કથા-સપ્તાહ - ઘટના (તાણાવાણા : ૧)

 બેદર્દી બાલમા તુઝકો..

chef


અન્ય ભાગ વાંચો

1  |  2  |


- સમીત (પૂર્વેશ) શ્રોફ

લતાનાં દર્દભર્યાં ગીતો તેને વધુ ગમતાં. તે કહેતી પણ ખરી કે બીજાની વેદના તમારી સંવેદનાને સ્પર્શી જાય તો માનવું કે તમારામાં માનવીયત જીવિત છે!

‘હું આમાં થોડો સુધારો કરું દીદી?’ આનંદ ટહુકી ઊઠતો. જવાબની રાહ જોયા વિના જ ચાલુ થઈ જતો, ‘માનવીયત નક્કી કરવા બીજાના દર્દની પારાશીશી શા માટે? અન્યની ખુશી તમારા જિગરને બાળવાને બદલે પુલકિત કરી દે એ પણ ઇન્સાનિયતનું લક્ષણ થયું.’

પોતે સંમતિ પુરાવતી ને તે કેવો હરખાઈ ઊઠતો... કેટલી પૉઝિટિવિટી હતી આનંદની સોચમાં હતી.

ડૂબતી સંધ્યામાં હિંમતનગરના ઘરની અગાસીની પાળે બેઠેલી મૌનવીએ નિસાસો નાખ્યો. સામે દેખાતા શૈશવ અનાથાશ્રમના ગેટ પર તેની નજર પડી ને આંખમાં ઝળઝળિયાં બાઝી ગયાં.

ના, આ ચાર વરસમાં બહુ અશ્રુ સારી લીધાં - પાંપણ લૂછતાં તેણે દમ ભીડ્યો : હવે રડવાનો વારો કોઈ બીજાનો છે!

€ € €

આરવ દીવાન.

કેળાના પાન આકારના વિઝિટિંગ કાર્ડ પર છપાયેલા પોતાના નામ પર આરવે બહુ પ્રેમથી હાથ પસવાર્યો‍. પછી આંગળાંને નાક આગળ લઈ જઈને સૂંઘ્યાં : બાસમતી ચોખાની લિજ્જતદાર ખુશ્બો આવી રહી હતી.

‘પર્ફેક્ટ...’ આરવે રાઇટ થમ્બ અપ કર્યો‍, ‘ધૅટ્સ ઑલ આઇ વૉન્ટેડ. શેફનું વિઝિટિંગ કાર્ડ સુગંધીદાર જ હોવું જોઈએને!’

આરવની કૅબિનમાં તેની સામે અદબથી ઊભેલી સેક્રેટરી સિસિલ્યાએ રાહત અનુભવી : હાશ. આખરે સરને કોઈ સૅમ્પલ પસંદ તો પડ્યું! બાકી એક વિઝિટિંગ કાર્ડ જેવી મામૂલી ચીજ માટે આરવે ત્રણ મહિનાથી ઑફિસ માથે લીધી હતી. તેમણે ટેસ્ટ-સૅમ્પલ પાછળ ખર્ચો‍ કર્યો એટલામાં તો બે વરસનાં કાર્ડ છપાઈ જાય!

પણ મુંબઈના જ નહીં, હવે તો ભારતના અગ્રણી શેફ ગણાતા આરવ દીવાનની એ જ તો ખાસિયત છે. તેમને બધું પર્ફેક્ટ જોઈએ. વઘારમાં પડતા રાઈના દાણાથી છેવટની ફ્રૂટ-ડિશનાં ફળોની ચીરી સુધી સર્વ કાંઈ તેમનાં ધારાધોરણો મુજબ જ હોવું ઘટે, નહીંતર સ્ટાફનું આવી બને!

અને શેફ એટલે માત્ર રસોડું સંભાળતો રસોઇયો એ જમાના હવે ગયા...

કિચન-ઇન્ડસ્ટ્રી ઇઝ અ બિગ બિઝનેસ નાઓ. છોટીમોટી ગણાય એવી હોટેલના શેફ લાખોનું પૅકેજ રળતા હોય છે. ત્યાં આરવ દીવાન જેવા સેલિબ્રિટી શેફનું મૂલ્યાંકન કરોડોમાં થાય એની શી નવાઈ!

આરવ દીવાનને જોકે ધનસંપત્તિની આમેય નવાઈ નથી. મુંબઈના ગુજરાતીઓમાં પ્રથમ પાંચમાં આવે એવંો ધનાઢ્ય છે દીવાનકુટુંબ. સજ્ર્યન પિતા વિશ્વનાથ અને ગાયનેક માતા સુરભિદેવીના એકમાત્ર સંતાન તરીકે આરવને દરેક સુખ ઉપલબ્ધ હતું.

ડૉક્ટર પેરન્ટ્સનો દીકરો ડૉક્ટર બની શક્યો હોત... આરવમાં એટલી બુદ્ધિમત્તા તો ખરી જ, પણ તેનાં રસરુચિ રસોઈકળામાં કેળવાયાં. મૂળ તો સુરભિદેવીને પણ કુકિંગનો શોખ. અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી સમય ચોરીને રોજ કંઈ ને કંઈ વરાઇટી બનાવે. નાનકડો આરવ ઠાવકો થઈને માને નિહાળ્યા કરે. ત્યારનો રસોઈ સાથેનો નાતો પ્રગાઢ બનતો ગયો. મોટા થયા પછી પણ મા-બાપની હૉસ્પિટલથી વિશેષ મજા તેને કિચનમાં આવતી. વિશ્વનાથ-સુરભિદેવીએ તેનું સિંચન કર્યું. દીકરાને પરાણે ડૉક્ટર બનાવવામાં તેઓ માનતાં નહોતાં.

‘સાથે એટલું પણ ખરું કે યુ કાન્ટ બી ઑર્ડિનરી, વૉટ એવર યુ બી.’ વિશ્વનાથ કહેતા, ‘વી દીવાન્સ આર ર્બોન ટુ બિકમ ધ બેસ્ટ.’

ભારોભાર આત્મગૌરવ દીવાન પરિવારનું વારસાગત લક્ષણ હતું. સાત પેઢીના વારસાનું ગૌરવ ગરવાઈ બનીને વિશ્વનાથ-સુરભિદેવીના વ્યક્તિત્વમાં વણાઈ ગયેલું અને આરવ પણ અપવાદ નહોતો.

‘આઇ નો ડૅડ...’ ચડતી જવાનીના જોશભેર આરવ કહેતો. ‘આઇ વિલ બી ધ અલ્ટિમેટ બેસ્ટ ઇન કુકિંગ.’

આ પોકળ ડંફાશ નહોતી એટલું તો સ્વીકારવું પડે. વધતી વય સાથે કુકિંગ આરવનું પૅશન બની ચૂક્યું હતું. મા પાસેથી શીખેલા પાયાના પાઠથી ક્યાંય આગળ વધી ચૂકેલો તે. લોકો ફરવા માટે વિદેશ જાય, તે જે-તે દેશની સ્પેશ્યલિટી શીખવા જતો. સ્ટ્રીટ-ફૂડથી માંડીને ફાઇવસ્ટારના શેફને મળીને રેસિપી શીખતો, એમાં વેરિયેશન આણતો. મસાલાની પરખ, માત્રા, વપરાશમાં તેનો હાથ ઘડાયો. વિધિવત કોઈ કુકિંગ-ક્લાસમાં ન ગયો, પણ ઘરનું કિચન તેના માટે વિશ્વ રસોઈઘર સમું હતું. તેની અઢારમી વરસગાંઠે વિશ્વનાથ-સુરભિદેવીએ વાલકેશ્વરના આલીશાન બંગલાનો આખો ત્રીજો માળ મસમોટા રસોડામાં ફેરવી આપ્યો. દુનિયાભરની રેસિપી-બુક્સ, વિશાળ સ્ક્રીન પર ચાલતા કુકિંગ-શોઝ અને અવનવા અખતરા માટેનું અદ્યતન સાધનોથી સજ્જ કિચન... આરવનું એ ડ્રીમ ડેસ્ટિનેશન હતું.

મિત્રોમાં, સગાંવહાલામાં કે પછી ન્યાતમાં તેની લગન છાની નહોતી; બલ્કે વિશ્વનાથ-સુરભિદેવી સગર્વ કહેતાં : અમારો આરવ કુકિંગ-એક્સપર્ટ છે. સમાંતરે અભ્યાસ ચાલુ હતો. ત્રેવીસની વયે તેણે હોમ સાયન્સમાં માસ્ટર્સ કર્યું ત્યારે પિતાની ઇચ્છા એવી કે આરવના નામે કુકિંગ ઇન્સ્ટિટ્યૂટનો શુભારંભ માંડી દઈએ. આ માટે તેમણે જગ્યા પણ શોધવા માંડી. ત્યાં નવો વળાંક સર્જા‍યો..

ભારતીય ટીવીના ઇતિહાસમાં પહેલી વાર ‘શેફ ઑફ ઇન્ડિયા’ કુકિંગ કૉમ્પિટિશન યોજાવાના ખબર એ જ અરસામાં આવ્યા ને આરવે પિતાને પ્રોજેક્ટ માંડવાળ રાખવા જણાવી દીધું : એને બદલે હું કુકિંગ-શો જીતીને મારું નામ જમાવીશ, સાથે કરીઅર પણ જામવાની જ...

આમાં શકની ગુંજાશ નહોતી. કુકિંગ-હન્ટની સિરીઝ ત્રણ મહિના ચાલવાની હતી. દેશના ખૂણેખાંચરેથી સ્પર્ધકો શોધીને ફાઇનલ લિસ્ટ તૈયાર થવાનું હતું. તેમની વચ્ચે વિવિધ રાઉન્ડ્સ રમાડીને છેવટે અંતિમ વિજેતાને ‘શેફ ઑફ ઇન્ડિયા’ના તાજ ઉપરાંત એક કરોડનું ઇનામ મળવાનું હતું. ત્રણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સેલિબ્રિટી શેફ જજ તરીકે ભૂમિકા ભજવવાના હતા અને ત્રણે આરવના ફેવરિટ. તે પોતે તેમને મળી પણ ચૂકેલો. ફૅન તરીકે જેમને મળ્યો તેમના કડક પરીક્ષણમાં પાર ઊતરીને ખિતાબ જીતવાનો આરવનો જુસ્સો નિરાળો હતો.

અને એવું જ થયું. ચાર વરસ અગાઉની એ સ્પર્ધામા શૉર્ટલિસ્ટ થયેલા કુલ બાર કન્ટેસ્ટન્ટ્સમાંથી ફાઇનલ રાઉન્ડના વિજેતા નીવડ્યા આરવ દીવાન!

નૅશનલ ચૅનલ પર પ્રથમ વાર આવી હરીફાઈ યોજાઈ હતી અને વ્ય્ભ્ની દૃષ્ટિએ શો સુપરહિટ નીવડ્યો. આરવ ખાસ કરીને છોકરીઓનો ફેવરિટ બની ગયેલો. શો દરમ્યાન, રાઉન્ડ્સ યા પ્રમોશન માટે દેશના ઠેકઠેકાણે ભમવાનું થતું એમાં આરવને ભાળીને ગર્લ્સ ચિચિયારીઓથી તેને શરમાવી દેતી. સ્પર્ધાના બીજા હરીફો આજે તો કોઈને યાદ પણ નહીં હોય! ટ્રોફી-ચેક સાથેનો આરવનો ફોટો દરેક ન્યુઝપેપરના પહેલા પાને ચમક્યો હતો. દીકરાની જીતનું બહુ શાનદાર સેલિબ્રેશન કર્યું હતું વિશ્વનાથ-સુરભિદેવીએ.

‘અમને તો પહેલેથી ખાતરી હતી કે આરવને કોઈ હરાવી નહીં શકે.’ વિશ્વનાથે બહુ ગવર્ભેપર કહેલું, ‘આફ્્ટર ઑલ, હી ઇઝ દીવાન.’

કુકિંગ-શોની જીત પછી આરવને પાછું વળીને જોવાની ફુરસદ નથી. ક્યાંક જૉબ કરવાને બદલે તે ખુદ એક બ્રૅન્ડ બની ગયો. અખબારમાં કૉલમ, ટીવી પર કુકિંગ-શોઝ, એક્સક્લુઝિવ કેટરિંગ સહિતની વ્યસ્તતામાં ઉમેરો કરતી ફ્રીલાન્સ કન્સલ્ટન્ટ તરીકેની થકવી નાખનારી પ્રવૃત્તિ... અને કશામાં, ક્યાંય સમાધાન નહીં.

ઘરની નજીક ચોપાટી ખાતે આરવે કેક શેપમાં ઑફિસનું બિલ્ડિંગ બનાવ્યું છે, પણ તે પોતે મહદંશે થર્ડ ફ્લોરની કૅબિનને બદલે પહેલા માળના રસોડે જ વધુ જોવા મળે. નવું શીખવાની નેમ હજીયે એવી. રસોઈકળામાં ખોવાતા આરવને જોવો લહાવો ગણાય. વ્યંજન ધાર્યા મુજબનું બને તો ટ્રીટ દેવામાં પણ એટલા જ ઉદાર. અંગત રીતે પણ આરવ એટલા જ ઑર્ગેનાઇઝ્ડ. પરીકથાના રાજકુમાર જેવા રૂડારૂપાળા આરવ આજે અઠ્ઠાવીસમે વરસે કંઈક કોડીલી કન્યાઓનાં અરમાન જેવા છે. તેમની સેક્રેટરી તરીકે અપૉઇન્ટ થયાની ખુશી બેસુમાર હતી. બેશક, મોસ્ટ પર્ફેક્શનિસ્ટ આરવની સેક્રેટરી તરીકેની જૉબ સરળ નહોતી. યેટ ઑલ હાર્ડશિપ ઇઝ અફૉર્ડેબલ - આરવનો ચાર્મ જ એવો હતો! તેમના ઘરે ગઈ છું, ફૅમિલીને મળી છું. એની ખુશી સિસિલ્યા પોતાના પેરન્ટ્સ, મોટાં ભાઈ-ભાભીને જતાવતી પણ ખરી.

‘આરવ માટે દુલ્હન તરાશીએ છીએ.’ એકાદ ગેટ-ટુગેધરમાં સુરભિદેવીને કહેતાં જાતે સાંભળ્યાં ત્યારથી મન જાણે ઉમડઘૂમડ થાય છે. ડૅડીની મિડલ ક્લાસ પોઝિશનની તુલના દીવાન્સ જોડે થઈ ન શકે. વળી પોતે રહી ક્રિશ્ચિયન. વૈષ્ણવ પરિવારની વહુ બનવાનું વિચારાય પણ કેમ!

પરંતુ જુવાન હૈયાને કશું અશક્ય લાગતું નથી.

અમીર-ગરીબ વચ્ચે શું લગ્નો કદી થયાં જ નથી! અરે, મુંબઈ જેવા કૉસ્મોપોલિટન સમાજમાં શું વૈષ્ણવ, શું ખ્રિસ્તી! અને આરવ રૂપકડો હોય તો હું ક્યાં ઊતરતી છું! સિસિલ્યા દિલને બહેકવા દેતી. આમાં પ્યાર નહોતો, ફૂલગુલાબી સપનું હતું. બીજા કોઈને નહીં કહેવાયેલું સપનું.

‘આર યુ ધેર?’

સહેજ ઊંચા અવાજે પુછાયેલા પ્રશ્ને સિસિલ્યાને ઝબકાવી : ઓહ, હું આરવ સામે ઊભી તેના વિચારોમાં ક્યાં ખોવાણી!

‘યસ સર, સૉરી સર.’ ગરબડિયો જવાબ વાળીને તે સ્વસ્થ થઈ, ‘વિઝિટિંગ કાર્ડનો ઑર્ડર ફાઇનલ કરી દઉં છું.’

‘હં. મેક શ્યૉર કે આવતા અઠવાડિયે ડૅડીની ૬૦મી વર્ષગાંઠનું ગ્રૅન્ડ સેલિબ્રેશન છે એ પહેલાં કાર્ડ્સ છપાઈને આવી જાય.’

‘શ્યૉર સર.’

સિસિલ્યાને સ્મરણ હોય જ કે રવિવાર, પાંચ નવેમ્બરે વિશ્વનાથ દીવાન ૬૦ વર્ષ પૂરાં કરે છે એ નિમિત્તે આરવે ભવ્ય સમારંભનું આયોજન કર્યું છે. દોઢથી બે હજાર જેટલા મહેમાનોનો સમાવેશ થઈ શકે એ માટે કોલાબાના પાર્ટી-પ્લૉટનું વેન્યુ નક્કી થયું છે. આમંત્રિતોમાં મેડિકલ, કુકિંગ-વર્લ્ડની નામી હસ્તીઓ ઉપરાંત ફિલ્મ-ટીવીની સેલિબ્રિટીઝ પણ હોવાની. આરવના વધતા વ્યાપની એ નિશાની.

સ્વાભાવિકપણે સેલિબ્રિટી શેફના ઘરના ફંક્શનમાં મેનુ સ્પેશ્યલ હોવાનું. ઇન્વાઇટ મળતાં જ લોકો આરવને ફોન કરીને કહેતા : અમને ખાતરી છે કે તમારે ત્યાંની ઉજવણી સ્વાદસોડમ ભરી જ હોવાની!

‘તમે નિરાશ નહીં થાઓ.’ આરવ ગવર્થીા કહી દેતો.

‘સિસિલ્યા.’

બૉસના સાદે વળી ઝબકવા જેવું થયું. સિસિલ્યાએ જાતને ટપારી.

‘પુટ મી ટુ મૌનવી.’

મૌનવી. પાછલા છએક મહિનાથી મૌનવી આરવના કુકિંગ-શોમાં ઍન્કરિંગ કરે છે. દર અઠવાડિયે ગ્ગ્ઘ્ની એશિયા ચૅનલ પર પ્રસારિત થતો આરવનો ‘ધી ઇન્ડિયન કુક શો’ ખાસ્સો પ્રચલિત છે. ભારતના વિવિધ પ્રાંતોની સ્પેશ્યલિટી વાનગી શીખવતા શોના પૅકેજિંગમાં આરવે કસર નથી છોડી. પોતાના કિચનમાં શૂટ કરવાને બદલે ઘણી વાર જે-તે પ્રદેશમાં, અવનવા માહોલમાં લાઇવ શૂટિંગ કરાય છે જે શોને ઑથેન્ટિક ટચ આપે છે. પ્રોગ્રામની એકવિધતા તૂટે એ હેતુથી થોડા સમય અગાઉ આરવે ઍન્કર રાખવાનું નક્કી કર્યું અને એમાં મૌનવીની પસંદગી પણ આરવે જ કરી હતી, નૅચરલી.

હું તેમના શોના સ્ટાફને જાણું ખરી, પણ મળવાનું ભાગ્યે જ થાય. મારે સ્ટુડિયોમાં જવાનું હોતું નથી અને ટીમે અહીં આવવાનું ખાસ ન બને. વરલી ખાતે ભાડાના ફ્લૅટમાં અનાથ મૌનવી એકલી રહે છે એટલી મને જાણ. મહિનામાં એક અઠવાડિયું ફાળવીને આરવ ચાર-પાંચ એપિસોડ્સ પતાવી દે. એમાં આ વખતે વિશ્વનાથજીની બર્થ-ડે હોવાથી બે વધુ હપ્તા ઍડ્વાન્સમાં પતાવી દીધા છે. એડિટિંગ-મિક્સિંગમાં આરવ આમેય મોજૂદ નથી હોતા. ક્રીએટિવ ટીમે તેમનું ફાઇનલ અપ્રૂવલ લેવાનું હોય ખરું, પણ એમાં મૌનવીની આવશ્યકતા નથી હોતી. સવાલ છે કે સરને અચાનક મૌનવીનું શું કામ પડ્યું! 

અલબત, એની નવાઈ ન હોય, બૉસને ગમે ત્યારે ગમે તેની જરૂ૨ પડે. છતાં સિસિલ્યાને ખટક્યું : વરસેકથી હું સરની સેક્રેટરી છું, સુંદર છું; પણ આરવ પાસે એક નજર જોવાની ફુરસદ નથી ને મૌનવીને સાહેબ સામેથી ફોન જોડવા માગે છે?

કોઈ ક્લાયન્ટ કે બિઝનેસ-સર્કલમાં ફોન જોડવાનો હોત તો સેક્રેટરીની ચપળતાથી સિસિલ્યાએ કરી આપ્યું હોત, નંબર્સ મેમરાઇઝ કરવામાં તેની માસ્ટરી હતી; પણ મૌનવીનો કૉન્ટૅક્ટ-નંબર કોણે મોઢે કર્યો‍ હોય!

‘નંબર મને ખબર છે...’ આરવ ફટાફટ મોબાઇલ-નંબર બોલી ગયો એ આંકડા દબાવતી સિસિલ્યાનું ચાલે તો ખોટા નંબર દબાવી સરને કહી દે કે સામી વ્યક્તિ સંપર્કની બહાર છે! પણ ના, આરવની નજર ટેલિફોન પર જ હતી એટલે ગફલત કરીને તેની ખફગી વહોરવાની સિસિલ્યાની હામ ન થઈ.

‘લતાજીનું કોઈ દર્દીલું ગીત સંભળાતું હશે...’

સિસિલ્યા અવાક. સામા છેડે સાચે જ લતાનો કંઠ ગુંજી રહ્યો હતો : ઓ બસંતી પવન પાગલ...

વાહ રે મિસ્ટર શેફ. તમે મૌનવીને એટલી હદે જાણી ગયા? લાગે છે કે મોબાઇલ પર બેઉ વચ્ચે ઘણું ગૂટરગૂ થતું હોવું જોઈએ. મે બી, શૂટ માટે ટીમ ભેગા આરવ-મૌનવી દાર્જિલિંગ, ઊટી જેવાં સ્થળો ઘૂમ્યાં પણ છે એટલે નજીક આવવાનું બન્યું હશે...

સારું થયું આ એક ફોન જોડવાના બહાને તમારું અંતર જાણવા મળ્યું. સારું એ પણ છે કે આખી રિંગ જવા છતાં મૌનવી ફોન રિસીવ નથી કરતી. આરવે આપેલા મૌનવીના વરલીના ઘરનો લૅન્ડલાઇન નંબર પણ રિસીવ ન થયો.

- પણ મૌનવીને ફોન કરવાની જરૂરતે બૉસનું હૈયું ઉઘાડું પાડી જ દીધું! જે રોજ આવે છે તેની કદર નથી ને જે મહિનામાં સાત-આઠ દિવસ માટે મોં દેખાડતી હોય તેનો નંબર, તેની કૉલર-ટ્યુનની ખાસિયત પણ તમને મોઢે છે આરવ?

નૉટ ફે૨.

‘યુ મે ગો. આઇ વિલ કી૫ ટ્રાઇંગ. ’

સિસિલ્યાએ ચચરાટી અનુભવી. બીજું કામ નહોતું. પોતાની કૅબિનમાં આવીને ખુરસીમાં પડતું મૂક્યું.

€ € €

આરવનો ફોન. ત્રીજી ટ્રાયલે મૌનવીનો હોઠ ભિડાયો. કૉલ રિસીવ કરવો પડ્યો, ‘હાય’

ત્યારે પૅરૅલલ લાઇન પર સિસિલ્યા પણ રિસીવર ઊંચકીને બધું સાંભળી રહી હોવાનો આરવ-મૌનવીને અણસાર નહોતો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK