કથા સપ્તાહ - ગત-અનાગત – (સંસાર-સંન્યાસ - 2)

‘તારી દેવયાનીમાની માનસિક સ્થિતિ દુરસ્ત નથી. લોકો તેને ગાંડી કહેતા હોય છે.’ સુરેશ નાનુએ અર્શને સમજાવેલું.

 અન્ય ભાગ

1  |  2  |  3

સમીત પૂર્વેશ શ્રોફ


જોકે ગાંડી હોવા છતાં માની મને કદી બીક નથી લાગી.

‘કેમ કે તે મા છે.’ માથે વાત્સલ્યભયોર્ હાથ ફેરવીને નાનાએ કહેલું, ‘આ પરિસ્થિતિમાં તેને સંબંધોની પરખ-સમજ નહીં હોય, પરંતુ આવી વ્યક્તિને પણ સલામતીની ઓથ ખપતી હોય છે. દેવયાની તને-મને-તારી સાવિત્રીનાનીને એ રીતે ઓળખે છે. આ ઘર જ તેની દુનિયા છે એટલું આપણું સદ્ભાગ્ય.’

આકરી કસોટી લેનાર કુદરત પણ થોડીઘણી મહેર તો વરસાવતી જ હોય છે. દેવયાનીનું ચિતભ્રમ થયું એથી તે આખો દહાડો હસતી રહે, લોકો પર પથરા ફેંકતી રહે એવું નહોતું. ઊલટું તે તો સાવિત્રીબહેનના કહ્યામાં રહેતી. રાત્રે તેમને વળગીને સૂઈ જતી. એ-એય જેવા ઉદ્ગારોથી વધુ બોલી નથી શકતી. કોળિયો ભરીને જમાડવી પડતી, પણ કુદરતી હાજતનું ભાન રહેતું. સાવિત્રીબહેને એટલી તેને કેળવેલી. દીકરીને તેઓ ચોખ્ખી રાખતાં. હા, ક્યારેક તેનું વાજું બગડે ત્યારે ઘરના ત્રણે મળીને તેને સંભાળી, મનાવી લેતાં. તેની જીદ બહુ-બહુ તો ચૉકલેટ યા આઇસક્રીમ માટે હોય.

નાનાએ દાખવેલી સચ્ચાઈએ અર્શને રાતોરાત પુખ્ત બનાવી દીધો. તે માની વિશેષ કાળજી રાખતો થયો. તેલ નાખીને માના વાળ ઓળતાં શીખ્યો. મા સૂઈ જાય પછી તેની પગચંપી કરવાનું ચૂકતો નહીં. માને શરદી-તાવ થયાં હોય તો તેની આગળથી હટે નહીં... સ્કૂલથી આવીને શેરીમાં રમવા દોડવાને બદલે મા સાથે રહેવામાં તેને આનંદ મળતો. સમજતો થયો એમ માની ગત ઊઘડતી ગઈ.

‘કેવી અમારી દીકરી હતી ને આજે જુઓ તો!’ નિ:શ્વાસ નાખીને સુરેશભાઈએ કરમકથા આલેખી : એકની એક દીકરીને લાડકોડથી ઉછેરી. જેવું રૂપ એવા ગુણ. સાસરું પણ બહુ મોભાદાર મળ્યું અમારી દેવયાનીને... મુંબઈમાં મલબા૨ હિલ ખાતે મોટું મકાન હતું જમાઈનું. કુટુંબમાં

મા-દીકરો બે જ. દેવયાનીએ તેમનાં મન જીતી લીધેલાં. દીકરીનું સુખ જોઈને અમારી આંખો ઠરતી.’

અર્શ માટે આવનારો વળાંક કલ્પવો મુશ્કેલ હતો. મા મુંબઈ પરણી હતી? સમજ ફૂૂટી ત્યારથી મેં તો નાનુના જ ઘરે જાતને ભાળી છે...

‘તેની આ અવસ્થા માટે તારો બાપ જવાબદાર છે. બેજીવી પત્નીને નાદાર હાલતમાં ત્યજીને અજાણવાટે ભાગી ગયો, કાય૨! ’

અર્શે કંપારી અનુભવેલી.

‘તું ચહેરેમહોરે અદ્દલ તારા બાપ પર પડ્યો છે. આનંદની કાર્બન કૉપી.’

- અત્યારે પણ અર્શની નજર સામી દીવાલે જડેલા શોકેસના કાચ પર ગઈ.

આ ચહેરો. કેવી એની મોહકતા.

૨૪-૨૫ની ફાટ-ફાટ થતી જુવાનીમાં કાયાનું કામણ અનેરી ભાત સર્જતું. પોતાની આકર્ષકતાથી અર્શ બેખબર નહોતો. નાના-નાનીની તો ઇચ્છા ખરી કે મારે પરણી જવું જોઈએ... નાની કહે પણ - હું હવે ખર્યું પાન. તારી વહુ આવી જાય તો દેવયાનીની પાછલી અવસ્થા સચવાઈ જાય, છેલ્લા શ્વાસે અમને તમારી ચિંતા ન હોય...

તેમની ગણતરી સાચી, પણ મારું મન નથી માનતું. મને પરણનારી મારી માને જનેતાની જેમ સાચવે એવી સંભાવના કેટલી?

મારો બાપ તો સગર્ભા પત્નીને તરછોડી ગયો, વહુ આવીને દીકરાને માથી જુદો કરી દે તો... માને કોણ સાચવે, કોણ સંભાળે! નહીં, મારા રહેતાં મારી મા રસ્તે રઝળતી થાય તો મારું દીકરાપણું લાજે. મને પરણવાના અભરખા નથી. જરૂર પડ્યે માની સ્વચ્છતા પૂરતી આયા રાખી લઈશ, પણ તેની આંખમાં આંસુ તો નહીં જ આવવા દઉં.!

- તું પણ એ જાણે છે એટલે ક્યારેક બનાવટી આંસુ સારીને પીપર લેવાની લુચ્ચાઈ કેવી હોશિયારીથી ક્યારેક આદરે છે!

પીપર ચગળતી માને વહાલથી જોતાં અમસ્તો જ વિચાર ઝબકી ગયો. ધારો કે માનું દિમાગી સંતુલન બગડ્યું ન હોત તો મારી સૂરત જોઈને તેને પતિની કરણી સાંભરતી રહેત, મારા પરત્વે પણ તેને અભાવ ન થાત?

તેણે વળી કાચમાં જોયું. ત્યાં કેવળ સૂરત આનંદની છે. સિરત તેનાથી સાવ ભિન્ન. ઍન્ડ થૅન્ક ગૉડ ફૉર ધૅટ!

‘તારા બાપ પ્રત્યે અમને આક્રોશ છે અર્શ. તારામાં તો વેર ઘૂંંટાતું હશે...’ નાના કહેતા, ‘અજાણવાટે ભાગી ગયેલા આનંદને શોધીને ગળચી દાબવા જેટલું ઝનૂન જાગતું હશે. આમ કરીને તું બદલો લઈ શકીશ, પણ પછી તારી માનું શું?’

નાનુનો પ્રશ્ન જોમ નિચોવી ગયેલો. એ દિશા જ બંધ કરી દીધેલી. આનંદ શાહ તેના માટે અસ્તિત્વહીન બની ગયેલો. મા અને હવે વૃદ્ધ થયેલાં નાના-નાનીને જાળવીને હું ખુશ છું, સંતુષ્ટ છું; બીજું મને કંઈ નહીં જોઈએ.

અર્શે તો નક્કી કર્યું, પણ કુદરત જુદો જ ઘાટ ઘડી રહી હતી.

€ € €

‘તો આપણું કથાનું આયોજન પાકું.’

ધીરજ વસાવા બધું નક્કી કરીને ઊભા થયા. સરદારસાહેબના સ્ટૅચ્યુ ઑફ યુનિટીનો કાર્યભાર તેમના શિરે હતો. મુખ્ય ઇજનેર તરીકે પંચાવનેક વર્ષના વસાવાસાહેબે પોતાના અનુભવનો નિચોડ પ્રોજેક્ટમાં ઠાલવી દીધો હતો. સમયસર અને સ્વયં વડા પ્રધાનની અપેક્ષા મુજબ કામ પાર પાડવું ખાવાનો ખેલ નહોતો. કેટલીયે રાતો તેઓ પૂરું ઊંઘ્યા પણ નહીં હોય... પણ છેવટે અથાગ મહેનત રંગ લાવી હતી. સ્ટૅચ્યુનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. આવતા મહિને એનું વિધિવત્ ઉદ્ઘાટન થાય એ પહેલાં અઠવાડિયાની કથા રાખવાનો ટીમનો વિચાર તેમણે વધાવી લીધો. અને કથા એટલે કેવળ રામની નહીં. રામાયણ, ગીતા, શિવપુરાણ - રોજ ઈશ્વરના નવા રૂપ-અવતારોની ગાથા કહેવા-સાંભળવાનું નવતર આયોજન કરવાનો મૌલિક વિચાર તેમને સૂઝ્યો અને પંથકમાં એને પાર પાડવાની ક્ષમતા એક જ વ્યક્તિમાં હતી - સ્વામી ઓમકારનાથ!

‘આ માટે અમે સરકારશ્રીની પરમિશન લઈ લીધી છે. સ્ટૅચ્યુના પરિસરમાં તો નહીં, પરંતુ નદીતટે માાંડવો બાંધીને આપણે સપ્તાહનો પ્રોગ્રામ કરીશું. સ્ટૅચ્યુ, સરદાર સરોવર ડૅમનો સ્ટાફ, કારીગરો, તેમની ફૅમિલી ઉપરાંત સામાન્ય જણ માટે પણ પ્રવેશ ખુલ્લો રહેશે. રોજ બપોરે ભંડારો પણ ખરો... આશ્રમના તમામ સાધુઓ અમારા મહેમાન અને ઓમકારનાથજી, આપને તો સ્ટૅચ્યુ ઑફ યુનિટીના ઉદ્ઘાટન સમારંભનું ઓપન ઇન્વિટેશન અત્યારથી પાઠવી દઉં છું.

નિમંત્રણ પાઠવીને વસાવાસાહેબે રુખસદ લીધી. ઘરે જઈને પત્ની અને વિધવા બહેનને કહ્યું પણ - તમને તો બહુ મજા આવશે. ઓમકારનાથ પ્રચંડ જ્ઞાની એવા જ ઉમદા વક્તા મનાય છે. હું પહેલી જ મુલાકાતમાં પ્રભાવિત થયો...

બેઉ સ્ત્રીઓ હરખાઈ, પણ કથાશ્રવણમાં શું થવાનું હતું એની કોને ખબર હતી?

€ € €

‘કેવડિયાની ધર્મપ્રેમી જનતાને ખુશખબર...’

ઓમકારનાથની તસવીર-બૅનર સાથે સવાર-સાંજ ફરતી રિક્ષામાંથી કથાની જાહેરાત કાને પડતાં નરોત્તમભાઈનું મોં કટાણું થયું.

‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ના ઉદ્ઘાટન બાદ આ પ્લેસ જોણું બની જવાની. એની નજીકમાં આશ્રમ બનાવવાના આયોજન માટે નરોત્તમભાઈએ ઓમકારનાથને ઘણી રીતે મનાવી જોયા, પણ નીતિમત્તાના આગ્રહી સાધુ ન માન્યા એટલે પછી ભાગલા પાડો ને રાજ કરોની અંગ્રેજી નીતિ અનુસાર તેમણે બે-ચાર સાધુને દાણો ચાંપી જોયો. એમાં બ્રિજનાથની આકાંક્ષા ભડકી. તેમણે તેને પડખામાં લીધો હતો.

સમાંતરે બીજા સંપ્રદાયો સાથે પણ વાટાઘાટો ચાલુ હતી, પણ બીજા કોઈના આવવાથી ઓમકારનાથનો પ્રભાવ ઘટવાનો નહોતો એટલે ભક્તજનોનો પ્રવાહ ‘શિવધામ આશ્રમ’ તરફ જ ફંટાયેલો રહે તો કરોડોનું રોકાણ માથે પડે. આના કરતાં બ્રિજનાથ થોડાઘણા અનુયાયીઓને ફોડીને અમારી તરફ લઈ આવે તો એકલા પડેલા ઓમકારનાથ આપોઆપ અમારા શરણે આવવાના, પછી ચાંદી જ ચાંદી! બ્રિજનાથનો ઉપયોગ તો તેમને અહીં લાવવા પૂરતો છે... તેનામાં ઓમનું ગજું નથી. જુઓને, આવતા સોમવારથી નર્મદાતટે આરંભાનારી કથા વિશે ભાવિકોમાં કેટલો ઉત્સાહ છે. એકાદ ભક્તે તો પોતાના ખર્ચે અખબારમાં ઓમના ફોટો સાથે જાહેરાત આપી છે. ગામેગામ રિક્ષા પણ ફરતી થઈ. ના, ઓમને પ્રચાર-પ્રસારમાં રસ નથી હોતો, તેના નામે લોકો ખેંચાતા આવે છે. ઓમનો એવો પ્રભાવ છે. બીજો ઓમમાં દોષ પણ શું છે? ઉઘાડી કિતાબ જેવું જીવન છે તેનું.

 
અને નરોત્તમભાઈ ટટ્ટાર થયા. ખુલ્લાં પાનાં તો તેના સાધુકાળનાં, તેના પૂર્વાશ્રમનું શું? આખરે સંન્યાસી પાસે સંસાર છોડવાનું કોઈ કારણ તો હોવાનું. ઓમના ભૂતકાળ બાબત તપાસ કરવી જોઈએ ખરી. એમાંથી કોઈ નબળી કડી મળી આવે તો એના સાટામાં ઓમે અમારે શરણે આવ્યા વિના છૂટકો ન રહે!

બ્રિજનાથને આ વિશે પૂછતાં તે થોડો ડઘાયો : સાધુને પૂર્વાશ્રમનો નિષેધ હોય એટલે આશ્રમમાં આ વિશે કોઈ જાણતું ન હોય. હા, ગુરુજીને જ્ઞાત હશે, પણ તેઓ હયાત નથી...

ઓમ ક્યાંનો છે એની પણ કોઈ ક્લુ નથી. ખરું પૂછો તો કેવડિયા છોડીને તે ખાસ ક્યાંય જતો પણ નથી એટલે તપાસ અઘરી છે, પણ જેનો વર્તમાન છે તેનો ભૂતકાળ ક્યાંક તો દટાયો હોવાનો... એ ખોળી આપનારા એક્સપર્ટ પણ ક્યાં કમ છે!

અને નરોત્તમભાઈએ અમદાવાદની એજન્સીને કામ સોંપી પણ દીધું.

€ € €

‘નર્મર્દાતટે કથા-સપ્તાહનું અનેરું આયોજન!’

સમાચારપત્રમાં છપાયેલી જાહેરાત વાંચીને સુમિત્રાબહેન બોલી ઊઠયાં, ‘નર્મર્દામૈયાની સાડાત્રણ વરસની પરિક્રમા કરવાની મારી ઇચ્છા મનમાં રહી ગઈ. દેવયાનીની ડિલિવરી નિપટાવ્યા પછી યાત્રા શરૂ કરવા ધારેલી, પણ...’

પણ એને બદલે સંજોગોએ એવી કરવટ બદલી કે દુનિયા આખી ઘરમાં, દીકરીમાં સમેટાઈ ગઈ. સાચે જ, નાના-નાની ન હોત તો અમારું મા-દીકરાનું શું થાત? અર્શના અંતરમાં ભીનાશ છવાઈ, પછી સૂઝ્યું, ‘એવું જ હોય નાની તો આપણે આ કથામાં તો જઈ જ શકીએ.’

નાના-નાનીને સહેજ ચમકતાં ભાળીને તે મલક્યો, ‘કબૂલ, માને લઈને આપણે ક્યાંય બહારગામ ગયા નથી, પણ આ તો જાતરા. સ્પેશ્યલ ગાડી કરીને જઈશું. નર્મદામૈયાના કિનારે ધરમશાળા-આશ્રમ હોવાનાં જ. મા અહીં રહે છે એમ ત્યાં રહેશે... આપણે અહીં ક્યારેક નાટક-સિનેમામાં જતા હોઈએ એમ એક જણ મા પાસે રોકાય અને બીજા બે કથાશ્રવણમાં જાય એવું ગોઠવીશું.’

તે દેવયાનીની નિકટ ગયો, ‘આપણે તો થોડુંય બહાર નીકળીએ, મા તો ક્વચિત્ દવાખાના સિવાય ક્યાંય નથી ગઈ... આજે આપણે ત્રણ તેને સંભાળના૨ા છીએ ત્યારે ભલેને તે પણ જાતરાનો લહાવો લેતી!’

કહીને જાહેરાતમાં છપાયેલો કથાકારનો ફોટો નિહાળ્યો : પચાસેક વર્ષના સાધુપુરુષ લાગે છે પ્રભાવશાળી. વળી સપ્તાહ પણ અનોખી છે. સ્કૂલમાં નવરાત્રિનું વેકેશન હશે એટલે ચિંતા નથી.

‘ઠીક છે...’ સુરેશભાઈએ ગ્રીન સિગ્નલ આપ્યું. ‘જઈ આવીએ.’

€ € €

‘કહેવું પડે મોટા ભાઈ. તમારું કથાનું આયોજન જોરદાર લાગે છે.’

શનિની સાંજે ધીરજભાઈ તેમનાં પત્ની કોકિલાબહેન અને નાની બહેન શારદા સાથે મંડપ વગેરેની તૈયારી જોવા આવ્યા છે. સાહેબને ભાળીને કૉન્ટ્રૅક્ટર અલર્ટ થઈને ફટાફટ મજૂરોને કામ ચીંધી રહ્યા છે.

સામે નર્મદામૈયાનાં ખળખળ નીર વહ્યાં જાય છે. સહેજ ઊંચાઈ પર શિવમંદિર છે. પથરાળ તટ પર વિશાળ મંડપ ઊભો કરવાનું કાર્ય પૂર્ણતાના આરે છે. યાત્રાળુઓને લઈને આવતાં બસ-જીપ જેવાં વાહનોના પાર્કિંગથી લઈને ફેરિયાઓની બેઠક અને ભંડારાની સામગ્રીથી માંડીને શ્રોતાગણ માટે ખુરસીની વ્યવસ્થા સુધીની કામગીરીમાં આયોજનની દીઘદૃષ્ટિ જોવા મળી એનું શ્રેય ધીરજભાઈને જ જાય. એ માટે બહેને ભાઈનાં વખાણ કરીને ઉમેર્યુ, ‘હવે સ્ટૅચ્યુનું ઉદ્ઘાટન પતે એટલે મારાં ભાભીને લઈને અમેરિકા ફરી આવો. તમારી સાથે તેમણેય આ વરસોમાં વેકેશન માણ્યું નથી.’

આમ કહેતાં શારદાબહેન પોતે અમેરિકા રિટર્ન હતાં. બૅન્કર પતિ વીરેન સાથે ખાસ્સા વષોર્ ન્યુ યૉર્કમાં રહ્યાં. તે પોતે પણ ત્યાંની મલ્ટિ-સ્પેશ્યલિસ્ટ હૉસ્પિટલના ઍડ્મિનમાં જૉબ કરતાં. ચારેક વર્ષ અગાઉ પંચાવનની વયે વીરેનનો દેહાંત થતાં તેમનું મન ઊઠી ગયું. છોકરાઓ બીજાં શહેરોમાં ભણે એટલે ભાઈ-ભાભીએ તેમને ઇન્ડિયા તેડાવી લીધાં : અમારાય છોકરા બહાર ભણે છે... કેવડિયા કૉલોનીનું કુદરતી વાતાવરણ તને ગમે પણ છે. તું આવતી રહે તો અમનેય કંપની.

એટલે ન ગમે તો પાછા જવાની શરતે આવેલાં શારદાબહેનને ઊલટું ખરેખર અહીં ગમી ગયું. નણંદ-ભોજાઈ વચ્ચે શરૂથી મનમેળ એટલે ધીરજભાઈ તેમના કામકાજમાં વ્યસ્ત હોય તોય બેઉ સન્નારી ભરૂચ-વડોદરા મૂવી-મૉલમાં પહોંચી જાય, આજુબાજુની મહિલાઓને અક્ષરજ્ઞાન પણ આપવા જાય.

આમાં હવે કથાનું આયોજન.

‘એક વાત કહું ભાભી?’

ગાંધીનગરથી ફોન આવતાં ધીરજભાઈ થોડા દૂર ગયા એટલે સામી બાજુ લટકાવેલા કથાના બૅનરને તાકતાં શારદાબહેન બોલી પડ્યાં, ‘મને તમારા આ મહારાજનો ચહેરો ક્યાંક જોયો હોય એમ લાગે છે.’

‘અચ્છા!’ કોકિલાબહેનને નવાઈ લાગી. શારદાની મેમરી આમ પાછી શાર્પ છે, પણ કેવડિયાના સાધુને તેણે વળી ક્યાં જોયો હોય! બની શકે કે સાધુના કથાના અગાઉના કોઈ કાર્યક્રમની જાહેરાતમાં તેમની તસવીર નિહાળી હોય...

‘બની શકે...’ શારદાબહેને ત્યારે તો તર્કમાં સંમતિ દર્શાવી, પણ ચિત્તમાં જુદો જ પડદો પડ્યો : નહીં-નહીં, આ ચહેરાને તો મેં રૂબરૂ મારી આંખો સામે જીવંત રૂપમાં જોયો છે... અવશ્ય જોયો છે.

પણ ક્યાં? આ યાદ આવી જાય તો સાધુના ભૂતકાળ પરથી પડદો ઊઠી શકે એમ હતું!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK