કથા-સપ્તાહ - હરીફ (બાતોં-બાતોં મેં... : 2)

‘ધ્યાનથી સાંભળો.’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


બપોરે પ્રસાદ લઈને સ્નેહીસંબંધીઓ છૂટા પડ્યા અને સાંજે પાંચ વાગ્યે નક્કી થયા પ્રમાણે ધનરાજભાઈના સૉલિસિટર મિત્ર જોબનપુત્રા વિલ લઈને આવી પહોંચ્યા. ઉત્ક્રાંતથી કશું અજાણ્યું નહોતું, તારિકાને રસ નહોતો. અનન્યા આતુર હતી. તેના પેરન્ટ્સ સાક્ષીરૂપે મોજૂદ હતા.

‘આથી હું ધનરાજ દામોદર શાહ...’ જોબનપુત્રા લખાણપત્ર વાંચવા ગયા. ધનરાજભાઈએ ફ્લૅટ, દુકાન, બિઝનેસ બધું પુત્રના નામે કર્યું હતું; તારિકાનાં લગ્નમાં શું વહેવાર કરવો એની સૂચિ હતી; થનારાં પૌત્ર-દોહિત્રોનાં લગ્ન સુધીના વહેવારો આલેખ્યા હતા અને...

‘હવે મારા ઘરની લાજ સમી અનન્યાવહુ અને તારિકાબેટીનો વારો. આમ તો તારિનાં લગ્ન નિમિત્તે કરિયાવરની જોગવાઈ અલગથી દર્શાવી છે, પણ દીકરીને પિતા તરફથી થોડું કંઈક દેવાની લાલસા રોકી નથી શકતો. કાયદો તો અડધો ભાગ આપવાનું કહે છે, પણ મારી દીકરી એટલું બધું તો લે એમ નથી એટલે જે કંઈ દઉં એ લેવાનો ઇનકાર ન કરતી લાડો.’

હાય-હાય... દલ્લો આપીનેય દીકરીનાં આટલાં વખાણ! અનન્યાએ અરુચિ દર્શાવી.

‘અને દીકરીને દઉં ત્યારે મારી વહુ કેમ રહી જાય? તે પણ મને એટલી જ વહાલી છે. બધું વહેંચ્યા પછી મારી પાસે જે બે ચીજો વધી છે એ છે નીચેની યાદી મુજબનું ઝવેરાત અને બીજા છે ઍર વેઝ એવિયેશન લિમિટેડ કંપનીના સોનાની લગડી જેવા ગણાતા શૅર્સ! આ લખાય છે એ તારીખે બેયનું મૂલ્ય સમાન છે. ઘરેણાં ગૃહલક્ષ્મીને હોય એ નાતે જ્વેલરી અનન્યાવહુના ફાળે જાય અને શૅર્સ તારિકાના નામ પર ટ્રાન્સફર કરતો જાઉં છું...’

બીજી ઔપચારિક જાહેરાતો વાંચીને સૉલિસિટરે વસિયત ઉત્ક્રાંતને સુપરત કરી, ‘તમે ત્રણે સમજુ છો. હોપ, ધનરાજભાઈની અંતિમ ઇચ્છાને માન આપવામાં કોઈ આપસી વિખવાદ નહીં થાય.’

ઉત્ક્રાંત-તારિકાએ ભરોસો આપ્યો, પણ અનન્યા જુદા જ વિહારમાં ગુલતાન હતી : આખરે મારા-તારિમાં જીત્યું કોણ ગણાય?

જાણે એનો જ પડઘો પાડતા હોય એમ સૉલિસિટર જતાં પહેલાં બોલ્યા, ‘ધનરાજે આ વિલ બે વરસ અગાઉ બનાવડાવેલું. ત્યાર પછી ગયા વરસે ઍર વેઝના ઓનર આવકારશેઠે બોનસ શૅર જાહેર કરતાં માર્કેટમાં ઉછાળો આવ્યો. આજે સ્થિતિ એ છે કે ત્રણ કરોડની જ્વેલરી સામે શૅર્સનું મૂલ્ય પાંચ કરોડનું થવા જાય છે.’

હેં! અનન્યાએ ધક્કો અનુભવ્યો. તારિનું પલડું નમ્યું?

‘ધેટ ડઝન્ટ મૅટર...’ ઉત્ક્રાંતે કહી દીધું, ‘અનન્યા-તારિમાં એવી દેખાદેખી નથી. ડૅડીની આજ્ઞા-ઇચ્છા સર્વોપરી. શૅર્સના ભાવ ગગડ્યા હોત તો તારિએ વાંધો લીધો ન હોત, વધ્યા છે તો અનન્યાને ઑબ્જેક્શન નહીં હોય. ’

મને ઑબ્જેક્શન છે, સાડીસત્તર વાર છે! ભીતરનો ખળભળાટ ભીતર જ દાબી દેવો પડ્યો અનન્યાએ, નહીંતર અનર્થ સર્જવાની ભીતિ હતી! લગ્નજીવન ભયમાં આવી પડવાની ભીતિ હતી!

€ € €

‘હાય બ્રો...’ ૨વિની એ જ સાંજે આવકાર વામકુક્ષિ માણીને નીચે હૉલમાં આવ્યો કે વિકી ડોકાયો, ‘તમારી ફ્રેશ થવાની આ મેથડ મને ગમે છે. ભાભી આવ્યા પછી આટલી છૂટ નહીં રહે.’

‘આવશે ત્યારેને...’

‘આવી રહી હોવાના સંજોગો મને હવે ઢૂંકડા લાગે છે.’ મલકતાં વીરમતીબહેન હાથમાં તસવીર સાથે પ્રવેશ્યાં, ‘હીરલો હાથ લાગ્યો છે તારા માટે. જાણે આ છોકરી કેમ મારા ધ્યાન બહાર રહી! હવેલીમાં એકાદ બહેને ઉલ્લેખતાં ઝબકારો થયો. જો, તેની તસવીર પણ મગાવી છે.’

આવકાર તારિકાની તસવીર નિહાળી રહ્યો.

‘ધનરાજભાઈને તું કદાચ નહીં ઓળખતો હોય, આવકાર...’ વીરમતીબહેને વાત માંડી, ‘શ્રીમંતમાં ગણાય એવું ઘર. પાછા આપણા ન્યાતીલા. તેમનાં ધર્મપત્ની નંદાબહેનના દેહાંત બાદ આ તારિકાએ જ કુનેહથી ઘર સંભાળેલું. પછી જોકે મોટો દીકરો ઉત્ક્રાંત પરણ્યા પછી અનન્યાવહુ આવી ગઈ અને હવે તો ખુદ ધનરાજભાઈ પણ નથી રહ્યા...’

આવકાર ધ્યાનથી સાંભળી રહ્યો. તસવીર તેને ગમી હતી. સાદગીભરી યુવતી કેવી સુંદર છે. મૃગનયનીસી તેની આંખો જ કહી આપે છે કે તે નિષ્કપટ હોવી જોઈએ!

‘બે દિવસ પહેલાં હવેલીમાં વાત નીકળી કે આજે ધનરાજભાઈની વરસી છે. તરત જ છોકરી ઝબકી ને મેં તેનાં હેમાક્ષીકાકી પાસેથી તસવીર મેળવી લીધી. વરસી આજે જ વળી છે એટલે તને પસંદ હોય તો થોડા દહાડા પછી તેના ભાઈ-ભાભીને વાત કરીને મુલાકાતનો પ્રબંધ ગોઠવું.’

આવકાર સહેજ શરમાયો, ‘તમને ગમી હોય મા તો જરૂર ગોઠવો.’

વીરમતીમા પ્રસન્ન થઈ ઊઠ્યાં.

€ € €

પાંચ કરોડના શૅર્સ!

રાત્રિપ્રહરમાં તારિકા તેની રૂમમાં પોઢી ગઈ છે, પડખે ઉત્ક્રાંત ગહેરી નીંદમાં છે; પણ અનન્યાની ઊંઘ વેરણ બની છે.

આખરે મારી હરીફ જીતી ગઈ, હું હારી ગઈ! છેવટે તો બાપને દીકરી જ દેખાઈ. શ્વશુરજીએ વસિયત કરી ત્યારે ઝવેરાત-શૅરની કિંમત લગભગ સમાન હશે, માન્યું; પણ પછીથી શૅરના ભાવ વધવાનું શ્વશુરજી જાણતા જ હોય, છતાં વિલમાં સુધારો કરાવતા નથી એ શું

સૂચવે છે?

એ જ કે વહુ કરતાં તેમની દીકરી વધુ લાયક લાગી! દીકરીને તેમણે વધારે જ આપવું હતું તે આપીને ગયા!

અનન્યા ભૂલી ગઈ કે આની પાછળ ધનરાજભાઈનો વહુમાં વિfવાસ પણ કારણભૂત હોઈ શકે, દીકરીને વધુ દેવાથી વહુ નારાજ નહીં થાય એવો ભરોસો હોઈ શકે એમ શૅર્સ ક્યારેક ઘટ્યા તો વહુની જ્વેલરી દીકરીને દેવા જેવો બદલાવ પણ તે નથી કરવા માગતા એવું પણ તારવી જ શકાય અને ધનરાજભાઈની એ જ ગણતરી હોય, પણ એવું તારવવું જ શું કામ! તેમના દેહાંત સમયે શૅર્સની વૅલ્યુ વધુ હોય એ કેવળ સંજોગની ઘટના થઈ, પણ જેણે વાંકું જ જોવું હોય તેને સીધું શું દેખાય? અનન્યાએ શ્વશુરજીને દોષી ઠેરવી દીધા.

ભોળા દેવ જેવા ઉત્ક્રાંતને બાપાની નીયત પરખાય એમ નથી. તે તો એવુંય બોલી ગયા કે અનન્યાને વાંધો નહીં હોય!

કેમ ન હોય મને વાંધો? મેં તમારા બાપાની સેવા નથી કરી? વહુ તરીકેની ફરજમાં હું ચૂકી ન હોઉં તો મને ઘરની દીકરીથી ઓછું શું કામ?

બીજા સંજોગોમાં અનન્યાને આનું મનદુ:ખ ન હોત, પોતાનું છે એ પણ ખુશી-ખુશી તારિકાને આપ્યું હોત. એવું તેનું ઘડતર હતું, સંસ્કાર હતા; પરંતુ તારિકાને હરીફ માન્યા પછી એ અનન્યા જાણે ક્યાં ખોવાઈ ગઈ...

એમાં વળી વિલની ફાળવણીને તેણે સ્પર્ધાના પરિણામ તરીકે સાંકળી લીધેલી. ખરો ચચરાટ રૂપિયા-પૈસાનો નહીં, તારિકાની જીતનો હતો.

હું તેને જીતવા તો ન જ દઉં!

પણ હું શું કરી શકું?

‘શૅરોમાંથી પણ મને મારો ભાગ મળવો જોઈએ. આખરે ડૅડી દીકરી-વહુને સમાન રાખવા માગતા હતા એ તો સાચુંને...’ આમ કહીને હું ખુલ્લેઆમ હિસ્સો માગું તો-તો ઉત્ક્રાંત ભડકી ઊઠે. ડૅડીજીની બીમારી દરમ્યાન હું ઑલરેડી તેમની આંખે ચડી ચૂકી છું. ત્યારે તો તારિકાએ વાળી લીધેલું, પણ તેના જ મતલબ વિરુદ્ધની વાત મૂકતી હોઉં તો તે શું કામ વચ્ચે પડે. મારો-ઉત્ક્રાંતનો ઝઘડો વધે એમાં તે મજા માણે!

અહં, હવેલી લેતાં મારે ગુજરાત નથી ખોવું. ખુલ્લેઆમ તો હું મને થયેલા અન્યાયને વાગોળી શકું નહીં. પ્રગટમાં તો મારે મને કોઈ જ ફેર નથી પડતો એવું જ દર્શાવવું પડશે. 

- પણ અંદરખાને એવું નહીં હોય. હરીફની જીતને હારમાં બદલવા હું કરવું ઘટે એ કરીશ.

- કંઈક એવું જેથી જે શૅર્સે‍ તેને મારાથી વધુ મોલ અપાવ્યા એની કિંમત જ કોડીની થઈ જાય!

મીંઢી તારિકા પોતાને વધુ મળ્યાની ખુશીમાં મનોમન તો બહુ મલકાતી હશે, પણ તારો હરખ ઝાઝો ટકવા નહીં દઉં... જોઈ લેજે!

કળ વળી. ઊંઘ પણ આવી.

€ € €

‘પપ્પા, કોઈ કંપનીના શૅરની કિંમત રાતોરાત ઘટે એવું બને?’

પિતાની ઑફિસે શૅરબજારનું કામ સંભાળનારી અનન્યા માર્કેટની ટેક્નિકલ રીતરસમોથી વાકેફ હતી અને પપ્પા પાસે તો અવનવા કિસ્સાનો ખજાનો હતો. સુદર્શનભાઈ હંમેશાં કહેતા કે શૅરબજારની આંટીઘૂંટીમાં દરેકે રસ લેવો જ જોઈએ; મૂડીનું આનાથી યોગ્ય વળતર બીજી કોઈ સ્કીમમાં ક્યાંય નથી મળતું, જો સમજીને રોકાણ કરો તો.

લગ્ન પછી આ બધી બાબતથી વિમુખ થઈ ગયેલી દીકરીને એકાએક કેવો રસ પડ્યો! નવાઈ લાગી પણ સુદર્શનભાઈનો ખુદનો ગમતો વિષય તો એટલે ખીલ્યા, ‘કિંમતની ચડઊતર શૅરબજારનો અનિવાર્ય હિસ્સો છે. ક્યારેક પ્રાઇસની ઊંચનીચ માલિકો દ્વારા જાણીને કરાવાતી હોય છે. એવી અનએથિકલ ઇવેન્ટ્સને બાદ કરીએ તો એટલું તો સાચું કે મહામહેનતે જમાવેલી પ્રતિષ્ઠા ક્ષુલ્લક બીનાથી કડડડભૂસ થાય એમ મામૂલી કારણથી શૅરની પ્રાઇસ ગગડતાં વાર નથી લાગતી અને એવું બન્યું પણ છે.’

અનન્યા તેમણે ટાંકેલા કિસ્સા સાંભળી રહી.

‘ગુજરાતીઓમાં સૌથી જાણીતા ઉદ્યોગગૃહનો જ દાખલો લે...’ સુદર્શનભાઈએ ઉમેર્યું, ‘શૅરબજાર થકી જ ચડતો સિતારો બનેલા એ ઉદ્યોગપતિએ પોતાના દીકરાનાં ફિલ્મ-અભિનેત્રી સાથેનાં લગ્ન એટલા માટે નામંજૂર હતાં કેમ કે એથી શૅરના ભાવ ગબડવાની વકી હતી! એક વાર ઇમેજનું ધોવાણ થયું, ઇન્વેસ્ટર્સનો વિfવાસ તૂટ્યો તો ખલાસ.’

ઇમેજ-પ્રતિષ્ઠા.

ઘણા વખતે અચાનક ઑફિસે આવી ચડેલી અનન્યાએ તારવવા યોગ્ય તારવી લીધું. મારે ઍર વેઝની આ જણસ પર ઘા કરવાનો છે. એ માટે પહેલાં તો કંપનીને, કંપનીના ઓનરને બરાબર જાણવા જોઈએ.

તે મંડી પડી.

€ € €

કિફાયતી દામ અને બહેતર સર્વિસ. ‘ઍર વેઝ’ની આ ખાસિયત રહી છે... કંપનીનો નવો પ્રોજેક્ટ પણ આવી રહ્યો છે..

ચા૨ દિવસમાં અનન્યા તો જાણે આવકાર અને ‘ઍર વેઝ’ની એન્સાઇક્લોપીડિયા જેવી બની ગઈ.

‘ઍર વેઝ’ની બે સ્પેશ્યલિટી પૈકી એક એવી કિફાયતી દામ બાબત તો હું કંઈ કરી શકું નહીં, બટ સર્વિસ...

સર્વિસ. અનન્યાએ કાગળ પર લખ્યું, પછી ઉપર ચોકડી મારી.

€ € €

‘લાઇફ એટલી હોપલેસ થઈ ચૂકી છે કે થાય છે કે પ્લેન હાઇજૅક કરીને ક્યાંક દૂર જતો રહું.’ અક્ષે ઉકળાટ ઠાલવ્યો.

‘ઍર વેઝ’ના ગ્રાઉન્ડ-સ્ટાફ તરીકે કામ કરતા અક્ષની કહાણી તેના જોડીદાર જેવા નિકામને તો માલૂમ હોય જ.

બેઉ મુંબઈ સેન્ટ્રલની એક જ ચાલના રહેવાસી. સાથે ભણ્યા, મોટા થયા અને સાથે જ નોકરીએ લાગ્યા.

‘એક તો ગ્રૅજ્યુએટ થઈને પણ મજૂરી જેવી કરવી પડે એ કમબખ્તી...’

અલબત્ત, અન્યત્ર ક્લર્કગીરી કરવા કરતાં અહીં વળતર સારું, માલદાર ઉતારુ ટિ૫ આપી જાય એ છોગામાં. વળી ઍરોડ્રામનો માહોલ જ નિરાળો. એટલે તો વરસેકથી એક નોકરીમાં ટક્યા છીએ.

‘તોય એટલું વળતર તો ન જ મળે કે દેવુ ચૂકવીને હું રેશમાનો હાથ માગી શકું!’

ચાલીમાં જ રહેતી રેશમા જોડે અક્ષનું ચક્કર સ્કૂલકાળથી હતું. રેશમા જોકે કૉલેજ ભણી નહોતી. બારમામાં નાપાસ થયા પછી તે માની જેમ ઠામવાસણના ઘરકામે જતી.

એ હિસાબે અક્ષ જેવો મુરતિયો દીકરી માટે વધાવાનો જ હોય, પણ પ્રણયગાથામાં વિલન બન્યો અક્ષનો બાપ. જુગારની કુટેવે આડા ધંધામાં પડેલા તિવારીએ દસથી બરા લાખનું દેવું કરી રાખ્યું હતું ને ભાતભાતના લોકો ઉઘરાણીએ આવતા ત્યારે તમાશો થઈ જતો... બાપની ઉધારીનો રેલો દીકરા સુધી પહોંચતો જ હોય છે. એ હિસાબે રેશમાના બાપની શરત વાજબી હતી : તારા બાપનું દેવું ચૂકતે કરી નાખ, તો મારી દીકરીનો હાથ તને સોંપું. બાકી જ્યાં રોજ હાલીમવાલી ઉઘરાણી માટે આવતા હોય ત્યાં મારી બેટી કેટલી સુરક્ષિત ગણાય?

રેશમા પણ આમાં સૂર પૂરાવતી : હું તારી રાહ જોઈશ અક્ષ, પણ દેવાળિયા ઘરમાં તો નહીં જ આવું!

અક્ષને દારૂડિયા બાપ પર ગુસ્સો આવતો : તારા પાપે અમારે દુ:ખી થવાનું? માને કારણે ઘરથી છેડો ફડાતો નહીં. હુંય જતો રહું તો તેનું કોણ?

મથીને મરી જાઉં તોય દેવું ચૂકતે કરવા જેટલું હું રળી શકવાનો નથી. તો શું રેશમા મારી નહીં થાય?

હૈયું બળતું, જીવ ઊબકાતો.

અત્યારે પણ અક્ષે નિ:સહાયતા અનુભવી.

€ € €

બિઝનેસ વલ્ર્ડમાં અનન્યા ‘ઍર વેઝ’નો આર્ટિકલ વાંચતી હતી. ચા-નાસ્તાના વાસણનો પથારો સમેટતી આયા શ્યામા અનન્યાને પૂછી બેઠી, ‘આ પેલી વિમાન કંપનીના શેઠ?’

પહેલાં તો અનન્યાએ બહુ ધ્યાન ન આપ્યું. જૂની આયા ગામ જતાં ત્રણેક મહિનાથી આવતી થયેલી શ્યામા હાથની ચોખ્ખી, ઝાઝી વાતોડિયણ પણ નહીં. તેની વાતોમાં રસ પડે એવું પછી નીકળ્યું.

‘અમારી ચાલીના બે છોકરા શેઠની કંપનીમાં કામ કરે છે. શું છે કે મારી દીકરી રેશમાને અક્ષ હારે પ્રેમ છે, પણ...’

અહા! અનન્યા રસપૂવર્ક  સાંભળી રહી. ભીતર જાળ ગૂંથાતી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK