કથા-સપ્તાહ - હરીફ (બાતોં-બાતોં મેં... : ૧)

આતે જાતે હંસતે ગાતે...


harif

અન્ય ભાગ વાંચો

1  |  2  |


- સમીત (પૂર્વેશ) શ્રોફ

માય ફેવરિટ સૉન્ગ! વિશાળ માસ્ટર બેડરૂમની હોમ થિયેટર સિસ્ટમમાં ગુંજતા લતાના સ્વરે તેના હોઠો પર મુશ્કુરાહટ આણી દીધી.

રવિની સવાર થોડી પ્રમાદથી માણવી તેને ગમતી. મનગમતાં ગીતો, બુક્સ અને ભાવતું ભોજન... નો બિઝનેસ કૉલ્સ, નો જિમ - નથિંગ. આ પળોમાં ભૂલી જવાનું કે પોતે ભારતની ટોચની ગણાતી પ્રાઇવેટ જેટ કંપની ‘ઍર વેઝ’નો સર્વેસર્વા છે!

ગ્લોબલાઇઝેશનથી ભારતનું અર્થચિત્ર બદલાયું, વિદેશી કંપનીઓના આક્રમણનો માર્ગ મોકળો થયો એવી રીતે ઉડ્ડયન ક્ષેત્રે ખાનગીકરણને પ્રોત્સાહન મળતાં વે૫પારી પિતા ભગીરથભાઈએ તક પારખીને પંદરેક વરસ અગાઉ ચાર ઍરબસથી શરૂ કરેલી ‘ઍર વેઝ’ આજે તો બીજમાંથી જાણે વટવૃક્ષ બની ચૂકી છે એમાં એવિયેશન સાથે માર્કે‍ટિંગનું ભણેલા દીકરા આવકારનો સિંહફાળો છે... ભણીને પિતાની કંપનીમાં જોડાયેલા આવકારે મધ્યમ વર્ગને, યુવાનોને આકર્ષવા એક રૂપિયામાં ઍરટિકિટ, ફ્લાય વિથ સેલિબ્રિટી જેવી સ્કીમ્સ કાઢી કૉમ્પિટિટિવ રેટ્સ આપીને પુરવાર કરી દેખાડ્યું કે ‘ઍર વેઝ’થી સસ્તું ક્યાંય નથી. સર્વિસ તોય અલગ દર્જા‍ની.

‘તમારો દીકરો તો દેવાળું કાઢવા બેઠો છે.’ માર્કેટના માંધાતા ગણાતા મહાનુભાવોએ આવકારની સ્કીમ્સ બાબતે ભગીરથભાઈને ચેતવ્યા પણ હતા, પરંતુ ચતુર પુરવાર થયેલા નવા નિશાળિયાએ માંધાતાઓની બોલતી બંધ કરી દીધી. ઉતારુઓના ધસારાએ પડતર કિંમતના ટિકિટવેચાણ છતાં કંપની ધડાધડ પ્રૉફિટ રળવા લાગી. પછી તો પબ્લિક ઇશ્યુ બહાર પાડીને ભંડોળ ભેગું કર્યું. આજે એ સ્થિતિ છે કે ‘ઍર વેઝ’ના દસ રૂપિયાના શૅરની કિંમત અઢી હજારમાં અંકાય છે! એટલું જ નહીં, આગામી દિવસોમાં સ્વિસ કંપનીના જોડાણ સાથે ‘ઍર વેઝ’નો એક્સપાન્શન પ્રોજેક્ટ આવી રહ્યો છે એના પબ્લિક ઇશ્યુની આતુરતાથી રાહ જોવાઈ રહી છે! બિઝનેસ રાઇવલ્સ એથી ઘાંઘા બની ગયા છે એ પણ હકીકત છે.

‘તારા હાથોમાં આપણી કંપનીનું ભવિષ્ય તો ઉજ્જવળ જ છે અને મને ખાતરી છે...’ અંતિમ સમયે પિતાએ વિશ્વાસ જતાવ્યો હતો, ‘તારાં સાવકાં મા-ભાઈને પણ તું એટલા જ પ્રેમ, આદરથી સંભાળી જાણીશ.’

‘નચિંત રહો ડૅડ.’ આવકારે હથેળીમાં હથેળી પરોવીને મરતાં પિતાને વચન આપ્યું હતું. ‘મા-ભાઈનું સુખ મારા માટે અગ્રિમ રહેશે. બાકી તમારા સાવકા શબ્દનો મને વાંધો છે. નથી મેં માને પરાયાં માન્યાં કે ન કદી તેમણે મને પારકો ગણ્યો...’

એ તો સાચું... આકાર છ વરસનો હતો ત્યારે તેની માતા માંદગીવશ મૃત્યુ પામી. સગાં-સ્નેહીઓએ બીજાં લગ્નનો આગ્રહ કર્યો, દબાણ કર્યું તોય ચારેક વરસ તો ભગીરથભાઈએ ટાળ્યા કર્યું : સાવકી મા આવીને લાડલા દીકરાનો ભવ બગાડે એવું ન થવું જોઈએ... જોકે પ્રસ્તાવ આવતા રહેતા એમાં વીરમતી પર તેમનું મન બેઠું. સામાન્ય ઘરની સ્ત્રી મૂલ્યોમાં માનનારી હતી, હૃદયની વિશાળ અને કરુણાથી સભર. માતા-પિતાની સેવામાં તેની પરણવાની વય વીતી. હવે તેઓ ન રહેતાં બીજવરને પરણવામાં તેને વાંધો નહોતો. દસ વરસના સાવકા દીકરાને સ્નેહ-સંસ્કારનું સિંચન દેવાના તેના સંકલ્પમાં કટિબદ્ધતા વર્તાઈ. ભગીરથભાઈએ બીજું ઘર માંડ્યું.

અને ખરેખર વીરમતીએ સાવકાપણું વર્તાવા નહોતું દીધું. ધીરે-ધીરે આવકાર તેમનો હેવાયો થઈ ગયો. ત્યાર બાદ જ તેમણે પોતાના સંતાનનું વિચાર્યું. એ હિસાબે વિક્રાન્તનો જન્મ થયો ત્યારે આવકાર ૧૪નો ઉંબરો પાર કરી ચૂકેલો.

નાનો ભાઈ તેને અદકેરો વહાલો હતો. વિકીને પણ માબાપથી વધુ આકુભાઈ સાથે ગોઠતું.

એટલે જ આજથી પાંચ વરસ અગાઉ ભગીરથભાઈના મૃત્યુ પછી પણ ન વીરમતીબહેને નોંધારાપણું અનુભવ્યું, ન વિકીમાં અનાથભાવ પ્રવેશ્યો. ‘હવે તું જ કુટુંબનો મોભી.’ વીરમતીબહેન આવકારને કહેતાં અને માનતાં પણ ખરાં.

‘આવતી નાતાલે તને તેત્રીસમું બેસશે...’ હમણાં તો વીરમતીબહેન રોજ આ મુદ્દો ઉખેળતાં હોય છે, ‘ક્યાં સુધી મારે વહુને પોંખવાની રાહ જોવી? એકથી એક ચડિયાતા માંગાં આવે છે...’

એમાં શી નવાઈ? ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ આવકારની ગણના મોસ્ટ એલિજિબલ બૅચલર તરીકે થાય છે. સખત મહેનત, આગળ ને આગળ વધવાની નેમ અને અભિમાનનું નામોનિશાન નહીં.

‘યોગ્ય ઉંમરે પરણો નહીં તો સમાજમાં જેવીતેવી વાતો થવા માંડે છે. આપણને યાદ હોય કે ન હોય, લોકો નથી ભૂલે એમ કે હું તારી સાવકી મા છું...’ વીરમતીબહેન ફિક્કું હસીને ઉમેરતાં, ‘એવીયે કૂથલી થતી હોય છે કે વીરમતી આવકારને પંડના દીકરાનો હરીફ માને છે એટલે તેનું ઘર વસાવવામાં તેને શું રસ હોય! આવકાર પરણે જ નહીં તો બધો વારસો સગા દીકરા વિક્રાંતના વંશજને મળે એવી ગણતરી હોવી જોઈએ

સાવકી માની!’

‘નૉન્સેન્સ...’ આવકાર સમસમી ગયેલો. ‘વિકી મારો હરીફ?’

‘હું તને ઉશ્કેરવા આ બધું નથી કહેતી આકુ. મારો ઇરાદો તો માત્ર તને સમયનો તકાજો પરખાવાનો છે.’

ત્યારે આવકારે સંમત થવું પડ્યું, ‘ભલે મા, સ્નેહના તાંતણે ઘરનાને બાંધી રાખી શકે એવું પાત્ર ગોતવા માંડો.’

‘વાઉ ભૈયાની શાદી!’ વિકી તો જાણે હમણાં જ શરણાઈ ગુંજવાની હોય એવો ઊછળેલો.

અઢારનો થયેલો વિકી આવકારના હૃદયનો ટુકડો છે. સ્વિસ કંપની સાથે આવનારું એક્સપાન્શન ખરેખર તો વિકીના બિઝનેસ-લૉન્ચિંગનો આવકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આવકારની શાદીનું સાંભળ્યું ત્યારથી વિકીના તો જાણે હરખને થોભ નથી, પણ એવું પાત્ર ક્યાં જેને મૈંને પ્યાર કિયા કહેવાનું મન થાય?

અત્યારે, મલબાર હિલના મહેલ જેવા નિવાસસથાનના પર્સનલ બેડરૂમના હીંચકે લંબાવતાં આવકારને થયું : જાણે કોણ હશે મારા નસીબમાં? ક્યાં હશે, કેવી હશે?

€ € €

‘તારિકા...’ હેમાક્ષીબહેને સાદ પાડ્યો, ‘તારા પપ્પાની છબિ આગળ દીવો કરી દે તો...’

કાકી સાસુએ તારિકાને કહ્યું ને અનન્યાએ મોં મચકોડ્યું : તારિકા... તારિકા! બધાને ઘરની દીકરી જ દેખાય છે, વહુનો કોઈ ભાવ નથી પૂછતું! મહિના અગાઉ ગુજરી ગયેલા શ્વશુરજીની આજે વરસી વળાઈ રહી છે. એમાં પણ નણંદની જ બોલબાલા.

અનન્યાને ચચરાટી થઈ.

‘મારી અનન્યા તો લાખોમાં એક છે.’

માતા સૂર્યાબહેન એકની એક દીકરી માટે બહુ ગર્વથી કહેતાં અને કેમ ગર્વ ન લે? અનન્યા ભણવામાં હોશિયાર, રમતગમતમાં ચબરાક, રાંધણકળામાં અવ્વલ, બૅન્ક-બજારનાં કામ પણ કરી જાણે અને છોગામાં મઘમઘતું રૂપ! શૅરબ્રોકર પિતા સુદર્શનભાઈ માટે તો દીકરી શુકનવંતી પણ ખરી. તેના આગમને શૅરબજારના સોદામાં અઢળક કમાયા પોતે.

એટલે સૂર્યાબહેન રણકાભેર ઝળકતાં, ‘જોજોને, જે ઘરમાં પણ જશે એમાં અજવાળું પાથરી દેશે.’

અનન્યાને ખુદને આમાં સંશય નહોતો. એ વાત જુદી કે પોતે જ્યાં પરણવાનું થયું ત્યાં ઑલરેડી તારિકા નામનું અજવાળું ઝબક-ઝબક થતું હતું, બીજા ઉજાસની જાણે જરૂર જ નહોતી!

અનન્યાનું મોં કટાણું થયું.

ગ્રૅજ્યુએટ થઈને અનન્યા પપ્પા સાથે તેમની ઑફિસ જતી. શૅરબજારની આંટીઘૂંટી સમજતી. સમાંત૨ે માએ મુરતિયા તરાસવા માંડ્યા. એમાં અનન્યાનું મન ચોંટ્યું ઉત્ક્રાંતમાં.

‘ધનરાજ શેઠનું નામ ન્યાતમાં જાણીતું છે. ઉત્ક્રાંત તેમનાં બે સંતાનોમાં મોટો. તેનાથી ચારેક વરસ નાની દીકરી છે - તારિકા.’ માએ કહેલું ‘નંદાશેઠાણીનો ત્રણ વરસ અગાઉ દેહાંત થતાં રેઢું પડેલું ઘર તારિકાએ બખૂબી સંભાળ્યું છે... આપણા વરલીથી પેડર રોડનું તેમનું ઘર બહુ દૂર ન ગણાય. કટલરી સ્ટોરનો તેમનો કારોબાર સારો ચાલે છે...’

બધું અનુકૂળ હતું. અત્યંત સોહામણા ઉત્ક્રાંતને જોયા-મળ્યા પછી અનન્યા હૈયું હારી. ઉત્ક્રાંતને પણ અનન્યાબાણ હૈયે વાગ્યું. ગોળધાણા ખવાયા, સગપણ લેવાણું.

‘તારી પાસેથી મને એટલી જ અપેક્ષા છે અનન્યા કે તું મારા ઘરને, ડૅડીને અને ખાસ તો તારિને જાળવી લે... માના અકાળ અવસાનથી તારિકા નાની ઉંમરમાં મોટી થઈ ગઈ છે. તે હવે નચિંતતા માણતી થાય એટલું હું ઇચ્છું છું.’

ત્યારે તો અનન્યાને ભાઈને બહેનની ફિકર રહે એ ગમ્યું હતું.

‘અનન્યાની તમે જરાય ચિંતા ન કરતા. મારી તારિકા તેને બધું સુપેરે સમજાવશે, ઘડી દેશે સમજોને.’

સગાઈ નિપટાવીને વિદાય લેતાં ધનરાજભાઈએ વેવાઈ-વેવાણને આમ તો ધરપત પાઠવી કહેવાય, પણ અનન્યાને તો એ જ ઘડીએ ધમધમ થઈ ગયેલું : વૉટ! તારિકા મને-અનન્યાને ઘડશે? હું તો ઘડાઈ ચૂકી છું શ્વશુરજી અને તમારી તારિકા કરતાં ક્યાંય બહેતરપણે. લગ્ન થતાં જ આનો પરચો તમને સૌને મળી જવાનો!

એ ઘડી ને આજનો ’દી. અનન્યાએ ઊંડો શ્વાસ લીધો : નણંદ ત્યારથી મારી સૌથી મોટી હરીફ રહી છે!

ત્યારનું પોતે નક્કી ઠેરવેલું કે તારિકાને મારી સરખામણીમાં ઝાંખી પુરવાર કરીને રહીશ...

ના, તારિકાના હૈયે હેત સોનાનું હતું, પણ લગ્નનાં ત્રણ-ત્રણ વરસેય અનન્યા કોરીધાકોર જ રહી. સાસરામાં તે ભળી ખરી, પણ હરીફાઈના ભાવ સાથે. અંતરમનના તાર નણંદ સાથે ન જ સધાયા. જે હતું એ ઉપરછલ્લું. એની તેને તો જાણ હોય જ.

‘તમને કશી અણખટ છે મારા માટે ભાભી. જાણું છું, સમજાય છે મને...’ માસ્ટર્સનું ભણતી તારિકાએ કહેલું

પણ, ‘બસ કારણ નથી સમજાતું. મારી કશી ભૂલચૂક હોય તો મારું ધ્યાન દોરો, મને ઠપકારો...’

‘ના રે. એવું કશું નથી.’ ખભા ઉલાળીને અનન્યા કહી દેતી. બાકીનું મનમાં ઉમેરતી : તમારી લીટી નાની કરવાનો ઇરાદો કહીને મારે તમને ચેતવી નથી દેવાં નણંદબા!

છ મહિના અગાઉ ધનરાજભાઈ બીમાર પડ્યા, ખાટલાવશ બન્યા. અનન્યા તેમનું પૂરું ધ્યાન રાખે, પણ પાણી પીવા તે તારિકાના નામની બૂમ પાડે તો એમ નહીં કે પોતે પાઈ દે. તારિકાને બાજુની રૂમમાં કહેવા જશે : તમારા ડૅડીએ તમારા હાથે જ પાણી પીવું છે - જાઓ!

તેની વર્તણૂક તારિકા અવગણી જતી, ધનરાજભાઈ બિચારા શોષવાતા; પણ ઉત્ક્રાંત ઊકળી ઊઠતો...

‘તમે મને શાના વઢો છો ઉત્ક્રાંત?’ અનન્યા સામી ત્રાટકતી, ‘ડૅડીનો જીવ દીકરીમાં હશે. મારા હાથનું પાણી નહીં પીવું હોય તો જ દીકરીના નામની બૂમ પાડેને! રખેને વહુ પાણીને બદલે ઝેર આપી દે તો!’

ઉત્ક્રાંત ઘવાતો. એ પીડા અનન્યાને વલોવી જતી. એની ખીજ તારિકા પર નીકળતી, ‘તમે બાપ-દીકરાએ બહુ તારિકા-તારિકા કર્યુંને એનું આ ફળ છે! વહુ કોઈને નજરમાં આવતી જ નથી.’

‘મતલબ?’ ઉત્ક્રાંત સમસમી જતો. ‘સાફ-સાફ કહે. તારા માનમાં, સ્વમાનમાં પણ અમે ક્યાં કસર રાખી? તારા-તારિકા વચ્ચે ક્યારે ભેદભાવ થયો? શું મન ફાવે એમ બકે જાય છે!’ 

ઉત્ક્રાંતના પ્યાર-દુલારથી ટેવાયેલી અનન્યા તેના ગુસ્સાથી સહેમી ઊઠે, બધું પડી ભાંગવા જેવું લાગે ત્યાં...

‘તમે પણ ભાઈ, મગજ ઠંડું રાખો.’ તારિકા ટપકે. ‘ઘરમાં માંદગી હોય ત્યારે બૈરાએ કેટલું વેઠવાનું થાય એ તમને નહીં સમજાય. ડૅડીનો જમવાનો, દવાનો ટાઇમ સાચવવાનો; સગાંવહાલાંની

અવરજવર - ભાભીએ શું નથી જોવું પડતું! આમાં ક્યારેક બે શબ્દ બોલી જવાય તો જતું કરતાં શીખો.’

ઉત્ક્રાંત ટાઢો પડે એ રાહતરૂપ હોય, હાશકારો છવાય ન છવાય કે મનમાં દલીલ સ્ફુરે : જોયું, બહેને કીધું તો કેવા માનીયે ગયા! જોકે મારેય સાચવવું પડશે. મારી મનસા આમ ખૂલી જાય એ ઠીક નહીં. મા૨ે પણ નણંદબા જેવાં મીંઢાં થવું જોઈશે!

‘વહુ, નંદા ગયા બાદ મને ઉત્ક્રાંતની ફિકર તારિએ વર્તાવા નહોતી દીધી. હવે તમે છો તો તારિની ફિકર મૂકું છું.’

મૃત્યુની આગલી રાત્રે ધનરાજભાઈએ કહ્યું હતું, હાથ જોડ્યા હતા, ‘મારાથી કે તારિથી ક્યારેય કશી ચૂક થઈ હોય તો મા...ફ કરજો.’

‘ડૅડી, આમ કહીને મને પરાઈ ન કરો.’ એ પળે અનન્યાના ચિત્તમાં સ્પર્ધા નહોતી. જતાં-જતાં શ્વશુરજીએ ક્ષમા માગવી પડી એનો ક્ષોભ પણ ઘણો હતો અનન્યાને, પરંતુ તેમની માંદગી દરમ્યાન પોતાની વર્તણૂક જ કદાચ એવી થઈ ગયેલી કે...

‘બધું તારિકાના કારણે...’ શ્વશુરજીનાં ક્રિયાપાણી પત્યા પછી આ અંગેનો ઊભરો તેણે પિયર શોક મૂકવા ગઈ ત્યારે મા સમક્ષ કાઢેલો.

‘તારિકા?’ સૂર્યાબહેન ચમક્યાં. ‘તે બિચારી તો મરતાને મર કહે એવી નથી.

તે તને ક્યાં નડીં? તારિકાએ તેની માની સેવા કરેલી, ઘર સંભાળ્યું, પિતાની ચાકરી કરી...’

‘કરી તો કંઈ ઉપકાર નથી કર્યો‍! ડૅડી તેમના નામેય ખાસ્સું કંઈ મૂકી ગયા હશે.’ અનન્યાથી બોલાઈ ગયેલું, ‘ઉત્ક્રાંત કહેતા’તા કે અમારાં લગ્ન પછી ડૅડીએ વસિયત લખી રાખેલી. મારે પણ જોવું છે કે શ્વશુરજીએ વહુને શું આપ્યું ને દીકરીને શું દેતા ગયા?’

‘તું બદલાઈ ગઈ અનન્યા.’ સૂર્યાબહેનનો આઘાત છતો થયો. ‘વડીલના આર્શીવાદની ઝંખના સેવવાની હોય, સ્થૂળ માલમતાના શું ભાગ વહેંચવા? જોજે, આવું કંઈ ગાંડુઘેલું કરી-બોલી જમાઈબાબુને અળખામણી ન થતી!’

માની ચેતવણી અનન્યા માટે અર્થહીન હતી. બલ્કે તેને તો વસિયત વાંચવાનો ઇન્તેજાર હતો. એ દસ્તાવેજ મારા માટે હરીફાઈના પરિણામ જેવો હોવાનો. કોઈ પણ મિલકત સરખે હિસ્સે વહેંચવી અશક્ય છે. શ્વશુરજીએ દીકરી-વહુમાં જેને વધુ આપ્યું હશે તે વિજેતા!

પરિણામની એ ઘડી આજે સાંજે આવી જવાની!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK