કથા-સપ્તાહ - હત્યા (જાસૂસ જોડી - ૪)

‘કુદરત ક્યારેક ગજબ જોગ ગોઠવી દેતી હોય છે તર્જની...’ વામકુક્ષિ માટે લંબાવતાં રાજમાતાએ વાત છેડી.

novel

અન્ય ભાગ વાંચો

4  |  5 


સમીત (પૂર્વેશ) શ્રોફ

હિંમતગઢ રોકાવાનું થાય ત્યારે તર્જની રાજમાતાના કક્ષમાં સૂવાનું પસંદ કરતી. રાજમાતા પાસે રાજઘરાનાની જાણી-અજાણી વાતોનો ખજાનો હતો. રાતે સૂતી વખતે એ ફેરી ટેલ જેવી કથાઓ સાંભળવાનો રોમાંચ અનેરો રહેતો. ગઈ રાત્રે તેમણે ખજાનાની કથા કહી, અત્યારે બપોરના ટાણે ગતખંડ ઉખેળી રહ્યાં હોય તો માત્ર એ કારણે કે એનાં પાત્રો સાંજે પૅલેસ કૉમ્પ્લેક્સમાં ભેગાં થઈ રહ્યાં છે અને એ પહેલાં મારે તેમના વિશે જાણી રાખવું જરૂરી છે એવું પણ રાજમાતા બોલી ગયાં...

‘૩૦-૩૧ વરસ અગાઉની આ ગાથા છે તર્જની. ત્યારે તમારા મહારાજસાહેબ (અમરસિંહ) હયાત અને સમીર (પુત્ર)ના આગમનને હજી સમય હતો. મહાબળેશ્વર અમરનું પ્રિય ગિરિમથક. ત્યાં થોડીક પ્રૉપર્ટી ખરીદવાના આશયે અમે ચાર-છ દિવસના પ્રવાસનું આયોજન કર્યું...’

રાજમાતા કહેતાં રહ્યાં, તર્જની સમક્ષ પાત્રસૃષ્ટિ ઊપસતી ગઈ.

ઍમ્બૅસૅડરના સ્વીટમાં

અમરસિંહજી-મીનળદેવીનું ઉતરાણ, અખિલસિંહનો ભેટો, હીરાના જોખમની કબૂલાત, હત્યાની મધરાતે

અમરસિંહ-મીનળદેવીનું પાછા આવવું, દરવાજો બંધ થયાનો સંચાર સાંભળ્યાની અનુભૂતિ... સર્વ કંઈ કહી ગયાં રાજમાતા.

‘આ જ ઘટનાનો બીજો પહેલુ એટલે ફિલ્મસ્ટાર આનંદ!’

અચ્છા. આનંદનું જામેલું નામ, શૂટિંગ માટે અઠવાડિયાનું રોકાણ, તેની કઝિનને રૂમ પર રોકાવાની ટ્રીટ... કતલની રાત્રે તેનું ભટકાવું - બધું જ કડીબદ્ધ કથાની જેમ દહોરાવી ગયાં રાજમાતા.

‘હત્યારા હીરાચોરનો પત્તો આજ દિન સુધી નથી લાગ્યો તર્જની. આમાં હવે અમિતાની ઓચિંતી મુલાકાત. જાણે તે શું ધડાકો કરવાની હશે!’

€ € €

‘હાઇનેસની હત્યામાં અન્ડરવર્લ્ડનો હાથ છે!’

ખંડમાં હાજર સૌ ચોંકી ઊઠ્યા. કલાક અગાઉ મોડી સાંજે ડિનર સમયે અમિતા ટૅક્સીમાં આવી પહોંચી ત્યારે સુમિત્રા-સાંવરી ઑલરેડી રાજમાતાના સંદેશે પધારી ચૂકેલાં. પ્રથમ તો સૌએ ભેગા મળી ભોજન કર્યું. પછી મંત્રણાખંડમાં ગોઠવાયા. તર્જની-કેતુ તો જોડે હોય જ. જોકે અમિતાનો પહેલો જ ધડાકો અસંબદ્ધ લાગ્યો. હાઇનેસને અન્ડરવર્લ્ડ સાથે શું કનેક્શન હોય!

‘હાઇનેસને નહીં, આનંદને.’ શ્રમ પડ્યો હોય એમ અમિતા હાંફી ગયાં. એકધારી સફર ખેડી પોતે આવ્યાં, મીનળદેવીનાં દર્શને જ જાણે થકાવટ દૂર થઈ ગઈ. રાજમાતાએ હાઇનેસના પરિવારને હાજર રાખ્યો એય ગમ્યું. પોતે તેમની માફી તો માગી શક્યાં! હવે બીજું રહસ્ય ખોલવામાં પણ દેર કરવી ન જોઈએ...

‘ફિલ્મસ્ટાર આનંદ આમ જુઓ તો મારા કઝિનનો કઝિન થાય...’

સૌ કથાપ્રવાહમાં જકડાતા ગયા.

‘...અને આનંદે મારી આબરૂ લૂંટી’ની પરાકાષ્ઠા કહેતાં અમિતાનો સ્વર તૂટ્યો. કદી કોઈને ન કહેવાયેલું સત્ય ઉજાગર કરતાં આંખમાં અશ્રુ ધસી આવ્યાં. તર્જનીએ તેમને પાણી ધર્યું. કેતુ ધ્યાનથી અમિતાના હાવભાવ નિહાળી રહ્યો.

આનંદ કેતુ-તર્જનીનો માનીતો હીરો. ખાસ કરીને તેના યંગર ડેઝની જૂની ફિલ્મો આજેય જોવી ગમતી. તે આવો વહેશી, બળાત્કારી?

રાજમાતા સમક્ષ વરસો જૂનું, પોતાની જોડે ભટકાતી અમિતાનું દૃશ્ય ઊપસ્યું - એની પૂવર્ભૂીમિકા હવે ખૂલે છે!

‘આનંદના બળાત્કારનો આઘાત ૫ચે એ પહેલાં હાઇનેસની હત્યાનો ઘટસ્ફોટ થયો...’ અમિતા કહેતી ગઈ. આનંદે પાડેલી તસવીર, દીધેલા હીરા સુધીનો ઘટનાક્રમ ઉલેચવાનો શ્રમ તેમના વદન પર અંકાઈ ગયો.

સૌ સ્તબ્ધ હતા. કેતુ-તર્જનીની અનુભવી નજર કહેતી હતી કે મરણને આરે ઊભેલી સ્ત્રી જૂઠ બોલતી હોય એવા ચાન્સિસ બહુ ઓછા છે. આનંદ સેલિબ્રિટી છે, વળી અમિતાના સગામાં છે. આનંદ તરફથી પોતાની કોઈ અપેક્ષા ન સંતોષાતાં અમિતા બળાત્કાર-હત્યાના મામલામાં તેને ફસાવવા માગતી હોત તો સીધો પ્રેસમાં જઈને બૉમ્બ ફોડ્યો હોત, આમ રાજમાતાની મધ્યસ્થી ન ઝંખી હોત. ઊલટું આને તો આટલાં વરસો ચૂપ રહ્યાનો પસ્તાવો છે, સુમિત્રાભાભી-સાંવરીની માફી માગે છે એમાં પસ્તાવો જ ઝળકે છે... તો શું અખિલસિંહની હત્યા આનંદના ઇશારે થઈ?

‘મુદ્દો એ છે કે અખિલ પાસે હીરા હોવાની આનંદને જાણ કેમ થાય?’ રાજમાતાએ પૃથક્કરણ આદર્યું, ‘અખિલસિંહજીએ અમને આ વિશે રૂબરૂમાં કહ્યું ત્યારે આનંદ કે ચોથું કોઈ મોજૂદ નહોતું. આવી વાતોનો ઢંઢેરો તો ન જ પીટ્યો હોય હાઇનેસે. સુમિત્રા, એજન્ટ ભરતસિંહ અને અમારા બે સિવાય કોઈને માલૂમ નહોતી એ હીરાના જોખમની વાત આનંદ કે અન્ડરવર્લ્ડ સુધી કઈ રીતે પહોંચે? અમે કહ્યું નથી, સુમિત્રા કહે નહીં તો શું ભરતસિંહ ફૂટી ગયો?’

નિજ સ્વાર્થે‍ દલાલ ધોકો દે એવું બને ખરું.

‘એવું હોય તો પુરવાર કરવામાં આપણે મોડા પડ્યા રાજમાતા.’ સુમિત્રાબહેને હળવો નિ:fવાસ નાખ્યો, ‘એ ભરતસિંહ તો પાંચ વરસ અગાઉ માર્ગઅકસ્માતમાં સ્વર્ગે સિધાવી ચૂક્યો.’ 

હેં. કોકડું ગૂંચવાતું લાગ્યું, પરંતુ દરેક ગૂંચનો ઉકેલ હોય જ છે અને જાસૂસનું દિમાગ અટપટા માર્ગમાંથી સીધો રસ્તો શોધવા ટેવાયું હોય છે.

‘તમે કહ્યા એ સિવાય પણ હીરાના રાઝદાર હોઈ શકે રાજમાતા...’ કેતુએ ગણતરી મૂકી, ‘મહાબળેશ્વર આવ્યા પછી હાઇનેસ ટેલિફોન થકી ઘરના સંપર્કમાં રહ્યા હશે, એજન્ટ સાથે ફૉલોઅપ કરતા હશે. એ જમાનામાં ડાયરેક્ટ ડાયલિંગની સુવિધા નહોતી. તેમણે રિસેપ્શન દ્વારા જ એક્સચેન્જમાં જોડાણ માગ્યું હોય. શક્ય છે કે રિસેપ્શનિસ્ટે એથિક્સ બાજુએ મૂકીને હાઇનેસની વાતો સાંભળી હોય યા તો એ વાતો દરમ્યાન કોઈ વેઇટર યા સ્વીપર હાઇનેસની રૂમમાં પહોંચ્યો હોય ને તેના કાને ચર્ચા અફળાઈ હોય... તેમના દ્વારા આનંદે જાણ્યું ને તેણે અન્ડરવર્લ્ડને સાંકળ્યું.’

આ સંભવ ખરું.

‘મને ખાતરી છે કે તમે મૂળ સુધી પહોંચવાના.’ અમિતાએ કેતુ-તર્જનીને નિહાળીને કહ્યું, ‘મારા પક્ષે હજી એક વિધિ બાકી રહે છે.’

તેમણે પર્સમાંથી પાઉચ કાઢ્યું અને સુમિત્રાને ધર્યું, ‘તમારી અમાનત.’ અમિતાની ખુમારી રણઝણી. ‘આનંદે દીધેલા હીરા મેં કદી વટાવ્યા નહીં; કેમ કે મારા સ્વમાનને, મારા આત્માને એ રુચતી બીના નહોતી. હા, મેં આવવામાં મોડું જરૂર કર્યું, પણ હવે એનાં કારણો તમે જાણો છો. આશા છે કે મને ક્ષમા કરી શકશો.’

સુમિત્રાબહેને ધ્રૂજતા હાથે પાઉચ ખોલ્યું. અંદર રહેલા બે હીરાને હાથમાં લેતાં તેમના દિમાગમાં ઊથલપાથલ સર્જા‍ઈ. હાથમાંના હીરા દઝાડતા હોય એમ તેમણે રાજમાતાને થમાવ્યા, ‘તમે જ હીરા જુઓ રાજમાતા.’

હીરા જોતાં મીનળદેવીના કપાળે કરચલી ઊપસી. અમિતા પૂછી બેઠી, ‘થયું શું, મને કહેશો?’

‘અમિતા...’ રાજમાતાએ ઊંડો fવાસ લીધો, ‘તને ખાતરી છે કે આનંદે આપેલા હીરા આ જ હતા?’

‘બિલકુલ...’ અમિતા વજ્રની દૃઢતાથી બોલ્યાં, ‘મેં મારી જિંદગીમાં કદી હીરા ખરીદ્યા નથી. આનંદે આપેલા ત્યારના એમના એમ રાખ્યા છે.’

અમિતાના કથનની સચ્ચાઈ અનુભવી શકાતી હતી. રાજમાતાનાં નેત્રોમાં કરુણા ઝબકી. અમિતાના પડખે ગોઠવાઈને તેમનો હાથ પકડ્યો, ‘હિંમત રાખજે બહેન. આ હીરા દઈને આનંદે ખરેખર તને છેતરી છે.’

‘મતલબ હીરા બનાવટી છે?’ અમિતાએ આઘાત ન અનુભવ્યો. ‘આનંદ ગમે તે કરી શકે.’

‘નહીં, હીરા અસલી છે; પણ હાઇનેસના નથી.’ રાજમાતાને શ્રમ પડ્યો. અમિતાનું મોં ખુલ્લું રહી ગયું - મ...ત...લ...બ!

‘મતલબ મને સમજાય છે...’ રાજમાતાની ર્દીઘ સમજ બોલી ઊઠી, ‘અને એ જ સત્યનો મોટો પુરાવો છે. આનંદે બળાત્કાર કર્યો અને તું એને જાહેર ન કરે એ માટે મા-બાપને નીચાજોણું થશે એ રીતની વાતો કરીને પાકું કર્યું કે તું એની હોહા નહીં કરે...’

રાજમાતા કહેતાં રહ્યાં. તેમનો તર્ક, ગણતરી બિલકુલ સચોટ હતાં.

ઇમોશનલ ટ્રીટમેન્ટ પછી અમિતા બળાત્કાર બાબત મોં નહીં જ ખોલે એની આનંદને ખાતરી થઈ હતી, પરંતુ હાઇનેસની હત્યાએ પોલીસનો પ્રવેશ થતાં તે મૂંઝાણો. ના, હત્યા સાથે તેને કે અમિતાને કંઈ જ લાગતુંવળગતું નહોતું; પરંતુ પોલીસની ઊલટતપાસમાં રખેને અમિતા ભાંગી પડી, બળાત્કારનું સચ ઓકી બેઠી તો મારી રોમૅન્ટિક ઇમેજ ધૂળધાણી થઈ જાય, હીરો એવો હું વિલન ઠરી જાઉં તો કરીઅર ચોપટ! અહીં બંધબારણે ગમે એ કરો એની છૂટ, એ પાપ જાહેર થયું તો ખલાસ. અમરસિંહ-મીનળદેવી મૂળ સુધી ગયા વિના રહેશે નહીં. એથી પણ પોલીસ આકરી બનીને ઊલટતપાસ આદરે એમાં અમિતા ભાંગી ન પડે એ માટે શું કરવું?

અમિતા નાદાન છે. અન્ડરવર્લ્ડના નામે તેને ધમકાવી હોય તો! 

‘બસ, તેણે એક સ્ટોરી બનાવી. હીરા દેખાડી, તસવીર લઈને તેણે તને કન્વિન્સ કરી અમિતા એ કદાચ તેની જિંદગીનો શ્રેષ્ઠ અભિનય હતો.’

અમિતાએ ધક્કો અનુભવ્યો. આનંદે મને આ હદે છેતરી! આખી જિંદગી મેં જેને સચ માન્યું એ કેવળ એક ભ્રમણા હતી? જૂઠ હતું? રે રામ.

‘એ કેવળ જૂઠ નહીં, ક્રૂરતા હતી આનંદની.’ રાજમાતાએ અમિતાની પીઠ પસવારી, ‘તેં તો ઘણું સહ્યું અમિતા. બાકી એ વખતે તું મળી હોત તો હીરા જોઈને હું કહી દેત કે આ અખિલસિંહની અમાનત નથી. તેમના હીરા વધુ મોટા અને પાસાદાર હતાં...’

‘મોડું હજી પણ નથી થયું રાજમાતા.’ તર્જની બોલી, ‘માસૂમ બાળા સાથે ક્રૂરતા આચરવાની સજા આનંદને પણ મળશે અને તેના દ્વારા આપણે મૂળ ગુનેગારો સુધી પણ પહોંચી શકીશું - જો તેઓ જીવતા હોય તો.’

‘ત્યાં સુધી મારે જીવવું છે...’ અમિતા બોલી ઊઠ્યાં.

‘તારે તો હજી ઘણું જીવવાનું છે અમિતા.’ રાજમાતાએ કહ્યું. પછી પૅલેસ હૉસ્પિટલના ડીનને કૉલ કરીને અમિતાની ભલામણ કરી.

અમિતાને સારવાર માટે ઍડ્મિટ કરાયાં ત્યાં સુધીમાં કેતુ-તર્જનીએ તેમનો પ્લાન ઘડી કાઢ્યો અને અઠવાડિયા પછી...

€ € €

‘જૂનાગઢની શિક્ષિકાનું ડાઇંગ ડેક્લેરેશન - ત્રીસ વરસ અગાઉ ફિલ્મસ્ટાર આનંદે તેના પર બળાત્કાર કર્યો, છ કરોડના હીરા માટે અન્ડરવર્લ્ડ સાથે મળીને વીરનગરના રાજવીની હત્યા કરાવી!’

હિંમતગઢ પ્રેસ તરફથી છપાયેલા ખબર જોતજોતામાં વાઇરલ થઈ ગયા. આનંદ બળાત્કારી? ખૂની? અન્ડરવર્લ્ડ સાથે તેના સંબંધ?

મુંબઈમાં આનંદે એથી ભૂકંપ અનુભવ્યો. દુબઈમાં એક સ્ત્રી પોતાના પતિને પૂછે છે : આનંદ ફસાયો. આપણે સેફ છીએ. વૉટ્સ સે? હોટેલ ઍમ્બૅસૅડરના સ્ટાફ રીયુનિયનમાં આપણે જવું જોઈએ?

€ € €

આનંદની હાલત કફોડી હતી. ભુલાઈ ગયેલી ઘટના તાજી થઈ હતી. અ...મિ...તા! લાશ બની ગયેલું નામ સ્મરણોની ભરતીનાં મોજાં ભેગું યાદદાસ્તના કિનારે ફેંકાઈ આવ્યું. સફળતા મળ્યા પછી પોતે રાગ માણતો થયેલો, મહાબળેશ્વરમાં અમિતા ફરી મળી ત્યારે તેના જોબનને માણવા લલચાયો, તેને સ્વીટમાં રોકવા પાછળની એ જ ગણતરી હતી.

એકલો બળાત્કાર હોત તો ખાનદાનની આબરૂ ડૂબવાની ધમકી કાફી હતી, પણ હાઇનેસના ખૂને પરિસ્થિતિ પલટાવી. પોલીસતપાસમાં ભાંગી પડીને અમિતા રેપનું સત્ય ઓકી ન નાખે એ માટે કશુંક નક્કર કરવું આવશ્યક હતું...

ખરેખર તો હીરાના કારણે હાઇનેસનું ખૂન થયાના ખબરે આનંદને ફફડાવી મૂક્યો હતો, કેમ કે છ-સાત લાખના હીરા તેની ખુદની પાસે હતા! પેમેન્ટના અમુક ટકા પોતે જર-ઝવેરાતમાં સ્વીકારતો એ ખાસ જાણીતી હકીકત નથી. એ સમયે પણ મહાબળેશ્વરમાં ચાલી રહેલા શૂટ દરમ્યાન મળવા આવેલા પ્રોડ્યુસરે હીરાના રૂપમાં બીજો હપ્તો ચૂકવ્યો હોવાની ત્રીજા કોઈને જોકે જાણ નહોતી... એ હીરાને હાઇનેસના હીરા બતાવી અન્ડરવર્લ્ડને સાંકળીને અમિતાને એવી બીવડાવી કે આજની ઘડીને કાલનો દિવસ. પોતે કરેલો બળાત્કાર ક્યાંય પડઘાયો નહીં! પછી અમિતાના ખબર પણ કોણે રાખ્યા? 

- આજે જાણે તે બૂમરૅન્ગ બનીને અફળાઈ!

બેવકૂફ મરતાં-મરતાં સત્ય ઓકવાની લાયમાં મારી જૂઠી કહાણી પણ દોહરાવી ગઈ એ વધુ વસમું લાગ્યું આનંદને. 

‘મેં તમને આવા નહોતા ધાર્યા આનંદ. સ્ખલન તો ઠીક છે, પણ અન્ડરવર્લ્ડ?’ સૌથી આકરો પ્રત્યાઘાત પત્નીએ પાઠવ્યો. આઠ વરસના દીકરાને લઈને તે પિયર જતી રહી : મારે મારા લાલને ગુનાના ઓછાયામાં નથી પાળવો! 

આવું કંઈ હતું જ નહીં! એવું માનવા જ માશૂકા તૈયાર નહોતી. મરતું માણસ જૂઠ ઓછું બોલે!

ખેર, પત્નીને તો પછી મનાવી લેવાશે, પહેલાં જાણવું જોઈએ કે આની લીગલ ઍક્શન્સ શું હશે? વકીલની સલાહ લીધી તો તેમણે પણ એ જ મતલબનો રાગ આલાપ્યો, ‘આમ તો ઘટનાનાં ત્રણ વરસમાં એની ફરિયાદ થવી જોઈએ, પણ મામલો ડાઇંગ ડેક્લેરેશનનો છે એટલે ગમે ત્યારે તમારી ધરપકડ સંભવ છે.’

ફફડી ઉઠાયું. અન્ડરવર્લ્ડ  સાથે સંબંધ નથી એ પુરવાર કરતાં નવ નેજાં પાણી ઊત૨વાનાં. ઇન્ડસ્ટ્રીના કહેવાતા મિત્રો જ નહીં, સામા ઇલેક્શને નેતાલોગ પણ અંતર રાખી રહ્યા છે. શું કરું? કોની મદદ લઉં?

અને આનંદના ચિત્તમાં નામ ઝબૂક્યું : રાજમાતા મીનળદેવી!

અહેવાલમાં લખ્યું છે કે અમિતાએ હિંમતગઢની હૉસ્પિટલમાં પ્રાણ ત્યજ્યા. મીનળદેવીથી તે બહુ પ્રભાવિત થઈ હતી. શક્ય છે કે તેણે રાજમાતાને ધા નાખી હોય. મરતાં પહેલાં સ્ટેટમેન્ટ લખાવવાની સલાહ રાજમાતાની જ હોય એ વધુ સંભવ છે...

ત્યારે તો મીનળદેવી જ મારી નૈયા પાર લગાવી શકે! મારી પાસેનો પુરાવો તેમને પરખાય એવો છે...

અને ખબરના ત્રીજા દહાડે આનંદ હિંમતગઢ પહોંચ્યો.

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK