કથા-સપ્તાહ - ઘટના (જીવનજ્યોત - 2)

નેહાલીની રૂપકડી કાયાને બેરહેમપણે ધમરોળતી વેળા નિત્યાનંદના દિમાગમાં તો જુદી જ ગણતરી ચાલે છે.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


‘અબ તું અપને ચાચા કે શરણ મેં...’

આજથી ૧૫-૧૭ વરસ અગાઉ જીવલેણ બીમારીમાં સપડાયેલા પિતા મા વિનાના દીકરાને વૃંદાવનથી ઠેઠ કરમબેલે લાવ્યા હતા. બીજું હતું પણ કોણ જેને દીકરાની સોંપણી કરી શકાય? યાત્રા દરમ્યાન નિત્યને કહેતા રહેલા : વરસોથી જુદા વસેલા મારા મોટા ભાઈનો તને પરિચય નથી, પણ મારા પત્રના જવાબમાં તેણે તને મૂકી જવા કહ્યું એ તો તું જાણે છે. તારી રુક્ષ્મણીચાચીમાં ઓરમાયાપણાનો ગુણ ખરો. એને જતો કરજે. બે શબ્દો કહે તો વઢ ખમી ખાજે. તારો પિતરાઈ રામાનંદ તારા જેવડો છે. તેને ભેરુ બનાવી દેજે...

મોટા ભાઈને તેની સોંપણી કરીને તેમણે પ્રાણ ત્યજ્યા હતા. નવેક વરસનો નિત્ય તેમની નિષ્પ્રાણ કાયાને વળગીને બહુ રડ્યો હતો.

‘શાંત નિત્ય, શાંત...’ માથે કોઈનો હાથ પડ્યો. ઘેઘૂર કંઠે મને કોણ આfવસ્ત કરી રહ્યું છે? આંસુથી ડબડબતી આંખે તેણે જોયું તો - ચા...ચા! તે અખંડાનંદને બાઝી પડ્યો.

‘સ્વજનની વિદાયથી ભાવુક થવાનું સંસારીને શોભે નિત્યાનંદ, આપણે તો લક્ષ્મીનારાયણને પૂજનારા.....શરીરમાંથી નીકળતો આત્મા ઈfવરને પામે છે એવું માનનારા, ભક્તોને શીખવનારા આપણે જ અબુધ સંસારીની જેમ રડીશું તો થઈ રહ્યું કલ્યાણ!’

તેમની વાણીમાં જાદુ હતો. એના મોહવશ નિત્યે અશ્રુ લૂછ્યાં.

‘શાબાશ. હવે તું મારો ભત્રીજો સાચો!’

તેમના રણકામાં નિત્યને ટકવાનો આધાર મળી ગયો. પોતાનું નવું નામ -નિત્યાનંદ પણ ગમ્યું. ચાચાનો દીકરો રામાનંદ, તેમનો ભત્રીજો હું નિત્યાનંદ!

પિતાનાં ક્રિયાપાણી પત્યાં ત્યાં સુધીમાં નિત્યાનંદ હવેલીમાં ગોઠવાઈ ગયો.

ગુજરાત-મહારાષ્ટ્રની બૉર્ડર નજીક આવેલું કરમબેલે ગામ રળિયામણું છે. નદીકિનારે વૈષ્ણવોની મોટી હવેલી છે. વિશાળ પ્રાંગણ ધરાવતી ત્રણ માળની હવેલી બહારથી જેવી નયનરમ્ય છે એવી જ અંદરથી પણ ભવ્ય છે... દરેક માળની લૉબીમાંથી ગર્ભદ્વારનાં દર્શન થાય એવી બાંધણી છે. ત્રીજો માળ પૂજારીના પરિવાર માટે અનામત છે. લાંબો-પહોળો બેઠકખંડ, ચાર-છ ઓરડા, બે રૂમ જેવડું મોટું રસોડું... ઘરનો સ્ત્રીવર્ગ માસિક ધર્મમાં હોય ત્યારે મંદિરની આગલી સીડીનો ઉપયોગ ન કરતાં પછવાડેની, સીધી ત્રીજા માળે રસોડામાં ખૂલતી લાકડાની ગોળાકાર સીડી વપરાશમાં લેવાની રહેતી. વાર-તહેવારે દૂર-દૂરથી ભક્તો આવે એવો હવેલીનો મહિમા છે એનું શ્રેય લગભગ અઢી દાયકાથી અહીંનું પૂજારીપદ સંભાળતા અખંડાનંદ મહારાજને જ મળે... ૪૪-૪૫ની ઉંમરે પણ કસાયેલો પડછંદ દેહ, તેજસ્વી મુખાકૃતિ, શાસ્ત્રોનું પ્રખર જ્ઞાન, વાતવહેવારમાં ટપકતી વિદ્વત્તાથી શોભતા અખંડાનંદજીની તપસ્વી જેવી આભા આપોઆપ નતમસ્તક કરી દે. નિત્યાનંદને એટલું પરખાતું કે સમગ્ર પંથકમાં ચાચાનો પ્રભાવ અનેરો છે. નિત્યને તો તેમની ગુજરાતીમઢી વþજભાષા પણ વહાલી લાગતી.

પિતા પણ મંદિરમાં સેવાપૂજા કરતા એટલે ધર્મવિધિથી નિત્ય ટેવાયેલો. વહેલો ઊઠી, નાહી-ધોઈ ચાચાની મદદમાં જોતરાઈ જાય. ઠાકોરજીના વાઘા સજાવે, હવેલીના ઓટલે રંગોળી તો એવી પૂરે કે જોનારા અચંબિત થઈ જાય : કહેવું પડે મહારાજ, તમારો ભત્રીજો હોનહાર છે!

અખંડાનંદજી મુસ્કુરાતા. હા, ચાચી મોં બગાડતી, રામાનંદની સરખામણીએ નિત્યને મેવા-ઘી-દૂધ દેવામાં કંજૂસાઈ કરતી; પણ નિત્ય એ લક્ષમાં ન લેતો. નવું સત્ર ખૂલતાં અખંડાનંદજીએ તેને રામાનંદ ભેગો સ્કૂલ પણ મોકલવા માંડ્યો. સમય સ૨કતો ગયો.

‘તમે ખરા ભાઈના દીકરા પાછળ ઘેલા થઈ જાઓ છો.’ રુક્ષ્મણી પતિ સમક્ષ ટલ્લા ફોડતી, ‘શું જરૂર છે અનાથને ભણાવવાની! ઘરે રહેશે તો સત્તર કામ કરશે. આપણે આશરો આપ્યો તો થોડો લાભ તો આપણે ન લઈએ?’

રવિની એ બપોરે વરંડામાં રામાનંદ સાથે રમતો નિત્ય તરસ લાગતાં પાછલી સીડીથી રસોડામાં પાણી પીવા આવ્યો. એમાં બાજુની રૂમમાંથી ચાચીનો અવાજ કાને પડતાં ચાચા હવે શું કહે છે એ જાણવા fવાસ રોકીને ઊભો રહ્યો. હમણાં ચાચા ચાચીને ઠપકારશે... દીકરા-ભત્રીજામાં ભેદ ન હોય એમ કહેશે - આખરે આપણે ધર્મકર્મ કરનારા અદના સંસારીની જેમ વર્તીએ એ શોભે!

અખંડાનંદજી જરા જુદું બોલ્યા, ‘થોડા લાભની ચાહ રાખનારો મોટો લાભ વિસરી જાય છે... નિત્યને ઘરે બેસાડું તો પંથકમાં લોકોને કહેવાનો મોકો મળે કે જુઓ મહારાજે ભેદ કર્યો‍! એને બદલે દીકરાની જ સ્કૂલમાં મોકલું તો અહોભાવ ફેલાય. એ કેટલો કીમતી એ છે તું ક્યાં નથી જાણતી! હવેલીની આવકનો અંદાજ પણ છે? ટ્રસ્ટ તો નામનું, બધું આપણા હસ્તક. આ બે દાયકામાં ૭૦થી ૮૦ લાખનું જરઝવેરાત મેં ભેગું કર્યું છે... એ ખજાના પર હક મારા રામાનંદનો, મારી ગાદી તેની જ હોય! માની લે આપણે નિત્યના રૂ૫માં રામનો સેવક પાળ્યો છે!’

સેવક! નિત્યાનંદે હળવો ધક્કો અનુભવ્યો. ચાચીની ચીડ તો બોલકી છે; પણ ચાચા પણ લોકલાજે, પોતાની ઇમેજ ખાતર મને સાચવે છે? નિત્યની ભીતર કંઈક તૂટ્યું - મમત્વ, આસ્થા. વૈરાગને બદલે વે૨ ઘૂંટાયું.

‘ઓહો, ત્યારે મારો રાજ્જા બહુ શાણો છે.’

‘તરસ્યો પણ છે. હવે તું જરા આ પલ્લું...’

‘અરે...’ ચાચીના તીણા ઇનકારે નિત્યને ઝબકાવ્યો, ‘આમ અત્યારે મને તંગ ન કરો, જંપવા દો જરા!’

‘કેટલું જંપવા દઉં?’ ચાચા પણ અથરા થયા, ‘તને કામ નથી જાગતો એમાં મારા હાથે પાપ...’ કશુંક કહી નાખવા જતા મહારાજ અટકી ગયા. હાથે પાપ થયાનો ભળતો અર્થ કરતી પત્ની વાંકું હસી, ‘પોતાના હાથને વાપરવામાં કોઈ પાપ નથી મહારાજ! બાકી મને બક્ષો!’

અંગત ચર્ચા ન સમજાય એટલો અબુધ નહોતો નિત્ય. આ બધું

જાણી-જીરવીને સ્વસ્થ રહેવું ૧૪-૧૫ વરસના બાળક માટે શક્ય ન હોય, પણ નિત્યે સ્વયંને સંભાળી જાણ્યો.

પણ પછી તેને ચાચા પ્રત્યે અહોભાવ રહ્યો નહીં. અખંડાનંદ દુનિયા માટે ગમે તે હોય; તેમની પત્ની તેમને ગણકારતી નથી, તેમનો ખુદનો કામવાસના પર કાબૂ નથી, પોતે મહાન ઠરવા ભત્રીજાને પનાહ દીધી છે એ માણસ પ્રત્યેનો ભ્રમ ભાંગ્યા પછી પૂજવાયોગ્ય જણાય પણ કેમ! એમ સેવા હું કરું ને અધિપતિ રામાનંદ બને એય ન બને! નિત્યનું ધ્યેય સ્પષ્ટ થયું.

એ માટે પહેલાં તો મારે લોકનજરમાં મારી લાયકાત કેળવવી પડે... ઇમેજનું મહત્વ મને હવે સમજાય છે. અખંડાનંદથીયે ચડિયાતી ઇમેજ રચવા નિત્યાનંદ મચી પડ્યો...

યોગમાં ધ્યાન પરોવ્યું, શાસ્ત્રોના અભ્યાસમાં ઊંડાણ કેળવ્યું, વાણીમાં મીઠાશ ઘોળી. બીજાં છ વરસમાં સમાંતરે પોતાની મહત્તા પણ સ્થાપિત કરતો ગયો. ૨૧ની વયે ધુળેટીના ઉત્સવમાં વþજથી મંડળી બોલાવીને રમઝટ જમાવી, દિવાળીમાં થયેલા અન્નકૂટની નોંધ નૅશનલ ટીવીમાં લેવાય એવો પ્રબંધ કર્યો. પરિણામે ભક્તજનોમાં તેના વિરાટ થતા કદને વેતરવા અખંડાનંદ અસમર્થ હતા.

‘નિત્યને રોકો...’ બીજી બાજુ રુક્ષ્મણી ડારો આપતાં, ‘રામાનંદને તેણે સાવ નેપથ્યમાં ધકેલી દીધો છે... મારો દીકરો હવેલીનો વારસ છે, કાંઈ નિત્યનો સેવાદાર નથી!’

તેમનો બબડાટ વાજબી હતો, પણ સામે રામાનંદમાં નિત્ય જેવું ગાદીપતિ થવાનું ઝનૂન પણ હોવું જોઈએ! બે-ચાર વાર તેને ટકોર્યો‍ તો સામું ખિજાણો : મને તમારા પાઠપૂજામાં રસ નથી. ભણ્યો છું તો નોકરી શોધી મારો ગુજરબસર કરી લઈશ.

એનું કારણ નિત્ય સમજતો. માબાપનાં કૃત્યો બિચારાને કનડતાં, અભાવ પ્રે૨તાં.

‘મેં ટ્રસ્ટીમંડળને રાજી કરી દીધું છે.’

- અને હજી બે માસ અગાઉ આંખ-કાન ખુલ્લાં રાખવાની ટેવવાળા નિત્યે અખંડાનંદને પત્નીને કહેતા સાંભળ્યા:

‘આ અધિક પતે કે શુભ દિને હવેલીના નવા પૂજારી તરીકે રામાનંદની સત્તાવાર નિમણૂક થઈ જશે...’ તેમણે વિસ્તારથી કહ્યું, ‘જેઠમાં મારી ૬૦મી વર્ષગાંઠ આવે છે. એની ઉજવણીરૂપે હવેલીમાં ઓચ્છવ રાખીશું. એમાં મુખ્ય ટ્રસ્ટી મારી નિવૃત્તિ અને રામની નિયુક્તિની ઘોષણા કરશે. વિશાળ સમુદાય વચ્ચે રામથી ઇનકાર નહીં થાય ને નિત્ય વાંધો લે તો પોતે જ ભૂંડો ઠરશે!’

પ્લાન જડબેસલાક હતો... પણ વચ્ચે પડતી મુદતમાં તો હું પાસા પલટી નાખીશ! પોતે જાણી ચૂક્યો છે એની ગંધ નિત્યએ કોઈને આવવા દીધી નહીં, પણ વળતી ચાલ માટે દિમાગ સક્રિય થઈ ગયું.

પોતે અખંડાનંદના નિવૃત્ત થવાની રાહ જોતો રહ્યો એ ખોટું થયું. એના કરતાં મુખિયાજી અણધાર્યા ઊકલી જાય તો ટ્રસ્ટીમંડળ સામેથી મને જ ગાદી સોંપે - રામાનંદમાં એવી કુશળતા જ ક્યાં છે! તેણે તો અહીંથી છટકવું જ છે... ભેગી તેની માનેય કાઢવાની. બસ, પછી હવેલીનો રાજા હું! મગજમાં આટલું ગોઠવાયા પછી નિત્ય સડસડાટ આગળ વધતો ગયો.

મુખિયાજીને મારવા જ હોય તો ભાડૂતી હત્યારાની ગોળી જ ફાકી છે! ઇન્ટરનેટને કારણે આવા સંપર્ક કેળવવા સહજ બન્યા છે. ડીલ માટે મુંબઈમાં બેઠકો થવાની હતી. એ માટે અધિક માસમાં હવેલીને સજાવવાનો કૉન્ટ્રૅક્ટ મુંબઈની પાર્ટીને દેવાનું કારણ ઊભું કરીને મુંબઈ જવાનો જોગ ગોઠવી દીધો... ડેકોરેશનની પાર્ટી અને કિલર જૉન સાથે સમાંતર વાટાઘાટો કર્યા પછી હોટેલની બંધ રૂમમાં કામ સળવળવા માંડ્યો. હવેલીમાં સંયમિત જીવનનો ઉપદેશ શોભે, મુંબઈ તો મોજનું શહેર છે.

નામ-વ્યવવસાય બદલવાની ચોકસાઈ સાથે પોતે હુસ્નના દરિયામાં ખાબકતો રહ્યો છે...

-અને નિત્યના આક્રમણમાં જોર ભળ્યું.

€ € €

મોડી સવારે નેહાલીની આંખો ખૂલી ત્યારે અકિંજય ઉર્ફે નિત્ય હોટેલમાંથી નીકળી ચૂકેલો. તેને જાણ નહોતી કે પોતે મોબાઇલ પલંગના ડેસ્ક પર ભૂલી આવ્યો છે! એના રણકારે નેહાલીનું ધ્યાન ગયું. મે બી, કદાચ અકિંજય જ બીજા નંબર પરથી પોતાનો ફોન ટ્રેસ કરતો હશે જાણીને કૉલ રિસીવ કર્યો કે...

‘ઠીક છે, તમારું મુરત ફાઇનલ રાખીએ. આજથી બરાબર બારમા દહાડે કરમબેલેની વૈષ્ણવ હવેલીમાં મહારાજની લાશ ઢળી ચૂકી હશે.’

કૉલ કટ થયો. નેહાલી સ્તબ્ધ હતી. મેં આ શું સાંભળ્યું!

€ € €

મારાથી ફોન ભૂલવાની ભૂલ કેમ થઈ! એ તો વળી સારું કે વરલી છોડતા પહેલાં ધ્યાનમાં આવ્યું ને ધૅટ નેહાલીને કૉલ જોડતાં તેણે ફોન સ્વિચ્ડ-ઑફ કરીને હોટેલના રિસેપ્શન પર આપ્યાનું કહેતાં જીવમાં જીવ આવ્યો... આખરે કૉન્ટ્રૅક્ટ કિલર જૉન સાથે આ જ ફોન પરથી ડીલિંગ થયું છે, એના વિના હું પાંગળો!

ફોન ચાલુ કરીને ચેક કર્યું કે કોઈ કૉલ આવ્યો નથી - થૅન્ક ગૉડ!

નૅચરલી, નિત્યને એવું કેમ સૂઝે કે કિલરનો ફોન નેહાલીએ રિસીવિંગ લિસ્ટમાંથી ડિલીટ કર્યો હોઈ શકે!

‘હા... હા. તમારું કામ નર્ધિારિત દિને થઈ જશે. કહ્યું તો ખરું.’ મુંબઈથી નીકળતા અગાઉ જૉન સાથે ડેટ ફાઇનલ કરવાની હતી એ માટે હોટેલમાંથી નીકળીને કૉલ કરતાં તેણે કહેલા વાક્યમાંથી નિત્ય જોઈતો ભાવાર્થ તારવી શક્યો નહીં.

ગમે એમ પણ, નેહાલી પોતાના ભેદની ભાગીદાર બની ચૂકી છે એથી નિત્ય બેખબર જ રહ્યો!

€ € €

‘મુંબઈનું કામ થઈ ગયું?’ નિત્ય હવેલીએ પહોંચતાં અખંડાનંદજીએ પૂછ્યું.

કાલથી અધિક માસ છે એટલે ભક્તજનોનો રોજેરોજ ધસારો રહેવાનો. પ્રાંગણમાં વિશાળ મંડપ બાંધ્યો છે. પાથરણાં પથરાયાં છે. જેઠના તાપથી બચવા ઠે૨-ઠેર કૂલર મુકાયાં છે. સવાર-સાંજ અહીં ભજનો ગવાશે, ફૂલમાળા ગૂંથાશે. ભક્તો ઉદાર હાથે ઠેર-ઠેર મૂકેલી દાનપેટી છલકાવી દેશે... હવેલીને રોજેરોજ નવીનપણે શણગારવા માટે આ વખતે મુંબઈથી પાર્ટી તેડાવી છે, નિત્ય એમને જોડે લઈને આવ્યાનું જાણીને મહારાજ રાજી થયા : હવેલીના ફોટો વૉટ્સઍપ અને ફેસબુક પર ફરતા થશે એટલે ભક્તજનો વધુ સંખ્યામાં આવવાના... એ જ આપણો લાભ!

લાભ.

ધર્મસ્થાનો કેવળ ભક્તિધામ નથી રહ્યાં, કમાઉ દીકરા જેવાં બની ગયાં છે એટલે એમની સંભાળ હવે કૉર્પોરેટ સેક્ટરની જેમ લેવાય છે. પ્રચાર-પ્રસારથી ભક્તજનોને આકર્ષવામાં આવે છે અને એમની મુલાકાત મિની પિકનિક જેવી બની રહે એનો ખ્યાલ રખાય છે!

‘જી...’ ખ૨ેખ૨ તો નિત્ય પ્લાન વાગોળે છે...

આજથી બારમા દહાડે, અધિક માસની પવિત્ર અગિયારસે મંદિરમાં ભારે ભીડ હશે. બપોરે આવી જનાર જૉનને જોકે હું વરંડાના રસ્તે ત્રીજા માળે મારી રૂમમાં પહોંચાડી દઈશ. દર્શનની તૈયારી અર્થે‍ રામ સાથે ચાચી પણ પૂજારીની મદદમાં રહે છે એ કારણે જૉન કોઈની નજરમાં નહીં આવે! જેવી સંધ્યાઆરતી શરૂ થાય કે હું ભીડમાં ભળી મેઇન સ્વિચની રૂમ તરફ સરકી જઈશ. ત્રીજા માળની લૉબીમાંથી જૉન ટેલિસ્કોપિક ગન વડે પૂજારીનું નિશાન તાકશે. ગોળીબારના ધડાકા સાથે જ હું લાઇટ ઑફ કરીશ... હોહા-હાહાકાર વચ્ચે કોઈને જનરેટર ચાલુ કરવાનું સૂઝે કે મેઇન સ્વિચની તપાસે કોઈ આવે એ ૫હેલાં હું ગર્ભદ્વારમાં પહોંચી ચૂક્યો હોઈશ. અખંડાનંદનું પ્રાણપંખેરું ઊડી ગયું હશે અને જૉન વરંડાના રસ્તે છટકી ગયો હશે. પૂજારીની હત્યાની ઘટના પછી મારા સિવાય કોઈનું ગજું નથી કે ગાદી સંભાળી શકે. ટ્રસ્ટીઓની વગ થકી પોલીસ, મીડિયાને ટૅકલ કરવાનું કૌવત મારામાં છે. પોલીસતપાસમાં મારે એટલો જ મમરો મૂકવાનો રહે કે પૂજારી તેમના દીકરાને તેની મરજી વિરુદ્ધ ગાદીપતિ બનાવવા માગતા હતા એટલે કદાચ રામાનંદે જ હત્યા પ્લાન કરી હોય...

પત્યું! દીકરો જેલમાં, પછી માને તગેડીને તેમના ઘરેણાંના પટારાને કબજામાં લેતાં કેટલી વાર!

નિત્યાનંદે તૃપ્તિ અનુભવી. આંખો બંધ કરી ને જૉનના ગોળીબારથી ઢળી પડતા મુખિયાજીનું દૃશ્ય મલકાવી ગયું!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK