કથા-સપ્તાહ - હરીફ (બાતોં-બાતોં મેં... : 4)

‘આ બધું શું થઈ રહ્યું છે આવકાર?’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


ત્રીજા દહાડે વીરમતીમાએ કન્સર્ન જતાવી. વિડિયો તો તેમનાથી કે વિકીથી અજાણ્યો નહોતો, પણ હવે એના પ્રત્યાઘાતના છાંટા પણ તેમના સુધી પહોંચતા હોય એમ તેમણે સવારે બ્રેકફાસ્ટ-ટેબલ પર ચર્ચા છેડી, ‘હવેલીમાં હમણાં આની જ ચર્ચા ચાલતી હોય છે. અક્ષ-નિકામને સજા ફટકારવામાં આપણે ઊણા ઊતર્યા એવી દૃઢ લોકલાગણી છે...’

ત્યારે પોતાનો દૃષ્ટિકોણ આવકારે સમજાવવો પડ્યો.

‘તમે સાચું જ કર્યું ભાઈ, પણ એનો ફાયદો? શૅરની પ્રાઇસ ગગડી રહી છે અને પંદર દિવસ ૫છી એક દહાડા પૂરતાં તમામ બુકિંગ રદ કરવાની ઝુંબેશ નેટ પર શરૂ થઈ છે.’

આવકારથી એ છૂપું નહોતું. પરિસ્થિતિ વણસી રહી હતી. સ્વિસ કંપની તરફથી પણ પૂછપરછ થઈ રહી હતી. એ લોકો આવા મામલામાં બહુ સ્ટિÿક્ટ હોય છે. એમાં હરીફોએ ઊભા કરેલા પ્રૉબ્લેમમાં સાચે જ જનતા જોડાઈ તો એ અભૂતપૂવર્‍ હશે. બેશક, પોતે પણ મીડિયામાં રીપ્રેઝેન્ટેટિવ્ઝ મોકલવા માંડ્યા છે, સોશ્યલ મીડિયામાં કાઉન્ટર વાર શરૂ કર્યો છે તોય માર્કેટમાં સુધાર નથી એ સત્ય છે. બધી જ હરીફ કંપનીઓ એક થઈને મને હંફાવી

રહી છે અને એ સામાજિક સ્તરે પણ થઈ રહ્યું હોવાની ગવાહી માની ચિંતા પૂરે છે!

‘જે ઘરની કન્યા માટે તારું માગું નાખવાના હતા તેની જ વહુની

આબરૂ લેવા જેવું આપણી કંપનીના કર્મચારીએ કર્યું. હવે ત્યાં જતાં પગ પણ કેમ ઊપડે!’

‘મેં તો સ્ટાફ સાથે બુકે મોકલીને ક્ષમા માગી લીધેલી મા. બસ, હવે જે બન્યું એ કેમ બન્યું એના મૂળ સુધી પહોંચવું છે.’

આવકારની એ મનસા પણ કામ ન લાગી. અક્ષ-નિકામને મળવા જેટલો અવકાશ તેને સાંપડ્યો ત્યારે જાણ્યું કે બેઉ ચાર દિવસથી આવતા નથી, નોકરી છોડીએ છીએ એ મતલબનો રેઝિગ્નેશન લેટર મોકલી આપ્યો છે!

ડેમ ઇટ. કર્મચારી નોકરી જ છોડી જાય તો શું કરવું? અફર્કોસ, જેનો હાથો બન્યો હશે એ જ કંપનીએ નવું કામ ગોતી આપ્યું હોય...

‘શ્રીવાસ્તવ...’ આવકારે આદેશ આપ્યો, ‘જોઈએ તો પ્રાઇવેટ ડિટેક્ટિવ રોકો, પણ અક્ષ-નિકામની ગતિવિધિનો અહેવાલ મેળવો.’

આખરે પ્યાદા થકી જ બાજી માંડનાર સુધી પહોંચવાનું!

€ € €

પખવાડિયામાં ‘ઍરવેઝ’ના શૅર્સમાં હજાર રૂપિયાનું ધોવાણ! ભાવ અત્યાર સુધીની ન્યૂનતમ સપાટીએ!

અનન્યા જાણે હવામાં ઊડી રહી છે. આનો સ્પષ્ટ અર્થ એ કે તારિકાનું મૂલ્ય મારા દાગીના કરતાં ક્યાંય ઓછું થઈ ગયું! પલડું મારી બાજુ નમ્યું. જીતી હું.

સત્તરમા દિવસે તેણે અખબારમાં વાંચ્યું : સ્વિસ કંપનીએ ભાગીદારી પાછી ખેંચી, ‘ઍરવેઝ’નો નવો પ્રોજેક્ટ અધ્ધરતાલ! શૅર વધુ ગગડ્યો...

વાહ. અલ્ટિમેટલી ટાઇટૅનિક ડૂબી રહ્યું છે! આવી અપેક્ષા નહોતી, પણ તારિકા વધુ ગરીબ થશે એ કારણે આનંદ હોય ખરો!

ઉક્રાંત પણ કંપનીની પડતીના ખબરે હરખાય છે. મીડિયામાં અક્ષ-નિકામ યા અનન્યાનાં નામ જાહેર નથી થયાં. કંપનીમાંથી ઉત્ક્રાંતે ડીટેલ્સ કઢાવાની ટ્રાય કરી જોયેલી, પણ ફાવ્યો નહોતો અને હવે તેનો રોષ ‘ઍરવેઝ’ની પડતી થકી જાણે સમતોલ થઈ રહ્યો હતો!

‘માલકિન, આ શું થઈ ગયું...’

એકમાત્ર આયા હતી જે વિડિયોના બેઉ છેડાને જાણતી હતી, એનો ફડકો હતો; પણ...

‘શીશ્. જે બન્યું એ. તારા સાહેબ ઊકળી ઊઠે છે.’

‘એમ નહીં માલકિન, તમને મારનારો અક્ષ હતો - મારી રેશમાનો લવર. મેં નહોતું કહ્યું...’

હેં! ભડકવાનો દેખાવ કરીને અનન્યાએ કહી દીધું. ‘મારું આટલું અપમાન કરનાર તારી દૂરની પહેચાનમાં પણ હોય તો તને હું કામે કેમ રાખું! ઉત્ક્રાંત જાણશે તો અક્ષનો ઘડોલાડવો કરશે... તું તો સિધાવ બહેન!’

આમાં અસ્વાભાવિક પણ શું હતું? તેના ગયા બાદ અનન્યાએ રાહતનો શ્વાસ લીધો.

€ € €

‘નહીં ભાઈ, માર્કેટ જેવું હોય એવું. મારે એ કંપનીના શૅર્સ રાખવા જ નથી, જ્યાં ભાભીનું અપમાન થયું હોય...’

લગભગ મહિના પછી તારિકા ઉત્ક્રાંતને કહી રહી છે. બીજા સંજોગોમાં આ ભાવ સ્પર્શી ગયો હોય, પણ ભાભીને નણંદ પ્રત્યે સંવેદના જ ક્યાં છે? અનન્યાએ રોમાંચ અનુભવ્યો. વાહ. ‘ઍરવેઝ’નો હોનહાર માલિક આવકાર ફરી કંપનીને ચડતા સિતારા જેવી બનાવી દે અને માર્કેટ-પ્રાઇસ વધી જાય એ પહેલાં ભલેને શૅર કાઢીને તારિકા કાયમની ખોટ ખાતી!

‘મારો આમાં ટેકો છે.’ અનન્યા ટહુકી, ‘જે ભાવ મળતો હોય એ લઈને છૂટા પડવામાં શાણપણ છે. બાકી ‘ઍરવેઝ’ ક્યારે ડૂબશે એ કહેવાય નહીં!’

શું થવાનું હતું એની કોને ખબર હતી?

€ € €

છ મહિના.

એક સિપમાં આવકારે જામ ખાલી કર્યો. ચોપાટીના ક્લબ હાઉસમાં પહેલા માળે દરિયા સામે ગોઠવાઈને પીધા કરવાનો તેનો રોજિંદો ક્રમ બની ગયો છે.

‘આઇ ઍમ સૉરી વિકી...’ સ્વિસ કંપનીએ ભાગીદારી ખેંચી એ રાત્રે

પોતે નાના ભાઈને વળગી ધ્રુસકાભેર રડ્યો હતો. તેને રડતો જોઈને વિકી ભાંગી પડેલો.

‘તારા જીવનની આ પ્રથમ નિષ્ફળતા છે આવકાર, પણ એથી હારે એ મારો દીકરો નહીં.’ વીરમતીમાએ વજ્રના રહીને હિંમત બંધાવી હતી.

તેમના જોરે ટકી જવા જેટલું ટેકણ મYયું, પણ હવે ચિત્તમાં ડૅમેજ કન્ટ્રોલને બદલે ઘટનાના મૂળ સુધી જવાનું ઝનૂન ઊમડ્યું હતું. આવકારે સાંભર્યું, ‘શ્રીવાસ્તવ, મને સાંજ સુધીમાં રિપોર્ટ જોઈએ. અક્ષ-નિકામ ક્યાં છે? શું કરે છે?’

શ્રીવાસ્તવને સાહેબે બેઉ પાછળ ડિટેક્ટિવ રોકવાનો આદેશ આપેલો એ યાદ હતું, પણ સ્વિસ કંપની સાથેના ડાયલૉગ્સમાં એની પ્રાયોરિટી વિસરાઈ ગયેલી. છતાં કુશળ ણ્ય્ મૅનેજરની જેમ તેણે ખબર મેળવી કાઢ્યા, ‘બન્નેએ ભાગીદારીમાં ભજિયાંની લારી કરી છે. ધંધો ઠીક ચાલે છે. અક્ષનું વેવિશાળ થયું છે, તેની વાગ્દત્તા ભજિયાં સારાં બનાવે છે. એમાંથી બિઝનેસની શરૂઆત થઈ છે. તેમની આર્થિક હાલતમાં કોઈ મોટો બદલાવ નથી.’ શ્રીવાસ્તવે અટકીને ઉમેરેલું, ‘છતાં રસ પડે એવી વાત હોય તો એટલી કે અક્ષના પિતાનું બાર લાખનું દેવું ચૂકતે થઈ ગયું છે.’

અહા! ધૅટ્સ ધ ક્લુ.

‘લેટ્સ ગો ટુ અક્ષ...’ આવકાર ઊભો થઈ ગયેલો, ‘તેનાં ભજિયાં ખાઈને પૂછી લઈએ કે મારા કયા હરીફે તને દેવું ચૂકવવા લાખોનો દલ્લો આપ્યો?’

પૂછવાથી કોઈ કહે નહીં, પણ બૉસને આવું ઓછું કહેવાય? અનુભવે પાકટ બનેલા શ્રીવાસ્તવ જાતે કા૨ હંકારી આવકારને અક્ષની ચાલીવાળી ગલીના નાકે ભજિયાંની લારી પર લઈ ગયો. ના, આવકાર નીચે ઊતર્યો નહોતો. શ્રીવાસ્તવને ભાળીને અક્ષ-નિકામ ચમક્યા.

‘સાહેબ આવ્યા છે અક્ષ, બોલાવે છે...’

(અક્ષને થયું કે ઇનકાર જતાવી દઉં... જિંદગી જાણે સુખના માર્ગે સડસડાટ વધી રહી હતી. બાપ પર ધાક છે એટલે ફરી ઉધારી કરે એમ નથી. રેશમાની પ્રેરણાથી લારી કર્યા પછી આજીવિકાનું પણ દુ:ખ નથી. હા, રૂપિયાનો બંદોબસ્ત ક્યાંથી થયો એ તો રેશમાને પણ કહેવાયું નથી. શી જરૂર? દેવું ચૂકતે કર્યા પછીની રકમ નિકામ સાથે અડધા ભાગે વહેંચી લીધી. નિકામ સાથે દોસ્તી જ એવી કે રૂપિયા-પૈસાનો હિસાબ ન હોય. રેશમાને એનું માન છે. હા, તેની માનું એક ઠેકાણાનું કામ છૂટ્યું ત્યારે જાણમાં આવ્યું કે અનન્યા જ તેની શેઠાણી! દુનિયા કેટલી નાની છે! અને અક્ષ તેનો જમાઈ થવાનો એ જાણ્યા પછી અપમાનિત થયેલી અનન્યા તેને ઘરમાં રાખે પણ કેમ? અમારાથી તો એ દિશામાં જોવાય પણ કેમ! કંપનીનું, આવકારનું નામ બગડતું ગયું એનો રંજ ખરો; પણ શું થઈ શકે?

‘આવકારમાં ત્રેવડ છે, તે બેઠો થઈ જશે,’ નિકામ કહેતો, ‘આપણે આપણું વિચારો.’

વાત તો સાચી. આમાં હવે આવકારનું આગમન. અક્ષ-નિકામની નજરો મળી, છૂટી પડી.

‘ચાલો...’ અક્ષ આગળ થયો. કારની બારીમાંથી તેને આવતો નિહાળીને આવકારે દરવાજો ખોલ્યો. સહેજ સંકોચભેર અક્ષ પાછલી સીટ પર, આવકારની બાજુમાં ગોઠવાયો. કદાચ પહેલી વાર આવકારને પોતે રૂબરૂ થતો હશે! શ્રીવાસ્તવ બહાર ઊભો રહ્યો. બારીનો કાચ ચડાવીને આવકારે એકાંત મેળવી લીધું.

‘સૉરી સાહેબ...’ અક્ષની દિલગીરીમાં બનાવટ નહોતી. ‘ધાર્યું નહોતું કે મારું કૃત્ય કંપનીને...’

‘ફરગેટ ઇટ અક્ષ...’ આવકારે ઠંડી નજર ફેંકી, ‘મને માત્ર તેનું નામ જોઈએ.’

અક્ષ વીંધાયો. ‘કોનું નામ સાહેબ?’

‘જેણે તારા બાપનું દેવું ચૂકવ્યું.’

અક્ષને હૃદયમાં શારડી ફરતી અનુભવાઈ.

‘ઠીક છે, હું દબાણ નહીં કરું. ’ આવકારે ઊંડો શ્વાસ લીધો. ‘પણ પછી ન અહીં ભજિયાંની લારી હશે ન તું.’

અક્ષ ધ્રૂજી ઊઠ્યો. આવકારની શેહ નડતી હતી, તેની સાથે ખોટું કર્યાની ગિલ્ટ હતી, સુખના પાટે ચડેલી જિંદગીને વિખરાવા ન દેવાની કાળજી બોલાવી ગઈ, ‘એ એક ઔરત હતી સાહેબ, સાવ અજાણી ઔરત.’

તેના બયાને આવકારનું ચિત્ત ચગડોળે ચડ્યું. ના, અક્ષ જૂઠ કહેતો હોય એમ લગાતું નથી. તો શું અનન્યા પ્રત્યેની દુશ્મનાવટ કાઢવા કોઈએ કારસો રચ્યો. એમાં ‘ઍરવેઝ’ સપડાઈ?

શક્ય છે... અજાણી સ્ત્રીનો આશય વિડિયો ફરતો કરવાનો હોય, પછીનો ખેલ તો અમારી રાઇવલ કંપનીઓએ સંભાળી લીધો...

‘હુંં નથી માનતો સર.’ અક્ષને રુખસત કરીને કંપની પર પાછા વળતાં શ્રીવાસ્તવે મુલાકાતનું હાદર્‍ જાણીને અભિપ્રાય ઉચ્ચાર્યો હતો, ‘કોઈએ અનન્યાને જ ટાર્ગેટ બનાવી હોત તો તે ‘ઍરવેઝ’ના સ્ટાફને હાયર કરવા સુધી શું કામ જાય? ઊલટું ઘર કે મહોલ્લામાં તમાશો જમાવે તો મામલો વધુ જામે, સસ્તામાંય પતે.’

આ તર્ક પણ અવગણી ન શકાય. કાવતરાખોર બાઈએ ‘ઍરવેઝ’ના કર્મચારીને જ ઝડપ્યો એમાં એક કાંકરે બે પક્ષી મારવાની રમત કેમ ન હોય! અનન્યાનું અપમાન થાય ને ભેગી ‘ઍરવેઝ’ની આબરૂ ખરડાય! ‘ઍરવેઝ’ અને અનન્યાનો છેડો જોડતી સ્ત્રી કોણ હોઈ શકે?

‘તમે ખફા ન થાઓ તો એક નામ કહેવાતી હિંમત કરું.’

આવકારે આંખોથી મંજૂરી દેતાં તેણે ધડાકો કર્યો‍, ‘વીરમતી શેઠાણી.’

‘વૉટ!’ આવકાર તમી ગયો,

‘મારી મા?’

‘તમારાં સાવકામા.’

શ્રીવાસ્તવનો સુધારો સમસમાવી ગયો.

‘વિચારી જોજો શેઠ. સાવકો મોટો દીકરો નબળો પડે તો જ સગા નાના દીકરાને બિઝનેસમાં સ્થાન જમાવી શકાય એવી ગણતરીએ....’

આવકાની લાલઘૂમ આંખે તે થોથવાયો.

‘નહીં સર, આ તો જસ્ટ...’

ના, આ જસ્ટ નહોતું. સ્ટાફમાં આ પ્રકારની વાતો, ગણતરીઓ ચાલતી હશે તો જ શ્રીવાસ્તવે ઝાઝું વિચાર્યા વિના કહી દીધું! સગા-સાવકાનો ભેદ અમે રાખ્યો નથી, તોય મારી હાથ નીચેના જ મને વિકીનો હરીફ સમજે છે?

‘ગામના મોંએ ગળણું ના બંધાય બેટા...’

ઘરે જઈને નિચોવાઈ ગયેલા આવકારે માના ખોળામાં માથું મૂકતાં તેમણે દુનિયાદારીની શીખ દર્શાવી, ‘એમ તો હવેલીમાં પણ એવું ચર્ચાતું હોય છે કે સાવકો ભાઈ સવાયો ન નીવડે એ બીકે આવકારે પ્રોજેક્ટ ખોરંભે ચડાવવાનો ખેલ રચ્યો!’

હેં!

‘મા, ક્યાંક તમે... પણ.. તો...’ આટલું બોલતાં જ આવકારને સજળ બનતાં માનાં નેત્રો જોઈને શરમ થઈ.

‘મેં તને જણ્યો નથી આવકાર, પણ જણેલાથી ઓછો માન્યો પણ નથી.’ વિરમતીમાએ દીકરાના માથે હાથ ફેરવ્યો, ‘આપણી આ કસોટી છે દીકરા, અડગ રહીશું તો પાર ઊતરીશું.’

પણ પોતે અડગ રહી ન શક્યો. વર્તમાનની કડી સાંધતાં આવકારે નિ:શ્વાસ નાખ્યો : ખંતથી બનાવેલા એમ્પાયરને પડી ભાંગતું નિહાળવું અસહ્ય હતું. ખાસ તો વિકી માટેનો મારો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર ન થઈ શક્યાનો વસવસો કોરી ખાતો. એમાં ક્વૉર્ટરના રિપોટેર્‍ કરોડરજજુ ભાંગી નાખી ને ગમ ભુલાવવા પહેલી વાર શરાબનો સહારો લીધો જે આજે તો ના છૂટતી આદત બની ગઈ છે. મા દુભાય છે, વિકીને આની પરેશાની છે; પણ હું નાઇલાજ છું, થાક્યો છું. બસ, મને આમ જ પડ્યો રહેવા દો...

અને આવકારે પાંપણના પડદા ઢાળી દીધા.

ક્લબના વેઇટર વિકીને ફોન કર્યો‍ અને વધુ એક રાત્રે નાના દીકરાના ટેકે ઘરમાં પ્રવેશતા મોટા દીકરાને જોઈ વીરમતીમાની આંખો વરસી પડી. આનો કોઈ અંત નહીં હોય?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK