કથા-સપ્તાહ - દેશ-વિદેશ (નારી તું નારાયણી - 4)

‘હું તમને મહેણાં મારીશ એવું તમે વિચાર્યું પણ કેમ?’ ઉષાબહેનના સ્વરમાં હળવો ઠપકો વર્તાયો.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


અઠવાડિયાની લંડનયાત્રામાં અણધાર્યું બની રહ્યું હતું. ગઈ કાલે ૧૨મીની સાંજે પોતે લંડન ઊતર્યાં, આજની સવારે જીવણભાઈ તેમની ટીમ સાથે શુભેચ્છા-મુલાકાતે આવી ૧૫મીની રૅલી અને ચા૨ દિવસ પછીના ટાઉનહૉલ ખાતેના સન્માન-સમારંભની રૂપરેખા આપીને નીકળ્યા એની થોડી વારમાં હોટેલની રૂમનો ઇન્ટરકૉમ રણક્યો હતો : ઉષા, હું અજિત.

અ...જિ....ત! પોતે પડતાં રહી ગયાં. વર્ષો પછી એ જ સ્વર, એ જ લહેકો સાંભળી ઉમડઘૂમડ થતા હૈયાને બીજી પળે પોતે કાબૂમાં લીધું હતું. લંડન આવું ત્યારે સહજપણે જેને સાંભરી લેતી તેને સાંભળવાનો પણ સહજપણે હોય. ભૂતકાળની ઊર્મિઓથી સ્થિતપ્રજ્ઞ બની જવાની અવસ્થા કેળવાયા પછી ઊથલપાથલ ન હોય.

બીજી પળે પોતે સ્વાભાવિક બની ગયેલાં, ‘કેમ છો અજિત? તમારો સાદ સાંભળીને સાચે જ આનંદ થયો. દીકરી કેમ છે?’

તેમની પૃચ્છાથી અજિતરાયની હિંમત બંધાઈ હતી. ‘તેના માટે જ તને મળવું છે ઉષા. અત્યારે તારી હોટેલના રિસેપ્શન પરથી બોલું છું. તું કહે ત્યારે મળવા આવી જાઉં.’

‘આ શું બોલ્યા અજિત.’ ઉષાબહેને ઠપકો દીધેલો, ‘મને મળવા તમારે અપૉઇન્ટમેન્ટ લેવાની ન હોય... અત્યારે જ આવી જાઓ...’

આની ચોથી મિનિટે ડોરબેલ રણકાવનાર અજિતને ભાળીને ઉષાબહેન સ્વસ્થ રહેલાં, ભૂતકાળ ગરજવા નહોતો દીધો - મારી સામેનો પુરુષ ઉર્વશીનો પતિ છે, એક દીકરીનો પિતા છે એટલું જ યાદ રાખવું ઘટે.

વરસો પછી ઉષામાં એ જ નિલતા લાગી અજિતરાયને. એટલી જ રૂપાળી, એવી જ પ્રભાવશાળી. દોડીને ભેટી પડવા જેવો ઉમળકો તો નહીં, પણ તેના હાથ પકડીને ઉમંગ દર્શાવવાનું ન ચૂક્યા તેઓ, ‘સાચે જ આનંદ થયો ઉષા. તારી સિદ્ધિનો મને હંમેશાં ગર્વ રહ્યો છે.’

‘અને મને તમારી સફળતાનો.’ ઉષાબહેનના બોલમાં કટાક્ષ નહોતો.

હૉલની બેઠકે ગોઠવાયા બાદ થોડી ઔપચારિક વાતો થઈ.

‘તારી ષષ્ટિપૂર્તિ વિદેશની ધરતી પર ઊજવાય. એ ધરા પર જ્યાં તેં વસવાનો ઇનકાર ફરમાવ્યો હતો...’ અજિતરાય પૂછી બેઠા, ‘કેવું લાગે છે?’

‘સાચું કહું તો ખૂબ સંકોચ અનુભવું છું. સન્માન-પ્રસિદ્ધિની મેં ખેવના નથી કરી. કલાકાર માટે પ્રેક્ષકની તાળી જેવું ઇનામ કોઈ નહીં.’ ઉષાબહેન હળવું મલકેલાં, ‘બાકી વિદેશની ધરતી પર વસવું તો આજેય મને પસંદ નથી. મેં તો મારા સ્ટાફનેય કહી રાખ્યું છે કે ન કરે નારાયણને મારું મૃત્યુ પરદેશની ભૂમિ પર થાય તોય મારા અંતિમ સંસ્કાર તો મારી ભારતભૂમિ પર જ કરજો.’

‘તું એવી ને એવી જ રહી ઉષા.’

‘બદલાયા તો તમે પણ ક્યાં છો? દેશ છોડવાનો તમને ક્યાં અફસોસ છે?’

‘સાવ એવું નથી...’ અજિતરાય ખચકાયા.

ઉષાબહેન ટટ્ટાર થયાં, ‘શું વાત છે અજિત? તમે દીકરી બાબત મળવાનું બોલ્યા હતા.’

‘એ જ કારણ છે ઉષા. ભલે તું મને મહેણાં મારે, પણ તને જ કહી શકું.’

અત્યારે આના અનુસંધાનમાં ઉષાબહેને દીધેલો ઠપકો સ્વીકારતા હોય એમ અજિતરાયે ડોક ધુણાવી.

‘તારો એ હક છે. આપણી જીવનસંધ્યાનો તફાવત મને આમ કહેવા પ્રેરે છે. હું તો વિદેશની ધૂનમાં નીકળી ગયો, સંસાર વસાવ્યો - તું ન પરણી. પત્નીત્વનો, માતૃત્વનો એ ભોગ નહીં તો બીજું શું?’ અજિતરાયના સ્વરમાં વેદના વર્તાઈ.

‘એને માટે ખુદને દોષ ન દેશો અજિત...’ ઉષાબહેને તેમનો પહોંચો પસવાર્યો, ‘હું જીવન ભરપૂર જીવી છું. તખ્તાને સમર્પિત થયા પછી મેં કશાની ખોટ નથી અનુભવી, તમારી પણ નહીં.’

આમાં દંભ નહોતો. કેવળ પોતાનું મન રાખવા નહોતું કહેવાયું. અજિતે હળવાશ અનુભવી.

‘વલસાડ શો કરવા જતી ત્યારે તમારા ખબર મળતા રહેતા. ઉર્વશી નાની વયે જતી રહી, નહીં?’

‘તેના માટે હું કંઈ ન કરી શક્યો...’ અજિતરાયનું દદર્‍ વહ્યું. ઉષાબહેને પાણીનો પ્યાલો ધર્યો. બે ઘૂંટ લઈને તેમણે નજરો મેળવી, ‘એમ તો મારું જીવન પણ ટાઇમબૉમ્બ જેવું બની ગયું છે, જે ગમે ત્યારે ફાટી પડવાનો.’

€ € €

અજિતરાયની બીમારીનું સાંભળીને ઉષાબહેન હચમચી ગયાં.

‘રિયાને આની જાણ છે?’ અજિતે નકાર દર્શાવતાં તે ઝડપથી બોલી ગયાં, ‘તું રિયાની ચિંતા ન કરીશ. હું એનું ધ્યાન રાખીશ અજિત. તારે મને એની ભલામણ કરવાની ન હોય...’

‘જાણું છું ઉષા... પણ તારે તેને સંભાળવાની નથી, રસ્તા પર આણવાની છે.’

મતલબ?

‘ઉષા રિયાને ફિલ્મોમાં રસ છે.’

ઓહ. અજિતના પેરન્ટ્્સે પોતાને નાટકચેટક કરનારી કહ્યાનું સાંભરી આવ્યું. તેમની પૌત્રીની રુચિ જાણીને તેમણે શું અનુભવ્યું હોત એ વિચારવાને બદલે આમાં મુશ્કેલી શું છે એ જાણવું જોઈએ.

‘રિયાને રસ હોય તો ભલે કામ કરતી, કરીઅર તરીકે પણ ઍક્ટિંગ ખોટી નથી.’

‘મામલો એટલો સરળ નથી ઉષા...’ અજિતરાયને શ્રમ વર્તાયો. ‘રિયા પૉર્ન મૂવીઝની ઍક્ટ્રેસ બનવા માગે છે!’

હેં! ધારણા બહારનું સાંભળી ઉષાબહેન બઘવાયાં.

‘શું કહ્યું તમે?’ તેમનો ચહેરો રતાશ ધારણ કરવા લાગ્યો, ‘રિયાની આ હિંમત! આવું કહેનારી છોકરીને બે તમાચા ન માર્યા તમે! આ કંઈ સારા ઘરની છોકરીનાં લક્ષણો છે?’

‘અહીંની હવા જ એવી છે ઉષા.’ અજિતરાય બચાવની ઢબે બોલ્યા, ‘તેં ક્યારેક દર્શાવેલો સંસ્કાર-સંસ્કૃતિનો ભેદ મને હવે પરખાયો છે... વિદેશની ધરતીએ મારી દીકરીને બગાડવાનું દરેક કારણ આપ્યું.’

પળ પૂરતા તેમને નિહાળીને ઉષાબહેને ઊંડો fવાસ લીધો, ‘નહીં અજિત, કમસે કમ આનો દોષ હું કેવળ અહીંની ધરાને નહીં આપું... એવું હોત તો ઘરે-ઘરે પૉર્નસ્ટાર હોત... માના ગયા પછી તમે દીકરીને સાચવી ન શક્યા અજિત, એનું આ પરિણામ છે.’

આવી વઢની જ રાહ જોતા હોય એમ અજિતરાયનાં અશ્રુ ખરી પડ્યાં.

(પહેલી વાર રિયાના ઇચ્છાની જાણ થઈ ત્યારે હબકી જવાયેલું.

‘વૉટ્સ અપ બેટા, કૉલેજ પછી હવે શું કરવા ધાર્યું છે?’

એક તરફ પોતાની હેલ્થની ચકાસણી ચાલતી હતી, સમાંતરે કૉલેજ પતાવીને ઘરે પરત થયેલી દીકરીને પૂછતાં રિયા થોડી ખચકાઈ હતી. પોતે માન્યું કે કદાચ લવ-લફરાની વાત હશે, પણ લંડનની મુક્ત હવામાં દીકરી આમ શરમાય શાની?

‘કોઈ છોકરો ગમ્યો છે?’ તોય રિયા ચૂપ રહેતાં બીજું અનુમાન ઉચ્ચાર્યું : ‘છોકરો અંગ્રેજ તો નથીને! કે પછી ગુજરાતી હોય ને ઇન્ડિયા મૂવ થવાનું કહે છે? બેઉ સંજોગોમાં વિચારવું પડે.’

‘બ્રેક. થૅન્ક્સ. વાત જુદી છે ડૅડી... મને લગ્નની ઉતાવળ નથી. મારે તો પૉર્નસ્ટાર બનવું છે.’

હેં!)

- ત્યારે અનુભવેલાં તમ્મર અત્યારે પણ અનુભવતા હોય એમ અજિતરાય કંપી ઊઠ્યાં.

‘એ ક્ષણિક ઊભરો નહોતો ઉષા... કૉલેજમાં તેની એકાદ ફ્રેન્ડે પાર્ટટાઇમ પૉર્ન વર્લ્ડમાં કામ કરેલું. તેની સોબતમાં કુમળું મન એવું ઘડાયું કે કોઈ સમજાવટે એ વળવા તૈયાર નથી. છાશવારે મારા નિર્ણયની ઉઘરાણી કરતી દીકરી ઝાઝું રોકાય એમ નથી... મારી આશા તારા પર છે ઉષા. કંઈ પણ કર, તેને રાહ પર આણ.’

‘અથરા ન થાઓ અજિત, આપણે મળીને કંઈક રસ્તો કાઢીશું. રિયાને લપસવા નહીં દઈએ.’

€ € €

માય... માય! રિયા હાંફી ગઈ. સિસિલ્યાની વાતો જ કેવી બહેકાવનારી હોય છે! તેણે કહેલાં સ્ટૅટિસ્ટિક્સ કોઈ પુરુષમાં હોવાં સંભવ છે ખરાં?

‘ક્યાં સુધી આમ દૂર રહીને સીસકારતી રહીશ? ડોન્ટ નો, તને રોકે છે શું?’

‘મેં ડૅડને વાત કરી છે...’

‘ડૅ...ડ!’ સિસિલ્યાએ ફોન રણકાવ્યો, ‘રિયા, તું ક્યાં તો ભોળી છે અને ક્યાં તો મૂરખ. અરે, દુનિયાનો દરેક પુરુષ હોંશથી પૉર્ન જોતો હશે, પણ પોતાની બહેન-દીકરી એમાં કામ કરે એ ક્યારેય મંજૂર નહીં રાખે.’

‘આઇ નો સિસ. હું એકલી છું, ઇન્ડિપેન્ડન્ટ છું; બટ સ્ટીલ... મારે ડૅડીને કન્વિન્સ કરીને આગળ વધવું છે. વી આર ફૅમિલી.’

‘તો-તો તારા ડૅડી માની રહ્યા ને તું તારી અબળખાઓ પૂરી કરી રહી!’ સિસિલ્યાએ રોષ જતાવીને ફોન કાપ્યો.

રિયા થોડી અપસેટ થઈ. સિસે એટલું તો સાચું કહ્યું કે મારે શા માટે ડૅડીની પરમિશન માગવી પણ જોઈએ?

ડૅડીને મેં શરૂથી બિઝી, વેરી બિઝી જ જોયા છે. તેમનું હેત ઓછું નહોતું, પણ સમયની હંમેશાં મારામારી. મમ્મી હતી ત્યાં સુધી બધું બરાબર રહ્યું, પણ પછી પોતે કૉલેજ માટે ઘર બહાર નીકળી એમાં નવી જ દુનિયા

ખૂલી - મુક્તતાની, આઝાદીની.... બૉય્ઝ-ગર્લ્સ કપલની જેમ રહેતાં. સવાર-સાંજ સેક્સની વાતો સામાન્ય હતી.

એમાં હૉસ્ટેલની પોતાની રૂમ-પાર્ટનર સિસિલ્યા પૉર્નના રવાડે ચડેલી જાણીને પહેલાં તો સૂગ થઈ. કૉલેજમાં અમે બહુ અતિ શ્રીમંત ઘરનાં બાળકો એટલે આર્થિક મજબૂરી જેવું કોઈને ન હોય, સિસિલ્યાને પણ નહીં. તોય એ ‘આવા’ રસ્તે ચડી? નથિંગ બટ પૉર્ન?

‘ત્યારે તો તને અંદાજ પણ નથી આ કેટલી કસવાળી ઇન્ડસ્ટ્રી છે! ઍન્ડ મોર ધેન મની ઇટ્્સ ફન.’

કહીને તે પોતાના શૂટના અનુભવો કહેતી, ક્લિપ્સ દેખાડતી ને લોહી ધગી જતું. એકની એક વાતો, એક જ પ્રકારનું વાતાવરણ સમરસ થવા પ્રેરે એમ પોતે પણ પૉર્નસ્ટાર બનવાનાં સમણાં જોતી થઈ ગઈ. સિસ તો હૉસ્ટેલ ડેઝની મંડી પડેલી : તેં હજી વર્જિનિટી નથી ગુમાવી એટલે એ અનુભવને એવી રીતે કંડારાશે કે તું આફરીન પોકારી જઈશ... બોલ, કયો હીરો જોઈશે?’

પૉર્ન વર્લ્ડનાં જાણીતાં નામો, તેમના કામથી રિયા અજાણી

નહોતી રહી; પણ કોણ જાણે કેમ બોલી જવાયેલું : મારે ડૅડીને પૂછવું પડશે... ડોન્ટ વરી, હી ઇઝ વેરી ઓપન-માઇન્ડેડ.

ડૅડીને પૂછવાનું કેમ સૂઝ્યું - ડોન્ટ નો! કદાચ એને જ પરવરિશના સંસ્કાર કહેતા હશે. કૉલેજકાળ દરમ્યાન અમારી વચ્ચે ઘણી દૂરી થતી ગઈ એટલે પણ મને હતું કે ડૅડી મારા સ્વાતંત્ર્ય નિર્ણયનો શું વાંધો લે?

જોકે કૉલેજથી પોતે હંમેશ માટે ઘર પરત થઈ ત્યારે ડૅડી થોડા બદલાયેલા લાગ્યા. ફુરસદના અવકાશવાળા. તેમણે ફ્યુચર પ્લાન વિશે પૂછતાં પોતે વાત મૂકી દીધી... તેમનો આઘાત, તેમનો ગુસ્સો સાચું પૂછો તો સમજ બહાર હતો. પૉર્નસ્ટાર બનવામાં આટલો ખળભળાટ! ઇટ્સ નૉટ ક્રાઇમ. ડૅડી કહે છે, સિસિલ્યાએ મારું બ્રેઇનવૉશ કર્યું છે - રબિશ! તેને એવી શી જરૂર? મારું ફિગર, મારું રૂપ કોઈને પણ ટક્કર મારે એવું છે. સિસે ભલે મને પ્રેરી હોય, નિર્ણય મારો પોતાનો છે... એમાં ક્યાં સુધી ડૅડીના ફેંસલાની રાહ જોવી? અને શું કામ?

અત્યારે પણ રિયાએ બંધનની ગૂંગળામણ અનુભવી. લંડનમાં કયું છોકરું ઍડલ્ટ થયા પછી માબાપને પૂછે છે? સિસને કહી દઉં કે હું તૈયાર છું, તારી ઓળખાણવાળા પ્રોડ્યુસરને કહીને શૂટ અરેન્જ કરાવી દે... આઇ ઍમ ઇગર ટુ લૂઝ વર્જિનિટી.

ડૅડે ૧૫ ઑગસ્ટ સુધીની મુદત આપી છે, એને બદલે કાલની ૧૪ની રાત્રે જ શૂટ પતાવીને મારા નિર્ણયની આઝાદીની ઘોષણા કરી દીધી હોય તો?

તેણે ફોન જોડ્યો : સિસિલ્યા?

€ € €

‘હૅટ્સ ઑફ! ’ માઇકલે સિસિલ્યાને ભીંસી દીધી,

‘છોકરીઓ ફસાવવામાં તારો જવાબ નથી. એમાં આ વખતે તો શું નિશાન સાધ્યું છે. બ્રિટનના મોસ્ટ બિઝી લૉયરની દીકરી!’

સિસિલ્યા મીંઢું મલકી. પોતે ઉમરાવ ઉદ્યોગપતિની દીકરી ખરી; પરંતુ મા વિનાની, સાવકી. જીવનમાં પ્રેમ મYયો નહીં અને સાવકા પિતાની આબરૂ ઉછાળવા પૉર્ન વર્લ્ડના રવાડે ચડવામાં અનેરો નશો ચડતો. પૉર્ન ફિલ્મ કરતાં-કરતાં પોતાના પ્રેમી બની ગયેલા છવ્વીસેક વર્ષના અતિ આકર્ષક માઇકલની સોબતમાં માસૂમ કન્યાઓને ગુમરાહ કરવાની દુષ્પ્રેરણા જાગી. કૉલેજની રૂમ-પાર્ટનર રિયા ઈઝી ટાર્ગેટ જણાઈ. તેય મારી જેમ મા વિનાની, પિતા અત્યંત વ્યસ્ત... એકની એક વાતોથી તેને બહેકાવી. જોકે તેણે પિતાને કન્વિન્સ કરવાનું તૂત પકડી રાખ્યું એ ગમ્યું નહોતું, પણ સૌ સારું જેનું છેવટ સારું!

શું થવાનું હતું એની કોને ખબર હતી?

€ € €

‘ધન્યવાદ જીવણભાઈ...’ ઉષાબહેને ફોન મૂક્યો. અજિતરાય અચરજથી જોઈ રહ્યા. ઉષાએ રિયા ખાતર પોતાનો સ્ટે લંબાવ્યો એ તો ખરું, પણ સન્માન-સમારંભમાં અઠવાડિયાની મુદત નાખી?

‘માની લે આપણી પાસે આ એક અઠવાડિયું છે અજિત, પૂરતું છે. એક ફ્રન્ટ પર ડિટેક્ટિવ કામ કરશે અને...’

‘અને?’

‘અને મારે રિયાની મા બનવાનું છે.’

હેં!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK