કથા-સપ્તાહ - ગંગાને કિનારે (ભેદ કે ભરમ? : 5)

‘હું અહીં છું...’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


પહેલાં અવાજ આવ્યો અને બીજી પળે વૃક્ષ પાછળથી તેણે દેખા દીધી.

નિત્યાનંદ ખીલી ઊઠ્યો, પણ આ ખિલાવટમાં કપટ હતું એની બિચારી ચારુબાળાને ક્યાં જાણ હતી?

તેનો હાથ પકડીને નિત્યાનંદે પૂછી લીધું : ઘરે કે સખીઓને કંઈ કહ્યું નથીને?

‘ના રે, ૫ણ તમે કહ્યું હતું એવી ચિઠ્ઠી છોડી આવી છું - હું મારી મરજીથી મારા પ્રેમી સાથે નાસી છૂટું છું, મને ખોળશો નહીં.!’

નિત્યાનંદ પોરસાયો. બીજી વાર ગર્ભવતી બનેલી ચારુબાળાને માર્ગમાંથી હટાવવાનું નક્કી કર્યા પછી હૃષીકેશની સપ્તાહના યોગનો ફાયદો ઉઠાવવાની ગણતરી યથાર્થ લાગી. ત્રણ દિવસ અગાઉના ગુપ્ત મેળાપમાં પોતે તો ચારુને એવી જ બાંયધરી આપેલી કે...

‘સંન્યાસથી હું પણ કંટાળ્યો છું. તારી સાથે ઘર માંડવાના ઓરતા મને પણ છે, પરંતુ એ અહીં શક્ય નહીં બને. સમાજમાં આપણે વગોવણીને પાત્ર બની જઈએ, ગુરુજીને નીચાજોણું થાય એના કરતાં દૂર ક્યાંક ભાગી જઈએ તો દેખવું નહીં ને દાઝવું નહીં!’ કહીને આજની રાતનો વાયદો ગોખાવેલો, ‘હૃષીકેશમાં મારી સપ્તાહ છે, પણ એની આગલી રાત્રે જ આપણે ભાગી જઈશું. ડરે નહીંને? ’

ડરવાનું શું. તે તો ખબરદાર થઈને કહેલી જગ્યાએ છુપાઈ ગઈ હતી! પાછી ઘરે મારા કહ્યા મુજબની ચિઠ્ઠી છોડીને આવી છે.

તેને ક્યાં ખબર છે કે થોડી વારમાં તેની જીવનયાત્રાનો અંત આવી જવાનો! ચારુ સાથે કન્ફર્મ થયા પછી પોતે ગુપ્તપણે અહીં આવીને સ્થળનો અભ્યાસ કરી ગયેલો. આ સમયે જ નહીં, કોઈ પણ સમયે અહીં કોઈ ફરકતું નથી; ચારુને ગળાફાંસો દઈને લાશ દફનાવી દઉં તો કોઈને વરસોનાહ વરસો સુધી ગંધેય ન આવે! પોતે તો ત્યારનાં કોદાળી-પાવડા ત્યાં છુપાવીને રાખ્યાં છે, વૃક્ષની ડાળે સફેદ રૂમાલની નિશાની પણ રાખી છે.

આ રહી! નિત્યાનંદની કીકી ચમકી ઊઠી.

બસ, હવે ગરદનમાં ચોપ ફટકારીને ચારુને બેભાન કરી દેવાની છે. પછી લાશ માટેનો ખાડો ખોદી, બેહોશીમાં જ તેનો દમ ઘૂંટી તેને હંમેશ માટે પોઢાડી દેવાની... ખરેખર તો તેને મારીને ખાડો ખોદવાનો હોય, પણ પછી તેના ફાટી ગયેલા ડોળાવાળી લાશ બિહામણા એકાંતમાં પોતાને ડરાવતી, ધ્રુજાવતી રહે એવું શું કામ થવા દેવું?

હાંફ્યા હોય એમ નિત્યાનંદે કહ્યું, ‘થોડો પોરો ખાઈએ?’

‘ભલે...’ ચારુ તેના પડખે લપાઈ. સંન્યાસી જોડે સંસાર વસાવવા ચોરીછૂપી નાસવાની ઘટના તેના પ્રણયઘેલા હૈયાને કેફ પ્રેરનારી લાગતી હતી. ત્યાં...

હજી તો તે સરખું બેસે, તેને કંઈ સમજાય એ પહેલાં નિત્યાનંદના જોરદાર ફટકાથી તે બેહોશ થઈ ગઈ!

€ € €

ઓ મા!

મોં પર હાથ દાબીને તુલસીએ ચીસ રોકી.

નિત્યાનંદ સાથે ભળતી યુવતીને નિહાળ્યા બાદ તેને પોતાનું અનુમાન ખરું પડતું લાગ્યું. બેઉ એક થવા ભાગી રહ્યાં છે એ તર્ક સ્પશ્ર્યો‍ નહીં. જેણે ભાગવું હોય તે અલગ-અલગ રીતે સ્ટેશન કે બસ-સ્ટૅન્ડ પર ભેળા થાય, આમ અંધારું ઓઢીને નર્જિન વિસ્તારમાં ન જાય!

તેણે પીછો ચાલુ રાખ્યો તો જુઓ નિત્યાનંદનો ખેલ ઉઘાડી પડી ગયો!

ત્યાં તો છુપાવેલાં ઓજારો કાઢીને નિત્યાનંદે ઢોળાવની જમીન પર કોદાળીનો ઘા કર્યો‍. ખચાક્!

આ તો ખાડો ખોદી રહ્યો છે!

તુલસીના કપાળેથી પ્રસ્વેદ નીતર્યો‍. નહીં, ચીસાચીસ કરવાનો અર્થ નથી. છોકરી બેહોશ છે ને હું એકલી નિત્યાનંદને પહોંચી નહીં વળું... તો પછી?

આરવ!

નિત્યાનંદ-ચારુથી થોડે છેટે રહેલી તુલસીની છાતી ધડકી ઊઠી : આ તો આરવના ઘર પાછળનો જ ઢોળાવ! સૂનકારમાં મોબાઇલની રિંગ પણ ચેતવી દેનારી નીવડે. એના ક૨તાં પેલી કોરનો ચકરાવો લઈ ઢાળ ચડી આરવને જ તેડી લાવું. પછી જુઓ નિત્યાનંદની વલે!

નિત્યાનંદ ખાડો ખોદવામાં વ્યસ્ત હતો, તુલસીએ ઢાળ ચડવા માંડ્યો.

€ € €

- ત્યારે આરવના ઘરે આસિતા પારદર્શક નાઇટીમાં પોતાનાં પુષ્ટ અંગોને વધુ તીક્ષ્ણ બનાવીને આરવના રૂમ તરફ પ્રયાણ કરતી હતી.

એક તો આરવ આવ્યો મોડો, આસપાસની રહીસહી વસ્તી પણ જંપી ગઈ હોય; પણ હવે પ્લાન ફેરવાય એમ નહોતો. શેખર આરવ પહેલાંનો આવીને વરંડામાં છુપાયો છે. કશુંક અજુગતું થયું તો તેની મદદની ધરપત તો છે!

હળવેથી તેણે આરવની રૂમનો નૉબ ઘુમાવ્યો... શેખરે આવીને લૉક બગાડી નાખેલું એટલે આરવ સુધી પહોંચવામાં અડચણ નહોતી...

રૂમમાં અંધકાર હતો, પણ પ્રકાશની જરૂર પણ શું હતી? આ સામે પલંગ. એના પર પોઢતા આરવ પર પડતું

મૂકીશ કે તે મારાં અંગોનો સ્પર્શ પામીને બહેકી જવાનો...

અને આસિતાએ પલંગમાં પડતું નાખ્યું એવો જ રૂમ પ્રકાશથી ઝળહળી ઊઠ્યો. એક તો આરવને બદલે પોતે ખાલી ગાદલા પર પડી, એમાં પાછળથી કોઈએ લાઇટની સ્વિચ પાડીને અજવાળું ભરતાં હળવી ચીસ સરી ગઈ આસિતાના મુખમાંથી.

‘મેં તમને આવાં નહોતાં ધાર્યાં ભાભી.’

પીઠ પાછળ આરવના સ્વરે કાળજું ચીર્યું. ડોક મરોડતાં કષ્ટ પડ્યું.

‘બગડેલું લૉક જોતાં જ હું પામી

ગયો કે આજે કોઈ નવાજૂની થવાની. એટલે સ્ટોરરૂમમાં સરકીને તમારી જ વાટ જોતો હતો...’

તેના ખુલાસામાં વેદના હતી.

‘તું મારો ઇરાદો પામી જ ગયો આરવ, તો દૂર કેમ ઊભો છે?’ આસિતાએ તો લીડ લેવાની જ હતી, ‘આવ, મારી પ્યાસ બુઝાવી દે!’

તે આરવ પર ઢળવા જાય છે કે...

ઉપરીઉપરી બે ચીસોએ રાતનો સન્નાટો ચીરી નાખ્યો!

€ € €

ઝાંપો ખોલીને હાંફતા શ્વાસે આરવના ઘરના વરંડામાં પ્રવેશતી તુલસી ઉતાવળી ચાલે પ્રવેશદ્વાર તરફ જાય છે કે કોઈ જોડે અથડાઈ પડી. જાણે નિત્યાનંદ આવી ચડ્યો હોય એવા ભયથી તેની ચીસ ફૂટી...

અને એ જ વખતે ખાડો ખોદતા નિત્યાનંદની કોદાળીમાં આનંદની ડોક ફસાતાં માટી ભેગું તેનું ડોકું નીકળી આવ્યું ને ભૂત જોયું હોય એમ ભડકતો નિત્યાનંદ ફાટી ગયેલા સાદે ચીસ નાખતો ઢળી પડ્યો!...

વારે-વારે પ્રવેશદ્વાર તરફ જોઈને વરંડામાં આંટા મારતા શેખરની નજરે તુલસી ચડે એ પહેલાં અથડાવાનું બન્યું. તેની ચીસમાં તાલ પુરાવતી બીજી ચીસ ઢોળાવ આગળથી ફૂટતાં શેખર પણ બઘવાયો : આ બધું શું છે? કશું સમજાય, કંઈ કરવાનું સૂઝે એ પહેલાં...

રોશનીથી ઘર, વરંડો ઝળહળી ઊઠ્યાં. આસિતાને હડસેલો દઈને આરવ ઘરની બહાર આવી પહોંચ્યો હતો.

‘તુલસી તું!’ તે દોડી આવ્યો, ‘આ કોણ... શેખર તમે! કલકત્તાથી ક્યારે આવ્યા? અહીં શું કરો છો?’

ગાઉન પર શાલ લપેટીને આવી ચડેલી આસિતા પણ પરિસ્થિતિનો બદલાવ જોઈને થીજી ગઈ. મને રક્ષનારો શેખર જ ખુદ ઝડપાઈ ગયો!

‘બીજી ચીસ તેં પાડી શેખર?’

‘નહીં...’ તુલસીને ઝબકારો થયો, ‘નિત્યાનંદ! ઢોળાવ આગળ...’

આરવનો હાથ ખેંચીને તે લગભગ દોડી જ. શેખર-આસિતા ફિક્કાં પડ્યાં - ત્યાં તો આપણે આનંદની લાશ છુપાવી છે!

અને ઢોળાવ વળોટીને બેહોશ નિત્યાનંદ-ચારુબાળા આગળ પહોંચેલા આરવે ખાડામાં નજર પડતાં જ હૃદયવેધક ચીસ નાખી : ભાઈ! તેના પડખે ઊભી તુલસી હાયકારો નાખી ગઈ.

‘ભાગ આસિતા...’ આનંદની લાશ મળ્યાનુ દૃશ્ય જોઈને શેખર ભડક્યો, ‘નહીં તો આપણે ખૂનમાં ફસાઈ જવાના!’ માણસનું પાપ પ્રગટ થતાં તેની બુદ્ધિ બહેર મારી જાય છે. શેખરે પણ જાત પરનો કાબૂ ગુમાવ્યો, ‘જે કંઈ જર-ઝવેરાત હોય એ લઈને ભા...ગ!’

તેનાં વાક્યો તુલસીમાં ઝંઝાવાત જન્માવતાં હતાં.

‘આ...ર...વ...’ તેણે હૈયાફાટ આક્રંદ કરતા આરવને ઢંઢોળ્યો, ‘જુઓ, ભાઈના ખૂની ભાગી રહ્યા છે.’

હેં. આરવની ભીની આંખોમાં રાતો દોરો ઊપસ્યો. પછી શેખર-આસિતાથી છટકાય ખરું!

€ € €

‘આનંદભાઈ સાથે અમંગળ થયાની આશંકા ગુરુજીએ વ્યક્ત કરી હતી આરવ. મારે તમને એ વિશે કહેવું હતું... પણ એમાં સગી પત્નીએ તેના યાર સાથે મળીને કાસળ કાઢ્યું હોવાની ભનક પણ નહોતી...’

‘ભાઈ-બહેન’નો સંબંધ હવે ખુલ્લો હતો. એ રાત્રે નિત્યાનંદે ચારુબાળાને મારવાનો કારસો ન રચ્યો હોત, પોતે તેની પાછળ ન પડી હોત તો કદાચ આરવ આસિતાની ચાલનો શિકાર બની ચૂક્યો હોત! આનંદ દફનાયો ત્યાં જ નિત્યાનંદ ચારુને દફનાવવા ખાડો ખોદે એ કેવું!

શિષ્યની કરણીથી વિશ્વાનંદજી વ્યથિત જરૂર બન્યા, પણ છેવટે તો સજા પણ તેમણે જ ઠેરવી છે - લગ્નની! ચારુબાળા સાથે સંસાર માંડીને તે હરિદ્વારમાં જ રહેશે.

નિત્યાનંદથી વાંધો લેવા જેવું રહ્યું નહોતું. ખરી દિલેરી ચારુબાળાની હતી : તમે મને મારવાની કોશિશ કરી નિત્ય, એ અપરાધ માત્ર એટલા માટે ક્ષમા કરું છું કેમ કે તમે મારા થનારા બાળકના પિતા છો. હું નથી ઇચ્છતી કે તેને તમારું કલંક ચોંટે. બાકી પ્યાર તો તમારે પુનજીર્વિત કરવો રહ્યો...

ગુરુજીના આશ્રમમાં પરિવારની હાજરીમાં આમ કહેનારી ચારુ તપસ્વિની જેવી લાગી હતી. નિત્યાનંદને આપોઆપ નતમસ્તક થવાયું : હું તારા નારીત્વને સમજી ન શક્યો, પણ હવે એવી ભૂલ નહીં થાય. એનું સાક્ષી આપણું સંતાન રહેશે.

ત્યારે ચારુના ઘરનાને પણ શંકા ન રહી. નિત્યના સંસાર-પ્રવેશની વેળાએ ગુરુજીએ તેના પિતાને પણ તેડાવ્યા હતા. પિતા-પુત્રના મિલને સૌની આંખો ભીની કરી હતી.

‘મારા દીકરાને તમે જાળવ્યો...’ તેમણે વિશ્વાનંદજીનો ગણ માનીને પોતાની વ્યથા કહી, ‘રંગેહાથ ઝડપાયેલા દીકરાને ઢોર માર મારીને મેં તગેડી મૂક્યો, પણ પેલી કેસરે ધણીને કરગરીને માફી માગી પોતાનો સંસાર સાચવી લીધો એ જોઈ મને થતું કે હું આકરો બન્યો. દીકરાની કાયામાં ચટકા ભરતા હોય

તો તેને પરણાવી દેવાય, નહીં કે છેડો ફાડવાનો હોય! મને ખાતરી છે કે ચારુના સંસ્કાર, સમર્પણ નિત્યને ચલિત નહીં થવા દે...’

તેમની અપેક્ષામાં ગુરુજીના આર્શીવાદ હતા.

‘ગુરુજીની સાથે અમે તમારા પણ ઋણી...’ નિત્યાનંદ ઉર્ફે સંગ્રામ આરવ-તુલસીનો આભાર માનવાનું ચૂકતો નથી, ‘તમે અમને આશ્રમે પહોંચાડ્યા, ગુરુજીને ભલામણ કરી; પણ હું તમને જીવનનો સૌથી વસમો આઘાત આપવામાં નિમિત્ત ઠર્યો‍!’

‘નહીં નિત્યાનંદ...’ તુલસી બોલી ઊઠી, ‘તમે તો ભાઈની અનિશ્ચિતતાનો અંત આણ્યો...’

નિત્ય-ચારુની જેમ આરવ-તુલસીનો પ્રણય પણ છૂપો નથી. ખરેખર તો તુલસીના સહારે આરવ ટકી ગયો છે. ધીરે-ધીરે તુલસી આરવને આઘાતમાંથી બહાર આણી શકી છે. આરવે ઠમઠારીને જેલભેગા કરેલાં શેખર-આસિતાએ ગુનો કબૂલતાં જનમટીપની સજા થઈ છે.

આજે આનંદની પ્રથમ પુણ્યતિથિએ તેનાં અસ્થિ ગંગામાં વિસર્જિત કરીને તે અમંગળ આગાહીનો હવાલો દે છે કે ગુરુજીએ દેખા દીધી, ‘તેં એક આગાહીનો ઉલ્લેખ કયો તુલસી, હવે ત્યાંથી આગળ વધવાનું છે.’ તેમણે વાંકા વળી જળની અંજલિ કરી, ‘ગંગામૈયાના કાંઠે સંસારીઓ પણ વસે છે અને સંન્યાસીઓ પણ... મોહમાયા, ખટપટથી બેઉ મુક્ત નથી; પરંતુ મૈયાને તેમના રાગદ્વેષ સ્પર્શતા નથી. એમની ધારા તો જ નિર્મળ રહી શકી છે અને એ જ આપણે શીખવાનું છે.’

તેમનાં આર્શીવચનોને શિશ ઝુકાવીને તુલસી-આરવ સ્વીકારી રહ્યાં. આમાં સુખની જડીબુટ્ટી હતી અને તેમનું સુખ શાશ્વત રહેવાનું હતું એટલું વિશેષ.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK