કથા-સપ્તાહ - ઘટના (તાણાવાણા : 5)

મૌનવી અનાથ નથી, હિંમતનગરની છે; ધૅટ કન્ટેસ્ટન્ટ આનંદ શાહની દીદી છે અને આનંદે આપઘાત કરેલો એ સાંભળતાં જ આરવના પગ હેઠળથી જમીન સરકી ગઈ.

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


‘મને પણ આવો જ શૉક લાગ્યો હતો જ્યારે તેની પાડોશણે તેના પેરન્ટ્સ હયાત હોવાનું કહ્યું...’

સિસિલ્યા ફુલ ફૉર્મમાં હતી. રજા મૂકીને પોતે બે દિવસ હિંમતનગર જઈ આવી એનું વિસ્તારમાં વર્ણન કરીને તેણે સાર તારવ્યો : અનાથાશ્રમમાં આનંદ-મૌનવીનું કનેક્શન ઊઘડ્યું, મેં નાટક વિશે સાંભળ્યું, મૌનવીને મેં જુદા-જુદા મેડિકલ સ્ટોરમાંથી ચોક્કસ દવા ભેગી કરતી જોઈ અને તેનો ઇરાદો મને સમજાઈ ગયો. શૂટ થયેલું નાટક તે બર્થ-ડે પાર્ટીમાં બતાવવાની, ખાણામાં દવા ભેળવીને હાજર તમામને હૉસ્પિટલભેગા કરવાનો ખતરનાક પ્લાન હોવો જોઈએ તેનો... ’

મૌનવીના તમામ સંદર્ભ હવે સ્પષ્ટ હતા. મારા વર્તુળમાં ગોઠવાવાનો તેનો હેતુ તો વેરની વસૂલાતનો જ હતો.

ખરેખર આવું થયું હોત તો? આરવના બદનમાંથી કંપારી પ્રસરી ગઈ. સિસિલ્યાના કારણ-તારણ પતતાં સુધીમાં મૌનવી વૉશરૂમના આંટાફેરાથી જાણે નિચોવાઈ ગયેલી. પોતે ખુલ્લી પડ્યાનું સમજાતું હતું. કોઈ રીઍક્શન દેવાની સ્થિતિમાં તે નહોતી છતાં એટલું બોલ્યા વિના ન રહી, ‘સત્ય જાણીને પણ તેં ગુનેગારનો સાથ આપ્યો છે સિસિલ્યા, એ ફળદાયી નહીં નીવડે.’

‘અરે જા જા...’ સિસિલ્યાએ તુચ્છકાર ઉછાળ્યો, ‘તારી આરવ સાથેની લેણદેણ પૂરી થઈ. તારું સ્થાન ખાલી કરાવીને હું આરવના હૈયે ગોઠવાઈ જવાની...’

જુસ્સામાં તેણે પોતાની મનસા ઉજાગર કરી દીધી. સ્તબ્ધ અવસ્થામાં પણ આરવને એટલું પરખાયું કે કોણ-શું-કેમ કરી રહ્યું છે...

‘આરવ...’ સિસિલ્યા તેની નિકટ સરકી, ‘મેં સાચું કહ્યુંને?’

‘સિસિલ્યા...’ આરવનો સ્વર ઊંચો થયો. મૌનવીની અવદશા તેનું કાળજું ચીરતી હતી. આ પળે બીજું બધું ગૌણ હતું. મારી મૌનવીને કંઈ ન થવું જોઈએ, બસ!

‘વધુ ડહાપણ ડહોળ્યા વિના મૌનવીની ફૅમિલીને જાણ કર, ક્વિક...’

બૉસ જેવા તેના રણકાએ સિસિલ્યાને થોડી સહેમાવી દીધી, પણ દલીલ કરીને કર્યું-કરાવ્યું બગાડવાનો અર્થ નહોતો...

મૌનવીને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાઈ. હિંમતનગરથી દિવાકરભાઈ અને ગોદાવરીબહેન દોડી આવ્યાં ત્યાં સુધી આરવ મૌનવીના બેડ આગળથી હટ્યો નહોતો... સિરિયસ કશું નથી, પણ મૌનવીને બેઠાં થતાં હજી બે દહાડા લાગવાના. પાર્ટીનું ઍન્કરિંગ તે નહીં કરી શકે. ઘરે મમ્મી જાણ કરી દીધેલી. જોકે પૂરું સત્ય તો ક્યાં કહેવાયું જ છે!

- અત્યારે પણ આરવે નિ:શ્વાસ નાખ્યો.

મૌનવીને હૉસ્પિટલાઇઝ કર્યાના આ ૪૮ કલાકમાં પોતે ક્ષણ માટે પણ એક પ્રfનમાંથી મુક્તિ નહીં મેળવી હોય તો એ છે : હવે શું?

મૌનવી - કે બીજું કોઈ પણ - દીવાન કુટુંબના નબીરા પર આંગળી ઉઠાવી ન શકે એ માટે ઘટતું કરવું સાવ શક્ય છે, સરળ પણ છે - તો પછી મને કયાં તkવો રોકી રહ્યાં છે?

પ્યાર? કદાચ હા. મૌનવી પ્રત્યે ચાહત જાગ્યાનું સમજાણું, હું તેના હૈયાનો તાગ પામવા અધીરો બન્યો... તેનું અંતર ભલે જુદી રીતે ઊઘડ્યું, પણ એમાં હું માત્ર ધિક્કારરૂપે છું એ તો સત્યને. અને છતાં હું તેને ચાહવાનું ત્યજી નથી શકતો એ કેવી પરવશતા!

ગિલ્ટ? કદાચ હા. મેં જ્યારે કાવતરું ઘડ્યું ત્યારે આનંદની ફૅમિલી હિસ્ટરીથી, મધરની બીમારીથી સાવ અજાણ હતો હું. જાણતો હોત તો ચોક્કસપણે આવી સ્ટુપિડિટી ન કરત... આનંદની આત્મહત્યાના મૂળમાં ક્યાંક હું છું એ ડંખ મને ચેનથી સૂવા નહીં દે...

વિચારો જ વિચારો. આરવ આંખો મીંચી ગયો. ખૂલી ત્યારે દ્વિધા નહોતી.

€ € €

‘સર, સમય ઓછો છે.’ આરવે દિવાકરભાઈને કૉરિડોરમાં લઈ જઈને ઉતાવળ દર્શાવી, ‘થોડા સમયમાં પાર્ટી શરૂ થવાની... મને નાટકવાળી પેન ડ્રાઇવ આપો.’

‘પેન ડ્રાઇવ!’ દિવાકરભાઈ આરવને પળ પૂરતા તાકી રહ્યા. ના, આરવ બાબત હવે સંદેહ નથી. વીત્યા કલાકોમાં મૌનવી માટેની તેની કન્સર્ન અનુભવી છે. આનંદ સાથે તેણે બેશક ખોટું કર્યું; પણ તેના સંજોગની અજાણતાંમાં કર્યું, પરિણામની ગંભીરતાના અંદાજ વિના કર્યું... બધું જાણ્યા પછી આરવ પેન ડ્રાઇવનો નાશ કરવા જેવો મતલબ રાખી પણ ન શકે.

‘તારે શું કરવું છે પેન ડ્રાઇવનું?’ ડિવાઇસ ધરતાં તેમણે પૂછ્યું.

‘એની જાણ પણ તમને થોડી વારમાં થઈ જશે... ડૅડીના બર્થ-ડે ફંક્શનનું લાઇવ ટેલિકાસ્ટ તમે જોઈ શકો એવી વ્યવસ્થા ગોઠવીને જાઉં છું.’

€ € €

‘હું આનંદને ન્યાય ન અપાવી શકી.’

મૌનવીને એક જ વસવસો હતો. ખરા વખતે બિલાડીની જેમ આડી ઊતરીને સિસિલ્યાએ બાજી પલટાવી દીધી. સિસિલ્યાએ આ બધું કરવાની જરૂર જ નહોતી. હું ક્યાં આરવને ચાહતી હતી કે તેણે મને દૂર કરવા મારા પર જ પલટવાર કરવો પડે!

‘તું જાતને શોષવ નહીં મૌનવી.

જે તું કરવાની હતી એ બીજું કોઈ કરવાનું છે.’

દિવાકરે રૂમમાં પ્રવેશતાં કહ્યું ત્યારે મૌનવી જ નહીં, ગોદાવરીબહેન પણ તેમને તાકી રહ્યાં.

€ € €

‘કહેવું પડે દીવાનના દીકરાનું! પિતાના જન્મદિનની આવી ભવ્ય ઉજવણી જોઈ નથી. ’

કોલાબાના પાર્ટી-પ્લૉટમાં પ્રસંગની રોનક જામી છે. રંગબેરંગી રોશનીના ઝળહળાટમાં મહાલતા મહેમાનો એકઅવાજે આરવની યજમાનગીરીને વખાણે છે એ જોઈને મરૂન ગાઉનમાં શોભતી સિસિલ્યા વધુ હરખાય છે. આખરે હું ન હોત તો ફંક્શન ભેગી આબરૂનો ફિયાસ્કો થઈ ગયો હોત એની સમજ આરવમાં ખરી જ અને રિવૉર્ડ દેવામાં આરવ ચૂકે એમ નથી!

‘લેડીઝ ઍન્ડ જેન્ટલમેન...’

છેવટે કેકકટિંગ પછી મેદાનની મધ્યમાં શણગારાયેલા વિશાળ રિવૉલ્વિંગ સ્ટેજ પરથી આરવે માઇક હાથમાં લઈને શરૂઆત માંડી, ‘અમારા પ્રોગ્રામનું ઍન્કરિંગ મારા શોની હોસ્ટ મૌનવી કરવાની હતી, પણ નાદુરસ્ત તબિયતને કારણે તે હાજર રહી શકી નથી એટલે તેની જવાબદારી હું નિભાવીશ. બાકીનો પ્રોગ્રામ એ જ રીતે થશે જે રીતે મૌનવી ઇચ્છતી હતી.’

એકમાત્ર સિસિલ્યાએ ચમક અનુભવી : આરવ આ શું બોલી ગયો!

(હૉસ્પિટલની રૂમના ટીવી પર મોબાઇલ દ્વારા ફંક્શનનું લાઇવ નિહાળતાં મૌનવી, દિવાકરભાઈ અને ગોદાવરીબહેન પણ અવાક બન્યાં.)

‘મૌનવી સાથે મેં ડૅડીની જીવનઝરમરની ફિલ્મ બતાવવાનું પ્લાન કરેલું, બટ હર પ્લાન વૉઝ ડિફરન્ટ. તેણે આપણને સૌને આ મૂવી દેખાડવી હતી. ખરેખર તો આ શૂટ થયેલો ડ્રામા છે.’

આરવે બીજા હાથે રિમોટની ચાંપ દબાવી ને ચારે બાજુ વિશાળ LED સ્ક્રિન ઝળહળી ઊઠી.

ધીરે-ધીરે અનાથાશ્રમનું પ્રવેશદ્વાર ઊપસ્યું.

€ € €

જોનારા સૌ કથાપ્રવાહમાં તણાતા ગયા.

અનાથાશ્રમમાં રહેતાં મા-દીકરો, સામે રહેતી દીદી, દીકરાનું રસોઈના રાજા બનવાનું સમણું, કૅન્સરગ્રસ્ત માના અન્નક્ષેત્રના આર્શીવાદ. કુકિંગસ્પર્ધા, જેમાં છોકરાની તબિયતનું બગડવું, સમણું રોળાયું, માની વિદાય,

દીકરાનો આપઘાત....

નાનાં છતાં ચોટદાર દૃશ્યોથી ઓપતા નાટકમાં કોઈ પ્રભાવશાળી કલાકારો નહોતા છતાં આનાથાશ્રમનાં બાળકોએ કરેલી ભજવણી એવી અપીલ કરી ગઈ કે છોકરાના આત્મહત્યાના દૃશ્યે બે-ત્રણ મહિલા તો રડી પડી.

‘સ્ટોરી ડઝન્ટ એન્ડ હિયર...’ પડદે મૌનવી દેખાઈ, ‘નાટકના હીરોની વિદાયથી તેની દીદી ઉદાસ રહેવા લાગી. સ્વજનોના પાછા થવાથી તેમની માયા નથી છૂટતી. તેમના ગયા બાદ ફોટોનું આલબમ કે એવી કોઈ યાદગીરી સમયાંતરે કેમ નિહાળતા રહીએ છીએ? જેથી એ પળો ફરીથી જીવાતી લાગે ને દર વખતે એમાં કંઈક નાવીન્ય હોય - અને ક્યારેક પુરાવા પણ...’ મૌનવીનું સ્મિત દમદાર બન્યું, ‘કંઈક આ જ રીતે દીદી પણ આનંદની યાદો સમેટતી. એમાં શો દરમ્યાન તેને ગિફ્ટ થયેલો મોબાઇલ તરાસતાં જાણવા મળ્યું કે આનંદની તબિયત બગડી નહોતી, બગાડવામાં આવી હતી...’ તેણે આંગળી ચીંધી, ‘અને એ પાપ આચરનાર બીજું કોઈ નહીં સ્પર્ધાના વિજેતા આરવ દીવાન ખુદ હતા!’

આ ડાયલૉગ સાથે ફિલ્મ પૂરી થતાં રસપ્રદ નવલકથા અધવચાળ પૂરી થઈ જાય એવો આંચકો પ્રેક્ષકગણે અનુભવ્યો. નાટકમાં આરવ ક્યાંથી એ ન સમજાયું. આ ફિક્શન હતું કે હકીકત?

‘જે કંઈ અહીં દર્શાવાયું એ હકીકત હતી. આનંદને માંદા પાડવાનું કૃત્ય મારા હાથે થયાનો એકરાર કરીને હું ઘટતી સજા માગું છું.’

ગણગણાટ પ્રસરી ગયો.

વિશ્વનાથ-સુરભિદેવી સહેમી ઊઠ્યાં. સિસિલ્યા બઘવાઈ : આરવને થયું છે શું?

‘એક સજા આ રહી...’ લીંબુપાણીનો ગ્લાસ ઊંચકીને આરવે દેખાડ્યું. ‘આમાં પણ એ જ દવા છે.’

કોઈ રોકેટોકે એ પહેલાં તો તેણે પાણી પી લીધું.

‘અલબત્ત, મને જાણ નહોતી કે આનંદના સેલફોનમાં વિડિયો શૂટ થઈ રહ્યો છે! નહીંતર એ સબૂત પણ મેં રાખ્યું ન હોત.’ આરવ કહેતો રહ્યો, ‘સાથે એ પણ સાચું કે મને આનંદના સંજોગોની જાણ હોત તો મેં આમાંનું કંઈ જ કર્યું ન હોત. આજે જાણ્યા પછી તાજ બોજરૂપ લાગે છે મને. ટાઇટલ, પ્રાઇઝમની હું પરત કરું છું. કાયદાની હાથકડી માટે મારા હાથ લંબાઉ છું.’

માતા-પિતા માટે અત્યંત કસોટીપૂર્ણ ઘડી હતી એ. અને વિશ્વંભરનાથ ઊભા થયા, ‘ધૅટ્સ લાઇક અ દીવાન. જાહેરમાં ખુલ્લેઆમ કબૂલાત માટે જિગર જોઈએ, પસ્તાવો પણ જોઈએ.’

‘મને તો મહોબત પણ છે.’ આરવે ઉમેર્યું, ‘મૌનવી.’

આરવે આટલું કહેતાં સિસિલ્યા જાણે ધરતી પર પટકાઈ.

‘સત્યના સાથથી ખાનદાનનું નામ ડૂબે નહીં, વધુ ઊજળું થાય અને તેં આજે એ કરી દેખાડ્યું. ભૂતકાળની એક ઘટનાના તાણાવાણા તને-મૌનવીને એક કરે એ જ પ્રાર્થના.’

આરવના ડૅડ આ શું બોલી ગયા? આ શું મૌનવી-મૌનવી! હદ હોય યાર. સિસિલ્યાનો પિત્તો ગયો.

‘શ્રીમાન આરવ શાહ.’ ઊંચા અવાજે બોલીને તેણે બધાનું ધ્યાન ખેંચ્યું.

‘તમને છેહ દેનારી મૌનવીનાં આટલાં ગુણગાન અને તમારી આબરૂ બચાવનારીને ઠેંગો?’

‘તારો આભાર સિસિલ્યા.’ આરવે સ્વસ્થપણે કહ્યું, ‘પણ તેં મારી આબરૂ બચાવી તારા સ્વાર્થ ખાતર. તારે મૌનવીનો એકડો કાઢવો હતો, મને ઑબ્લાઇઝ કરવો હતો. આમાં મને પ્યાર ક્યાંય ન દેખાણો. પ્યાર હોત તો તેં મને ગુનાનો એકરાર કરી લેવા સમજાવ્યું હોત. અસત્યને છાવરનારી પ્રિયતમા હોઈ ન શકે એ તારે મૌનવી પાસેથી સમજવાનું છે.’

સિસિલ્યાને કાપો તો લોહી ન નીકળે. આરવના કથનની સચ્ચાઈએ મૂંડી નીચી કરીને નીકળી જવું પડ્યું તેણે. બીજું શું થઈ શકે?

€ € €

‘બોલ મૌનવી, હવે કંઈ કહેવું છે?’ ટીવી બંધ કરીને દિવાકરભાઈએ પૂછ્યું.

મૌનવીની બુદ્ધિ પણ બહેર મારી ગઈ હતી. આરવ આ શું કરી-કહી ગયા? આનંદને ન્યાય અપાવવા દીકરીએ માંડેલા યજ્ઞમાં માતા-પિતાની આસ્થા હતી, આરવને નનામો ફોન માએ જ કરેલો. હવે એ થઈ ગયું ત્યારે જે રીતે બન્યું એ જોતાં આરવ માટેનો પૂર્વગ્રહ પણ ઓગળવો જોઈએ, ધિક્કારનું આવરણ છૂટવું જોઈએ. એ સરળ નથી, પરંતુ અશક્ય પણ નથી.

‘આરવ તેની લાગણી વ્યક્ત કરી ચૂક્યો મૌનવી, તારું શું?’

વરસ પછી મૌનવીએ કહ્યું : હું તૈયાર છું!

કંઈકેટલું બની ગયું આ એક વરસમાં.

અન્યત્ર સેટલ થઈ ગયેલી સિસિલ્યા પોતાની વૅલ્યુઝ નહીં બદલે ત્યાં સુધી સાચું સુખ પામવું મુશ્કેલ છે, પછી તો જેવું જેનું નસીબ.

આરવે ટ્રોફી અને ઇનામની રકમ પરત કરતાં શો વિવાદમાં સપડાયો હતો... દવા લઈને હૉસ્પિટલમાં દાખલ થયેલા આરવને સાજા થયા પછી ઘટતી સજા પણ થઈ, મહત્વ એનુંય નહોતું.

આશ્રમની બાજુની જમીન લેવાઈ અને ત્યાં અન્નક્ષેત્રના પાયા નખાયા. ‘આનંદ અન્નક્ષેત્ર’. એ ઇમારત વરસમાં તો ધમધમતી થઈ છે. જાણે પોતાનું જ સમણું હોય એવી નજાકત ને એ જ લગનથી આરવે બધું છોડીને આ એકમાત્ર પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું હતું. આમાં માત્ર મૌનવીને પામવાની જ ખેવના નહોતી, મા-આનંદને શ્રદ્ધાંજલિ અર્પવાની વિશુદ્ધ ભાવના હતી. તો જ મૌનવીના અંતરમાં પડઘો પડ્યો. આરવની ગરવાઈમાં રહેલી એંટ તણાઈ ચૂકી છે એટલે તો તે વધુ આકર્ષક લાગે છે.

મૌનવીના હકારે આરવે ધરપત અનુભવી. લાગ્યું કે જાણે પોતાનો પસ્તાવો કબૂલ રાખીને આનંદે જ તેની દીદીનું મન પલટાવીને મને ગિફ્ટ આપી હોય! થૅન્ક યુ આનંદ.

નવી શરૂઆતની તેમને શુભેચ્છાઓ.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK