કથા-સપ્તાહ - ગંગાને કિનારે (ભેદ કે ભરમ? : 2)

હર હર ગંગે...અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


દૂર ક્યાંક બજતી લતાના કંઠે મઢી ગંગામૈયાની સ્તુતિ તુલસીનું હૈયું પુલકિત કરી ગઈ.

આભમાં રતાશવર્ણી સંધ્યા પથરાઈ છે. હરિદ્વારને અડીને આવેલા ગુરુ વિશ્વાનંદજીના આશ્રમના ભૈરવઘાટને અડીને વહેતી ગંગાનો વિશાળ પ્રવાહ કોઈને પણ નતમસ્તક થવા પ્રેરે એવો રમ્ય છે. અમસ્તી જ નદીના જળમાં હાથ ઝબોળતી તુલસીને થયું કે માનવીનું જીવન પણ નદીની ધારા જેવું છે, એનો પ્રવાહ ક્યારે ક્યાંથી ક્યાં પલટાઈ જાય ક્હેવાય નહીં!

બાકી ક્યાં હું પૅરિસમાં ફૅશન-ડિઝાઇનિંગનું ભણનારી ને ક્યાં આ હરિદ્વારનો આશ્રમ!

‘તુલસીબેટા, હું અને તારા પપ્પા ચારધામની જાતરા કરવાનું વિચારીએ છીએ. તું આવીશ?’

હજી ગયા વરસે મુંબઈથી મમ્મીએ ફોન પર પૂછ્યું હતું... પણ એ વેળા પ્રોજેક્ટ સબમિશનની ડેટ ક્લૅશ થતી હોવાથી જાતરામાં જોડાવાનું શક્ય ન બન્યું. મમ્મી-ડૅડી મારા વિના જવા ખાસ ઉત્સાહી નહોતાં, પણ પોતે જ પૅરિસથી રોજ આગ્રહ કરતી રહી. ત્યારે ક્યાં જાણ હતી કે આ જાતરા તેમની અંતિમ યાત્રા બની રહેવાની છે!

બદરીનાથ પહોંચ્યા સુધી બધું બરાબર હતું... પણ પછી કુદરત વીફરી. બદરીનાથમાં આભ ફાટ્યું ને અનરાધાર વર્ષાના જળપ્રકોપે ગામ-ઘર-માનવી-પશુ કંઈકેટલું તણાઈ ગયું!

ખબર સાંભળીને પૅરિસથી તાબડતોબ હરિદ્વાર દોડી આવી. ખરેખર તો મારા જેવા કંઈકેટલા સ્વજનો હરિદ્વારના બેઝકૅમ્પમાં પોતાના પ્રિયજનોની વાટ જોતા હતા; પ્રાર્થના, હવન કરતા હતા. રોજ સાંજે લાશોનો ખડકલો થતો ને મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાની રહેતી. ન ઓળખાય એવા મૃતદેહોના સામૂહિક અગ્નિસંસ્કાર કરવામાં આવતા. છેવટે એ ઘડી પણ આવી પહોંચી.

‘ડૅ...ડી...મા!’ ચોથી ચાંજે લાશોના ઢગલામાં ડૅડી-મમ્મીની ઓળખે તુલસી બેહોશ થઈ ગયેલી. ગંગાતટે મમ્મી-ડૅડીના નશ્વર દેહને અગ્નિદાહ આપ્યા પછી રગરગમાં જાણે લાગણીશૂન્યતા છવાઈ ગઈ હતી. સવાર-બપોર-સાંજ તુલસી ગંગા તટે બેસતી, વિષાદયોગ ઘૂંટાતો. મને સૌથી વધુ ચાહનારાં માબાપ જ ન રહ્યાં, સંસારમાં હું એકલી-અટૂલી પડી ગઈ...

‘સુખ ભ્રમણા છે અને દુ:ખ મિથ્યા.’

અઠવાડિયા પછી પોતે આમ જ ગંગાના ઘાટે બેઠી હતી ત્યાં સ્પીકરમાંથી વહેતા સાધુના શબ્દો પડઘાયા.

નજીકમાં જ શામિયાણો બંધાયો હતો. એમાં એકાદ સાધુનું પ્રવચન ચાલી રહ્યું હોવું જોઈએ... હરિદ્વારમાં કથાશ્રવણની નવાઈ નથી.

‘અગર સુખ કાયમ નથી હોતું તો દુ:ખ પણ નાશવંત જ હોય છે.’

વાહ રે. સાધુના ઉપદેશે તુલસીમાં જુદો જ જુસ્સો ભર્યો હતો. સંસારીઓને સુખદુ:ખના પાઠ ભણાવનારા સંન્યાસીને જરા પૂછું તો ખરી કે તેં એકઝાટકે વહાલસોયાં માબાપને ગુમાવવાની

પીડા વેઠી છે? દુ:ખ કોને કહેવાય જાણો પણ છો?

ઉઘાડા પગે તે શામિયાણામાં પહોંચી. ભોંય પર પાથરણાં પાથરીને ભક્તજનો બેઠા હતા. સામે આસન પર બિરાજમાન સાઠેક વરસના સંન્યાસીની નિર્મળતાએ તુલસીનું જોશ ચૂસી લીધું. હળવેથી તે છેવાડેની હારમાં ગોઠવાઈ. સાધુની પાછળ લટકતા બોર્ડમાં લખ્યું હતું - ભક્તજનો કે કલ્યાણ હેતુ ગુરુ વિશ્વાનંદજી કા પ્રવચન!

‘ગુરુજીની વાણીમાં જાદુ છે. તેમના ભૈરવનાથ આશ્રમની આભા નિરાળી છે. સાચા સંતો આજકાલ જૂજ રહ્યા છે, ગુરુજી એમાંના એક.’ આગળ બેઠેલા એકાદ ભક્તની ટિપ્પણી સાંભળીને તુલસીને થયું કે સંન્યાસી પ્રત્યે સંસારીઓને કેવો અહોભાવ હોય છે!

‘તાજેતરમાં બદરીનાથમાં કુદરત રૂઠી.’

સુખદુ:ખની વાતો પરથી અચાનક તેમણે બદરીનાથના પ્રકોપનો ઉલ્લેખ કરતાં તુલસી ટટ્ટાર થઈ.

‘અસંખ્ય માનવીઓ મૃત્યુ પામ્યા. એમાં જાતરા કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ પણ આવી જાય.’ દાઢી પસવારતા ભગવાધારી ગુરુજીએ ઉમેર્યું હતું, ‘અત્યંત શ્રદ્ધાથી, ક્યારેક તો જીવનમૂડી વાપરીને જાતરાએ આવનારા ભક્તજનો સાથે આવું થવું જ કેમ જોઈએ? દુગïર્મ જાત્રા ખેડીને પોતાનાં દર્શને આવતા ભક્તને જાળવવાની ફરજમાંથી ઈશ્વર ચૂકે એ કેમ ચાલે!’

તુલસીને થયું કે બોલનારે મારા મનનો પડઘો પાડ્યો.

‘ખરેખર તો આ આપણી ટૂંકી દૃષ્ટિની પજવણી છે. આપણે દેહ પડ્યાના દુ:ખને રડીએ છીએ એટલે ઈશ્વરના ધામમાં મૃત્યુ પામેલી વ્યક્તિના આત્માની સદ્ગતિ જ થઈ હોય એ સુખ જોઈ શકતા નથી. બાકી તો ઈશ્વરને ક્રૂર ગણીને આપણે ભક્તિભાવપૂર્વક જાતરાએ નીકળેલા આપણા સ્વજનોની શ્રદ્ધાનું જ અવમૂલ્યન કરીએ છીએ. ’

તુલસીની સમજબારી ખૂલી ગઈ.

‘તમારું દુ:ખ તેમને વધુ સંતાપશે, તેમના મોક્ષમાં વિઘ્ન બનશે.’

સાંભળીને તુલસીએ ભીની આંખો લૂછી નાખી. પ્રવચન પત્યા પછી તેણે ગુરુજીનો માર્ગ આંતરીને પૂછી લીધું, ‘ગુરુજી, હું તુલસી શાહ. બદરીનાથની હોનારતમાં મેં પણ માબાપ ગુમાવ્યાં છે. આપના પ્રવચને શાતા સાંપડી છે. હું થોડા દિવસ આપના આશ્રમમાં રહી શકું?

‘તારું નામ તુલસી છે. તુલસીને ઇનકાર કરનારો હું કોણ?’

અને બસ, એ ઘડીથી ભૈરવનાથ આશ્રમ મારા માટે બીજું ઘર બની ગયો...

આશ્રમમાં સ્ત્રી-પુરુષનો બાધ નથી. અલબત્ત, સાધ્વીઓના કક્ષ સાધુઓના રૂમ્સથી અળગા ખરા. અહીંની આધ્યાત્મિક પ્રવૃત્તિમાં ઊંડાણ હતું. સવાર-સાંજ શાસ્ત્રાર્થ થતો. સ્વાશ્રયમાં માનનારાં સાધુ-સાધ્વીઓનું જીવન બહુ સાત્વિક લાગ્યું તુલસીને.

‘વિચારું છું ગુરુજી કે હું પણ સંન્યાસ લઈને અહીં જ રોકાઈ જાઉં.’

થોડા દિવસમાં તુલસી ગુરુજીની લાડલી બની ગઈ હતી. તેમની ઓથે તુલસીનો આત્મવિશ્વાસ પુન: જીવિત કર્યો હતો. ગુરુજી કહેતા પણ - આમ તો સાધુને કશાનો મોહ હોવો ન જોઈએ, પણ પુત્રીનો સ્નેહનો પરમપિતાને પણ હોયને!

જોકે સંન્યાસ લેવાની વાતે ગુરુજી ગંભીર બની જતા : ‘સંસારના દુ:ખનું નિવારણ સંન્યાસ નથી. સ્વ માટે પણ અનુરાગ ન રહે એ અવસ્થાને હું સંન્યાસ ગણું છું તુલસી એમ સાધુ બનવામાત્રથી સંન્યાસીપણું નથી આવતું એ તો તું આસપાસના દાખલ પરથી તારવી શકી હોઈશ. ’

ગુરુજીનો ઇશારો સ્વયંસ્પષ્ટ હતો. જેમ કે સાધુ નિત્યાનંદ! 

પાંચેક વરસથી આશ્રમમાં રહેતા સત્તાવીસેક વરસના નિત્યાનંદે અઢારની ઉંમરે સંસાર ત્યજ્યાનું કહેવાય છે. અહીં કોઈના પણ પૂર્વાશ્રમની ચર્ચાનો નિષધ છે એટલે સાધુ યા સાધ્વી બનવાનાં કારણ-તારણ પૂછી-જાણી ન શકાય, પરંતુ આટલાં વરસોના સાધુજીવન છતાં નિત્યાનંદની આંખો મારા પર ફરતી રહે છે, ક્ષુલ્લક કારણે સાધ્વીઓના કક્ષમાં આવરોજાવરો કરી લે છે એ આસક્તિ નહીં તો બીજું શું? વૃત્તિ વશમાં ન રહે એ સાધુ કેવો!

પણ પછી એ જ નિત્યાનંદને શાસ્ત્રાર્થમાં જીતતો જોતી ત્યારે તુલસીને થતું કે બીજાની સાધુતા નક્કી કરનારી હું કોણ? અને મારે ક્યાં અહીં કાયમ રહેવાનું છે? ભણતરનાં હજી બે વરસ બાકી છે. હું પૅરિસ જઈશ, ખૂબ લગનથી ફૅશન-ડિઝાઇનિંગનો કોર્સ પૂરો કરી મારા પેરન્ટ્સનું સપનું પૂરું કરીશ, છુટ્ટીઓમાં અહીં આવતી રહીશ...

- એ રીતે જુઓ તો પાછલાં વરસમાં મારો આ ત્રીજો ફેરો છે... હજી ગઈ કાલે જ પોતે આવી. અહીં હું અધ્યાત્મન-મનન કરું છું. બહાર ખાસ નીકળતી નથી. ચિત્તને શાતા સાંપડે છે...

‘મને તો ત્યારે જ શાતા સાંપડશે જ્યારે મારા મોટા ભાઈનો પત્તો મળશે...’

આવું કહેનાર હતો આરવ! છએક મહિના અગાઉ ક્રિસમસ વેકેશનમાં પોતે અહીં આવેલી ત્યારે આરવને આશ્રમમાં જ મળવાનું બનેલું. તેના મોટા ભાઈ આનંદને ગુમ થયે ત્યારે દસ-પંદર દહાડા થયા હશે.

મોટા ભાઈ લાપતા બનતાં આરવના ચિત્તને શાતા નહોતી. જાતતપાસથી માંડીને પોલીસ-કમિશનર સુધીનાને તેણે ઢંઢોળ્યા, પણ આનંદભાઈની કોઈ ક્લુ ન સાંપડી. ઉદ્વેગ ચિંતામગ્ન આરવ આશ્રમ સુધી દોરાયો : ગુરુજીના તપ વિશે ઘણું સાંભYયું છે... ગુરુજીને કરગર્યો હતો : આપ તો ત્રિકાળજ્ઞાની છો, એટલું તો કહી દો કે મારો ભાઈ જ્યાં છે ત્યાં સુખી છે...

વિશ્વાનંદને તેનું દર્દ સ્પશ્ર્યું. આમ તો સિદ્ધિના દેખાડામાં તેઓ માનતા નહીં, પણ પોતાને થતી અગમ સ્ફુરણા આરવને કહેવાય એમ પણ નહોતી. આરવની અવસ્થા જ નહોતી સત્ય જીરવી શકવાની. એટલે આશ્વાસન ઉચ્ચાર્યું, ‘કર્તાહર્તા ઉપરવાળો છે બેટા, એનામાં વિશ્વાસ રાખ... ભાઈ વિના ઘર ખાવા ધાતું હોય તો થોડા દિવસ અહીં રહી જા.’

એ અરસામાં ક્રિસમસ વેકેશનને કારણે તુલસી પણ આશ્રમમાં હતી. અતડા-મૂંગા રહેતા આરવ વિશે ગુરુજી પાસે જાણીને તેણે વાતચીતની પહેલ કરી હતી : તમે હૃષીકેશના રહેવાસી છોને? આરવ, ત્યાંના અને હરિદ્વારના ગંગાના વહેણમાં શું ફેર છે?

‘મારા માટે તો કોઈ ફરક નથી. ગંગાજી ત્યાં પણ મૈયા છે, અહીં પણ મૈયા છે.’

નદીના નીરને મા કહેવાની આસ્થામાં જરાય અતિશયોક્તિ ન લાગે એવો ગંગા મૈયાનો પ્રભાવ છે. એમની શીતળ જળરાશિના સ્પર્શથી ભવ તર્યાની અનુભૂતિ થાય છે. એમના વિશાળ પ્રવાહ સમક્ષ આપોઆપ નતમસ્તક થઈ જવાય છે.

‘મૈયાની મમતા મને પણ બંધાઈ છે. આશ્રમના ઘાટે બેસું છું ત્યારે જાણે મારાં મૃત માતા-પિતાનું વહાલ અનુભવું છું.’ અનાયાસ જ તુલસી કહેતી ગઈ.

‘તમને કમસે કમ માતા-પિતાના અંજામની જાણ તો છે... મારા પક્ષે તો કેવળ અનિશ્ચિતતા છે. ભાઈના ગુમ થવાનું દર્દ, તેમને શોધી ન શકવાની વિવશતા...’ આરવે એની કથા ઉખેળી હતી : ભાઈના પગે ખોડ, પહાડી કન્યા સાથે લગ્ન, કુદરતના કહેરમાં ભાભીના પિયરનો સર્વનાશ, એમાં ઊગરેલા તેના દૂરના મસિયાઈ ભાઈનું આગમન અને છેવટે એક રાત્રે ભાઈનો ગૃહત્યાગ... શું કામ, કયા કારણે - કોઈ ક્લુ નહીં!

‘આનંદભાઈ જાણતા હશે કે તેમના આ રીતે જવાથી તમારા પર શું વીતશે... તે ક્યારેક, કોઈક રીતે તો તમારો સંપર્ક કરશે આરવ. સાથે એ પણ યાદ રાખજો કે તમારું આમ અજંપ રહેવું તેમને નહીં ગમે...’

‘જાણું છું તુલસી, એટલે તો આવતા અઠવાડિયે મુંબઈ જાઉં છું. ભાઈને બહુ હોંશ હતી મને ભણાવવાની, એટલે કૉલેજ તો પૂરી કરીશ...’

‘બિલકુલ મારી જેમ જ...’ તુલસી મૃદુ મલકી હતી, ‘ફૅશન-ડિઝાઇનર થઈને મારે પણ મારાં મમ્મી-ડૅડીનું સપનું પૂરું કરવું છે...’

એ એક સ્મિતમાં બે સમદુખિયા વચ્ચે આત્મીયતા બંધાઈ હતી. આશ્રમમાંથી છૂટા પડ્યા પછી પણ ફોન દ્વારા અમારો સંપર્ક રહ્યો છે. આનંદભાઈનો હજી સુધી પત્તો નથી મળ્યો...

‘અરે, ક્યા કરતી હો?’

દબાયેલા પુરુષસ્વરે તુલસી ચમકી. સ્મરણયાત્રા સમેટીને વર્તમાનમાં આવી જવાયું. દૂરની ઝાડીઓમાંથી આવતો અવાજ નીરવતાને કારણે સાફ સંભળાયો.

‘થોડી વારમાં આરતી શરૂ થશે અને તું મને અહીં ખેંચી લાવી.’

અધીરાઈભર્યો સ્વર તો નિત્યાનંદનો! પણ તે કોને વઢી રહ્યો છે?

‘ખેંચી લાવવો પડ્યો, કેમ કે તારું બીજ ફરી મારા ગર્ભમાં રોપાઈ ચૂક્યું છે અને આ વખતે બચ્ચું પડાવવાની નથી. હું તેને જનમ આપીશ. છડેચોક તારું નામ આપીશ.’

હેં. નિત્યાનંદ ભડક્યો હશે એનાથી વધુ તુલસી ચોંકી. બોલનાર બાઈ આશ્રમની તો ચોક્કસ નથી... તો પછી કોણ છે?

હળવેથી ઊઠીને તે અવાજ વિનાની ચાલે ઝાડી તરફ ગઈ. આમ તો બીજાની અંગત બીનામાં માથું મારવું અશિસ્ત ગણાય, પણ સાધુ કોઈ નિદોર્ષ યુવતીને છેતરી ન જાય એ માટે પણ ઘટનાના સાક્ષી બનવું જરૂરી લાગ્યું તુલસીને.

વૃક્ષની ડાળખી ઊંચકીને તેણે ડોકિયું કર્યું તો નિત્યાનંદનો ચહેરો સાફ દેખાયો, પણ યુવતીની પીઠ હોવાથી તેની ઓળખ ન મળી.

‘હવે સંન્યાસ છોડીને મને અપનાવી લે નિત્ય...’ યુવતીની વાણીમાં હવે પ્રણય ઘૂંટાયો, ‘હું તને સુખની અછત વર્તાવા નહીં દઉં!’

‘હં...’ ઝભ્ભાની બાંયથી પ્રસ્વેદ લૂછતા નિત્યાનંદે ફરકાવેલા સ્મિતમાં ફિક્કાશ વર્તાઈ તુલસીને.

‘હમણાં આ બધું કોઈને કહીશ નહીં. મારે ગુરુજીને મનાવવા પડશે. તું મને થોડો સમય આપ.’

‘હું તો તને જોઈએ એટલો સમય આપું નિત્ય... પણ આપણા પ્રેમની નિશાની ઝાઝો સમય છૂપી નહીં રહે.’

‘ના, ના, એ પહેલાં તો હું કિસ્સાનો અંત આણી દઈશ!’ મધુરું સ્મિત ફરકાવતા નિત્યે યુવતીને આલિંગન આપ્યું એટલે ડાળ છોડીને તુલસી દૂર સરકી ગઈ. પોતાની આ ચેષ્ટા ક્યાં દોરી જવાની છે એની ત્યારે ક્યાં જાણ હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK