કહ્યું એમ અમિતા તેમને મળી જ નહોતી. તેમણે પણ અખબારમાં છપાયું ત્યારે જાણ્યું.

‘ત્યારનો મને તમારો ઇન્તેજાર હતો આનંદ. હિંમતગઢનો ઉલ્લેખ છે એટલે જરૂર તમે આવશો.’ કેટલી સહૃદયતાથી રાજમાતાએ કહ્યું, મારો હાથ પકડી મંત્રણા કક્ષમાં દોરી લાવ્યા. સાથે સત્ય કહેવાની તાકીદ કરતાં સવાયા રાજપૂતાણી જેવાં રાજમાતા સમક્ષ શિશ ઝુકાવીને પોતે સઘળી સચ્ચાઈ જતાવી દીધી... અને હવે પુરાવાનો તકાજો થાય છે તો...

‘બે હીરા કદી સરખા નથી હોતા રાજમાતા એ તો આપ જાણતાં હશો.’ આનંદે વૉલેટમાંથી તસવીર કાઢી. ‘બૅન્કના લૉકરમાં રાખી મૂકેલી તસવીર ઘણાં વરસે મને સાંભરી રાજમાતા...’

અમિતાની હથેળીમાં મૂકેલા હીરાની એ તસવીર હતી.

‘તમે પારખું છો રાજમાતા. અખિલસિંહના હીરા આપે જોયા હોય તો જાણી શક્યાં હોત કે એ આ નથી! આ તો મને મળેલા હીરા છે, જેમાંથી મેં બે અમિતાને આપ્યા હતા...’

‘ખરું. આ હીરા હાઇનેસના નથી.’

હા...શ... રાજમાતાનો ચુકાદો ઈશ્વરના વરદાન જેવો લાગ્યો આનંદને.

‘મતલબ તમે એક માસૂમ કન્યા પર બળાત્કાર કર્યો અને પછી તેને એવી ગભરાવી કે જિંદગીભર તે પોતાના કોશેટામાં પુરાઈ રહી? મારી દૃષ્ટિએ હત્યા કરતાં પણ આ ગુનો ભયંકર છે આનંદ, એની માફી ન હોય.’

એકાએક રાજમાતાના તેવર કેમ બદલાયા? ત્યાં તો તેમણે તાળી ઠોકી. એ સાથે જ દરવાજો ખૂલ્યો અને...

અજાણી યુવતી (તર્જની)નો હાથ પકડીને ભીતર આવતી સ્ત્રીને ભાળીને ભૂત જોયું હોય એમ ભડકી ગયા અભિનેતા આનંદ શાહ - અ...મિ...તા!

‘હું મરી નથી આનંદ...’ નજીક આવતાં અમિતા નરવા કંઠે બોલ્યાં, ‘અહીંના દેવ જેવા ડૉક્ટરોએ બૂઝતા દીવામાં તેલ પૂર્યું... હું બહુ રિબાઈ. હવે તને રિબાતો જોવા જીવતી રહેવાની...’ કહીને તેમણે વીંઝેલા તમાચામાં ક્યાંય માંદગીની અશક્તિ વર્તાઈ નહીં.

‘આ ટ્રૅપ હતો મિસ્ટર ઍક્ટર...’ ગાલ પંપાળતા અભિનેતાને તર્જનીએ કહ્યું, ‘જુઓ, પેલા કૅમેરામાં જિંદગીની વાસ્તવિકતા રેકૉર્ડ થઈ છે. પોતાના પ્રિય અભિનેતાનું વરવું રૂપ થોડા સમયમાં નૅશનલ ટીવી પર પ્રસારિત થવાનું અને મોટા ભાગે એથી હાઇનેસનો ખરો કાતિલ પણ ઝડપાવાનો!’

તર્જનીનો શબ્દેશબ્દ હૃદય પર ભરડો લેતો હતો. નામ, પ્રતિષ્ઠા, આબરૂ, બધું ગુમાવી ચૂક્યો હું આ પળે!

આનંદને તમ્મર આવ્યાં, પણ હાજર ત્રણમાંથી કોઈ સ્ત્રીને એના પર સહાનુભૂતિ ન થઈ!

‘હોપ, મહાબળેશ્વરમાં પણ બધું ધાર્યા મુજબ પાર પડે.’ તર્જની બોલી.

€ € €

‘લેડીઝ ઍન્ડ જેન્ટલમેન.’ છેવટે અત્યંત કામણગારા દેખાતા જુવાને (કેતુ) માઇક પર સંબોધન કર્યું. હૉલનો ગણગણાટ શાંત થયા પછી તેણે ઉર્મેયું, ‘વરસો અગાઉ અહીં એક હાઇનેસની હત્યા થઈ હતી. એમાં અન્ડરવર્લ્ડની સંડોવણી વિશે આપે જાણ્યું-વાંચ્યું હશે...’

મમતાને અંતરસ આવી. ‘સૉરી. ખુશનુમા માહોલમાં એ ગોઝારી ઘટનાને ક્યાં સાંભરો છો મિસ્ટર?’

‘એ જને.’ તેની બાજુમાં ઊભી બિંદિયા ધ્રૂજતી હોય એમ બોલી, ‘તું તો એના

છ-આઠ મહિનામાં પરણીને દુબઈ જતી રહી મમતા, પણ પોલીસડા બબ્બે-ત્રણ-ત્રણ વરસ સુધી અહીં પૂછપરછ માટે આવતા રહેતા. એમાં ઠેઠ હવે અન્ડરવર્લ્ડનો ફણગો ફૂટ્યો.’

‘અન્ડરવર્લ્ડની વાત ફેક છે.’ અનિકેતે કહ્યું, ‘જુઓ, નૅશનલ ટીવી પર નવી ક્લિપિંગ ફરતી થઈ છે.’

હૉલની સ્ક્રીન પર તેણે ન્યુઝ મૂકતાં ભાંગી પડતો આનંદ કબૂલાત કરતો દેખાયો. તેની કબૂલાતે હૉલમાં ચર્ચા જામી. અમિતા મરી નથી? રાજમાતાએ આનંદને બરાબર ભીડ્યો! અમિતા સાથે ખોટું થયું, પણ તો પછી ખૂની કોણ?

‘ખૂની અહીં મોજૂદ છે...’ ટીવી બંધ કરીને કેતુએ રણકાભેર કહ્યું. મમતાની છાતી ધડકી ગઈ.

‘જી...’ સાદા વેશમાં ઘૂમતા ઇન્સ્પેક્ટર દાંડેકરેએ દોર સંભાળ્યો, ‘હું તો અહીં વરસથી જોડાયો છું, પણ ભારે જહેમતથી મારા ભૂતપૂર્વ અધિકારીઓએ હત્યાના હથિયાર જેવું ચાકુ મેળવીને એના પરથી ફિંગરપ્રિન્ટ્સ મેળવી હતી. ’

મમતાના કપાળે ક૨ચલી ઊ૫સી. પોલીસે આવું કદી જાહે૨ નથી કર્યું...

‘આજે જૂના તમામ કર્મચારીગણને ભેગો કરીને આપે માણેલા કોલ્ડ-ડ્રિન્ક્સના ગ્લાસ પરની છાપ એની સાથે સરખાવતાં ગુનેગારની ભાળ અમને મળી ગઈ છે.’

મમતાની નજર તેના પતિ સાથે ટકરાઈ.

‘જીતસિંહ...’ દાંડેકર જોરથી બોલ્યો અને બીજી પળે સિવિલ ડ્રેસમાં ચાર-છ પોલીસે મમતાપતિ જીતસિંહ ઉર્ફે જિતુભાને ઘેરી લીધો.

‘નહીં...’ જિતુભા છટપટ્યો. ‘તમારી કંઈ ભૂલ થાય છે.’

‘હં...’ કેતુ આગળ આવ્યો. તેના હાથમાં પ્લાસ્ટિકની કોથળી હતી જેમાં ધારદાર ચાકુ હતું, ‘આને ઓળખો છો? આ છે કતલનું હથિયાર. એના પરની પ્રિન્ટ તમારા ગ્લાસ પરની પ્રિન્ટ સાથે મળતી આવી છે...’ સ્તબ્ધતા જમાવીને તે અચાનક મમતા તરફ ફર્યો‍, ‘મૅડમ મમતા, આમાં તમે સામેલ હતાં એ કબૂલો છો કે પછી થર્ડ ડિગ્રી જોઈશે?’

નજર સામે લટકતી છરીને મમતા ફાટી આંખે નિહાળી રહી. થ...ર્ડ ડિ...ગ્રી.

‘ન...ન...નો...’ મમતાએ આઘાત દર્શાવ્યો. ‘હું તો માની નથી શકતી જીત આવું કંઈક કરે. તેં આ શું કર્યું જીત? મને અંધારામાં રાખી! લઈ જાઓ તેમને ઇન્સ્પેક્ટર. કડકમાં કડક સજા કરજો...’

તેણે અશ્રુ સાર્યાં. જિતુભા ખડખડાટ હસ્યો. તેની નજરે મમતા ધ્રૂજી ઊઠી.

‘સ્વાર્થી ઔરત. પોલીસની ચાલમાં ખુલ્લી પડી ગઈ. આ એ હથિયાર છે જ નહીં જે મેં વાપરેલું.’

હેં. મમતાની કરોડરજ્જુમાં સટાકો બોલ્યો.

‘ત્રણ દાયકાના લગ્નજીવન પછીયે તું મારી ન થઈ શકી એનાથી વિશેષ સજા શું હોય મારા ગુનાની? હા સાહેબ, હાઇનેસનું ખૂન મેં કર્યું; પણ એ ચીંધનારી આ જ ઔરત!’

€ € €

ડ્રાઇવરગીરી કરીને જિતુભા કંટાળ્યો હતો. હોટેલના શ્રીમંત મહેમાનોની

લાઇફ-સ્ટાઇલ રિસેપ્શનિસ્ટ મમતાને દોલત પામવા પ્રેરતી હતી. બેઉ પાછા સંસારમાં એકલાં. જિતુભાને ઘણી વાર મહેમાનોને લઈને ઍમ્બૅસૅડરમાં રોકાવાનું બનતું એટલે બે મહkવાકાંક્ષી દિમાગને એકબીજાએ પારખી લીધેલાં. એમાં મમતાએ ટેલિફોનલાઇન પર હાઇનેસને એજન્ટ સાથે આઠ કરોડના હીરા બાબત ચર્ચા કરતા સાંભળ્યા ને બસ, તેને મારીને અમીર થવાનો પ્લાન ઘડાઈ ગયો!

મમતા જ મળેલી હતી એટલે રિસેપ્શન પરથી બીજી ચાવી લઈને હાઇનેસના સ્વીટમાં ઘૂસવું આસાન હતું. વળી એ રાત્રે અમરસિંહ-મીનળદેવી પણ ગેરહાજર હતાં. પોતાનું કામ પતાવવામાં જિતુભાને મુશ્કેલી ન પડી. વૉશરૂમમાંથી નીકળતા હાઇનેસ તેને ભાળીને ચોંકે એ પહેલાં તો જિતુભાએ કામ પતાવી દીધું. હીરા શોધવામાં સમય લાગ્યો, પણ આખરે તેમની બૅગના તળિયેના ચોરખાનામાંથી હીરાની પોટલી મળી આવી. એને લઈ બહાર નીકળવા જાય છે ત્યાં લૉબીમાં કોઈની હાજરી કળાતાં જાતને સેરવીને દરવાજો બંધ કર્યો‍ - એ સંચાર મીનળદેવીએ સાંભળ્યો હતો...

ખરેખર તો તેમનું આગમન નીચે બેઠેલી મમતા માટે પણ અણધાર્યું હતું. ઉપરની પરિસ્થિતિથી પોતે જાણતી નહોતી. હાઇનેસના રૂમનો ઇન્ટરકૉમ રણકાવવામાંય જોખમ હતું... પણ પછી જિતુનો જ ફોન આવ્યો ત્યારે તેને અમર-મીનળ આવ્યાં હોવાનું કહીને મમતાએ ઉમેર્યું હતું કે હું થોડી મિનિટ માટે બ્લૅકઆઉટ કરી લઉં છું, તું અંધારામાં સરકી જજે...

જિતુભાને એની ફાવટ હતી અને ખરેખર પછી કોઈ વિઘ્ન ન નડ્યું. હાથ લાગેલા હીરાને વેચવાની ઉતાવળ નહોતી. બહુ નૉર્મલ રહ્યાં બેઉ હાઇનેસના ખૂનની ચર્ચા અને તપાસમાં આગળ પડતો ભાગ પણ લીધો!

મામલો ઠંડો પડ્યા પછી હીરાનો સોદો કરી પરણીને દુબઈ ભેગા થઈ ગયાં!

€ € €

‘....પણ એક બાજુ અન્ડરવર્લ્ડની વાત આવી અને બીજી તરફ રીયુનિયનનો પ્રસ્તાવ આવતાં લલચાયા. ’કબૂલાત કરીને જિતુભાએ નિ:fવાસ નાખ્યો.

‘ક્રાઇમની થિયરી કહે છે કે ગુનેગારને ગુનાસ્થળનું આકર્ષણ રહેતું હોય છે.’ કેતુએ ઉમેર્યું, ‘હીરા બાબતની જાણ હોટેલના સ્ટાફને હોઈ શકે એમ જાણ્યા પછી અમે આખી યાદી તૈયાર કરી. દરેકના વેરઅબાઉટ્સ ચકાસતા ગયા. એમાં મમતાને જૅકપૉટ લાગ્યાનું જાણ્યું. શ્રીમંત પુરુષને પરણીને વિદેશમાં ક્યાંક સેટ થઈ છે. તમે જિતુભામાંથી જિતસિંહ જાડેજા બન્યા, પણ તમારો મેળ અમિતાએ વરસો અગાઉ નોંધ્યો હતો એટલે જિતુભાના છેડાની તપાસમાં માલૂમ પડ્યું કે એ જ અરસામાં તે પણ નોકરી છોડીને અજાણવાટે જતો રહ્યો છે... તમારી કડી રીયુનિયનથી સાંપડી શકે એમ હતી અને એવું જ બન્યું. મમતાનું કન્ફર્મેશન દુબઈથી મળ્યું. સાવધાની ખાતર તમે સોશ્યલ મીડિયાનો ખાસ ઉપયોગ નથી કરતા જિતુભા, એટલે અમારી જાસૂસ ટીમે દુબઈનો પ્રવાસ ખેડવો પડ્યો. અહીં કદાચ કોઈએ તમને ન પારખ્યા, પણ અમિતાએ દુબઈના ફોટો જોતાં જ કહી દીધું : આ જ જિતુભા! તમારું જોડાણ, તમારી ગુપ્તતા, તમારું ઐશ્વર્ય સીધા ઇશારારૂપ હતું. દુબઈમાં ટ્રાન્સપોર્ટ-સર્વિસ ખોલીને તમે જામી ગયા, પણ ફરી એ સ્થળે જવાની લાલચ ન રોકાઈ. કેસમાં અન્ડરવર્લ્ડના ફણગાએ તમે વધુ આત્મવિfવાસુ બન્યા... ખે૨, બે ગુનેગારો વચ્ચેનો સંબંધ છેવટે તો પરપોટા જેવો તકલાદી જ નીવડતો હોય છે. અમે તો માત્ર ટાંકણી ભોંકવા જેટલું જ કર્યું. મમતાના રૂપે તમે જ ધીરજ ગુમાવી.’

મમતા કપાળ કૂટે છે, જિતુભા નિ:fવાસ નાખે છે; પણ હવે શું!

ત્રણ દાયકા અગાઉનો સિનેસ્ટારનો બળાત્કાર અમારી કરતૂત ખોલવા સુધી દોરી જશે એવું ક્યારેય ધાર્યું નહોતું! વરસોના થપેડા થવાથી ગુનાની ગંભીરતા ઘટતી નથી એ આવા કિસ્સાઓથી પુરવાર થાય છે.

€ € €

કથાના ઉપસંહારમાં એટલું કે અમિતાને સૌએ બિરદાવી. આનંદ-મમતા-જિતુભાને ઘટતી સજા થઈ. બેઉના પરિવારમાં એનાં વમળ સજાર્યાં. જગતમાં થૂથૂ થયા પછી માશૂકાએ પણ પતિ સાથે છેડો ફાડ્યો તો લંડન ભણતો મમતા-જિતુનો દીકરો માબાપનું અસલી રૂપ ખમી ન શકતાં તેણે આપઘાત કર્યો‍ એ કદાચ સૌથી વસમી સજા રહી.

‘બળાત્કાર છુપાવવાની નહીં, જાહેર કરવારૂપ ઘટના છે એ સત્ય જુવાનીમાં સમજાયું હોત તો સંભવ છે કે મને મારા માવતરની પણ હૂંફ મળી હોત!’ અમિતાને જોકે એનો રંજ નથી, ‘દેર આએ દુરસ્ત આએ. આનંદે કહેલી જૂઠી કહાણી છેવટે સાચા ગુનેગારોને ઝડપવા સુધી દોરી ગઈ એ ન્યાય જેવોતેવો છે?’

સુમિત્રા-સાંવરીને પણ આનો આનંદ. રાજમાતા આનો સઘળો યશ કેતુ-તર્જનીને આપે છે : આખરે તમારી જાળમાં ગુનેગારો ઝડપાયા! અમિતાનું ડાઇંગ ડેક્લેરેશન અને રીયુનિયનની ચાલ ફળી. સત્યની મશાલ તમારા જેવાના હાથમાં છે કેતુ-તર્જની ત્યાં સુધી કોઈ ગુનો કે ગુનેગાર ઉજાગર થયા વિના નથી રહેવાનો!

રાજમાતાના આર્શીવાદે જાસૂસી જોડી નતમસ્તક થઈ રહી.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK