કથા-સપ્તાહ - ઘૃણા (જનક-જનની : 2)

‘આયેમ સૉરી, યુ લૉટ્સ યૉર મધર.’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


મારા ગુરુકુળ આવ્યાના બીજા જ મહિને માના મૃત્યુના ખબર આવ્યા હતા. અતુલ્યએ વાગોળ્યું.

ગુરુકુળના સંચાલકની કૅબિનમાં પહેલી વાર આ શબ્દો સાંભળ્યા ત્યારે થયેલું જાણે હૃદય ધબકતું બંધ થઈ ગયું. ઘર પહોંચતાં સુધી પોતે બેભાન જેવો રહેલો. વિશ્વદૂત મારી સંભાળમાં છે એટલું સ્મરણ હતું. ટૅક્સીમાં મુંબઈ પહોંચ્યા ત્યારે ઠાઠડી તૈયાર હતી, અમારી જ રાહ જોવાતી હતી.

€ € €

‘આવી ગયો, દીકરા!’ આમ કહી અતુલ્યને વળગવા જતાં અમૂલખને ધક્કો મારી તે હૉલમાં દોડ્યો હતો - મા!

માના પાર્થિવ શરીરને વળગીને અંતિમ વહાલ કરવું હતું, પણ આ શું?

માનું આખું શરીર ચાદરમાં વીંટળાયેલું હતું. ચહેરો શું, આંગળીનો નખ પણ જોવા ન મળે. આમ કેમ?

‘મમ્મીનું પોસ્ટમૉર્ટમ થયું, દીકરા, એટલે વી કાન્ટ સી હર.’

પિતાએ આટલું કહેતાં અતુલ્યે પ્રશ્ન ફંગોળ્યો, ‘પણ એવું શું કામ કર્યું?’

‘બિકોઝ...’ અમૂલખને જાણે શબ્દો નહોતા જડતા, ‘તેનું ડેથ નૅચરલ નહોતું. તેણે રૂમના પંખે લટકી આપઘાત કર્યો‍.’

આપઘાત એટલે શું એની સમજ હતી અતુલ્યમાં. છરીથી મમ્મી કાંડું કાપવા જતી હતી અને પપ્પાએ ચાકુ લઈ સામું ધરેલું એ દૃશ્ય તાજું થયું અને તેણે ઝનૂનભેર અમૂલખને ધક્કો માર્યો‍,

‘નહીં, મમ્મીએ સુસાઇડ નથી કર્યું, તમે તેને મારી છે!’

તે ધડાધડ અમૂલખના પેટ પર, શરીરે હાથ ફટકારતો ગયો. ૯ વરસના છોકરાના આક્રોશે હાજર જનમેદનીને હેબતાવી દીધી. અમૂલખે પરાણે સ્વસ્થતા ટકાવી રાખી, ‘રઘુ (નોકર), અત્તુને સંભાળો.’

માંડ તેને સંભાળાયો. માની અરથી નીકળી કે અતુલ્યએ અશ્રુ લૂછી વિશ્વદૂતનો હાથ પકડ્યો.

‘મને ગુરુકુળ લઈ જા, સર, હવે અહીં મારું શું કામ!’

વિશ્વદૂતે અમૂલખભાઈને પુછાવી લીધું, પછી નીકળ્યા. આખા રસ્તે અતુલ્ય વિશ્વદૂતના ખોળામાં માથું મૂકી રડતો રહ્યો. માને સાંભરતો રહ્યો.

...પણ એ દિવસોય વીત્યા. મા નથી એ સત્ય તેણે સ્વીકારી લીધું, પોતે દુનિયામાં એકલો છે એ હકીકત અપનાવી લીધી.

‘તું એકલો ક્યાંથી? હું છુંને તારી સાથે,’ પછીના મહિનામાં અમૂલખભાઈ બેચાર વખત આવી ગયા, પણ અતુલ્ય તો પથ્થર થઈને બેઠો હતો.

‘તને હું અળખામણો લાગું છું, અતુલ્ય, કેમ કે તારી મમ્મી...’

હજી તો તેઓ આટલું બોલે કે તરત અતુલ્ય ઊભો થઈને રૂમની બહાર નીકળી જાય.

‘સૉરી બેટા,’ અમૂલખ દોડીને તેને રોકે, ‘ઠીક છે, તારી મમ્મી વિશે કંઈ નહીં કહું, પણ તું મને આમ તરછોડ નહીં. ઘરે ચાલ.’

‘ઘરે?’ અતુલ્ય પિતાને તાકી રહેતો. તેની આંખો જાણે કહેતી, ‘મા ઘરે હતી ત્યારે તમે મને ઘરથી દૂર કર્યો‍, આજે મા દૂર થઈ તો હવે મને ઘરમાં લાવવો છે?’

અને બોલતો પણ કેવું, ‘મમ્મીએ ખરેખર આપઘાત કર્યો હોય તો પણ એના જવાબદાર તમે છો. માના ખૂનીનો સ્પર્શ મને દઝાડે છે. હજીય તમે માનો છો કે હું તમારી સાથે આવીશ, રહીશ? મા તમારા ત્રાસમાંથી છૂટી, હવે મને પણ બક્ષો...’ 

અમૂલખ પૂતળા જેવા થઈ જતા. અતુલ્યનાં વેણ-નેણ એવાં રહેતાં કે થાકીહારીને તેમણે થોડા સમય પૂરતા પ્રયત્નો જ પડતા મૂક્યા.

‘મને તારા માટે પૂરતી સહાનુભૂતિ છે.’ વિશ્વદૂત કહેતા. અતુલ્યના ઘરની કહાણી તેમનાથી છૂપી નહોતી. માના મૃત્યુ સમયે પોતાને જાળવનાર સર સમક્ષ અતુલ્યએ ઊભરો ઠાલવ્યો હતો ત્યારથી સર પોતાની વિશેષ કાળજી લે છે એ અતુલ્યને પરખાતું.

‘તારા પિતા કેવા ઉમદા વ્યક્તિ છે. તેમની પોસ્ટને કારણે તો તને અહીં વષાર઼્તે પ્રવેશ, અલાયદી રૂમ મળી છે.’ શરૂઆતમાં એક-બે વાર આવું કહેનારા વિશ્વદૂત હવે અમૂલખની બહુ તારીફ કરતા નથી, બલકે પોતે ઘરે નથી જતો એની શાબાશી આપે છે. ઉનાળુ વેકેશનમાં આખી હૉસ્ટેલ ખાલી થઈ ગઈ છે, તું રહ્યો તો મનેય કંપની!

‘રાત્રે તું મારે ત્યાં સૂવાનું રાખ, આપણે વિડિયો-ગેમ રમીશું.’

મા હતી ત્યારે વિડિયો-ગેમ લઈ દેતી. અતુલ્ય જમીને સરના ક્વૉર્ટરમાં પહોંચ્યો. થોડી વારે તેને ખોળામાં બેસાડીને વિશ્વદૂતે વિડિયો-ગેમ શરૂ કરી. પહેલાં તો મજા આવી, પણ પછી સરનું ધ્યાન બીજે હોય એવું લાગ્યું. તેમના હાથ ક્યાં-ક્યાં ફરી રહ્યા છે! અબુધ બાળકને કશું સમજાય એ પહેલાં વિશ્વદૂત તેને લઈને પલંગમાં પડ્યો અને પછી...

પીડાદાયક રાત્રિઓની વેદના અત્યારે પણ અતુલ્યના વદન પર અંકાઈ ગઈ,

‘ખબરદાર, આ વિશે ક્યારેય, કોઈને પણ કહ્યું છે તો...’

વિશ્વદૂત દમદાટી આપતો એમ લાલચની લૉલીપૉપ પણ દેખાડતો, ‘તું ફ્યુનરલ વખતે કહેતો હતોને કે તારી માને તારા બાપે મારી છે, તારો બાપ બહુ મોટો આદમી છે એટલે લાગવગથી મામલો દબાવી દીધો. પણ હું તેને જેલમાં પુરાવીશ. બદલામાં તારે...’

વિશ્વદૂતમાં આવી એબ ક્યાંથી, કેમ પ્રવેશી, તેના બીજા શિકાર કયા હશે કોણ જાણે, પણ તેની વિકૃતિ, તેની ઝંખના અતુલ્યથી છૂપાં નહોતાં. અમૂલખને સજા મળતી હોય તો પોતે ગમે તે કરવા તૈયાર!

પછી સમજાતું કે આ પણ એક છળ હતું. વિશ્વદૂતને તેના શરીરસુખ સાથે નિસ્બત, માને ન્યાય અપાવવામાં તેને શું રસ હોય!

તેની ગંધાતી કામચેષ્ટાઓની સૂગ થતી, પણ હોહા મચાવીને ફાયદો શું? વિશ્વદૂત મને ફાવવા ન દે. તેણે હૉસ્ટેલમાંથી હાંકી કાઢ્યો તો મારે જવું ક્યાં- અમૂલખ પાસે? ન બને! આના કરતાં વિશ્વદૂતની વિકૃતિ મને પરવડશે....

એટલી હદે કે મોટો થયા પછી તો છુટ્ટી યા વેકેશનનો અતુલ્યને ઇંતજાર રહેવા લાગ્યો. પીડા તેને ગમતી. કેમ કે તે દરેક પીડા સાથે અમૂલખ પ્રત્યેની નફરતનો ગુણાકાર કરતો. વિશ્વદૂત પુ૨જોશમાં આક્રમણ આદ૨તો હોય ત્યારે અતુલ્ય ચીસ નાખતો - આઇ હૅટ યુ, અમૂલખ, આઇ હેટ યુ!

અતુલ્ય અગિયારમા ધોરણમાં આવ્યો એ અરસામાં વિશ્વદૂતને કમળો થયો અને લાંબી માંદગીમાં તેણે દેહ છોડ્યો ત્યારે અતુલ્યએ છુટકારા સાથે કશુંક ગુમાવ્યાની લાગણી પણ અનુભવી હતી - પીડા.

‘આ વરસે તારું ભણવાનું પતી જવાનું...’

વિશ્વદૂતના દેહાંતના છએક મહિના પછી અમૂલખે વળી દીકરા સાથે કડી સાંધતા હોય એમ મુલાકાતો કરવા માંડી. અતુલ્ય હવે ૯ વર્ષનો બાળ નહોતો, પણ તેના વિશ્વમાં આજે પણ પિતાનું સ્થાન નહોતું. વિશ્વદૂતના સંસર્ગ વિશે કહીને તેમની જોડે અંતરંગ બનવાનો તો પ્રશ્ન જ નહોતો.

‘હવે તો તું મારી સાથે ઘરે આવીશ, દીકરા, તું કહે તો આપણે બીજે ક્યાંક જતા રહીએ.’

‘અને મા?’ અતુલ્ય એવું પૂછતો કે વીંછીના ડંખની જેમ અમૂલખ તમતમી ઊઠતા.

‘તું હવે નાનો નથી અતુલ્ય. દિમાગ ખુલ્લું રાખીને મને સાંભળવાનો હો તો કહું કે તારી મામાં શું વાંધો હતો.’

‘ઇ...ન...ફ’ આવેશમાં ધ્રૂજતો અતુલ્ય તેમનો કૉલર પકડી લેતો, ‘મારી માને બક્ષીને પોતાનો ગુનો કબૂલતાં ક્યારે શીખશો અમૂલખ આણંદજી શાહ?’

દીકરાનો ધગધગતો રોષ તેમને કંપાવી જતો. આંખોમાં લાચારી ઘૂંટાતી.

અને અતુલ્યની ભીતર કશુંક સંધાતું. મારા ઇનકારથી અમૂલખને તકલીફ પડે છે એ જોઈ-જાણી રાક્ષસી આનંદ મળતો. બેશક, અમૂલખ સાચા હૃદયથી મારી વાપસી ઝંખતો હશે તો જ દુ:ખ પણ અનુભવે, એથી જોકે મારે ઓવારી જવાનું ન હોય. જે માણસથી મારી માની કદર ન થઈ એની લાગણી સો ટચની હોય તોય મારે શું ધોઈ પીવી!

ઍન્ડ ધેટ્સ માય રિવેન્જ એઝવેલ... અતુલ્યને જાણે રાહ સાંપડી. અમૂલખના પ્રેમ સામે હું તિ૨સ્કાર આપું, એ ઘવાય, તેની વેદના મારું વેર. મારી માને દુ:ખી કરવાનું વેર, તેની આત્મહત્યા કે પછી હત્યાનું વેર, મારી બરબાદીનું વેર.... આક્રોશ તો એટલો છે કે તેનું ગળું ઘોંટી દઉં, હત્યારો પુ૨વા૨ કરી ફાંસી અપાઉં, પણ એક વખતના છુટકારાને બદલે તે પળપળ મરતો રહે એ વધુ યોગ્ય ગણાય!

બે-ચાર મહિને ફરક્યા વિના અમૂલખથી ન રહેવાય, તેમના આગમને અતુલ્યમાં જાતજાતના તુક્કા ભરાય.

દીકરાનો તિરસ્કાર ખમીને અમૂલખ જવા નીકળે ત્યારે તેમની કારના પાછલા કાચ પર લખાયું હોય - ‘હું મારી પત્નીનો ખૂની છું!’

એ વાંચી તેઓ લાચાર નજર ફે૨વી દૂ૨ ઊભા દીકરાને નિહાળે, તેના હોઠ સ્મિતમાં વંકાતા જુએ -ને ગરદન ઝુકાવી વિદાઈ લે... અને અતુલ્યને લાગતું જાણે પોતાનો ઘા રૂઝાય છે!

સ્કૂલ પછી ગ્રૅજ્યુએશન, માસ્ટર્સ નાશિકની કૉલેજમાં કર્યું ત્યારે ગુરુકુળની સ્કૂલમાં પાર્ટટાઇમ જૉબ દ્વારા સંપર્ક પણ રહ્યો અને આવક પણ થવા માંડી. અમૂલખ દર મહિને ચેક મોકલતા એની જરૂર ન રહી. એ વિશે અમૂલખે પૂછતાં કહી દીધું,

‘અત્યાર સુધી માના ખૂનીનું ખાવાની મજબૂરી હતી, હવે નથી.’

સીધી નાને બદલે કેવો ટેઢો, ચુભતો જવાબ! અમૂલખ ગમ ખાઈ જતા.

પોતે ભણી રહ્યો એ દરમ્યાન અહીં વળી સંચાલકની જગ્યા ખાલી પડી,

એમાં નંબર લાગી ગયો. આજકાલ કરતાં એનેય બે વરસ થઈ ગયાં... છેલ્લે ૬ મહિના અગાઉ આવ્યા હતા અમૂલખ આણંદજી શાહ.

‘હવે તો હુંય બુઢ્ઢો થયો. તબિયત લથડવા લાગી છે. અતુલ્ય, વરસમાં રિટાયર્ડ થવાનો.. ક્યાં સુધી તડપાવીશ? ઘરે ચાલ, હું તારાં લગ્ન લઉં, તારા...’ તેઓ અટકી ગયા. અતુલ્ય ખડખડાટ હસતો,

‘લગ્ન?’ તેની કડવાશ, તેનો ધિક્કાર ધસી આવ્યાં, ‘તમે જાણો પણ છો, તમે મને કયા દોજખમાં મૂક્યો હતો? ૯ વરસની ઉંમરથી જેનું જાતીય શોષણ થયું હોય તેને સંસાર માંડવાનો ઉમંગ હોય પણ ખરો?’

અમૂલખભાઈ ડઘાયા. વિશ્વદૂતની હરકતો સાંભળીને કમકમી જવાયું, ‘આટલું થયું અને તેં મને...’

‘આજે કહ્યુંને. ઑફર પણ મૂકું છું, મારી સાથે મજા માણવી છે?’

‘અ..તુ...લ્ય...’ તેમનો હાથ ઊઠ્યો અને અધવચાળ જ રોકાઈ ગયો. ડોક ધુણાવી, ‘આ તારી માના જ સંસ્કાર!’

ખળભળી જવાયું. અમૂલખની આ મજાલ?

‘મારી માના સંસ્કાર તારી માથી તો બહેતર જ છે, તે કોઈનું ખૂન કરવાની પ્રેરણા નથી આપતા.’

શરીરે કોઈકે ડામ દીધો હોય એવી વેદના સાથે નીકળી ગયેલા અમૂલખની છબિ અત્યારે પણ અતુલ્યને સૂકુન પહોંચાડી ગઈ.

એ જ વખતે સેલફોન રણક્યો. સ્ક્રીન પર ઝબૂકતું નામ જોઈ અતુલ્યના હોઠ સહેજ સ્મિતમાં મલકી ઊઠ્યા - નીમા!

‘યસ નીમા’ કૉલ રિસીવ કરતાં અતુલ્યનો રણકો ઊભરાઈ આવ્યો.

હજી ત્રણેક મહિના અગાઉની વાત. દિવાળી પહેલાંના દિવસો. વેકેશનને હજી વાર હતી. એવામાં બીજા ધોરણમાં ભણતા બિરજુને ટાઇફૉઇડ થતાં હૉસ્પિટલાઇઝડ કરવો પડ્યો.

સંચાલક તરીકે અતુલ્ય સુધારાવાદી એટલો જ કૅરિંગ હતો. વિશ્વદૂત જેવી વિકૃતિ પોતાનામાં ન પ્રવેશે એ માટે સતત સાવધ. હૉસ્પિટલ નજીક હતી. બિરજુના પેરન્ટ્સ નવસારીથી આવી પહોંચે ત્યાં સુધીની ક્રિટિકલ ઘડીઓ અતુલ્યએ ખડેપગે સાચવી લીધી.

‘આઇ થોટ તમે જ તેના ફાધર છો...’

આમ કહેનાર હતી નીમા. અતુલ્યથી બેએક વરસ નાની, સૌંદર્યમઢી, આત્મવિfવાસુ એવી જ સહૃદયી.

એક સમયના જાણીતા બિઝનેસમૅન અરવિંદ આનંદભાઈ શાહની તે એકની એક દીકરી.

ચારેક વરસ અગાઉ પત્ની નિર્મળાની વિદાય બાદ અરવિંદભાઈએ ધીકતો વ્યાપાર સમેટી લીધેલો. નીમા ત્યારે કૉલેજમાં. માના નામ પર પિતાએ શરૂ કરેલા સખાવતી કાર્યક્રમોમાં તે જોડાતી ગઈ. દિવ્યાંગો માટેની શાળા, મહિલા ગૃહઉદ્યોગની સ્થાપના, બ્લડ-ડોનેશન કૅમ્પ... વરસેકથી અરવિંદભાઈની હેલ્થ પણ નાજુક રહે છે એટલે ભણ્યા પછી નીમા જ બધું એકલે હાથે સંભાળે છે. આનું જોકે અભિમાન નહીં કે દેખાડાવૃત્તિ નહીં.

માટુંગામાં ચાલતા તેમના ગૃહઉદ્યોગનાં એક કર્મચારી બહેન નાશિક-hયંબકની જાત્રા દરમ્યાન અકસ્માતનો ભોગ બનતાં હૉસ્પિટલાઇઝ્ડ કરવાં પડ્યાં. જાણ થતાં નીમા મુંબઈથી દોડી આવી. તેમનું ઑપરેશન થઈ ગયું ત્યાં સુધી રોકાઈ પણ ખરી.

એ એક રાતમાં તેણે બાજુની રૂમમાં અતુલ્યને બિરજુની કાળજી રાખતો જોયો હતો.

એટલે બીજી બપોરે તે નીકળી, એમ બિરજુના પેરન્ટ્સ આવી પહોંચતાં અતુલ્ય નીકળ્યો, બેઉ લિફ્ટમાં ભેગાં થઈ જતાં નીમાથી બોલ્યા વિના ન રહેવાયું, ‘મને તો એમ જ કે તમે બિરજુના પપ્પા છો. યુ વેર સો કૅરિંગ.’

જોતાં જ મોહી પડાય એવી યુવતી તરફથી મળેલી તારીફે અતુલ્યને ઊલટો સંકોચાવી દીધો.

કૉલેજમાં પણ આવું જ થતું. છોકરાઓથી તે અતડો રહેતો અને છોકરીઓથી દૂર ભાગતો. અતુલ્ય એ પણ જાણતો હતો કે પોતે ઇરરેઝિસ્ટૅબલી હૅન્ડસમ છે, કંઈકને પોતાના પર ક્રશ હોવાનો, પરંતુ તેને પોતાની ઢાલ વધુ સુરક્ષિત લાગતી. બાળપણના શોષણની આ આડઅસર હતી, એનો દોષ અમૂલખને માથે થોપવાથી સંતોષ સાંપડતો.

નીમાને જોકે એનો સંકોચ ગમ્યો હતો... અતુલ્યએ વાગોળ્યું.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK