કથા-સપ્તાહ - ઘૃણા (જનક-જનની : 5)

‘આ વાંચો...’ મહિના પછી નીમા અમૂલખભાઈને ડાયરી ધરે છે.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


પીળા પડી ગયેલા કાગળ પર લખાયેલી ડાયરીનાં થોડાં પાનાંથી જ અમૂલખ હરખાઈ ગયા.

‘એક્સલન્ટ જૉબ...’ બે પાનાં વાંચતાં જ તેમણે કહ્યું. નીમાએ રાતોનો ઉજાગરો સાર્થક થતો અનુભવ્યો. હવે?

€ € €

‘તારી વ્યસ્તતા હવે સમજાણી.’

અમૂલખભાઈને ડાયરી દઈ ઘરે આવીને નીમાએ પિતા સમક્ષ પ્રીત કબૂલી લીધી. વચમાં અતુલ્ય બે-એક વાર ઘરે આવી ગયેલો. અરવિંદભાઈને આમ પણ છોકરો ગમી ગયેલો. તેની ગાથા અત્યારે જાણી... નીમા ઊંધું ઘાલીને શું લખતી રહેતી એ હવે સમજાયું! દીકરીની પસંદમાં શ્રદ્ધા હોય જ અને તેના પ્રયત્નને પોંખવાનો જ હોય.

€ € €

‘નીમા, મને ચીમટી ભર. હું સપનું તો નથી જોતોને!’

અતુલ્યનું હૈયું ઊમડઘૂમડ થાય છે. નીમાના પિતા સગપણ મંજૂર રાખે, આવતા મહિને ધામધૂમથી લગ્ન લેવાનું કહે એના જેવી ખુશકિસ્મતી બીજી શું હોય? આજે ગુરુકુળ આવેલી નીમા રિશ્તાની વધાઈ આપે છે! ઓહ, આજે મા હોત તો?

‘મા તો નથી અતુલ્ય...’ નીમાએ પાકું કર્યું, ‘પણ પિતા પ્રત્યેની ઘૃણામાંથી મુક્ત થવાનું તમે વચન આપ્યું છે એ યાદ છેને?’

‘હં...’ અતુલ્ય કડવું હસ્યો, ‘તે માણસને જીવલેણ બીમા૨ી છે છતાં જીવ્યે જાય છે એ કેવું!’

‘બની શકે કે કોઈ અધૂરી અબળખા તેમને જિવાડતી હોય...’

અતુલ્ય વિચારમાં પડ્યો. અમૂલખની આખરી ઇચ્છા મારા સ્નેહની, સંસર્ગની છે... એ જ તેની જીવાડોર બની હશે?

-અને તેની આંખો ચમકી. ગુરુકુળના કમ્પાઉન્ડમાં સરકારી ગાડી પ્રવેશી રહી હતી... વળી અમૂલખ ટપક્યો! આ શુભ ઘડીમાં જ તેણે આવવાનું થયું? મારે નથી મળવું - આજે તો નહીં જ!

‘તેમને ટાળવાનો શું અર્થ છે અતુલ્ય?’ અમૂલખને પ્રથમ વાર જોવા-મળવાની ઉત્કંઠા હોય એમ નીમાએ સમજાવટ આદરી, ‘બલ્કે તમારી ખુશી જતાવીને તમે તેમને જલાવી શકો.’

આ તર્ક અતુલ્યને ગમ્યો. તો-તો તું પણ મારી સાથે જ રહેજે નીમા!

નીમાએ ફિંગર ક્રૉસ કરી : નાટકનો છેલ્લો અંક હેમખેમ પાર પડજો!

€ € €

થાક્યા હોય એમ અમૂલખભાઈ દીકરાની કૅબિનની ખુરસી પર ગોઠવાયા. અતુલ્યને તો તેમની તબિયતમાં સુધારો જેવો જણાયો. કયા બળતણે દીવો ઝગમગે છે એનો અંદાજ પણ કેમ આવે અતુલ્યને! છતાં જીભ પર તો કટુતા જ રહી, ‘ક્યૂં ઠાકુર! અભી તક ઝિંદા હો.’

કેવી ક્રૂરતા. નીમા સહેમી ગઈ, પણ ટેવાયેલા અમૂલખભાઈ ધીટની જેમ સ્વસ્થ રહ્યા.

‘તું અગ્નિસંસ્કાર કરવા તૈયાર ન થાય ત્યાં સુધી હું મરવાનો નથી. ખેર, મારા હેલ્થ-બુલેટિનમાં તને રસ નહીં હોય. તને રસ પડે એવી એક ભેટ લાવ્યો છું.’

હવે અતુલ્યનું ધ્યાન તેમણે થામી રાખેલા પૅકેટ પર ગયું. અમૂલખ આજે જ ગિફ્ટ લાવે એ પણ કેવું!

‘આમાં તા૨ી મા છે. ’

મા! અતુલ્ય ઊભો થઈ ગયો.

‘તેની આ આખરી નિશાની છે, જતનથી જાળવજે.’ અમૂલખભાઈએ નીમા તરફ નજર ટેકવી, ‘ગુરુકુળમાં નવી ભરતી?’

‘નહીં, હું અતુલ્યની વાગ્દત્તા.’

‘ઓ...હ!’ પહેલી વાર જાણતા-મળતા હોવાનો સફળ અભિનય દાખવીને અમૂલખે ઉમેર્યું, ‘તો-તો તું અતુલ્યની સાથે રહેજે. માને જાણ્યા પછી તેને તારી હૂંફની જરૂર પડશે.’

કહી તરત ઊભાને થઈ રુખસદ લીધી, ‘બાકી તારે રડવું હોય અતુલ્ય તો તારા બાપનો ખભો હજી સાબૂત છે.’

€ € €

અમૂલખની ગિફ્ટ, તેમની એક્ઝિટ લાઇન અતુલ્યને અકળાવતી હતી. તેમના નીકળતાં જ તેણે પૅકેટ ખોલ્યું.

વૉટ ઇઝ ધીસ? પીળા કાગળવાળી પુરાણી ડાયરી નીકળતાં અતુલ્ય બઘવાયો - માની રોજનીશી!

‘આઇ નેવર ન્યુ કે મારી મા ડાયરી પણ લખતી.’

નીમાએ હળવો ધક્કો અનુભવ્યો. સ્મિત ઊપજાવ્યું, ‘પોતે ડાયરી લખે છે એવું કોઈ કહેતું હશે! મા કોઈના દેખતા ઓછા લખતા હોય?’ તેણે અતુલ્યનો ખભો દબાવ્યો, ‘આટલું પિષ્ટપેષણ કરવાને બદલે હવે વાંચી તો જુઓ, માએ તમારા માટે હેતની હેલી જ વરસાવી હશે!’

અતુલ્યના વદન પર ભક્તિભાવ પથરાયો. ડાયરીને માથે અડાડીને તેણે પાનું ખોલ્યું. નીમા પડખે ગોઠવાઈ.

આમ તો મને લખવાની ટેવ નથી... પણ ઇન્કમ-ટૅક્સ ઑફિસરને પરણીને મારી જિંદગી બદલાઈ જવાની એનો હિસાબ રાખવા લખવું પડે છે.

અમૂલખને પરણતી વેળા સમજ નહોતી કે તેઓ કુબેરના ભંડાર સમા નીકળવાના છે! તે રહ્યા આદર્શવાદી. લાંચ લે નહીં એટલે લોકો ઘરે, મંદિરે મને આંતરે

છે - બોલો! એક જણ તો આજે ચંદનહાર આપી ગયો! અહાહા... શું સુંદર હાર છે. જતો કેમ કરાય? બદલામાં અમૂલખે તેનાં કાગળિયાં પાસ કરવાનાં રહેશે તો કરી દેશે - આપણે ત્યાં ક્યાં એની નવાઈ છે! અમૂલખ સાંજે આવે એટલે વાત...

ડાયરીના પ્રથમ પાનાનો પ્રથમ ફકરો વાંચતાં જ અતુલ્ય કાળઝાળ બન્યો. નૉન્સેન્સ. મારી મા આવું કરે? અસંભવ! જરૂર મારા બાપનું આ કાવતરું છે. આ ડાયરી ઉપજાવેલી છે...

‘ડાયરીની હાલત પરથી એવું લાગતું તો નથી.’ નીમા ફૂંકી-ફૂંકીને આગળ વધી, ‘તમારી પાસે માના કોઈ પત્રો કે લખાણ છે? તો હૅન્ડરાઇટિંગ સરખાવી શકાય.’

અતુલ્યએ વિવશતા અનુભવી : એવું તો કંઈ ક્યાંથી હોય? મા ફોન કરતી. પત્ર કદી લખ્યો નહોતો...

‘તો પછી બીજો માર્ગ છે...’ નીમાએ ડાયરીનાં કાગળિયાં ફેરવ્યા, ‘જુઓ, ઘણા ઠેકાણે તેમણે જે-તે પાર્ટીનાં નામ, ઠામઠેકાણાં પણ નોંધ્યાં છે. ત્યાંથી વેરિફાય કરી શકાય.’

વેરિફિકેશન. માના ભ્રષ્ટાચારનું વેરિફિકેશન! અતુલ્ય ગૂંગળાયો.

‘આમ હાર્યે નહીં ચાલે અતુલ્ય. ડાયરી વાંચીએ તો ખરા...’ નીમા એમ ઓછી છોડે!

ડાયરીનું પાનેપાનું અતુલ્યને વીંછીના હજાર દંશ દેતું રહ્યું. આમાં ક્યાંય એ મા નહોતી જેને પોતે જાણતો હતો, પૂજતો હતો... અહીં હતી એક મૂલ્યહીન નારી, જેને ૫તિના આદર્શો સાથે નિસબત નહોતી, દીકરો જેને માટે ફક્ત એક પ્યાદું હતો... પ્રબળ ધનલાલસા ધરાવતી એ સ્ત્રી આત્મહત્યાનું ત્રાગું પણ કરી શકતી. ઓહ, તે મારી મા હતી?

માની વાત્સલ્યમૂર્તિ જાણે ખોફનાફ ચહેરામાં પરિવર્તતી થતી હતી. અતુલ્યથી એ જોવાય એમ નહોતું, ખમાય એમ નહોતું. જેને અમૃત માનીને પોતે આચમન કરતો રહ્યો એ તો વિષ નીકળ્યું. શરમ થતી હતી. જાત પ્રત્યે ઘૃણા થતી હતી. માએ મને ભુલાવામાં નાખ્યો? તેના ગયાનાં વરસો સુધી હું તેને પૂજતો રહ્યો જે પૂજાને લાયક નહોતી ને તેને ધિક્કારતો રહ્યો જે...

અતુલ્યના વિચાર થંભી ગયા. દિમાગમાં શૂન્યતા છવાઈ.

‘અરે, આમાં એક પત્ર પણ છે.’ ચોકસાઈથી અતુલ્યની પ્રતિક્રિયા નિહાળતી નીમા ડગલું આગળ વધી. ‘કવર પર લખ્યું છે - ડાયરી વાંચ્યા પછી આ વાંચજે -અમૂલખ.’

અતુલ્યમાં કોઈ સળવળાટ નહીં.

‘વહાલા દીકરા...’

નીમાએ મોટેથી પત્ર વાંચવો શરૂ કર્યો. સંબોધને અતુલ્યની પાંપણ જરાતરા ફરકી.

તારું હૈયું ભાંગ્યું હશે, જાણું છું. એ જ ડરથી કદી તને ડાયરી દઈ ન શકાઈ... હા, મેં પોતે ઘણી કોશિશ કરી હતી, પણ તારે ક્યાં કશું કાને ધરવું હતું! ના, તારી માની બૂરાઈ કરીને તને વધુ નહીં દૂભવું, પણ તેની રોજનીશીની હકીકતોને સાચી માનજે. માનું મૃત્યુ તારા માટે સંદિગ્ધ રહ્યું છે. રૂપિયા માટે થઈને મને આપઘાતના દાવથી ચલિત કરવાના આયોજન સુધીનું તો તેં ડાયરીમાં વાંચ્યું. પછી જે થયું એ લખવા બિચારી જીવતી ન રહી, એ તું હવે જાણ...

નીમા વાંચતી રહી. વંદાનો અકસ્માત આપઘાત, ત્યાર બાદ અમૂલખે વેઠેલી વેદનાનો ચિતાર વાંચતાં સાચે જ કંઠ રૂંધાયો.

કદાચ હવે તને વૃંદાથી દૂર કરવા નિર્ણયની મહત્તા સમજાશે. હા, ગુરુકુળમાં જે બન્યું એની મને કલ્પના નહોતી. એટલા પૂરતો હું તારો ગુનેગાર ખરો. આની સજા દેવા તું આજે પણ મુક્ત. બાકી એવું કોઈ દુ:ખ તને મળે એવી મારી ઇચ્છા, અબળખા હોય જ નહીં એટલું ચોક્કસ માનજે.

વૃંદાના મૃગજળને તેં વજૂદ માન્યું. હું એ વિષઘૂંટ પીને દીકરાના હેત માટે તરસતો રહ્યો. હવે આયખાની મૂડી નથી. ડૉક્ટરે કહેલા છ માસમાંથી સવા માસ તો વીત્યો. ઘણા મનોમંથનને અંતે તને ડાયરી સોંપું છું. આને મારું વેર ન સમજતાં જતા પહેલાં તારી આંખ ખોલવાની ચેષ્ટા માનજે... મને તારું પ્રાયિત્ત નહીં, વહાલ ખપે છે માત્ર એટલું યાદ રાખજે. બાકી મારી આંખો તો છેલ્લા fવાસ સુધી તારા આગમનના રસ્તે પથરાયેલી રહેવાની...

લિ. વિરહથી વ્યાકુળતારો પિતા અમૂલખ!

- શબ્દે-શબ્દે અતુલ્યની આંખોમાંથી જલધારા વહી રહી. અંતે બોલી ઊઠ્યો : પ...પપ્પા!

નીમાએ તેને આગોશ આપ્યો, ‘વહાવી દો તમારી પીડા અતુલ્ય. મા માટેની ભ્રમણાની, પિતાને તરછોડવાની.’

તે છૂટા મોંએ રડી પડ્યો. નીમાએ પાંપણ લૂછી.

‘મને પપ્પા પાસે લઈ જા નીમા... આખું જીવન ભ્રમમાં વિતાવ્યું, હવે એક પળ તેમને અન્યાય નથી કરવો.’

€ € €

હૉલના સોફે ગોઠવાયેલા અમૂલખ સતત ઓમકારનો જાપ કરે છે. દીકરાને ત્યાંથી આવ્યા પછી બીજે ક્યાંય ચિત્ત ચોંટે એમ નથી. જીવનની આખરી પરીક્ષા દેવાઈ ગઈ પ્રભુ, એનું પરિણામ તારા હાથમાં! નીમાએ અક્ષર બદલીને લખેલી ડાયરી બેશક બનાવટી છે; પણ અંદરનું લખાણ તો સત્ય છે, એ સત્યનો સાદ રૂંધાય નહીં.

અને...

‘પપ્પા...’

આ એક સાદ, દોડીને બાથમાં ભરાતા અતુલ્યનો સ્પર્શ.... અમૂલખભાઈને લાગ્યું પોતાને જીવતેજીવ મોક્ષ મળી ગયો!

દૂર ઊભી નીમાને તેમણે અશ્રુના અભિષેકથી લાખ-લાખ આશિષ આપ્યા.

દીકરો બાપને ભેટ્યો, રડ્યો એમાં ઘૃણા, ધિક્કાર વહી નીકળ્યાં. અહીં વૃંદા ક્યાંય નહોતી, અતુલ્યના અંતરમાં પણ નહીં!

€ € €

અને ત્રણ મહિના પછી અમૂલખભાઈએ દેહ મૂક્યો ત્યારે હૃદયમાં કોઈ ફરિયાદ, કોઈ વસવસો નહોતો. સરકારી નોકરી છોડીને નવું ઘર લીધું, દીકરાને પરણાવ્યો. દીકરા-વહુ જોડે હરિદ્વારની જાત્રા કરી. અતુલ્ય તેમને પળભર રેઢા ન મૂકતો. અત્યંત સંતૃપ્તિ સાથે તેમણે પ્રાણ ત્યાગ્યા. અદૃશ્યમાં મળી જતી જીવનજ્યોતને અતુલ્ય-નીમા નતમસ્તક થઈ રહ્યાં.

€ € €

- અને ગંગાના ખળખળ પ્રવાહમાં અતુલ્યએ પિતાનાં અસ્થિ વિસર્જિત કર્યાં. નીમાએ ‘વૃંદાની ડાયરી’ પણ વહાવી. હવે એની જરૂર નહોતી. રોજનીશી કોણે લખ્યા બાબતનું સત્ય ક્યારેય ઉજાગર થવાનું નહીં. શી જરૂર?

વહેતાં અસ્થિને નમન કરતા પુત્રના અણુએ અણુમાં પિતાના મોક્ષની પ્રાર્થના છે. એનાથી વિશેષ અંજલિ શું હોય?

આંખ મીંચીને પરમ તૃપ્તિ સાથે નીમાએ પણ નમન કર્યા ને સવર્ત્રી ઓમનાદ પ્રસરી રહ્યો.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK