કથા-સપ્તાહ - ઘટના (તાણાવાણા : 2)

મૌનવી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


રિવૉલ્વિંગ ચૅરમાં ચક્કર ફરતા આરવે આ એક નામે ગજબની ખુમારી અનુભવી - આને જ પ્રણય કહેતા હશે?

તે મીઠું મૂંઝાયો.

કુકિંગ-કુકિંગ ઍન્ડ ઓન્લી કુકિંગ. પોતાના હૉબીમય જીવનથી આરવ ખુશ હતો. વ્યસ્તતાનું તેને ભારણ ન લાગતું, કેમ કે એની સાથે છેવટે તો કુકિંગ જ સંકળાયેલું હતું. મા લગ્નનું કહેતી, પણ એવી ફુરસદ જ કોને હતી?

ત્યાં મૌનવીનું આગમન થયું.

પોતાનો કુકિંગ-શો હિટ હતો. એમાં વેરિયેશન આણવા ઍન્કરની એન્ટ્રી ગોઠવવાનું નક્કી કર્યું. ક્રીએટિવ ટીમે ઘણાં જાણીતાં નામો સૂચવ્યાં, પણ પોતે એક બાબતે સ્પષ્ટ હતો કે કુકિંગ-શોની ઍન્કર તરીકે માત્ર ગુડલુકિંગ, ચાવળું બોલતી કન્યા ન ચાલે...

એટલે બાકાયદા શો દ્વારા અ૨જીઓ મગાવી. ઇન્ટરવ્યુના ત્રણ રાઉન્ડ કરવા પડે એટલી ઍપ્લિકેશન મળી હતી. એમાંથી દેખાવ, અનુભવ જેવી લાયકાતના ધારાધોરણે શૉર્ટલિસ્ટ થયેલી કુલ પંચાવન યુવતીઓને ઇન્ટરવ્યુમાં એક પણ પ્રશ્ન પુછાયો નહોતો... માત્ર એક કસોટી આપવામાં આવી : તમે તમારી મોસ્ટ ફેવરિટ વાનગી બનાવો! એના આધારે તમારું સિલેક્શન થશે.

આ અવનવું હતું. મોટા ભાગની ઉમેદવાર યુવતીઓએ ટેસ્ટનું સાંભળીને જ મોં બગાડ્યું : આપણે ગ્લૅમર-ગર્લ કહેવાઈએ, રસોઈકળા સાથે આપણો શું સંબંધ! આ લોકોને ઍન્કર જોઈએ છે કે કુક?

જ્યારે મારું માનવું એવું કે કુકિંગ-શોની હોસ્ટને રસોઈની ABCD આવડતી હોય, એમાં રસ હોય તો એ આપોઆપ પડદા પર વ્યક્ત થવાનો; એ કેટલું ઑથેન્ટિક લાગે.

આરવે સાંભર્યું.

જે થોડીઘણી યુવતીઓએ હોંશભેર ભાગ લીધો તેમણે ભાતભાતની વાનગીઓ બનાવી હતી. કેટલીકે તો ડેકોરેટ પણ સરસ કરેલી, પણ બધા પર ભારે પડી એક કપ ચા!

‘યુ મેડ ટી?’

દરેક પ્રતિયોગીના ટેબલ પર ફરીને તેમની બનાવટ જોતો અને ચાખતો આરવ પચીસથી ૨૬ની દેખાતી યુવતીને પૂછી બેઠો. તેના ટેબલ પર ચાના કપ સિવાય કશું નહોતું.

‘જી...’ તે ટટ્ટાર ગરદને બોલી ગઈ, ‘સ્વાદ વિનાના પાણીને આપણે પૃથ્વીનું અમૃત કહીએ છીએ તો આ તો ચા છે. ’

જાણે અમૃતથી ચડિયાતું પીણું બનાવ્યું હોય એવો રણકો એમાં હતો. કુકિંગ-માસ્ટર તરીકે આરવ જાણતો-સમજતો કે રસોઇયા માટે દરેક આઇટમ એકસરખા મહત્વની હોય છે, પોતાની પ્રોડક્ટનો આ છોકરીને ગર્વ પણ કેવો છે! ધૅટ્સ લાઇક અ કૉન્ફિડન્ટ કુક. તેણે પહેલાં સુગંધ લીધી, હળવી ચૂસકી ભરતાં કીકી ચમકી ઊઠી : માર્વલસ! શું એની સોડમ, શું એનો જાયકો.

‘ઇટ્સ આઉટ ઑફ ધીસ વલ્ર્ડ ટાઇપ.’ આરવે વખાણ છાવર્યાં નહીં, ‘તમારે તો કુકિંગ-હન્ટની નવી સિરીઝ જૉઇન કરવી જોઈએ.’ તેણે ઉમેદવારના બૅચમાં લખેલું નામ વાંચ્યું : ‘મિસ મૌનવી શાહ’

પળવાર તે મને નિહાળી રહેલી... આરવે સાંભર્યું : જાણે શું હતું એ નજરોમાં! એ અકથ્ય ભાવ સમજાય એવો ક્યાં હતો? ત્યાં તો તેના હોઠ વંકાયા હતા, ‘થૅન્ક યુ સર.’

આ સ્મિત... શોના ઓ૫નિંગમાં મને આવું જ સ્મિત જોઈએ. આવું નહીં - આ જ.

‘યુ આર સિલેક્ટેડ...’ છેવટે મૌનવીના ટેબલ પર ફરી વાર જઈને પોતે ખબર આપ્યા હતા ને જાણે તે વસંતમાં પુરબહાર મહોરી ઊઠી હતી! એ પ્રથમ મેળાપને આજે તો છથી સાત મહિના થવાના... દરમ્યાન ટીમ ભેગા તેની સાથે દેશના જુદા-જુદા પ્રાંતોમાં ફર્યો પણ છું. અત્યંત રૂપાળી, આત્મવિશ્વાસુ, સ્માર્ટ. મારા સેલિબ્રિટી સ્ટેટસનો ભાર નહીં, બૉસ તરીકે પૂરી અદબ જાળવે. મા-બાપ હયાત નથી. ગુજરાતના એકાદ ગામડેથી મુંબઈ આવી છે પોતાનાં સમણાં સાકાર કરવા. કયાં સમણાં? પૂછો તો અદૃશ્યમાં તાકતી કહી દે : ઉંમરલાયક કન્યાને બીજાં કયાં સમણાં હોય?

આમાં શું સમજવું? ક્યારેક થતું કે કોઈ રહસ્યવલય તેણે પોતાની આસપાસ વીંટાળી રાખ્યું છે. દર વખતે તે નવા રૂપમાં ઊઘડતી જાણે.

પણ હા, રસોઈની કુનેહ તો એવી જાણે તે તાજ વિનાની શેફ ને હું જાહેર થયેલો વિજેતા એટલો જ ફેર.

‘કુકિંગ મારું પણ પૅશન રહ્યું છે.’ તે કહેતી. તેની મુસ્કાન કેવી મોહક લાગતી.

‘મને તો તારું ઍન્કરનું ખંજનવાળું સ્મિત જ સૌથી વધુ ગમે છે.’ મા પોતાનો ફીડબૅક આપતી. મૌનવીને કહું તો તે થોડું શરમાતી. ત્રણેક વાર તો તેને ઘરે પણ શોના કામકાજે બોલાવવાનું બન્યું. તેને મળીને માએ કહેલું : છોકરીનું તેજ જ કહે છે કે તે જે ઘરે પણ જશે ત્યાં અજવાળું સર્જી‍ દેશે...

મા ભાગ્યે જ આવો પ્રતિભાવ આપતી હોય. મહિનામાં અમારે માંડ આઠથી નવ દિવસ મળવાનું બનતું. બાકીના દિવસોમાં તેનું સ્મરણ રમતું થયું ને હવે તો તે સમણાંમાં પણ... 

આરવના ચહેરા પર ૨તાશ ધસી આવી. આને જ પ્યાર કહેતા હશે?

પોતે કદી પ્રેમપહેલીમાં ગૂંચવાશે એવું આરવે ધાર્યું નહોતું. મૌનવી સાથેની આંતરિક ઘનિષ્ઠતા ખુદ મૌનવીને પણ ક્યાં કદી દેખાડી છે?

- પણ હવે દેખાડવી છે...

મૌનવી ભલે ખૂલીને ઊઘડતી નહીં હોય, મૌનવીની પ્રણયપાટી કોરી હોવાનું તો જ્ઞાત છે. ડૅડીની ૬૦મી વર્ષગાંઠના ભવ્ય સમારંભમાં મૌનવીને પ્રોગ્રામના ઍન્કરિંગની જવાબદારી સોંપી છે. સાથે મળીને ડૅડી પર ડૉક્યુમેન્ટરી તૈયાર કરવાનો કાર્યભાર પણ તેનો છે. ખરેખર તો એ બહાને મૌનવીને મળાતું રહે એવો આશય. આજે ફંક્શનની તૈયારીના અપડેશનનું બહાનું તૈયા૨ રાખીને સિસિલ્યા પાસે ફોન રણકાવ્યો, ઑફિશ્યલ કામે મળવું છે એવો જ દેખાવ કરવાનો હોયને. પછી નજાકતથી વાત મૂકવાની હોય.

પણ મૅડમ કૉલ રિસીવ કરે તોને!

આરવે ફરી ટ્રાય કરી...

€ € €

આરવનો ફોન. મૌનવીના હોઠ ભિડાયા. ત્રીજી ટ્રાયલે કૉલ રિસીવ કરવો પડ્યો, ‘હાય...’

‘હાય મૌનવી. પાર્ટીનું કામ ક્યાં સુધી પહોંચ્યું?’

‘ઑલમોસ્ટ હાફ ડન.’ બહુ આત્મવિશ્વાસભર તે બોલી.

‘જેટલું બાકી છે એની ચર્ચા કરવા રૂબરૂ મળીએ તો?’ આરવથી કહેવાઈ ગયું, ‘તારા વિના ગમતું નથી.’

પળવાર સામો છેડો સ્તબ્ધ. પછી...

‘આરવ, મને કોઈ બોલાવે છે...’ કહીને મૌનવીએ કનેક્શન કટ કર્યું.

‘આમ કહીને તેં હા પાડી ન ગણાય, પણ તેં ના નથી પાડી એ વધુ અગત્યનું છે!’

- આરવના શબ્દો પૅરૅલલ લાઇન પર સાંભળતી સિસિલ્યાને સળગાવી ગયા.

બૉસના ફોનની પૅરૅલલ લાઇન સેક્રેટરી પાસે છે. શરૂ-શરૂમાં સિસિલ્યાને બૉસની વાતો સાંભળવાની લાલચ રહેતી, પણ એમાં રસોઈ સિવાયના ટૉપિક હોય નહીં એટલે એ ચેષ્ટા જ નિરર્થક લાગતી. આજે મૌનવીને કા૨ણે નજ૨ આરવના ફોન ૫૨ જ હતી ને પોતે પૅરૅલલ લાઇનનું રિસીવર ઊંચક્યું તો...

મૌનવી. આરવ પાછળ ગમે એટલા પડ્યા હોય, સૌથી પહેલી હું છુંનો ફાંકો આજે મૌનવીએ ઉતારી દીધો... તટસ્થપણે એટલું તો સ્વીકારવું પડે કે મૌનવી મારાથી ક્યાંય વધુ રૂપાળી છે, આરવની ટક્કરની. ન્યાત એક અને પોતાના કામમાં આરવ જેવી જ પર્ટિક્યુલર, એટલે જ આરવને એ ગમી હોય... મૌનવીએ કનેક્શન કાપ્યું ભાવ ખાવા, બાકી દીવાનને ઇનકાર તો કોણ કરે!

સિસિલ્યાએ ચચરાટી અનુભવી.

ના, આમાં હૃદયભંગ નહીં, અપેક્ષાભંગ હતો. આરવને હું ચાહતી હોત તો એનો પડઘો મારા વર્તનમાં પડ્યા વિના ન રહેત, આરવની આંખે ચડ્યા વિના ન રહેત. આરવને હું ચાહું છું એમ કહીને સ્વયંને છેતરવા કરતાં હું એમ કહેવાનું પસંદ કરીશ કે આરવ સેલિબ્રિટી છે, ઇરરેઝિસ્ટબલી હૅન્ડસમ છે, સુપરરિચ છે અને જીવનસાથી તરીકે કોઈને પણ અપનાવવા આ ત્રણ ગુણ પૂરતા છે... હું હજી પણ આરવને જીવનસાથી તરીકે અપનાવવા માગતી હોઉં તો એક જ માર્ગ રહે છે : આરવ-મૌનવીના દો હંસો કા જોડાને છૂટા પાડવા કશુંક કાવતરું રમવું પડે! ત્યાર બાદ બીજા પગલે આરવને મારા કરવાનો ખેલ પણ રમી જાણીશ હું... મારી પાછળથી આવેલી છોકરી મારો ટાર્ગેર્ટ  હડપી જાય ને હું જોતી રહું એ તો કેમ બને! કહે છેને એવરીથિંગ ઇઝ ફેર ઇન અચીવિંગ યૉર ટાર્ગેટ!

સિસિલ્યાને કળ વળી. સારું લાગ્યું.

€ € €

કલાક ૫છી...

આરવની ઑફિસનો લૅન્ડલાઇન રણકી ઊઠ્યો. કૉલર IDમાં ઝબૂકતો નંબર અજાણ્યો હતો.

‘યસ, આરવ હિયર...’

‘શ્રીમાન આરવ દીવાન...’ સામેથી અજાણ્યા સ્ત્રીસ્વરમાં કહેવાયું, ‘તમારું પાપ તમને યાદ છે? એ કબૂલશો નહીં તો માની લો એના છપરે ચડીને પોકારવાનો સમય આવી ગયો.’

‘વૉટ ધ...’ સ્તબ્ધ બનેલો આરવ ગુસ્સો ઠાલવે એ પહેલા ફોન કટ થયો.

તમારું પાપ કબૂલી લો... આરવે ધક્કો અનુભવ્યો અને પૅરૅલલ લાઇન પર વળી આટલી વાતચીત સાંભળી ચૂકેલી સિસિલ્યા એટલી જ સ્તબ્ધ હતી. આરવ ૫૨ મૌનવીનો જ ફોન આવ્યો હશે ધારીને પોતે પૅરૅલલ લાઇનનું રિસીવર ઊંચક્યું તો કેવો જૅકપૉટ લાગ્યો!

આરવ અને પાપ? આવું કંઈક હોય તો...

€ € €

‘ખુશ?’ રિસીવર મૂકીને માએ દીકરીને કહ્યું.

‘નહીં મા...’ ઊંડો શ્વાસ લઈને દીકરીએ ઘરની બારીમાંથી નજર ઘુમાવી, ‘ખેલની આ તો શરૂઆત થઈ છે મા... ખરો ધડાકો તો પાંચ નવેમ્બરની પાર્ટીમાં થવાનો છે.’

ધીરગંભીરપણે બોલતાં તેણે બારીના સળિયા પર હાથ ટેકવ્યા અને બહાર દેખાતા અનાથાશ્રમને તાકી રહી.

€ € €

આરવ અને પાપ!

ચોપાટીની ઑફિસથી છૂટીને ટૅક્સીમાં માહિમના ઘરે જતી સિસિલ્યાના ચિત્તમાં કલાકેક અગાઉનો કૉલ ઝબૂકે છે.

તમારું પાપ કબૂલશો નહીં તો એને છાપરે ચડીને પોકારવાનો સમય આવી ગયો...

બાઈએ કેવા સપાટ સ્વરે કહ્યું હતું... પણ તેના બોલમાં ખાતરી હતી - આરવે પાપ કર્યાની ખાતરી.

એનો ધક્કો એવો હતો કે હું નીકળી ત્યાં સુધી આરવ ખુરસીમાંથી હાલ્યો નહોતો! મને ઇન્ટરકૉલ જોડી કહી દીધેલું : નો કૉલ્સ, નો મીટિંગ. મારા આજના બીજા તમામ પ્રોગ્રામ કૅન્સલ કરી દે.

આરવની પ્રતિક્રિયા જ સૂચવે છે કે કુછ તો ગરબડ હૈ! એ ગરબડને મારા ફાયદામાં હું વાપરી શકું કે નહીં?

સિસિલ્યા ટટ્ટાર થઈ.

આમ તો સામી વ્યક્તિએ કોઈ બ્લૅકમેઇલ કરી શકે એ કક્ષાનું પાપ કર્યું હોય તો એનાથી ચેતી જવાનું હોય, દૂરી રાખવાની હોય; પણ સિસિલ્યાનું ગણિત જુદું હતું : મોટા માણસોનાં પાપ પણ મોટાં જ હોવાનાં, પણ એથી ક્યાંય તેમની મોટાઈ ઘટી હોવાનું જાણ્યું નથી. પછી એનો શું છોછ! આરવનું પાપ પણ જાહેર થયું તો લોકો બે-ચાર દહાડા કૂથલી કરીને એને ભૂલી જશે. આરવની ટૅલન્ટ, તેનો પાવર-પોઝિશન એથી નથી બદલાવાનાં, અમીરીનો હ્રસ નથી થવાનો. મારે તો એની જ મતલબ હોયને!

પણ શક્ય છે કે મૌનવી જુદું માનતી હોય. તે આમેય આદર્શવાદી જેવી લાગી છે મને. આરવ પાપી હોવાનું જાણીને તે અવશ્ય ભડકી જાય. આરવ સાથે છેડો ફાડી નાખે એવું પણ બને.

તો પછી શા માટે આ વાત મૌનવીના કાને નાખી ન દેવી! ફોન પર આવી ગૉસિપ થઈ શકે એવી ઘનિષ્ઠતા

અમારી વચ્ચે નથી, કોઈ બહાને તેના ઘરે જઈને વાત-વાતમાં ઇશારો આપી દીધો હોય તો?

- અને તેણે ટૅક્સી-ડ્રાઇવરને સૂચના આપી, ‘સુનો ભૈયા, અભી ઝરા વરલી લે લો.’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK