કથા-સપ્તાહ - ઘૃણા (જનક-જનની : ૧)

હોલી કે દિન...


anil

અન્ય ભાગ વાંચો

1  |  2  |


- સમીત (પૂર્વેશ) શ્રોફ

દૂર ક્યાંકથી લતાનો કંઠ સંભળાયો. ગુરુકુળના કૉટેજની બારીના સળિયા પકડીને આભમાં નજર દોડાવતાં અતુલ્યએ હોઠ કરડ્યો. હજી તો માગશર બેઠો, હોળીના તહેવારને ઘણી વાર હતી, પણ ગીતના રણકારે જાણે સ્મૃતિના તાર ઝણઝણાવી દીધા.

‘અમૂલખ આટલા ક્રૂર ન બનો, મારા લાલને ગુરુકુળમાં ન મૂકો.’

મમ્મી કેટલું રડી, કરગરી હતી. પણ ધરાર જો પથ્થરદિલ બાપ પીગળતો હોય!

અતુલ્યનું ભીતર ધગી ઊઠ્યું. કેટલાં વરસ થયાં હશે એ હોળીને? સહેજેય ૧૭ વરસ. ત્યારે માંડ નવની ઉંમર, તોય એટલું તો કળાતું કે ક્યાંય કશુંક ખોટું હતું અમારા ઘરમાં... સમથિંગ રિયલી ઍબ્નૉર્મલ. શું એ સમજાતું નહીં, પણ મૂળ બરાબર ખબર હતી.

પપ્પા. અમૂલખ આણંદજી શાહ.

અતુલ્યએ વાગોળ્યું.

અમૂલખભાઈ ઇન્કમ-ટૅક્સ ખાતાના ઉચ્ચ અધિકારી હતા. વરલીમાં આલીશાન કોઠીમાં રહેવાનું, સરકારી ગાડી, નોકરચાકરનો દબદબો. પરિવારમાં ઇન, મીન ને તીન. આ જાહોજલાલી વચ્ચે કશોક વિરોધાભાસ હતો, કંઈક ખોટું હતું.

પપ્પા-મમ્મી અને પોતે ક્યાંક હરવાફરવા ગયાં હોય, મોજમજા માણી હોય એવા પ્રસંગો બન્યા પણ હોય તો અતુલ્યને એનું ખાસ સંભારણું નથી. તેણે તો બસ, પપ્પા-મમ્મીને ઝઘડતાં જ જોયાં છે. ઊંચા અવાજે થતી દલીલોનું પરિણામ લગભગ સરખું જ હોય - પપ્પાનો તમાચો, મમ્મીનાં આંસુ.

નાનકડો બાળ સહેમી ઊઠે. મા રડે એ કેમ ખમ્યું જાય? પોતાની વૃંદામા તો અતુલ્યને કેવી વહાલી. મા લાડ કરે, નવાં-નવાં રમકડાં અપાવે, સ્ટોરી કહે. તેણે તો મારી વર્ષગાંઠ પણ રંગેચંગે ઊજવવી હોય, પરંતુ...

‘તારા પપ્પા નથી માનતા. તેનો તો ઝઘડો હતો.’

અતુલ્યને બેવડી લાગણી થતી. પોતાને ખાતર મા પિતા સાથે ઝઘડે છે, તેમનો તમાચો ખમી લે છે એ બદલ ગદ્ગદ થઈ જવાતું અને એટલો જ અણગમો પિતા પ્રત્યે જાગતો - પપ્પાને મારા બર્થ-ડેની પણ હોંશ નહીં?

ક્યારેક તો લાગતું કે પપ્પાને કોઈ જ બાબતની હોશ નહીં. માને શૉપિંગનો શોખ. કેટલા ઉમંગથી એ સાડીઓ, ઘરેણાં ખરીદે, પતિ-પુત્ર માટેય ઢગલાબંધ ખરીદી કરે, કેટલી હોશથી અતુલ્યને બધું બતાવે. ૭-૮ વરસના છોકરાને એમાં સમજ તો શું પડે, તેને માટે તો મા ખુશ હોય એ જ ખુશી.

પણ પપ્પા કદી ખુશ ન હોય. મા ઘરેણાંનું બૉક્સ બતાવે એમાંય ઝઘડો શરૂ થઈ જાય. વળી તમાચો, વળી અશ્રુ.

‘તારા પપ્પાને મારા સાજ-શણગાર પણ પસંદ નથી... શોધી રાખી હશે કોઈક પારકી જણી, પછી પોતાના બૈરામાં શું રસ રહે?’

માનો આંસુભીનો બળાપો અતુલ્યને દઝાડી જતો. જેને મારી માની કદર ન હોય એ પિતા મારા માટે નકામા!

બાપ-દીકરા વચ્ચે કળાય એવું અંતર પડતું ગયું. એવું નહોતું કે અમૂલખભાઈને એની ગત નહોતી. કામની અત્યંત વ્યસ્તતા છતાં ઘણી વાર તે દીકરાને સ્કૂલ લેવા-મૂકવા જવાની ઇચ્છા જતાવતા, ક્વૉલિટી ટાઇમ પસાર કરવા ઝંખતા, ટૉય્સ લઈ આવતાં, એ બધાનો આનંદ થાય - ન થાય કે માને વઢતું તેમનું રૂપ ઉજાગર થતું અને અતુલ્ય માટે એ અસ્પૃશ્ય બની જતા.

નિશાળે જતી-આવતી વેળા એ જ ધાસ્તી રહેતી કે મારી પાછળ પપ્પા મમ્મીને વઢે, મારે નહીં તો સારું. એની તાણમાં તે સ્કૂલના સહાધ્યાયીઓ જોડે ખૂલીને ભળતો પણ નહીં. સ્વભાવે એકલપટો બનતો ગયો.

‘અત્તુ, તું જ કહે-’

એક બપોરે ૯ વરસનો બાળ સ્કૂલથી ઘરે ફર્યો‍ ત્યારે હૉલમાં જ પપ્પા-મમ્મીને બાખડતાં ભાળી હેબતાઈ જવાયેલું. ત્યાં તેને જોઈને વૃંદાને જાણે જોમ મળ્યું, દીકરા તરફ દોડી જઈ પૂછ્યું, ‘આપણા માટે નવું ઘર મેં જોયું છે બેટા, આ ઘર તો સરકારી છે. ક્યારેક તો ખાલી કરવું પડશે. એવે સમયે રસ્તા પર ઓછું રહેવાય? પણ તારા પપ્પાને તો...’

એવી જ અમૂલખભાઈએ ત્રાડ નાખી,

‘ખબરદાર, જો અત્તુને ભડકાવ્યો તો. તે નાદાન છે. તેને શું કામ હથિયાર બનાવે છે? અત્તુ બેટા, તારી માનું ચારિત્ર્ય...’

હજી તો અમૂલખ આટલું કહે છે ત્યાં...

‘બસ, પપ્પા...’ અતુલ્યએ દોડીને તેમનો હાથ પકડ્યો, અમૂલખને કંઈ સમજાય એ પહેલાં જોરથી બચકું ભર્યું. એટલું તીક્ષ્ણ, એટલું આવેશમય કે અમૂલખને લોહી ફૂટ્યું, અતુલ્યનો દુધિયો દાંત પણ તૂટી ગયો!

‘અ...તુ...લ્ય’ કાળઝાળ થતાં અમૂલખનો હાથ ઊપડ્યો ને દીકરાની આંખોમાં નજર પરોવાતાં અડધે જ અટકી ગયો. કેટલી બેખોફ હતી તેની આંખો.

‘મારા લાલને મારો નહીં,’ વૃંદાએ ચીસ નાખી, દીકરાને છાતીએ ચાંપ્યો. કેવી શાતા વ્યાપી. તે હૂંફથી પીગળતો હોય એમ અતુલ્ય ધ્રુસકાભેર રડી પડ્યો, ‘મમ્મી, મારે અહીં નથી રહેવું. ચાલ ક્યાંક જતાં રહીએ.’

‘પહેલાં તું ચૂપ થા, જોઉં...’ વૃંદા દીકરાનાં અશ્રુ લૂછતી, ‘એમ ઘર ન છોડાય, એથી તો તારા પપ્પાને ફાવતું મળશે.’

‘દીકરાને ભરમાવવાનું બંધ કર, વૃંદા.’ અમૂલખભાઈ થાક્યા, ત્રાસ્યા હોય એમ બોલ્યા, ‘નહીં તો મારે કોઈ બીજો રસ્તો વિચારવો પડશે.’

અતુલ્યને એમાં પોલાદી દૃઢતા જણાઈ. એનો ફોડ અઠવાડિયા પછી હોળીના દિવસે પડ્યો.

તહેવારોનું અતુલ્યને ખાસ આકર્ષણ નહોતું. માને રંગેચંગે ઉજવણી ગમતી, ઘર, મીઠાઈ-શૉપિંગથી છલકાવી દેવાનું તેને ગમતું, પિતાને એટલી જ સૂગ. પરિણામે વધુ એક ઝઘડો. આમાં બાળકને ક્યાંથી હોશ રહે, પણ એ હોળી ભુલાય એવી નહોતી...

મોડી બપોરે સૂતેલો અતુલ્ય ઊંચા અવાજોથી જાગી જાય છે. ફરી પપ્પા મમ્મીને વઢ્યા? આંખો ચોળતો તે હૉલમાં આવી ઊભો.

‘મારે કંઈ જ સાંભળવું નથી. મારો નિર્ણય બદલાવાનો નથી.’ અમૂલખના કાળઝાળ રુબાબે તે સહેમી ઊઠ્યો. ત્યાં વૃંદાએ તેને જોયો અને તે બેાલી, ‘દીકરા, તારા પિતા તને બોર્ડિંગમાં મૂકવાની વાત કરે છે.’

‘બોર્ડિંગ.’ અતુલ્યના હોઠ ખુલ્લા રહી ગયા. શહેરથી, ઘરથી દૂર બાળકોને ભણવા મુકાતાં હોવાની જાણ તો હતી.

‘અત્તુ’ અમૂલખ તેની નજીક આવી, ઘૂંટણીએ બેઠા, ‘નાશિક નજીક આદર્શ ગુરુકુળ છે. તારે ઘરના માહોલથી દૂર રહેવાની જરૂર છે.’

‘નહીં, અમૂલખ.’ વૃંદા વચ્ચે પડી, ‘આટલા ક્રૂર ન બનો. મારા લાલને ગુરુકુળમાં ન મૂકો.’ 

‘ઇનફ વૃંદા.’ અમૂલખ ગિન્નાયા, ‘તારા ડ્રામાથી અત્તુ બહેકતો હશે,

હું નહીં. ’ 

હદ થઈ ગઈ. મમ્મી ડ્રામા કરે એટલે? પપ્પાથી પોતે મને સચવાતો નથી, અને મમ્મીને નાટકબાજ કહે છે?

‘એમ કહી તારા પપ્પા તને મારાથી દૂર કરવા માગે છે, દીકરા-’ વૃંદામાના હોઠ પિસાયા, ‘પણ હું એવું નહીં થવા દઉં.’

મા ઊઠી, રસોડામાં દોડી અને વાવાઝોડાની જેમ પાછી વળી. હવે તેના જમણા હાથમાં ધારદાર છરી હતી.

‘તમે નિર્ણય ન બદલો તો છરીના ઘાથી મારું કાંડું-’

એવી જ તરાપ મારી અમૂલખભાઈએ ચાકુ કબજે કર્યું, ‘મરવાની ધમકી કોને આપે છે, હેં? જીવ દેવાનો શોખ હોય તો ભલે એમ કર, બાકી અતુલ્ય અહીં રહ્યો તો હું તને મારી નાખીશ.’

અતુલ્યને તમ્મર આવ્યાં. ફસડાઈ પડતા બાળકે પગ પછાડીને પોક મૂકી, ‘મારી મમ્મીને કંઈ નહીં કરતા, હું

જઈશ, ગુરુકુળમાં.’

અમૂલખે ચાકુ ફંગોળ્યું. ઘરના મોભીનું સત્તાધીશપણું જાણે બોલ્યું, ‘બસ, તો મળસ્કે તૈયાર રહેજે. આપણે બે જઈશું, તારી મમ્મીની જરૂર નથી.’

અને ખરેખર મળસ્કે કારમાં અતુલ્યનો સામાન ગોઠવાઈ ગયો.

મા-દીકરાને કળ જ ક્યાં વળી હતી કે દલીલ થાય?

‘એક દાવ તમે જીત્યા, અમૂલખ, પણ બાજી હજી પૂરી નથી થઈ-’ વૃંદામાએ દીકરાના માથે હાથ ફેરવતાં કહ્યું, ‘હું પણ જોઉં છું, મારા દીકરાને તમે કેટલો વખત દૂર રાખી શકો છો?’

અતુલ્યનું નાનકડું હૃદય કંપી ગયેલું, ‘નહીં મમ્મી, તું કંઈ ન કરતી. પપ્પા, તમે મમ્મીને કંઈ ન કરતા.’

ભીની આંખે કારમાંથી પાછળ વળી તે માને નિહાળતો રહેતો. હૈયાફાટ રડતી માને તેણે ઉંબરે બેસી પડતી જોઈ હતી. બસ મા, થોડી હામ રાખજે, મને મોટો થઈ જવા દે, પછી તારી આંખોમાં આંસુ નહીં હોય, જિંદગીમાં મારો બાપ નહીં હોય... તેનાથી ક્યાંક દૂર ચાલ્યા જઈશું આપણે.

અતુલ્ય એટલો દૂર નીકળી આવ્યો હતો કે કારમાં પડખે બેઠેલા પિતાની નિકટતા પણ તેને સ્પર્શતી, અનુભવાતી નહોતી.

ગુરુકુળમાં અમૂલખભાઈએ વાત કરી રાખી હશે એટલે ફટાફટ પ્રવેશવિધિ થઈ ગઈ.

આદર્શ ગુરુકુળ ખરેખર તો હાઇવે નજીક વિશાળ કૅમ્પસમાં સર્જા‍યેલું અભ્યાસ-સંકુલ છે. ઓન્લી ફૉર બૉય્ઝ. બાળમંદિરથી બારમા ધોરણ સુધીના વર્ગો‍ અહીં ચાલે છે. શાળાનું મકાન, હૉસ્ટેલ બિલ્ડિંગ, સંચાલકનું ક્વૉર્ટર, ઉપરાંત રમતગમતું મેદાન, સ્વિમિંગ-પૂલ, યોગ-કસરત માટે ક્લબરૂમ પણ ખરો. ટીચિંગ-નૉન ટીચિંગ સ્ટાફમાં સૌ પ્રેમાળ, કૅરિંગ. કૅમ્પસમાં રહેવાની જોકે તેમને સગવડ નહોતી. સાંજે સાત પછી કોઈએ રૂમની બહાર પણ નીકળવાનું નહીં, સંચાલકનું ફૅમિલી ક્વૉર્ટર ખરું, પણ ત્રીસેક વર્ષના વિશ્વદૂત પરણ્યા નહોતા, એકલપંડા આદમીનું મિશન જ ગુરુકુળ હોય એમ તેઓ રચ્યાપચ્યા રહેતા.

‘અત્તુ...’ છેવટે જવા ટાણે અતુલ્યની રૂમમાંથી નીકળતી વેળા અમૂલખભાઈ ભીના સાદે એટલું જ કહી શક્યા, ‘આજે નહીં, કાલે નહીં, બટ વન ડે... એક

દિવસ તું સમજશે કે મારો નિર્ણય યોગ્ય શા માટે હતો-’

અતુલ્ય તો જાણે પથ્થરની દીવાલ. તેની શૂન્યાવકાશભરી નજરે દાઝ્યા હોય એમ અમૂલખભાઈ પૂંઠ ફેરવીને નીકળી ગયેલા...

આમ તો હૉસ્ટેલની એક રૂમમાં ત્રણ વિદ્યાર્થીઓએ રહેવાનું હોય, પરંતુ અપવાદરૂપ કિસ્સામાં વિદ્યાર્થીને અલાયદી રૂમ પણ મળતી. પોતાને આવી સવલત હોવાનું સૂકુન વર્તાતું. કાચબાને જાણે સંકોરાવા માટે ઢાલ મળી ગઈ હતી.

અહીં પણ અતુલ્ય ભાગ્યે જ કોઈ સાથે ભળતો. કસરત, અભ્યાસ, શિસ્તપાલનમાં મન પરોવાતું, પણ જેવો રૂમમાં એકલો પડતો કે વૃંદામાની સૂરત તાદૃશ્ય થઈ જતી. અતુલ્યને મા સાથે વાત કરવાની હૂક ઊઠતી, પણ અઠવાડિયે એકથી વધુ ફોન અલાઉ નહોતા, રૂબરૂ મુલાકાત બે મહિને એક દિવસ પૂરતી

થઈ શકતી.

‘મારું ચાલે તો તને મારા પાલવથી અળગો ન કરું, મારા લાલ-’ દર સોમવારે વૃંદામાનો ફોન આવી જ જાય, ‘રોજ તારા પપ્પા જોડે લડું છું. તેમનો માર ખાઉં છું... પિયરમાંય કોઈ હોય તો તેમની ઓથ રહેત; પણ ખેર, તું મોટો થઈ જા, પછી મને કોઈની સાડાબારી નહીં રહે, અમૂલખની તો નહીં જ.’  

અને અતુલ્યને થતું. કાશ, ફિલ્મોમાં બતાવે એમ થોડી મિનિટોમાં મોટા થઈ શકાતું હોત! પિતાના ખબર તે પૂછતો જ નહીં. ક્યારેક તેમનો ફોન આવે અને સંચાલક ફેવર કરવાની તત્પરતા દાખવે તો અતુલ્ય સલૂકાઈથી કહી દે, ‘તેમને કહી દો, મારી મમ્મી જોડે વાત થઈ ગઈ. નિયમ પ્રમાણે આવતા અઠવાડિયે ફોન કરવા કહી દોને, સર. અને જો બીજી વાર પહેલો ફોન તેમનો આવે તો તો તે સંચાલકનો સાદ પણ વણસાંભળ્યો કરી દે!

‘મા, આવતા સન-ડે મીટિંગ ડે છે. તું આવીશને મને મળવા?’

‘જરૂર આવવાની, મારા લાલ, તને ભાવતા નાસ્તા બનાવામાં જ પરોવાઈ છું આજકાલ.’

અતુલ્ય રૂબરૂ મુલાકાત માટે રવિવારની આતુરતાથી રાહ જોતો હતો. મા આવશે તો શું શું કરવું એની યાદી તૈયાર હતી. આ એક દિવસ માને પપ્પાના ત્રાસમાંથી મુક્તિ તો ખરી. પણ માને બદલે માના મૃત્યુના ખબર આવ્યા હતા.

ગુરુવારની એ બપોરે પોતે ક્લાસમાં હતો અને શિક્ષિકા મયૂરીબહેન વિશ્વદૂતની કૅબિનમાં લઈ ગયા હતા. સૌ કેવા ગંભીર હતા.

‘તારા પપ્પાનો ફોન હતો બેટા, તારે તત્કાલ મુંબઈ જવું પડે એમ છે...’

‘ના, પપ્પાના કૉલે હું નહીં જાઉં. મને મમ્મી સાથે વાત કરાવો.’

અતુલ્યે જીદ પકડી રાખી ત્યારે વિશ્વદૂતે કહેવું પડ્યું, આયેમ સૉરી, યુ લૉટ્સ યૉર મધર.

હેં. ગુરુકુળના સંચાલકની કૅબિનમાં પહેલી વાર આ શબ્દો સાંભળ્યા ત્યારે થયેલું જાણે હૃદય ધબકતું બંધ થઈ ગયું, રગોમાં શીતળતા વ્યાપી ગઈ...

માને બદલે માના મૃત્યુના ખબર આવ્યા હતા. અને એ નૅચરલ ડેથ નહોતું... આ ખબરે મારી સંવેદનાને બધિર કરી મૂકી, ત્યાર પછી ગુરુકુળની લાઇફ પણ ક્યાં સરળ રહી? પપ્પા હંમેશ માટે અસ્પૃશ્ય બની ગયા.

અંતરના ઊંડાણમાં, રક્તના કણકણમાં ઘૃણા પ્રસરી ગઈ છે. એક નામ, એક વ્યક્તિ પ્રત્યે એટલો ધિક્કાર છે કે તેની સામે સાગરમાં પાણી કદાચ ઓછું પડે.

અતુલ્યએ નિ:શ્વાસ નાખ્યો - આઇ હૅટ યુ, અમૂલખ આણંદજી શાહ, ફૉર ઇચ ઍન્ડ એવરી રિઝન!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK