કથા-સપ્તાહ : ગત - અનાગત - (એક એવો દેશ -5)

અને શુક્રની સવાર આવી પહોંચી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


આજે તો કબીલાની રોનક અનેરી છે. આચાર્યજીની દીકરીનો વિવાહ-પ્રસંગ જ નિરાળો છેને!

સૌની લાડલી ચારુ પરણવાનીયે કોને? દેવના દીકરા ઓમને! શુભ પ્રસંગ નિમિત્તે ઓમ આચાર્યની જેમ દેવ-દેવીને રીઝવવા ગયો ને ગઈ કાલે વળતામાં દેવલોકથી ઓમનાં માબાપ પધાર્યાં એ ચમત્કાર જેવું લાગ્યું.

‘તમે કોઈ તેમનાથી ગભરાશો નહીં. ત્રણ દિવસ માટે તેઓ આપણી જેમ મનુષ્યદેહમાં જ રહેશે એટલે તમે સહેલાઈથી તેમને સ્પર્શી શકશો.’

આચાર્યજીએ કહ્યા બાદ કબીલાનાં સ્ત્રી-પુરુષોએ અમૂલખ-મેઘનાબહેનને આલિંગવા જાણે હોડ મચાવી હતી.

‘કેટલું ભોળપણ છે તેમનામાં.’ મેઘનાબહેન ગદ્ગદ થયાં હતાં, ‘અખિલ, ચારુ-ઓમનાં લગ્ન નિમિત્તે અમને કબીલામાં રહેવાની છૂટ આપવા બદલ આભાર માનું તો તમને નહીં ગમે, પણ આ દિવસો અવિસ્મરણીય રહેવાના.’

ઓમ-ચારુની સગાઈ નક્કી થતાં આચાર્યજીએ ઓમને મોકલીને અમૂલખ-મેઘનાને તેડાવી લીધાં હતાં : આપણા સૌ માટે આ મહામૂલો ને એકમાત્ર પ્રસંગ! ઓમ તો અમૂલખ-મેઘના જોડે રહ્યો હતો. તેમના થોડા કલાકના સહેવાસમાં ચારુનેય તેમની માયા વળગી ગઈ.

જોકે આજનો આ મુબારક દિન કેવો નીવડવાનો હતો એની ક્યાં ખબર હતી?

€ € €

ડેમ ઇટ! ગઈ કાલે મુંબઈથી જૂનાગઢ આવેલો સલામત ભીતર ધૂંઆપૂંઆ છે. એક શિકારે મારી એ હાલત કરી કે મારે સડકછાપ નેતાની ધમકીથી વશ થઈને પ્રાઇવેટ ફંક્શનમાં નાચવા આવવું પડે? પણ શું થાય, નિહારચંદ જજને લાભ આપી મારી સજાનો ફેંસલો કરાવી દે એ કેમ પરવડે?

જાણે કઈ કુબુદ્ધિએ પોતે શિકાર કરવાનો થયો... મારા ચમચા જેવા માસૂમા-જય-સુહાના આજે પણ એ રાતને કોસે છે. આજકાલ કરતાં વીસ વરસથી એના કેસમાં તારીખ પે તારીખ પડ્યા કરે છે. ના, ખરેખર તો મારી નિષ્ણાત વકીલફોજ તારીખ માગતી રહી છે.

‘હવે આ કેસ માત્ર હરણનો નથી રહ્યો. ગાઇડના આપઘાત અને ફૉરેસ્ટ-ઑફિસરના અકસ્માતને આ કેસ સાથે સાંકળીને પૂરી જનમટીપનો બંદોબસ્ત થાય એમ છે..’ વકીલો ભડકાવતા. પછી તારીખ લેવા સિવાય સૂઝે પણ કેમ! બની શકે કે આમાં વકીલોનું તરભાણું ભરાતું હોય, પણ સલામતને તો એટલી નિસબત કે પોતે જેલ જવાનું થવું ન જોઈએ! એ માટે પછી નેતાના પુત્રનાં લગ્નમાં નાચવું પડે તો નાચી પણ લેવાનું!

જાતને માંડ સમજાવી સલામતે. બાકી જૂનાગઢ રળિયામણું છે અને નિહારચંદની મહેમાનગતિ લાજવાબ...

‘જોવા જેવી ચીજ તો સાસણગીરનું અભયારણ્ય છે...’ યુવરાજના શબ્દો તાજા થયા, ‘આપ સૌ માટે અમે સિંહદર્શનની ટ્રિપ આયોજિત કરી છે. એ સમયે પાર્ક આમજનતા માટે બંધ રહેશે.’

વળી પાછું જંગલમાં જવાનું! પણ ના, આ વખતે હું હરણ નહીં મારું.

ગન સાથે રાખું જ નહીંને! સલામતે જાતને સમજાવી.

નીકળવાનું આવ્યું ત્યારે પૂછ્યા વિના તે પ્રધાનની લાલ બત્તીવાળી ગાડીમાં ગોઠવાઈ ગયો. નિહારચંદ-યુવરાજ એથી ખચકાયા. પછી થયું કે ભલે તે જોડે આવતો, પાછળથી ‘શોધેલી સંસ્કૃતિ’ના પ્રચારમાં તેનો ભરપૂર ઉપયોગ કરીશું!

અને બાર કારનો રસાલો સિંહદર્શને ઊપડ્યો. એમાંથી ભીમસિંહે ક્યારે ગાડી સરકાવીને દક્ષિણના ઝાંપેથી અંતરિયાળ લેવા માંડી એનો અણસારે ન આવ્યો સલામતને!

€ € €

ઢળતી સંધ્યાનો સમય છે. થોડાક કલાક પછી રાત્રિના શુભ ચોઘડિયામાં જેમનાં લગ્ન છે એ જોડું દિવસભરના મહેમાનોથી થાકીને એકાંત માણવા જળાશયે આવ્યું છે. ઓમની નિશ્રાની નચિંતતા પરખાતી હોય એમ હરણાં મુક્તમને વિહરી રહ્યા છે. ઓમનું ગુંફન ચારુને મદહોશ કરે છે કે...

દૂર બજતા ઢોલનાં પડઘમ સંભળાયાં. આ તો સાવજથી સાવધ કરતી ટોળકીનો સાદ! ઓમે નજીક પડેલાં તીરકામઠાં સંભાળ્યાં, ચારુએ કટારી ચકાસી. વળી સિંહ આવ્યો? આટલું વિચારે ત્યાં...

પૂરપાટ ધસી આવતી લાલ બત્તીવાળી ગાડીએ હરણાને અડફેટમાં લેતાં અફરાતફરી મચી ગઈ... પછડાયેલા એક હરણ પર કારનું પૈડું ફરી વળ્યું.

ના, આ રાક્ષસ નથી, કાર છે એટલી તો ચારુને પણ ખબર છે. એના જોરે હરણાને હરનાર દુષ્ટ મનુષ્ય જ હોવાનો!

કબીલા માટે હરણની હત્યા એટલે મૃત્યુદંડનો ગુનો. નિર્દોષ હરણાંનું જીવના જોખમે રક્ષા કરવાની પ્રતિજ્ઞા ગળથૂથીમાં ઘૂંટાઈ છે. એમાં આ તો નજર સામેનો અપરાધ! કોણ છે એ ગુસ્તાખ!

ઓમે પાધરકું તીર છોડીને ટાયર ફાડ્યું.

€ € €

ઓમ-ચારુની વેશભૂષા ભાળીને અંદર બેઠેલા નિહારચંદ-યુવરાજ મિશન પાર પડ્યાની ખુશી અનુભવતા હતા, ભીમસિંહને એની સમજ હતી. કેવળ સલામત બઘવાઈ રહ્યો : આ શું. તમે હરણને ઉડાવી મૂક્યું! યા ખુદા.

‘બદલામાં શું મળે છે એ તો જુઓ...’ નિહારચંદે ભીમસિંહને કહ્યું, ‘જા, ટાયર બદલ અને તેમને કહે કે તમારા ગામમાં લઈ જાઓ.’

બૉસની આજ્ઞાએ ભીમસિંહે દરવાજો ખોલ્યો, ફુટબોર્ડ પર પગ મૂકીને ઊતરવા ડોકું બહાર કાઢ્યું કે...

ખચાક! ચારુએ છોડેલી કટારી ભીમસિંહની ગરદનમાં ખૂંપી ગઈ.

અરે બાપ રે! ઢળી પડતા ભીમસિંહને બહાર તરફ ધક્કો દઈને નિહારચંદે ગાડીનો એ દરવાજો બંધ કર્યો‍. મરતી વેળા ભીમસિંહને આ શિરપાવ કેવો લાગ્યો હશે! પરંતુ એની કોને

પરવા હતી?

‘લાગે છે કે હરણું મરવાથી આ લોકો ગુસ્સે ભરાણા છે. પંચર-બંચર માર્યા ફરે યુવરાજ, તું તારે ભગાવ ગાડી!’

યુવરાજે ડ્રાઇવિંગ-સીટ પર ગોઠવાઈને કારને આગળ વધારી કે બીજાં ત્રણ તીરે બાકીનાં ટાયરની હવા નીકળતાં ગાડી ખોટકાઈ ગઈ. એટલું સારું કે બુલેટપ્રૂફ કાર ફેંકાતાં તીરને નાકામ કરી દે છે... પણ આ શું?

બાપ-દીકરા ભેગો સલામત પણ ફાટી આંખે નિહાળી રહ્યો : ઢોલ ધીબેડતાં કબીલાનાં સ્ત્રીપુરુષો હાથમાં આવ્યું એ હથિયાર લઈને કારને ગોળાકારે ઘેરી વળ્યાં. તેમને મન કાર રાક્ષસ સમાન હતી છતાં એનો ડર નહોતો. હરણની હત્યા કબીલાવાસીઓને ઉશ્કેરવા પૂરતી હતી.

‘લાલ બત્તીવાળી કાર તો પ્રધાનની હોય...’ અમૂલખ આચાર્યના કાનોમાં બબડ્યા. આગળ વધીને કારનો દરવાજો ખોલ્યો. અંદરના મહાનુભાવોને જોતાં ચમકી જવાયું : નિહારચંદ, તેનો દીકરો યુવરાજ અને સલામત ખાન!

દાણચોરમાંથી નેતા બનેલા નિહારચંદ પર તેમને માન નહોતું. તેના દીકરા યુવરાજનાં લગ્નની જાહોજલાલી મીડિયામાં ચર્ચાતી થઈ ગઈ હતી. જાણે એક સ્થળે સૌને ભેગા કરવામાં કુદરતની શી ગણતરી હશે!

‘પધારો...’ અમૂલખના આદેશે ત્રણેએ નીચે ઊતરવું પડ્યું.

‘કબીલાવાસીઓ...’ અમૂલખની હિન્દીનો આચાર્યજી સંસ્કૃતમાં તરજુમો કરતા ગયા, ‘આ ત્રણ નથી દેવ, નથી રાક્ષસ. તમારા જેવા મનુષ્યો જ છે. એ લોકો ક્યાંથી આવ્યા એ મહત્વનું નથી. મહત્વના છે તેમના ગુણ. આ છે સલામત ભાઈજાન. જનાબ ઑલરેડી ત્રણ હરણ મારી ચૂક્યા છે.’

જાણીને લોકોમાં ખળભળતો રોષ સલામતના ટાંટિયા ધ્રુજાવી ગયો.

‘ઓમ, નિહારચંદને તું વિશેષ ઓળખી લે. એક જમાનાના દાણચોરનો ધંધો લાખનસિંહે ચૌપટ કરી દીધેલો.’ અમૂલખ જાણીને સંસ્કૃતમાં બોલ્યા. ઓમ-ચારુ-આચાર્ય-ગુરુમા સહેજ ચમકી ગયાં. મેઘનાબહેને મોં બગાડ્યું. બીજી સંસ્કૃત તો ન સમજાઈ, પણ લાખનસિંહના ઉલ્લેખે નિહારચંદ ચમકયો.

‘ત્રીજા છે યુવરાજ, નિહારચંદનો દીકરો. બાપ તેવા બેટા.’ કહીને અમૂલખ નિહારચંદ તરફ ફર્યા, ‘હું તમને ક્યાંથી ઓળખું એનું અચરજ થાય છે? લાગે છે કે તેં મને ઓળખ્યો નહીં... હું જજ અમૂલખ.’

હેં! સલામતના ડોળા ચકળવકળ થયા. નિહારચંદનું નેતાગુમાન ઊછળી આવ્યું, ‘મતલબ સરકારી નોકર, હં!’

સરકારી નોકરને ગુલામ સમજવાની માનસિકતાવાળા નેતા ઘણી વાર ન બોલવાનું બોલી જતા હોય છે. જમા થયેલા ટોળામાં સરકારનો કર્મચારી હોવાથી આત્મવિશ્વાસ બુલંદ બનતો હોય એમ તેમણે તોછડાઈથી ઉમેર્યું, ‘તમને થતું હશે કે અમે અહીં કેમ આવી ગયા... વર્ષો અગાઉ કબીલો છોડનારાની નવી પેઢીએ વાત કાને નાખી... બાકીનું કામ ગૂગલ અર્થે કરી આપ્યું.’

જરૂર એ છપ્પનિયા દુકાળ વખતની હિજરતવાળો પરિવાર હોવો જોઈએ... ટેક્નૉલૉોજીએ મારો ડર સાચો પાડ્યો. આચાર્યજી આંખો મીંચી ગયા.

‘અને આ લાખનસિંહનું તું શું કહેતો હતો? અરે, તેને તો ગાઇડ મંગરૂ ભેગો ભીમસિંહના હાથે ટ્રક નીચે મેં કચડાવી દીધેલો...’ નિહારચંદે બાફ્યું.

સલામત ભડક્યો. ઓમની આંખોમાં લાલ દોરા ફૂટ્યા. પિતાના ‘અકસ્માત’ પાછળનાં શંકાનાં વાદળાં વિખરાયાં. ગુનેગાર સામે હતો!

‘ચલ, આ ટોળાને વિખેર. મને પ્રાઇમ મિનિસ્ટર જોડે વાત કરવા દે.’ નિહારચંદ ગજવામાંથી મોબાઇલ કાઢે છે કે...

‘ઓમ, સજા!’ ચારુ એટલું જ ચિલાઈ ને બીજી પળે ઓમે છોડેલું ચાકુ નિહારચંદની ગરદનમાં ખૂંપી ગયું. અણધાર્યા અંતનો આંચકો પણ દર્શાવવા ન પામ્યો તે! જીવનભરના ગુનાની આવી જ સજા હોતી હશેને?

સલામતને તમ્મર આવ્યાં. આ પ્રજા વાતવાતમાં માણસોને વાઢી દે છે!

‘હેય...’ યુવરાજ ગિન્નાયો. ગજવામાંથી ગન કાઢીને હવામાં ફાયર કર્યું. ‘ખબરદાર, તમારામાંથી કોઈને હું છોડીશ નહીં.’

આ તેનું અંતિમ વાક્ય બની રહ્યું. અજાણ્યા હથિયાર અને એના ધડાકાથી ભડકેલા કબીલાવાસીએ ખૂણામાંથી છોડેલું તીર તેની છાતી વીંધી ગયું! થોડું કણસીને તેણે દેહ ઢાળી દીધો. તે ઓમનું વેર ન સમજ્યો. સદીઓથી અલિપ્ત રહેલી પ્રજાને સ્નેહ દાખવવાને બદલે ગુમાનથી, ધાકથી વશ કરવાનો થયો એમાં પ્રાણ ગુમાવ્યા એ કદાચ તેની તકદીર!

હવે મારો વારો આવશે એ વિચારે સલામતે હોશ ગુમાવ્યા!

€ € €

તેની આંખો ખૂલી ને તે ચીખી ઊઠ્યો. અફાટ જંગલમાં પોતે કારની ડ્રાઇવિંગ-સીટ પર બેઠો હતો. સામે મેદાનમાં સિંહોનાં ટોળાંએ ચૂંથી હોય એવી ત્રણ લાશ પડી હતી : નિહારચંદ, યુવરાજ, ભીમસિંહ!

યા ખુદા, આ બધું શું બન્યું? ક્યારે બન્યું? તેના લમણાની નસેનસ તંગ થતી હતી : મને કેમ કઈ સાંભ૨તું નથી?

€ € €

‘સલામતનો કેસ બહા૨ની અદાલતમાં ચાલતો હોવાથી જીવતો જવા દીધો છે. બેહોશ થયેલા સલામતને સ્મૃતિભ્રંશની જડીબુટ્ટી પીવડાવી છે એટલે આજની ઘટના તે હંમેશ માટે વિસ૨ી ચૂક્યો છે. સલામતને આપણી સરહદ પાર મૂકી દીધો છે. બાકીના ત્રણને સિંહોએ ફાડી ખાધાનું દૃશ્ય સરજ્યું છે એટલે કબીલો આજ પૂરતો તો સચવાઈ ગયો છે...’ ઓમે ઊંડો fવાસ લીધો, ‘તમે ન હોત તાઉ તો હું મારા પિતાનું વેર ન લઈ શક્યો હોત...’

‘મૃતકોનાં કરમ તેમને અહીં તાણી લાવ્યાં. ગત-અનાગત એક બિંદુ પર મળી ગયું. કુદરત કોઈને છોડતી નથી.’

‘સાચું અમૂલખ...’ આચાર્યજીએ કહ્યું. પછી તેમના આંગણે ભેગી થયેલી ભીડને સંબોધી, ‘કબીલા પરનું એક સંકટ ટળી ગયું. આપણે કોઈ પણ જાતના આક્રમણને પહોંચી વળવા સક્ષમ છીએ એ પુરવાર થયું. એ આત્મશક્તિ જ આપણી ધરોહર છે. એને સાબૂત રાખવાની જવાબદારી હું ઓમને સોંપું છું.’

સૌ તાળી પાડી ઊઠ્યા. ઘણુંબધું તેઓ નહોતા સમજ્યા, પણ ઓમ-આચાર્યની નિશ્રામાં કારણ-તારણના પિષ્ટપેષણનો અવકાશ નહોતો.

‘રાક્ષસ હણાયો, હવે શુભ મુરતમાં ઓમ-ચારુના વિવાહ સંપન્ન કરીએ.’ ગુરુમાએ જાહેરાત કરી ને ઘડીભરમાં ઉમંગનો પૂવર્વોત્ માહોલ પ્રવર્તી ગયો.

ઓમ-ચારુની નજરો મળી. પાછલા થોડા સમયથી જે બનતું ગયું એ કસોટીરૂપ હતું. બહારની દુનિયામાં પોતાના ફરજપરસ્ત પિતાની હત્યા થઈ હોવાનું જાણ્યા પછી કબીલાને એના પડછાયાથી દૂર રાખવામાં જ શાણપણ લાગ્યું. પિતાના ખૂનીને સજા દઈને હૈયું હળવાશ પણ અનુભવતું હતું. હવે કબીલાને પોતે દોરવાનો હતો. એ શુભ યજ્ઞમાં ચારુના સાથ જેવી સુગંધ કઈ હોય?

પુરુષ-પ્રકૃતિના મિલનનો સાદ ગુંજવા લાગ્યો. સર્વત્ર એની મધુરતા પ્રસરી રહી.

€ € €

‘બિલીવ મી... અમે અભયારણ્યમાં રસ્તો ભૂલ્યા, ઉબડખાબડ રસ્તામાં સમહાઉ ગાડીનાં ટાયર ફાટ્યાં. ભીમસિંહ એ જોવા ઊતર્યો, બાપ-દીકરો પગ છૂટો કરવાના થયા એવામાં સિંહોનું ટોળું આવ્યું ને... હથિયાર વિનાનો હું આઘાતથી બેહોશ થઈ ગયો, તેમને બચાવી ન શક્યો!’

ખોફનાક હાવભાવે સલામતે ઉપજાવેલી સ્ટોરી છેવટે સ્વીકારી લેવાઈ. સલામતની જિંદગીનો કદાચ એ સર્વશ્રેષ્ઠ અભિનય હતો!

આટલું કર્યા પછી પણ એને સાંભરતું નથી - એ દહાડે ખરેખર શું બન્યું?

€ € €

અને કથાના ઉપસંહારમાં એટલું જ કે નિહારચંદ-યુવરાજની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. પતિ-પુત્ર ગુમાવનારાં નિર્મળાદેવીએ જોકે ખુરસી જવા ન દીધી એ સૂચક છે. જામનગરના લૅન્ડલૉર્ડની પુત્રી પછી બીજે ૫૨ણી. અમૂલખ-મેઘના આજેય કબીલાના સંપર્કમાં છે જે હવે ઓમ-ચારુની ઓથમાં વધુ પ્રબળપણે સુરક્ષિત છે.

અને હા, સલામતનો હરણવાળો કેસ આજે પણ પેન્ડિંગ છે!

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK