કથા-સપ્તાહ - ઘટના (જીવનજ્યોત - 4)

‘મારા પર બે વાર બળાત્કાર થયો!’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


નેહાલી (સુરીલી)એ નિ:શ્વાસ નાખ્યો, ‘કાશ, આજે લાગેલી ચોટમાં મારી સ્મૃતિ સદા માટે ભ્રંશ થઈ ગઈ હોત તો હું વેશ્યા છું એ પણ મને યાદ ન રહ્યું હોત.’

નેહાલીનો આઘાત દેખીતો હતો. યાદદાસ્તના જે ટુકડાને પામવા પોતે વલખતી રહેલી એ કરમબેલેમાં પગ મૂકતાં અનાયાસ ઊઘડતો ગયો એ ઘટના ચમત્કારથી કમ નહોતી, પરંતુ એ ટુકડાની વીતકે તો હૈયાભાર વધારી મૂકવા જેવું કર્યું. સમાગમમા ૫ીડતા ઘંટારવ, ટ્રેનની વ્હિસલ, નહીં પ્રગટેલી ચીસ ૫હેલા બળાત્કારની દેન હતી!

હવેલીના ત્રીજા માળે અખંડાનંદને ભાળીને પોતે ચીસાચીસ કરી મૂકતાં તેણે મારેલા ધક્કાએ માથું દીવાલમાં અફળાયું, પોતે બેહોશ થઈ...

રામાનંદે લૉબીમાં દોડી નીચે સભાગૃહમાં સાદ નાખ્યો : જલદી કોઈ ડૉક્ટરને મોકલો. અહીં એક સ્ત્રી બેહોશ બની છે!

ફટાફટ સંદેશો બહાર પહોંચ્યો. ‘હું ડૉક્ટર છું.’ અંતર તરત જ આગળ આવ્યો હતો, ‘ક્યાં છે પેશન્ટ?’

સેવક અંતરને ત્રીજા માળે દોરી જતો હતો ત્યારે ગર્ભગૃહની સજાવટના નિરીક્ષણનું કામ પડતું મૂકીને નિત્ય પણ પાછળ આવ્યો. ચાચી સિવાય ઘરે બીજી કોઈ ઔરત હોવાનો સંભવ નથી, કોઈ મહેમાન આવ્યાનું મારી જાણમાં નથી... કઈ ઔરત બેભાન થઈ એ જાણવું તો જોઈએ!

ના, તેની સારવા૨માં આવેલો અંતર તેને તત્કાળ ઓળખી નહોતો શક્યો... એ તો અંતરની પાછળ આવેલો નિત્ય મૂર્છિત યુવતીને જોઈને અસાવધતામાં ‘નેહાલી!’ બોલી પડ્યો એ બીજા કોઈએ કદાચ ન સાંભળ્યું પણ અંતરના કાન ચમક્યા. તેણે ધારીને જોયું. ચહેરામાં પરિચિતપણાનો અહેસાસ જાગતાં કૉલ કરીને માને તેડાવી લીધી ને માયાબહેન તો જોતાંવેંત ‘મારી નેહાલી!’ કહીને પલંગની ધારે બેસી પડ્યાં.

‘નેહાલીની બેહોશી ચિંતાજનક નથી,

બે-એક કલાકમાં હોશ આવી જશે.’ નિદાન કરીને અંતરે ઉમેર્યું હતું, ‘નેહાલી અમારા સગામાં જ છે. સો વી વિલ ટેક કૅર ઑફ હર...’

આમાં કોઈને વાંધો લેવા જેવું ન લાગ્યું. કેવળ નિત્યે હડપચી પસવારેલી. તેને ગૂંચવણ હતી. નેહાલી તન વેચે છે એની તેનાં સગાંઓને જાણ હશે ખરી? તેનું અહીં આવવું, આમ બેધ્યાન થવું મને શંકાસ્પદ કેમ લાગે છે! તે મને ઓળખી ગઈ તો...

‘એક કામ કરો. ટ્રસ્ટીસાહેબની કાર છે એમાં તેમને લઈ જાઓ.’ તત્કાળ તો મદદરૂપ થઈને તેણે અંતરની ગુડબુકમાં રહેવાનો ફેંસલો લીધો. આગે દેખા જાએગા!

- અને હું મારા ઘરે આવી. નેહાલીએ નજર ફેરવી : આજે એની એક-એક રેખા પરિચિત લાગે છે, જાણે હું ક્યારેક કશું ભૂલી જ નહોતી!

અંદરની રૂમના ઢોળિયા પર પોતે આંખો ખોલી ત્યારે અંતર-માયાબહેન ઉપરાંત પોતાના પેરન્ટ્સને ઝળૂંબતાં ભાળીને આંચકાભેર બેઠી થઈ ગયેલી નેહાલી.

‘જો, મેં તારા માટે હળદરવાળું દૂધ બનાવ્યું છે. પી લે દીકરી.’ વહાલથી ગ્લાસ ધરતી માને વળગીને રડી લેવું હતું, પણ મન મારીને તે પાધરકી ઊભી થયેલી. ‘નહીં, મને અહીંથી જવા દો.’

‘ક્યાં જવું છે તારે નેહાલી?’ માયાબહેન આગળ આવ્યાં. ‘તારું આ ઘર છોડી?’

‘મારું ઘર?’ નેહાલીએ અજાણવટ દાખવી, પણ માયાબહેનના ધડાકાએ જયંતભાઈ-વંદનાબહેન ખળભળી ઊઠ્યાં હતાં. એ ઘડી સુધી તેમને જાણ નહોતી કે મંદિરે દર્શન છોડીને જે યુવતીને મોટરમાં અહીં લાવ્યા એ તેમની વિખૂટી પડેલી દીકરી સુરીલી છે!

‘સોળની ઉંમરે તે આશ્રમ છોડ્યો એ કંઈ એવી વય ન કહેવાય કે તને મારી સુરત યાદ ન રહે, હું માયાબહેન હોવાનું તું જાણતી ન હો.’

તેમના સ્વરની ધારે નેહાલીની ગરદન ઝૂકી ગઈ. ત્યાં ભીતર ચાબુક વાગ્યો. નમતું મૂકીશ તો તારાં માબાપને જ આઘાત આપવામાં નિમિત્ત બનીશ. તું વેશ્યા કોઈની દીકરી કહેવડાવાને લાયક નથી રહી!

‘તમે શું કહો છો મને સમજાતું નથી. એમ તમારી અધ્ધરતાલ વાતોમાં મારે મારો અમૂલ્ય સમય વેડફવો નથી.’ કોઈના પણ તરફ નજર રાખ્યા વિના આમ કહી તે બેડ પરથી ઊભી થવા ગઈ કે...

‘વંદનાબહેન, જયંતભાઈ; વરસો પછી તમારી સુરીલી તમારા આંગણે આવી છે. તેને જવા દેશો?’

ખલાસ! પોતે સુરીલી હોવાનું જાણીને મા-બાપ ભાવવિભોર બન્યાં. પછી પોતાના માટે પણ અલિપ્ત રહેવું શક્ય ન બન્યું... હળી-રડી મન હળવું થયું, અંતરને તેણે ડૉક્ટર બનવાનાં અભિનંદન આપ્યાં. માયાબહેનને ગળે મળતાં કહ્યું : તમે બહુ ક્રૂર છો.

‘ખરી ક્રૂર તો હું હવે થવાની.’ તેમણે શ્વાસ ઘૂંટ્યો, ‘તારા પેરન્ટ્સને મેં આજ સુધી કહ્યું નથી કે આઠ વરસે અહીંથી ગુમ થયેલી બાળકીને મેં બીજાં આઠ વરસ સુધી સાચવી હતી...’

હે. જયંતભાઈ- વંદનાબહેન હેબતાયેલાં.

નેહાલીવાળા બનાવ પછી માયાબહેનનું મન આશ્રમમાંથી ઊઠી ગયું. નેહાલી સાથે જે બન્યું એમાં તેઓ પોતાની નૈતિક જવાબદારી સમજતાં હતાં. અંતર પણ પુણેની મેડિકલ કૉલેજમાં ભણવા ગયો. મનોહરભાઈના નિધન પછી તેમણે મુંબઈમાં પથારો સમેટી લીધો.

‘અમે મારા વલસાડના પિયર નજીકના વાપીમાં શિફ્ટ થયાં. અંતરે ત્યાં જ પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી છે. હજી ગયા વરસે તારા પિતાને લોહીમાં હીમોગ્લોબિન ઓછું થવાની તકલીફ થતાં તેઓ ઇલાજ માટે મોટી હૉસ્પિટલમાં આવ્યા ત્યાં અંતરનો ભેટો થયો...’

આદર્શ ડૉક્ટરની જેમ અંતર સેવામાં મચ્યો રહેતો. દરદીનો આત્મીય બનતાં વાર ન લાગતી. જયંતભાઈનો કેસ તેના હસ્તક નહોતો તોય રૂટીન રાઉન્ડ પર નીકળે ત્યારે ખબરઅંતર પૂછતો જાય. બીજા ડૉક્ટરની ટ્રીટમેન્ટમાં માથું મારવાથી દૂર રહે, પણ તેની પૃચ્છાય રાહતરૂપ લાગે. વંદનાબહેનને કહેતોય ખરો : ચિંતા ન કરો, આ ગઢ એમ પડે એમ નથી!

‘તે તો આટલાય ઢીલા પડ્યા મારી સુરીના ગુમ થવાથી...’ એક દહાડો વંદનાબહેને વાત ઉખેળી. સુરીલીનો ફોટો દેખાડ્યો કે અંતર ચોંક્યો. આ તો નેહાલી!

‘અંતરે ઘરે આવીને મને વાત કરી. તારી ખૈરખબર નહોતી એટલે તેમને કહેવાય એવું નહોતું એમ તેમની સારસંભાળ રાખી શકાય એ માટે સંબંધની ધરી વિકસાવી. અને હવે તારું આગમન.’

‘તમે મારી સુરીને જાણતાં હતાં, તેને જાળવી...’ વંદનાબહેન ગળગળાં બન્યાં, ‘ પણ તે આશ્રમમાંથી ગઈ જ શું કામ?’

ત્યારે નેહાલીની ગરદન ઝૂકી ગઈ. માયાબહેને તેનો હાથ પકડ્યો, દબાણ આપીને હામ રાખવા સૂચવ્યું.

‘નેહાલીએ આશ્રમ છોડવો પડ્યો કેમ કે...’ માયાબહેને મક્કમ થઈને બૉમ્બ ફોડ્યો, ‘હું તેની આબરૂ સાચવી ન શકી. આશ્રમના ગુરખાએ તેના પર બળાત્કાર...’

ઓ મા. જયંતભાઈ-વંદનાબહેન હચમચી ઊઠ્યાં.

‘એ ૫હેલો બળાત્કાર નહોતો...’

હેં! માબાપ ભેગી નેહાલી પણ ચોંકી. અહીંની હવેલીના બળાત્કારની ઘટના વિશે માયાબહેન ક્યાંથી જાણે?

‘શરૂથી જાણતી હતી નેહાલી... રેલવે-ઑફિસર ભારદ્વાજ તને આશ્રમે મૂકી ગયા ત્યારે તારા મેડિકલ રિપોર્ટની ફાઇલ પણ મને આપતા ગયેલા. રેલવે-ટ્રૅક ૫૨ ફેંકાતાં માથાની ઈજાને કારણે તને સ્મૃતિભ્રંશ થયો હોઈ શકે એની નોંધ સાથે ફેંકતાં પહેલાં તારા પર બળાત્કાર થયાનું પણ એમાં લખાયું હતું નેહાલી. એની મનોહર-મને જાણ હતી. પાછળથી અંતરને પણ મેં કહ્યું.’

નેહાલી સ્તબ્ધ. માયાબહેન બધું જાણવા છતાં મારી સમક્ષ ડોળ કરતાં રહેલાં, જાણે મને બચાવનાર ઑફિસરનું નામ પણ ભૂલી ગયાં હોય! મારી તેમને કેટલી કાળજી.

‘રેલવે-ટ્રૅક... બળાત્કાર... સ્મૃતિભ્રંશ...’ જયંતભાઈ ઊકળી ઊઠ્યા, ‘મારી આઠ વરસની બચ્ચીએ આટલું કંઈ વેઠ્યું! અરેરેરે. વરસાદની એ રાત્રે તને ખોળવા અમે આખું ગામ ખોળી વળેલા. પોલીસમાં પણ ફરિયાદ કરી.’

‘હવેલીએ ગયેલા?’ સપાટ સ્વરે નેહાલીએ પૂછતાં બાકીના હેબતાયા.

‘હ...વે...લી...’ જયંતભાઈ થોથવાયા,’ ત્યાં તો પહેલાં તપાસ કરાવી. મુખિયાજીએ કહ્યું કે આજે સંધ્યાઆરતીમાં ચકલું ન ફરક્યું. તમારી દીકરી ક્યાં આવે? તે બિચારાય તારી ચિંતામાં...’

‘તમે એ રાક્ષસની દયા ખાઓ છો પપ્પા? એ પાખંડીનો વિશ્વાસ કરવાને બદલે તમે ઉપર આવીને તલાશ કરી હોત તો ત્યારે કદાચ હું તેને ત્યાં બેભાન મળત!’

હેં. મ...ત...લ....બ...

‘હા, વહેશી અખંડાનંદે મારું શિયળ લૂંટ્યું... તેણે જ મને રેલવેલાઇન પર પટકી હોય, ત્યારે તો હું બેહોશ.’ નેહાલીએ ઊંડો શ્વાસ લીધો, ‘પણ આજે ઘટનાસ્થળે આવતાં સ્મૃતિના પડદા આપોઆપ ખૂલી ગયા.’ તે કહેતી રહી.

‘ઓ રે.’ માએ દીકરીને હૈયાની હૂંફ આપી, ‘તેં તો ઘણું વેઠ્યું...’

‘બે બળાત્કાર તો કંઈ નથી મા... અનેક વરુઓએ તારી બેટીનું બદન નોચ્યું છે. હું વેશ્યા તારી દીકરી કહેવડાવવાને લાયક નથી રહી.’

વે...શ્યા. વંદનાબહેન હબકી ગયાં, જયંતભાઈની ગરદન ઝૂકી ગઈ. માયાબહેન-અંતરની નજરો મળી, છૂટી પડી.

‘મને મારો, ફિટકારો...’ નેહાલીનો સંઘરાઈ રહેલો વિલાપ છલકાયો, ‘મેં ખાનદાનનું નામ બોળ્યું, તમારા હેતને અભડાવ્યું.’

અને ખળખળાટ રડતી નેહાલીની થરથરતી પીઠે માનો હાથ પડ્યો, ‘રડી લે દીકરી, માના ખોળામાં માથું મૂકીને તારી સઘળી વેદના વહાવી દે...’

‘પિતાનો ખભો પણ હાજર છે હોં. માળામાંથી ગુમ થયેલું પારેવાનું બચ્ચું શિકારીની જાળમાં ફસાઈ જાય, પણ પછી એમાંથી છટકીને માળે પાછું ફરે ત્યારે પારેવડાને કેવળ એના પાછા ફર્યાની ખુશી હોય છે, અમે માબાપ એ પારેવડાથી જુદાં નથી મારી બચ્ચી!’

‘ઓહ, પપ્પા-મમ્મી!’ નેહાલી રડતી રહી.

‘નેહાલી, તારું તન ભલે બોટાયું, તું એ સમયે તદ્દન અજાણ્યા મુખિયાજીનો પ્રાણ બચાવવા દોડી આવી એ જ સૂચવે છે કે તારો આત્મા અભડાયો નથી. આનંદ એનો.’ માયાબહેનના શબ્દો થોડાં વધુ અશ્રુ છલકાવી ગયાં.

‘આમ રડ્યા જ કરીશ સુરી તો હું મારા ડાયલૉગ ક્યારે બોલીશ?’ અંતરની લઢણ થોડું હસાવી ગઈ.

‘ડૉક્ટર થઈ તારા સ્મૃતિદોષનો ઇલાજ કરવાની મને હોંશ હતી, એણે જ મને ડૉક્ટર બનવા પ્રેયોર્. જાણે છે, ડૉક્ટર બન્યા પછી મને એક આશ અચૂક રહેતી કે અચાનક મારી કૅબિનનો દરવાજો ખોલીને તું પ્રગટશે : તું ડૉક્ટર થઈ જ ગયો હોય તો મારી યાદદાસ્તનો ટુકડો પાછો આણી દે!’

એ કલ્પના નેહાલીને મલકાવી ગઈ.

‘કહેવાનો આશય એ જ નેહાલી કે તારા ઇન્તેજારમાં રમમાણ રહીને હું તને ચાહતો થઈ ગયો... ગુરખાના રેપકેસ પછી માએ પહેલી વારના બળાત્કારની ઘટના કહી તોય મને કદી તારા પ્રત્યે સૂગ યા ચીડ ન થઈ. તારો એમાં દોષ નહોતો, એમ તું વેશ્યા બની એ પણ તારી ગલતી નથી; સંજોગોનું નિર્માણ છે માત્ર.’

તેના શબ્દો હૃદયમાં પડેલી ફાટ જાણે સાંધતા ગયા.

‘તું ન મળી હોત તો આજીવન કુંવારો રહ્યો હોત એવું તો નહીં કહું, પણ મારા હૈયામાં તારું વિશિષ્ટ સ્થાન ત્યારે પણ રહ્યું હોત...’ અંતર નજકીદ આવ્યો, ‘તારા વેશ્યા હોવાથી તું હૈયેથી પદભ્રષ્ટ નહીં થાય.’

‘ધન્ય દીકરા...’ માયાબહેનને શબ્દોએ માને લાપસી રાંધવા પ્રેરી... ખુશીના માહોલમાં કોઈએ મારું વેશ્યાપણું વર્તાવા ન દીધું. એને જ ફૅમિલી કહેતા હશેને? જોકે એથી ભીતરનો દ્વંદ્વ શમવાનો નહોતો... રાત્રે વડીલો સૂતા પછી અત્યારે તે આંગણે ઢોળિયો ઢાળીને સૂતા અંતર પાસે આવીને નિસાસો નાખે છે : કાશ, આજે લાગેલી ચોટમાં મારી સ્મૃતિ સદા માટે ભ્રંશ થઈ હોત...

‘જાણું છું નેહાલી, આટલી ખુશી સહેવી પણ સરળ નથી; પણ માવતરના હેતમાં શંકા ન કરીશ, મારા પ્રેમમાં દયા ન જોઈશ.’

પ્રેમ! નેહાલીએ શ્વાસ ઘૂંટ્યો : તમે મને ચાહી, અંતર હું ધન્ય થઈ; પરંતુ એથી વેશ્યા તરીકેનો મારો જીવનકાળ નથી ભૂંસાવાનો... એના કરતાં મને ભ્રષ્ટ કરનાર શયતાન મુખિયાજીની હત્યા કરીને ફાંસીએ ચડી જાઉં તો!

નેહાલીને વિકલ્પ જચતો ગયો. અંતરે ભલે નિત્યના કાવતરા બાબત મને નચિંત ૨હેવા જણાવ્યું, નિત્યે ઠેરવેલા અગિયારસના હુમલામાં હજી તો અઠવાડિયાની વાર છે. એ પહેલાં હું મારો બદલો લઈ જાતને પોલીસમાં સોંપી ફાંસી ચડી જાઉં એ જ સૌના હિતમાં છે! પણ આવું અંતરને કે કોઈને પણ શું કામ કહેવું?

€ € €

બીજા ચાર દિવસમાં ગામમાં જ નહીં, આજુબાજુના પંથકમાંય વાત પ્રસરી ગઈ કે ગામના પોસ્ટમાસ્તરની ગુમ થયેલી દીકરી પાછી આવી! હજી બળાત્કાર કે દેહવિક્રયની વાતો જાહેર નથી થઈ એટલે પણ ભક્તજનો આમાં હવેલીના સતનો ચમત્કાર જોતા. બે દિવસ નેહાલી ઘરે ભરાઈ રહી તો આડોશ-પાડોશમાંથી એટલી તાકઝાક થતી કે કંટાળીને માબાપને લઈને મંદિરે જવા નીકળી તો લોકો તેને ઘેરી વળતા, ભાતભાતના સવાલો પૂછતા. જોડે માયાબહેન અને અંતરને ભાળી એકાદ એવુંય બોલી ગયું કે દીકરીનું પગલું તો જુઓ, ભેળા જમાઈને પણ લેતી આવી!

નેહાલી ઉપરથી લજાતી, અંદરથી શોષવાતી. બધાએ અંતરને મારી સાથે કેમ બાંધવો છે! આટલો હોનહાર યુવાન વેશ્યાનો હાથ શું કામ પકડે? નહીં, નહીં... મારે તો બસ મોકો જોઈ અખંડાનંદને જીવલેણ ઘા આપવો છે! નેહાલી સમજતી હતી કે પોતે સુરીલી હોવાનું સત્ય નિત્ય અને મહારાજ સમક્ષ પહોંચી જ ચૂક્યું હોય... નિત્ય અલબત્ત મારી વિદાય પછી અહીં આવ્યો, નહીંતર કદાચ તેને નેહાલીમાં સુરીલીનો અણસાર આવ્યો પણ હોત... મહારાજને મારવા પાછળ તેની જે ગણતરી હોય એ, એ શુભ કામ થવાનું તો મારા જ હાથે...

ઑલ આઇ નીડ ઇઝ પ્લાન! નેહાલી વિચા૨માં ૨હી અને...

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK