કથા-સપ્તાહ : ગત - અનાગત - (એક એવો દેશ -4)

હેં! ચારુને તમ્મર આવવા જેવું થયું.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


પૃથ્વી નામનો ગ્રહ, ભારત નામનો દેશ, ગુજરાત નામનું રાજ્ય... શું છે આ બધું? બાબા દેવલોકને બદલે આ દુનિયામાં જતા?

ઓમ પણ આવો જ આઘાત પામેલો. ખરેખર તો અમે દુનિયાથી અજાણ્યા પ્રદેશમાં રહીએ છીએ એ ઘટના પચાવતાં સમય લાગેલો; પણ બાબા શહેરની ગતિવિધિ, નાણાકીય વહેવારથી જ્ઞાત લાગ્યા. જૂનાગઢના ઘરમાં મળેલું તેમનું મિત્રદંપતી - જેને સૌ કબીલામાં મારાં માબાપ માને છે એવાં - અમુલખ-મેઘના સહૃદયી હોવાનું જણાયું.

‘ઓમ, તને અહીં લાવવાનું પ્રયોજન મારી વૃદ્ધાવસ્થા તો ખરી જ, જે થોડા વરસો રહ્યાં એમાં તને ઘડી જવો છે એ કારણ સાચું જ; સાથે તને તારાં માતા-પિતા વિશે જણાવવાની ફરજ પણ નિભાવવી રહી. આ જ એ ઉંમર છે. તને ગર્વ થાય એવા માવતરનું તું સંતાન છે...’

ફૉરેસ્ટ-ઑફિસર લાખનસિંહ-દામિનીની ગાથા જાણીને ઓમ બાબાને વળગીને ધ્રુસકાભેર રડી પડેલો. બાબાએ તેમની તસવીર પણ દોરી બતાવેલી.

‘આઘાતની વાત એ છે કે ઓમ કે...’ અમૂલખભાઈએ કહેલું, ‘હરણના જે શિકારથી વાત વધી એનો ચુકાદો હજી આવ્યો નથી. તાજના સાક્ષી કે

ફૉરેસ્ટ-અધિકારી જ ન રહ્યા એ સમયે એવું પણ અનુમાન અમે લગાવ્યું હતું કે પોતાનો કેસ નબળો પાડવા ક્યાંક સલામત ખાને જ તો આ રમત નથી માંડીને! બીજી બાજુ એમ થાય કે પાંચ-છ વર્ષની સજાની સંભાવનાવાળા કેસમાંથી છટકવા કોઈ બબ્બે હત્યા જેવો ગંભીર ગુનો આચરી શકે ખરું? સલામતના નિષ્ણાત સલાહકારો આવી બાલિશ સલાહ તો ન જ દે.. ગમે એમ, કાયદાના ચોપડે ગાઇડ મંગરૂ કે તારા પિતા લાખનસિંહના અંતમાં કશું અસ્વાભાવિક નથી... પછી તો મારીયે બદલી થઈ. હવે તો હું નિવૃત્ત પણ છું...’

ઓમને લાગેલું કે આ સત્યો પચાવતાં જાણે કેટલાં વરસો વીતશે!

‘...અને તોય આ બધું જિગરમાં છુપાવી બેઠા!’ ચારુએ ઓમના બાવડે મુઠ્ઠી વીંઝી.

‘કેમ કે મારે આ પીડા તને દેવી નહોતી.’ ઓમે ગળું ખંખેર્યું. ‘મા-પિતાજીની યાદ મને બેચેન બનાવી જાય છે ખરી, શિકાર નિમિત્તે પિતાજીની અમૂલખતાઉ સાથે ધરી બંધાઈ અને તો બાબાને મળવાનું થયું - એ બધા જોગાનુજોગ કેવળ ઈશ્વરપ્રેરિત જ હોઈ શકે!’

ચારુ સ્તબ્ધ હતી. હવે સમજાયું કે ઓમ રાત્રે બાબા સાથે બહારની દુનિયાનું જ્ઞાન સમેટતો હોય છે.

‘અમૂલખતાઉ સાથે તેમનો દૃષ્ટિકોણભેદ છે, કબીલાને અદૃશ્ય રાખવાનાં બાબાનાં પોતાનાં કારણો છે ને હું એ સાથે સંમત છું.’

‘મા-બાબા સાથે તું સંમત હોય ઓમ તો અળગી રહેનારી હું કોણ?’

ચારુએ ઓમના ખભે માથું ઢાળ્યું. પછી બીજું બધું ગૌણ બની ગયું.

€ € €

‘બાબા, કેમ છો?’

‘મજામાં...’ કહેતાં આચાર્યજી ચમક્યા. ગુજરાતી બોલીમાં મારી દીકરી મને પૂછે છે! તેમણે ઓમને નિહાળ્યો, તેણે પાંપણ પટપટાવી.

‘આ સચનાં રખોપાં કરજે, તારી માની જેમ...’ આચાર્યજીએ ચારુના માથે હાથ મૂક્યો. ગુરુમાએ ભીની પાંપણ લૂછી.

આચાર્યજીએ ઓમને બહારની દુનિયાથી જ્ઞાત કરાવ્યો, ચારુને એની જાણ થઈ. હવે બેઉનાં લગ્નને ટાળવાનું કોઈ કારણ રહેતું નહોતું... ‘આવતા અઠવાડિયાના શુભ મુરતે તમારાં લગ્ન. ચારુ-ઓમ, પુરુષ-પ્રકૃતિ જેવું તમારું મિલન છે. આપણા કબીલાની ધરા તમારા હાથોમાં સુરક્ષિત છે.’ ઘેઘુર કંઠે આચાર્યજી બોલ્યા, ‘બહારની દુનિયા સાથે તમે તાલમેલમાં જરૂર રહેજો, પણ બૂરા જમાનાની હવા કબીલાને સ્પર્શે નહીં એ જોજો. મને એનો જ ભય રહે છે હમણાંનો.. ’ તેમનો સ્વર ધ્રૂજ્યો. આમાં ભાવિનો પડઘો હતો?

ઓમ-ચારુને સમજાયું નહીં!

€ € €

‘મેં કહ્યુંને... ગીરના જંગલમાં એક હિસ્સો એવો છે જે આજ સુધી બહારની દુનિયાથી અલિપ્ત છે.’ મયૂરે ભારપૂર્વક ઉમેર્યું, ‘મારાં દાદા-દાદી મયાર઼્ ત્યાં સુધી કહેતાં હતાં કે અમારા કબીલા જેવું બળ્યું તમારું આ શહેર નહીં!’

સાંભળનારા લોકોએ તેની વાત જોકે હસવામાં લઈ લીધી, ‘લાગે છે કે યુવરાજનાં લગ્નની ખુશાલીમાં તેના મોટરસવારે (ડ્રાઇવરે) અઠવાડિયા અગાઉથી પીવાનું શરૂ કરી દીધું છે...’

મયૂર સહેજ નિરાશ બન્યો.

જૂનાગઢ મતવિસ્તારથી વિધાનસભામાં ચૂંટાયેલા શાસક પક્ષના નેતા નિહા૨ચંદના મહેલ જેવા નિવાસસ્થાનમાં ડ્રાઇવર તરીકે નોકરી મળી એય જાહોજલાલીથી કમ નહોતું... પતિ-પત્ની અને પુત્ર ત્રણ જણની ફૅમિલી માટે ઓછામાં ઓછા દોઢ ડઝન જેટલા નોકર-ચાકરોનો સ્ટાફ નિયુક્ત થયેલો. નેતાજીની સિક્યૉરિટી ગૅન્ગ તો જુદી. તેમનાં પત્ની નિર્મળાદેવી સોશ્યલી ઍક્ટિવ, જ્યારે સોહામણા દેખાતા દીકરા યુવરાજને નિહા૨ચંદે રાજકારણમાં ઘડવા માંડ્યો છે!

બીજા ચાકરોની જેમ મયૂર બિનજરૂરી જીહજૂરિયાપણું કરી શકતો નહીં, રાજકારણની વાતોમાં રસ પણ નહીં. તે ભલો ને તેનું કામ ભલું. ૨૪ વર્ષના યુવરાજને તેનો સાયલન્ટ નેચર જચી ગયેલો એટલે ધીરે-ધીરે મયૂર યુવરાજનો અંગત ડ્રાઇવર ગણાઈ ગયો.

અહીં કામના કલાક નક્કી નહીં. મોડું થાય તો પછવાડેના સવર્ન્ટવ ક્વૉર્ટરમાં પોઢી જવાનું. ખાણી-પીણી પર કોઈ પાબંદી નહીં. પગારમાં ઓવરટાઇમની બંદિશ નહીં. હા, વફાદારી અપેક્ષિત હતી ને મયૂર તેની ઘરવાળીનેય કહેતો નહીં કે યુવરાજ

શરાબ-શબાબનો શોખીન છે. એ હિસાબે યુવરાજ પર તેના બાપનો હાથ બરાબર ફર્યો છે!

નિહારચંદ માટે ખાનગીમાં એવી કાનાફૂસી થતી હોય છે કે મૂળ તો ડાંગ જિલ્લાનો એક દાણચોર. ત્યાં ધંધામાં કસ રહ્યો નહીં એટલે પછી રળેલી આવક પૉલિટિક્સમાં ઇન્વેસ્ટ કરી પંદરેક વર્ષ અગાઉ જૂનાગઢમાં વસ્યો. પગ એવા પહોળા કર્યા કે પાછલી બે ટર્મથી જૂનાગઢમાં તેનો વિકલ્પ નથી! ખંધો માણસ દાણચોરીમાં ન કમાયો હોય એટલું પ્રધાન બનીને રળી શક્યો છે. બધાં લક્ષણે પૂરા નિહારચંદે બે-ત્રણ રખાતો રાખી છે જે ખરેખર તેના માટે પાર્ટીના બડે લોગને રીઝવવાનું કામ કરે છે! પત્નીથી આ બધું અજાણ્યું નહીં જ હોય, પરંતુ આવા માહોલમાં ઘરનાં બૈરાં પણ રીઢ થઈ ચૂક્યાં હોય છે. જાહેરમાં પોતાનો રુત્બો જળવાય એ ઘણું.

હા, યુવરાજ મા-બાપ બેઉનો લાડકવાયો. દીકરો જેટલો લાડકો, નિહારચંદનો એટલો જ વિશ્વાસુ ભીમસિંહ! મોટા માલિકના પડછાયા જેવો ભીમસિંહ બોલે ઓછું, પણ તેના માલિકની આસપાસનું પત્તેપત્તું તેના રડારમાં હોય. પરણ્યો નથી, પણ લલનાઓનો શોખીન ખરો.

આમાં ત્રણ માસ અગાઉ નિહા૨ચંદે યુવરાજનું વેવિશાળ જામનગરના લૅન્ડલૉર્ડની પુત્રી સાથે ગોઠવીને મોટી સોગઠી મારી હોવાનું કહેવાય છે... આવતા અઠવાડિયે યુવરાજનાં લગ્ન છે. નિહારચંદનું ફોકસ કેવળ અત્યારે દીકરાનાં લગ્ન પર છે. લગ્ન પછીના સત્કાર સમારંભમાં વડા પ્રધાનને તાણી લાવવાની તેમની મહેચ્છા છે. વડા પ્રધાન તો આવે ત્યારે સાચા, ચાર દિવસ પછીના યુવરાજના સંગીતમાં બૉલીવુડના સલામત ખાન સહિતના સુપરસ્ટાર્સ ઠૂમકા મારવા આવી રહ્યા છે ખરા!

ઉનાળાના દિવસો છે એટલે ખુલ્લા મેદાનમાં બૉલીવુડ નાઇટનો બહુ મોટો જલસો થવાનો છે. જામનગરથી વેવાઈ પક્ષના મહેમાનો આવશે, પ્રધાન સમુદાયનો મેળાવડો, સ્ટાર્સની સવલતો જાળવવાનાં પાર વિનાનાં કામોથી નિવાસસ્થાન ધમધમે છે. આવામાં ફુરસદ મેળવીને નોકરવર્ગ ભાતભાતનાં ગપ્પાં લડાવતો હોય છે. એમાં પોતે આજે સત્ય કહ્યું એ માનવા કોઈ તૈયાર નહીં!

‘મયૂર...’ યુવરાજના સાદે તે ચમક્યો. ડ્રાઇવરની કૅપ સરખી કરતો દોડી ગયો. છોટે માલિકને પરસાળમાં ભાળીને સર્વન્ટ્સ ક્વૉર્ટરના ઓટલે બેઠેલો નોકરવર્ગ સાબદો થઇ ગયો.

‘ગાડી નિકાલો...’ બધાના દેખતા તો યુવરાજે આટલું જ કહ્યું, પણ પછી મયૂરની ઊલટતપાસ આદરી : તું અદૃશ્ય રહેલી જગ્યા વિશે શું કહેતો હતો?

યુવરાજ સાંભળી ગયા! સદ્ભાગ્યે યુવરાજનો મિજાજ ગમતીલો લાગ્યો એટલે રાહત અનુભવીને મયૂર સડસડાટ કબીલા વિશે બોલી ગયો, ઉમેર્યું : જોકે આ તો દાદા-દાદીની ઘેલી વાતો સાહેબ!

યુવરાજે ડોક ધુણાવી હસી નાખ્યું.

€ € €

‘નહીં ડૅડ, એમાં ઘેલાપણું નહોતું... મયૂરના બોલમાં સચ્ચાઈનો રણકો મેં કાનોકાન સાંભળ્યો...’ બીજી સવારે પિતાને તેમની રૂમમાં આંતરીને યુવરાજે આઇફોન ધર્યો, ‘આ જુઓ ગૂગલ અર્થની ઇમેજ...’

નિહારચંદ દીકરાએ કૅપ્ચર કરેલી તસવીરો નિહાળી રહ્યા. થોડાઘણા ઓરડા દેખાયા, વગડે ચરતું પશુધન હતું. જળાશયમાં વસ્ત્રો ધોતી યુવતીઓની વેશભૂષા જ કહી દે છે કે આ આઠ-દસ સદી પહેલાનું ચિત્ર હોવું જોઈએ!

પણ ના, ઇમેજ તાજી હોય તો આનો અર્થ એ કે આખો એક સમુદાય દુનિયાથી અલિપ્ત બનીને જીવી રહ્યો છે?

‘ઠીક છે, જોઈશું.’

‘ડૅડ?’ યુવરાજનું અચરજ ફાટ્યું. ‘તમે સમજ્યા નહીં! લગ્ન અગાઉ આપણે કબીલો ખોળીને એકવીસમી સદીમાંય દસમી-બા૨મી સદીની સંસ્કૃતિને ઉજાગર કર્યાનો જોરશોરથી પ્રચાર કરીને તેમને મુખ્ય ધારામાં વાળવાની કોઈ યોજના ઘડી કાઢીએ તો વડા પ્રધાન હોંશે-હોશે એના લોકાર્પણ માટે આવે કે નહીં?’

જરૂર આવે, વડા પ્રધાન પ્રચારની આવી તક ચૂકે નહીં. પછી તો એ સત્કાર સમારંભમાં પણ કેમ ન આવે! આટલું થાય તો મારી ગણના રાષ્ટ્રીય કદના નેતા તરીકે થવા માંડે. પછી યુવરાજ ગુજરાત સંભાળશે, હું દેશ!

નિહારચંદનું મુખ મલકી ગયું. અનાયાસ કાને પડેલી વાત દીકરાએ કેવી ધ્યાન પર લીધી! તે જરૂર પાવધરો નીવડવાનો!

‘પરમ દિવસનો કોઈ પ્રોગ્રામ રાખશો નહીં ડૅડ... કાલે બપોર સુધીમાં સિનેસ્ટાર્સનો ઝમેલો આવી પહોંચશે.’

નિહારચંદનું સ્મિત પહોળું થયું. દીકરાનાં લગ્નની બધી રસમો કુછ હટકે કરવી હતી. સંગીતમાં ટોચના સ્ટાર્સ બોલાવવાનો વિચાર યુવરાજનો હતો. એમાંય સલામત તેનો શર્ટલેસ પર્ફો‍ર્મન્સ આપે તો આ સંધ્યા ક્યારેય ન ભુલાય!

ફિફ્ટી પ્લસ થયેલા સલામતની કારર્કિદીમાં અપડાઉન્સ રહ્યા, પણ આજેય તેની ગણના ટૉપમોસ્ટ હીરોમાં થાય છે, સોશ્યલ મીડિયામાં તેનું ફૅન-ફૉલોઇંગ સૌથી વિશેષ છે. બે-ત્રણ વાર લવલફરાં કરી ચૂકેલો સલામત હજી પરણ્યો નથી એટલે પણ ગલ્ર્સમાં તેનો ક્રેઝ નિરાળો છે અને યુવરાજનો તો તે મોસ્ટ ફેવરિટ! જોકે તે પ્રાઇવેટ ફંક્શનમાં નાચે જ ક્યાં છે!

‘આપણે ત્યાં નાચશે...’ બહુ વિશ્વાસભેર નિહારચંદે કહ્યું હતું. દીકરા માટે બધું કરી છૂટવાની નિહારચંદની નેમ હતી અને સલામતની દુખતી રગ પોતાના હાથમાં હતી : ત્રણ હરણની હત્યાનો કેસ!

હરણનો એ કિસ્સો તો પોતાને અગાઉ ૫ણ ફાયદામાં રહેલો. ધૅટ ગાઇડ મંગરૂની ‘આત્મહત્યા’ અને ફૉરેસ્ટ-ઑફિસર લાખનસિંહના ‘અકસ્માત’ પાછળ ભીમસિંહનો હાથ ને પોતાનું દિમાગ હતું એ જોકે કદી પુરવાર ન થયું... મારે તો લાખનને હટાવવો હતો. બંદાને પહેલાં આડકતરી અને પછી સીધી ઑફર મૂકી જોઈ, પણ વેચાય એ લાખન નહીં! એટલે પછી તેનો કાંટો ખેરવવા સિવાય બીજો ઉપાય ક્યાં રહ્યો! ના, મારે મંગરૂ સાથે કોઈ લેવાદેવા નહોતી, પણ લાખન એકલો મરે તો શંકાની સોય મારા તરફ પહેલાં આવે, પણ મંગરૂને કારણે બધાનું ફોકસ સલામત પર જ રહેવાનું! અને ખરેખર પોતે ધાર્યા મુજબ મીડિયામાં સલામતનું નામ ઊછળ્યું હતું : ભાઈજાન નસીબનો બળિયો છે કે કિસ્મતને બળવાન બનાવવાની શક્તિ ધરાવતો કીમિયાગર! તાજનો સાક્ષી અને ધરપકડ કરનાર ઑફિસર જ ન રહેતાં કેસમાંથી છુટકારો શક્ય બનશે?

વેલ, ખાન છૂટે કે જેલમાં જાય એની સાથે મને નિસબત નહોતી... મારે તો મારા માર્ગની આડખીલી દૂર થઈ એ ઘણું!

બેશક, ખાનની સંડોવણીના કોઈ પુરાવા નહોતા, પરંતુ કેસમાં આવા જોગાનુજોગ પ્રતિકૂળ સ્થિતિ સર્જાતા જ હોય છે... એ પણ સલામતનું નસીબ કે કોર્ટના જજ અમૂલખસાહેબની ટ્રાન્સફર આવી ગઈ. બાકી સિદ્ધાંતને વરેલા એ આદમીએ ક્યારની સજા ફટકારી દીધી હોત! ખાનના કેસને કારણે એ જજ લાખનની નજદીક આવ્યાનું નિહારચંદના ધ્યાનમાં હતું. લાખનના અકસ્માતની તપાસમાં જજે ઊંડો રસ લીધેલો. લાખનની વિધવાની પ્રસૂતિ પણ જજની બૈરીએ જ કરેલીને. બાઈ બિચારી સંતાનને જન્મ આપીને મરી ગઈ. તેના સંતાનને અનાથાશ્રમમાં જ મૂક્યું હોયને જજસાહેબે, કેમ કે તેમને ત્યાં તો ઔલાદ ભાળી નથી!

ખેર, પછી તો જજે આહવા છોડ્યું. લાખનની વિદાય બાદ પોતાને રોકટોક નહોતી રહી, પણ પછી ધંધામાં કસ ન રહેતાં બીજે નજર દોડાવી. છાની દાણચોરીમાં રાજકારણીઓ સાથે સંબંધ પહેલેથી સુમેળભર્યા. એમાંથી જ પૉલિટિક્સની દિશા સાંપડી. જૂનાગઢમાં રોકાણ કરવાથી શાસક પક્ષની ટિકિટ મળે એમ હતું... થઈ ગયા ટ્રાન્સફર. રેસ્ટ ઇઝ હિસ્ટરી!

- ગમે એમ પણ ખાનનું ડિયર કિલિંગ પોતાને એક તીરે બે શિકાર સાધવામાં અનુકૂળ રહ્યું. તેના કેસની ધમકી આજેય કેવી કારગત નીવડી! ખરે જ સલામતની ઑફિસ તરફથી મૅરેજમાં નાચવાના પ્રસ્તાવનો નકાર આવ્યો ત્યારે હુકમનું પાનું ઊતરવું પડેલું...

‘સલામત, આવતા મહિને સેશન્સ કોર્ટમાં તમારા કેસની તારીખ છે. કહેતા હો તો એના જજને જોઈતો બઢતીનો લાભ આપીને તમારી સજાનો ફેંસલો કરાવી દઉં.’ મિનિસ્ટરના રણકાથી કહીને નિહારચંદે એક જ કૉલમાં તેનો ફાંકો ઉતારી નાખ્યો. નીચી મલંડીએ બંદો કાલે આવવાનોને!

‘પરમ દિવસે બપોરે આપણે સ્ટાર્સ માટે સિંહદર્શનની ટ્રિપ રાખી છે. એના દક્ષિણ ઝાંપાની બૉર્ડર આગળથી આપણે અંતરિયાળ જવાનું છે - કમસે કમ ગૂગલ મૅપ તો એવું જ સૂચવે છે.’

ટેક્નૉલૉજીએ સૃષ્ટિનાં રહસ્યો વણસ્પર્શ્યાં રહેવા દીધાં નથી!

‘હું ભીમસિંહને કહી રાખીશ...’ નેતાએ પાકું ઠેરવ્યું, ‘આપણે ત્રણ ફુલ્લી કવર કારમાં રહીશું.’

નૅચરલી, જંગલના અજાણ્યા હિસ્સામાં ખુલ્લી જીપનું જોખમ કેમ લેવાય! અને જંગલ ખાતાના અધિકારીઓ પ્રધાનની જીપને તો રોકે જ કેમ!

બાપ-દીકરાએ ગોઠવ્યું તો ખરું, શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK