કથા-સપ્તાહ - ઘટના (તાણાવાણા : 3)

અભિજિત અપાર્ટમેન્ટ, થર્ડ ફ્લોર, ફ્લૅટ-નંબર ૩૦૧.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


મૌનવીનો નંબર જ નહીં, તેનો પૂરો બાયોડેટા સિસિલ્યાએ HR ફાઇલમાંથી કંઠસ્થ કરી રાખ્યો હતો. આખરે તેના વિશે બધું જાણી રાખવું જોઈએ!

માબાપ ગુમાવી ચૂકેલી મૌનવી ભાડેથી વરલી જેવા વિસ્તારના શાનદાર અપાર્ટમેન્ટમાં રહેતી હોય, એટલી તેની આર્થિક સંપન્નતા તો ખરી. વળી તેનું પૅકેજ મારાથીયે ક્યાંય વધુ ચડિયાતું હતું. કામ પાછું મહિનામાં આઠથી દસ દિવસ જ કરવાનું!

ઈર્ષાને સળગતી રાખીને તેણે ડોરબેલ રણકાવ્યો.

મૌનવીને મારે ભડકાવવાની છે... આરવની વેલવિશર તરીકે ચિંતા જતાવીને હું કહી શકું કે સરે આવડું મોટું વર્ષગાંઠનું ફંક્શન માથે લીધું છે ત્યાં બ્લૅકમેઇલર ફૂટી નીકળી... જાણે આરવથી એવું તે કયું

પાપ થયું હશે! પણ જોજે, આ બધું આરવસરને ન કહીશ, નહીંતર મારી નોકરી જતી રહેશે...

આગ ભડકાવવા આટલો પલીતો બહુ થયો. બાદમાં તે આરવને મારું નામ આપવાની થઈ તો આબાદ ફરી જવાનું : મારે મૌનવીને મળવાની, કહેવાની જરૂર શી હોય! શી ઇઝ લાઇંગ. બાય ધ વે, તે કયા પાપની વાત કરે છે સર?

પત્યું. આરવ મૌનવી પર બગડશે. વાત વણસાવવાની હું દરેક કોશિશ કરતી રહીશ તો આરવને મૌનવીથી છૂટા પડતાં વાર નહીં લાગે ને ખાલી સ્થાનમાં હું ગોઠવાઈ જવાની! પ્રણયભંગ થયેલા પુરુષને સધિયારો દેવાના બહાને મારું કૌમાર્ય ધરતાં પણ ખચકાઈશ નહીં હું... ધેન આઇ વિલ બી ધ ઓન્લી ક્વીન ઑફ ધ કિંગ!

આ શેખચલ્લીના હવાઈ તુક્કા નહોતા. સિસિલ્યાની દરેક ગણતરી વજૂદવાળી હતી.

‘તમારે મૌનવીનું કામ છે?’

બે-ત્રણ વાર બેલ રણકાવ્યા છતાં દરવાજો ન ખૂલ્યો એથી થયું કે પાડોશીને પૂછી તો જોઉં. કદાચ આજુબાજુ શાકપાંદડું કે એવું કંઈ લેવા ગઈ હોય તો વેઇટ કરી શકાય...

અહીં એક ફ્લોર પર ચાર ફ્લૅટ હતા. તેણે ગુજરાતી નામ વાંચીને બાજુના ફ્લૅટની બેલ વગાડી. દરવાજો ખોલનાર ગૃહિણીએ આગંતુકને મૌનવીનું કામ હોવાનું જાણીને સરળપણે કહી દીધું, ‘મૌનવી તો હિંમતનગર ગઈ છે, તેના ઘરે.‘

હિંમતનગર! સિસિલ્યાના કપાળે સળ ઊપસી : મૌનવી હિંમતનગરની છે? કદાચ બાયોડેટામાં આનો ઉલ્લેખ નહોતો.

‘બહુ ગુણવાન છોકરી. ટીવીમાં કામ કરે છે, પણ જરાય આછકલાઈ ન મળે. હાથનો જાદુ તો એવો કે જવલ્લે જ કોઈ કુકિંગ-એક્સપર્ટમાં હોય.’

મૌનવીનાં વખાણ ખટક્યાં, પણ સિસિલ્યાએ દેખાવા ન દીધું.

‘હું તો તેની મમ્મીને કહેતી પણ હોઉં છું કે કેવા સંસ્કારોથી તેમણે દીકરીને ઘડી છે!’

મમ્મીને. સિસિલ્યા ચમકી. મૌનવીના પેરન્ટ્સ હયાત નથી, તો પછી...

‘માસી, તરસ લાગી છે.’ તેણે ભોળું સ્મિત ઊપજાવ્યું. ‘જરા પાણી આપશો?’

‘જરૂર...’ સુદક્ષિણાબહેને જાળી ઉઘાડીને સિસિલ્યાને આવકારી અને મૌનવીનો ભેદ પણ ઊઘડી ગયો!

€ € €

ઓ જીઝસ.

અડધા કલાક પછી એપાર્ટમેન્ટના ગેટમાંથી નીકળતી સિસિલ્યા સ્તબ્ધ હતી.

ભોળાં સુદક્ષિણાબહેન પાસેથી તે જાણી ચૂકી હતી કે મૌનવીનાં માબાપ જીવિત છે અને ઉત્તર ગુજરાતના હિંમતનગરમાં પાંચમાં પુછાય એવાં શ્રીમંત છે. ઘરની સામે જ મૌનવીના દાદાજીએ અનાથાશ્રમ બંધાવેલો. મૌનવી ત્યાંનાં બાળકોની ફેવરિટ દીદી હોવાનું તેનાં મમ્મી ગોદાવરીબહેન બહુ ગર્વથી કહેતાં હોય છે...

આમાં કશું છુપાવવા જેવું નહોતું, છતાં મૌનવીએ કાર્યસ્થળે છુપાવ્યું. શું કામ? મૌનવીએ કયા મકસદથી આમ કર્યું હશે? સચ છુપાવીને નોકરીએ જોડાવામાં મૌનવીનો કોઈ હિડન એજન્ડા છે?

જાણવું જોઈએ. તેને ખુલ્લી પાડીને હું આરવની ગુડ બુકમાં અિગ્રમ સ્થાન મેળવી શકું એ મારો ફાયદો જ ગણાય!

ઘર પહોંચતાં સુધીમાં નિર્ણય લેવાઈ ગયો. આરવને ફોન જોડી કહી દીધું : તબિયત ઠીક નથી એટલે બે દિવસ નહીં આવી શકું.

€ € €

‘ઠીક છે.’ રજા માટે આરવ કચકચ ન કરતો. આજે તો વધુ કંઈ પૂછવાની હાલત જ ક્યાં હતી?

તમારું પાપ કબૂલી લો... અજાણી સ્ત્રીનો સ્વર ઘૂમરાય છે. હૈયું ભીંસાય છે, ભૂતકાળની ભૂતાવળ પીછો નથી છોડતી.

‘શેફ ઑફ ઇન્ડિયા’ સ્પર્ધા. છઠ્ઠો રાઉન્ડ. આનંદ શાહ.

કંપી જવાયું.

હરીફાઈના પ્રવેશકાળથી મને ખાતરી હતી કે વિનર હું થવાનો. આરવ દીવાનથી વધુ લાયક કોઈ હોઈ ન શકે એવી પરંપરાગત કૌટુંબિક લાક્ષણિકતા પણ ખરી. ત્રણે જજનો હું ફેવરિટ બની ગયેલો.

‘તારે માત્ર એકથી જ સંભાળવાનું છે આરવ.’ ત્રણમાંથી એક જજે ઑફ ધ રેકૉર્ડ મને કહેલું, ‘આનંદ શાહ. ગામડામાંથી આવતો છોકરો અદ્ભુત છે. માની લે અર્જુન સામે કર્ણ જેવો. રસોઈની ધનુર્વિદ્યામાં કોણ બાજી મારે છે એ

હવે જોઈએ.’

તેજીને આ ટકોર જેવું હતું. હજી આઉટડોર રાઉન્ડ્સ શરૂ થયા નહોતા એટલે સાથે રહેવાનું બન્યું નહોતું. તોય આનંદનો પોટેશ્યલ તો હું ખુદ અનુભવતો. વયમાં મારાથી ત્રણ-ચાર વરસ નાનો. ફુલ આર્ફ જૉય, એનર્જી‍. ભારોભાર પૉઝિટિવિટી હતી છોકરામાં. સેટ પર દરેકને કહી વળતો : આપણે સ્પર્ધકો માત્ર શો પૂરતા; રિયલમાં તો મિત્રો, મા અન્નપૂર્ણાના પરમ ભક્તો!

તેની સરખામણીમાં હું તો ઘણો અતડો રહેતો અથવા કહો કે મારી રસોઈમાં ગુલતાન રહેતો. કઈ ચૅલેન્જ મળે તો કયા વિકલ્પો પ્રાપ્ય છે, વેરિયેશન કઈ રીતે દાખવવું એમાં જ રમમાણ. ટ્રોફી, ટાઇટલ સિવાય મને કશામાં રસ નહોતો. ‘આઇ ઍમ ધ બેસ્ટ.’ પુરવાર કરવાની તક કોઈ હિસાબે મારે ચૂકવી નહોતી.

પણ એક બાજુ જજની ટકોર ને બીજી બાજુ ત્રીજા-ચોથા રાઉન્ડમાં આનંદે મેળવેલી લીડ મને હંફાવી ગઈ. પ્રથમ બે રાઉન્ડ જીત્યા પછી મારો આત્મવિશ્વાસ પ્રબળ બન્યો હતો, ખુદને અનબીટેબલ માની લીધેલો મેં; પણ આનંદે જીતની હૅટ-ટ્રિક ન થવા દીધી. ચોથા રાઉન્ડમાં પણ મને પછાડ્યો. જાણે મારો અfવમેધ રોકવા જ તે આવ્યો હોય!

‘યુ નો આરવભાઈ, તમે મારા મોસ્ટ ફેવરિટ છો.’

તે જીતીને પણ મને શૂટિંગ પત્યા પછી કહેતો એમાં કટાક્ષની ભાવના નહોતી. આનંદનું ખુલ્લું સ્મિત જ કહી આપતું કે આ છોકરો કદી કપટ આચરી ન શકે.

‘રસોઈકળામાં તમે મારી દીદી જેવા છો. એકદમ પર્ફેક્ટ. હું મારી દીદીનો ચેલો છું.’

તેની દીદીમાં મને રસ નહોતો. કોઈ મારા જેવું - આરવ દીવાન જેવું હોઈ જ ન શકે - રાંધણકળામાં તો નહીં જ!

‘તમારી ધગશ, તમારું કામ મને ગમે છે.’ તેના બોલમાં પોકળ પ્રશસ્તિ નહોતી. બીજા સંજોગોમાં આનંદને મેં મારો મિત્ર બનાવ્યો હોત અને અમારી મિત્રતા ચોક્કસપણે જામી હોત; પણ ઉપરાઉપરી બે રાઉન્ડ જીત્યા પછી તે મારા માટે માત્ર પ્રતિસ્પર્ધી રહ્યો, જે રુકાવટનો પથ્થર બની શકે!

તેને દૂર કર્યો‍ હોય તો?

મનના વિચારે હું ધ્રૂજી ઊઠ્યો. જાતને ધમકાવીને વિચારનાગને સમજણના કરંડિયામાં પૂરી દીધો.

પરંતુ પાંચમા રાઉન્ડમાં પણ આનંદ સરસાઈ મેળવી ગયો ને કરંડિયો ખૂલી ગયો, ફૂંફાડા મારતા નાગને વશમાં લેવાનું શક્ય ન બન્યું અને એક પાપનો યોગ મારા હાથે ઘડાઈ ગયો!

આનંદને સ્પર્ધામાંથી બાકાત કરવાનું પાપ.

કુકિંગ કૉમ્પિટિશનમાંથી આનંદને બાકાત કરાવતી રમત આમ જુઓ તો બહુ સાદી હતી...

આનંદને લીંબુપાણી પીવાની ટેવ હતી. પોતાની સાથે તે વૉટર-બૉટલમાં લેમન જૂસ હંમેશાં સાથે રાખતો. બસ, છઠ્ઠા એપિસોડના શૂટ દરમ્યાન મેં તક ઝડપી. આનંદના લેમન વૉટરમાં લૂઝ મોશનની ટૅબ્લેટ ભેળવી દીધી!

સામાન્યપણે એક એપિસોડ શૂટ કરતાં ત્રણ-ચાર દિવસ થઈ જતા. વાનગીની બનાવટ અમારે સળંગપણે પતાવવાની રહેતી, પણ એને લગતા સ્પર્ધકોના વ્યુઝ-રીવ્યુઝ શૂટ કરવામાં સમય લાગતો.

એ દિવસે સ્વીટ ડિશ બનાવવાની હરીફાઈનું શૂટિંગ હતું. શૂટ પહેલાં પ્રૉપર મેકઅપ કરવાથી માંડી કૅમેરાના ઍન્ગલ સુધીની માહિતી શૅર થતી. સ્પૉન્સર્સ કંપનીએ અમને મોબાઇલ આપ્યા હતા. હૅન્ડસેટ અમારે કિચન પ્લૅટફૉર્મ પર રાખવાના રહેતા. એને માટે ચાર્જર સાથે પ્લૅટફૉર્મ પર જમણી તરફ ખાસ સ્ટૅન્ડ બનાવાયેલાં. કૅમેરા કોઈના પણ કિચન પ્લૅટફૉર્મ પર ફરે, મોબાઇલ-સેટ સ્ક્રીનમાં ઝીલવાનો! પબ્લિસિટી માટે શું નથી થતું?

આનંદ તેની લીંબુપાણીની બૉટલ તેના મોબાઇલ-સેટની બાજુમાં મૂકી રાખતો. શૂટના વિરામ દરમ્યાન તે આમતેમ થાય તો પણ બૉટલ તો ત્યાં જ રહે.

આમ તો અમને એકબીજાના કુકિંગ-ટેબલ પર જવાની મનાઈ હતી અને આ એથિકલ બૅન વિના અપવાદ સૌ પાળતા.

પણ એ દિવસે મેં નિયમ તોડ્યો હતો. કોઈ જુએ નહીં એમ લીંબુપાણીની બૉટલ સેરવીના જુલાબની દવાનો હેવી ડોઝ ભેળવી દીધો....

બસ, પછી જે ધાર્યું હતું એ જ બન્યું.

લીંબુંપાણી પીધાની થોડી વારમાં પેટની ગરબડ શરૂ થઈ ગઈ. એનર્જી‍ લેવા તે ફરી લીંબુપાણી પીતો ને હાલત ઑર બગડતી. વાનગી બાજુએ રહી, તેનામાં ઊભા રહેવાની તાકાત નહોતી.

કોઈ કન્ટેસ્ટન્ટ સાથે આવું બન્યું નહોતું. ચિંતાતુર બનેલા આયોજકોએ મેડિકલ હેલ્પની વ્યવસ્થા કરી. તપાસ માટે આવેલા ડૉક્ટરે કહી દીધું : હી મસ્ટ બી હૉસ્પિટલાઇઝ્ડ ઇમિડિએટલી.

પત્યું. ત્રણ દિવસ માટે તેણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું. છઠ્ઠો રાઉન્ડ તે પૂરો કરી ન શક્યો અને સ્પર્ધાના નિયમ મુજબ ચૅનલે તેને રુખસત આપવી પડી... લીંબુપાણી આનંદે પતાવી દીધેલું એટલે ગરબડનું મૂળ ક્યારેય પુરવાર થવાનું નહોતું. બધાએ નસીબનો દોષ કાઢ્યો. એમાં મારો પણ સૂર ખરો.

એ તો ૫છી જાણ્યું કે...

આરવે નિ:શ્વાસ નાખ્યો. વીત્યાં વરસોમાં જે કદી અજાણપણે પણ સાંભર્યું નથી એ પાપની યાદ એક સ્ત્રીએ અપાવી! કોણ હશે તે સ્ત્રી? આમાં આનંદની કોઈ ચાલ હશે?

પ્રશ્નો જ પ્રશ્નો.

€ € €

બીજી સવારે...

‘આવ મૌનવી...’ આશ્રમના આધેડ વયના સંચાલક મહાદેવભાઈએ તેને આવકારી.

આશ્રમ મૌનવીના બીજા ઘર જેવો હતો. મહાદેવભાઈ તેને દીકરી જેવું વહાલ કરતા. ખરેખર તો આશ્રમમાં હરકોઈ મૌનવીનું હેવાયું છે. આનંદને તો દીદી કેવી વહાલી હતી. આનંદ અહીં જ રહેતો, છેવાડેની રૂમમાં તેની વિધવા મા સાથે.

‘તું મુંબઈમાં કામ કરે છે એ ટીવી પર જોયું, ગમ્યું.’ મૌનવીને નિહાળીને મહાદેવભાઈએ કહ્યું, ‘આ લે પેનડ્રાઇવ.’ મૌનવીને ડિવાઇસ દઈને ઉમેર્યું, ‘તેં આશ્રમનાં બાળકો સાથે મળીને ઉતારેલી ફિલ્મ કહો કે નાટક આમાં કૉપી કરી લીધું છે. એનું કરવાની શું તું?’

એક જાહેર ફંક્શનમાં દેખાડવાની! હોઠ સુધી આવેલા શબ્દો મૌનવી ગળી ગઈ.

€ € €

મૌનવી નીકળી કે થોડી મિનિટ પછી સિસિલ્યા દાખલ થઈ, ‘નમસ્કાર, હું મુંબઈથી આવું છું. હમણાં અહીંથી નીકળ્યાં એ પેલા કુકિંગ-શોમાં આવે તે જ છોકરી હતીને! ઓહ, આ અનાથ છે?’

કુતૂહલ દર્શાવીને તેણે પૂછ્યું અને મિસ્ટરી ખૂલી ગઈ.

€ € €

બીજી સવારે મૌનવી શહેરના જુદા-જુદા મેડિકલ સ્ટોર્સમાં ઘૂમતી હતી ત્યારે જાણ નહોતી કે પોતે સિસિલ્યાના રડા૨માં છે!

બે દહાડા હિંમતનગર રહીને સિસિલ્યાએ પૂરો ચિતાર તારવી લીધો. જેટલું જાણ્યું એના પરથી બાકીનાનું અનુમાન માંડીને છબિ પૂર્ણ કરવી આસાન હતી.

ઇટ ઑલ બિગીન્સ વિથ ધ કુકિંગ કૉમ્પિટિશન...

- પણ એનો અંત મૌનવીએ ધાર્યો‍ એવો નહીં હોય! સિસિલ્યાએ એટલું તો નક્કી ઠેરવી દીધું.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK