કથા-સપ્તાહ - હરીફ (બાતોં-બાતોં મેં... : 3)

‘ડૅડીની વરસી વળી ગઈ... હવે તારિકા માટે છોકરા જોવાનું શરૂ કરીએ...’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


તારિકાનો અભ્યાસ પૂરો થયો. મુરતિયા તરાસવાના હતા ત્યાં ધનરાજભાઈની માંદગી આવી ચડી... હવે શોકમાંથી મુક્ત થયા છીએ એટલે કોઈ લાયક મુરતિયો હોય તો જોવામાં વાંધો નહીં.

રાત્રે ઉત્ક્રાંતને કહેતી અનન્યાએ ઉમેર્યું, ‘મને થાય છે કે એક વા૨ આપણાં કુળદેવી અંબેમાનાં દર્શનાર્થે અંબાજી જઈ આવું. માના આશિષ મળે તો સર્વ કંઈ નિર્વિઘ્ને પાર પડશે. તારિકાનું હમણાં કામ નથી. બધું પાકા પાયે થાય ત્યારે સજોડે લઈ જઈશું... અહીંથી અમદાવાદની ‘ઍરવેઝ’ની ફ્લાઇટ પકડી લઈશ...’

આમ ઇનકાર શાનો હોય? ઉત્ક્રાંતે ખુશીથી મંજૂરી આપી.

અનન્યાના ચિત્તમાં પડઘો પડ્યો : સ્ટેપ ઇઝ ટેકન. નાઓ ઓવર ટુ અક્ષ!

તેણે ઇરાદો ઘૂંટ્યો ને એક વાઇરલ થનારા વિડિયોનો યોગ ઘડાઈ ગયો.

€ € €

‘મારું ચાલે તો બૅન્કમાં ધાડ પાડું કે કોઈના ખૂનની સોપારી લઈ લઉં.’

‘અક્ષ?’ નિકામે કહેવું પડ્યું. ‘આવું કંઈક કરીને તું જેલમાં જશે, રેશમાને નહીં પામી શકે. તેનો બાપ ગુનેગારના હાથમાં દીકરીનો હાથ દે?’

અક્ષે નિ:સહાયતા અનુભવી.

અને એ જ વખતે તેનો મોબાઇલ રણક્યો. સ્ક્રીન પર ઝબૂકતો નંબર અજાણ્યો હતો. કદાચ કોઈ પબ્લિક બૂથનો હશે.

‘મિસ્ટર અક્ષ?’ કૉલ રિસીવ કરતાં સામેથી રણકતા સ્ત્રીસ્વરમાં સંભળાયું, ‘મારી પાસે તમારા માટે એક કામ છે.’

‘કેવું કામ?’

‘અહં, કામ કહેતા પહેલાં તમને એક દિવસની મુદત આપવા માગું છું. વિચારી લેજો, પંદર લાખ માટે તમે

કઈ હદ સુધીનું કામ કરવા તૈયાર થઈ શકો?’

‘પં...દ...ર લાખ!’ અક્ષનું મોં ખુલ્લું રહી ગયું.

‘ચિંતા ન કરતા. કોઈનું ખૂન નથી કરવાનું કે લૂંટફાટ નથી માંડવાની. કાયદાની નજ૨માં મોટો ગુનો ન ગણાય એવું નાનકડું કામ છે, બસ, હું ધારું, હું કહું એમ થવું જોઈએ.’

‘તો પછી આમાં વિચારવા જેવું નથી. આઇ ઍમ રેડી.’

‘મને આ જ રણકાની અપેક્ષા હતી અક્ષ. છતાં મને ઉતાવળ નથી, હું કાલે ફોન કરું છું.’

કૉલ કટ થયો. અક્ષને સમજાયું નહીં કે શું કહેવું, કરવું!

‘બીજું તો કોઈ નહીં, પણ...’ તેણે નિકામને વાત કરીને ઉમેર્યું, ‘રેશમાને પરણવાની એક આશ તો બંધાઈ. અજાણી ઔરતનું કામ કોઈ પણ હોય, મારો જવાબ બદલાવાનો નથી. આઇ ઍમ રેડી!’

અક્ષ મક્કમ હતો. નિકામને ચિંતા જાગી. પછી થયું કે ઉમ્મીદની કિરણ દેખાઈ છે ત્યારે અત્યારથી મિત્રને નાસીપાસ કરવાને બદલે જાણીએ તો ખરા કે બાઈ કરાવવા શું ધારે છે? લફરાવાળો મામલો હોય તો અક્ષને રોકનારો હું છુંને!

€ € €

જોકે નિકામની ચિંતા વજૂદ વિનાની નીકળી. બીજી બપોરે ફોન રણકાવી અજાણ્યા સ્ત્રીસ્વરે અક્ષની મરજી જાણીને સીધી શરૂઆત માંડી, ‘અક્ષ, તમારી ડ્યુટી ‘ઍરવેઝ’ના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હોય છે.’

‘જી.’

‘હં, તો પરમ દિવસ - ધેટ ઇઝ મન્ડે -ની મુંબઈ-અમદાવાદ ફ્લાઇટની ડીટેલ નોંધી લો...’ વિગત આપીને તેણે ઉમેર્યું ‘ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના અમુક ટર્મિનલ પરથી સિલેક્ટેક ડોમેસ્ટિક ફ્લાઇટ પણ ઊડતી હોય છે એ તો તમે જાણતા હશો...’

‘જી.’

‘સોમવારની ફ્લાઇટમાં એક ઉતારુ છે મિસિસ અનન્યા ઉત્ક્રાંત શાહ. તેનું ફેસબુક ઍડ્રેસ આપું છું. ફોટો

જોઈ લેજો.’

‘ઓકે.’

‘તમારે તેની ધુલાઈ કરવાની છે - ગાળ દેવાની, મારપીટ કરવાની, એટલી હદે મિસબિહેવ કરવાનું કે એનો વિડિયો જોનારને અરેરાટી વ્યાપી જાય.’

‘વિડિયો...’

‘યા, આ ઘટનાનો મને પુરાવો જોઈએ, અનન્યાનું અપમાન દુનિયાને દેખાડવું છે મારે.’

‘ઓ...હ.’

‘આ મુદ્દો ધ્યાનમાં રાખીને શૂટ કરજો. ઢંગનો મોબાઇલ ન હોય તો ઍડ્વાન્સમાંથી પહેલી એની ખરીદી કરજે.’

‘નો, મારા મોબાઇલની પિક્ચર-ક્વૉલિટી એક્સ્ટ્રીમ છે.’

‘તો ઠીક. તારે એવી જગ્યાએ મામલો બીચકાવવો પડશે જ્યાં રોકનારું કોઈ ન હોય. મોબાઇલ નિકામને આપી રાખજે. બેથી ત્રણ મિનિટની ફિલ્મ ઊતરવી જોઈએ...’

‘તમે નિકામને પણ જાણો છો?’

‘મારાથી તો રેશમા પણ છૂપી નથી.’ સામેથી રહસ્યમય ભાવ સાથે કહેવાયું, ‘પણ હું કોણ છું એ તમારે જાણવાની કોશિશ પણ નથી કરવાની... આવતી કાલે તારા ઘરે અડધી કિંમતનું પડીકું પહોંચાડું છું. બાકીના વિડિયો ફરતો થયા પછી...’

‘હં...’ અક્ષે પૂછવાનું ટાળ્યું કે અડધી રકમ લઈને હું ફરી બેઠો તો? પણ જે રેશમાને પણ જાણતી હોય તેને મારી પૂરી જરૂરિયાતની પણ માલૂમાત હોવાની જ... કોણ હશે આ સ્ત્રી? અનન્યા સાથે શું દુશ્મની હશે?

‘અનન્યાને ઓછી ન આંકતો. તે પ્રતિકાર કરશે, સામી થશે; એવુંય કહેશે કે ‘ઍરવેઝ’ના કર્મચારી પાસે આવી આશા નહોતી. તારે કહી દેવાનું કે ‘ઍરવેઝ’ની પોલ ખોલવા આ ધંધો કર્યો‍ છે...’

‘કંપની માટે ખરાબ બોલવું? આવકારસર જેવા માલિક બહુ ઓછા હોય.’

‘ઠીક. તો તેની પાસે ૧૫ લાખ લઈ લે.’

‘વેઇટ!’ અક્ષને હવે ખ્યાલ આવ્યો કે કંપની માટે બોલવા-ન બોલવા જેવું કંઈ રહેવાનું નથી... આવકારસર અશિસ્ત નહીં ચલાવી લે અને

મને-નિકામને સીધું પાણીચું જ પકડાવી દે. શક્ય છે કે બીજા ઍરલાઇન્સવાળા પણ અમને બ્લૅકલિસ્ટ કરી દે. એવું થયું તો નર્વિાહ કેમ થશે? પણ એવું ન થયું તો રશ્મિ પણ નહીં મળે... પહેલાં એનો ઇન્તેજામ થવા દો, બાકી બટકું રોટલો તો રળી લઈશું...

અક્ષને દ્વિધા ન રહી.

€ € €

બીજી સાંજે બાર વરસનું ટાબોરિયું ‘તમારી ટપાલ છે’ કહીને કવર થમાવી ગયો. એમાં પૂરા સાત લાખની કૅશ હતી!

‘મામલો જેન્યુઇન છે...’ નિકામ પણ થોડો ડઘાયો. આવડા અમથા કામના પંદર લાખ દેનારીને અનન્યા પ્રત્યે કેટલું ખુન્નસ હશે!

હવે આપણા તરફથી પણ કચાશ રહેવી ન જોઈએ... વિચાર-વિમર્શ કરીને તેમણે પ્લાન ઘડી કાઢ્યો અને...

€ € €

સોમવારની ‘ઍરવેઝ’ની મુંબઈ-અમદાવાદની મૉર્નિંગ ફ્લાઇટમાં અણધારી, અસ્વાભાવિક ઘટના આકાર પામી... ઍરપોર્ટના લાઉન્જથી પ્લેન સુધી જવા ઍરલાઇન્સવાળા પોતાની બસ રાખતા હોય છે. ક્લિયરન્સ પતાવીને ઉતારુઓ પ્લેનમાં બેસવા બસની રાહ જોતા હતા. અક્ષ-નિકામની ડ્યુટી તેમને બસ સુધી દોરવાની હતી. બન્ને આજે થોડા નર્વસ હતા. પ્રવાસીઓમાં પોતાના શિકારને તો તેમણે બરાબર ખોળી રાખ્યો હતો.

‘એક્સક્યુઝ મી મૅડમ...’

અન્યો ભેગી અનન્યા બસ તરફ વળી કે અક્ષે હાથ પકડીને અટકાવી, બાજુ પર લીધી, ‘તમારું ક્લિયરન્સ બાકી છે.’

તેણે બસ પર થાપટ મારતાં ઑટોમૅટિક દરવાજો બંધ થયો. બસ ગઈ. હવે લાઉન્જ અને બસ-સ્ટૅન્ડ વચ્ચે અમે ત્રણ જ રહ્યા. નિકામને કૅમેરા ચાલુ કરવાનો ઇશારો કરીને અક્ષ ગૂંચવાયેલી અનન્યા તરફ વળ્યો,

‘તારું ક્લિયરન્સ મેં નથી કર્યું જાની...’ તે લપક્યો.

‘વૉટ ધ હેલ...’ અનન્યા ભડકી, હાથમાંનું પર્સ વીંઝ્યું. ‘આવી બદતમીજી.’

‘મને મારે છે?’ અક્ષનાં નાખોરાં ફૂલી ગયાં. અનન્યાને કૉલરમાંથી પકડીને એવી ઝંઝોડી, એવી ખેંચી કે સ્વેટરનાં બટન તૂટી ગયાં, વાળ વિખરાયા, ગૉગલ્સ તૂટ્યા...

‘હેલ્પ...’ બિચારી વિવશ થઈને રડવા લાગી... પણ ધરાર જો અક્ષની ક્રૂરતા થમતી હોય.

‘કંપની તમને મિસબિહેવનો પગાર આપે છે?’ ત્રાસેલી અનન્યાએ રાડ નાખી.

‘ઍરવેઝ અમને શું શીખવે છે એ જ બતાવું છું મૅડમ...’ તેણે અનન્યાને ચત્તીપાટ પાડી.

બસ, આટલું થતાં જ હેલ્પિંગ-સ્ટાફ પહોંચી વળ્યો. નિકામે જાળવીને કૅમેરા ગજવામાં સરકાવી દીધો... દેખાડા પૂરતું અક્ષે છટકવા જોર કર્યું.

‘હું તને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશ.’

આવું અનન્યા પણ દેખાવ પૂરતું જ બોલી હતી એની કોને ખબર હતી!

€ € €

‘ઍરવેઝ’નો અત્યાચાર!

સાંજ સુધીમાં તો સવારની ઘટનાનો વિડિયો વાઇરલ થઈ ગયો.

€ € €

‘હાઉ ડેર હી...’ ઉત્ક્રાંતનો ગુસ્સો ફાટ-ફાટ થાય છે.

સવારે પોતે અનન્યાને ડ્રૉપ કરીને હજી તો ઘરે પહોંચ્યો ને તેનો ફોન આવ્યો : મને લેવા આવો, પ્લીઝ!

તેના અવાજની ધ્રુજારીએ કંઈકેટલીયે કલ્પનાઓ દોડી ગઈ હતી, પણ જે જાણવા મળ્યું એવું ચોક્કસ કલ્પ્યું નહોતું. જાણીને સ્વાભાવિકપણે તેનો પિત્તો હટ્યો. ઍરપોર્ટ પરની ‘ઍરવેઝ’ની ઑïફિસ આગળ હો-હા કરી મૂકી. એ જોકે અર્થહીન નીવડી.

‘અમે ઘટનાની ગંભીર નોંધ લીધી છે, કાયદાની હદમાં ઘટતાં પગલાં અવશ્ય લઈશું...’ના રેડીમેડ જવાબથી વિશેષ કહી પણ શું શકે સ્ટાફ?

‘ભાઈ, મગજ શાંત રાખો.’ ઘરે આવ્યા બાદ હકીકત જાણીને તારિકાએ સ્વભાવગત ઠાવકાઈથી મામલો સંભાળ્યો હતો, ‘ભાભી સલામત છે એ પૂરતું નથી?’

તારિકાની દરમ્યાનગીરી આ વેળા અનન્યાને ગમી. ત્યારે તો પરાણે તે શાંત પડ્યો, પણ બપોર પછી સગાં-સ્નેહીના ફોન રણકવા શરૂ થયા : વૉટ્સઍપમાં વિડિયો આવ્યો છે - ઍરપોર્ટ પર અનન્યા સાથે કંઈ બન્યું?

ઉત્ક્રાંતની પરેશાની અનન્યાનું કાળજું ચીરતી, પણ પ્રચારની માત્રા ધારવા કરતાં જલદ રહી એનો આનંદ પણ હોયને!

અરે, સાંજે તો એકાદ ન્યુઝ-ચૅનલમાં આની ચર્ચા ચાલી.

€ € €

અનન્યાની ધારણા કરતાં આગ વધુ પ્રસરી, ઝડપથી પ્રસરી એનું કારણ હતું. - વ્યાપારી હરીફાઈ.

હરીફો તો તાકમાં જ બેઠા હોય કે ક્યારે ‘ઍરવેઝ’ લાગમાં આવે ને ઘડોલાડવો કરી લઈએ! વિડિયોને નૅશનલ ટીવી સુધી લઈ જવામાં

એમનો મોટો ફાળો હતો. આ તો શરૂઆત હતી.

€ € €

ઘટનાની જાણ આવકારને કરાઈ હતી. વિડિયો જોઈને તેનોય પિત્તો હટ્યો હતો : આવું ચલાવી ન લેવાય. કોણ છે આ મહાનુભાવો?

કંપનાના અધિકારીગણ સાથે તાત્કાલિક મીટિંગ બોલાવીને તેણે

અક્ષ-નિકામ વિશે જાણ્યું, ઉતારું મિસિસ અનન્યા ઉત્ક્રાંત હોવાનું જાણીને થડકો અનુભવ્યો : આ તો પેલી તારિકાની ભાભી! તેની સાથે જ આવું બનવાનું હતું! ખેર, તેની તો માફી માગી લઈશું, બટ ધીસ ટૂ ગાયઝ...

તેમનો રેકૉર્ડ સાફ છે, કદી નહીં ને આજે જ તેમણે કેમ આ હદનું ધતિંગ કર્યું! એ પણ જ્યારે સ્વિસ કંપની સાથે જૉઇન્ટ વેન્ચર આવવાનું છે ત્યારે! શું તેઓ હરીફ કંપનીનો હાથો બન્યા? જાણવું તો જોઈએ. બેઉ સીધી રીતે તો કબૂલશે નહીં, તેમના પર નજર રાખવી પડશે. અ ક્લોઝ વૉચ. તેઓ નોકરી પર હશે તો જ એ શક્ય બને...

‘સો વી આર નૉટ ટર્મિનેટિંગ ધેમ... તેમની નોકરી ચાલુ રહેશે, માત્ર બે દિવસના સસ્પેન્શનની નોટિસ આપી દો.’ HR મૅનેજર શ્રીવાસ્તવને સૂચના દઈને આવકારે ઉમેર્યો‍ કર્યો‍, ‘મારે પર્સનલી અક્ષ-નિકારને મળવું છે, બટ નૉટ નાઓ. ’

લીગલ ટીમ ક્રૉસ એક્ઝામિશન જરૂર કરે, પોતે એટલું મહત્વ દેવાની જરૂર નથી.

‘હા, મિસિસ શાહની ક્ષમાપ્રાર્થના ભુલાય નહીં.’

આવકારના નિર્ણય પાછળની ગણતરી સચોટ હતી, પરંતુ હરીફોને એના તર્કમાં શું કામ રસ હોય?

‘કંપનીના માલિકની આડોડાઈ. ઍરવેઝે વિક્ટિમની, ઘટનાની ઔપચારિક માફી માગી; પણ કર્મચારીને છૂટો કરવા બાબત ધરાર ઇનકાર!’

મીડિયામાં આની ચર્ચા જામી. શ્રીવાસ્તવે મોડી રાત્રે આવકારનું ધ્યાન પણ દોર્યું, આવકારે અવગણ્યું : વી આર ઑન રાઇટ ટ્રૅક. અત્યારે જેને જેટલું ભસવું હોય એ ભસવા દો, ઘટનાનું મૂળ પકડીને એનો ધડાકો આપણે કરીશું ત્યારે આપમેળે સૌની બોલતી બંધ થઈ જશે....

આવકારની આ ભૂલ હતી. મંગળની સવારે બજાર ખૂલ્યું ત્યારે શૅરનો ભાવ સો રૂપિયા જેટલો ઓછેથી ખૂલ્યો એ ખરેખર તો તોળાઈ રહેલી બરબાદીના પયગામરૂપ હતું!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK