કથા-સપ્તાહ : ગત - અનાગત - (એક એવો દેશ -3)

આજે આ કેવી અનુભૂતિ થઈ! લાખનસિંહ-દામિની આચાર્યજીને મળ્યા પછી દિગ્મૂઢ અવસ્થામાં છે.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


ફરજચુસ્ત લાખન શેહશરમ રાખ્યા વિના જંગલના દુશ્મનોને ઝબ્બે કરે એમાં ઉપરીની ઉપરની આવક બંધ થાય, છોગામાં ગુંડાઓને છોડવાનું પૉલિટિકલ પ્રેશર આવે - બેઉમાં લાખન ગાંઠે નહીં. એટલે એક જ ઇલાજ રહેતો - બદલી!

‘મારી સરકારી નોકરી છે ખરી, પણ હું બીજા સરકારી નોકરો જેવો નથી... નીતિરીતિમાં હું ખોટું ચલાવતો નથી, ભલભલા દાણચોર-તસ્કરને ગાંઠતો

નથી - આનું અભિમાન નથી, મારા જીવ પર તોળાતા જોખમનો અણસાર આપવા કહું છું... ટ્રાન્સફરથી કંટાળ્યા પછી ગમે ત્યારે મારી ગેમ થઈ જાય.’

અરેન્જ્ડ મૅરેજમાં લગ્ન પહેલાંની મુલાકાતમાં લાખને ચોખવટ કરેલી, પણ એમ તો દામિનીયે ક્યાં ઊણી ઊતરે એમ હતી.

‘જોખમની ચિંતા ન કરશો. નામદર્નીા સુહાગણ કરતાં મદર્ની  વિધવા તરીકે જીવવાનું હું પસંદ કરીશ.’

દોઢેક વરસ અગાઉ બેઉ પરણ્યાં. છ મહિનામાં ડાંગ ટ્રાન્સફર થઈ ત્યાં સુધીમાં પતિના મિજાજ, રુત્બા અને ઝિંદાદિલીથી દામિની પોતાના સુહાગ પર ઓળઘોળ થઈ ચૂકેલી. બે જણનો મીઠડો સંસાર નજરાઈ જાય એટલો મધુર હતો.

‘અહીં સાગ કાપીને દુષ્ટોએ સત્યાનાશ વાળ્યો છે.’ પ્રકૃતિપ્રેમી લાખન વન્યસંપત્તિની લૂંટ સહી શકતો નથી. ડ્યુટીની જગ્યાનું જમાઉધાર જાતતપાસથી તારવી લેવાની તેની ખાસિયત હતી. તે પત્નીને કહેતો પણ, ‘અહીં દાણચોરોનું રાજ ચાલે છે. ચાલીસેક વરસનો સાગનો વેપારી નિહારચંદ ખરેખર તો તસ્કરીમાં માહેર છે. સફેદપોશ આદમીએ વ્યવસ્થિતપણે પોતાનું નેટવર્ક જમાવ્યું છે. ભીમસિંહ તેનો ખાસ આદમી છે.’

અને ખરેખર થોડાક મહિનામાં તો લાખને ગુંડાતત્વો માટે ત્રાહિમામ્ બોલાવી દીધો. દરમ્યાન દામિની ગર્ભવતી થઈ. સંતાનની પધરામણીના ખબરે લાખન કેવો ખુશીથી ઊછળ્યો હતો!

એમાં એક રાત્રે જંગલમાં ગોળીબારના ધડાકા સાંભળીને દંપતી પ્રેમસમાધિમાંથી ઝબકી ગયું... લાખન બીજી મિનિટે તો યુનિફૉર્મ ચડાવીને જીપમાં.

લાખનની જેમ દામિનીએ પણ દાણચોરોની જ ધારણા રાખેલી, પણ ગોળીબાર કરનાર તો સલામત ખાન નીકળ્યો!

લાખનને જરાતરા અચરજ થયેલું, પણ તેના માટે તો સૌ ગુનેગાર સરખા... એ ગુણે જ કદાચ જજસાહેબને પ્રભાવિત કર્યા. એમ તો લાખન પણ તેમનાથી અંજાયો હતો - સલામત જેવા આરોપી માટે જજ પર પણ કમ પ્રેશર નહીં હોય, તોય એ ક્યાં ગાંઠ્યા. બીજી વાર જામીન મંજૂર કર્યા પછી તેમણે ડિનરનું નિમંત્રણ પાઠવ્યું એ ગૌરવપ્રદ લાગ્યું લાખનને. દામિની પણ તેમને મળવા આતુર હતી...

અને જુઓ તો, એમાં આજે આ કેવી અનુભૂતિ થઈ! આજની તારીખે ગુજરાતમાં કોઈ અદૃશ્ય કબીલો હોય એ રોચક કલ્પનાના કેન્દ્રસમા પુરુષનો સાક્ષાત્કાર ભાવવિભોર કરનારો તો હતો જ, ગજબની ખુમારી દેનારો પણ લાગ્યો.

કદાચ એટલે પણ એ રાત્રિનો તેમનો પ્રણય પણ અલૌકિક રહ્યો... જિંદગીનો આખરી સમાગમ!

€ € €

‘સાહેબ...’ ત્રીજી બપોરે મદદનીશ ખબર લાવ્યો, ‘મંગરૂએ આપઘાત કર્યો.’

હેં! સલામત ખાનના કેસમાં તાજનો સાક્ષી બનવા તૈયાર થયેલા ગાઇડે નાળામાં ડૂબીને આત્મહત્યા વહોરી?

વિગત જાણીને લાખનસિંહના કપાળે સળ ઊપસ્યા - કે પછી કેસના ચશ્મદીદ ગવાહને હટાવી દેવાયો?

ના, આમાં અચંબા કે અસંભવ જેવું કંઈ જ નથી... મંગરૂના મામલે સુપરસ્ટારને છથી આઠ વરસની જેલ થઈ શકે એમ છે. એમાંથી બચવા ગાઇડ જેવા તદ્દન મામૂલી આદમીને હટાવવામાં કોઈ બીજો વિચાર કરે એમ નથી!

આ વિચારોમાં ગુલતાન લાખનસિંહ જીપમાં ઘરે રિટર્ન થઈ રહ્યો છે કે...

‘અરે!’ તે એકદમ ચીસ પાડી ઊઠ્યો. સામેથી પૂરઝડપે ટ્રક જીપ પર ધસી આવતી હતી - રસ્તો ખુલ્લો છે તોય એ આમ કેમ....

લાખનસિંહના ચિત્તમાં ઝબકેલો આ અંતિમ વિચાર હતો. વળતી પળે તેની નજર જીપ હંકારતા ભીમસિંહ પર પડી ને પોતાને પણ મંગરૂની જેમ હટાવવાનું આ કારસ્તાન નિહારચંદનું જ હોય એ ક્લુ ઝબકે એ પહેલાં જોરદાર ટક્કર થઈ અને...

€ € €

‘નહીં!’ ચૂડલા ફોડતી દામિનીના વિલાપે કઠણ કાળજાં કંપાવી મૂક્યાં.

દારૂના નશામાં ટ્રક હંકારતા ડ્રાઇવરે ફૉરેસ્ટ ઑફિસરની જીપને ટક્કર મારી ને પછી શું થયું એનું ભાન આવતાં ટ્રક છોડીને જાણે ક્યાં રફુચક્કર થઈ ગયો! બે-ત્રણ પલટી ખાઈ નીચાણમાં ખાબકેલી જીપમાંથી લાખનસિંહનો મૃતદેહ જ સાંપડ્યો!

ત્રણ મહિનામાં કાગળ પર તો લાખનનું મૃત્યુ અકસ્માત અને મંગરૂની આત્મહત્યા પુરવાર થઈ હતી... અમૂલખ-મેઘનાબહેનના સહારે દામિની સંતાન જણવા પૂરતી તો જીવી ગઈ, ૫ણ ૫છી...

‘જો દીકરો અવતર્યો.’ મેઘનાબહેને હૃષ્ટપુષ્ટ બાળક માના મુખ આગળ ધર્યું. ‘મારો લાલ!’ હેતથી તેની પેશાની ચૂમીને દામિનીએ ડોક ઢાળી દીધી. લાખન વિના કેમ જીવવું!

€ € €

‘તમારી સલાહ-દવાએ સમુંસૂતરુ પાર ઊતર્યું. અહીં સાવિત્રીને દીકરી અવતરી.’

મહિના પછી લાખન-દામિનીના સંતાનની સોંપણી કરવા કબીલામાં પધારેલાં અમૂલખ-મેઘનાને આચાર્યજીએ કહ્યું. આગતા-સ્વાગતાનો અવસર નહોતો. છતાં ‘દેવોની દુનિયામાંથી આવેલા મનુષ્યદેહધારી’ને ભય-અચંબાથી ભાળીને કબીલાવાળા અતડા રહ્યા, જ્યારે સાવિત્રીએ ભાવથી તેમનો સત્કાર કર્યો. અમૂલખ માટે એ ઘરવાપસી જેવું હતું. મેઘનાને લાગ્યું કે આ મારી કલ્પનાનું જ વિશ્વ છે!

આચાર્યજીએ ગોદડીમાં જાગતી પડેલી બાળકીની બાજુમાં લાખન-દામિનીના અંશને મૂક્યો.

ટગર-ટગર જોઈ રહેતાં બેઉ બાળ ખિલખિલ હસ્યાં. બીજી પળે અનાયાસ જ તેમના હાથની આંગળી એકમેકમાં ગૂંથાઈ.

એ દૃશ્ય આચાર્યજીને પુલકિત કરી ગયું, ‘પુરુષ અને પ્રકૃતિનું આ મિલન છે. સમજી લો કે અહીંથી નવા જ અધ્યાયની શરૂઆત થાય છે.’

રણશિંગુંની જેમ ફૂંકતા તેમના શબ્દોને સાવિત્રી, અમૂલખ-મેઘના નતમસ્તક થઈ રહ્યાં.

€ € €

એ ઘડી પછી સમયનું ચક્ર પૂરાં વીસ વરસનું વતુર્ળય પૂરું કરી ચૂક્યું છે...

૨૦૧૮ની આજની સાલમાં પણ કબીલો હજી દુનિયાથી અલિપ્ત રહી શક્યો છે. આજે પણ તીરકામઠાં તેમનાં હથિયાર છે, પંચમહાભૂતમાં તેમની આસ્થા છે. કોઈ ઘરે દરવાજો નથી. અલબત્ત લાલસા, ઈર્ષા મનુષ્યનો સ્વભાવ છે. એને આધીન કોઈ ગુનો આચરે છે તો ત્યાંની ન્યાયપ્રણાલી પણ તર્કસંગત છે. ગુનાનો ભોગ બનનાર ગુનેગારને જે સજા આપે એ માન્ય ગણાય છે, મામૂલી ગુનામાં દેહાંતદંડ પણ મળી શકે એ કાયદાની બીક જ એટલી છે કે ગુનાનું પ્રમાણ નહીંવત છે. સીમાડાની રક્ષા માટે કબીલા ફરતે વાડ કરાઈ છે, પશુધનથી લલચાઈને સિંહ-સિંહણ આવી ચડે તો ઢોલ-નગારાંથી સૌને સાબદા કરતી ટોળી છે. અહીંની સ્ત્રીઓ પણ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ છે. કુદરતના ખોળે કુદરતની થઈને રહેતી પ્રજા કુદરત જેવી જ નિતાંત સુંદર છે. દુનિયાના દેશોમાં આવી પ્રજા હોવાનું ક્યારેક સમાચારોમાં ચમકી જાય, પણ આવો કોઈ કબીલો ગુજરાતમાં પણ છે એ ન મનાય છતાં હકીકત છે.

આચાર્યજીને હવે વૃદ્ધત્વ આવ્યું છે, પણ તેમની દીકરી ચારુમતી લગ્નયોગ્ય થઈ ગઈ છે અને રૂપાળી-અલ્લડ મિજાજ કન્યાનો મનનો માનેલો બીજું કોઈ નહીં પણ આચાર્યને ત્યાં ઊછરેલો ઓમકાર છે!

આ ૨હ્યાં બે..

€ € €

‘મારાં વસ્ત્રો!’

જળાશયમાં સ્નાન કરીને લંગોટભેર બહાર નીકળેલો ઓમ પાળે મૂકેલાં બદલવાનાં વસ્ત્રો ન ભાળીને સમજી ગયો. આસપાસ નજર દોડાવી તો થોડે દૂર ચારુમતી વૃક્ષની ડાળે બેઠી ફળ ખાતી દેખાઈ. ધોતી-ઉપરણું બીજી ડાળે ટીંગાતાં દેખાયાં.

‘ચારુ, મારાં વસ્ત્રો દે. આ શું હેરાનગતિ!’

‘શું કરું,’ ઝાડ પર બેઠી ચારુએ પાંપણ પટપટાવી, ‘તને આમ જોવો બહુ ગમે છે.’

ઓમના સોહામણા ચહેરા પર લોહી ધસી આવ્યું. તેની પડછંદ સ્નાયુબદ્ધ કાયામાં ગજબનું કામણ હતું. પણ એમ તો ડાળીએ ઝૂલતી સુંદરી ક્યાં અપ્સરાથી કમ હતી! ચાતુરીમાં જેનો મોટો નહીં, સાહસમાં જેનો વિકલ્પ નહીં એવી તેજતર્રાર કન્યા પરગજુ પણ એટલી જ. હરણ પર તરાપ મારવા જતા સિંહને ભગાવવાનું કૌશલ્ય ધરાવતી માનુનીને વછેરા-બકરી સાથે રમતી ભાળો તો તેની નિદોર્ષતાનું પોત સમજાય. માતા-પિતાની આજ્ઞા તેને શિરોમાન્ય. સખી-ભેરુઓમાં મસ્તીખોર ચારુ વડીલોની હાજરીમાં ઠરેલ-ઠાવકી પણ રહી જાણે. ન ગાંઠે તે એકમાત્ર ઓમને!

ના, ચાહતી તો તે પણ ઓમને હૃદયના કણકણથી. બાળપણથી એક ઘોડિયામાં ઝૂલનારા વચ્ચે આત્મીયતાની ડોર સહજપણે બંધાતી ગયેલી. મોટપણ આવ્યું એમ પ્રણયના સૂર હૈયે બજવા માંડ્યા. જાણીને ઢીલો કરેલો કંચુકીબંધ ઓમ પાસે કસાવતાં બિચારાના ભાલે ફૂટતો પ્રસ્વેદ રણઝણાવી જતો. કદી સાંજે તે એકલો જળાશય તરફ ગયો હોય તો તેનાં વસ્ત્રો ઉઠાવીને તેને શરમથી રાતોચોળ કરવાની એક તક ન ચૂકે ચારુ! પોતે ગમે એટલી તાનમાં આવે, ઓમ મર્યાદાનું બંધન જાળવી જાણશે એ વિશ્વાસ તેને બેમર્યાદ બનાવતો અને એ ઝીલવાનું જિગર કેવળ ઓમમાં હતું. કબીલામાં બધાએ ધારી જ લીધું કે ચારુની જોડી ઓમ સાથે જ હોય. પ્રીત છાની ઓછી રહે! આચાર્યજી-ગુરુમા તો આમાં રાજી જ રાજી.

જાણે આજે મારી રાણીએ વસ્ત્રો પાછાં આપવા કેવી શરત રાખી હશે!

રમતના બહાને ચારુ ઓમને અવનવા પડકાર ફેંકતી. તીરના એક નિશાનથી ડાળીમાં છુપાયેલું ફળ તોડવા કહેતી, હરણ સાથે રેસમાં જીતવાનું કહેતી અને ધરાર જો ઓમ એમાં પાછો પડે! હા, આકાશમાંથી રાક્ષસનો રથ (વિમાન) પસાર થાય એને વીંધવા સુધી તીર ન પહોંચે, તોય ઓમ જેટલું ઊંચું તીર કોઈ છોડી શકતું નહીં. ચારુને વિશ્વાસ હતો કે ક્યારેક મારો ઓમ જ એ રાક્ષસરથને હણવાનો!

‘આજે કોઈ ખેલ નહીં...’ ચારુએ વળ ચડાવ્યો, ‘આજે કેવળ તારી જુબાની જોઈએ મને.’

જુબાની. ઓમ સચેત થયો, નજર વાળી લેવી પડી.

‘ગયા મહિને બાબા તને તેમની સાથે દેવલોકમાં લઈ ગયા. ત્યાં શું થયું એની સાચી જુબાની.’

વરસે એક વાર આચાર્યજી નિયમિતપણે ચારેક દિવસ માટે કબીલાથી દૂર જતા અને એવું મનાતું કે તેઓ દેવ-દેવીને મળવા-રીઝવવા જાય છે. બાબા સદેહે દેવલોકમાં જઈ-આવી શકે છે એનું ચારુને ગૌરવ હતું. પાછા આવતા બાબાને તે તરેહ-તરેહના સવાલ પૂછીને તંગ કરી મૂકતી. જોકે આચાર્યથી ધીરજથી, હેતથી દીકરીની જિજ્ઞાસા સંતોષતા.

પિતાએ ઓમને લઈ જવાની વાત મૂકી એથી ચારુની કીકીમાં ગૌરવ અંજાયું હતું. પિતાની જેમ મારો પિયુ પણ દેવ-દેવીને મળશે એ ઘટના ઉત્સવ સમાન હતી. ઓમ ખુદ ઉલ્લાસમય હતો. કબીલામાં સૌને આનો હરખ હતો.

‘પણ તમે એકદમ કેમ ઓમને લઈ જવાનો નિર્ધાર કર્યો?’ એકાદે પૂછતાં આચાર્યજી સહેજ ગંભીર ભાવે બોલી ગયેલા : હું હવે ઘરડો થયો, ખર્યું પાન. મારી જગ્યાએ તમારા રખેવાળ તરીકે કોઈને તો મારે ઘડવાનોને...

અને એ ઓમ જ હોય. આખરે તેન માબાપ દેવલોકમાંથી આવેલાં!

(અમૂલખ-મેઘનાની મુલાકાત આજે પણ અહીં દેવયાત્રાના નામે અહોભાવથી જોવાતી. ઓમ કે પછી ચારુ પૂછતાં ત્યારે બાબા પણ એની પુષ્ટિ કરતા - ઓમને કેળવવા મારી પાસે મૂક્યો છે!)

‘તમે જઈને માબાપને ભેટી પડજો, પણ ત્યાં રોકાઈ ન જતા ઓમ...’ તે રડી પડેલી. ઓમે તેનાં અશ્રુ લૂછેલાં : ત્યાં રોકાવાનો હોત તો ઘર અહીં શું કામ કરત? આ જગ છોડીને હું ક્યાંય જાઉં નહીં, તારા વિના તો નહીં જ નહીં!

તોય તેમના નીકળ્યા બાદ ચારુને વિષાદ ઘેરી વળેલો. ન ઊંઘ, ન ચેન. માને પ્રશ્નો પૂછી-પૂછીને તંગ કરી મૂકતી : બાબા-ઓમ પહોંચી ગયા હશે? દેવલોકમાં જવામાં પેલો રાક્ષસરથ (વિમાન) તો અંતરાયરૂપ નહીં બનેને!

બધું જાણતાં ગુરુમા સમજતાં કે અખિલ સાથે ગયેલા ઓમ સમક્ષ વાસ્તવિકતા ઉજાગર થવાની છે, ઠરેલ છોકરો સચ જીરવી જાણશે! પરંતુ ચારુ કે બીજા કોઈને ભેદ કહેવાતો નહોતો એટલે ઉડાઉ જવાબ આપ્યા કરતાં...

અને છેવટે ઇન્તેજાર પણ ખતમ થયો. ઓમ-અખિલ સાથે પરત થયા. ત્યારથી પ્રશ્નોનો મારો ચલાવીને ચારુએ માહિતી ભેગી કરી : ઓમનાં માબાપ ખુશ થયાં, પણ ઓમને ત્યાં ન રુચ્યું. કબીલાની યાદ આવ્યા કરી એટલે જલદી આવી ગયા!

‘પણ તમારે તમારાં મા-બાબાને લઈ આવવા હતાંને, મારે આર્શીવાદ લેવા છે તેમના!’

જવાબમાં ઓમનાં નેત્રો સજળ બનેલાં. બાબાએ સહેજ જ ઊંચા અવાજે કહ્યું : ચારુબેટા, તમારાં લગ્ન લઈશું ત્યારે તેઓ આવશે, ખુશ! ઓમ સાથે એકની એક ચર્ચા કરી તેને પરેશાન ન કરીશ...

એ વાત જુદી કે એકલા પડતાં જ ચારુની પૃચ્છા એ જ રસ્તે વળતી. ઓમમાં બીજો તો બદલાવ નથી, પણ ક્યારેક ઉદાસ થઈ જાય છે. રાત્રિવેળા બાબા સાથે જાણે કયા શાસ્ત્રનો અભ્યાસ કરતો હોય છે! મનના માણીગરની રહસ્યમય જણાતી વર્તïણૂક તેને પજવતી. કશુંક એવું છે જે ઓમ ઉપરાંત બાબા-મા પણ જાણે છે, બસ હું નથી જાણતી! અજાણ રહેવાનો તેને રોષ નહોતો, ઓમની ચિંતા જાગતી - ઓમ જે સત્ય મારી સાથે વહેંચતાં ખચકાય એ તેના ભીતરને તો કેવું ઝંઝોડતું હશે! મસ્તી-મજાક બહુ થયાં, આજે સચ જાણવાના નિર્ધાર સાથે આવેલી ચારુ એક ઠેકડામાં ઝાડ પરથી નીચે ઊતરી, ‘તમારું અંતર જાણવાના હકથી તમે મને વળોટી નહીં શકો.’

તોય ઓમ ચૂપ રહ્યો ત્યારે ચારુ હામ હારી ગઈ, ‘ઠીક, હું તમને વિવશ નહીં કરું ઓમ...’ અશ્રુબિંદુ લૂછીને તે જોશભેર નીકળવા જાય છે કે ઓમે તેનું કાંડું પકડ્યું, ‘ક્યાંય જવાનું નથી તારે. આવ, જળાશયની પાળે બેસીએ.’

એ જ વખતે આભમાં રાક્ષસરથ (વિમાન) નજરે ચડ્યો. બેઉની નજર ઉપર ખોડાઈ.

‘આ રાક્ષસનો રથ નથી ચારુ. આને ઇંગ્લિશમાં ઍરોપ્લેન કહે છે.’

ચારુ ફાટી આંખે પિયુને તાકી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK