કથા સપ્તાહ - ગત-અનાગત – (સંસાર-સંન્યાસ - 1)

આભમાં અંધકાર જામ્યો હતો. જીવનમાં પણ ક્યારેક આવું અંધારું જામે ત્યારે સ્મરણ રાખવું કે દરેક રાત્રિને પ્રભાત હોય જ છે!

 અન્ય ભાગ

1  |  2


સમીત (પૂર્વેશ) શ્રોફ

આભમાં અંધકાર જામ્યો હતો. જીવનમાં પણ ક્યારેક આવું અંધારું જામે ત્યારે સ્મરણ રાખવું કે દરેક રાત્રિને પ્રભાત હોય જ છે!

‘સ્વામીજીનાં વચનામૃત પંચામૃત જેવાં છે.’ ભક્તો કેટલા ભાવથી કહેતા હોય છે.

ઓમકારનાથના હોઠ સહેજ મરકી ગયા. ના, એમાં પોતાની પ્રશંસાનું અભિમાન તો નહોતું જ... સાધુત્વનાં ૨૩-૨૪ વર્ષ પછી, ૫ચાસની ઉંમરે પ્રશસ્તિથી નિર્લેપ રહેવા જેટલી સ્થિતપ્રજ્ઞતા કેળવાવી સ્વાભાવિક હતી. તોય જોકે પોતે સંન્યસ્તને પૂરેપૂÊરું પામ્યા હોય એવું ઓમકારનાથ માનતા નહોતા. ભગવા પહેરવેશથી પૂર્વાશ્રમનું પાપ ઓછું સરભર થાય?

‘મનુષ્ય પોતાના ગતને વિસરી શકતો નથી અને અનાગતને જાણી શકતો નથી. એટલો તો તે ઈશ્વરથી ઊતરતો.’ ગુરુજી મહંતદાસજી કહેતા.

હજી ગયા વરસે પોતાને આશ્રમનો કાર્યભાર સોંપીને દેહત્યાગ કરનારા ગુરુજીના સ્મરણે ઓમના અંતરમાં ભીનાશ છવાઈ. જીવનનો પ્રવાહ પણ કેવો ફંટાતો હોય છે! બાકી ક્યાં મુંબઈનું સંસારજીવન, ક્યાં હરિદ્વારનો ગંગાઘાટ અને ક્યાં નર્મïદાતટે આવેલો ગુરુજીનો ‘શિવધામ’ આશ્રમ!

વાળુ પછી આશ્રમના ચોગાનમાં લટાર મારતા ઓમકારનાથ સાંભરી રહ્યા...

સુખમય, સુરેખ વહેતી જિંદગીમાં કિસ્મતે અણધાયોર્ પલટો આણ્યો. એની અસરમાં પોતે ન કરવા જેવું કંઈક કરી બેઠા. એની પાછળનો આશય બૂરો નહોતો, પણ એના પરિણામે કૃત્ય ખુદના માટે જ પાપ ઠરી ગયું અને પાપીજન પાપ ધોવા ગંગામૈયાનો ખોળો શોધે એમ પોતે હરિદ્વાર પહોંચ્યા. સવાર-બપોર-સાંજ ગંગાના ઘાટે બેઠા રહેતા. વિચારો જ વિચારો. જે થઈ ગયું એના, જે ન થયું એના. થાકી-હારીને છેવટે મૃત્યુમાં છુટકારો દેખાયો - મારી કરણીની એનાથી ઓછી સજા હોઈ ન શકે!

અને બસ ત્રીજા બ્રાહ્મમુહૂર્તે પોતે નદીમાં ઝંપલાવ્યું... જોગાનુજોગ એ સમયે સૂના રહેતા ઘાટે સ્નાનાર્થે આવેલા મહંતદાસજીએ કોઈને ડૂબતો જોઈને પાછળ ઝંપલાવ્યું. મને મૃત્યુના મુખમાંથી જીવનના કિનારે તાણી લાવ્યા એ ખરેખર તો સંન્યાસના કાંઠે જવામાં નિમિત્ત ઠર્યું!

સ્વસ્થ થતાં મને બે દિવસ લાગ્યા.

ગુરુજી મને તેમના ઉતારે લઈ ગયેલા. પુત્રવત્ મારી સંભાળી રાખી. તેમની કીકીમાંથી નર્યું વાત્સલ્ય નીતરતું. ચહેરાનું તેજ નતમસ્તક થવા પ્રેરતું.

‘આત્મહત્યામાં કાયરતા છે...’ તેમના ઠપકામાં પણ હેત હતું.

‘મારી કરણી જ એવી છે ગુરુજી...’ અનાયાસ તેમને વીતક કહેતાં તે નારાજ થયા : આટલું થયા પછી સંસાર સંભાળવાને બદલે તું મરવાનું તો વિચારી જ કેમ શકે?

‘કયા મોઢે મારો સંસાર સંભાળું ગુરુજી? હાથનાં કર્યા હૈયે વાગે ત્યારે મરવા સિવાય ક્યાં આરો રહે છે?’

મહંતદાસજી વિચારમાં પડ્યા : તને એકલો મુકાય એમ નથી વત્સ... તું મારા આશ્રમે ચાલ. થોડા દિવસ ત્યાં રહી સ્વસ્થ બની તારા સંસારમાં પ્રયાણ કર...

તેમની આંગળી ઝીલી પોતે કેવડિયા ગામથી સહેજ અંતરિયાળ આવેલા તેમના આશ્રમમાં દોરાઈ આવ્યો... ત્યારે તો હજી મનમાં આપઘાતના જ વિચારો સબડતા હતા : ગંગામૈયાને બદલે મારે નર્મદામૈયામાં ખબકવાનું લખ્યું હશે...

પણ ના, અહીં લાવી ગુરુજીએ મને આશ્રમનાં વિવિધ કાયોર્માં એવો વ્યસ્ત કરી દીધો કે ભગવા પહેરી સ્વને ઓગાળી દેવાનું પ્રલોભન જાગ્યું.

આશ્રમનું વાતાવરણ જ નિરાળું હતું. નર્મદા નદીના તટે આવેલા શિવમંદિરના પરિસરની બાજુમાં ચાલીસેક વર્ષ અગાઉ મહંતદાસજીએ બે અનુયાયીઓ સાથે નાનકડી કુટિરથી શરૂ કરેલો ‘શિવધામ’ આશ્રમ આજે તો ત્રણ ડઝન જેટલા સંન્યાસીઓને સમાવતું સંસ્થાન બની ચૂક્યો છે. મહાદેવની વિશાળ પ્રતિમા ધરાવતું ચોગાન, એક તરફ કાર્યાલય, સામસામે કતારબદ્ધ ચણાયેલી કુટિરો, અભ્યાસખંડ, રસોઈઘરની પાછળ ચાર ગાય-ભેંસનો તબેલો પણ ખરો... ભાવિકોનો ધસારો પણ ખૂબ રહેતો. દાનધરમનો પ્રવાહ અસ્ખલિત હતો. ગુરુજી એના દ્વારા આશ્રમની હદ વધારવાને બદલે સખાવતી કાર્યો કરાવવામાં માનતા : સંન્યાસીએ સંસ્થાનનો નહીં, સદ્ગુણોનો વ્યાપ વિસ્તારવો જોઈએ... સાદગી પણ સંન્યાસીનો ધર્મ છે! ગુરુજીની શીખ પોતે આત્મસાત્ કરી શક્યાનો સંતોષ છે.

ઓમકારનાથે કડી સાંધી...

ગુરુજીના અનુયાયીઓ પણ નિતાંત હેતભર્યા. હરિદ્વારની યાત્રાએ ગયેલા ગુરુજી વળતામાં જેને લઈ આવ્યા તે જુવાન હવે આશ્રમવાસી થઈને જ રહેવાનો એનો હરખ જ અનુભવ્યો હતો સૌએ.

‘સંસારમાં પાછા ફરવાની તારી અસમર્થતા મારી સમજની બહાર છે વત્સ... એમ સંન્યસ્ત અપનાવવાની તારી લગનીમાં પલાયનવૃત્તિ નથી એટલું તો મને પરખાય છે. હશે, અલખના ધણીની આ જ ઇચ્છા હશે.’

તેમણે વિધિવત્ સંન્યાસની ગંઠી બંધાવી. નવો વેશ, નવું નામ બહુ જલદી વ્યક્તિત્વમાં ઓગળતું ગયું. શાસ્ત્રોના અભ્યાસથી જ્ઞાનની ક્ષિતિજ વિસ્તરતી ગઈ. મારાં હવેનાં સત્કમોર્નું પુણ્ય મારા સંસારજીવનના પ્રિયજનોને મળતું રહે એ આસ્થાએ ગતખંડની કરણીનો બોજ સહ્ય બનતો ગયો. ધીરે-ધીરે પૂર્વાશ્રમ પણ ધૂંધળો થતો ગયો. જીવન વહેતું રહ્યું. ત્યાં સુધી કે કદી મારું નામ કંઈક બીજું જ હતું એવું આશ્રમમાં આજે તો કોઈને સ્મરણ નહીં હોય!

છતાં અંતરના ઊંડાણમાં મારો સ્મૃતિપટારો અકબંધ છે. ના, ગતખંડનું વળગણ નથી, પણ ભૂતકાળની ભૂલ દીવાદાંડી બનીને ચેતવતી રહે એટલું જ એનું મૂલ્ય.

ઓમકારનાથે વાગોળ્યું...

ઓમ સાધનામાં મગ્ન થતા ગયા એમ ગુરુજીની સમાંતરે તેનો પ્રભાવ વિસ્તરતો ગયો. શ્રાવણ માસમાં ઓમ શિવપુરાણ વાંચે ત્યારે ભક્તોની ભીડ વધી જતી. ઓમને અંગતપણે આનુંં અભિમાન નહોતું. બલ્કે દુન્યવી બાબતો પરત્વે નિ:સ્પૃહતા કેળવાતી ગયેલી.

‘તારો આ જ ગુણ તને મારા અનુગામી બનવાની તક આપે છે.’

ગયા વરસે અવસ્થાવશ ગુરુજીએ દેહ ત્યજ્યો એના મહિના અગાઉ આશ્રમના અધિપતિનો મુખત્યાર ઓમને સુપરત કરવાની વિધિ પાર પાડેલી. એમાં સૌની સંમતિ હતી. જોકે ઓમની ખાસ ઇચ્છા નહોતી : મારો ભૂતકાળ એક તમે તો જાણો છો...

‘ભૂતકાળ!’ શ્વાસ લેવા પૂરતું રોકાઈને મહંતદાસજીએ ઉમેર્યું હતું, ‘જાણું છું કે તારું પાપ તું ભૂલ્યો નથી. એમ તારી આ રાહ પણ તેં પસંદ કરેલી છે ઓમ. તારી આજ શુદ્ધ છે, પવિત્ર છે. તારા સંન્યસ્તને તેં અભડાવા નથી દીધું. માટે આશ્રમના અધિપતિ બાબત મારે બીજો વિચાર કરવાનો રહેતો નથી.’

સાથી અનુયાયીઓ અને ભક્તો કહે છે કે તમે ગુરુજી ખોટ વર્તાવા નથી દીધી, પણ હું જાણું છું કે ગુરુજીની સમકક્ષ થવાનું મારું કે કોઈનું પણ શું ગજું!

‘તમારા માટે ખૂલ જા સિમ સિમ જેવી તક છે.’

આશ્રમમાં આમ તો બધું ઠીકઠાક ચાલી રહ્યું હતું. એમાં છ મહિના અગાઉ પોતાને સિમ સિમના ખજાના જેવી ઑફર મૂકનારા હતા સમાજના આગેવાન નરોત્તમભાઈ અને તેમના પ્રસ્તાવમાં નિમિત્ત ઠરી સરદાર સરોવર ડૅમ ખાતે બંધાઈ રહેલી સરદારસાહેબની પ્રતિમા!

‘સ્ટૅચ્યુ ઑફ યુનિટીનું કામ પૂરું થવામાં છે. એના ઓપનિંગ સાથે જ કેવડિયા હૉટેસ્ટ ટૂરિસ્ટ-સ્પૉટ બની જવાનું. એટલે કેટલાક ખમતીધર ભક્તજનોનો પ્રસ્તાવ એવો છે કે પ્રતિમા નજીકની અમારી મોંઘા ભાવની જમીન અમે તમને આપીએ, તમારો આશ્રમ આમ અંતરિયાળ રાખવાને બદલે ત્યાં ખોલો... પંથકમાં તમારું નામ છે. આશ્રમમાં મંદિર, યોગકેન્દ્ર, પ્રાકૃતિક ઉપચારકેન્દ્ર જેવા અન્ય વિભાગો રાખીશું. બહેતરીન કૅફેટેરિયા હશે તો ટૂરિસ્ટના જબરદસ્ત પ્રવાહનો લાભ આશ્રમને મળશે.’

મતલબ, અમારા આશ્રમને તેમણે ખુદનું પ્રૉફિટ સેન્ટર બનાવી કાઢવું છે! ન બને.

‘ઈશ્વરની આરાધના અહીંના એકાંતમાં વધુ સારી રીતે થઈ શકે...’ ઓમે મક્કમતાથી ઇનકાર ફરમાવેલો.

‘વિચારી લો. કોઈ બીજાનો આશ્રમ નાખીશું તો તમારે હરીફાઈ વધશે.’ ખમતીધરોના મૂળિયા એવા નરોત્તમભાઈએ કહેલું. લગભગ પોતાની જ વયનો આદમી રાજકારણીઓને ખિસ્સાંમાં લઈને ફરનારો એટલે વગધારી પણ ખરો.

‘હરીફાઈ વેપારમાં હોય સાહેબ, જે અમે નથી કરતા.’

આશ્રમના મોટા ભાગના અનુયાયીઓ ઓમ સાથે સંમત હતા, પણ ધીરે-ધીરે બ્રિજનાથે જુદો મત જતાવ્યો : સમય સાથે જ૨ીપુરાણી માન્યતાઓને તિલાંજલિ આપવાનું આપણે સાધુઓને પણ આવડવું જોઈએ. શાjાાર્થ માટે અન્યત્ર જવાનું થાય ત્યારે જુઓ, બીજા આશ્રમ કેવા ઍડ્વાન્સ્ડ જોવા મળે છે... પ્રગતિના નામે ભડકવાથી આ૫ણે પછાત જ રહેવાના.

વયમાં મારાથી દોઢેક દાયકો નાનો બ્રિજનાથ આશ્રમનો સૌથી જુવાન સાધુ છે. લગભગ દસેક વરસથી આશ્રમમાં છે. માતા-પિતાના અકાળ અવસાને વૈરાગ પ્રેરતાં તે ગુરુજીના શરણમાં આવ્યો. ગુરુજી હતા ત્યાં સુધી તેમની આમન્યામાં રહેનારા બ્રિજનાથે કદી મારી પણ સીમા ઉલ્લંઘવાની ચેષ્ટા નથી કરી, પણ આ એક પ્રસ્તાવે તેની અભિલાષા ઉઘાડી પડી ગઈ. એટલું તેનું સંન્યસ્ત કાચું અથવા કહેવું જોઈએ કે નરોત્તમે તેને હાથો બનાવીને આશ્રમમાં ફાટફૂટ ઊભી કરવાની રમત આરંભી છે. સ્ટૅચ્યુના ઓ૫નિંગ માટે પધારનાર વડા પ્રધાન પાસે જ આશ્રમનો શિલાન્યાસ કરવાની ગણતરી ધરાવતા નરોત્તમ શેઠ ટૂંકી થતી જતી મુદતને કારણે મરણિયા બને એ સ્વાભાવિક છે. બ્રિજનાથ હવે તો ઓમના મોં પર ક્યારેક કહી દે છે. અરે, બહુમત કેળવવા અન્ય અનુયાયીઓ જોડે મંત્રણા પણ કરતો હોય છે..

- એથી જોકે મારો નર્ણિય નહીં બદલાય! ઓમે શ્વાસ ઘંટ્યો

- એ જ વખતે દૂર ક્યાંક ક્યારેક પોતાને બહુ ગમતું લતાનું ગીત ગૂંજી ઊઠયુ: એક ચેહરે પે કંઈ ચેહરે લગા લેતે હૈં લોગ...

ઓમ સામે પડતા કાર્યાલયની દીવાલે ટીંગાડેલા અરીસામાં પોતાનો ચહેરો નિહાળી રહ્યા.

આ ચહેરો! એક ભવમાં બે ભવ ન કરાય, પણ એક જનમમાં માણસ બે ચહેરા જરૂર ધરાવી શકે!

આ વિચારે સ્મૃતિપટારો ખૂલી જવાની ભીતિ હોય એમ ઓમકારનાથે ચહેરો જ ફેરવી લીધો!

€ € €

‘શૅરબજારમાં કડાકો! રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાણા!’

ટીવી પરના બ્રેકિંગ ન્યુઝે અર્શને પળ પૂરતો સ્થિર કરી મૂક્યો.

ના, સ્ટૉકમાર્કેટમાં તેનું કોઈ રોકાણ નહોતું. એવી આર્થિક જાહોજલાલી પણ ક્યાં? આ તો ઠીક છે, નાનાનું ઘર મોટું છે એટલે આગલા રૂમમાં સ્ટેશનરીની દુકાન માંડી અમારા સૌનું ભરણપોષણ કરી શકું છું. નજીકમાં બે-ત્રણ સ્કૂલ હોવાથી ધંધો ઠીક-ઠીક ચાલે છે. એમાંથી જે થોડીઘણી બચત થાય છે એ શૅરબજારમાં રોકવા જેટલો નાદાન નથી હું... અમારી બરબાદીના મૂળમાં શૅરબજારમાં છે એ હકીકત મારાથી તો કેમ ભુલાય?

‘એ...એ...’

અર્શ ઝબક્યો. ટીવી પરથી નજર વાળીને ગલ્લા પર પોતાની બાજુમાં બેઠેલી મા તેનું શર્ટ ખેંચીને બીજા હાથે ચૉકલેટના ડબા તરફ ઇશારો કરતી હતી : મને પીપર આપને!

‘નો મા, આજનો ક્વોટા પૂરો થઈ ગયો. સવારથી બપોર સુધીમાં તેં ત્રણ ચૉકલેટ ખાઈ લીધી.’

મા રડમસ નેત્રે સહેજ મોં ફુલાવીને તેને જોઈ રહી.

‘ઠીક છે, એક જ ચૉકલેટ, હં.’

અર્શે ડબ્બામાંથી એક પીપર કાઢીને આપતાં આંખો લૂછીને તે કેવી હસી પડી. અર્શ રખેને પીપર પાછી લઈ લે એ પહેલાં ફટાક કરતી મોંમાં મૂકીયે દીધી.

તેના ભોળપણે અર્શની પાંપણે ભીનાશ છવાઈ.

‘આ ભોળપણ નથી, ગાંડપણ છે.’

બહુ નાની વયે પિતા વિનાનો અર્શ સમજણો થયો ત્યારે સુરેશ નાનુએ સમજાવેલું, ‘તારી દેવયાનીમાની માનસિક સ્થિતિ દુરસ્ત નથી. લોકો તેને ગાંડી કહેતા હોય છે.’

બાર વરસનો અર્શ સમસમી ગયેલો. હજી ગઈ કાલે જ મહોલ્લાના છોકરાએ માને ગાંડી કહેતા પોતે તેની બરાબર ધુલાઈ કરેલી એના અનુસંધાનમાં નાનુ ખુલાસો કરી રહ્યા છે. માની બીમારી નાઇલાજ છે. તે કદી સાજી નહીં થાય જાણીને હેબતાઈ જવાયું.

‘તારી મા કંઈ જનમથી ગાંડી નહોતી... તેની આ અવસ્થા માટે તારો બાપ જવાબદાર છે.’ નાનુ રોષથી ધ્રૂજી ગયેલા.

બાપ. અર્શે કંપારી અનુભવેલી. મારા નામ પાછળ નાનુનું નામ લાગ્યું છે, જેનો અંશ છું તે પુરુષ તો અજાણ્યો જ રહ્યો છે મારા માટે. સમજ પુખ્ત થયા પછી માની લીધેલું કે માને ગાંડપણ આવતાં તેમણે અમને તરછોડી દીધા હશે... હવે થાય છે કે વાત થોડી જુદી હોવી જોઈએ. તે એકકાન બન્યો.

‘લગ્નનાં બે વર્ષ તો બધું બરાબર રહ્યું. મુંબઈ પરણાવેલી દીકરી સાસરે સુખી હતી. અમારાં વેવાણ અને તારાં નયનાદાદી ટૂંકી માંદગીમાં પાછાં થયાં ત્યારે વહુની ચાકરીથી ગદ્ગદ થઈને તેમણે આંખો મીંચી હતી. માની વિદાયે ભાંગી પડેલા આનંદને દેવયાનીએ જાળવી જાણ્યો હતો.’

આ...નં...દ... પહેલી વાર પિતાનું નામ સાંભળીને તેમને જોવાની ઇચ્છા જાગી હતી.

‘તારે તેને જોવાની જરૂર નથી....’ નાનુ હાંફી ગયેલા, ‘તું આયનો જોઈ લે એટલે તે તને દેખાઈ જશે.’

મતલબ?

‘તું ચહેરેમહોરે અદ્દલ તારા બાપ પર પડ્યો છે. આનંદની કાર્બન કૉપી.’

- અત્યારે પણ અર્શની નજર સામી દીવાલે જડેલા શોકેસના કાચ પર ગઈ.

આ ચહેરો!

કેટલી સોહામણી સૂરત. જોતાં જ નજર જકડાઈ જાય એવો ચહેરો ધરાવતો બીજો પુરુષ આ જીવનમાં ફરી ક્યાંક, ક્યારેક મળી આવે તો?

તો શું થાય એનો જવાબ અર્શ પાસે નહોતો!

(ક્રમશ:)


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK